
થોડા મહિના પહેલા સાયકલિસ્ટ ફ્રેન્ડ દેવયાનીએ પૂછ્યું કે તેની કોલેજમાં વેબ ડિઝાઇન માટે વિઝિટિંગ ફેકલ્ટીની જરુર છે અને પૂછ્યું કે તું શીખવાડી શકે કે? પહેલાં તો તેનો અભ્યાસક્રમ કેવો છે પૂછ્યું અને એ જોયા પછી લાગ્યું કે આ કામ કરી શકાય તેવું છે.
ઓનલાઇન અને સમય પણ આપણો પ્રિય એવો બપોરનો. એટલે કે અઠવાડિયામાં બે દિવસ મને ૨ થી ૪ ઊંઘવામાંથી મક્તિ! સપ્ટેમ્બરથી જાન્યુઆરી સુધી ભણાવવાનું હતું અને કોલેજ જવાનું નહોતું એટલે કંઇ વાંધો નહોતો. ધાર્યા કરતા શરુઆત સારી થઇ. શરુઆતમાં તો મોટા ભાગની મુશ્કેલીઓ મારા ઝૂમે કરી. લિનક્સ અને ઝૂમને ઝૂમ બરાબર ઝૂમ જેવો સંબંધ. ખાસ કરીને મારું માઇક તો જાણે ફુલ ટાઇટ! વિદ્યાર્થીઓ બિચારા કંઇ બોલે નહી, પણ તેમને ઘણી વખત મારો અવાજ બરોબર સંભળાતો જ નહોતો (હવે ખબર પડીકે લોકો ઓનલાઇન એજ્યુકેશનની મજાક કેમ ઉડાવે છે!). સપ્ટેમ્બર-ઓક્ટોબર અને નવેમ્બર તો ઝૂમ પર ખેંચી કાઢ્યા અને છેવટે દિવાળી પછી જ્યારે ખરેખર કોલેજમાં જવાનો સમય આવ્યો ત્યારે ખરી મુશ્કેલીની શરુઆત થઇ.
એક તો કોલેજ ૯ કિમી દૂર અને બપોરે જમ્યા પછી જવાનું. ઓફલાઇન ક્લાસનો સમય પણ થોડો વધારે હતો, તો ઓફિસનું કામ-કાજ પણ વચ્ચે ન આવે તે રીતે સેટિંગ કરવું શરુઆતમાં થોડું મુશ્કેલ લાગ્યું પણ પછી રીક્ષામાં ત્યાં જવાનું ધાર્યા કરતા આરામદાયક નીવડ્યું અને મુંબઈની સૌથી મોટી સમસ્યા – ટ્રાફિક – અમને ન નડી. એકાદ વખત થયું કે સાઈકલ લઇને જઉં પણ કવિનની સાઈકલ તે સમય દરમિયાન વ્યસ્ત હતી (તેની પણ સ્કૂલ-ક્લાસ વગેરે શરૂ થઇ ગયા હતા). ગીતો સાંભળતા રીક્ષામાં જવાનું અને પાછા આવવાનું. લેક્ચર એકંદરે સારા ગયા પણ સેમિસ્ટર પદ્ધતિમાં સમય ઓછો અને સિલેબસ વધુ – એ તો રહેવાનું જ હતું.
હવે કદાચ પેપર ચેક કરવા જવું પડશે ત્યારે સાઈકલ લઇને જવાની છેલ્લી ઇચ્છા પૂરી થશે અને ફિલ્મ સીટીમાં સાઈકલ ચલાવવાનો કદાચ મોકો પણ મળે 🙂