કમ સપ્ટેમ્બર

* ખબર નહી કેમ પણ સપ્ટેમ્બર મહિનો આવે ત્યારે મને કંઇક થવા લાગે છે (સામાન્ય રીતે મારું ગરમ રહેતું મગજ વધુ ગરમ થાય!). થોડો વિચાર કરતાં લાગ્યું કે આવું સામાન્ય રીતે નવરાત્રી અને દિવાળી વચ્ચે થાય. હવે આ સમય દરમિયાન અમારે પરીક્ષાઓ રહેતી અને આપણને પરીક્ષાઓ ગમતી નહી. આ સાયકોલોજીકલ અસર હજુ છે, એટલે મગજ ગરમ થવું સામાન્ય છે.

અને હા, હેપ્પી ટીચર્સ ડે.

Advertisements

ભણતર વિનાનો ભાર

એમાં થયું એવું કે ગઇકાલે કવિનને હિંદીમાં હોમવર્ક મળ્યું. હોમવર્ક તો ભલે આપ્યું પણ તે શું હતું? હિંદીની ચોપડીમાંથી ચાર પાનાઓ કોપી કરીને બેઠ્ઠા લખવા. હવે મને યાદ છે ત્યાં સુધી મારી શાળામાં આવું કોપી-પેસ્ટ હોમવર્ક તો નહોતું જ મળતું (અને મળતું હશે તો હું પૂરું નહીં કરતો હોઉં!). પણ, હવે ૨૦૧૭માં ICSE શાળાના શિક્ષકો ૧૯૧૭ પ્રકારનું હોમવર્ક આપે ત્યારે થોડું લાગી આવે અને ભાર વિનાનું ભણતર, ભણતર વિનાનો ભાર બની જાય :/

સી.બી.એસ.ઇ

* નો ઓફેન્સ, પણ આ સી.બી.એસ.ઇ ઉર્ફે CBSE વાળા બાળકો પર મને દયા આવે છે. માંડ વર્ષ પત્યું હોય અને સ્કૂલ ચાલુ. એ પણ કાળઝાળ ગરમી ધરાવતા એપ્રિલમાં. મે મહિનામાં પાછું વેકેશન અને ફરી પાછી જૂનમાં સ્કૂલ ચાલુ. ક્યાંક બે મહિના છોકરાઓને હિમાલયમાં ટ્રેકિંગ કે પછી કાશ્મીર-કન્યાકુમારીની સાયકલ રાઇડ પર મોકલવા હોય તોય ન મોકલાય 😉

મજાક જવા દઇએ તો પણ, આ પાછળનો તર્ક મને કોઇ સમજાવશે?

PS: એવું જ મારી બાજુની મરાઠી માધ્યમની શાળાએ કર્યું લાગે છે. હજુય સ્કૂલ ચાલુ છે!

૨૦૧૭

ઇ.સ. ૨૦૧૭ કે વિક્રમ સંવત ૨૦૭૩ હોવા છતાંય અમુક વ્યક્તિઓ..

* સોસાયટીમાં જ્યાં-ત્યાં થૂંકે છે અને કચરો રસ્તા પર ફેંકે છે!
* નજર ઉતારે છે!
* ફોર્વડ ઇમેલ મોકલાવે છે.
* ઇમેલના જવાબમાં ટોપ-પોસ્ટિંગ કરે છે.
* ફેસબુકમાં કારણ વગર ટેગ કરે છે.
* વોટ્સએપમાં ગુડ મોર્નિગ, આફ્ટરનૂન, ઇવનિંગ અને નાઇટનો ધોધ વહેવડાવે છે.
* સોસાયટીના સભ્યો મેઇન્ટનન્સ ન ભરે તો ચાલે, પણ ભાડેથી રહેતા લોકો પાસેથી પૈસા પડાવે છે!
* ફોન કે મેસેજ કર્યા વગર બપોરે ઘરે ટપકી પડે છે.

તા.ક. ૧ – આ બધાં વ્યક્તિઓ અલગ-અલગ છે.
તા.ક. ૨ – બંધ બેસતી ચડ્ડી પહેરવી નહી.

હોમવર્ક

* આજનો પ્રશ્ન: જો હું શાળાજીવન(!) દરમિયાન હોમવર્ક કરવામાં ધાંધિયા કરતો હતો, તો મારો છોકરો શું કામ એવું ન કરે? 🙂

પાવરપોઇન્ટ

* કવિનને બે દિવસ પછી પરીક્ષા છે – પાવરપોઇન્ટની. તેનું પુસ્તક હાથમાં લીધું તો ખબર પડી કે ભાઇ આ તો માઇક્રોસોફ્ટ પાવરપોઇન્ટ ૨૦૦૭ છે. હા, એ જ વર્ષનું સોફ્ટવેર જેમાં કવિનનો જન્મ થયો હતો. બોલો, શું ભલું થશે આ પાવરપોઇન્ટથી? કવિનને લેઆઉટ અને થીમ સમજાવવા ગુગલ ડ્રાઇવ ખોલીને તેને બતાવ્યું તો કવિનને બે ઘડી મજા આવી.

અપડેટ્સ – ૧૯૩

* એક અઠવાડિયામાં કંઇ ખાસ બન્યું નથી પણ વરસાદ પાછો આવ્યો છે – એટલે ફરી પાછું સાયકલિંગ બંધ છે. દોડવાનું થોડું-થોડું ચાલે છે. શનિ-રવિ આરામમાં ગયા. ૧૮૦ કિમી વેલોરેઇડનો પ્લાન પડતો મૂકાતા, ૬૦૦ કિમીનો પ્લાન બનાવ્યો હતો અને તે પણ પડતો મૂકાતા, ઘરે બેસી આરામ કર્યો. હા, ડિકાથલોનમાં ગયા અને મારી એક ટી-શર્ટની સામે કવિનની બે ટી-શર્ટ, એક સીઝન બોલ, એક બેગ અને કેટલીય વસ્તુઓ (પણ મઝાની) લઇ આવ્યા.

* કવિનની સ્કૂલમાં રેન્ડમ પરીક્ષાઓ લેવાય છે. છોકરાંઓનો જીવ જાય છે, અને સ્કૂલ વાળાઓને મઝા આવે છે.

* હાલમાં વંચાતુ પુસ્તક: મને અંધારાં બોલાવે… મને અજવાળાં બોલાવે. આનો અને અપૂર્ણવિરામનો રીવ્યુ આવતી પોસ્ટમાં!

પ્રાઇમ નંબર

* એમાં થયું એવું કે ગઇકાલે કવિન તેનું ગણિતનું હોમવર્ક કરવા બેઠો ત્યારે પ્રાઇમ નંબર અને પ્રાઇમ ફેક્ટરમાં ગોથાં ખાતો હતો. થોડીવાર મેં પણ ગોથાં ખાધાં અને પછી યાદ આવ્યું કે શ્રીનિવાસ રામાનુજન વિશેની ફિલમ જોઇએ તો અમારા પ્રાઇમ નંબર વિશેના ખ્યાલો કેટલાં નબળાં તે પુરવાર થાય. એટલે, રાત્રે કવિન જોડે બેડમિન્ટનમાં ૨-૧ થી હાર્યા પછી આ ફિલમ જોવામાં અને માણવામાં આવી. વિકિપીડિયા પર તે અંગેના લેખો વાંચ્યા અને થોડી ચર્ચાઓ પણ ચાલી.

સરસ ફિલમ. જોવા જેવી.

* રાત્રે સ્વપ્નમાં પણ ૧૭૨૯ નંબર દેખાયો.

જીવનનું સત્ય

… કવિને શોધી કાઢ્યું છે 😀

હાર જ જીવન છે!

જ્યારે અમે નાના હતાં – પીટી

* આજે સવારે પીટી (ફિઝિકલ એજ્યુકેશન) વિશેકંઇક વાત નીકળી ત્યારે થયું કે આના પર એકાદ પોસ્ટ લખી શકાય.

* પીટી એટલે કે ફિઝિકલ એજ્યુકેશન એમ તો અમારો પ્રિય વિષય. કારણ કે, એમાં વર્ગખંડની બહાર અધિકૃત રીતે પગ મૂકવા મળે (અન્ય રીતે પગ મૂકવામાં તો, ૧. જ્યારે શાળા પૂરી થાય, ૨. જ્યારે શિક્ષક વર્ગખંડની બહાર સજારુપે ઉભા રાખેનો સમાવેશ થતો હતો) અને રમવા મળે. ૨ થી ૪માં તો આ વિષયમાં શું કર્યું એ યાદ નથી. પણ, ધોરણ ૫ પછી તેનો ટાઇમટેબલમાં સમાવેશ થતો હતો. દુર્ભાગ્યે, પીટી શિક્ષકોને ફિઝિકલ શબ્દ બહુ ગમતો હોય એમ લાગે છે. તેઓ સીધાં ફિઝિકલ સજા જ કરતાં. એમનું કામ વાસ્તવમાં તો એજ્યુકેશન આપવાનું હતું, પણ તેઓ મોટાભાગે વિદ્યાર્થીઓને મારઝૂડ કરવામાં અગ્રેસર રહેતા. અન્ય કામોમાં, એમ.ડી. (માસ ડ્રીલ) કરાવવી, ખો-ખો રમાડવી, પરીક્ષા લેવી વગેરેનો સમાવેશ થતો હતો.

હજુ યાદ છે કે ૧૦મા (કે ૯મા) ધોરણની પ્રાયોગિક પરીક્ષા માટે ૨૦ સેકંડમાં ૧૦૦ મીટર દોડવાનું હતું, જે હું દોડી શક્યો નહોતો. કાશ, એ વખતે દોડવાનું માત્ર પરીક્ષા વખતે હોવાની જગ્યાએ દરરોજ કરાવાતું હોત તો? જે હોય તે, પીટીની યાદો કડવી છે. હું તો બહુ માર ખાવામાંથી બચતો, પણ અન્ય કમનશીબ વિદ્યાર્થીઓને ભાગે હંમેશા માર ખાવાનો આવતો.

પીટીના સર્વ શિક્ષકોની યાદ સાથે. અસ્તુ.

અપડેટ્સ #૧૭૭

#ઘણાં #લોકોને #દરેક #જગ્યાએ #હેશટેગ #લગાવવાની #આદત #હોય #છે, #એટલે #આ #આખી #પોસ્ટ #હેશટેગ્સમાં!

* #કવિનની #નવી #સાયકલ #આવી #ગઇ #છે. #સરસ #એમટીબી. #સાથે #ડિસ્ક #બ્રેક #પણ #ખરી. #ગીયર્સવાળી #સાયકલ #અમે #પૈસા #બચાવવા #માટે #ન #લીધી #પણ #તેથી #બહુ #ફરક #પડશે #નહી. #આમેય, #હજુ #એકાદ #વર્ષ #તે #સોસાયટીમાં #આંટા #જ #મારશે.

નવી સાયકલ

* #સાથેસાથ #કવિનની #સ્કૂલ #પણ #આજથી #શરુ #થાય #છે #એટલે #દોડાદોડી #અને #આરામ #બંનેનો #અનુભવ #આખા #દિવસ #દરમિયાન #થશે. #સવારે #તો #ઓહ #માય. #બપોરે #આરામ. #સાંજે #ફરી #ઓય #માય. #આવું #તો #રહેવાનું #જ.

* #સાયકલિંગ #ધીમે-ધીમે #ફરી #શરુ #કરવામાં #આવ્યું. #અને #હા, #રવિવારે #વસઈ-વિરાર #હાફ #મેરેથોન #દોડવામાં #આવી. #સરસ #મેરેથોન. #મુંબઈમાં #એટલિસ્ટ #બે #સારી #મેરેથોન #થાય #છે. #મુંબઈ #મેરેથોન #અને #વસઈ-વિરાર. #બાકી #બધો #કચરો #અને #પૈસાનો #બગાડ #એટલે #આખા #વર્ષમાં #મુંબઈમાં #તો #આ #બે #જ #મેરેથોન #દોડવામાં #આવશે.

* #બાકી #અસહિષ્ણુસતા #છે 🙂

RIP: પિનાકિનભાઈ જાની

* આજે ફેસબુક પર સમાચાર મળ્યાં કે મારી શાળાના શિક્ષક પિનાકિનભાઈ જાની હવે રહ્યાં નથી. RIP, સર!

* તેમની પાસે હું એક જ વર્ષ (પાંચમાં) ધોરણમાં ભણ્યો. તેઓ સમાજશાસ્ત્ર (કે સમાજ વિદ્યા કે ટૂંકમાં સ.શા.) નો વિષય ભણાવતા હતા. સાથે-સાથે બોય સ્કાઉટ પણ. અને સાથે-સાથ એકદમ કડક પણ. તેમની ભણાવવાની રીત પણ સામાન્ય શિક્ષકો કરતાં અનોખી હતી. એકદમ મજા આવે. મોટાભાગે તેમનાં કડક સ્વભાવને કારણે તોફાની વિદ્યાર્થીઓમાં અને ચાંપલા વિદ્યાર્થીઓમાં તેઓ અળખામણાં બનેલા.

* ક્યારેક એવું થાય કે આપણે કોઇ વસ્તુ કે વ્યક્તિ ગુમાવીએ ત્યારે તેની મહત્તા સમજાય. આઠમાં-નવમાં અને પછી કોલેજમાં આવ્યો ત્યારે ખબર પડીકે પિનાકિનભાઇ તેમનાં સમય કરતાં આગળ હતા.

અલવિદા, સર!

જ્યારે અમે નાના હતાં – ૯૯ ટકા

જૂની સીરીઝ યાદ આવી.

ચોથા ધોરણમાં હતો ત્યારે અમારી શાળામાં બહારથી (એટલે કે બીજી શાળામાંથી) એક નવી છોકરી આવેલી – નિયતી (કે એવું કંઇક નામ હતું). થોડા વખતમાં ખબર પડી કે એ તો બહુ હોશિંયાર છે. પહેલી પરીક્ષાનું એનું પરિણામ આવ્યું – ૯૯ ટકા. હા, ૯૯ ટકા. અમે તો ભારે શોકમાં આવી ગયા. કારણ? અમારા હોશિંયાર મિત્રો તો આજુ-બાજુ દેખાતા જ નહોતા (ઉમંગ, ભરત?) (અમને તો ગણવા જ નહી). એટલું જ નહી ભણવા ઉપરાંત તે નાટક, વકૃતત્વ વગેરેમાં પણ એટલી જ હોશિંયાર. એ એક જ વર્ષ અમારી શાળામાં રહી. પાંચમાં ધોરણમાં મોટી શાળા (વિનય મંદિરમાં) ગયા પછી કદાચ તેણે શહેર બદલ્યું. અત્યારે કહેતા શરમ આવે પણ મને એ વખતે આનંદ થયો કારણ કે મારો એક નંબર ઉપર આવ્યો 😉 અને પેલા આઘાતમાંથી થોડી રાહત મળી.

PS: આ પોસ્ટ કાલનાં આપ ના પરિણામો જોઇને યાદ આવી છે.

સોરી!

* અમારા ઘરે રાતના વાસણ માંજવા માટે એક બાઇ આવે છે. થોડા દિવસથી તેની દસેક વર્ષની છોકરીને મોકલતી હતી કારણ કે તેને આંખમાં કંઇક ઇન્ફેકશન થયું હતું. અમને એમ કે બે દિવસમાં તે પાછી આવી જશે પણ ન આવી. મને પણ વિચાર આવ્યો કે આ તો ચાઇલ્ડ લેબર કહેવાય. વળી, આગલા દિવસે તેના કામમાંય ભલીવાર નહોતો (એ સેકન્ડરી વાત હતી, કામમાં તો કોઇ કામવાળાનો ભલીવાર આવતો નથી). એટલે, અમે તેને કહ્યું કે તારી મમ્મી કેમ નથી આવતી?

છોકરી: મારી મમ્મીને અત્યારે બહુ કામ છે એટલે હું તેની મદદ કરાવવા આવું છું.

અમે: આ વાસણ સરખાં ધોયા નથી.

છોકરી: સોરી, હોં. કાલથી બરાબર ધોઇશ.

અમારી તો આંખો ભરાઇ આવી. ફાઇનલી, તેણે અમારી વાત સમજી. કારણ કે, એની મમ્મીને ગુજરાતી તો ઠીક, હિન્દીમાંય સમજ પડતી નથી. સારી વાત છે કે, આ છોકરી તેના ગામડે ભણી રહી છે. આશા રાખીએ કે એ ભણવાનું ચાલુ રાખે.

PS: આ ફિલ્મો, સિરિયલોમાં નાનાં છોકરાંઓને કામ કરાવે છે એ ચાઇલ્ડ લેબર કહેવાય?

અપડેટ્સ – ૧૨૫

* થાણે હાફ મેરેથોન પૂરી કરી અને આરામથી પગને તકલીફ આપ્યા વગર ૨ ક ૧૭ મિ ૧૨ સે (ઓફિસિયલ ટાઇમિંગ) માં દોડવામાં આવ્યું. સવારે અહીંથી થાણે પહોંચ્યા ત્યારે આગલા દિવસના વરસાદને કારણે વાતાવરણ સરસ ઠંડક વાળું હતું. ત્યાં વાર્મ અપ કરીને બધાંને મળ્યાં, ગપ્પાં માર્યા અને થોડીવારમાં દોડ શરુ થઇ. ખબર હતી તેમ થાણેનો રેસ રુટ ઉતાર-ચઢાવ વાળો હતો પણ પહેલાં ૧૦.૫ કિલોમીટર સારા ગયા પણ પછી જ્યાં પણ ચઢાણ આવે ત્યાં ચાલવાનું શરુ કર્યું. અમદાવાદની જેમ અહીં પણ કેટલાંય કિલોમીટરનાં માર્કિંગ ખોટાં હતાં. ખાસ કરીને છેલ્લાં ૫૦૦ મીટરમાં લોકોને બહુ તકલીફ પડી. થાણેની પબ્લિક ઠંડીને કારણે ખાસ બહાર નીકળતી લાગતી નથી એવું લાગ્યું, પણ ઓવરઓલ બધી વ્યવસ્થા મસ્ત હતી. રેસ પત્યાં પછી પણ ઢગલાબંધ વાતો, ફોટા અને ચેમ્બુરનાં શીખ રનર્સ દ્વારા રાખવામાં આવેલ છોલે-કુલ્ચા ખાધાં. પોસ્ટ રેસ બ્રેકફાસ્ટ પણ સારો હતો (હેલો, SCMM અને અમદાવાદ!!). એક મેન્ડેટરી પોસ્ટ-રેસ ફોટો અહીં જોવા મળશે, એટલે વર્ડપ્રેસની જગ્યા બગાડતો નથી.

* પગ ઇઝ નોટ ઓકે, માઇન્ડ ઇઝ. એટલે, ૨૩ તારીખે બીજી એક ૧૦ કિલોમીટરમાં (બાંદ્રા) જવાનું પ્લાનિંગ કરી લીધું છે. ત્યાં સુધી થોડું ઠીક થઇ જશે, પણ એ પહેલાં ડોક્ટરની એકાદ મુલાકાત થઇ જાય એમ લાગે છે.

* અને, રેસ પર અસર પાડતી મોટ્ટી વસ્તુ? શનિવારે પુણે આંટો મારવો પડ્યો. વર્ષો પછી એટલે કે ૨૦૦૭ પછી બીજી વખત ગ્નુનિફાયમાં ગયો. એ જ બિલ્ડિંગ, એ જ સ્ટાન્ડર્ડ પબ્લિક (કોલેજનાં લોકો) અને એ જ સ્ટાન્ડર્ડ સ્પીકર ઇઝ ધ કિંગ . ગ્નુનિફાયની એક સારી વસ્તુ છે કે એ લોકો મહેનતથી દર વર્ષે આ કોન્ફરન્સ જાણે અભ્યાસક્રમનો ભાગ હોય તેમ આયોજન કરે છે, અને આ ખરાબ વસ્તુ પણ છે. જે બેચ કોન્ફરન્સનું આયોજન કરે છે, એમના સિવાય બાકીની બેચને આ વિશે કોઇ રસ જણાતો હોય એમ લાગતું નથી. પણ, મારા માટે આ ટ્રીપ યાદગાર બની કારણ? કિટાણું? ના, પહેલી વખત સવારે ટ્રેન મિસ થઇ ગઇ અને ન છૂટકે બસમાં જવું પડ્યું!

* સોમવારની શરુઆત અને હવે આખું વીક મસ્ત બીઝી. વિકએન્ડની અત્યારથી જ રાહ જોવાય છે 🙂