ઇલેક્શન રીઝલ્ટ સ્પેશિઅલ

* કેમ ભઇ, બધાં લોકો મંડી પડે તો અમે કેમ બાકી રહી જઇએ? આ બ્લોગને ૨૦૦૭ અને ૨૦૧૨ બન્નેમાં ગુજરાતની ચૂંટણી જોવાનો મોકો મળ્યો છે. અને, આ પાંચ વર્ષમાં ચાર-સાડા ચાર વર્ષ હું ગુજરાતમાં હતો એટલે હું જે કંઇ લખીશ એ દિલ્હીથી ચેનલ ચલાવતા લોકો જેવો બકવાસ તો નહી જ હોય🙂

૧. ગુજરાતનાં લોકો મૂર્ખ નથી. એમને ખબર છે કે અત્યાર સુધી કઇ સરકારે ચૂંટણીમાં આપેલા વચનો પાળ્યા છે. પાળ્યા છે તો એ આપેલી વસ્તુઓની ક્વોલિટી (ઘર, લેપટોપ કે ટેબ્લેટ) કેવી રહી છે. ગુજરાતી કદાચ મફત લેવા માટે લલચાશે પણ એ વસ્તુમાં સરવાળે ફાયદો કે નુકશાન – એ મહત્વનું છે. વોટ કરતાં ટેબ્લેટ સસ્તું? ના, ભાઇ ના.

૨. ૨૦૦૨-૨૦૦૭નાં પ્રમાણમાં આ વખતે ગોધરાકાંડ કે કોમી તોફાનોનો મુદ્દો ઓછો ઉછળ્યો. મનેય નવાઇ લાગી.

૩. કેટલાંક હારવા જેવા લોકો જીતી ગયા, જીતવા જેવા લોકો હારી ગયા (eg જયનારાયણ વ્યાસ).

૪. કેટલાંક બ્લોગબાબાઓ બહુ ધમપછાડા કર્યા. ઠંડ રખ, ભાઇ ઠંડ. મજા આવી ગઇ.

૫. હા, મોદીજીને અભિનંદન. આશા રાખીએ કે હવે પાંચ વર્ષમાં ગુજરાત વધુને વધુ પ્રગતિ કરે. અમારી તો એવી ઇચ્છા કે, આ વિકાસનો ચેપ દેશનાં બીજા રાજ્યોને પણ લાગે!🙂

૬. ઓવરઓલ, ભાજપે કોંગ્રેસ પાસેથી ઘણું શીખવા જેવું છે, અને પોતાની પાસેથી ઘણું ભૂલવા જેવું છે. થોડામાં ઘનું સમજવા જેવું છે.

૭. અને, આ એક્ટરોને ટિકિટ આપવાનું સદંતર માંડી વાળવું ન જોઇએ?

૮. ગમે તે હોય, પણ જીપીપીને કારણે ભાજપને એટલિસ્ટ ૮ થી ૧૦ સીટોનું નુકશાન થયું. જ્ઞાતિવાદનો પરાજય થયો, પણ હજીયે લોકો સુધરતા વાર લાગશે.

૯. સૌથી ચિંતાજનક વાત કે ગુજરાતમાં NCP, GPP, કે JD જેવી પાર્ટીઓએ ખાતું ખોલ્યું. સ્થાનિક પાર્ટી ઓવરઓલ નોટ ગુડ ફોર હેલ્થ!

૧૦. અને, પાલનપુરમાં કોંગ્રેસ. ઉપ્સ!😦

જ્યારે અમે નાના હતાં – નામ

* નામમાં શું રાખ્યું છે? પણ, મને મારું નામ બાળપણથી ગમે છે😉 નામ જોડે સંબંધિત થોડીક અસ્તવ્યસ્ત યાદો.

શિશુશાળામાં (ધોરણ ૨, ૩ અને ૪) હતો ત્યારે તો ઠીક હતું, પણ બોર્ડ પર તેજસ્વી વિધાર્થીઓના નામ લખેલા જોઇને મને પણ કંઇક થતું કે મારું પણ નામ ત્યાં હોય. ખેર, પછી ધ્યાનથી જોયું કે ત્યાં નામ આ રીતે લખાય છે: ‘નામ પપ્પાનુંનામ અટક’ હવે એવું થયું કે એક નામ લખાયું હતું, wxyz બા. abcd (જે અમારી સ્કૂલની એક તેજસ્વી સિનિયર હતી, આઇ મીન હજી છે). તરત થયું કે આપણું નામ અહીં આવે તો આની જેમ જ નામ બગડે. ચોકડી. અને, બોર્ડ પર નામ તો શું આવે? ખાક?😉 પણ, મહાભારત વાંચ્યા પછી અમને અમારું નામ ગમવા માંડ્યું. કેમ? કારણકે: કાબે અર્જુન લૂટિયો. કા.બા. મિસ્ત્રી🙂

અને, જ્યારે હાજરી લેતા હોય અથવા નામ બોલાવીને કંઇક પૂછાતું હોય ત્યારે મારે બહુ ધ્યાન રાખવું પડતું. ભારતી નામ તમે ઝડપથી બોલો તો કાર્તિક બોલાતું હોય એવું લાગે. કેટલીય વાર કન્ફ્યુઝન થયું. ડચડચડચ.

પાંચમાં ધોરણ પછી મારા નવાં નામો પડવાની શરુઆત થઇ. નાનાં નાકને કારણે ચીની, નેપાળી વગેરે નામ પ્રચલિત બન્યા (અને એકાદ તો હજીયે એ નામથી બોલાવે છે!). એકાદ વર્ષ તો અમારું ઉપનામ ‘સાયન્ટિસ્ટ’ પણ પડ્યું. મજાના દિવસો હતા એ તો!

અને, હવે એ જ મિ. કાર્તિક. વોટ. હા. એકાદ જગ્યાએ લોગીન નામ, kami છે, એટલું બહુ છે.

જ્યારે અમે નાના હતાં – વિડીઓ ગેમ્સ

* મને યાદ છે ત્યાં સુધી હું ત્રીજા કે ચોથામાં હતો (૧૯૮૭-૮૮) ત્યારે મામાના ઘરે સિંગાપોરથી લાવેલી હેન્ડ-હેલ્ડ વિડીઓ ગેમ જોયેલી અને અમે તેની પાછળ ગાંડા થઇ ગયેલા. એ વખતે ગેમ્સમાં આખો સ્ક્રિન ડાયનેમિક નહોતો, થોડું ડ્રોઇંગ અંદર કરેલું હોય, ડિસ્પ્લે પર પછી LCDથી ઇમેજ બને જે આપણે કંટ્રોલ્સ વડે ઓપરેટ કરવાની. આખા કોન્સોલમાં એક જ ગેમ. એ પહેલાં મામાએ ઘરે જાતે ટીવી પર ચાલતી વિડીઓ ગેમ બનાવેલી (પોંગ. કદાચ ઇલેકટ્રોનિક્સ ફોર યુમાં આવેલી). પછી તો, અમેય ફૂટબોલ વાળી એક ગેમ ક્યાંકથી લાવેલા અને આખેઆખું વેકેશન એ ગેમ રમીને વિતાવેલું. કાળક્રમે કંટ્રોલ બગડી ગયેલા અને પછી અમે તેને ખોલીને અંદર જોવાનો પ્રયત્ન પણ કરેલો. કંઇ મજા ના આવેલી😉

પછી, અમને Atariની ટીવી પર રમાતી વિડીઓ ગેમ લાવી આપવામાં આવેલી જે સાથે આવેલી સૌથી પહેલી ગેમ હતી – પેકમેન! એક જ કેસેટ, થોડા સમયમાં બધાં કંટાળ્યા અને બીજી બે કેસેટ્સ લાવવામાં આવેલી. પછી તો વેકેશન અને બધાં દિવસો અને બધી રાતો એમાંજ પસાર થતી. જોયસ્ટિક એકદમ સરસ હતી એટલે મજા આવતી. પછી તો, જોયસ્ટિકની સ્ટિક પણ હાથમાં આવી ગયેલી એટલી હદ સુધી બધાંએ તેમાં સમય પસાર કર્યો. આ કોન્સોલ કદાચ ત્રણેક વર્ષ ચાલ્યું અને પછી કંઇક અંદર બગડ્યું એટલે અમે કોઇને આપી દીધેલી અને પછી આવ્યું વિડીઓ ગેમ્સ ઇન્ડસ્ટ્રી સાથેનું મોટ્ટું વેકેશન. મને યાદ નથી કે સાતમાં ધોરણથી શરુ કરીને છેક અગિયારમાં સુધી કોઇ ગેમ રમી હોય. કદાચ કોઇ મિત્રોના ઘરે થોડીવાર રમી હશે (પિયુષના ઘરે અમે બોમ્બરમેન કે ઓથેલો રમતા). થોડો સમય કોમ્પ્યુટર ક્લાસિસ કરેલા ત્યાં અમને વિન્ડોઝ ૩.૧ પર સોલિટેર રમવા મળેલી. અને, પછી કદાચ કોલેજમાં NIIT માં પૈસા બગાડેલા ત્યાં થોડી એડવાન્સ ગેમ રમતા એવું યાદ છે.

ઓહ, એના પરથી યાદ આવ્યું કે, જ્યારે અમે નાના હતાં – કોમ્પ્યુટર ક્લાસિસ કે કોમ્પ્યુટર એવી પોસ્ટ લખી શકાય!

જ્યારે અમે નાના હતાં – કેસેટ્સ

* આ પોસ્ટની પ્રેરણા: પાપા કહેતે હૈ – યુવરાજ જાડેજા

જ્યારે સીડી-ડીવીડી કે mp3 નો જમાનો નહોતો ત્યારે પેલી કેસેટ્સની ધૂમ હતી. મને યાદ છે કે મારા મામાએ જાતે અમને કેસેટ પ્લેયર (વત્તા બે સ્પિકર્સ) બનાવીને આપેલા (હું ત્યારે ૧ કે ૨માં હતો), ત્યારથી મને કેસેટ્સ વત્તા સંગીત (આઇ મીન, ગીતો. પેલું શાસ્ત્રીય સંગીત નહી) જોડે લગાવ થઇ ગયેલો. મને કહેવામાં આવેલ કે બેતાબ મુવીનું પેલું ગીત બાદલ યું ગરજતા હૈ જોઇને હું ડરીને સૂઇ જતો અને મૌસમ માસુમના ગીતો મને બહુ ગમતા (લકડી કી કાઠી..). કાળક્રમે સંગીતમાંથી વાંચન તરફ આપણે વળ્યાં અને પેલાં મ્યુઝિક સિસ્ટમ તરફ કોઇએ ધ્યાન ન આપ્યું. તેમાં છતાંય, માઇકલ જેક્શનની એક કેસેટ મને કોઇએ આપેલી તેમાંથી Beat it ગીત હું વારંવાર વગાડ્યા કરતો એ યાદ છે.

તે પછી છેક આઠમા ધોરણમાં આપ્યા પછી બાબા સાયગલના રેપ સોંગ્સથી આપણો સંગીત પ્રેમ પાછો જાગૃત થયો. ઠંડા ઠંડા પાનીની ડુપ્લિકેટ કેસેટ આપણે ખરીદી. ખબર છે, ક્યાંથી? અંબાજીમાંથી. પછી તો જ્યારે પણ અંબાજી જવાનું થાય, કેસેટ ઉપાડતા આવીએ. આવી જ રીતે પાલનપુરમાં પણ બે-ત્રણ કેસેટ સ્ટોર્સ અમારા ફેવરિટ બન્યા. ૨૦ કે ૨૫ રુપિયામાં આવતી કેસેટ અમને બહુ વ્હાલી લાગતી. શરુઆતમાં તો ખરીદી પણ, પછી મોંઘી પડવા લાગી એટલે બ્લેન્ક કેસેટ વડે રેકોર્ડિંગ પણ કરાવવાનું શરુ કર્યું. વિનય અને ધવલ પાસે ડબલ કેસેટ રેકોર્ડર હતું જે અમારા માટે વરદાન રુપ નીવડ્યું. નવમાં ધોરણમાં તો અંગ્રેજી ગીતોનો શોખ ઉપડ્યો (ડૉ. આલ્બન, એસ ઓફ બેઝ, સેવેજ ગાર્ડન (હમણાં જ ખબર પડી કે એની એક બેન્ડ મેમ્બરને અમે છોકરી સમજતાં હતાં તે તો હકીકતમાં છોકરો છે ;)). કેસેટ્સની અદલા-બદલી બહુ ધાર્મિક કામ ગણાતું અને આ કાર્યક્રમ છેક ૧૨મા કે કોલેજ સુધી ચાલ્યો. પછી, જ્યારે સીડીનો જમાનો આવ્યો ત્યારે વિનય પાસે સીડી પ્લેયર આવ્યું ત્યારે અમને એટલી નવાઇ લાગી કે વાત ન પૂછો. નિરવ અમેરિકા ગયેલો ત્યાંથી કોમ્પ્યુટરની કોઇક સીડી લાવેલો તે મેં જોયેલી કદાચ પહેલી કોમ્પ્યુટર સીડી હતી.

હોસ્ટેલમાં ગયા પછી પેલી મ્યુઝિક સિસ્ટમ બગડી (જાતે બનાવેલી સિસ્ટમ કેટલા વર્ષ ચાલી? ૧૪-૧૫ વર્ષ!! અને તેની સાથે અત્યારના પ્લેયર્સની સરખામણી કરીએ તો?) અને કદાચ હજીયે પાલનપુર પડી છે. કેસેટ્સ હજી પણ સાચવી રાખી છે (કદાચ ન પણ હોય). પણ, એકાદ કેસેટ સાચવી રાખવા જેવી ખરી. છેલ્લી વખત પાલનપુર ગયા ત્યારે કવિનને બતાવેલી, પણ તેણે કંઇ ખાસ રસ ન બતાવ્યો😦 જનરેશન ગેપ, બીજુ શું?🙂

અપડેટ: મૌસમ –> માસુમ. થેન્ક્સ, વિનયભાઇ.

જ્યારે અમે નાના હતાં – ફિલ્મો

* જ્યારે અમે નાના હતાં, ત્યારે પાલનપુરમાં થિએટરમાં ફિલમ જોવા જતાં હતાં. એ વખતે બે થિએટર. એક સીટીલાઇટ અને બીજું કોઝી. ડિક્ષનરીનો ઉપયોગ કરતાં આવડ્યું ત્યારે ખબર પડી કે કોઝી એટલે આરામદાયક થાય. ત્યાર પછી, આરામદાયકની વ્યાખ્યા મનમાં બદલાઇ ગઇ હતી😉

* મને યાદ છે ત્યાં સુધી, બેતાબરામ તેરી ગંગા મેલીનાગિન – આ ફિલ્મો અમે થિએટરમાં જોઇ હતી. અને, મારી મેમરીને દાદ દેવી પડે કે હજીયે એમાના કેટલાય સીન યાદ છે (ઓકે, મંદાકિની વાળા નહી, વહેતી ગંગા કે પછી બેતાબનો ઘોડો કે પછી નાગિનની શ્રીદેવીનો ડાન્સ વગેરે..).

ટારઝન અને શીબા – ધ જંગલ ક્વિન, પણ થિએટરમાં જોયેલાં. વર્ષો પછી ખબર પડી કે ઓહો, અમે આવી ફિલ્મો થિએટરમાં જોયેલી?😉 બન્ને થિએટરની ફિલ્મોના પોસ્ટર દિલ્હી ગેટ પાસે રુપાલી ચાના થાંભલા આગળ લાગતા એટલે સ્કૂલ જતાં-આવતાં લેટેસ્ટ ફિલ્મોના સમાચાર મળતા રહેતા.

* ચોથા કે પાંચમા ધોરણમાં ઘરે VCP (Video Cassette Player) અને પછી VCR (Video Cassette Recorder) આવ્યું અને એ વખતે વિડિઓ કેસેટ લાઇબ્રેરીઓનો રાફડો ફાટેલો. ત્રણેક કેસેટવાળાઓને ત્યાં અમે મેમ્બરશીપ લીધેલી અને છઠ્ઠાથી મને અંગ્રેજી ફિલ્મોનો શોખ લાગેલો. મારા ફઇનો દીકરો મારાથી છ વર્ષ મોટો હોવાથી તેની પાસેથી સારા-સારા પિક્ચરોનું લિસ્ટ અમે લીધેલું. એલિયન્સ અને ટર્મિનેટર – ૨ (૧૯૯૨), જોયા પછી અમારો સાયન્સ-ફિક્શન પ્રત્યે લગાવ બેવડાઇ ગયો હતો. ખેર, VCR ગયા પછી, ફિલ્મો જોવાનું તદ્ન ઓછું થઇ ગયેલું પણ ત્યાં સુધી કેબલ ટીવી આવી ગયેલા અને ફિલ્મોની જગ્યાએ વાંચનનો સારો (ગણાતો) શોખ લાગ્યો હતો.

અને, એલિયન્સ અને ટર્મિનેટર – ૨ હજી પણ અમારી ફેવરિટ ફિલ્મો છે. એલિયન્સ તો મન થાય તો વારંવાર જોવામાં આવે છે..

હેપ્પી ધુળેટી!

* બધાં બ્લોગવાચકોને “હેપ્પી ધુળેટી”. ‘કોરી ધુળેટી’ની જગ્યાએ તમે ‘ભીની ધુળેટી’ રમો એવી શુભેચ્છાઓ. કવિન આ પોસ્ટ લખાય છે ત્યાં લોકો ઉપર પાણી ઉડાવવામાં વ્યસ્ત છે. અમે આરામથી બેઠા છીએ અને ખજૂર ખાઈએ છીએ..

હેપ્પી ધુળેટી, માર્ચ ૧૯૮૩.

હિન્ટ: હું ડાબેથી પ્રથમ😉
સમયગાળો: માર્ચ, ૧૯૮૩.

અપડેટ્સ

* ફરી પાલનપુરની એક ઝડપી મુલાકાત અને સામાજીક પ્રસંગ. પણ, બધાં ભેગા થાય એટલે જલ્સા પડે. કવિન આ વખતે પહેલી વખત અમારાથી બે દિવસ એકલો એના દાદી જોડે રહ્યો. સૌથી મોટી વાત એ કે તેને લોકોને બહુ હેરાન ન કર્યા અને મજા કરી.

* બારકેમ્પ ૪ મિસ થયો. પણ, એના રીપોર્ટ સારા આવ્યા છે. સંચાલકો, વોલિયન્ટર્સને અભિનંદન!

* હજી ફેબ્રુઆરી પત્યો નથી અને ગરમી પડવાની સરસ શરુઆત થઈ છે. ક્યાંક વાંચ્યું છે કે આ વખતે અમદાવાદમાં ૫૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જવાનું છે! તાપમાન વધવાની સૌપ્રથમ  અસર મારા લેપટોપ પર દેખાય છે. કૂલિંગ પેડ લાવવાનું વસૂલ થશે એમ લાગે છે.

* કિન્ડલનો રીવ્યુ કાલે કે પરમ દિવસે પાક્કો. બહુ આશા ન રાખજો કે રીવ્યુ સારો હોય, કારણ કે કિન્ડલ એ ખાસ US માટેનું ઉપકરણ છે. ખાટલે સૌથી મોટી ખોડ એ છે કે ફ્રી એપ્લિકેશન્સ ડાઉનલોડ કરવા માટે પણ તમારે અમેરિકાનું ક્રેડિટ કાર્ડ જોઈએ. એટલે હવે, તેના પર એન્ડ્રોઈડ નાખ્યા વગર ઉધ્ધાર નથી. અત્યારે અક્ષરનાદના ઈ-પુસ્તકો વંચાઈ રહ્યા છે. તમે તેને અહીંથી ડાઉનલોડ કરી શકો છો. ડિઅર, ગુજરાતી પ્રકાશકો, જરા જાગશો?