ધ ટેટૂ

* આજે એરપોર્ટ પર બોર્ડિંગ પાસની કતારમાં ઉભો હતો ત્યારે આગળ અને પાછળ લગભગ બધા લોકોના હાથમાં સરસ ટેટૂ હતા. આ જોઇને મારો હાથતો મને ફિક્કો લાગ્યો. આગળ જઇને એક જગ્યાએ નાસ્તો કરવા બેઠો ત્યાં સામે લગભગ મારા સાયકલિંગ ટેટૂ જેવું જ ટેટૂ એક જણના હાથમાં દેખાયું. હવે રહેવાયું નહી અને હાય-હેલ્લો કહ્યું ત્યારે ખબર પડીકે તે BRMમાં નિયમિત આવે છે અને આવતા અઠવાડિયે મારી સાથે રેસમાં પણ છે. એટલિસ્ટ, એરપોર્ટની બે ક્ષણો તો આનંદદાયક બની 🙂

ઉબર અનુભવો

* એમાં થયું એવું કે મારે રૂટકોન્ફ કોન્ફરન્સ માટે બેંગ્લોર જવાનું હતું. સામાન્ય રીતે અત્યાર સુધી તો હું બેંગ્લોર એરપોર્ટ (ie કેમ્પેગોડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ @ રેન્ડમહલ્લી) થી પ્રિ-પેઇડ ટેક્સી જ લેતો હતો. હવે ઉબર (કે ઉબેર) આવ્યા પછી થયું કે ચાલો થોડા પૈસા બચાવીએ. એરપોર્ટ પર રાત્રે ૧૨.૩૦ ઉતર્યો. સામાન તો હતો નહી. એરપોર્ટ પર પીકઅપ કરેલા સ્થળે પહોંચી ઉબર બોલાવી. ચાર અનુભવો થયા,

૧. પહેલા ટેક્સી ડ્રાઇવરે રાઇડ કેન્સલ કરી.
૨. ત્યાં ઉબરનું જેકેટ પહેરેલા એક માણસે કહ્યું, સર, જો તમને રિસિપ્ટ ન જોઇતી હોય તો હું તમારા વતી ટેક્સી કરું. તેને ના પાડી.
૩. બીજો ટેક્સી વાળો આવ્યો. તેમાં બેઠો. તેણે કહ્યું, સર, નો ડીઝલ એન્ડ નો મની. નો પેટીએમ. મેં કહ્યું, ઓકે, નો રાઇડ ધેન. ૭ રૂપિયા કપાઇ ગયા. વળી તેણે મને બેસાડતા પહેલા રાઇડ ચાલુ કરી દીધી હતી. હા, ૭ રૂપિયા પાછા લીધા!
૪. ત્રીજો ટેક્સી વાળો આવ્યો. હું ગોઠવાયો. ટોલનાકું આવ્યું ત્યાં સુધી તો બરોબર ચાલ્યું, પણ તેણે કહ્યું, સર, આઇ ડોન્ટ હેવ મની. પ્લીઝ ગીવ ૧૦૦ રૂપીઝ. મેં કહ્યું, કેમ? ટોલ તો રાઇડમાં આવી જાવ. તેણે ઘણી મગજમારી કરી. છેવટે અજાણ્યા મુલ્કમાં હોવ તો ઠીક છે, આપણે હતા કર્ણાટકમાં. એટલે તેને ૧૦૦ રૂપિયા પકડાવ્યા અને ઉબરને ત્યાં કમ્પલેઇનના પોટલા નાખ્યા. હા, રિસિપ્ટનો ફોટો લઇ લીધો. આ ડ્રાઇવર વળી મને નકશામાં દર્શાવેલા સ્થાનની જગ્યાએ બીજે ક્યાંક છોડવા માંગતો હતો.

ટૂંકમાં, ઉબર આવવાથી બેંગ્લોરના ટેક્સી ડ્રાઇવરોમાં કંઇ જ ફરક પડ્યો નથી.

બોધપાઠ્સ:
૧. દિવસે જ જવું આ ભયાનક શહેરમાં.
૨. બસમાં જ જવું. સસ્તું અને સલામત. હા, બહુ સામાન હોય તો તકલીફ થાય.
૩. બેંગ્લોર જવું જ નહી! શ્રેષ્ઠ!!

અપડેટ્સ – ૧૮૫ – બેંગ્લુરૂ

* આ વખતના અપડેટ્્સ બેંગ્લુરૂથી છે. ઘણાં વખત પછી અહીં પાછો આવ્્યો એટલે મજા આવી રહી છે. ટ્્રાફિક સરસ છે, એટલે કે મુંબઈના ટ્્રાફિક કરતાં પણ વધુ છે.

અત્્યાર સુધીતો કબન પાર્્કમાં દોડવા અને ટીમ અહીં હોવાથી કામ કરવા (અને હા સરસ બ્્રેકફાસ્્ટ) સિવાય બીજું કંઇ કર્્યું નથી. ક્્યાંય જવાનો કે કંઇ જોવાનો સમય પણ મળ્્યો નથી કે મળશે નહી. મુંબઈ પાછા જઇને પણ બાકી રહેલાં કામ પતાવવા સિવાય બીજું કંઇ કામ જ નથી (એટલે કે નવરો છું) 🙂

અને હા, ખાસ કામ તો કવિનનું વાર્્ષિક પરિણામ લેવા જવાનું છે!

* અહીં ગરમી પણ વધતી જાય છે. ૨૦૦૪ થી ૨૦૦૮ અને ૨૦૦૮નો થોડો સમય અને પછી ૨૦૧૨નો અંત અને ૨૦૧૩નો પ્્રથમ ચોથો ભાગ અહીં વીતાવ્્યા પછી આ વાત પાક્્કી છે.

અપડેટ્સ – ૯૮

#ખાસ નોંધ: આ અપડેટ્સ પોસ્ટમાં રંગ વાપરવામાં આવ્યો છે!

* ગયા અઠવાડિયે સૂર્યા મોર્યને મળવાનું થયું. અમે બન્ને ઘણાં વિષયોમાં રસ એકસમાન રસ ધરાવતા હોવાથી મજા આવી ગઇ. બે-એક કલાક સુધી ઘરેથી ફોન ન આવ્યો ત્યાં સુધી સરસ વાતો કરી અને એણે મને કાંદિવલી વિષયક ઘણું જ્ઞાન આપ્યું – થેન્ક્સ, સૂર્યા. ઝોમ્બી નામનું એક મોકટેલ પીવામાં આવ્યું અને કવિનને ડરાવવામાં આવ્યો કે રાત્રે હું ઝોમ્બી બની જઇશ 😉

* વીક-એન્ડ લખી દેવામાં આવ્યો છે: ફિફ્થ એલિફન્ટમાં!

* રવિવારે જ્યારે જરુર હતી ત્યારે જરાય વરસાદ ન આવ્યો અને હવે ત્રણ દિવસથી મસ્ત વરસાદ વરસી રહ્યો છે. સાયકલ ઘરના એક ખૂણામાં પડી-પડી પોકારો કરી રહી છે! જોકે, આ દુ:ખદ સમાચાર પછી આજનો દિવસ સાયકલને આરામ આપવામાં આવ્યો છે. આવી જ બીજી ઘટનાઓ કે દુર્ઘટનાઓ પરનો લેખ.

* આજે મસ્ત ડોનટ ખાવા માટે સાયકલ લઇને ગયો. ટોટલ કેલોરી બળી: ૧૯૮.

RIP: અતુલ ચિટનિસ

* ફ્લેશબેક ટુ ૨૦૦૫, #foss.in IRC ચેનલ.

અતુલ: ફોસ.ઇનમાં કેવી રીતે આવવાનો છે?

હું: ટ્રેન.

અતુલ: કેમ? ટ્રેનમાં?

હું: પ્લેનમાં આવવાનું બજેટ નથી.

અતુલ: સ્પિકર સ્પોન્સરશીપ માટે એપ્લાય નહોતું કર્યું?

હું: ના. મને એમ કે નવાં-નવાં સ્પિકર્સને નહી મળે.

અતુલ: તારી ડિટેલ્સ મને ઇમેલ કર.

થોડા સમય પછી, મને મુંબઇ-બેંગ્લોરની રીટર્ન જર્નીની ટિકિટ મળી ગઇ. ધ્યાન રાખો કે ટિકિટ ત્રણ-ચાર દિવસ પહેલાં જ કરાવેલી. એ સમય જોતાં પ્રમાણમાં ટિકિટ્સ સસ્તી હતી, તો સામે મારા જેવાની ખર્ચ શક્તિ પણ ઓછી હતી.

અતુલ ચિટનિસને હંમેશા યાદ રખાશે. જ્યારે પણ ભારત અને આજુ-બાજુ કે પછી સમગ્ર વિશ્વમાં જ્યારે પણ ઓપનસોર્સ-ફોસનું નામ લેવાશે ત્યારે – અતુલ ચિટનિસ યાદ આવશે. તમે મારા બ્લોગ પરની મારી ફોસ.ઇનની પોસ્ટ્સ પરથી જોઇ શકો છો કે મારા અત્યારના ઓપનસોર્સ ઘડતરમાં આ ઇવેન્ટનો કેટલો ફાળો છે. વધુમાં અતુલ ચિટનિસે વાર-તહેવારે મને પર્સનલ, પ્રોફેશનલ સલાહ-સૂચનો આપેલા છે, જે ગોલ્ડ-ડાયમંડ કરતાંય કિંમતી છે.

અને, અતુલ ચિટનિસના બ્લોગ પરની ટેગલાઇન – You are not remembered for doing what is expected of you – પરથી ખ્યાલ આવશે કે તેમને કેમ યાદ રખાશે.

અલવિદા, અતુલ. મળીશું!

કડીઓ:
૧. કિરણની અતુલ ચિટનિસની શ્રધ્ધાંજલી: http://www.nextbigwhat.com/atul-chitnis-obituary-297/
૨. ફોસ.ઇન હોમપેજ: http://foss.in

ગુડ બાય, બેંગ્લુરુ

* છેવટે¹, સમય આવી ગયો છે ‘ઇડલી-વડા, ફિલ્ટર કોફી’ અને આ બેંગ્લુરુને અલવિદા કહેવાનો! અને મુંબઇના ‘વડા-પાઉં’નો ટેસ્ટ કરવાનો! કોઇકે હમણાં પૂછ્યું હતું કે ‘ભાઇ, તારું ફાઇનલ ડેસ્ટિનેશન ક્યાં છે?’ મેં કહ્યું એતો પેલા ડિરેક્ટર-પ્રોડ્યુસરે² જે નક્કી કર્યું હોય તે. મને કંઇ ખબર નથી 🙂

મને ફિલ્ટર કોફી તો જબરી ‘મિસ’ થશે, કારણ કે હવે એ પ્રકારની કોફી દરરોજ મારે જાતે બનાવવી પડશે 😉 બીજી એક વસ્તુ દરરોજ મિસ થશે – બેંગ્લોરનું હવામાન. એમ તો મને મુંબઇની તાપમાન સેટ થયેલું જ છે, પણ બેંગ્લોરની સરખામણીમાં મુંબઇનું હવામાન ‘ક્વાડકોર પ્રોસેસર’ની સામે ‘પેન્ટિયમ ૪’ જેવું લાગે. રનિંગ પર પણ અસર થશે એવું લાગે છે, પણ ઘરની નજીકમાં નાનકડો જોગર્સ પાર્ક (અંકે પૂરા ૩૦૦ મીટરનો રસ્તો) છે એટલે વીક-એન્ડ સિવાયનું દોડવાનું સાચવી લેવાશે. વીક-એન્ડ રનિંગ માટે મુંબઇની રનિંગ કોમ્યુનિટી જોડે જોડાવું પડશે (અને પેલી NRC ની તપાસ કરવી પડશે). બેંગ્લોરની ટેક-કોમ્યુનિટી અને મિત્રો પણ મિસ થશે. મુંબઇ હજી IT વાળા માટે એટલું બધું ટેક-સેવી નથી, એટલે આજે નહી તો આવતી દસ સાલે, બેંગ્લુરુનો આંટો તો મારવો જ પડશે.

અને કઇ વસ્તુઓ ગુમાવવાનો મને અત્યંત આનંદ થશે?

૧. બેંગ્લોરની ઓપન ગટર્સ! જોકે મુંબઇમાંય છે, તોય ઘરથી દૂર છે. અહીં મારા બેંગ્લોરના વિસ્તારમાં દરેક રોડની પેરેલલ જાય છે! 

૨. બદમાશ  મહાબદમાશ રીક્ષાવાળાઓ.

૩. ક્ષણેક્ષણેવિજગમનઆગમનઘટનાઓ.

૪. ભંગાર લંચ (કર્ટસી, ઓફિસ).

૫. રવિવારે રાત્રે ડિનરમાં શું? એવો યક્ષપ્રશ્ન.

૬. બોરિંગ વીકએન્ડ્સ, રનિંગના કલાકો સિવાય!

ફાયદાઓ કેટલા થશે?

૧. મને ઘરનાં  શુધ્ધ-શાકાહારી-સાત્વિક બ્રેકફાસ્ટ-લંચ-ડિનર સાથે-સાથે કવિનની મસ્તીઓનું ડેઝર્ટ માણવા મળશે.

૨. વડાપાઉં, એમ.એમ.ની બૂંદી, ભેળ, મિલાપનું ફાસ્ટફૂડ (દા.ત. કાર્તિક )વગેરે વગેરે.

૩. લોકલ ટ્રેનની જવલ્લે જ થતી મુસાફરીઓ.

૪. મુંબઇ સમાચાર, અને કોઇપણ ગુજરાતી છાપું. પુસ્તકોની સરળતાથી પ્રાપ્તિ વગેરે.

૫. ચર્ચગેટ અને આપણાં ફેવરિટ મ.કા.બો. (મલાડ-કાંદિવલી-બોરીવલી)!

૬. અને, સૌથી અગત્યનું — વ્હાલી કોકી 🙂

તો આવજો ત્યારે. આવતી પોસ્ટમાં મુંબઇની કે મુંબઇથી અપડેટ લઇને મળીએ?

પગનોંધો

¹ એમ તો ટ્વિટર પર બે અઠવાડિયાં પહેલાં નાનકડી જાહેરાત કરેલી.

² તમે જેમાં માનતા હોવ તે, કુદરત, કિસ્મત, લક, નસીબ, તાવીજ કે પછી મિ. કાનજી.

જય વસાવડા સાથે મુલાકાત

* ગઇ કાલે વહેલી સવારે ઝોપિંગ, રનિંગ અને શોપિંગનો ભવ્ય કાર્યક્રમ આખા દિવસ માટે રાખેલો હતો (સારું થયો ડ્રાય ડે હતો, નહિતર મારો ડોપિંગ ટેસ્ટ પણ પોઝિટિવ આવત ;)). તો રનિંગ પતાવ્યા પછી જયભાઇનું ફેસબુક સ્ટેટસ એમ કહેતું હતું કે તેઓ બેંગ્લોરમાં આવે છે, જેને મળવું હોય તે, મોબાઇલ નંબર મેસેજમાં મોકલે. તો, આપણે મોકલ્યો. કાર્યક્મ ક્યાં છે એ મને ખ્યાલ નહોતો અને જયભાઇ એ વિશે અપડેટ કરે ત્યાં સુધી થોડું શોપિંગ (કવિન માટે) પતાવ્યું અને એક મિત્રને મળવા ગયા, પાછો આવ્યો ત્યારે ચાર વાગી ગયા હતા. લોક-લાજનો ખ્યાલ રાખી શેવિંગ પણ કરવામાં આવ્યું અને પછી મારે જવાનું હતું – કનિંગહામ રોડ. બેંગ્લોરમાં હજી જુનાં નામો એમનેએમ રાખવામાં આવ્યાં છે, એ હજી સારું છે (કે પછી ઇવન સાઉથ ઇન્ડિયન લોકો પણ નવાં નામોથી ટેવાયા નથી!). તો, છેવટે જગ્યા મળી, અને જયભાઇ સિવાય હું ત્યાં કોઇને ઓળખતો નહોતો (એમ તો એમને પણ પહેલી વખત મળ્યો). અને, અમારી રુબરુ મુલાકાત થઇ! (બેકગ્રાઉન્ડમાં તમને ગમે તે સરસ મ્યુઝિક વગાડી શકો છો). કેવું કહેવાય કે, બે ગુજરાતી બ્લોગર – બેંગ્લુરુમાં ભેગા થાય 🙂 (પિનલભાઇની જેમ જ જયભાઇને મળવાનું અનેક વાર રહી ગયું હતું!)

કાર્યક્રમ શરુ થવાની વાર હતી ને જૈન સોશિયલ ગ્રુપનાં જીતુભાઇએ અમને પણ જયભાઇ સાથેના મહેમાન તરીકે ગણી નાસ્તાની લાંબી લાઇનમાંથી મુક્તિ અપાવી તે બદલ તેમનો આભાર અત્યારે જ માની લેવો પડશે. જયભાઇને સાંભળવા-મળવા, ફેસબુક ઉપરથી જાણ થઇ હોય એવા બીજા બે લોકો – મેહુલ અને જતિનની મુલાકાત થઇ. બેંગ્લોર, હવામાન, તાપમાન, ગુજરાતીઓ, બિયર, ખાવાનું-પીવાનું — વિવિધ વિષયો પર સરસ ચર્ચાઓ થઇ. જયભાઇને રુબરુ મળવાની તક ઝડપી તેમનો એક સરસ ફોટો વિકિમિડિઆ કોમન્સમાં પણ અપલોડ કર્યો છે (અને બીજો એક લાઇવ ફોટો નીચે છે!!) અને ગુજરાતી વિકિપીડિઆમાં પણ મૂકી દેવામાં આવ્યો છે!

જય વસાવડા

જયભાઇનું વક્તવ્ય હતું ‘જિંદગી એક સફર હૈ સુહાના’. એમ તો એમના કેટલાંય લેક્ચર, લેખો યુટ્યુબ, ફેસબુક કે બ્લોગમાં વાંચેલા એટલે કોઇ ઘરની વ્યક્તિને સાંભળતો હોય એવું જ લાગ્યું, પણ એમના આ વક્તવ્યમાંથી મને ઘણી નવી વસ્તુઓ શીખવા મળી. થાકીને હારીને બેસી જવું એ જિંદગી નથી, પણ પડ્યા પછી ઉભા થવું એ જિંદગી છે (હા, દોડીએ તો પડીએ એ મને ના દોડીને પડવા કરતાં વધુ ગમે!). તેમની જોડેની પ્રશ્નોત્તરી પણ મજા આવે તેવી રહી. ખાસ કરીને એમના સિંગલ હોવા અંગેનો સવાલનો જવાબ બધાંને મજા કરાવી ગયો! તેમનાં વક્તવ્યમાં અને બીજા લોકો સાથે મારો પરિચય – લાર્જર ધેન લાઇફ – કરાવવા બદલ જયભાઇનો ખૂબ-ખૂબ આભાર 🙂

કાર્યક્રમ દરમિયાન દિપાલી (અમદાવાદ)ની ઓળખાણ થઇ. છેલ્લે અમે ૨૦૧૦માં વિકિપીડીઆ મિટિંગમાં મળેલા. મને સામાન્ય રીતે ચહેરાઓ બહુ યાદ રહેતા નથી એટલે મને કંઇ બહુ યાદ ન આવ્યું પણ, પછી યાદ આવ્યું કે ફેસબુકમાં તો અમે કનેક્ટેડ છીએ 🙂 જયભાઇની રાહ જોતા અમે બહાર ઉભા વાતો કરતાં હતાં અને અમને થયું કે આજે લોકો જયભાઇને બહાર આવવા નહી દે, હું અંદર તપાસ કરવા ગયો અને ફાઇનલી મેન્ડેટરી ફોટો-સેશન્સ કરવામાં આવ્યું.

છેવટે અમે વિદાય લીધી અને એમનું ‘પ્રીત કિયે, સુખ હોય..’ પુસ્તક એમણે મને સપ્રેમ ભેટ આપ્યું. એમ.જી.રોડ સુધી ડ્રોપ કરવા માટે (અને બેંગ્લોરની ગલીઓના ભ્રમણ માટે, દિપાલીનો આભાર :))

અપડેટ્સ – ૮૯

* છેલ્લી પોસ્ટ લખ્યા પછી વીકએન્ડ સુધી એવી કોઇ ઘટના ન બની કે જેની માટે મારે સ્પેશિયલ પોસ્ટ લખવી પડે, પણ વીકએન્ડ આનંદદાયક રહ્યો જેથી આ અપડેટ્સ પોસ્ટ તમારા માથે!

શનિવારે ભવ્ય પ્રોગ્રામ હતો – ધવલભાઇ-વૈશાલીબેનના ઘરે લંચનો. ધવલભાઇનો પરિચય DocTypeHTML5 વખતે થયેલો અને ત્યારબાદ અમે BOTSની મુલાકાત વખતે મળેલા. ધવલભાઇને મળો એટલે તરત જ તમને એમના વ્યક્તિત્વનો ખ્યાલ આવી જાય કે આમને વારંવાર મળવાનું ગમે. સ્પષ્ટ અને પહાડી અવાજ હોય એવી વ્યક્તિ મને બહુ ગમે અને એમાં ધવલભાઇનો અવાજ પહેલા નંબરે મૂકી શકાય. એની સાથે જ તમને જો જાવાસ્ક્રિપ્ટ વિશે કંઇ પણ જાણવું હોય તો ધવલભાઇને મળવું પડે. વૈશાલીબેન સાથે પ્રથમ મુલાકાત અને તેઓ અત્યારે તેમના દાદાની રચનાઓને ઇન્ટરનેટ પર મૂકવાનો સરસ પ્રયાસ ઘરદીવડા.કોમ પર કરી રહ્યા છે. અને હા, મસ્ત ગુજરાતી લંચ અને ‘સાતમો કોઠો‘ પુસ્તક માટે આભાર! સૌથી વધુ મજા ગુજરાતીમાં અલક-મલકની વાતો કરવાની આવી એ કહેવાની જરુર છે?

શનિવારની સાંજ-રવિવારની બપોર સામાન્ય રહી. સ્વાભાવિક છે! હા, થોડીક કસરત વગેરેની ફરી શરુઆત કરી અને વાંચનની ફરી શરુઆત કરી એ વાત નોંધપાત્ર ગણી શકાય ખરી.

રવિવારે સાંજે આપણા ફેવરિટ પિનલભાઇના ઘરે ડિનરનો ભવ્ય કાર્યક્રમ હતો. ડિનર તો સેકન્ડરી, પણ પિનલભાઇને મળવાના વારંવાર ગુમાવેલા મોકા અને બેંગ્લોર આવ્યા પછીની એક મુલાકાત પછી એમ થયું કે એમને મળવાની તક જ્યારે મળે ત્યારે ઝડપી લેવી જ જોઇએ. લગભગ સાડા ૬ જેવો પહોંચ્યો અને અમે બહુ વાતો કરી (બ્લોગ, બ્લોગજગત થી લઇને સ્કોટ એડમ્સ અને તારક મહેતા સુધી!) અને પછી મારા પ્રમાણમાં બહુ જમ્યા. મારા વજનમાં વળતી વખતે વધારો બીજાં ત્રણ પુસ્તકોનો થયો જે મારા માટે મહિના-બે મહિનાનો સ્ટોક ગણી શકાય. અને, નાનકડી શૈવી જોડે મસ્તી કરવાની મજા આવી. કવિન અત્યારે એવી ઉંમરમાં છે કે તેની જોડે મસ્તી કરવી એટલે મારા ચશ્માં કે બીજી કોઇ વસ્તુનો વીમો પાકી જાય અને દીકરીઓ સામાન્ય રીતે ડાહ્યી હોય. એટલિસ્ટ, એમનાં મા-બાપ સિવાયના લોકો એવું કહેતા હોય છે! એટલે શૈવી-ઢીંગલી જોડે વધારે મજા આવી. પણ, પછી તેનો ફોન અને બીજાં રમકડાં લઇ જવાની વાત કરી ત્યારે તેણે સોફાની પાછળ બધું છુપાવી દીધું. નિર્દોષતા 🙂 મને ત્યારે થયું કે મોટા થઇને આ ક્ષણે-ક્ષણે જૂઠું બોલવુ-બોલાવવું એના કરતાં તો નાનાં રહીએ તો કેટલી મજા આવે?!

સરસ પુસ્તકો અને ભંગાર ફોટો :)
સરસ પુસ્તકો અને ભંગાર ફોટોગ્રાફર (ie હું) દ્વારા પાડવામાં આવેલો બેકાર ફોટો 🙂

વેલ, એક સરસ વીકએન્ડનો અંત. PG પર પાછો આવ્યો પછી મોડા સુધી (૨-૩?) વાંચવાનું કામકાજ ચાલ્યું અને સવારનો દોડવાનો કાર્યક્રમ પડતો મૂકવામાં આવ્યો.

જ્યારે લખવા માટે કંઇ ન હોય..

.. ત્યારે આવી બોરિંગ પોસ્ટ બને છે.

આપણે એને ‘બ્લોગર્સ બ્લોક’ કહી શકીએ. એકપણ નવું પુસ્તક, નવી ફિલમ હાથમાં આવી નથી (વાસ્તવમાં છે, પણ વાંચવાની કે ફિલમ જોવાની ઇચ્છા જ થતી નથી). એટલે એકાદ-બે અઠવાડિયાં બેંગ્લોરમાં બધાંને મળવાનો પ્લાન બનાવ્યો છે. ડેબિયન ડેવલોપર્સને ભેગાં કરી નાનકડું ડિનર કરવાનો પણ પ્લાન છે. જોઇએ હવે, બાકી દરેક મેટ્રો શહેરની જેમ, બેંગ્લોરમાં પણ ક્યાંય જવું એ કષ્ટદાયક છે અને લોકો ઘરે બેસી રહેવાનું જ પસંદ કરે છે (એવા લોકોમાં મારો સૌથી પહેલો નંબર આવે, કારણ કે અહીં આવ્યા પછી હું ભાગ્યે જ કોઇ જગ્યાએ ‘ફરવા’ માટે ગયો છું). આ કંટાળામાં ઉમેરાનું બીજું કારણ એ પણ ખરું કે, અહીં દરરોજ સાંજે વરસાદ આવે છે અને એ સાથે અમારા વિસ્તારમાં ‘પાવરકટ’ થઇ જાય છે. અરે ભાઇ, આ ૨૦૧૩ છે. એટલિસ્ટ, અમારા વિસ્તારમાં વીજળીના વાયરો થાંભલા પર લટકતાં છે, એ જોઇને મને પાલનપુરની યાદ આવે છે. વરસાદ આવે એટલે પાવરકટ થાય જ. એમાં શંકાને કોઇ સ્થાન નહી. અને જ્યારે વરસાદ ગયા પછી પાવર પાછો આવે ત્યારે નાનાં-મોટાં છોકરાંઓ ભેગાં થઇને બૂમો-ચિચિયારીઓ સાથે હર્ષનાં પોકારો કરે. ઘણી વખત તો એ પોકારો સાંભળીને જ ખબર પડે કે પાવર પાછો આવી ગયો છે 😉

જુઓ, આ બ્લોગર્સ બ્લોકમાં બોરિંગ પોસ્ટ લખાઇ ગઇ ને? થોડા સમય પછી આ કંટાળાના મૂળ કારણો વિશે એક પોસ્ટ લખીશ. અત્યારે તો આ સમયે ટ્રેનમાં લાંબું વેઇટિંગ લિસ્ટ જોઇને આવતો કંટાળો આ પોસ્ટનાં અંત માટે કારણભૂત ગણી શકાય ખરો.

મારી ‘બસ’ મુસાફરી

* છેલ્લી પોસ્ટમાં લખેલું તેમ મુંબઇ-થી-ગોઆની જગ્યાએ મુંબઇ-થી-બેંગ્લોરની બોરિંગ મુસાફરી બસમાં કરવામાં આવી હતી. એકદમ સમયસર (એટલે કે સમય કરતાં વહેલાં) બસ સ્ટેન્ડ પર પહોંચ્યો ત્યારે મારી જેમ કેટલાય લોકો વિવિધ બસોની રાહ જોઇ ઉભા હતાં. વચ્ચે ગોઆની એક-બે બસ આવી તો થયું કે ચાલો ગોઆ જતા રહીએ અને ત્યાં બે-ત્રણ દિવસ આનંદ કરી આરામથી ઓફિસ પહોંચીએ, પણ પછી વિવિધ ચહેરાઓ સામે તરવરવા લાગ્યા અને એ પ્લાન પડતો મૂકવામાં આવ્યો અને બેંગ્લોરની બસની રાહ જોવામાં સમય પસાર કરવામાં આવ્યો. બસ સમય કરતાં અડધો કલાક મોડી આવી, પણ એકંદરે આરામ-દાયક લાગી એટલે હાશ થઇ. આખી રાત તો સરસ નીકળી ગઇ, પણ મને ખબર નહોતી કે બીજા દિવસે શું થવાનું છે.

દિવસ ઉગ્યો એટલે ૮ જેટલા વાગે બસ એક જગ્યાએ બ્રેક-ફાસ્ટ માટે ઉભી રહી અને અમે સવાર-સવારમાં ફરી પાછી ઇડલી-સંભાર અને કોફીના રુટિનની શરુઆત કરી. પાછો બસમાં આવ્યો ત્યારે બસમાં મુવી ચાલુ થઇ ગયું હતું. કયું હતું એ? ‘જબ તક હૈ જાન‘. ઓહ માય ગોડ! ઇન્ટરવલ સુધી ઠીક, પછી તો જબ તક હૈ જાનની જેમ માંડમાંડ જોવામાં આવ્યું અને પૂરુ થયાં પછી બસવાળાએ બીજું મુવી મૂક્યું. કયું હતું એ? ‘રેસ – ૨‘. જવું તો ક્યાં જવું? ઓકે, જોવામાં આવ્યું અને માથું દુખવાની શરુઆત થઇ. એ પૂરુ થયું પછી? ‘કાઇ પો છે‘ – પણ પ્રિન્ટ તદ્ન ખરાબ (પાયરેટેડ. કહેવાની જરુર?) વત્તા સાઉન્ડ ક્વોલિટી પણ તદ્ન કચરો.

શરુઆતમાં આ મુવી મને ગમ્યું, પછી બાજુમાં બેઠેલા એક વ્યક્તિ જોડે મુવીની ઘટનાઓ સત્યતા અને મિડિઆના રોલ વિશે લાંબી ચર્ચા ચાલી. તેણે કહ્યું હું પ્રેસ રીપોર્ટર છું, મેં કહ્યું હું ગુજરાતથી છું 🙂 પછી, ૨૦૦૨ની ઘટનાઓની માનવીય રીતે મૂલવણી ચાલુ થઇ. તેને ખબર નહોતી કે ગોધરા કાંડ અને પછીના તોફાનો માટે જવાબદાર લોકો ઓલરેડી જેલમાં જ છે. એ પછીની બધી ધાંધલ-ધમાલ (એમાં છાપાં, લોકો અને બ્લોગર-બ્લોગ્સ પણ આવી જાય છે) પેઇડ મિડિઆ દ્વારા થાય છે. અમે બન્ને સંમત થયા કે, એમાં સરવાળે બે કોમ વચ્ચેની ખાઇ-તણાવ વધતો જાય છે અને સરવાળે દરેક વસ્તુની જેમ સામાન્ય લોકોને ભોગવવાનું આવે છે.

વેલ, ‘કાયપો છે’ અધૂરી રહી. ફરી ક્યારેક જોવાશે. બેંગ્લોર પહોંચ્યા પછી, મને મારા સ્થળે પહોંચતા કુલ ૨.૫ કલાક થયા! એટલે કે બસ મુસાફરીને બસ કહેવામાં આવ્યું!

અપડેટ્સ – ૮૮

* આ અઠવાડિયાંનો બોધપાઠ: ગમે તેટલી સાવધાની રાખો, ગમે તેટલા પૈસા આપો કે ગમે તેટલું ધ્યાન રાખો – સામાન ફેરવવાનું કામ એ માથાકૂટ ભર્યું છે!

* વર્ષો પછી બસમાં લાંબી લચક મુસાફરી કરવામાં આવી (રહી છે!). ગમે તેટલી પ્રગતિ થાય, પણ આ ટ્રાવેલ્સવાળાઓ એવાં જ છે. આ અઠવાડિયામાં કુલ ૩૦૦૦ કિલોમીટરની આસપાસની મુસાફરી ટ્રેન-બસ દ્વારા કરવામાં આવી. હવે જોઇએ છીએ કે આવતા અઠવાડિયામાં બીજી ૧૦૦૦ કિલોમીટરની મુસાફરી આવે છે કે નહી – આશા રાખીએ કે આવી જ જાય! 🙂

* વજનમાં ૧.૫ કિલોનો વધારો!!

અપડેટ્સ – ૮૭

* આ બેંગ્લુરુ ખાતે હવે થયા, ૬ મહિના. બાપ્પા, હાથ જોડ્યા. હવે તો ઇડલી-સંભાર મોંઢામાં-પેટમાં જતા નથી 😉 એથીય વધુ તો મને આકરી વસ્તુ લાગતી હોય તો, અહીં બે રાજ્યોનાં લોકો વચ્ચેનો પ્રેમ. દરેક જગ્યાએ, દરેક વસ્તુ પર તેમનો પ્રેમાલાપ દેખાઇ જાય છે! આ દેશને ભગવાને (જે લોકો માનતા હોય તેઓ માટે) જ બચાવી રાખ્યો હશે. મને થાય છે કે આપણો દેશ કઇ કોમન વસ્તુ પર ટકી રહ્યો છે? આવો ભયંકર કલ્ચર ભેદ-ભેદભાવ-મનભેદ હોવા છતાંય?

* દોડવાનું હજીય વ્યવસ્થિત થયું નથી (વાસ્તવમાં જરાય દોડાયું નથી. સિવાય કે, શનિવારે NCR ની પ્રેક્ટિસમાં). માર્ચ મહિનો દોડવા માટે એકંદરે બેકાર રહ્યો હતો. હવે, TCS 10K (મે મહિનામાં છે)ની તૈયારી કરવાની છે. ઓવરઓલ, તૈયારી તો પેલી હૈદરાબાદ મેરેથોનની છે (અહીં પણ જો પાછું તેલંગાનાનું બખડજંતર ન થાય તો!), પણ અત્યારે મારો પેથેટિક રેકોર્ડ જોતાં પહેલાં ૧૦ કિલોમીટર વ્યવસ્થિત દોડવામાં આવે એ હિતાવહ છે.

* doc ફોરમેટ ઓછું પડતું હતું? લોકો હવે .docx ફોરમેટમાં સી.વી. મંગાવે છે (અને, હું txt ફોરમેટમાં મોકલું છું, તે વાત અલગ છે). મને એમ કે આ સુપર સ્પેશયલાઇઝેશનનો જમાનો છે, અહીં બધાંને બધું જ આવડતું હોય એવા લોકો જોઇએ છે. લઇ લો, રીંગણાં, બટાકા, તૂરિયાં, ભીંડા, સોફ્ટેવર ડેવલોપર 😉

૧લી એપ્રિલ, વરસાદ અને મૂર્ખતા

* આ પોસ્ટને ‘અપડેટ્સ – xx’ જેવો ક્રમાંક આપી શકાત, પણ, થયું કે અપડેટ્સ પોસ્ટ તો રવિવારે જ લખાય એટલે સોમવારની આ પોસ્ટને અલગ શીર્ષક આપવામાં આવ્યું.

* સવાર-સવારમાં જ ‘વોટ્સ એપ’ પરથી જ એપ્રિલ ફૂલ બનવાનું શરુ થઇ ગયું હતું. (એક તો ૧લી તારીખ, સોમવાર અને એપ્રિલ ફૂલ! એટલે મગજ ઠેકાણે ના રહે એ સ્વાભાવિક છે!) બપોર પછી બીજી બે જાળમાં ઝડપાયો અને છેવટે ‘he he, ha ha’ એવા સંદેશાઓ મોકલી મનને વાળી દીધું 😉 વર્ષો પહેલાં લોકો ખરેખર એપ્રિલ ફૂલ બનાવતા. ખાસ કરીને છાપાંઓમાં આ બાબતે જબરી સ્પર્ધા ચાલતી. પછી, ટીવી આવ્યું, પછી SMS, બ્લોગ, ફેસબુક, વોટ્સ એપ અને આવતી સાલ ખબર નહી શું આવશે? પણ, એક વાત એમની એમ રહી. બિચારી પ્રજા દર વર્ષે મૂર્ખ બને છે અને બનતી રહેશે.

* આજે અહીં બપોર પછી વરસાદના સારા એવા ઝાપટાંઓ પડી રહ્યા છે. એપ્રિલમાં વરસાદ? મારા માટે તદ્ન નવાઇની વાત છે. છત્રી તૈયાર કરવી પડશે.

* અને વાસ્તવમાં, આજે હું તદ્ન મૂર્ખ બન્યો. એ વિશે વિગતે લખતો નથી, પણ લોકોની મૂર્ખાઇનો ભોગ બનતા-બનતા રહી ગયો. અરર, મોટા (ઉંમરમાં) લોકોમાં પણ તેમનાં સંતાનો જેટલી પણ સમજ કેમ હોતી નથી?

હેપ્પી હોળી!!

* પહેલાં તો હોળી નિમિત્તે બધાંને: હેપ્પી હોળી અને ધુળેટી!

પિચકારી

બે દિવસ પહેલાં જ ખબર પડી કે અમારે હોળી-ઘુળેટીની રજા નથી. ઠાકુર, આ તો અન્યાય કહેવાય! હળહળતો અન્યાય. તહેવારોની બાબતમાં આ બેંગ્લોર આટલું બોરિંગ છે એની મને નહોતી ખબર! રક્ષાબંધન, ઉત્તરાયણ, દિવાળી, નવરાત્રિ, હોળી, ધુળેટી — કશું જ નહી 😦

આજનો અળખામણો શબ્દ

U ther

… શબ્દ સાંભળીને ભોંય પરથી દસમા માળે કૂદકો મારવાનું મન થઇ જાય છે 😉