ટર્મિનેટર

ટર્મિનેટર

પ્રસ્તુત છે, અમારી નાનકડી ટર્મિનેટર સ્ટોરી. ના, હું કંઇ ભવિષ્યમાં થનારા મશીન v/s માણસોનો યુદ્ધનો નેતા નથી કે નથી પેલો મોડલ T-101. અમે તો છીએ માત્ર એક સરળ અને સીધાં સાદા, જે ડિરેક્ટર બનાવે તેવી ટર્મિનેટર ફિલમો જોનારા અને પછી કોઇ ન વાંચે એવા રીવ્યુ લખનારા.

એમાં થયું એવું કે ૧૯૯૦ના દાયકામાં VCRનો જમાનો હતો અને અમને તેની કેસેટ્સ ભાડે લાવવાનો શોખ ઉપડ્યો હતો. અમે ડાયરીમાં કઇ ફિલ્મો જોઇ એની નોંધ પણ રાખતા. મને યાદ નથી પણ આઠમા કે સાતમા ધોરણમાં ક્યાંકથી (ગુંજ વિડિયો લાઇબ્રેરી? ચોક્કસ નામ યાદ નથી) ટર્મિનેટર-૨ની કેસેટ હાથમાં આવી. નવી નક્કોર પ્રિન્ટ. આપણને તો મઝા પડી ગઇ. ત્રણ દિવસમાં ત્રણ વખત જોઇ ત્યારે સ્ટોરી થોડી સમજમાં આવી. પછી, ટર્મિનેટર ૧ હાથમાં આવી ત્યારે થોડી વધુ સ્ટોરી ખબર પડી. બારેક વર્ષ પછી જ્યારે ટર્મિનેટર ૩ આવી ત્યારે ઘોર નિરાશા થઇ અને જ્યારે ટર્મિનેટર ૪ આવી ત્યારે ક્રિસ્ટીઅન બેલની એક્ટિંગ સિવાય ફિલમમાં કંઇ દમ હતો નહી. ટર્મિનેટર ૫ પછી થયું કે હવે આ ટર્મિનેટર્સ ખરેખર દુનિયાનો નાશ કરે તો સારું. એટલિસ્ટ, આ સીરીઝ તો અટકે!

ટર્મિનેટર્સ ન આવ્યા પણ ટર્મિનેટરની છઠ્ઠી ફિલમ ટર્મિનેટર ડાર્ક ફૅટ આવી અને અમને ફેટવાળી ચીજો પસંદ નથી એટલે બહુ મઝા ન આવી. કવિનને મારા-મારી જોઇને મઝા આવી એવું લાગ્યું. આર્નોલ્ડ હજુ પણ જામે છે, પણ I’ll be back ડાયલોગ ન આવ્યો એટલે લાગ્યું કે હવે આર્નોલ્ડ નિવૃત્તિ લઇ લેશે. પણ, કોને ખબર, પાછો પણ આવે. અને, હા વિકિપીડિયા અનુસાર આના પછી હજુ બીજી ટર્મિનેટર બે ફિલમો આવશે.

હા, આ બ્લોગ પર – I’ll be back. ત્યાં સુધી પોપકોર્ન ખાતા રહેજો!

ફિલમ: ધૂનકી

પ્રતિક ગાંધીની ફિલમ હોય એટલે જોવા જવાનું જ. હું અને કોકી બંને જણાં પ્રતિક ગાંધીના ફેન છીએ. એટલે રીલીઝ પછી આવતા પહેલાં શક્ય સમયમાં ટિકિટ કરાવી દીધી અને મુવી સસ્તામાં પડ્યું (એટલે કે, ક્રેડિટ કાર્ડ ઉપર જે પૈસા ઉડાવ્યા એ રીતે જોઇએ તો). નજીકમાં તો કોઇ થિયેટરમાં અમારા સમય અનુકુળ શૉ હતો નહી અને શનિ-રવિ એટલે આપણે સાયકલિંગમાં બીઝી પણ હોઇએ. રવિવારે સાંજની ટિકિટ મળી. ટકાઉ અને સસ્તા એવા આપણા એક સમયના ફેવરિટ મૉલ રઘુલીલામાં.

ગુજરાતી મુવીમાં સારું. જાહેર ખબર ઓછી હોય. ૫.૪૫ની જગ્યાએ જોકે ૫.૫૫ જેવું શરું થયું અને અમે પોપકોર્ન ન ખાવાનું નક્કી કર્યું હતું. શરૂઆત આપણા જાણીતા એવા સોફ્ટવેર કંપનીના વાતાવરણથી થઇ. હીરો અને હીરોઇન બીબાઢાળ પતિ-પત્નિ કે પ્રેમી-પંખીડા ન હોય અને મિત્ર હોય એ વાત ગુજરાતી ફિલમ માટે નવી નીકળી અને આપણને ગમી. પ્રતિક ગાંધી એક QA એન્જિનિયર તરીકે જામે છે અને પછી સ્ટાર્ટ-અપના સ્ટ્રગલ કરતા ફાઉન્ડર તરીકે પણ જામી જાય છે. દિક્ષા જોશીનો અભિનય પણ સરસ છે. તેના ફિઆન્સ-બોય ફ્રેન્ડ તરીકે હાર્દિક (કોણ છે આ?) ક્યાંથી ઉપાડ્યો છે?

ભાડાનાં ઘરમાં રહેતા લોકો પ્રત્યેની અમદાવાદી માનસિકતા સચોટ રીતે બતાવવામાં આવી છે. ગુજરાત આઇટીમાં હજુ પણ પાછળ છે (“અમારી કંપનીમાં QA જેવી કોઇ પોઝિશન જ નથી”) એ પણ સ્પષ્ટ જણાય છે.

જોવા જેવી ફિલમ. ખાસ કરીને જેને ખાવાનું ભાવતું હોય તેમને 🙂

બ્રેવે!

* લખાય બ્રેવેટ (Brevet) પણ બોલાય બ્રેવે. આમ પણ, ફ્રેંચ ભાષા ખરી એટલે તેની નવીનતા તો હોય જ. મારી સાયકલિંગ રાઇડ્સની જૂની પોસ્ટ્સમાં તમને BRM નામનો બહુ ઉલ્લેખ જોવા મળ્યો હશે. દર ચાર વર્ષે થતા બ્રેવે પેરિસ-બ્રેસ્ટ-પેરિસ રાઇડ પર એક સરસ મુવી Brevet બન્યું છે. પહેલી વાર Vimeo પર ઓનડિમાન્ડ મુવી લીધું છે, અને સંપૂર્ણ રીતે પૈસા વસૂલ છે. તમને ઉપરોક્ત લિંક પર ટ્રેલર તો જોવા મળશે જ. અને હા, ૨૦૧૯ પરનું મુવી બને તો હું ક્યાંક રેન્ડમ ખૂણે ઝડપાઇ શકું છું. એ બધી વિગતો પછીની પોસ્ટ અથવા પછી ક્યારેક!

અપડેટ્સ – ૨૨૭

  • કવિનની પરીક્ષાઓ આવી રહી છે અને મહેનત કોકીને છે. કવિન એક મહિના પછી સ્કૂલે ગયો છે, એટલે હવે તકલીફ તો થવાની છે. સ્પોર્ટસ્ બંધ છે પણ વેકેશનમાં સ્વિમિંગ ફરીથી સાથે કરીશું એટલે મઝા આવશે. હોળી-ધૂળેટી પણ આરામથી જશે એવું લાગે છે. બાજુના આંબા પરથી એક કેરી તોડવામાં આવી છે, એટલે સમર ઇઝ કમિંગ!
  • ફરીથી લાંબો પ્રવાસ આવી રહ્યો છે, જેમાં કપડા ધોવા પડશે. એટલે, મઝા આવશે. ટેકનિકલી, એક અઠવાડિયાના જ કપડા લેવાના. ઉપાડવા કરતા ધોવામાં વધુ મઝા છે 😉
  • ગયા અઠવાડિયે સાયકલની મરમ્મત કરાવી. સપ્ટેમ્બરથી પાછલા ગિયરમાં કંઇક લોચા હતા એમ લાગતું હતું, છેવટે ખબર પડી કે જોકી વ્હિલ્સ ઉલ્ટા-સુલ્ટા થઇ ગયા છે. હવે કંઇક સારું લાગે છે. એ બહાને સહકુટુંબ માસ્ટરમાઇન્ડ અને મુલુંડની મુલાકાત પર લેવાઇ ગઇ.
  • કેપ્ટન માર્વેલ જોયું. સરસ મુવી. ખાસ કરીને જે મુવીમાં બિલાડી હોય એ અમને ન ગમે એવું બને? હવે એવેન્જર: એન્ડ ગેમ જોવામાં આવશે.

સબટાઇટલ્સ

thud thud

નેટફ્લિક્સ અને પ્રાઇમમાં સબટાઇટલ્સને કારણે હવે અંગ્રેજી સાંભળવાનું કાચું થતું હોય એમ લાગે છે. દા.ત. ફિલમમાં કંઇક અવાજ આવતો હોય તો, સબટાઇટલ્સ આવે, thud, thud. પછી રીયલ લાઇફમાં પણ કોઇ બારણા પર ટકોરા મારે ત્યારે મનમાંથી સબટાઇટલ્સ ઉદ્ભવે, thud thud. કોઇ હળવું હસે ત્યારે giggle લખેલું આંખની સામે આવે. અને હા, સેન્સર્ડ સબટાઇટલ્સ તો અહીં લખતો જ નથી 😉

ફ્લાઇટની ફિલમો

આ વખતે સા.ફ્રા.ના ટૂંકા પ્રવાસ દરમિયાન એમિરાતમાં બહુ ફિલમો ડાઝોરવામાં આવી. તેમાં ગુજરાતી ફિલમો જોઇ નવાઇ લાગી.


  1. મિસિંગ. સરસ મુવી. જોકે એક બે ઘડી પર ડિરેક્ટરે થાપ ખાધી હોય તેમ લાગે છે. તબુનો અભિનય સરસ. મોરિશિયસની ભૂગોળ ખબર ન હોય તો થોડું અતડું લાગે.
  2. દો અંજાને. બચ્ચન-રેખાની જૂની ફિલમ. શરૂઆત સરસ. છેલ્લી બે મિનિટમાં જે અંત બતાવ્યો છે એ કદાચ 70ના દાયકાની સામાજિક પરિસ્થતિના દબાણ હેઠળ મૂક્યો હોય એમ મને લાગ્યું.
  3. એજન્ટ વિનોદ. જૂનું. અત્યાર સુધીમાં જોયેલી સૌથી ભંગાર ફિલમ!
  4. અજનબી. હોસ્ટેલના જીવન કાળનું. જે જોવાનું વર્ષોથી બાકી રહી ગયેલું. ઓકે. ઓકે.
  5. Bad times at the El Royale. અલ રોયેલમાં ખરાબ સમય. સરસ લોહિયાળ. સસપેન્સ. અમેરિકન હોટેલ પ્રકારની, પણ વધુ સારી. અભિનય પણ મસ્ત.
  6. જિંદગી ના મિલેગી દોબારા. ધાર્યા કરતા સારા નીકળેલી ફિલમ.
  7. જિવન મૃત્યુ. ધર્મેન્દ્ર. મન અડગ રાખીને જોયેલી અને સારી નીકળેલી ફિલમ.
  8. બાકી રહી ગયેલી ફિલમો: ભાવેશ જોશી સુપરહીરો, થોર, કેશ ઓન ડિલિવરી

અપડેટ્સ – ૨૨૦

* વરસાદ બંધ થયો (જે નવી વસ્તુ છે, કારણ કે સામાન્ય રીતે અહીં નવરાત્રિ સુધી વરસાદ હોય છે) અને અમે આજે પહેલી વાર રસ્તા પર સાયકલિંગ કર્યું અને મુંબઈના રસ્તાઓના ખાડાઓનો અનુભવ પણ લીધો. જોઇએ હવે ફ્રંટ વ્હીલમાં શું તકલીફ થઇ છે! કાલે ખબર પડશે.

* ૧૦ દિવસથી સાયકલ ટ્રેઇનર પર જ પરસેવો પડાય છે. ડોલ ભરાય એટલો પરસેવો! પરસેવો પાડ્યો એને કહેવાય એટલે હવે એક પંખો લાવવો પડશે.

* રનિંગ પણ આજ-કાલ ઓકે છે. ધાર્યા કરતા વધુ થઇ રહ્યું છે, પણ આપણને શું વાંધો છે? 🙂

* શું થયું? અને મિત્રો – થિયેટરમાં જોવામાં આવ્યા. મિત્રો ધાર્યા કરતાં સારુ નીકળ્યું અને શું થયું થોડું લાઉડ અને ઓવરએક્ટિંગના ડોઝ વાળું લાગ્યું, પણ એકંદરે સારું.

* હા, હવે નોટી એટ ફોર્ટી તરફ જઇ રહ્યો છું. મેરેથોનમાં એજ કેટેગરી બદલવાના દિવસો દૂર નથી! 🙂

અપડેટ્સ – ૨૧૮

* વરસાદ: ધોધમાર ચાલુ જ છે અને વરસાદમાં પ્રવાસોનું આયોજન થઇ રહ્યું છે. સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસો! દર વખતની જેમ “વ ફોર વિઝા”ની પોસ્ટ પણ કદાચ ટૂંક સમયમાં આવશે.

* સાયકલિંગ: ટુર-દી-ફ્રાન્સ DSports ચેનલ પર આવે. સરસ. પણ, એ લોકો વચ્ચે-વચ્ચે WWE એટલે કે રેસ્લિંગ જેવી રમતો(?) માટે ખરા સમયે TdFને પડતી મૂકે. કદાચ આપણે ૮-૯ વર્ષના હતા ત્યારે રેસ્લિંગ ગમતું હતું, પણ સાયકલિંગ જેવી ખરેખરી રમતો માટે રેસ્લિંગ જેવી નકલી રમતો બતાવવાની? પૈસા મહત્વના છે!!

૧૫મી જુલાઇએ ટુર-દી-વસઈ છે, જે ટુર-દી-ફ્રાન્સ જેવી નથી 🙂 પણ, મજા આવશે. બાકી હાલમાં તો સાયકલિંગ લગભગ બંધ જ છે.

સાયકલ ટ્રેઇનરનો પ્લાન ટૂંક સમય માટે પડતો મૂકવામાં આવ્યો છે.

* રનિંગ એકંદરે સારું છે. ૧૨ કલાક પછી પગના નખના હાલ બેહાલ હોવા છતાંય સારું દોડી રહ્યો છું. હવે સપ્ટેમ્બર અંતમાં ૧૦ કિમી સિવાય કોઇ રનિંગ ઇવેન્ટ દેખાતી નથી (હાલ પૂરતી) એટલે શાંતિ છે.

* નેટફ્લિક્સ પર હવે સરસ ડોક્યુમેન્ટરી અને ફિલ્મો આવી રહી છે. સેક્રેડ ગેમ્સની પહેલી સીઝન દોઢ દિવસમાં પૂરી કરી દીધી છે. રાધિકા આપ્ટેના અભિનય સિવાય દરેક બાબતે એ સારી છે. ૧૮+ છે, એટલે બાળ-બચ્ચાઓને દૂર રાખવા. ચોખલિયા લોકોને પણ દૂર રાખવા અને જોવી.

102 નોટ આઉટ

ગઇકાલે સહ કુટુંબ 102 નોટ આઉટ માણવામાં આવ્યું. 3ડી ન હોય એવી ફિલ્મો જોવાનું વધતું જાય છે એ સારી વાત છે. ચલ મન જીતવા જઇએ પછી લાંબા વિરામ પછી સરસ બ્રેક મળ્યો.

ફિલ્મની આડઅસર રૂપે સૌમ્ય જોશી વિશે ગુજરાતી વિકિપીડિયામાં લેખ અનુવાદ કરી રહ્યો છું.

હા, 77 વર્ષ બાકી છે પેલા ચીનાનો રેકોર્ડ તોડવામાં. 😉

૩ ફિલ્મો

* થ્રી બિલબોર્ડ્સ આઉટસાઇડ ઇબિંગ, મિસૂરી (૨૦૧૮)

* જસ્ટિસ લીગ (૨૦૧૭)

* બ્લેડ રનર ૨૦૪૯ (૨૦૧૭)

આ છે, છેલ્લાં ૩ મહિનામાં જોયેલી ફિલમો. આ સિવાય પાસપોર્ટ ગુજરાતી ફિલમ બે દિવસ પહેલાં યુટ્યુબ પર મળી ગઇ, એકંદરે ઠીક કહેવાય. બ્લેડ રનર અને થ્રી બિલબોર્ડ્સ.. જોયા પછી જે ઝણઝણાટી થાય એવું બહુ ઓછી ફિલમોમાં થાય છે. જસ્ટિસ લીગ પણ ધાર્યા કરતા તો સરસ નીકળી છે. હવે કદાચ એવેન્જર્સ ૨૭ એપ્રિલે જોવા જઇશું એવો પ્લાન છે. રેવાનું ટ્રેલર જોયા પછી લાગે છે, એ ફિલમ સ્કિપ થશે. રતનપુર બાકી છે, અને ટ્રેલર પરથી સારી લાગી છે, એટલે જોવાનો ક્યાંકથી પ્રબંધ કરવો પડશે.