- (નાના) બાળકો અને (મસ્ત, પોચા) બિલાડા – બીજાના વધુ સારા લાગે અને પોતાનાને રાખતા જીવ નીકળે 😉
- અમારા બિલાડાનું નવું નામ ગોટ્યા છે 😉

આ વખતના લોકડાઉન અપડેટ સચિત્ર છે.
૧. કવિન હવે મોટો થઇ ગયો છે. ઊંચાઇમાં મારા કરતા થોડો જ બાકી છે. લગભગ ૩-૪ સે.મી. ૨. નવું લેપટોપ ડેબિયન સાથે રેડી છે. ૩. ગયા અઠવાડિયે ૧૨ કલાક ઇન્ડોર રેસ કરી. ૩૩૩.૪ કિમી કર્યા, જે ટારગેટ કરતા ૧૬.૬ કિમી ઓછા પડ્યા. ૪. ટ્રાય કલર સ્મૂધી સાથે ૧૫મી ઓગસ્ટ મનાવી. ૫. બ્રેકફાસ્ટ ૬. નાનું પોચું પક્ષી. ૭. નાની પોચી બિલાડી!
શેક્સપિયરે કે બીજાં કોઇ વ્યક્તિએ કહેલું હતું કે નામમાં શું છે? આજ-કાલ જે છે તે નામમાં જ છે! બધાંને પોતાનું નામ અમર કરી જવું છે અને એટલે જ આલિયો-માલીયો-મવાલિયો વિકિપીડિયામાં આવીને પોતાના વિશે પાનું બનાવી જાય છે. (અને અમારે તેને દૂર કરવાની મહેનત કરવી પડે છે :/)
નામ પરથી યાદ આવ્યું કે ફેસબૂકમાં હું ટાઇમપાસ કરતો બેઠો હતો અને થયું કે ચાલો બધાં સોશિયલ મીડિયામાં મારું ફેવરિટ 0x1f1f નામ રાખું. બીજે બધે લગભગ થઇ ગયું અને પણ આ ફેસબૂકવાળાઓનું નખ્ખોદ જાય..
૧. તમે 0 (સંખ્યાઓ) નામમાં ન રાખી શકો કદાચ, આ કારણોસર જ અમે કવિનનું નામ કવિન ૧.૦ નથી રાખ્યું!
૨. તમે એક કરતાં વધું કેપિટલ અંગ્રેજી અક્ષર ન મૂકી શકો. એટલે ફેસબૂકમાં I AM THE KING OF FALANA VILLAGE એવું નામ ન રખાય? નાઇન્સાફી કહેવાય આ તો!
૩. તમે એકવાર નામ બદલ્યા પછી બીજા ૬૦ દિવસ સુધી ન બદલી શકો.
લો, એટલે ૬૦ દિવસ સુધી મારે લોકોને સમજાવવું પડશે કે કેમ નામ બદલ્યું અને હવે કેમ હું બદલી નહી શકું. તો, તમારી ટાઇમલાઇનમાં કોઇ સાયકલિંગ કરતો અજાણ્યો માણસ (સ્ટે હોમ, સ્ટે સેફ!) દેખાય તો તરત તેને અનફ્રેન્ડ કરી દેવો! 😉
છેવટે, વર્ક ફ્રોમ હોમનો બેજ અમને મળ્યો ખરો. ૧૪ દિવસ સુધી દરરોજ સાયકલ ચલાવ્યા પછી! ઝ્વિફ્ટમાં કોવિડ-૧૯ યુગ પહેલા આ બેજનું નામ અનએમ્પલોયડ હતું. અને, ઘણા લોકોને એવું જ લાગતું હતું કે આ માણસ કામ કરે છે કે ખાલી સાયકલ જ ચલાવે છે 😉
આમાં લોકોને બદલવાની વાત નથી, કારણ કે લોકો (લોગ) તો બદલાશે નહી. પણ ગુગલ ક્રોમ જેવી એપ પણ તેમાં શું ફેરફારો કર્યા તે ન દર્શાવે ત્યારે બીજી એપ્લિકેશન કે ઓપરેટિંગ સિસ્ટમ પર કેટલી આશા રાખી શકીએ?
અન્ય ચેન્જમાં નવું થિંકપેડ X1 લેપટોપ આવી ગયું છે એટલે તેના પર ડેબિયન મૂકીને પછી સરસ ફોટો મૂકવામાં આવશે. બાકી, શાંતિ છે.
અને હા, મહત્વની વાત: જય શ્રી રામ!
એમ તો ટેકનિકલી લોકડાઉન નથી, પણ અમે લોક્ડ છીએ. એટલે કે અર્થહીન રખડપટ્ટી નથી કરી રહ્યા અને હજુ પણ ઘરમાં જ વર્ચ્યુઅલ રાઇડિંગ કરીએ છીએ.
ગુગલ ફોટોસ, ફેસબૂક, જીમેલ, વર્ડપ્રેસ – આ બધાંએ ચૂપચાપ પોતાની ડિઝાઇન અને વર્કફ્લો બદલ્યો અને અમે હજુ તેમાં ફાંફા મારીએ છીએ. ખાસ કરીને ગુગલ ફોટોસ વાળાએ ફોટા ક્યાં ગયા તે શોધવું અઘરું કર્યું છે.
નવાં નોઇઝ કેન્સલેશન હેડફોન (સોની WH-CH700N) લેવામાં આવ્યા છે, જે હજુ લિનક્સ જોડે કામ કરતાં નથી. થોડો પ્રયત્ન કર્યો છે, પણ સફળતા મળી નથી. આ ગાઢ પ્રયત્નમાં સફળ થયા પછી તેના પર વ્યવસ્થિત રીતે હાઉ-ટુ લખવામાં આવશે.
પુસ્તકોમાં જોઇએ તો વાત-વાતમાં પ્રિમા અને કુનાલ જોડે વાત નીકળી અને પેલું ભેદી ટાપુ પુસ્તક મંગાવ્યું અને પછી ખબર પડી કે આ પણ જે જોઇતું હતું તે ભાષાંતર તો (મૂળશંકર મો. ભટ્ટનું) નથી. લો. વેલ, વધુ માહિતી માટે મારી પેલી સાહસિકોની સૃષ્ટિ પોસ્ટ અને તેની કોમેન્ટ્સ વાંચશો તો મજા પડી જશે. (જો મને આ યાદ હોત તો આ એકસ્ટ્રા શોપિંગ ન થાત ;)) પણ, આ ભેદી ટાપુઓ (દા.ત. હાલમાં વાટોપિયા) જીવનમાં ફરી-ફરીને આવતો જ રહે છે!
અહીં વધુ એક મહિનો લોકડાઉન લંબાવાયું છે અને સરવાળે કંઇ ભલીવાર આવ્યો નથી. એટલે કે, જોરથી બોલો – જય મહારાષ્ટ્ર, જય જય ગરવી ગુજરાત! બંને જગ્યાએ એકંદરે સરકારે દાટ વાળ્યો છે અને હજુ વધુ વળવાનો છે. લોકો મરી રહ્યા છે – બાકીના ડફોળો જાણે કંઇ થયું નથી તેમ ચોરે-ચોતરે અને ગલ્લાઓ અને દરિયાકિનારે ફરી રહ્યા છે.
કવિનની ઓનલાઇન સ્કૂલ ચાલી રહી છે. હવે જરૂર પડ્યે તેના માટે ટેબલ મંગાવ્યું છે. Ikea જેવી કંપની તમને તમે આપેલા ઓર્ડરની કોઇ માહિતી તેમની વેબસાઇટ પર ન આપે કે પછી ઓર્ડર ટ્રેકિંગ જેવી કોઇ સિસ્ટમ ન રાખે તે ૨૦મી સદીની આશ્ચર્યજનક વેબ ઘટનાઓમાં ચોક્કસ મૂકી શકાય છે. તો બીજી બાજુ, LIC જેવી વેબસાઇટ કોઇક વખત ચાલી જાય છે એ પણ આ વેબ ઘટનાઓમાં ટોપ ૧૦માં આવી શકે છે.
બીજી દુર્ઘટનાઓમાં જોઇએ તો મારા લેપટોપની બેટરી પેલા ફૂલણજી કાગડાની જેમ ફૂલી છે. હવે નવું લેપટોપ કે બેટરી આવે ત્યારે જીવ આવશે. ત્યાં સુધી ચલાવીશું – ધ્યાન રાખીને.
સાયકલિંગમાં આ મહિનો ઓકે-ઓકે ગયો છે. લગભગ ૯૦૦ કિમી સાયકલિંગ કર્યું છે. હવે જુલાઇ એકદમ મજાનો જશે. કારણ કે, ટુર દી ફ્રાન્સ ઝ્વિફ્ટ પર થવાની છે. આપણને તો શું ફરક પડે, પણ તેના પછી એમેચ્યોર રાઇડર્સ માટે એક ઇવેન્ટ થશે અને પછી ત્યાં નવાં રસ્તાઓ પર સાયકલ ચલાવવા મળશે એ ફાયદો!
ચાલો ત્યારે, જુલાઇમાં મળીએ!
લોકડાઉન વધુ લંબાવાયું છે, પણ લોકો રામભરોસે છે. આઉટડોર સાયકલિંગ હજુ બંધ જ રાખવામાં આવશે, કારણ કે, રેઇન ઇઝ કમિંગ!
મહત્વના અપડેટ્સમાં જોઇએ તો, મે મહિનો ભારે રહ્યો છે, ખાસ કરીને સાયકલિંગમાં. લોકડાઉન દરમિયાન (માર્ચ ૧૦ પછીથી અત્યાર સુધી) કુલ ૧૨૭ કલાક સાયકલિંગ, ૨૬૮૭ કિમી અંતર, ૪૯૦૮૦ મીટર ઉંચાઇ (એલિવેશન ગેઇન) અને ૫૩,૭૯૪ કેલરી બાળવામાં આવી છે. એટલે, ટૂંકમાં, લોકડાઉનમાં ઢગલાબંધ વાનગીઓ ઝાપટવા છતાં અમારા વજનમાં જરાય વધારો થયો નથી, ઉલ્ટાનો ઘટાડો થયો છે. એટલે, આવતા બે અઠવાડિયા થોડું ઓછું સાયકલિંગ કરાશે. જોકે એવી કોઇ ગેરંટી નથી 😉 છેલ્લાં અપડેટમાં લખ્યું હતું તે ચેલેન્જમાં હું પહેલો આવ્યો છું. ઓફિશિઅલી, વેબસાઇટ પર પરિણામ મૂકાયું નથી!
કવિનની ઓનલાઇન સ્કૂલ આ અઠવાડિયે શરૂ થશે. ઝૂમ પર ક્લાસ ચાલશે અને છોકરાંઓનો ત્રણ મહિના પછી જીવ નીકળશે એવું લાગે છે. જોકે બીજો કોઇ વિકલ્પ નથી અને મારા મત પ્રમાણે આવી સ્થિતિમાં એડજસ્ટમેન્ટ જ જીવન છે. લોકોને જોકે આ પણ નથી ગમ્યું, અને વિરોધ કરવા ખાતર વિરોધ ચાલુ રાખ્યો છે.
અને હા, એક પણ નવી વેબસીરીઝ કે મુવી પણ જોયા નથી. સ્ક્રોલ કરીને ફટાફટ ટાઇમપાસ કર્યો છે. મહાભારત દરરોજ રાત્રે નિયમિત સહકુટુંબ (યુટ્યુબ!) જોવાય છે, એટલું જ.
ઉપરોક્ત છબી છે લોકડાઉન દરમિયાનના મારા ડેબિયન યોગદાનોની. એક ચોરસ ખાનું એક દિવસ દર્શાવે છે અને આછા થી ઘાટો રંગ ગીટ કમિટની આવૃત્તિ દર્શાવે છે. ૧૬ માર્ચથી શરૂ થયેલો આ ક્રમ ૨૧ મે ના રોજ તૂટ્યો છે અને પછી તો કંઇ ખાસ કામ બાકી રહેતું ન હોવાથી અહીં થોડો વિરામ લીધો છે.
હવે એક અઠવાડિયામાં ૩૬૨ કિમી અને ૧૦,૦૦૦+ મીટર ઊંચાઇનું સાયકલિંગ કરવાનું છે એટલે ડેબિયનને થોડો આરામ આપીએ તો સારું. વચ્ચે-વચ્ચે એકાદ-બે બગ્સ પર થોડું ધ્યાન આપી દઇશું. ત્યાં સુધી, વાટોપિયા ઝિંદાબાદ!
સામાન્ય રીતે અસામાન્ય પ્રમાણમાં લોકોને મફત વસ્તુઓ મળે તો અત્યંત ખુશ થઇ જાય છે. યાદ છે કોંગ્રેસનું “ઘરનું ઘર?”. આ જ રીતે મફતનું રાજકારણ ભારતમાં જેટલું ફૂલ્યું-ફાલ્યું છે જે જોઇએ એમ થાય છે કે હવે સરકાર ક્યારે મફતની સાયકલ આવે. ઓહ, વેઇટ. એ પણ તેમણે આપી હતી – જે થોડા સમય પછી તેમના મા-બાપો વેચી કાઢતા હતા.
આ વાત યાદ આવી છે સ્ટ્રાવાએ કરેલી ગઇકાલની જાહેરાત પરથી. સાયકલિંગ કોમ્યુનિટીએ તેના પર વિવિધ પ્રતિક્રિયાઓ કરી છે, હજુ વધુ આવશે. જોકે સ્ટ્રાવાએ મોટાભાગની થર્ડ પાર્ટી APIs બંધ કરીને શું સારું કર્યું એ મને ખબર નથી પડી.
જીવનમાં કશું જ મફત નથી. જો તમને સારી વસ્તુ જોઇએ તો પૈસા ખર્ચો. સરળ છે!