૧ તોલાનો ફરક..

* બે દિવસ પહેલા કવિન જોડે પતંગની ખરીદી કરવા ગયો.

એક કોડી પતંગો લીધી અને હું ગણીને જોતો હતો કે ૨૦ છે કે પછી પેલી વખતે થયેલું તેમ ૧૯ જ છે. દુકાનવાળો કહે, ૨૦ જ હોય. મેં કહ્યું, જુઓ કાકા, સોનાની ખરીદીમાં એકાદ-બે તોલા ઓછું હોય તો ચાલે, પણ પતંગમાં ન ચાલે.

પેલા કાકાને આદ્યાત લાગ્યો હશે એ નક્કી 😀

વિરોધ, વિરોધ, વિરોધ!

 

* ૧૩ તારીખે બીજો શનિવાર અને કાચી ઉત્તરાયણ (ઉત્તરાયણ પછીનો દિવસ વાસી ઉત્તરાયણ તો પહેલાનો દિવસ કાચી ઉત્તરાયણ ન ગણાય?) હોવા છતાં કવિનની સ્કૂલે રજા ન આપી એ માટે આ બ્લોગ પર આ ઘોર કૃત્યનો વિરોધ કરવામાં આવે છે. વધુમાં, પાછું કવિનને મળેલી નોટિસમાં લખ્યું છે કે “હાજરી ફરજિયાત છે” :/

અપડેટ્સ – ૧૨૦

* અપડેટ્સ ૧૧૯ પછી અપડેટમાં કંઇ ખાસ નથી, તેમ છતાંય, અઠવાડિયાંની બે પોસ્ટ્સ તો લખવી જ પડે એ ન્યાયે કંઇક લખી રહ્યો છું. એકંદરે આ અઠવાડિયું દોડવાની રીતે તો આરામદાયક રહ્યું. થોડું સાયકલિંગ અને આજનું જુહુ બીચનું રનિંગ સારું રહ્યું. હવે, ડી-ડે ના દિવસે વાતાવરણ ઠંડક વાળું રહેશે તો મજા આવશે! મુંબઇમાં પણ અમને બધાંને શરદી થઇ છે – એટલે ઠંડી અહીં પણ પડી રહી છે તેમ સાબિત થઇ ગયું છે.

* સર્ચિંગ ફોર સુગર મેન (૨૦૧૨) – સરસ મુવી છે (ચેતવણી: ડોક્યુમેન્ટરી). ઘણાં સમયથી પેન્ડિંગ હતું અને છેક હવે જોવા મળ્યું. બાકી, ફરી પાછો એકાદ મહિનો આ શોખ માટે આપી શકાશે નહીં એવું અનુભવાઇ રહ્યું છે. હવે – ધ લેગૉ મુવી – આવે ત્યારે થિઅેટરમાં જવું છે.

* ઉત્તરાયણ પર રજા જેવું નથી એટલે અમે આજે જ લૂંટેલી પતંગો ઉડાવીને શોખ પૂરો કર્યો. ચીકી વગેરેનો ડોઝ તો ચાલુ જ છે, એટલે એ બાબતે વાંધો નહી આવે. નીચે મારી (લૂંટેલી) પતંગનો તાજો ફોટો સંદર્ભ માટે મૂકેલ છે 😉

પતંગ
મારી (લૂંટેલી) પતંગ!

બધાંને એડવાન્સમાં: હેપ્પી ઉત્તરાયણ!

અપડેટ્સ – ૭૬

* મંગળવારે આ બેંગ્લુરુમાં ત્રણ મહિના થયા 🙂

* ગયા રવિવારે અને આજે સવારે LSD પૂરી કરવામાં આવી. હવે આ LSD એટલે Long Slow Distance (run) એમ થાય. બીજું કંઇ ન સમજવું! પેલી મુંબઇ મેરેથોન માથા પર છે અને અમારી તૈયારીમાં કંઇ ખાસ ભલીવાર લાગતો નથી. છેલ્લે, થોડાક સમયથી મુક્ત મને દોડી શકાતું નથી એ સારી વાત ન કહેવાય. અને, તમને બોર કરવા માટે, બેંગ્લુરુના ૩ મહિનાના નિવાસ દરમિયાન કુલ રનિંગ કિલોમીટર અંકે પૂરા ૪૫૪ રોકડા.

એની તૈયારી રુપે એક સરસ મજાની કેપ-ટોપી લેવામાં આવી છે. રંગ પીળો ને ભાવ રાતો, ડ્રાય ફીટ ને ખિસ્સાંને પડે ટાઇટ.

* ગઇકાલે ધવલભાઇ (બીજી વખત મળ્યાં. પહેલી વખત DocTypeHTML5, અમદાવાદમાં મળેલા) અને જયદેવ જોડે BOTS (Bums On The Saddle) ની મુલાકાત લેવામાં આવી.

ધવલભાઇ અને જયદેવ - ટેસ્ટ રાઇડિંગ માટે તૈયાર! બમ્સ ઓન ધ સેડલ!

BOTS એ સાયકલની સરસ દુકાન છે. હા, સાયકલ પર હજી માત્ર વિચારવામાં આવે છે. BOTS માત્ર હાઇ ક્વોલિટી સાયકલ્સ રાખે છે. પાછાં જતાં રસ્તામાં ફાયરફોક્સનો શો-રુમ દેખાયો તો એમાંથી એક મોડેલ લગભગ ફાઇનલ કર્યું છે. SCMM પછી એની વાત છે.

* આવતી કાલે ઉત્તરાયણ છે અને અહીં સમ ખાવા પૂરતી એકેય પતંગ દેખાતી નથી. એટલું સારું છે કે અમારે પોંગલની રજા છે, એટલે આજની LSDનો થાક નીકળી જશે. બાકી બધાંને હેપ્પી ઉત્તરાયણ! અમદાવાદમાં તો લોકોને જલ્સા પડશે. સળંગ ચાર-ચાર રજાઓ!

PS: અહીં જયાનગરમાં ગુજરાતીઓ ભેગા થઇને ઉત્તરાયણ મનાવે છે એવું ધવલભાઇએ કહ્યું. ઉત્તરાયણ જ નહી, બધાં તહેવારોની પણ ઉજવણી કરે છે.

ઉત્તરાયણ બ્રેકનાં અપડેટ્સ…

* ૨૦ પતંગ લીધી એ બંડલમાંથી ૧૯ નીકળી. એકાદને પટ્ટી મારવી પડી. બીજી ૧૦માંથી ૨ પર પટ્ટી-ક્રિયા કરવી પડી. બોધપાઠ મળ્યો. બહુ વિશ્વાસ કરવો નહી.

* પવન સારો છે, પણ અમારી સોસાયટીમાં ખાસ પતંગો ઉડતી નથી, એટલે જે માહોલ જામવો જોઈએ તે જામ્યો નથી, કવિન અહીંથી આમ આંટાફેરા મારે છે, પણ તેને મજા આવે છે – એટલે આપણને પણ મજા.

* થોડીક પતંગો કાપી, કેટલીય કપાઈ, ડાબા હાથની હથેળી પણ કપાઈ. એક પતંગનો ઢઢ્ઢો મરડવા જતા તૂટી ગયો એ નફાની વાત ગણી શકાય 🙂 કોઈએ પતંગને સંબંધિત શબ્દભંડોળ પર Ph.D. કરવા જેવું ખરું.

પતંગ, ચીલ, ઢાલ, કિન્ના, ગૂંચ, માંજો, દોરી, ઢઢ્ઢો, હાથ મારવો, દોરી છોડવી, ઢીલ છોડવી (પાવી), લપેટ (અમદાવાદ), હોડ કાટ્ટા (પાલનપુર), કાયપો છે (સુરતી?), ખેંચ, પેચ, ગુંદર પટ્ટી, ગાંઠ, બરેલી, ફીરકી,  સૂરતી, સાંકળા ૮, છ તાર, નવ તાર… બીજુ કંઈ? હા. તલ સાંકળી બાકી રહી ગઈ!!!

પ્રણવભાઈની પોળ, પતંગ અને (P)ફોન.

* પરમ દિવસે ક્યાંક ફેસબુકમાં પતંગ પર વાત ચાલતી હતીને પ્રણવભાઈ (થોડા સમય પહેલાં એમની ઓળખાણ થઈ. પ્રણવભાઈ એટલે – gujaratquiz.in) એ એમની પોળમાં પતંગ ઉડાવવાનું આમંત્રણ આપ્યું. જતાં-જતાં થોડું મોડું થઈ ગયું પણ, રાયપુરની પોળનાં પહેલી વાર દર્શન થયા. લોકવાયકાથી વિરુધ્ધ એમનું ઘર તરત મળી જાય એમ છે, છતાંય એક જણને પૂછયું, પ્રણવભાઈનું ઘર કયું. પેલાએ ચાર માળ ઉંચા ઘરની સામે આંગળી કરી કહ્યું એ.. પેલા પતંગ ઉડાવે છે એ. 😛 કદાચ પહેલી વાર પોળની અગાશીએ પગ મૂક્યો. કવિનને જલ્સા પડ્યા. અંકલ બનીને કેટલીયે પતંગો બાળકોએ મારી જોડે ઉડાવી અને સાંજે અગાશી પર જ પાઉંભાજીનો પ્રોગ્રામ હતો. મજા આવી ગઈ. કવિનની ડિમાન્ડ પર જતી વખતે થોડી પતંગ-દોરીની ખરીદી કરી છે. વર્ષો પછી દોરી લીધી છે, સારી નીકળે તો સારી વાત છે. કેમેરા લઈ જવાનો ભૂલી ગયો એ અફસોસ રહેશે. કવિનને બધાને હેરાન પ્રમાણમાં ઓછા કર્યા, પણ કર્યા ખરા.

 

 

* પોસ્ટના ટાઈટલમાં P(ફોન) નો પ્રાસ કેમ બેસાડ્યો? એક આનંદદાયક સમાચાર – ફોન ચાલુ થઈ ગયો છે / એટલિસ્ટ, થોડા મહિના ચાલે તો ૨૦૧૨માં નવો ફોન ન લેવાની વિશલિસ્ટની યાદી પૂરી થાય 😉

ઉત્તરાયણ

* સૌ કોઈને હેપ્પી ઉત્તરાયણ!!

The kite

ડિસેમ્બરમાં કવિન જોડે થોડો સમય પતંગ ઉડાવેલી એનો સરસ (મારી દ્રષ્ટિએ) ફોટો.

વાસી ઉત્તરાયણ કેમ?

* એક પ્રશ્ર્ન: ઉત્તરાયણના તહેવારના બીજા દિવસને ‘વાસી ઉત્તરાયણ’ કેમ કહેવામાં આવે છે? ‘કાળી ચૌદસ’ના બીજા દિવસને આપણે કંઈ ‘વાસી કાળી ચૌદસ’ કહેતા નથી. તો, ઉત્તરાયણ માટે આમ કેમ?

જવાબ: કારણ કે, અમદાવાદમાં તમને લોકોનાં ઘરે વાસી ઉંધિયું ખાવા મળી શકે છે 😉

ઓકે, મજાક કરું છું. જવાબ મળે તો કોમેન્ટ કે ઈમેલ તરીકે આપવા વિનંતી. તમારો જવાબ ગુપ્ત નહી રાખવામાં આવે તેની ગેરંટી. વિકિપીડિયામાં મકર સંક્રાતિનો નાનકડો લેખ છે, જે થોડી માહિતી આપે છે તે મુજબ આ વાસી ઉત્તરાયણ વાળી પ્રથા માત્ર અમદાવાદમાં જ છે એટલે પેલા કુત્તે પે સસ્સા આયાની જેમ કંઈક ઘટિત બનાવ કોઈક પોળમાં બન્યો હોય તેવી સંપૂર્ણ શક્યતા રહેલ છે. જો તમે જવાબ તેવી કોઈ પોળનાં સંદર્ભ વગેરે સાથે આપશો તો તમને તાજુ ઉંધિયાની પાર્ટી આપણા તરફથી…

ઉત્તરાયણ..

* આજનો સ્કોર ૧/૩ રહ્યો. જોકે ૧૬મીએ રીનીતનાં લગ્ન હોવાથી ઘરમાં ઉત્તરાયણ કરતાં લગ્ન પ્રસંગ ઉપર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કવિનને પતંગ ઉડાવવા કરતાં ધાબા પર ફૂટબોલ રમવામાં અને દોડાદોડી કરવાની જ મજા આવી.

થોડાક ફોટાઓ ફેસબુક પર મૂક્યા છે..

સાંજે કોકી-મમ્મી મહેંદી મૂકવા ગયા હતા તો મારા ફોઈ અને પપ્પાએ રસોઈ (બાજરીનાં રોટલા-કઢી) બનાવી. મેં થોડુંક રસોડું સાફ કર્યું. મજા આવી. પરંતુ, કવિને કહ્યુ, પપ્પા છી આવી છે. ઓહ, શીટ. રીઅલ શીટ ધોવી પડી.

.. કવિને આજે પપ્પા જોડે આરામથી જમી લીધું એ આજના દિવસનો યાદગાર પ્રસંગ રહ્યો. વાસી ઉત્તરાયણની સુગંધ આવે છે. આવજો.