છૂંદો

દર વર્ષની જેમ પણ આ વખતે “કેરીનો છૂંદો” બનાવવાની પ્રક્રિયાનો આરંભ થઇ ગયો છે. મને યાદ છે કે પહેલાં રાજાપુરી કેરીઓ ઘરે લાવીને જાતે છીણીને છૂંદો બનાવાતો હતો. હવે, છીણ બજારમાં તૈયાર મળે છે એટલે ઝંઝટ ઓછી. તો પણ, દરરોજ તડકામાં છૂંદો મૂકવા અને લેવા જવાનું તો હોય છે. મૂકવા જવાનું તો ઠીક, લેવા જવાનું યાદ આવે એ માટે ખાસ એલાર્મ મૂકવામાં આવે છે. ગયા વર્ષે ધાબા પરથી છૂંદો લાવવાનું ભૂલી ગયા હતા ત્યારે ૧.૩૦ વાગે રાત્રે યાદ આવ્યું અને અમારે જવું પડ્યું હતું. ખતરો એ કે રાત્રે કોઇ ઉંદર કે પક્ષી તેને બગાડી નાખે, તેમજ ઠંડીમાં છૂંદોની ગુણવત્તા પર અસર પડી શકે.

છૂંદો એ અમારી કેરી લાલસા છેક દિવાળી સુધી પૂરી કરે છે, એટલે છૂંદો અત્યંત મહત્વનો છે!

અપડેટ્સ – ૨૦૩

* આ વખતના અપડેટ્સમાં કંઇ ખાસ નથી, પણ સુરતમાં ૩૦૦ કિમીની બીઆરએમ પૂરી કરવાની સાથે પહેલી વખત SR બન્યો. હવે આ વર્ષે ત્રણ SRનું લક્ષ્ય છે. તેમાંથી બીજા SR માટે ખાલી ૩૦૦, ૪૦૦ અને ૬૦૦ જ બાકી છે 😉 જોકે, એપ્રિલની રાત્રિ ૨૦૦ કિમી બીઆરએમ અનિવાર્ય સંજોગોને કારણે નહી કરી શકાય 🙂

સુરતની બીઆરએમ સરસ રહી. પહેલી વખત આટલી ઝડપી રાઇડ કરવામાં આવી અને મઝા આવી! બાકી હું તો આરામથી છેલ્લે-છેલ્લે રાઇડ પૂરી કરવાવાળો માણસ છું.

* વીકએન્ડ એક ૧૦ કિમી જવા દીધી. છેક માટુંગા કોણ બીબ લેવા જાય? (જોકે સવારે રાઇડ કરતી વખતે વળતી વખતે માટુંગામાં અયપ્પા મંદિર આગળ ઢોંસા (ડોસા)-ઇડલી ઝાપટ્યા એ વાત અલગ છે. ટ્રેનમાં સેન્ટ્રલ લાઇન પર જતાં ડર લાગે છે :))

* હવે આવતા અઠવાડિયે વળી એક ૧૦ કિમી રેસ છે, પણ તેનો બીબ આવી ગયો છે, એટલે શાંતિ છે. ત્યાં આરામથી સાઇકલ લઇને જવાનું (લગભગ ૨૫ કિમી), ૧૦ કિમી દોડવાનું અને ફરતાં-ફરતાં ૨૫ કિમી સાઇકલ ચલાવી ઘરે પાછાં.

* અને હા, કવિનની પરીક્ષાઓ શરૂ થઇ છે અને ગરમીનો પારો વધી રહ્યો છે. બંને ઘટનાઓને કોઇ સંબંધ નથી. સારા સમાચારમાં કેરીઓ આવી ગઇ છે!!

અપડેટ્સ – ૧૮૪

.. અથવા શું ચાલે છે?

* કવિન વેકેશન માણે છે અને અમે દોડ-મ-દોડી એટલે કે કામ-કાજ.

* ખબર નથી પડતી કે આજ-કાલ દેશમાં શું ચાલી રહ્યું છે. લોકો એકબીજાંને દોષ દેવા મંડી પડ્યા છે. કોઇ આત્મહત્યા માટે પંખાને તો કોઇ પૂર માટે હનીમૂનને દોષ દે છે. એટલે, હું મારા બ્લોગ-દુષ્કાળ માટે મને જ દોષ આપીશ!

* આવતું અઠવાડિયું પ્રવાસોનું છે એટલે એકાદ પોસ્ટ તેના વિશે આવશે (બાકી વિષયોમાં મંદી છે).

* કવિન કોઇ પણ સમર-કેમ્પમાં જવાનો નથી, તે જાણી મને અત્યંત આનંદ થયો છે. તો પણ ક્યાંક સ્વિમિંગમાં જવાનું આયોજન છે. સ્વિમિંગ આવડવું જોઇએ એવું હજુ પણ મારું માનવું છે.

* ગરમી વધી રહી છે. કેરીઓ આવી ગઇ છે (આફૂસ).

* ગયા વર્ષની જેમ દર વર્ષનું મેડિકલ ચેકઅપ કરાવ્યું છે, જોઇએ કેવો રીપોર્ટ આવે છે. ડોક્ટરે પૂછ્યું તમને ૧૦ મિનિટ દોડવામાં કોઇ તકલીફ તો નહી પડે ને? (હું મનમાં હસ્યો, કારણ કે સવારે જ ઝડપી ૫ કિમી દોડીને ત્યાં ગયો હતો) (૧૨ કલાકના ઉપવાસ પછી).

* બાકી, શાંતિ છે.

અપડેટ્સ-૧૩૭

* ગઇકાલે અર્નવને મળ્યો અને વાતો કરવાની અને ગપ્પાં મારવાની મજા આવી ગઇ. તેને અમેરિકન ડ્રીમ માટે અભિનંદન અને શુભેચ્છાઓ.

* કવિન અઠવાડિયાંનું વેકેશન માણીને ઘરે પાછો આવી ગયો છે. ડ્રોઇંગ રુમ અસ્ત-વ્યસ્ત થઇ ગયો છે. કાર્ટૂનના અવાજો આવવા લાગ્યા છે. તેને ગિફ્ટમાં મળેલું હેલિકોપ્ટર અમે ઉડાવ્યું પણ એ એવું પટકાયું કે પછી થયું કે એ માત્ર રેતી વાળી જમીન પરથી ઉડાવવું જ સારું રહેશે. એટલે, રવિવારે ક્યાંક જવામાં આવશે.

* મારી ડ્યુઆથલોન તૈયારી ચાલી રહી છે. સાયકલ હજી સર્વિસમાં છે. આજે સાંજે સાયકલનો ફરી એક ટેસ્ટ કરવામાં આવશે. બાકી તૈયારીમાં તો ખાસ કશું છે જ નહી. (હા, જોડે એર પંપ, સ્પેર ટ્યુબ, ટી-શર્ટ, મોજાં, હેલ્મેટ, લાઇટ્સ, ખજૂર-કેળાં, બિસ્કિટ, પાણી, વોલિની સ્પ્રે, પંકચર કીટ, એલન કીનો પોર્ટેબલ સેટ, સ્વિસ આર્મી નાઇફ, હેન્ડ સેનિટાઇઝર, ગ્લોવ્સ, એકસ્ટ્રા ચડ્ડી, ઘડિયાળ, હાર્ટ રેટ બેલ્ટ, પૈસા, વોલેટ, મોબાઇલ, સાઇકલનું તાળું-ચાવી, ચોકલેટ-પીપર, પેન-નોટપેડ પણ લેવામાં આવશે ;)) રસ્તાનો અભ્યાસ કર્યો છે, પણ જોડે તેનું GPX વર્ઝન લેવામાં આવ્યું છે. સ્ટાર્ટિંગ પોઇંટ પર પહોંચવા માટે જ મારે થોડી મહેનત કરવી પડશે એ વિચારથી જ મને ટેન્શન થઇ રહ્યું છે. જો એક વળાંક ખોટો લીધો તો સીધો ૧૦ થી ૧૨ કિલોમીટરનો ફટકો છે! :O

* માત્ર જ ચાર દિવસ (શનિ-રવિ સાથે!) વેકેશન લીધું છે, તો આ દિવસોમાં શું કરવું એ પ્રશ્ન છે. તેમાંથી ૧૧x૧૧ કલાક તો મુસાફરીમાં જશે. એટલે, હવે મોટા વેકેશનની જરુર વર્તાય રહી છે.

* બાકી શાંતિ જ છે. હવે, કેસર કેરીઓની રાહ જોવાય છે.

અપડેટ્સ – ૧૩૪

* બગીચાવાળા દર્શિતભાઇ કહે છે તેમ હું પણ નિયમિત રીતે અનિયમિત છું. આવ ભાઇ હરખા, આપણે બેઉ સરખા ઉર્ફે સેમ પીંચ.

* અપડેટ્સમાં જોઇએ તો,

૧. પગ સાજો થઇ ગયો છે, એટલે ગઇકાલે આરે કોલોનીમાં પંદરેક કિલોમીટરનું રનિંગ થયું. પગ હજી પણ સારો છે એટલે આવતી કાલથી નિયમિતપણ કસરત, રનિંગ વગેરે દૈનિક ક્રિયાઓ શરુ થશે.

૨. કવિનને બીઝી રાખવા માટે તેને સ્વિમિંગ ક્લાસ બંધાવ્યા છે. પંદરેક દિવસમાં એ લોકો શું શીખવાડે છે અને અમારો સુપુત્ર કવિન શું શીખે છે એ જોવામાં આવશે. જો તેનો અનુભવ સારો હશે તો આવતા મહિને પ્રયત્ન કરવામાં આવશે અને એ પણ સફળ થશે તો નિયમિત તરવાનું શરુ થશે. પણ, આ તો બધું જો અને તો પર આધારિત છે. તો, કવિનને બેસ્ટ લક! PS: નવી સ્વિમિંગ ચડ્ડી પણ લાવી દેવામાં આવી છે.

૩. ગઇકાલે ચાર (ચોકડી નહી) શાળા મિત્રો એટલે કે નિરવ, નિશિથ, વિનય અને હું ભેગા થયા. નિશિથ તો ઘણાં સમય પછી મળ્યો એટલે મજા આવી ગઇ. મુંબઇમાં જ રહેવા છતાં કોઇને મળવું કેટલું અઘરું છે એ અહીં રહેતા લોકો જ જાણી શકે છે.

૪. રાસ્પબેરી પાઇ અત્યારે દર અડધો કલાકે મારા ફોટા પાડી રહ્યું છે વત્તા તે મારું નાનકડું nginx સર્વર પણ છે. ખાસ કરીને પેકેજ ટેસ્ટિંગ વગેરે માટે. ભવિષ્યમાં રાસ્પબેરી કોમ્પયુટ મોડ્યુલ આવે ત્યારે તેની જોડે વધુ અખતરા કરવામાં આવશે. પણ, જિંદગી ટૂંકી છે!

૫. કેરી હવે બરોબર આવી ગઇ છે. હવે, કેસર કેરીની રાહ જોવાય છે. વચ્ચે, મેંગો કેક પણ ખાધી. મેંગો લસ્સી બાકી છે.

મુંબઇ મુલાકાત: કેટલાક અંશો..

* મુંબઇ મુલાકાતના કેટલાક અંશો, આ ૧૨ દિવસમાં,

૧. કવિનની ડોક્ટરની મુલાકાત: ૩ વખત. બીમાર પડવાની કુલ ઘટનાઓ: ૩.
૨. ૩ સરસ રજાઓ એમ જ કંઈ જ કર્યા વગર વેડફાઈ ગઈ. 😦
૩. ૩ સરસ મજાના બગ્સ (bugs) સોલ્વ કરવામાં આવ્યા.
૪. રનિંગ: અબ તક છપ્પન: ૫૬.૧૩ કિ.મી.(૧૦ દિવસમાં). મુંબઈમાં જોકે ઉનાળા દરમિયાન ભેજ બહુ હોવાના કારણે લાંબો સમય દોડવું કષ્ટદાયક છે (એટ લિસ્ટ મારા માટે!). પરસેવો બહુ થાય એટલે મજા ના આવે. તેમ છતાંય, ઘરની નજીકના બગીચાનો લાભ ભરપૂર રીતે ઉઠાવવામાં આવ્યો.
૫. કેમેરો માત્ર એક જ વખત બેગની બહાર નીકળ્યો.
૬. “એંગ્રી બર્ડ્સ”ની ઢગલાબંધ વસ્તુઓ ખરીદવામાં આવી. શાર્પનર, રબર, પેન, વગેરે વગેરે! બજારમાં આવી વસ્તુઓના ઢગલાં છે.
૭. કેરી ખાવાની બહુ મજા ન આવી.
૮. કેટલાય મિત્રોને મળવાનું રહી ગયું.
૯. એવેન્જર્સ મુવી થિએટરમાં જોવાનું રહી ગયું. હવે અહીં ક્યાંક જોવામાં આવશે.
૧૦. અને હા, બીઅરના ગ્લાસ ખાલી કર્યા: માત્ર ૩ 😉

ફોટોગ્રાફી વર્કશોપ @ IPR

* ફ્લિકરના ગ્રુપ ઉપરથી ખબર પડી કે IPR માં ૩૦ તારીખે સાંજે એક ફોટોગ્રાફી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. મેં પ્રભાતકુમારનો સંપર્ક કર્યો અને નક્કી થયું કે અમારે પાલડી આગળ ગુજરાત ફોટોમાં મળવાનું અને ત્યાંથી વર્કશોપના આયોજક પ્રભાતકુમાર અને જાણીતા ફોટોગ્રાફર ભાર્ગવ પંડ્યા સાથે ગાડીમાં જવાનું છે. હું બહુ જ ઉત્સાહિત થયો કારણકે કેમેરો નવો છે અને નવું કંઈ શીખવા મળે અને પાછું વર્ષો પછી પ્લાઝમા જોડે સંપર્ક થાય.

બપોરે મસ્ત ગરમીમાં હું પાલડી ગયો અને ચાર રસ્તાની થોડે આગળ રીક્ષામાં પંકચર પડ્યું. હવે, રીક્ષા મારી ન હોવાથી તેને ત્યાંજ છોડી જાત મહેનત ઝીંદાબાદ કરતો એ દુકાન શોધવા નીકળ્યો. પ્રભાતકુમારે ગુગલ મેપ્સનો ઉપયોગ કરેલોને ખોટા શોપિંગ સેન્ટરનું સરનામું આપેલું એટલે ૧૦ મિનિટ ગોથાં ખાધાં પછી દુકાન મળી. થોડીવાર અંદર આંટાફેરા માર્યા. એકાદ નવી બેગ દેખી. અમદાવાદમાં કેમેરો વગેરે લેવો હોય તો આ દુકાન સારી એવું જાણવા મળ્યું. પ્રભાતકુમાર અને ભાર્ગવ પંડ્યા આવ્યા અને અમે રવાના થયા. મને એમ કે ગાડીવાળો હમણાં એસી ચાલુ કરશે પણ, અરેરે, ગાડીમાં એસી નહી અને ચાર વાગે સરસ ઠંડો પવન ખાતાં અમે આગળ વધ્યા. સારું થયું કે રસ્તામાં કેરીનો રસ પીધો. પણ, પેલી ચા પીધેલી નહી એટલે મારું માથું ડોલતું જ હતું..

IPR પહોંચ્યા. સિક્યુરીટી વગેરે પતાવી આગળ મુખ્ય ગેટમાં પહોંચ્યા. પ્રભાતકુમારની લેબમાં પહોંચ્યા. ત્યાં બાજુમાં જ પ્લાઝમા ટોકોમાક SSST જોયું અને સાડા પાંચ સુધી આડાઅવળી વાત કરી. એક વાત મને ન ગમી કે IPR માં પહોંચ્યા પછી મને મારી મનગમતી ટોપી કાઢી દેવાનું કહેવામાં આવ્યું. કારણ? આ ઓડ લાગે છે. ઓહ, માય ગોડ. પણ, આપણે વળી ક્યાં ગાંધીજી એટલે મન મનાવી લીધું.

વર્કશોપ પ.૩૦ એ ચાલુ થઈ અને એકદમ સરસ રહી. મારા ઘણાં બધાં ખ્યાલો પરથી અમદાવાદની ગરમ ધૂળ નીકળી ગઈ. ખાસ કરીને વ્હાઈટ બેલેન્સ અને મીટરિંગ વગેરેનો સારો ખ્યાલ આવ્યો. વર્કશોપમાં બતાવેલા વિડિઓ અને ટ્રીક ફોટોગ્રાફીનો ડેમો એકદમ સરસ રહ્યો.

ફોટોગ્રાફીના મુખ્ય પરિમાણો સમજાવતાં ભાર્ગવ પંડ્યા..

હવે, કંઈક વિચિત્ર અખતરાઓ કરવાના પ્લાન છે. અને, ખાસ તો અમદાવાદમાં ફોટોવોકનું આયોજન કરવાનું છે. રાત્રે ૮ વાગ્યા જેવા અમને સ્ટાફ બસમાં જ પાછાં નીકળ્યાં. રસ્તામા ભાર્ગવભાઈ જોડે ઘણી સારી એવી વાતો કરી.

આડા-અવળાં સમાચારો

* થોડાં આડા-અવળાં સમાચારો, ટૂંકમાં! (શીર્ષકપ્રેરણા)

૧. કેટલાક લોકો કોમેન્ટ દૂર કરવા માટે આખી પોસ્ટ દૂર કરે છે..
૨. એક ઇમેલ સોફ્ટવેરમાં ગુજરાતી લખાણ જંક દેખાતું હતું – પછી ખબર પડી કે મેં UTF-8 કેરેક્ટર સેટ નહોતો આપેલ 😦 આખા ગામને હું સલાહ આપું છું અને … 🙂
૩. અમારી કંપનીએ બનાવેલ પહેલી iPhone એપ્લિકેશન તમે iTunes વડે તમે ડાઉનલોડ કરી શકો છો: આ માટે તમે તેમાં Magnet Technologies શોધ કરો – મળી જશે!
૪. તમે હવે ટેડ.કોમના વિડીઓ વર્ડપ્રેસ.કોમમાં ઉમેરી શકો છો!
૫. કવિન હવે બીજાની ફરિયાદ મારા આગળ કરતો થઇ ગયો છે..
૬. કવિનને બહુ જ ગમતો શબ્દ છે – ના!
૭. આજે સીઝનની પહેલી વાર કેરી ખાધી – કવિનને પણ મજા પડી ગઇ.
૮. એક ભાઇને પૂછ્યું યાર અમદાવાદમાં ટ્રાફિક બહુ જ છે. એ કહે, ટ્રાફિક બહુ નથી પણ – ટ્રાફિક સેન્સ નથી!
૯. ઓફિસથી બે-ત્રણ દિવસથી મોડો આવું છું – તો બધાને નવાઇ લાગે છે 🙂
૧૦. મારું મેક આટલા સમયમાં ગઇકાલે પ્રથમ વાર એમ જ બંધ થઇ ગયું! વિન્ડોઝમાં પેલી વાદળી રંગ વાળી ક્ષતિ આવે છે – તે રીતે..