જ્યારે અમે નાના હતાં – સાયકલ

* મારી સાયકલ સ્ટોરી!

ફાસ્ટ બેકવર્ડ ટુ ધોરણ ૨. સાયકલ શીખવાની શરુઆત. નજીકની સાયકલ દુકાનમાંથી ભાડા પર સાયકલ લાવી શકાય એટલી હિંમત આવી ગઇ હતી અને ૧ રુપિયામાં ૧ કલાક ઇઝ ગુડ ડીલ. ૧૦ રુપિયામાં ૨૪ કલાક. અમેઝિંગ ડીલ. તો આવો અને આ ઓફરનો લાભ ઉઠાવો – અમે બહુ જ ઉઠાવ્યો અને ધોરણ ૪ સુધી પડી-પડીને સાયકલ શીખ્યા બાદ અમને ધોરણ ૫માં હીરો રેંજર સાયકલ મળી. હવે આ રેંજર એ સમયમાં પહેલી જાડા ટાયર વાળી સાયકલ હતી અને કિંમત મને યાદ છે ત્યાં સુધી હતી – ૧,૦૨૫ રોકડા. સાથે સ્ટેન્ડ, મડગાર્ડ (એય સ્ટીલનાં), ઘંટડી વગેરે આવ્યું. થોડો સમય તો સાયકલ ફાવી નહી અને પછી ફાવી ગઇ. બે-ત્રણ વખત પડ્યો પણ ખરો. આ સાયકલે પાંચેક વર્ષ મારો સાથ નીભાવ્યો પછી તે રીનીતને આપી અને કદાચ બીજાં બે વર્ષ ચાલી.

૧૧માં આવ્યા પછી દાદાની સાયકલ અમે લીધી – ‘રોયલ હન્ટર’. નામ અને દેખાવ મસ્ત, પણ આ સાયકલ ચાલી એના કરતાં ઘરે વધારે પડી રહી. એક વર્ષ પછી હું કંટાળ્યો અને લીધી કાળા ઘોડા ઉર્ફે એટલાસ. આ કાળા ઘોડા ઉર્ફે દૂધવાળાની સાયકલ સરસ હતી પણ એ પણ એકાદ-બે વર્ષ રાખ્યા પછી હું કંટાળ્યો અને કોલેજમાં સાયકલ કોણ લઇ જાય એવી અફવાનો અમે ભોગ બન્યા. રીનીતે સરસ સાયકલ આ સમય લીધી જે મેં હોસ્ટેલમાં બહુ ચલાવી. ત્યારબાદ ચિંતનની સાયકલ એડોપ્ટ કરી અને હોસ્ટેલથી લાઇબ્રેરી કે રુમ (જ્યાં અમારું કોમ્પ્યુટર રાખવામાં આવેલ) સુધી બહુ સફરો ખેડી. કોઇક વખત તો ૧૫-૨૦ કિલોમીટર.

પછી? કંઇ નહી. લગભગ ૧૦ વર્ષ સાયકલથી અમે દૂર રહ્યા. પોસ્ટ્સ લાઇક કરતાં રહ્યા અને છેવટે હાલની સાયકલ પર સ્થાયી થયા છીએ.

આજની ૫૦ કિલોમીટરની રાઇડ સાયકલ સ્ટોરીને નામ!

PS: ભારત જીતવાનું હતું (સુધારો, સજેસ્ટેડ બાય કોકી!) એટલે રોડ લગભગ ખાલી હતા:)

જ્યારે અમે નાના હતાં – વેકેશન

* અત્યારે કવિનનું વેકેશન ચાલી રહ્યું છે, અને સમગ્ર વેકેશન દરમિયાન તેણે રખડી ખાવા સિવાય કંઇ કામ કર્યું લાગતું નથી (મોસ્ટ હેપનિંગ-એક્સાઇટિંગ  એક્ટિવિટી: શેરીનાં કૂતરાંઓને પથ્થર મારવા. તા.ક. કોઇ ઝોલાંધારી શ્વાનપ્રેમી એક્ટિવિસ્ટે પગલાં લેવા નહીં, નહીતર તેમને પણ પથ્થર ખાવાના આવી શકે છે!). અને, મેં મારી જાતને કવિનને સલાહો આપતો સાંભળ્યા પછી યાદ આવ્યું કે અમે વેકેશનમાં શું કરતાં હતાં? આ જ. રખડી ખાવાનું.

છેલ્લું પેપર ક્યારે પતે એના ઉત્સાહમાં હું ઘણીવાર છેલ્લા પેપરમાં ભોપાળું-ધબડકો વાળીને આવતો. (હા, કોલેજમાં પણ મારે હંમેશા છેલ્લાં પેપરમાં ઓછા માર્ક્સ જ હોય.) વેકેશન શરુ થાય એના પહેલાં ભવ્ય પ્લાન્સ બનાવ્યા હોય કે આમ કરીશું ને તેમ કરીશું. શરુઆતમાં તો બહુ ઉત્સાહથી કંઇક નવી પ્રવૃત્તિ કરવામાં આવે અને પછી ધીમે-ધીમે આખું વેકેશન કારણ વગરના રખડવામાં પસાર ક્યારે થઇ જાય એની ખબર ન પડે. મોટાભાગનું વેકેશન જોકે મામાનાં ઘરે કે બાનાં (નાની) ઘરે જ વીતાવવામાં આવતું. મને યાદ છે ત્યાં સુધી વેકેશનમાં હું ક્યાંય ફરવા ગયો નથી (સિવાય કે આજુ-બાજુ નાનકડી ટ્રીપ્સ).

હા, વેકેશન એના માટે તો હોય જ છે. કવિનને કોઇ જ પ્રકારના ક્લાસિસમાં એની મરજી વગર મૂકવાનો ઇરાદો નથી. એ અત્યારે એના વેકેશનનું છેલ્લું અઠવાડિયું મસ્તીથી કાઢી રહ્યો છે. દા.ત. કાલે પહેલાં વરસાદમાં નહાવાનું:)

અને હવે, ઉનાળું-દિવાળી વેકેશન મળતું જ નથી😦 (એટલે કે, લેવું પડે છે!)

જ્યારે અમે નાના હતાં – ૧૪

* છેક ફેબ્રુઆરી ૨૦૧૧માં આ સીરીઝનો તેરમો ભાગ લખાયા પછી હાજર છે સનસનાટી ભરી પોસ્ટ!!

વેલ, કંઇ ખાસ સનસનાટી નથી. આ પોસ્ટ બે-ત્રણ વર્ષ કવર કરી લેશે કારણ કે MCA ના છેલ્લાં બે વર્ષ મારા માટે અત્યંત દર્દદાયક નીવડ્યા. આપણે અટક્યા એટલે કે જીંદગીમાં પહેલીવાર કોઇ પરીક્ષામાં મને ATKT આવી. જ્યારે આવી ત્યારે ખબર પડી કે આ તો બહુ ભારે વસ્તુ છે. મને ક્યાં ખબર પડી કે આ વસ્તુ જીવનના કેટલાય વર્ષો સુધી હેરાન કરશે (અથવા તો નહી પણ કરે!). ખાસ કરીને જ્યારે કોલેજના પ્લેસમેન્ટમાં એક કંપનીએ બે જણાંને ટેસ્ટમાં આવેલા ઉંચા માર્ક્સ વડે પસંદ કર્યા. એકને ૮૨ ટકા હતા, મારે ૫૨. મને પૂછ્યું આને ૮૨ કેમ અને તારે ૫૨ કેમ? મેં કહ્યું એને ૮૨ કેમ આવ્યા એ ખબર નથી પણ મને ૫૨ કેમ આવ્યા તે મને ખબર છે. સ્વાભાવિક રીતે હું પસંદ ન થયો😉

કોલેજ દરમિયાન GPSC-IAS વગેરે પરીક્ષાઓ આપવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. જોકે GPSCમાં મેઇન એક્ઝામ સુધી વગર તૈયારીએ પહોંચ્યો, થેન્ક્સ ટુ મારું સારું એવું જનરલ નોલેજ. હજીયે આ વસ્તુ મને ઘણી જગ્યાએ કામમાં આવી છે તેનો ગર્વ છે. કોલેજ દરમિયાન સારા એવા મિત્રો મળ્યા તેનો પણ ગર્વ છે અને અમે હજી પણ વાર તહેવારે એટલીસ્ટ ફોન પર તો સંપર્કમાં રહીએ છીએ (ફેસબુક વગેરે તો છે જ). કોલેજની એક બીજી સારી વાત ગણી શકાય કે હું એકદમ સસ્તામાં ભણ્યો. મારો કોલેજનો ત્રણ વર્ષનો ટોટલ ખર્ચો કદાચ કવિનની સ્કૂલની એક વર્ષની ફી કરતાં ઓછો હોઇ શકે છે.

અને, છેલ્લા સેમિસ્ટરમાં નિરવે મને મુંબઇ પ્રોજેક્ટ કરવા માટે એની કંપનીમાં આમંત્રણ આપ્યું. પપ્પા મુંબઇ હતા એટલે ત્યાં વાંધો નહોતો. મુંબઇ જઇને અદ્ભૂત અનુભવો થયા એની વાત પછી ક્યારેક.

શિક્ષણ: પ્લેસમેન્ટ

* આજથી આ બ્લોગ પર નવી શ્રેણી ચાલુ થઈ રહી છે – શિક્ષણ. આમ, તો શિક્ષણની કેટેગરી (વર્ગ) છે, પણ હવે માત્ર મુદ્દા લખવાની જગ્યાએ વિચારોને વિસ્તૃત કરીને લખવાનો પ્રયત્ન કરીશ. આજે શરુ કરીએ શિક્ષણ જગતના સૌથી હોટ ટોપિક (અને ફેબ્રુઆરીનો) – પ્લેસમેન્ટ.

પ્લેસમેન્ટ એટલે શું? પ્લેસમેન્ટ એટલે કેટલીક કંપનીઓ પોતાના માટે એમ્પલોઈ શોધવા માટે કોલેજમાં આવે ટેસ્ટના રાઉન્ડ્સ ચાલે પછી ઈન્ટરવ્યુ વગેરે હોય અને છેલ્લે એક યાદી બહાર પડે જેમાં કોણ પસંદ થયું છે. કોલેજની ગુણવત્તા કેટલા સ્ટુડન્ટ્સ પ્લેસમેન્ટમાંથી જોબ મેળવી શકે છે તેના પર હોય છે. પ્લેસમેન્ટની ખાસિયત એ કે મોટાભાગની કંપનીઓ કેટલા માર્ક્સ આવ્યા તેના પરથી એક કટ-ઓફ નક્કી કરતી હોય છે. વેલ, આજનો ટોપિક લખવાનો કારણ કે અમદાવાદ મિરરમાં આવ્યું છે કે ૩૪,૩૦૦ માંથી ૪,૩૦૦ ને જ જોબ મળી છે (એન્જિનયરિંગ, MCA, MBAમાંથી) એટલે શિક્ષણની ગુણવત્તા સુધારવાની જરુર છે. મારો જવાબ  – માય ફૂટ. કારણ? કિટાણુ. હા, પ્લેસમેન્ટમાં જોબ મળે એટલે તમે હોંશિયાર, સફળ અને એ કોલેજ અને એનું શિક્ષણ સારું એ પ્રકારની માન્યતા ધરાવતા કિટાણુ જે આપણા મગજમાં ઘૂસી ગયા છે. નો ડાઉટ, પ્લેસમેન્ટમાં જોબ મળે એમાં કંઈ ખોટું નથી.

પ્લેસમેન્ટમાં કેવા પ્રકારના અનુભવો થાય છે? થોડાંક ઉદાહરણો:

૧. મારી સાથે થયેલું તેમ (કફ!) એક કંપનીએ મારી બેચમાંથી બે જણાંને પસંદ કર્યા. ઈન્ટરવ્યુ માટે બોલાવ્યા, પછી મને કહે, આને ૮૦ ટકા, અને તમારે ૫૦ ટકા. આવું કેમ? મેં કહ્યું મારા ૫૦ ટકા વિશે તો હું તમને કહી શકું, પેલા ના ૮૦ ટકાનું તમે તેને જ પૂછો. સ્વાભાવિક રીતે જોબ (એટલે કે – ઈન્ટર્નશીપ) મને ન મળી😀

૨. પ્લેસમેન્ટમાં જોબ મળ્યા પછી, ઘણી કંપનીઓ તમને બેન્ચ પર બેસાડી રાખે છે – એટલે કે ન જોબ આપે, ન તમને બીજે ક્યાંય જવા દે. બેંગ્લોરની કેટલીક કંપનીઓ આ માટે નામચીન છે.

૩. ઘણાં સ્ટુડન્ટ્સ પ્લેસમેન્ટમાં જાય છે, પણ પછી આગળ ભણવા માટે બહાર જતાં રહે છે. દેખીતું નુકશાન બીજાં લોકોને થાય છે. સરવાળે કોલેજનું નામ ખરાબ થાય છે.

૪. પ્લેસમેન્ટની ગુણવત્તા મોટાભાગે નબળી હોય છે. દરેક કંપનીને એમ કે તેઓ IITમાં ઈન્ટરવ્યુ લઈ રહ્યા છે. બિચારા સ્ટુડન્ટ્સ કેવી રીતે ભણ્યા છે, તે તેમને જ ખબર હોય છે. અહીં નબળીનો અર્થ એ પ્રમાણે લેવો.

શિક્ષણની ગુણવત્તા સુધારવાની જરુર છે – માત્ર પ્લેસમેન્ટ માટે જ નહી, આખા જીવન દરમિયાન પોતે શું ભણ્યા તે યાદ રહે એ માટે. એક સારા નાગરિક બનવા માટે, અને કદાચ એક સારા સમાજના નિર્માણ માટે. કયો કોર્સ એવું શિખવાડે છે કે સારા માણસ બનજો? ગણ્યાં ગાંઠ્યા પ્રોફેસર્સ, શિક્ષકો હોય છે, જે સારી તાલીમ આપે છે. સદ્ભાગ્યે, શાળાનું શિક્ષણ તો સરસ રહ્યું. કોલેજમાં ય થોડાંક પ્રોફેસર્સને બાદ કરતાં સરવાળે હું ફાયદામાં જ રહ્યો.

આવતી વખતે, બીજો હોટ ટોપિક – એડમિશન.

સ્કૂલ રીયુનિયન, મીનીડેબકોન્ફ – ૨

* લગભગ દોઢેક કલાકની મુસાફરી અને વચમાં “એક હજાર થાંભલાવાળા મંદિર” ની મુલાકાત લઈને અમે નિટ્ટેના ગેસ્ટ હાઉસમાં પહોંચ્યા ત્યારે લગભગ પોણા બાર થઈ ગયા હતા. લોબીમાં જ ક્રિસ્ટિઅન પેરિઅર પોતાના લેપટોપ સાથે બેઠા હતા અને અમે ૪ વર્ષ પછી ફરી મળ્યા. ક્રિસ્ટિઅન એ ફ્રાન્સના ડેબિયન ડેવલોપર છે, ડેબિયનમાં તેઓ મુખ્યત્વે i18n, Samba અને બીજા પેકેજીસ સંભાળે છે. ડેબકોન્ફમાં ચીઝ-વાઈન પાર્ટી અને બીજી સોશિયલ એક્ટિવિટિ માટે તેમનું બહુ નામ છે. ૫૦ વર્ષના હોવા છતાં દરરોજ ૨૦ કિમી. દોડવું એ મોટી વાત છે અને મારા પેલા દોડ-કાર્તિક-દોડ પોસ્ટ અને પછીનો દોડવાનો શોખ ક્રિસ્ટિઅનને આભારી છે. તેમનું પેટ નેમ બુબુલે છે અને મોટાભાગે તેમને બધા બુબુલે જ કહે છે:) તેમના માટે ફેબઈન્ડિયાથી લીધેલો કુર્તો આપ્યો જે સદ્ભાગ્યે ફીટ થઈ ગયો. ફેબઈન્ડિયા આપણને ગમ્યું. પછી, ઘણીબધી વાતો કરી અને યાદ આવ્યું કે જમવાનું તો બાકી છે. થોડું જમ્યા, બીયર ટેસ્ટ કર્યો અને પછી થોડું ડેબિયનનું કામકાજ હાથ પર લીધું. દર વખતે થાય છે તેમ જ્યારે પણ હું રજા પર હોઉં કે કોન્ફરન્સ માટે જાઉં – ઓફિસમાં ક્રિટિકલ બગ્સ મારા ભાગે આવે જ છે😛

રાત્રે વીજળીના કડાકા અને વરસાદ શરુ થઈ ગયો અને અમને લેપટોપ કે કોઈક ઈલેક્ટ્રિક ઉપકરણ ન વાપરવાની સલાહ આપવામાં આવી. વાઈફાઈ પણ BSNLની લિંક ડાઉન થઈ જવાથી જતું રહ્યું અને છેવટે અમારે જમીને ૧૦ વાગે તો પથારીમાં લંબાવી દેવું પડ્યું. બીજા દિવસે સવારે વહેલાં ઉઠ્યાં. ડેનમાર્કથી આવેલા જોનાસ જોડે મુલાકાત થઈ. સરસ મજાનો બ્રેકફાસ્ટ હતો અને ફિલ્ટર કાપ્પી. ફિલ્ટર કાપ્પી પીતી વખતે હું ગમે તેવા પાપીને માફ કરી દઉં એટલી મજા આવે છે (આ વાક્યનો પ્રેરણા સ્ત્રોત – મિત્ર કુનાલ ધામી :)). કોલેજમાં ઈન્ટરનેટ સારું એવું ચાલતું હતું. ઉદ્ઘાટન, સ્ટેજ પર સન્માન વગેરે અજબ લાગ્યું કારણ કે ડેબિયનની કોન્ફરન્સમાં આ વસ્તુ અસામાન્ય છે. ફોર્મલ કપડાંની જગ્યાએ મેં તો વિચિત્ર ટી-શર્ટ પહેરી હતી કારણ કે મને ખ્યાલ જ ન હતો કે આટલું ફોર્મલ-ફોર્મલ લાગશે:) બધાંના વક્તવ્યો પૂરા થયા અને અમારી કોન્ફરન્સ શરુ થઇ. ત્યાં ચાની જગ્યા એ કંઈક બદામ-કેસર વાળું દૂધ હતું – જે મને ખાસ ભાવ્યું નહી. લાગે છે કે ત્યાં ચાનું બહુ ચલણ નથી. જમવાનું વગેરે કોલેજની કેન્ટિનમાં હતું – જે સારું હતું. ખાસ કરીને જ્યુશ વગેરે:)

સાંજે અમે બધાં ગોમટેશ્વરની મૂર્તિ જોવા ગયા અને બધાંને ભેગા કરી જતાં-જતાં સાંજ પડી ગઈ. છેક ઉપર પહોંચ્યા ત્યારે ખબર પડીકે બધું બંધ થઈ ગયું છે. આટલા અંધારામાં પહેલી વખત હું ચાલ્યો. પાછાં આવતી વખતે એ જ ભયંકર રસ્તા. નવાઈની વાત હતી કે આટલા અંધારામાં પણ અમુક લોકો રસ્તા પર ટોર્ચ વગર ચાલતા હતા. લોકલ સ્ટુડન્ટ્સે કહ્યું કે અહીં અંધારાની આદત પડી જાય છે:)

બીજા દિવસે મારી ટોક હતી જે ઠીક-ઠીક રહી. મુખ્ય કારણ એ કે મોટાભાગનાં લોકોએ ડેબિયન કે લિનક્સ વિશે પહેલી વાર સાંભળેલું. આ બધાં લોકોમાંથી જો અમને બે કે ત્રણ એવાં લોકો મળે જે ડેબિયનમાં પોતાનો ફાળો આપી શકે તો અમારી આખી મહેનત સફળ કહેવાય. છેલ્લાં બે દિવસની દોડાદોડી પછી બહુ થાકી ગયો હતો, રાત્રે વરસાદ પાછો ચાલુ થયો. મોડી રાત્રે રખડવા નીકળ્યાં અને ફરી બીઅરનો ટેસ્ટ કરવામાં આવ્યો:)

બીજા દિવસે મારે ૨.૪૦ ની ફ્લાઈટ હતી. મને એમ કે ૧૨.૩૦ જેવા નીકળશો તો ચાલશે પણ પછી નક્કી કર્યું કે ૧૧.૩૦ એ ટેક્સી શરુ કરી દેવી અને આ નિર્ણય યોગ્ય જ સાબિત થયો. રસ્તો બહુ જ ખરાબ હતો. વળી, રસ્તામાં ક્યાંક મંદિર આવતું હતું વત્તા એક્સિડન્ટ થયેલો હતો. લગભગ ૩૦ મિનિટ્સ એમાં બગડી અને સારા નશીબે પોલીસ આવી ગઈ અને બધું થાળે પડ્યું. મેંગ્લોર એરપોર્ટ બહુ નાનું છે, નવાઈ લાગી કે ત્યાં ચેકિંગ વધુ કડકાઈથી થતું હતું. અને બોર્ડિગ પાસ લીધા પછી ખાવા-પીવાની કોઈ સુવિધા નહોતી. પણ, ફ્લાઈટમાં નાસ્તો મળ્યો. ધન્ય થઈ ગયા:) મુંબઈ એરપોર્ટ – એઝ યુઝયલ – કેઓટિક વાતાવરણ. મોડી ફ્લાઈટ અને અમદાવાદ એરપોર્ટ પર જી-ઓટોની મગજમારી. માંડ-માંડ ઘરે આવ્યો ત્યારે થાકી ગયો અને પાછો એકલો હતો એટલે ડિનર મૂક્યું પડતું અને ડેનિશ ચોકલેટની મજા લીધી😛

ફોટા વગેરે પિકાસા પર અહીં મૂક્યા છે.

જ્યારે અમે નાના હતાં – ૧૩

* હોસ્ટેલનું પહેલું વર્ષ અને કોલેજની શરુઆત –

તો અમારા પહેલાં અમારા બિસ્તરા-બોરીયાં હોસ્ટેલ પહોંચી ગયા હતા. થોડા દિવસના આરામ પછી અમે પણ ત્યાં પહોંચી ગયા હતા. એ પહેલાં હોસ્ટેલના એડમિશનનું ફોર્મ ભર્યું અને એક ટ્રસ્ટીની સહી કરાવવાની હતી, જે માટે મહેનત કરવી પડી નહી (આ જોકે મહેનતનું કામ છે એ મને છેલ્લે-છેલ્લે ખબર પડી). અમને નોટોરિયસ એવો રુમ નંબર ૨૭ ફાળવવામાં આવ્યો, જેમાં રીનીત અને બીજાં ત્રણ જણાં હતાં – જીજ્ઞેશ, વિજય અને જાવા (જાવાનું નામ ભૂલી ગયો છું, એ જાવા નો કોઈ કોર્સ કરતો હતો એટલે એનું નામ જાવા હતું).

કોલેજનો પહેલો દિવસ. આગલા દિવસે જઈ જોઈ આવ્યો કે કેટલા વાગે જવાનું છે, વગેરે વગેરે. સવારે ૮ વાગ્યાનું લેક્ચર હતું. કોલેજ પહોંચ્યો તો હજી ક્લાસનો દરવાજો જ બંધ હતો. એક પટાવાળો કચરો વાળતો હતો, એને પૂછ્યું. એ કહે, ભાઈ આ તો એલ.ડી. છે. અહીં તો બધું આવું જ ચાલે. મને આશ્ચર્ય થયું (જેની પછી ટેવ પડતી ગઈ). કોઈ છોકરી કંઈક નોટિસબોર્ડ વાંચતી હતી, એને પૂછ્યું કે એમ.સી.એ.નો ક્લાસ ક્યાં છે? ખભા ઉછાળીને ઉધ્ધતાઈથી તેણે કહ્યું – આઈ ડોન્ટ ક્નો. પછી, ખબર પડી કે એ મારા ક્લાસમાં જ હતી અને તેને ખબર હતી. જીવનમાં ઉધ્ધતાઈનું પ્રદર્શન જોવાની આ શરુઆત હતી એ મને ક્યાં ખબર હતી? નોકરીથી માંડીને બ્લોગ-જગતમાં આવું ઘણું આપણે જોવાનું બાકી હતું.

ખેર, ક્લાસ ચાલુ થયો. ધીમે-ધીમે પબ્લિક આવી. બધાં જોડે પરિચય થવાની શરુઆત કરી. ક્લાસમાં ૨૧ જણાં હતા – ૧૧ છોકરાં, ૧૦ છોકરીઓ. કદાચ બે-ત્રણ જણાંએ એડમિશન લીધું નહોતું એવું કંઈક હતું. વ્રજેશ, અને બીજો એક છોકરો – જે બી.ઈ. કરીને આવ્યા હતા, એમની જોડે સારું બનતું હતું. બન્ને બેફિકરા – કારણ કે એમને એમ.સી.એ. કરવાની જરુર જ નહોતી. છેવટે, થોડા મહિના પછી તેમણે કોલેજને બાય-બાય કીધું.

મુન્શી, જન્મેશ, કુણાલ, મૌલિક અને હિરેન – આ ટોળકીમાં હું સામેલ થયો. હિરેનની હોસ્ટેલ અમારી હોસ્ટેલની નજીક એટલે નોટબુક-એક્સચેન્જ સારું થતું.

હોસ્ટેલમાં અમે બે જણાં એટલે રુમમાં બહુમતી સારી રહેતી. રવિવારે કપડાં ધોવાની, પછી પેટભરીને ગુલાબજાંબુ ખાવાની અને રાત્રે ઓછામાં-ઓછા રુપિયામાં કેવી રીતે ખાવું – એ બધી મજા અલગ હતી. હોસ્ટેલમાં સરસ નિયમ – રાત્રે ૧૦ વાગ્યા પછી દરવાજો બંધ થઈ જાય. પ્રાર્થના થાય અને હાજરી પુરાય. ન આવો તો દંડ થાય. અમારા રેક્ટર – ભાલચંદ્ર સુથાર. પણ, એમનાં માટે તો એક મોટી પોસ્ટ અલગથી. લોકો તેમને કેવી રીતે હેરાન કરતાં અને એ મજા કંઈ અલગ જ હતી.

હોસ્ટેલમાં લગભગ બધાં જોડે સારું બનતું, પણ કેટલાંક અપવાદ તો દરેક જગ્યાએ હોય જ. આપણને રખડવા કરતાં વાંચવામાં વધારે રસ એટલે લાઈબ્રેરી પર ફોકસ વધુ થતો. લાઈબ્રેરીને સમૃધ્ધ બનાવવામાં રીનીતનો મુખ્ય ફાળો હતો. હોસ્ટેલમાં ફિલ્મી મેગેઝિનોની જગ્યાએ સફારી ચાલુ કરાવવામાં પણ એનો હાથ હતો.

હવે પછી આગળ ફરી ક્યારેક..

અપડેટ્સ

* કવિનને કાલે સ્કૂલમાં ક્રિસમસ પાર્ટી છે. અને, પછી ક્રિસમસ વેકેશન. ઓહ, નો.
* જન્મેશ – અમારો કોલેજ મિત્ર – ગઈકાલે બે વર્ષ પછી મળ્યો. કોલેજની ખાસિયતો, ફેકલ્ટી, મિત્રો અને મિત્રાણીઓને યાદ કરવાની મજા આવી.
* ઠંડી સરસ છે, ત્રણ દિવસથી ઘરમાં જ છું. અને ક્રિસમસની પાર્ટી વગેરેનો કોઈ પ્લાન નથી. થોડી ખરીદી વગેરે બાકી છે, જે નજીકમાંથી જ પતાવવામાં આવશે. લાગે છે કે ઊનનાં પગમોજાં લેવા પડશે.
* ઘણાં સમય પછી આંબળા ખાધા!
* સ્કાઈપે ગઈકાલે-આજે ડાઉન છે.