પુસ્તક: જાતકકથા

છેલ્લી અપડેટમાં લખ્યું હતું તેમ ક્રોસવર્ડમાંથી બક્ષીબાબુની નોવેલ જાતકકથા મળી ગઇ. બે દિવસમાં લગભગ બે બેઠકે આ પુસ્તક પુરુ કર્યું અને હવે તેનો નાનકડો રીવ્યુ!

IMG_20171216_112816.jpg
થિંક બક્ષી!

સૌપ્રથમ તો આ પુસ્તકનું પુન:મુદ્રણ પ્રવિણ પ્રકાશને કર્યું તે માટે તેમનો આભાર. હવે જાતકકથાનું આવરણ સરસ છે. પ્રથમ પાનું ઉઘાડીને જોયું તો અન્ય નવલકથા-પુસ્તકોના આવરણો હોરિબલ છે. યસ, હોરિબલ. તેનો ફોટો મૂકવાની પણ ઇચ્છા થતી નથી.

જાતકકથા વાંચવાની શરૂઆત કરી એ પહેલાં જાતકકથા એટલે શું? એ વિષય પર ઇન્ટરનેટ પર બહુ બધું વાંચી કાઢ્યું. બક્ષીબાબુએ પણ સરસ રીતે સમજાવ્યું છે. ૧૯૬૯ની આ નવલ બક્ષીબાબુના એ સમયના મિજાજને યોગ્ય રીતે વર્ણવે છે. નવલને ત્રણ ભાગોમાં વહેંચી છે, પણ આપણો રસ જરાય ભંગ થતો નથી. હવે તેમાંથી થોડાક અવતરણો!

‘કોઈ પણ માણસ સાથે હોય તો મજા આવે જ’ આમ્રપાલીએ અંધારામાં કહ્યું.
‘માણસ નહીં, પુરુષ. માણસમાં તો સ્ત્રીઓ પણ આવી જાય.’
‘મારું ગુજરાતી એટલું બધું સારું નથી.’

‘હિંદુ ધર્મ પોતાના કિનારાઓ પર સૌના ઇશ્વરોને જીવવા દે છે.’

‘ગુજરાતીઓમાં બે જ જાતો છે, એક સારા અને એક ખરાબ. એક દારૂ પીનારા, બીજા ન પીનારા. સારા ગુજરાતીઓ પીએ છે, ખરાબ નથી પીતા.’

 

અને, મને બરાબર બંધ બેસતું અવતરણ!

‘.. અને રાત્રે ભયંકર ઊંઘ આવે છે. પથારીમાં પડતાંની સાથે જ, પાંચ મિનિટમાં ઊંઘ્યા પછી કોઈ મને હલાલ કરી નાંખે તોપણ ખબર ન પડે.’

હવે? બે દિવસમાં નવલ વાંચી લીધા પછી ૬ મહિના પછી ફરીથી વાંચીશ ત્યારે વધુ અવતરણો સાથે. બક્ષીબાબુની નવલકથાઓની મઝા એ જ છે કે જ્યારે પણ વાંચો ત્યારે તાજી જ લાગે.

અપડેટ્સ – ૨૧૧: અમદાવાદ!

સવારે વહેલી ફરી પાછો એસ.ટી. પકડીને અમદાવાદમાં ઇન્કમ ટેક્સ પર ઉતર્યો ત્યારે મેટ્રોનું કામકાજ જોઇને આનંદ થયો. હવે ત્યાંથી મારે પેલી ગુમ થયેલી બેંકની તપાસ કરવાની હતી. મારી ૨૦૦૯-૧૨ની યાદશક્તિ ઢંઢોળી અને પાસબૂક પરથી હું સાચા સ્થળે પહોંચ્યો પણ ત્યાં તો “જગ્યા ભાડે આપવાની છે” એવું પાટિયું લટકતું હતું. મને થયું SBI જેવી બેંક બંધ થઇ જાય એવા સમાચાર મેં કેવી રીતે મિસ કર્યા? પછી એક ટ્રાય સામેની બ્રાંચમાં કરીએ એવો વિચાર આવ્યો અને ત્યાં પહોંચીને ખબર પડીકે એ બ્રાંચ તો ક્યાંક નજીકમાં જ ખસેડાઇ છે. ઓકે. ગુડ. ત્યાં પહોંચી ગયો. ચૂંટણીને કારણે લગભગ અડધા કર્મચારીઓ નિષ્ક્રિય લાગ્યા પણ મારું ૧૦ ટકા કામ થયું. કોઇ અજ્ઞાત મેડમ રજા પર છે એવો સ્ટાન્ડર્ડ જવાબ સાંભળવા મળ્યો અને પછી હું ત્યાંથી આગળ શું કરવું તે વિચારતો બહાર નીકળ્યો.

પહેલું કામ તો જેકેટ બેગમાં મૂક્યું. વેલકમ ટુ અમદાવાદ! પછી અમારા સાયકલ મિત્ર નિસર્ગભાઇને ફોન કર્યો અને તેમની ઓફિસ નજીકમાં જ હોવાથી ક્રોસવર્ડ મીઠાખળીમાં મળવાનું નક્કી કર્યું. આ ક્રોસવર્ડ આપણી ફેવરિટ. ત્યાં પેલી કોફી શોપ પણ સારી. નિસર્ગભાઇ જોડે કરેલી ૪૦૦ બી.આર.એમ.નો એમનો મેડલ મારી જોડે હતો તે તેમને સુપરત કર્યો અને પછી થોડી પેટ-પૂજા કરવામાં આવી.

નિસર્ગભાઇ જોડે સાયકલિંગ અને ગુજરાતમાં સાયકલિંગ પર બહુ વાતો કરી. હું તો નવરો હતો પણ તેઓ વ્યસ્ત હતા એટલે તેમને વિદાય આપી હું ક્રોસવર્ડમાં ગયો અને ત્યાં જઇને જોઉં તો ગુજરાતી વિભાગ થોડો મોટો બન્યો હતો અને ત્યાં કાઝલ ઓઝા વૈદ્યનું એકચક્રી સામ્રાજ્ય હોય એમ લાગ્યું. વચ્ચે વચ્ચે બીજા લેખકો ઝળકી રહ્યા હતા અને ત્યાં નજરે ચડ્યા – બક્ષી!

IMG_20171215_140116

પ્રવીણ પ્રકાશને બક્ષીબાબુના થોડા પુસ્તકો ફરી પ્રકાશિત કર્યા છે. એ માટે તેમનો ધન્યવાદ. મને જાતકકથા નવલ મળી ગઇ (અને હાલમાં તે વાંચી રહ્યો છું, તેનો રીવ્યુ પછીની પોસ્ટમાં!). ક્રોસવર્ડમાં હવે પુસ્તકો પછી સ્ટેશનરીનો માહોલ છે. તેમાં કંઇ લેવા જેવું ન લાગ્યું એટલે થોડો ટાઇમપાસ કરીને નીકળી ગયો. હા, ક્રોસવર્ડમાં “ચન્દ્રકાંત” જેવો જોડણીદોષ ખૂંચ્યો અને જેમ દર વખતે હોય છે તેમ ગુજરાત વિરોધી પુસ્તકો ડિસપ્લે પર ખાસ દેખાય તેમ મૂકવામાં આવ્યા હતા. નોર્મલ છે!

ત્યાંથી નીકળીને ઇશિતાને મળવા માટે પકવાન ચાર રસ્તા જવાનું હતું. ત્યાં ફાલાસિન કે ફાલાસી જેવું નામ ધરાવતા જ્યુશ કાફેમાં બેઠાં-બેઠાં ગપ્પાં માર્યા. જગ્યા સરસ છે. તેની ત્રણ સ્તર વાળી સેન્ડવિચ પણ સરસ હતી.

ત્યાંથી ઉપરના નકશામાં બતાવ્યું તેમ પકવાનથી પાન ખાઇને નક્કી કર્યું કે સંદિપનો જો ફોન ન આવે તો ચાલીને કાલુપુર સ્ટેશન જવું. કુલ અંતર લગભગ ૯.૫ કિમી હતું જે ૨ કલાક જેવું લાગે તેમ હતું. બરોબર. ૩.૫ કિમી ચાલ્યો ત્યારે સંદિપ મિટિંગમાંથી ફ્રી થયો અને અમે સહજાનંદ આગળ મળવાનું નક્કી કર્યું અને મળ્યા. છેવટે એક સરસ ચીઝ વડાપાંવ અને સેન્ડવિચ ખાધી. ત્યાંથી તેના ઘરે થઇને તેના દીકરા રીષિને લઇને તે મને કાલુપુર મૂકવા આવ્યો. દુર્ભાગ્યે ટ્રાફિક વધુ હતો એટલે કવિન માટે દોરી-ફીરકી લઇ શકાઇ નહી. આ વખતે લોકશક્તિમાં લોકોનો ત્રાસ હતો નહી અને થર્ડ એસીના કારણે ઠંડી-પવન પણ લાગવાના ન હતા એટલે આરામથી સૂઇ ગયો. સવારે ઘરે પહોંચ્યો ત્યારે એકસાથે બે દિવસનો થાક દેખાયો જે પછી રવિવારની રાઇડ પર પડવાનો હતો એમ લાગ્યું.

તો આ પોસ્ટ પૂરી. અને હા, કાલે ૧૮ ડિસેમ્બર – યાદ છે? ચૂંટણી પરિણામો 😀

રવિવાર

* સામાન્ય રીતે અમે રવિવારે બહાર જતા નથી. ટ્રાફિક. ભીડ. વગેરે વગેરે. પણ, સાંજે સાડા પાંચે ચા પીધા પછી નક્કી કર્યું કે ચાલો ક્યાંક જઈએ. કવિનને હિમાલય મોલ બહુ ગમે, કારણ કે ત્યાં ગેમ રમવાની તેને મજા આવી અને મારી પાસે અગાઉથી લીધેલાં કોઈન્સ પડ્યા હતા તે પૂરા કરવાના હતા. પહેલાં CCDમાં થોડો નાસ્તો કર્યો. જે હતું તે ખાધું. કોફી પીધી અને પછી મારા કેમેરાની બેગ જોઈ. ક્રોમામાં એક બેગ કદાચ જૂની પડી હતી તે સારી લાગી અને તેમાં ડિસકાઉન્ટ હતું. પણ, કવિન કૂદકા મારતો હતો એટલે પહેલાં તેને ગેમ રમાડવા લઈ ગયા. થોડીવાર પછી અમે કંટાળ્યા અને ક્રોસવર્ડમાં ગયા ત્યાંથી શેતાનની ડીવીડી, એક ચા-કોફી મગ અને કવિન માટે લેગો બ્રીક્સ લીધા. કવિનને લેગો વડે જાત-જાતની વસ્તુ બનાવવાની બહુ ગમે છે અને તેનાં અત્યારનાં બ્લોક્સ બહુ મોટાં છે (અને અવાજ બહુ કરે છે. સ્વાભાવિક રીતે તે તેમાંથી ગાડી-વિમાન બનાવે અને અથડાવે) એટલે નાનકડાં સરસ તેને અપાવવામાં આવ્યા. શેતાન મુવી મારાથી રહી ગયેલું અને કવિનને જોડે લઈને જવાય તેમ નહોતું એટલે ડીવીડી લીધી. આમપણ, મુવી જોવા જઈએ તેના કરતાં એ સસ્તું પડ્યું એમ કહેવાય. (જોકે દરેક સારા મુવીની ડીવીડી ના લવાય એ કહેવાની જરુર છે?).

ક્રોસવર્ડમાં ગયા ત્યારે ત્યાં કંઈક બબાલ ચાલતી હતી. કોઈને પૂછ્યું તો જાણવા મળ્યું કે સવારે સ્કૂલ-કોલેજમાં ભણતી ચાર કે પાંચ છોકરીઓ આવી હતી અને મસ્તી કરતી હતી ત્યારે કોઈક વોટર બોટલ ફોડી નાખી હતી. સ્વાભાવિક છે કે તમે તોડો તો તમે દંડ ભરો. સાંજે તેમની મમ્મીઓ આવીને બબાલ કરતી હતી. ૨૦૦ રુપિયા માટે એ લોકોએ આખા ક્રોસવર્ડને માથે લીધું હતું અને છેવટે ક્રોસવર્ડ વાળાએ પોતાની રેપ્યુટેશન બગડતી બચાવવા નમતું મૂક્યું અને પૈસા પાછા આપ્યા. ત્યારે મનમાં સવાલ ઉઠે કે પોતાના સંતાનની ભૂલ છાવરતા મા-બાપ કેવા કહેવાય? કાલે ઉઠીને તે છોકરી કાર વડે કોઈને કચડે તો તેના મા-બાપ તેને બચાવશે જ. કે પછી ડ્રગ્સ કે ખરાબ સંગતે ચડે તો નવાઈ નહી. વેલ, આશા રાખીએ કે એ છોકરીઓને ઠપકો મળ્યો હોય અને તેમની ભૂલ સમજાઈ હોય, બાકી તો રામ હી રાખે.

વળતી વખતે નસીબજોગે રીક્ષા મળી ગઈ અને ઘરે આવ્યા. કવિન જોડે મળીને લેગો વડે એક ઘર, રોબોટ, મોટું ઘર વગેરે વગેરે બનાવ્યા. રવિવારનો અંત અને કાલે આપણો ફેવરિટ વાર – સોમવાર 😛

I have a dream

* થોડા સમય પહેલાં જાણવા મળ્યું કે રશ્મિ બંસલ અમદાવાદમાં ક્રોસવર્ડ ખાતે તેમનાં પુસ્તક I have a dream ના લોન્ચ માટે (અને પ્રસાર, પ્રચાર..) આવે છે, તો નક્કી કર્યું કે આ વખતે તો રશ્મિ બંસલને મળવું (છેલ્લી વખત હું ક્યાંક બહાર હતો). આજે ફ્રી વે મોલ, ક્રોસવર્ડમાં કાર્યક્રમ હતો. થોડાક જ લોકો હતાં, પણ એકંદરે સરસ રહ્યું. બ્લાઈન્ડ પીપલ એશોશિઅનના નંદિનીબેન અને સુનિલ હાંડા (અને બીજા કોઈ પ્રોફેસર જેમનું હું નામ ભૂલી ગયો..) આવ્યા હતા. રશ્મિ બંસલે પ્રશ્નોના જવાબ પણ સરસ રીતે આપ્યા. જોકે એક-બે જણાંએ આઈ.આઈ.એમ.ની જેવી બીજી ઈન્સ્ટિટ્યુટ કઈ જેવા ફાલતુ પ્રશ્નો પૂછ્યા એ ન ગમ્યું. ખેર, એ તો રહેવાનું જ છે.

રશ્મિ બંસલ

રાબેતા મુજબ મેં ઢગલાબંધ ફોટા પાડ્યા અને પારસ અને રશ્મિ બંસલ જોડે થોડી વાતો કરી. ક્રોસવર્ડમાં આમતેમ ફર્યો અને પછી ઘરે આવ્યો ત્યારે સોસાયટીમાં મોન્સુન વેડિંગ ચાલી રહ્યા હતા (અત્યારે ગરબા ચાલે છે. રાતનો મુવી જોવાનો કાર્યક્રમ બંધ રાખવો પડશે.)

PS: I have a dream સરસ પુસ્તક છે. જો તમને Stay Hungry, Stay Foolish અને Connect The Dots ગમ્યા હોય તો, આ ચોક્કસ ગમશે.

ભોજનનો આનંદ

* પોસ્ટનું ટાઈટલ વાંચી ભોળવાવું નહીં. હું ક્યાંય હોટલ કે રેસ્ટોરાંમાં જમી આવીને થયેલ આનંદ વિશે વાત નથી કરતો. આ વાત છે ‘ભોજનનો આનંદ’ (લેખક: અંજલિ મંગળદાસ) નામનાં રસોઈ પુસ્તકની. ગઈકાલે કવિનની સ્કૂલની ફાઈલ માટે પેપર પંચ કરવાનું યંત્ર લેવા ગયો ત્યારે અચાનક આ નજરે ચડી ગયું. અને, મને થયું કે ચાલો કોકીને કંઈ ગિફ્ટ-બિફ્ટ આપીએ અને એનો લાંબા ગાળે ફાયદો મને પણ થશે એમ વિચાર્યું. જોડે બે મુવીસ – સેવિંગ પ્રાઈવેટ રાયન અને કિસ ધ ગર્લ્સ (નામ વિચિત્ર છે, પણ મોર્ગન ફ્રીમેન હોવાથી મારાથી રહેવાયું નહીં..) લીધા.

તો પુસ્તકમાં શું છે? સરસ બોક્સમાં ૫ નાનકડી પુસ્તિકાઓમાં ૫ પ્રકારની વિવિધ ૨૧ વસ્તુઓ બનાવવાની રીત છે. સ્ટાર્ટર, કચુંબર, રાયતાં, ચટણી અને અથાણાં. એમાંથી આપણને સ્ટાર્ટર અને સલાડમાં વધારે રસ છે. ૧૪૫ રુપિયા બરોબર કહેવાય.

મજાની વાત છે કે પુસ્તક પર આપેલ વેબસાઈટ સરનામું, http://www.houseofmg.com/cookbook ખૂલતું નથી! હા, હાઉસ ઓફ એમજીની સાઈટ ખૂલે છે અને ઠીક-ઠીક છે..

ચાંદામામા

* ગઇકાલે ક્રોસવર્ડમાંથી અચાનક ‘ચાંદામામા‘ હાથમાં આવી ગયું – અને ઘરે જઇને એક જ કલાકમાં બધી વાર્તાઓ વાંચી કાઢી!

.. અને, સ્વાભાવિક રીતે જૂનાં દિવસો યાદ આવી ગયા!

ક્રોસવર્ડ અને ગુજરાતી પુસ્તકો

* મને એ ખબર નથી પડતી કે ક્રોસવર્ડનાં ગુજરાતી વિભાગમાં સૌથી વધુ ભીડ માત્ર રસોઇ કળાનાં ખાનાં બાજુ જ કેમ જોવા મળે છે?

આજનું પુસ્તક: પ્રિય નીકી – ચંદ્રકાંત બક્ષી

રવિવાર

* રવિવાર એટલે મોડા જાગવાનું. ચા-નાસ્તો કરી 11.45 જેવો ઘરેથી નીકળી પહોંચ્યો, રેલ્વે સ્ટેશન. સારું છે કે સ્ટેશન પર ઘણાં બધાં ATM બની ગયા છે. થોડા ખૂટતાં રૂપિયા લીધા. રેલ્વે ટીકીટનાં ફોર્મ લીધા, અને ટોકન લઇને રાહ જોતો-જોતો 1.30 કલાક બેઠો-બેઠો આડા અવળાં વિચારો કરતો બેઠો હતો, નજર પડી ટોકન ડિસપ્લે કાઉન્ટર નીચેનાં ડિજીટલ સમાચાર સરકપટ્ટી પર. તેમાં લખ્યું હતું,

“ગુર્જર લોકોનાં આંદોલનોનાં કારણે ગુજરાતી પ્રવાસીઓ રખડી પડ્યાં. 10000 ખર્ચતા વિમાનની ટીકીટ મળતી નથી.”

(જોડણીની ભૂલો હોય એ કંઇ કહેવાનું હોય?)

તો આવા સમાચાર આપીને કહેવાનો અર્થ શું? રેલ્વેમાં મુસાફરી કરો? રેલ્વે તો સદંતર બંઘ છે. અને આ ગુર્જર લોકો છે કોણ? સાલું, મને તો આ દેશનું રાજકારણ જરાય સમજાતું નથી.

તો, ટીકીટ લઇ સીધો ક્રોસવર્ડ ગયો. નીચેની વસ્તુઓ પર રૂપિયા કુરબાન,

પુસ્તકો:

1. બ્લેક લેબલ – અશોક દવે

2. કોસ્મોસ – હર્ષલ પબ્લિકેશન

3. The Last LectureRandy Pausch.

જુઓ લેક્ચરનો યુટ્યુબ વિડીઓ,

4. સફારી (ગુજરાતી, અંગ્રેજી બન્ને)

સંગીત:

1. કોઇ આને વાલા હૈ – સ્ટ્રીંગ્સ

મુવીઝ:

1. યુવા

2. માઇકલ ક્લેટન

કવિન માટે રમકડાં શોધવામાં ખાસ્સો એવો સમય પસાર થયો.. પછી ધ લૂટમાં ઘૂસ્યો અને એક જીન્સ ઉપાડ્યું (અરર, મારી વાઇફ મને નક્કી બોલવાની છે, પણ એ તો ચાલે..)

અને, અમદાવાદમાં ઘર શોધવાની પ્રવૃત્તિનો હવે પ્રારંભ થાય છે. હું 1 BHK વાળું ઘર જેમાં મકાન-માલિક સાથે ન રહેતો હોય (એટલે કે નજીકમાં) અને પાણીની બબાલ ન હોય તેવું ઘર, ફ્લેટ, ઝૂંપડું.. વિજય ચાર રસ્તાથી મહત્તમ 20 મિનિટમાં ચાલીને જઇ શકાય તેવાં સ્થાન પર શોધી રહ્યો છું. 10-15 મિનિટનો તેમાં વધારો હોય તો વાંધો નહી, કારણ કે મારે તો મોટાભાગે સાઇકલ પર જ સવારી કરવાની છે.

ક્રોસવર્ડમાં ગુજરાતી પુસ્તક ..

* વાહ, હવે ક્રોસવર્ડ મુંબઇમાં ગુજરાતી પુસ્તકો રાખવામાં આવે છે! અને આ વખતે હું ‘પેરેલિસિસ’ (ચંદ્રકાંત બક્ષી) લઇને આવ્યો!

* બધાને હેપ્પી ઉત્તરાયણ..

અગત્ય = અપેક્ષા

ઇચ્છા, અગત્ય = અપેક્ષા

કંઇ મેળ પડે છે? આ શબ્દો છે છેલ્લા ચિત્રલેખામાં આવેલ ક્રોસવર્ડનાં.

😦

અમદાવાદની મુલાકાત

*હું હમણાં અમદાવાદની ટુંકી મુલાકાત (૧ દિવસ) પર હતો. કેટલાક નોંધપાત્ર મુદ્દાઓ:

– સવારે ૬ વાગ્યા સુધી એ.એમ.ટી.એસ. ની આશા ન રાખવી!

– બધા રીક્ષાવાળાઓ ખરાબ નથી હોતા, કેટલાક ટૂંકા રસ્તે લઇ જાય છે અને તમારા પૈસા બચાવે છે.

– ગાંધીનગર જવાના જીપડાઓ જરૂર હોય ત્યારે મળતા નથી. અને જ્યારે મળે છે, ત્યારે ભરાયેલા હોય છે.

– ગાંધીનગર ભલે ગ્રીનસીટી કહેવાતું, પણ ત્યાં ગરમી એકદમ ઝેરી પડે છે.

– પાલડી જતી દરેક બસ ગુજરાત વિધાપીઠ થઇને જાય છે.

– ક્રોસવર્ડ અમદાવાદની એકદમ કુલ જગ્યા છે.

– જે બસની રાહ જોતા હોઇએ, તે બસ ૧ કલાક સુધી આવતી નથી..

– પશ્ચિમ રેલ્વેની ટ્રેન સમયસર ઉપડે છે!