હિમજી એપ

* એમાં થયું એવું કે વોટ્સએપ પર એક સંદેશો મળ્યો કે હવે હિમજી એપ વડે તમે ૫૦૦૦ મિત્રોને એક ગ્રુપમાં ઉમેરી શકો છો અને આ એપ ગુજરાતના એક વિદ્યાર્થીએ (વાંચો: ૯માં ધોરણમાં ભણતા) બનાવી છે. તો આપણે પણ આ એપ ચકાસી. તો શું બહાર આવ્યું?

૧. આ એપ ટેલિગ્રામ ક્લાયન્ટ છે. હા. ડિટ્ટો કોપી-પેસ્ટ. તમે પણ આવી એપ સરળતાથી બનાવી શકો છો. સત્ય બહાર લાવવા માટે ટેલિગ્રામ અને આ હિમજી એપ સાથે ઇન્સ્ટોલ કરવી.

૨. આ ભાઇ એ ભંગાર રંગો અને UI વાપર્યા છે. ટૂંકમાં કોપી-પેસ્ટમાં અક્કલ હોતી નથી.

૩. ગુજરાતનો છોકરો (કે છોકરી) – આ નામે કંઇ પણ ચાલે છે.

૪. લોકો ચકાસ્યા વગર કંઇપણ ફોર્વડ કરે છે.

૫. વોટ્સએપ ગ્રુપમાં અક્કલનું પ્રદર્શન થાય છે.

૬. જો તમે આ પરથી બનાવેલી એપનો સોર્સ કોડ ન આપો તો કાયદાકીય રીતે ખોટું છે. ટેલિગ્રામ GPLv2 લાયસન્સ હેઠળ છે.

છેલ્લે, જય હિમ! 🙂

Advertisements

મુંબઇ થી કચ્છ

મારી હજારો ઇચ્છાઓની યાદીમાંથી એટલે કે વિશલિસ્ટમાંથી એકનો ઘટાડો થયો છે.

લગભગ ત્રણ-ચાર મહિનાથી અમે મુંબઈથી કચ્છ સાયકલ પર જવાની યોજના બનાવતા હતા. યોજના એવી હતી કે દર વર્ષે નવરાત્રિ પહેલાં મુંબઈ અને પુનેથી ઘણાં લોકો આશાપુરા-માતાનો મઢ જવા નીકળે છે, તેવી રીતે અમે પણ જઇએ, પણ આ સાયકલ રાઇડ જલ્દી પૂરી કરીએ. સ્વાભાવિક રીતે, ઓફિસમાં રજાઓ ૧૦ દિવસની રજાઓ ન જ મળે વત્તા રાઇડ એટલી પણ સરળ ન બનાવીએ. બહુ પ્લાનિંગ થયું અને વળતી ટ્રેન ટિકિટ છેલ્લી ઘડીએ કન્ફર્મ ન થઇ વત્તા સામાનનો ભાર ઓછો કરવા માટે જોડે ગાડી એટલે કે સપોર્ટ વ્હીકલ રાખવાનું પણ નક્કી થયું. નક્કી કરેલા દિવસ પહેલાં અનિવાર્ય સંજોગોને કારણે દીપ જોડે ન આવી શક્યો, પણ કિરણ, સંતોષ અને કિરણ કોટિયન અને હું એમ ચાર જણાં કચ્છ જવા માટે નીકળી પડ્યા.

મંગળવારે સાંજે બોરિવલીથી સૌપ્રથમ અમે ફાઉન્ટેન હોટેલ પહોંચ્યા અને સંતોષની રાહ જોઇ, એ છેક ચેમ્બુરથી આવવાનો હતો. સંતોષ આવ્યા પછી રાતની રાઇડ શરુ થઇ. રાત્રે મોડા તલાસરી પહોંચી હોટેલ બૂક કરાવી ત્યાં રાત્રિ નિવાસ કર્યો પણ રાત્રે માત્ર ૨.૩૦ કલાકની જ ઉંઘ મળી. સવારે ૫ વાગ્યે તો ઉઠવું પડ્યું અને ૬.૩૦એ ફરી આગળ રાઇડ શરુ કરી. બીજા દિવસની રાઇડ પણ NH8 પર હતી.

ભરુચ પહેલાં સુધી સારી એવી સરળ મુસાફરી રહી પણ જેવાં પેલા ક્યારેય ન સૂતા પુલ પાસે પહોંચ્યા ત્યાં પહેલાં ટ્રાફિક જામ થયો અને પુલના અંત સુધી પહોંચતા ટાયર પંકચર. એક વખત હવા ભરી પણ પંકચર હતું એટલે ટ્યુબ બદલીને આગળ વધ્યો. નક્કી કર્યા મુજબ અમે કરજણ પહેલાં એક હોટલમાં રોકાયા, જે ધાર્યા કરતા સરસ હતી અને જમવાનું પણ સારુ હતું (ઓનેસ્ટ જિંદાબાદ). ત્યાં હવે થોડી વ્યવસ્થિત ઉંઘ મળી. બીજા દિવસનો માર્ગ અમે આગલા દિવસે બદલ્યો હતો અને વડોદરા જવાની જગ્યાએ પાદરા થઇને તારાપુર ચોકડી અને ત્યાંથી ચોટીલા જવાનું નક્કી કર્યું. પાદરા પછી અમે આંતરિક માર્ગ લીધો અને ત્યાંથી મુશ્કેલી શરુ થઇ. રસ્તો તો ખરાબ હતો જ પણ નાનો અને વધુ ટ્રાફિક ધરાવતો હતો, જોકે આ વડે અમે ૧૦ થી ૧૫ કિમી બચાવ્યા. આગળ જઇને કિરણના જીજાજીના કેમ્પમાં નાસ્તો કરવા રોકાયા અને મઝાની વાતો કરી. વધુ આગળ વધીને બપોરે આરામ કરવાનું નક્કી કર્યું અને કેમ્પમાં જ જમી આરામ કર્યો પણ તડકા અને મકોડાં – આ બંનેએ મને ઉંધવા ન દીધો. વધુ આગળ વધ્યા અને લીમડી ગામે ગાડી મલી એ વાક્ય યાદ કરીને આગળ વધ્યા અને ત્યાં સુધીમાં તો રાત થઇ ગઇ હતી અને દુર્ભાગ્યે મારી ફેવરિટ હેડલાઇટ બગડી હોય એવું લાગ્યું. જેમતેમ કરીને આગળ વધ્યો પણ ચોટીલા લગભગ ૫ કે ૬ કિમી બાકી હતું ત્યાં હું કંટાળ્યો અને સાયકલ ગાડીમાં મૂકી ચોટીલા પહેલાં હોટલમાં રોકાવાનું હતું ત્યાં પહોંચી ગયો. સસ્તી અને એકદમ ભંગાર (દા.ત. બાથરુમમાં મોટી વિન્ડો પણ પડદા નહી) પણ જે મળે તે આ જ હતું અને આપણે ક્યાં બોલીવુડ હિરોઇન છીએ એ વાતે એ ઓપન જેવાં બાથરુમમાં નાહવાનો કાર્યક્રમ કર્યો 🙂 બીજા દિવસે સવારે નીકળ્યા અને હવે થાક દેખાવાનો હતો અને સૂકું વાતાવરણ દેખાતું હતું. પહેલાં વાંકાનેર અને પછી મોરબી. મોરબીમાં બ્રેકફાસ્ટ કર્યો અને ત્યાંથી માળિયામાં બપોરે લંચ. લંચ પછી ખબર પડીકે મારી સાયકલનું પાછલું ટાયર બે-ત્રણ કટ ધરાવતું હતું. સદ્ભાગ્યે સંતોષ જોડે વધારાના બે ટાયર્સ લઇ આવ્યો હતો એટલે ફટાફટ ટાયર બદલ્યું અને આગળ વધ્યા.

વેલકમ ટુ કચ્છ. વચ્ચે રણનો નાનો વિસ્તાર સરસ પવન ધરાવે છે એટલે ઝડપ પર અસર પડી. કચ્છ પહોંચ્યા પછી થાક વત્તા વાતાવરણ ખાસ તો મારા પર અસરો દેખાડતું હતું. ભૂજથી લગભગ ૩૦ કિમી પહેલાં સંતોષના ટાયરમાં પણ મુશ્કેલી થઇ પણ ટાયર બદલતાં સમય બગડે અને એ એકલો ટાયર બદલે તો વધુ સમય બગડે એટલે, બંને કિરણ આગળ વધ્યા અને અમે ટાયર બદલી ભૂજમાં હોટલ શોધવા નીકળ્યા. લો, હાઇવે પર કંઇ જ નહી. એક હોટલ માંડમાંડ મળી જે રુમમાં સાયકલ રાખવા તૈયાર નહોતા એટલે પડતી મૂકી અને બીજી હોટલમાં રીસેપ્નિસ્ટનો બકવાસ સહન કરીને પણ હોટલ બૂક કરી. એકંદરે સારા રુમ પણ જમવાની સગવડ નહોતી. અમે તો ઠીક, બાકીના બે રાઇડર્સ તકલીફમાં મૂકાયા જ્યારે તેમને ખબર પડી કે ૧.૩૦ વાગે કંઇ નહી મળે. છેવટે, બધાંની પાસે જે કંઇ ખાવાનું હતું તેના પર ચલાવ્યું અને સૂઇ ગયા. અમદાવાદના નિર્સગ કંસારાએ મને ભૂજના સાયકલિસ્ટ્સનો સંપર્ક આપ્યો હતો. એ લોકો અમને મળવા આવ્યા અને જ્યુબિલી સર્કલ આગળ વાતો, ફાફડાં-જલેબી અને ચાની જયાફત અમે ઉડાવી. ત્યાંથી અમે આશાપુરા જવા નીકળ્યા અને રસ્તામાં આવતા કેમ્પનો લાભ લેતાં-લેતાં અને મુશ્કેલ રસ્તાને પાર કરતાં લગભગ ૧.૩૦ વાગે બપોરે અમારા ફાઇનલ ડેસ્ટિનેશન પર પહોંચ્યા. ત્યાં પહોંચી સાયકલોને પેક કરી, ફ્રેશ થઇને મંદિરમાં ગયા અને ત્યાં જ પ્રાસાદરુપી જમ્યા. મઝા આવી ગઇ. પછી તરત જ પાછાં જવા નીકળ્યા.

રસ્તામાં ભૂજોડી અને કિરણના નાનીમા ના ઘરે જઇ આવ્યા. કચ્છની પ્રખ્યાત દાબેલીઓ ખાધી અને કડકનો ટેસ્ટ કર્યો.

ફોટાઓમાં ખાસ ભલીવાર આવ્યો નહી. હવેનો પ્રવાસ કદાચ કેમેરા સાથે કરીશ અને આ પ્રવાસમાંથી મળેલા બોધપાઠો યાદ રાખીશ.

સંપૂર્ણ પ્રવાસનો નકશો (બદલેલા માર્ગ સાથે): https://www.strava.com/routes/6596579

મુંબઈ-પાલનપુર વાયા વેસા

* વર્ડપ્રેસે ફરી પાછું એડિટિંગ સોફ્ટવેર બદલ્યું એટલે આ પોસ્ટમાં કંઇ ગરબડ થાય તો પહેલેથી હાથ જોડ્યા છે 🙂

* થયું એવું કે મુંબઈથી સાયકલ લઇને પાલનપુર જવાનું મારા વિશલિસ્ટમાં ક્યારનુંય હતું. આમેય, ૫૦૦ કિમી કરતાં વધુ મોટી સાયકલિંગ સફરનો લ્હાવો આ સિવાય નજીકના ભવિષ્યમાં મળે તેમ નહોતું અને કોકી-કવિન ત્યાં હોય તો મારી સાયકલિંગ સ્પિડ વધે એ ફાયદો પણ ખરો.

સૌથી પહેલાં તો એકલા જવાનું નક્કી કરેલું. જયદિપે એમાં દમણ સુધી જોડાવાનું નક્કી કર્યું. દમણમાં હોટલ નક્કી કરી અને પછી બરોડા માટે મદદ પોકારો નાખવામાં આવ્યા – છેવટે જીજ્ઞેશ દિવાળીમાં ત્યાં હતો એટલે નાઇટ હોલ્ટ એને ત્યાં એમ નક્કી થયું. મને એમ કે બરોડાથી સીધી સાયકલ વેસા લઇ જઇશું, પણ વિધિને કંઇક અલગ મંજૂર હતું.

* ભાઇ બીજના દિવસે (એટલે કે વહેલી સવારે ૨ વાગે) અમે નીકળ્યાં. હજુ ૧૦ કિમી પહોંચ્યા ત્યાં સાયકલની ટેઇલ લાઇટનું કવર નીકળી ગયું. સાથે લીધેલા રબર બેન્ડ્સ કામમાં આવ્યા અને અમે આગળ ચાલ્યા. અમારે નેશનલ હાઇવે ૮ પરથી સફાલે રોડ પર વળાંક લેવાનો હતો. ધાર્યા કરતાં અમે જલ્દી પહોંચ્યા અને ત્યાં ગયા તો ઘોર અંધારું. અજાણ્યો જંગલ વાળો રસ્તો એટલે થોડી બીક લાગી ખરી પણ હવે હિંમત રાખી આગળ વધ્યા. નો ડોગ્સ, એટલે અમે રોક્સ. સફાલે પર નાનકડો ઘાટ છે અને તે પછી રસ્તો ખરાબ છે. કેલવા બીચ પર પહોંચી આરામ કર્યો, નાસ્તો-બાસ્તો ખાધો અને પછી આગળ વધ્યા. વળી પાછો રસ્તો ખરાબ. લંચ જોકે સારુ મળ્યું અને એ પહેલાં જયદીપની સાયકલને પંકચર થયું એ ઠીક કરીને આગળ વધ્યા. નાગરોલ પહેલાં ખાડી હોડીમાં બેસી પસાર કરી અને મજા આવી (પછી ખબર પડી કે બ્રિજ પણ છે). ત્યાંથી દમણ પહોંચતા જીવ નીકળી ગયો, કારણ કે તે બોરિંગ રસ્તો છે.

દમણ પહોંચી હોટલમાં ચેક-ઇન કરી આરામથી બીચ પર બેઠાં. સૂર્યાસ્ત જોયો, માણ્યો અને ડિનર પહેલાં અને પછી સારી એવી ઊંઘ ખેંચી. સવારે ૫ વાગે ઉઠવાનો પ્લાન પડતો મૂક્યો અને આરામથી તૈયાર થઇ રિસેપ્શન પર ગયો તો માણસ ગાયબ. મહત્વની વાત એ હતી કે અમારી સાયકલ્સ લોકમાં હતી અને તે રુમની ચાવી તેની પાસે હતી. અડધા કરતાં વધારે કલાક ત્યાં બગડ્યો. સાયકલ લીધી તો ખબર પડી કે પંકચર છે. ટ્યુબ બદલી તો ખબર પડી કે મારો પંપ કામ કરતો નથી. એટલે જયદીપની મદદ લઇ પંકચર રીપેર કર્યું. સરસ. ૮.૩૦ જેવો વડોદરા જવા નીકળ્યો. હવે ખબર હતી કે આગળ શું થવાનું છે.

* આગળ એ થવાનું હતું કે મને એમ કે દમણથી બરોડાનું અંતર આરામથી કપાશે પણ હાઇવે બોરિંગ હોય છે. ફાયદો એ કે ખાવા-પીવા માટે અઢળક તકો મળે. નવસારી આગળ એક જગ્યાએ શેરડીનો જ્યુશ મને ફ્રીમાં ઓફર કરવામાં આવ્યો એ આ વડોદરા સુધીની રાઇડનો પ્લસ પોઇન્ટ. બાકી રસ્તો ફ્લેટ છે અને બોરિંગ છે. ઢગલાબંધ ફ્લાયઓવર્સ. સ્વાભાવિક છે. હવે મોડો નીકળ્યો હતો એટલે મોડું થવાનું હતું જ. જીજ્ઞેશને ફોન કરીને કહી દીધું કે દોસ્ત, મારી રાહ ન જોતો અને આરામથી સુઇ જજે. રાત્રે પણ રાઇડ સારી રહી પણ રોંગ સાઇડથી આવતા વ્હીકલ્સથી સાચવવું જરુરી હતું. સાચવ્યું. કોઇએ અમને અડાવ્યું નહી. ડિનરમાં ફ્રેન્ચ ફ્રાઇસ અને મસાલા સોડા. બરોડા લગભગ પહોંચી ગયો અને રાત્રે ૧.૩૦ વાગે અજાણ્યા વિસ્તારમાં ખોવાઇ ગયો. થેન્ક્સ ટુ ગુગલ મેપ્સનું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ અલગોરિથમ. જોકે મારી જ ભૂલ. ખોટો વળાંક. જીજ્ઞેશના ઘરે પહોંચી તરત સૂઇ ગયો. સ્ટાર્વા બંધ કર્યું (મહત્વનું).

* સવારે અહીં પણ વહેલો નીકળવાનો પ્લાન પડતો મૂકી બધાં જોડે આરામથી વાતો કરી, મિષ્ટી જોડે સેલ્ફી પડાવ્યો અને ગુંજને બનાવેલ સરસ બ્રેકફાસ્ટ ખાઇને અમદાવાદ જવા નીકળ્યો. સરસ રસ્તો. એટલે કે હાઇ વે. કદાચ આણંદ સુધી મજા આવી પછી ફરી બોરિંગ ફિલિંગ. બારેજા-કરજણ સુધીતો હાંફી ગયો અને સીધા વેસા જવાનો પ્લાન પડતો મૂકીને અમદાવાદમાં રોકાવાનું નક્કી કર્યું. હિરલના ઘરે પહોંચ્યો ત્યારે રિનિત આવી ગયો હતો. ખાસ નોંધ. ચંડોળા તળાવથી અમદાવાદ પશ્ચિમમાં જવાનો રસ્તો ક્યારેય ન લેવો. આરામથી નાહી-ધોઇને હિરેનને મળવા ગયો અને એક વર્ષ પછી મળ્યાં એટલે ખૂબ વાતો કરી. રાત્રે સરસ થાક લાગ્યો હતો એટલે ૫ વાગે રાઇડ શરુ કરવાની જગ્યાએ ૬ વાગે નીકળવાનું નક્કી કર્યું.

* બીજા દિવસે ૬ વાગે વસ્ત્રાપુરથી નીકળીને એસ.જી. હાઇવે થઇને અડાલજ પહોંચ્યો ત્યાં સુધી સરસ ઠંડી હતી. પછી પણ લગભગ ૯ વાગ્યા સુધી ઠંડક રહી. ૧૦ વાગે મહેસાણા પહોંચ્યો ત્યારે બળી રહ્યો હતો. સહયોગમાં સરસ દૂધ પીધું પણ લોકોને સાયકલને ટચ કરવાની ઉત્સુકતાએ શાંતિથી બેસીને દૂધ માણવાની તક ન આપી.

એક જણ : ચેટલાની શે?
હું : ૨ ની.

આગળ જવાબ મળે એ પહેલાં હું નીકળી ગયો હતો 🙂

* મહેસાણાથી છાપી સુધી ફરી આરામથી આવ્યો. ખાસ નોંધ: ઊંઝામાં થ્રેસર સહેલાઇથી મળે છે એટલી સહેલાઇથી પાણીની બોટલ નથી મળતી. છાપી પહોંચ્યો ત્યાર પહેલાં કોકીના બે-ત્રણ ફોન આવી ગયા હતા અને પછીના ૭ કિમી મહેનત પડી. ધ્યાન રાખવાનું હતું કે ગામના કૂતરાંઓ જાગે છે કે ઊંઘે છે. સદ્ભાગ્યે ઊંઘતા હતા. વેસા નજીક આવ્યું ત્યારે દૂરથી કવિન, કોકી, અતુલ, નિશાંત, હેમા, લેખના, દિયા વગેરે ઊભા હતા અને તેમણે મારું મેડલ આપી સ્વાગત કર્યું. કુલ કિલોમીટર ૭૦૦ પ્લસ. પણ હજુ સફર બાકી હતી. બાકીનો સમય આરામ કરવામાં વીતાવ્યો.

* મમ્મીને ફોન કર્યો અને એ દિવસે પાલનપુર જવાનો કાર્યક્રમ પડતો મૂક્યો અને બીજા દિવસે વડગામ થઇને પાલનપુર જવા નીકળ્યો. વેસાથી વડગામનો રસ્તો સરસ છે. મજા આવી. પાલનપુર પહોંચી મમ્મી, પપ્પા અને અન્ય લોકોને મળ્યો. થાક તો બહુ નહોતો લાગ્યો. દિલ્હી ગેટ એક આંટો માર્યો ત્યાં વિરેન અને કિરણ (દેસાઇ) મળ્યા. સાંજે પાલનપુરના સાયકલપ્રેમી ફરમાનઅલીને મળ્યો અને સાયકલિસ્ટના સુખ-દુ:ખની વાતો કરી.

સાયકલને સાંજે વેસા રીક્ષામાં લઇ જવામાં આવી કારણ કે કવિન-કોકી સાથે હતા. એટલે, આ લાંબી મુસાફરી અને કદાચ કાર્તિકના બ્લોગ ઈતિહાસમાંની લાંબી પોસ્ટમાંની એકનો પણ અંત આવ્યો!

ખાસ પોસ્ટ

* ખાસ એટલા માટે કે,

૧. ભારતમાં વિવિધતામાં એકતાની વાતો કેટલી પોકળ છે.
૨. ભણેલા લોકો ભણેલા હોય એ જરુરી નથી.
૩. લેખકો જે લખે કે સાચું ન હોય.

(હાલમાં ઉપડેલા) અનામત વિશેનો અત્યાર સુધી સૌથી નિષ્પક્ષ લેખ વિકિપીડિઆનો છે. કહેવાની જરુર છે? હા, ગુજરાતીમાં તેના ભાષાંતર-આગળ વધારવાની જરુર છે!

અપડેટ્સ – ૧૬૪

* એમ તો શનિ-રવિ પેલી ૪૦૦ ‘કેમ છો’ BRM વિશેની પોસ્ટ લખવી હતી પણ કોઇ સારું શીર્ષક ન મળ્યું એટલે ‘અપડેટ્સ – ફલાણો નંબર’ ઝિંદાબાદ.

૪૦૦ કિમી (૪૦૨, ખરેખર) બોધપાઠ્સ:

** સાયકલ ચલાવતી વખતે વિચારે ન ચડવું. એવું માનવું કે ફ્લાય-ઓવર પર ગમે ત્યાં કોઇ કાર ઉભી ન રાખે. રાખે પણ ખરા. તમે જોશમાં સીધાં જ અથડાવો પણ ખરા. વગેરે વગેરે.

** ઓવરનાઇટ સાયકલિંગ અલગ જ વસ્તુ છે. મારી ફેવરિટ વસ્તુ – ઊંઘને છોડીને તો ખાસ.

** રેસ્ટ માટે રાખેલ હોટેલમાં શાવર લઇ લેવો.

** આપણે સમજીએ છીએ એના કરતાં ધાબા-હોટેલ પરના લોકો વધુ મદદગાર હોય છે.

** ઉંબાડિયું સ્વાદિષ્ટ હોય છે.

** શેરડીનો જ્યુશ થાક લાગ્યા પછી વધુ મીઠો લાગે છે.

** સવારે ઘરેથી નીકળતી વખતે ચેક-લિસ્ટ ફરીથી ચેક કરીને જ ચેક-આઉટ કરવું.

* જો તમે સ્ટાર્વા જેવી કોઇ રનિંગ-સાયકલિંગ એપ વાપરતાં હોવ અને લોંગ ડિસ્ટન્સ રનિંગ કે સાયકલિંગ કરતા હોવ તો, સ્ટાર્વા શરુ કર્યા પછી ડેટા બંધ કરી માત્ર GPS ચાલુ રાખવું. મોબાઇલની બેટ્રી જબરજસ્ત બચશે (ટીપ કર્ટસી: કિરણ પટેલ).

* અને, વર્ડપ્રેસને ફરીથી પોસ્ટ લખવાની પદ્ધતિમાં છેડ-છાડ કરવા બદલ -૧.

કેડીઇ કોન્ફરન્સ ૨૦૧૪: તમારે કેમ જવું જોઇએ?

* મારી કેડીઇ કોન્ફરન્સ વિશેની છેલ્લે લખેલ પોસ્ટ નો સંદર્ભ લઇને ફરી એ વિશે લખી રહ્યો છું. કેમ? કારણ કે, ગુજરાતને આંગણે આવી કોન્ફરન્સ થતી હોય અને એનો લાભ કોઇને ન મળે તો મને એમને ગુમાવેલ તકનું વધારે દુ:ખ થશે.

મને યાદ છે કે જ્યારે હું કોલેજમાં (૨૦૦૦-૨૦૦૪) હતો ત્યારે લિનક્સ, ઓપનસોર્સ કે કોઇ કોન્ફરન્સ એટલે શું એનું કંઇ જ્ઞાન ન હતું. જ્યારે મુંબઇ આવ્યો અને ઉત્કર્ષ પ્રોજેક્ટમાં જોડાયો ત્યારે લિનક્સ અને ઓપનસોર્સની એક નવી દુનિયા મારી સામે આવી. ત્યારે થયું કે આ જ્ઞાન મને કોલેજમાં મળ્યું હોત તો કેટલાં વર્ષો પહેલાં મેં ઓપનસોર્સમાં યોગદાન આપવાનું શરુ કરી દીધું હોત? કદાચ મારો પ્રોજેક્ટ જુદો હોત, પણ કંઇ વધુ હું કરી શકત. જો તમે અત્યારે કોલેજમાં હોવ અને આવી તક તમને મળતી હોય તો ચોક્કસ ગુમાવવા જેવી નથી જ. અને, હું તો કહું છું કે જો તમે કોલેજનાં ફેકલ્ટી, પ્રોફેસર હોવ તો – આ કોન્ફરન્સ  કે બીજી કોઇપણ ઓપનસોર્સ કોન્ફરન્સ – તમારા માટે છે. કારણ? અહીં તમને દુનિયાભરમાંથી આવેલા વ્યક્તિઓ મળશે જે ડેવલોપર છે, પણ ઓપનસોર્સમાં તેમનાં યોગદાનમાં જુદા પડી આવે છે.  દા.ત. કેડીઇ કોન્ફરન્સની વાત કરીએ તો, નિખિલ મરાઠે, અત્યારે મોઝિલા સાથે કામ કરે છે, જે ગાંધીનગરની DAIICT કોલેજનો જ છે.

અને – સારા માર્ક લાવી, સારા કેમ્પસમાં જવાનું દરેકનું સપનું હોય છે, પણ કંઇક અલગ કરવું છે? તો આવી કોઇ કોન્ફરન્સ તમને માર્ગ ચીંધશે!

મારી ‘બસ’ મુસાફરી

* છેલ્લી પોસ્ટમાં લખેલું તેમ મુંબઇ-થી-ગોઆની જગ્યાએ મુંબઇ-થી-બેંગ્લોરની બોરિંગ મુસાફરી બસમાં કરવામાં આવી હતી. એકદમ સમયસર (એટલે કે સમય કરતાં વહેલાં) બસ સ્ટેન્ડ પર પહોંચ્યો ત્યારે મારી જેમ કેટલાય લોકો વિવિધ બસોની રાહ જોઇ ઉભા હતાં. વચ્ચે ગોઆની એક-બે બસ આવી તો થયું કે ચાલો ગોઆ જતા રહીએ અને ત્યાં બે-ત્રણ દિવસ આનંદ કરી આરામથી ઓફિસ પહોંચીએ, પણ પછી વિવિધ ચહેરાઓ સામે તરવરવા લાગ્યા અને એ પ્લાન પડતો મૂકવામાં આવ્યો અને બેંગ્લોરની બસની રાહ જોવામાં સમય પસાર કરવામાં આવ્યો. બસ સમય કરતાં અડધો કલાક મોડી આવી, પણ એકંદરે આરામ-દાયક લાગી એટલે હાશ થઇ. આખી રાત તો સરસ નીકળી ગઇ, પણ મને ખબર નહોતી કે બીજા દિવસે શું થવાનું છે.

દિવસ ઉગ્યો એટલે ૮ જેટલા વાગે બસ એક જગ્યાએ બ્રેક-ફાસ્ટ માટે ઉભી રહી અને અમે સવાર-સવારમાં ફરી પાછી ઇડલી-સંભાર અને કોફીના રુટિનની શરુઆત કરી. પાછો બસમાં આવ્યો ત્યારે બસમાં મુવી ચાલુ થઇ ગયું હતું. કયું હતું એ? ‘જબ તક હૈ જાન‘. ઓહ માય ગોડ! ઇન્ટરવલ સુધી ઠીક, પછી તો જબ તક હૈ જાનની જેમ માંડમાંડ જોવામાં આવ્યું અને પૂરુ થયાં પછી બસવાળાએ બીજું મુવી મૂક્યું. કયું હતું એ? ‘રેસ – ૨‘. જવું તો ક્યાં જવું? ઓકે, જોવામાં આવ્યું અને માથું દુખવાની શરુઆત થઇ. એ પૂરુ થયું પછી? ‘કાઇ પો છે‘ – પણ પ્રિન્ટ તદ્ન ખરાબ (પાયરેટેડ. કહેવાની જરુર?) વત્તા સાઉન્ડ ક્વોલિટી પણ તદ્ન કચરો.

શરુઆતમાં આ મુવી મને ગમ્યું, પછી બાજુમાં બેઠેલા એક વ્યક્તિ જોડે મુવીની ઘટનાઓ સત્યતા અને મિડિઆના રોલ વિશે લાંબી ચર્ચા ચાલી. તેણે કહ્યું હું પ્રેસ રીપોર્ટર છું, મેં કહ્યું હું ગુજરાતથી છું 🙂 પછી, ૨૦૦૨ની ઘટનાઓની માનવીય રીતે મૂલવણી ચાલુ થઇ. તેને ખબર નહોતી કે ગોધરા કાંડ અને પછીના તોફાનો માટે જવાબદાર લોકો ઓલરેડી જેલમાં જ છે. એ પછીની બધી ધાંધલ-ધમાલ (એમાં છાપાં, લોકો અને બ્લોગર-બ્લોગ્સ પણ આવી જાય છે) પેઇડ મિડિઆ દ્વારા થાય છે. અમે બન્ને સંમત થયા કે, એમાં સરવાળે બે કોમ વચ્ચેની ખાઇ-તણાવ વધતો જાય છે અને સરવાળે દરેક વસ્તુની જેમ સામાન્ય લોકોને ભોગવવાનું આવે છે.

વેલ, ‘કાયપો છે’ અધૂરી રહી. ફરી ક્યારેક જોવાશે. બેંગ્લોર પહોંચ્યા પછી, મને મારા સ્થળે પહોંચતા કુલ ૨.૫ કલાક થયા! એટલે કે બસ મુસાફરીને બસ કહેવામાં આવ્યું!

ગુડ બાય અમદાવાદ – ભાગ ૨

* તો છેવટે,

પુસ્તકો

અમે અમદાવાદથી ફાઇનલી ઉચાળા ભરવા (એમ તો આ શબ્દપ્રયોગ ખોટા અર્થમાં વપરાય છે, છતાંય) માટે આવ્યા અને,

૧. પહેલા દિવસે, બોસ્ટન મેરેથોનમાં બોમ્બ બ્લાસ્ટ. પણ, આ ક્વોટ નોંધી લેજો.

“If you’re trying to defeat the human spirit, marathoners are the wrong group to target.”

૨. બીજા દિવસે, ભૂકંપનો અનુભવ.
૩. ત્રીજા દિવસે, બેંગ્લોરમાં બોમ્બ બ્લાસ્ટ.

ઇન શોર્ટ, અમારું આગમન કોઇને ગમ્યું નહોતું 😉 એટલે કે અહીંથી જવું જ હિતાવહ હતું.

આજે કેટલાંક ADR મેમ્બર્સ (ખાસ તો રાજેશ)ની કંપનીમાં ઇસરો-સેટેલાઇટ રોડ પર હિલ રિપિટ્સ રન કરવામાં આવી. થોડા દિવસનો થાકેલો હોવાથી ૩-૩.૫ કિલોમીટર કરતાં વધુ દોડી શક્યો નહી, પણ મજા આવી ગઇ.

અને હા, વોટ ઓફ થેન્ક્સ:

૧. જયકિશન, નેહાબેન અને માસી – અમારા લેટર્સ, મેઇન્ટેનન્સ અને લાઇટબિલની તકેદારી લેવા માટે.
૨. નયનામાસી – બેસ્ટ મકાનમાલિક ઓફ ધ ડેકાડેનો એવોર્ડ અને થેન્ક્સ ફોર ગિફ્ટ્સ.
૩. ડો. નિશિત – એકદમ ઝડપી અને પરફેક્ટ નવા દાંત માટે.
૪. બીજા બધાં જેમણે અમારી બહુ મદદ કરી – હેમા-ધવન, પરેશકુમાર, કુંદનબેન.

PS: ગુડ બાય અમદાવાદ, ભાગ ૧.

વિશ્વ માતૃભાષા દિવસ

* આજે એટલે કે ૨૧મી ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. આ નિમિત્તે જો તમે અમદાવાદમાં હોવ તો, ગુજરાતી સાહિત્ય પરિષદે એક કાર્યક્રમનું આયોજન કરેલ છે. લાભ લઇ શકો છો!

માતૃભાષા બોલવી એ ગર્વની વાત છે, પણ જ્યારે બે ગુજરાતીઓ ગુજરાતની બહાર મળે ત્યારે ચોક્કસ અંગ્રેજી (જે કંઇ આવડે તે) કે હિન્દી (બાવા હિન્દી) માં વાત કરશે ત્યારે જે મજા આવે તેની વાત અલગ જ છે. છેલ્લા કેટલાય મહિનાથી હું પણ પહેલી કક્ષામાં આવી ગયો છું. થોડાક ગુજરાતી બોલતાં મિત્રો અહીં છે, જે સારી વાત છે. આનંદની બીજી વાત છે કે, ગુજરાતીઓ માતૃભાષાની બાબતમાં ફેનેટિક નથી (આ સારી વાત ગણાય. કારણ? આગળ વાંચો). દક્ષિણ ભારતમાં આવું ભાષા ઝનૂન તમને દરેક રાજ્યોમાં જોવા મળે છે, જે બહારનાં લોકોની બીજી ભાષા શીખવાની ક્ષમતા અને ઇચ્છા પર એટલો પ્રહાર કરે કે આપણે હિન્દી, અંગ્રેજી અને આપણી માતૃભાષા પૂરતાં જ મર્યાદિત રહી જઇએ. અહીં આવ્યા પછી અને વર્ષો સુધી રહ્યા પછી પણ તમને સ્થાનિક ભાષા ન આવડે તો ચાલી જાય તેમ છે. પણ, બહારથી આવીને લોકો ગુજરાતી સરળતાથી શીખી જાય છે. જે એક નોંધવા જેવી બાબત છે. એક બીજું કારણ પણ હોઇ શકે કે ગુજરાતીઓ મોટાભાગે બીજી ભાષાઓ શીખવા માટે બહુ તત્પર હોતા નથી (કારણ કે, એમાં કંઇ ફાયદો નથી થતો!).

અત્યારે તો, જય ગુજરાત, જય ગુજરાતી ભાષા!

અપડેટ્સ – ૭૬

* મંગળવારે આ બેંગ્લુરુમાં ત્રણ મહિના થયા 🙂

* ગયા રવિવારે અને આજે સવારે LSD પૂરી કરવામાં આવી. હવે આ LSD એટલે Long Slow Distance (run) એમ થાય. બીજું કંઇ ન સમજવું! પેલી મુંબઇ મેરેથોન માથા પર છે અને અમારી તૈયારીમાં કંઇ ખાસ ભલીવાર લાગતો નથી. છેલ્લે, થોડાક સમયથી મુક્ત મને દોડી શકાતું નથી એ સારી વાત ન કહેવાય. અને, તમને બોર કરવા માટે, બેંગ્લુરુના ૩ મહિનાના નિવાસ દરમિયાન કુલ રનિંગ કિલોમીટર અંકે પૂરા ૪૫૪ રોકડા.

એની તૈયારી રુપે એક સરસ મજાની કેપ-ટોપી લેવામાં આવી છે. રંગ પીળો ને ભાવ રાતો, ડ્રાય ફીટ ને ખિસ્સાંને પડે ટાઇટ.

* ગઇકાલે ધવલભાઇ (બીજી વખત મળ્યાં. પહેલી વખત DocTypeHTML5, અમદાવાદમાં મળેલા) અને જયદેવ જોડે BOTS (Bums On The Saddle) ની મુલાકાત લેવામાં આવી.

ધવલભાઇ અને જયદેવ - ટેસ્ટ રાઇડિંગ માટે તૈયાર! બમ્સ ઓન ધ સેડલ!

BOTS એ સાયકલની સરસ દુકાન છે. હા, સાયકલ પર હજી માત્ર વિચારવામાં આવે છે. BOTS માત્ર હાઇ ક્વોલિટી સાયકલ્સ રાખે છે. પાછાં જતાં રસ્તામાં ફાયરફોક્સનો શો-રુમ દેખાયો તો એમાંથી એક મોડેલ લગભગ ફાઇનલ કર્યું છે. SCMM પછી એની વાત છે.

* આવતી કાલે ઉત્તરાયણ છે અને અહીં સમ ખાવા પૂરતી એકેય પતંગ દેખાતી નથી. એટલું સારું છે કે અમારે પોંગલની રજા છે, એટલે આજની LSDનો થાક નીકળી જશે. બાકી બધાંને હેપ્પી ઉત્તરાયણ! અમદાવાદમાં તો લોકોને જલ્સા પડશે. સળંગ ચાર-ચાર રજાઓ!

PS: અહીં જયાનગરમાં ગુજરાતીઓ ભેગા થઇને ઉત્તરાયણ મનાવે છે એવું ધવલભાઇએ કહ્યું. ઉત્તરાયણ જ નહી, બધાં તહેવારોની પણ ઉજવણી કરે છે.

ઇલેક્શન રીઝલ્ટ સ્પેશિઅલ

* કેમ ભઇ, બધાં લોકો મંડી પડે તો અમે કેમ બાકી રહી જઇએ? આ બ્લોગને ૨૦૦૭ અને ૨૦૧૨ બન્નેમાં ગુજરાતની ચૂંટણી જોવાનો મોકો મળ્યો છે. અને, આ પાંચ વર્ષમાં ચાર-સાડા ચાર વર્ષ હું ગુજરાતમાં હતો એટલે હું જે કંઇ લખીશ એ દિલ્હીથી ચેનલ ચલાવતા લોકો જેવો બકવાસ તો નહી જ હોય 🙂

૧. ગુજરાતનાં લોકો મૂર્ખ નથી. એમને ખબર છે કે અત્યાર સુધી કઇ સરકારે ચૂંટણીમાં આપેલા વચનો પાળ્યા છે. પાળ્યા છે તો એ આપેલી વસ્તુઓની ક્વોલિટી (ઘર, લેપટોપ કે ટેબ્લેટ) કેવી રહી છે. ગુજરાતી કદાચ મફત લેવા માટે લલચાશે પણ એ વસ્તુમાં સરવાળે ફાયદો કે નુકશાન – એ મહત્વનું છે. વોટ કરતાં ટેબ્લેટ સસ્તું? ના, ભાઇ ના.

૨. ૨૦૦૨-૨૦૦૭નાં પ્રમાણમાં આ વખતે ગોધરાકાંડ કે કોમી તોફાનોનો મુદ્દો ઓછો ઉછળ્યો. મનેય નવાઇ લાગી.

૩. કેટલાંક હારવા જેવા લોકો જીતી ગયા, જીતવા જેવા લોકો હારી ગયા (eg જયનારાયણ વ્યાસ).

૪. કેટલાંક બ્લોગબાબાઓ બહુ ધમપછાડા કર્યા. ઠંડ રખ, ભાઇ ઠંડ. મજા આવી ગઇ.

૫. હા, મોદીજીને અભિનંદન. આશા રાખીએ કે હવે પાંચ વર્ષમાં ગુજરાત વધુને વધુ પ્રગતિ કરે. અમારી તો એવી ઇચ્છા કે, આ વિકાસનો ચેપ દેશનાં બીજા રાજ્યોને પણ લાગે! 🙂

૬. ઓવરઓલ, ભાજપે કોંગ્રેસ પાસેથી ઘણું શીખવા જેવું છે, અને પોતાની પાસેથી ઘણું ભૂલવા જેવું છે. થોડામાં ઘનું સમજવા જેવું છે.

૭. અને, આ એક્ટરોને ટિકિટ આપવાનું સદંતર માંડી વાળવું ન જોઇએ?

૮. ગમે તે હોય, પણ જીપીપીને કારણે ભાજપને એટલિસ્ટ ૮ થી ૧૦ સીટોનું નુકશાન થયું. જ્ઞાતિવાદનો પરાજય થયો, પણ હજીયે લોકો સુધરતા વાર લાગશે.

૯. સૌથી ચિંતાજનક વાત કે ગુજરાતમાં NCP, GPP, કે JD જેવી પાર્ટીઓએ ખાતું ખોલ્યું. સ્થાનિક પાર્ટી ઓવરઓલ નોટ ગુડ ફોર હેલ્થ!

૧૦. અને, પાલનપુરમાં કોંગ્રેસ. ઉપ્સ! 😦

ઇલેક્શન સ્પેશિઅલ

* આ વાંચ્યા પછી આવતી કાલે વોટ આપવા જશો? આવતી કાલે નહી તો ૧૭મીએ જજો (એ તમે ક્યાં છો એના પર આધાર!) પેલા ECE બલ્બની જેમ ભૂલી ન જતા. નહીંતર, તમારા માથે ફાફડા-પરિવર્તન કે ઇટાલીનું (ઘરનું) ઘર લખાઇ જશે.

અસ્તુ. તો ચાલો, અમે તો બ્રેકફાસ્ટમાં ઇડલી-સંભાર-કોફીની મજા માણીએ?

PS: આ લેખ.

સાબરમતી રીવરફ્રન્ટ રન

* સાબરમતી રીવરફ્રન્ટના ઉદ્ઘાટન નિમિત્તે ૧૦ કિ.મી. ડ્રિમ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમય સાંજે (એટલે કે બપોરે) ૪.૩૦ નો હોવાથી મને મારા પોતાના પર શંકા હતી કે બરોબર દોડી શકાશે કે નહી. સમયસર પહોંચી ગયો, ત્યાં ADR ના નિયમિત સભ્યો, સોહમભાઈ, હર્ષ વગેરે મળ્યા. સ્ટાર્ટિંગ પોઇંટ પર પહોંચ્યા પછી ખબર પડીકે આયોજન વ્યવસ્થિત થયું છે અને બધાંએ સરસ મજાના ફોટાઓ પડાવ્યા 🙂 અસિતભાઇ (મેયર) એ ફ્લેગ ફરકાવી રેસની શરુઆત કરી. રીવરફ્રન્ટ પર પહેલીવાર પગ મૂક્યો, ત્યારે તેની બધી કોન્ટ્રોવર્સી ભૂલી જવાઇ અને થયું કે સરસ વોક-વે બનાવવામાં આવ્યો છે, જે એટલિસ્ટ અમને દોડવા માટે તો કામમાં આવશે 😉

શરુઆત અને એકાદ કિ.મી. પછી DJ અને વચ્ચે બે-ત્રણ જગ્યાએ ઠંડા પાણીની વ્યવસ્થા હતી જે સખત ઉકળાટ-બફારા અને ગરમીમાં રાહત પહોંચાડવામાં મદદરુપ થઇ. વાસણા ડેમથી ટોકન લઇને પાછા આવવાનું હતું, રીટર્ન દોડવાનું મુશ્કેલ બન્યું પણ છેવટે, Strong Finish સાથે રેસ પૂરી કરવામાં આવી. સમય: ૧.૦૭.૧૫. હેનરિકે આ માટે ૩૯ મિનિટનો સમય લીધો 😀 (પ્રથમ ક્રમ).

આશા રાખીએ કે વર્ષમાં આવી બે-ત્રણ ૧૦K ની સ્પર્ધાઓ થાય જેથી લોકોને પ્રોત્સાહન મળે. સાબરમતી રીવરફ્રન્ટમાં હજી ઘણું કામ બાકી છે. પ્રગતિની સાથે લોકોના મગજની પ્રગતિ પણ થાય એ જરુરી છે (રીવરફ્રન્ટની બહાર નાનાં-નાનાં છોકરાઓને સ્ટેડિયમ ભાડે અપાયું તેનો વિરોધ કરવા ઉભા રાખેલા, કદાચ ચોકલેટ-બિસ્કિટની લાલચે!).

અને, મારો અત્યાર સુધીનો બેસ્ટ સ્માઇલિંગ પોઝ.

ફોટો: (c) બાર્બરા વેસ્ટરલિન.

અપડેટ્સ – ૫૬

* ૨૧ કિમી. ની હાફ-મેરેથોન સફળતાપૂર્વક દોડી લેવાઇ, એ માટેનો સમય હતો: ૨ કલાક, ૪૪ મિનિટ. ગુણવત્તાની દ્રષ્ટિએ ખરાબ કહેવાય, સફળતાની દ્રષ્ટિએ સરસ કહેવાય. મને એમ કે, ૨ કલાક, ૧૦ મિનિટનો ટાર્ગેટ સારો રહેશે. પણ, ક્યાં ખબર હતી કે આવું ઊંચું નિશાન માત્ર કહેવતોમાં જ સારું લાગે 😉 વેલ, સરવાળે મજા આવી. શીલજ સર્કલથી થોળ બર્ડ સેન્યુચરીના ચાર કિ.મી. પહેલાં સુધી અને પાછાં શીલજ સર્કલનો માર્ગ સારો હતો. સવારે ૭.૩૦ સુધી તો જરાય અવર-જવર નહોતી પછીથી ધ્યાન રાખવું પડે તેમ હતું કારણ કે રસ્તો એક-માર્ગીય હતો.

અને, મેન્ડેટરી રનિંગ પોઝ.

ADRનો મુખ્ય ફાયદો રનિંગ પછી બધાં જોડે થતી વાત-ચીત છે. હેનરિક, સોહમભાઇ, રાજેશ, લિહાસભાઇ અને બીજા નિયમિત રનર્સ જોડે વાત કરીને જ મેરેથોન દોડવાનો જુસ્સો આવી જાય 🙂

અને, પછી આખો રવિવાર સંપૂર્ણ આરામ. ઘરની બહાર પગ મૂકવાનો સવાલ જ નહોતો.

શું શીખ્યો?

૧. નવાં શૂઝ લાંબા અંતરની દોડ માટે ન વપરાય. જમણાં પગની છેલ્લી આંગળીએ સરસ ફોલ્લો થયો અને આ લખાય છે ત્યાં સુધી ફૂટ્યો નથી એટલે કાલની પ્રેક્ટિસ શંકાસ્પદ છે.

૨. ADRની ટી-શર્ટ થોડી જાડી છે. પણ, આ લાલ રંગની ટી-શર્ટ જુસ્સાવાળી છે 🙂

૩. સવારે વહેલા ઉઠવું એ ભારે કામ છે.

૪. દોડતા પહેલાનું વાર્મ-અપ અગત્યનું છે.

* કેશુભાઇના ફાફડા જોડે ઝાડફિયાભાઇની જલેબીનો અદ્ભુત સ્વાદ હવે ગુજરાત ચાખશે. ચાખશે કે તેમને સ્વાદ ચખાડશે એ તો ડિસેમ્બર-જાન્યુઆરીની ઠંડીમાં જ ખબર પડશે.

* Curiosity is the mother of invention. સો ટકા સાચું.

* આજની નોંધપાત્ર (અને વાંચ્યા પછી વિચારવા જેવી) બ્લોગ પોસ્ટ: Inspiring, isn’t it?

MSRTC v/s GSRTC

* એમ કંઈ યુધ્ધ નથી પણ, સરવાળે MSRTC (મહારાષ્ટ્ર એસ.ટી.) વિભાગની વેબસાઈટ, GSRTC (ગુજરાત એસ.ટી.) વિભાગની વેબસાઈટ કરતાં લાખ-લાખ દરજ્જે સારી છે. ખરેખર બસ કેવી છે એ અનુભવ લેવાનો રહી ગયો એ વાત અલગ છે, પણ પ્રાઈવેટ વોલ્વો કરતાં MSRTC ની બસોની સેવા સારી હોય છે એવી જાણકારી મળી છે. આપણા માટે તો તરત બૂકિંગ થાય, બસ ઉપડવા પહેલાં SMS આવી જાય વગેરે હોય તો બીજું શું જોઈએ? ગુજરાત એસ.ટી.ની બસોમાં ટી.વી. લગાવવા સિવાય બીજું શું આવડ્યું છે? 🙂 વેલ, હું ખોટો પણ હોઈ શકું. ક્યારેક રેડિઓ પણ લગાવેલો હોય છે, જે ફાટેલા સ્પિકર્સમાંથી આવતા તરડાયેલા રેડિઓ જોકીના અવાજ વડે આપણને માનસિક બિમાર કરી દે તે હદે હોય છે.

જય જય ગરવી ગુજરાત (એસ.ટી.)!