બ્લોગના બાર વર્ષ

૧૨ વર્ષ પહેલાં આ બ્લોગ શરૂ થયેલો આ બ્લોગ હજુ ટીનએજર્સ બન્યો નથી. હજુ સુધી તો બ્લોગ-બ્લોગિંગમાં મઝા આવે છે. જોઇએ હવે ક્યારે આ મઝા પૂરી થાય છે. બ્લોગ-રનિંગ-સાયકલિંગ-જીવન. કોને અગ્રતા આપવી એ હજુ નક્કી નથી, પણ અત્યારે આ ચાર વસ્તુઓ લગભગ સમાંતર ચાલે છે. કોઇક વખત એમાંથી કોઇ આગળ નીકળે છે અને કોઇ પાછળ રહી જાય છે. પણ, એકંદરે ચારેયમાંથી કોઇ હાંફ્યું નથી.

એક સંબંધિત અને સરસ સમાચાર: ચંદ્રકાંત બક્ષી અને અન્ય કેટલાય લેખકોના મસ્ત ફોટાઓ સંજયભાઇએ વિકિપીડિયામાં અપલોડ કર્યા છે. કેટલાય વર્ષોની ઇચ્છા ફળી છે. સંજયભાઇ અને અનંતનો આભાર અને તેમના પરથી કેટલાય લોકો પ્રેરણા લે તેવી ઇચ્છા!

આ પણ જુઓ:
* ૩ વર્ષ: https://kartikm.wordpress.com/2009/03/25/3-years-2/
* ૪ વર્ષ: https://kartikm.wordpress.com/2010/03/25/not-yet-missing-blog/
* ૫ વર્ષ: https://kartikm.wordpress.com/2011/03/25/towards-6th-year/
* ૬ વર્ષ: https://kartikm.wordpress.com/2012/03/26/happy-birthday-my-blog/
* ૮ વર્ષ: https://kartikm.wordpress.com/2014/03/25/આઠ-વર્ષ/
* ૧૦ વર્ષ: https://kartikm.wordpress.com/2016/03/26/10-years-blog/

પુસ્તક: જાતકકથા

છેલ્લી અપડેટમાં લખ્યું હતું તેમ ક્રોસવર્ડમાંથી બક્ષીબાબુની નોવેલ જાતકકથા મળી ગઇ. બે દિવસમાં લગભગ બે બેઠકે આ પુસ્તક પુરુ કર્યું અને હવે તેનો નાનકડો રીવ્યુ!

IMG_20171216_112816.jpg
થિંક બક્ષી!

સૌપ્રથમ તો આ પુસ્તકનું પુન:મુદ્રણ પ્રવિણ પ્રકાશને કર્યું તે માટે તેમનો આભાર. હવે જાતકકથાનું આવરણ સરસ છે. પ્રથમ પાનું ઉઘાડીને જોયું તો અન્ય નવલકથા-પુસ્તકોના આવરણો હોરિબલ છે. યસ, હોરિબલ. તેનો ફોટો મૂકવાની પણ ઇચ્છા થતી નથી.

જાતકકથા વાંચવાની શરૂઆત કરી એ પહેલાં જાતકકથા એટલે શું? એ વિષય પર ઇન્ટરનેટ પર બહુ બધું વાંચી કાઢ્યું. બક્ષીબાબુએ પણ સરસ રીતે સમજાવ્યું છે. ૧૯૬૯ની આ નવલ બક્ષીબાબુના એ સમયના મિજાજને યોગ્ય રીતે વર્ણવે છે. નવલને ત્રણ ભાગોમાં વહેંચી છે, પણ આપણો રસ જરાય ભંગ થતો નથી. હવે તેમાંથી થોડાક અવતરણો!

‘કોઈ પણ માણસ સાથે હોય તો મજા આવે જ’ આમ્રપાલીએ અંધારામાં કહ્યું.
‘માણસ નહીં, પુરુષ. માણસમાં તો સ્ત્રીઓ પણ આવી જાય.’
‘મારું ગુજરાતી એટલું બધું સારું નથી.’

‘હિંદુ ધર્મ પોતાના કિનારાઓ પર સૌના ઇશ્વરોને જીવવા દે છે.’

‘ગુજરાતીઓમાં બે જ જાતો છે, એક સારા અને એક ખરાબ. એક દારૂ પીનારા, બીજા ન પીનારા. સારા ગુજરાતીઓ પીએ છે, ખરાબ નથી પીતા.’

 

અને, મને બરાબર બંધ બેસતું અવતરણ!

‘.. અને રાત્રે ભયંકર ઊંઘ આવે છે. પથારીમાં પડતાંની સાથે જ, પાંચ મિનિટમાં ઊંઘ્યા પછી કોઈ મને હલાલ કરી નાંખે તોપણ ખબર ન પડે.’

હવે? બે દિવસમાં નવલ વાંચી લીધા પછી ૬ મહિના પછી ફરીથી વાંચીશ ત્યારે વધુ અવતરણો સાથે. બક્ષીબાબુની નવલકથાઓની મઝા એ જ છે કે જ્યારે પણ વાંચો ત્યારે તાજી જ લાગે.

બક્ષી: વ્હેર આર યુ?

આજથી નવ વર્ષ પહેલાં તમે આ પારસ્પરિક અંગત સંબંધોથી અપાતા ઇનામોની, છેલ્લી ચાર સદીમાં ચાર પુસ્તકોની ૧૨૫૦ નકલો પ્રકાશિત થયેલી હોય એવા વિવેચકો-લેખકોની તેમજ કવિતા એટલે જ સાહિત્ય એવી સમજ ધરાવતાં લોકોની દુનિયા છોડીને જતાં રહ્યા છો.

જ્યારે જ્યારે તમારી નવલકથાઓ-બક્ષીનામા કે ટૂંકી વાર્તાઓ વાંચું છું, ત્યારે થાય છે કે આ લખાણની ૧૦ ટકા ગુણવત્તા ધરાવતો લેખક છેલ્લાં દસ વર્ષોમાં કેમ હજી પાક્યો નથી (જોકે હું વિશ્વાસ ધરાવું છું કે આવતાં ૧૦૦ વર્ષોમાંય નહી પાકે!).

બીજું તો શું લખીએ. ફરીથી જ પૂછીએ –

વ્હેર આર યુ, બક્ષીબાબુ?

હું ચંદ્રકાંત બક્ષી

હું ચંદ્રકાંત બક્ષી

* મુંબઇ સમાચાર (થેન્ક્સ ટુ વિનયભાઇ) અને દેશ ગુજરાત દ્વારા જાણવા મળ્યું કે શિશિર રામાવત બક્ષીબાબુના જીવન પર આધારિત નાટક ‘હું ચંદ્રકાંત બક્ષી’ નો શૉ મુંબઇમાં રજૂ કરવાના છે. લો ત્યારે – શિશિરભાઇની કૉલમ અને કલમનો લાભ તો આપણે લીધેલો અને હવે બક્ષીબાબુનો વિષય હોય ત્યારે આપણે પાછા પડીએ? દુર્ભાગ્યે, ૧૫ અને ૧૬ તારીખે હું અત્યંત વ્યસ્ત હતો (જુઓ: આ પોસ્ટ્સ) એટલે પછી NCPAની ૨૨ તારીખની ટિકિટ્સ બુક કરાવવામાં આવી/ (એના કારણે પૃથ્વી થિએટર જોવાનું રહી ગયું. નેક્સ્ટ ટાઇમ!) NCPA બુકમાયશૉ.કોમ થી ટિકિટ્સ બૂક કરવા દે છે, જે એકદમ સરસ વેબસાઇટ છે. ક્લિઅરટ્રીપ અને ફ્લિપકાર્ટની જેમ આપણે હવે તેના નાનકડા સમર્પિત કસ્ટમર બની ગયા છીએ 🙂

તો, ગઇકાલે સાંજે અમે NCPA પહોંચી ગયા. એમ તો કવિનની પણ ટિકિટ લીધેલી પછી કવિને કહ્યું – મને પૂછ્યું હતું? એટલે મારા સસરાને એની જગ્યાએ આમંત્રિત કરવામાં આવ્યા. જે અમારા સર્વશ્રેષ્ઠ નિર્ણયોમાંનો એક ગણી શકાય! 😉 NCPA માં સારી એવી સંખ્યામાં પબ્લિક હતી. નાટક યોગ્ય સમય પર શરુ થયું. Experimental થિએટર પ્રમાણમાં નાનું હતું પણ એકદમ પરફેક્ટ જગ્યા લાગી.

નાટકની શરુઆત જ એકદમ પ્રભાવશાળી રહી. પ્રતિક ગાંધીનો અભિનય લાજવાબ હતો. શરુથી લઇને અંત સુધી એકપણ નબળો સંવાદ કે નબળો અભિનય લાગ્યો નહી (ડિસક્લેમર: નાટકનો મારો પ્રથમ અનુભવ!). બક્ષી ખરેખર સ્ટેજ પર ઉતરી આવ્યા હોય એવું લાગતું હતું. જેને બક્ષીનામા વાંચી હોય (કયા બક્ષી ચાહકે ન વાંચી હોય??) એને વધારે મજા આવે એવું મને લાગ્યું. બક્ષીબાબુએ મેરેથોન ૨ કલાક અને પ૫ મિનિટમાં પૂરી કરેલી એવું સાંભળ્યા પછી મારા પ કલાક અને ૫૫ મિનિટના સમય પર ઘરવાળાઓએ માછલાં ધોયા 😉

૧ કલાક અને ૪૫ મિનિટ – મજા આવી ગઇ!

હેટ્સ ઓફ ટુ – પ્રતિક ગાંધી, શિશિરભાઇ અને મનોજ શાહ. આ ત્રિપુટી જો મોટું બક્ષીમય નાટક બનાવે તો જલ્સા પડી જાય અને પહેલી ટિકિટ હું સપરિવાર લઇ લઉં!

અને છેલ્લે મેન્ડેટરી વસ્તુ – સ્ટેટસ હોટલમાં મસ્ત સાઉથ ઇન્ડિયન ફૂડ ઝાપટવામાં આવ્યું!

[ચિત્ર: નાટકના પેમ્ફલેટમાંથી રિમિક્સ]

(સાડા ત્રણ) અઠવાડિયાનાં પુસ્તકો – ૫

* એક ચિત્ર, ‘સાત પુસ્તકો સાફ’:

આ મહિનાનાં પુસ્તકો
ગયા મહિનામાં ખરીદેલા પુસ્તકો

હવે આમાંથી ‘રીફ મરિના’ અને ‘આંસુ ભીના ઉજાસ’ તો મુંબઇ ખાતે જ મૂકી દેવામાં આવ્યા છે.

૧૪. કમઠાણ — અશ્વિની ભટ્ટ

ચિરાગભાઇના આગ્રહથી ‘કમઠાણ’ લેવામાં આવ્યું અને એ સાચાં છે કે, મારા ધાર્યા કરતાં ‘કમઠાણ’ બહુ જ સારું નીકળ્યું!

૧૫. તવારીખ — ચંદ્રકાંત બક્ષી

૧૬. અયનવૃત્ત — ચંદ્રકાંત બક્ષી

બન્ને ક્લાસિક! બક્ષીબાબુ એ લખ્યું છે, ‘અયનવૃત્ત મને ગમતું સૌથી પ્રિય અને સૌથી નિષ્ફળ પુસ્તક છે’. જે કોઇને ઇતિહાસમાં રસ હોય તેમને એક નવી   રીતે માણવા માટે અયનવૃત્ત અને અતીતવન – બન્ને વાંચવા, વસાવવા જોઇએ.

પ્રિન્સેસ સ્ટ્રીટ આગળથી જવાનું થયું એનો ફાયદો ઉઠાવીને ઉપરોક્ત સમૂહ ખરીદવામાં આવ્યો હતો અને ગુર્જરમાં જે કોઇ ભાઇ હતા (ભગવાન તેમને લાંબી ઉંમર-સ્વાસ્થય આપે!) તેમની જોડે પુસ્તકો વિશે વાતો કરવાની મજા આવી ગઇ. ‘બક્ષીનામા’ અને બક્ષીજીના અનેક પુસ્તકો હવે પ્રાપ્ત નથી (અને રીપ્રિન્ટ કરવાનો પણ કોઇ પ્લાન નથી) એ જાણીને દુ:ખ થયું.

પેલાં નવાં-નવાં ખૂલેલાં સાર્થક પ્રકાશન માટે આ સરસ તક ઝડપી લેવા જેવી ખરી?

ઉપરનાં પુસ્તકો સિવાય, પેલી શિવા ટ્રાયોલોજીનો ત્રીજો ભાગ ‘વાયુપુત્રાસ’ (બહુ લાંબો ચાલ્યો આ તો!) અને ‘કટિબંધ’ નો છેલ્લો ભાગ હાલમાં વંચાઇ રહ્યો છે. પેરેલલ વાંચનની મજા અલગ જ છે, પેરેલલ પ્રોગ્રામિંગની જેમ 🙂 જોકે, આજ-કાલ સમયની બહુ તંગી છે (એટલે કે દિવસમાં હવે ૨૪ કલાક જ મળે છે!). દુ:ખિયારા અને અકૂપાર હજુ બાકી છે, આ અઠવાડિયે તેને શરુ કરવામાં આવશે.

PS: જયભાઇ પછી નેહલભાઇ એ દુ:ખિયારા વિશે સરસ લખ્યું છે.

મીસીંગ બક્ષીબાબુ

* ઉપરનું શીર્ષક કોઇક પોસ્ટ, લેખ કે પુસ્તકમાં વાંચેલું હોય એમ લાગે છે (PS: રજનીભાઇની એક પોસ્ટ પર), પણ જે હોય તે, અત્યારે તે સાચું જ છે. મારા બ્લોગની શરુઆત બક્ષીબાબુના આ દુનિયામાં ગયા પછી થઇ, એ પહેલાં તેમને બહુ વાંચ્યા અને પછી પણ બહુ વાંચ્યા. એમનાં લેખો માટે સમાચારપત્રો બદલ્યા. આખી લાઇબ્રેરી ફેંદી નાખી. જ્યાં-ત્યાંથી જે પણ કંઇ લેખ વાંચવા મળે તે વાંચી લીધા અને જ્યાંથી મળે ત્યાંથી તેમનાં પુસ્તકો વસાવવા શરુ કર્યા. હજી પણ છેલ્લાં અઠવાડિયે મુંબઇ ગયો હતો ત્યારે ગુર્જરની મુલાકાત લઇ બક્ષીબાબુનાં બે ઐતહાસિક પુસ્તકો (અયનવૃત્ત, તવારીખ) મેળવ્યાં અને હજીય એમ થાય કે બક્ષીબાબુ હજી ૧૦૦-૨૦૦ જેટલાં વધુ પુસ્તકો લખીને ગયા હોત તો? 🙂 તો શું? અમને કયા પુસ્તકો વાંચવા એવી મૂંઝવણ તો ન થાત!

આજે રાત્રે બક્ષીબાબુના વિકિપીડિઆ પાનાં પર થોડી ખૂટતી વિગતો ઉમેરવામાં આવશે. એટ લિસ્ટ, આપણે એટલું તો કરી શકીએ.

એક જાહેર અપીલ: જો કોઇએ બક્ષીબાબુનો ફોટો પાડેલો હોય તો વિકિપીડિઆ કોમન્સ પર અપલોડ કરવા વિનંતી. વધુ વિગતો માટે મારો ઓફલાઇન સંપર્ક કરી શકો છો.

અને હા, આજનાં દિવસે પેલાં મેઘદૂત પર્વતવાસીઓએ સરસ પોસ્ટ લખી છે. વાંચવા જેવી. રજનીભાઇએ પણ સરસ પોસ્ટ લખી છે, કોમેન્ટ્સ વગેરે પણ જોવા જેવી છે!

આ અઠવાડિયાનાં પુસ્તકો – ૧

* લો, અમે આવી ગયા વધુ એક સીરીઝ લઇને. આ વર્ષનો બીજો એક ટારગેટ છે કે ઓછામાં ઓછાં ૧૦૦ ગુજરાતી પુસ્તકો વાંચવા (ગુજરાતીમાં, પછી ભલેને અનુવાદ જ હોય). શરુ કરીએ? આ ૧૦૦ પુસ્તકોની યાદી રહે તે માટે ખાસ આ સીરીઝ શરુ કરાઇ છે.

૧. ધ Girl વિથ ડ્રેગન ટેટ્ટુ — સ્ટીગ લાર્સન (અનુવાદ)

ઠીક-ઠીક અનુવાદ. કેટલીક જગ્યાએ ધ્યાન રાખીને અનુવાદ ગપચાવ્યો હોય એમ લાગ્યું કારણ કે અમે અંગ્રેજી પુસ્તક વાંચેલું જ છે 😀 ઓવરઓલ, સારો પ્રયત્ન છે.

૨. યાર બાદશાહો… — ચંદ્રકાંત બક્ષી

દિવ્ય ભાસ્કરમાંના બક્ષીબાબુના લેખોનો સંગ્રહ. ૬-સાડા ૬ વર્ષ જૂનાં લેખો હોવાં છતાંય કેટલાં ફ્રેશ લાગે છે અને અત્યારના બ્લોગબાબાઓનાં લેખો? ૬ દિવસમાં વાસી થઇ જાય.

ઉપરનાં બન્ને પુસ્તકો મુંબઇ ગયો હતો ત્યારે ઘરેથી લેતો લાવેલો.

અને, નીચેનાં પુસ્તકો ફ્લિપકાર્ટમાંથી મંગાવેલા છે.

૩. પ્રિયજન — વિનેશ અંતાણી

સરસ અને ક્લાસિક. થેન્ક્સ ટુ સૌરભ શાહનો પેલો લેખ – કિતાબી દુનિયા. બીજા પુસ્તકો, એક-પછી-એક મંગાવવામાં આવશે (ie બજેટ પ્રમાણે!!)

૪. મારા ડેડીનું ઝુ — એસ્થર ડેવિડ (અનુવાદ)

સરસ નાનકડું પુસ્તક. એમ તો કવિન માટે છે, પણ રખેને ત્રણ-ચાર વર્ષ પછી આઉટ-ઓફ-પ્રિન્ટ થાય, એટલે મંગાવી લીધું.

હેપ્પી બર્થ ડે, બક્ષીબાબુ

* જુઓ તો ખરા, આજે કોનો-કોનો બર્થ ડે ભેગો થયો છે? એક બાજુ બક્ષી બાબુ અને બીજી બાજુ રાજીવ ગાંધી. એક નામ માત્રથી શરીરમાં રોમાંચ, ઝણઝણાટી થાય. BP ૧૨૦થી ઉપર ચાલ્યું જાય. બીજા નામથી દિલ-દિમાગમાં થાય આ માણસ ન જનમ્યો હોત તો દેશ કેટલો અલગ હોત. ભલે STD-PCO ના આવ્યા હોત પણ દેશને માથે કોલ-ગેટ કે રજી-૩જીના છાણાં તો ન હોત.

ખેર, જવા દો. હેપ્પી બર્થ ડે, બક્ષી બાબુ. આ નિમિત્તે નવા મંગાવેલા પુસ્તકો આવશે એવી આશા રાખી હતી પણ, હે ઇન્ફિબીમ, તમારી ડિલિવરી સિસ્ટમ હજી ૧૯૮૮ જેવી જ છે. કંઇ નહી, મારી જગ્યાએ અત્યારે કોકી ‘એક અને એક’ વાંચી રહી છે.

બક્ષીબાબુ પર એક સરસ પોસ્ટ: Sad Heart, Courageously

અપડેટ્સ

* હેપ્પી બર્થ ડે, બક્ષી બાબુ. આજે બાકીનાં પુસ્તકોનો ઓર્ડર આપ્યો. આ સિવાય બાકીની નોવેલ મુંબઈ જઈશ ત્યારે લાવવાનું પ્લાનિંગ છે.

વળી, આજ એક બીજા માણસનો જન્મદિવસ છે જે ઉપર બેઠા મલકાતો હશે કે મારા કારણે આયાત થયેલ વ્યક્તિને કારણે આખા દેશને ભોગવવું પડે છે (હિન્ટ – ઈટાલીમાંથી આયાત કરાઈ છે). જોકે ઈટાલીની એ આયાત જબરું રાજકારણ જાણે છે. સામાન્ય નિયમ છે કે જ્યારે ઘોંઘાટ થતો હોય ત્યારે બોલવું સારુ નહી. કોઈ જ જવાબ નહી આપવાનો. આ નિયમ છેલ્લી બે ઓફિસોમાં થયેલા અનુભવો પરથી શીખ્યો છું અને અસરકારક છે. એટલે જ ઓફિસોમાં મેનેજમેન્ટ અને રાજકારણ વચ્ચે ઊંડો સંબંધ હોય છે.

અને, કવિનની તબિયત થોડા દિવસથી સારી નથી એટલે મને પણ ઠીક લાગતું નથી 🙂

કેટલાંક અવતરણો: હું, કોનારક શાહ…

* હું, કોનારક શાહ… માંથી,

જ્યારે કંઈ જ સૂઝતું ન હોય ત્યારે જમવા બેસી જવું જોઈએ!

જો ખાવામાં, પીવામાં, પહેરવામાં, બોલવામાં, હસવામાં પણ ખુરશીનું વજન લાગતું હોય તો…. એ ખુરશીને લાત મારી દેવાની!

(અહીં જોકે ખુરશીની જગ્યાએ જોબ ઉર્ફે નોકરી શબ્દ મૂકીએ તો ખોટું નહી..)

માણસે માત્ર પોતાના દુ:ખની બાબતમાં પ્રામાણિક થયે ચાલતું નથી… પોતાના સુખની બાબતમાં પણ પ્રામાણિક થવું પડે છે…

હનીમૂનમાં સાંજ એ રાતની શરૂઆત છે, પણ રોજની જિંદગીમાં સાંજ એ દિવસનો અંત છે!

ગાય જીવતી હોય ત્યાં સુધી ચામડી થરથરાવ્યા કરે. જ્યારે એ ચામડી થરથરાવવી બંધ કરે ત્યારે સમજવું કે એ બીમાર છે. પરિણીત સ્ત્રીનું પણ એવું છે. એ ગુસ્સો કરતી હોય તો સમજવું કે તબિયત નોર્મલ છે…! પણ શાંત થઈ ગઈ હોય તો સમજવું કે તબિયત ઠીક નથી!

પુસ્તકો: બક્ષી ટ્રિબ્યુટ

* ગઈકાલે બુક્સઓનક્લિક.કોમ પરથી ૮ નવાં પુસ્તકો મંગાવવામાં આવ્યા. એકંદરે સર્વિસ સારી રહી. મેં ના પાડી હોવા છતાં બપોરે ફોન કર્યો તે બદલ તેમને એક માર્ક ઓછો આપી શકાય. કેશ ઓન ડિલીવરીની સિસ્ટમ છે એટલે નો રીસ્ક (જે છુપાયેલ છે. તમારે ચેક-મનીઓર્ડર સિલેક્ટ કરી તેમને ફોન કે ઈમેલ કરીને આ માટે પૂછવાનું).

૧. હું, કોનારક શાહ
૨. હનીમૂન
૩. દિશા તરંગ
૪. કોરસ
૫. સમકાલ
૬. હથેળી પર બાદબાકી
૭. એક અને એક
૮. સુરખાબ

એમ તો આ આઠે-આઠ પુસ્તકો કેટલીય વાર વાંચેલા હશે, પણ જોડે લઈને સૂઈએ તો વધુ મજા આવે. ખાસ કરીને હથેળી પર બાદબાકી અને હનીમૂન મારા ફેવરિટ છે. હવે, એકાદ-બે પુસ્તકો બાકી છે, જે બજેટ પ્રમાણે કદાચ આવતા મહિને..

બક્ષીનામા અને મારા ખતરનાક વિચારો..

વિચારવું એ ખતરનાક ક્રિયા છે – બક્ષીનામા, ૨૩૪

બોર થઈ જવા માટે કોઈ કારણની જરુર નથી, કારણ કે એકલાં-એકલાં પણ બોર થઈ જવાય છે (ચણી બોર નહી, પેલું અંગ્રેજી વાળું બોર). આ બોરને ખંખેરવા માટે શું કરવાનું? આજ-કાલ હવે પાછું વાંચન શરુ કર્યું છે, અને સૌથી પહેલાં હાથમાં આવે છે, સત્તર વખત વાંચેલી, એવરગ્રિન, અમેઝિંગ – બક્ષીનામા. અડધે પહોંચ્યા પછી લાગે છે પાલનપુરી હોવા સિવાય મારા અને બક્ષીજી વચ્ચે શું સામ્ય છે?

૧. ૧૦ જુનનાં રોજ તેમને કોલેજમાંથી ટર્મિનેશનનો લેટર મળેલ, મને પણ ૧૦ જુને (૨૦૦૯) ધકેલી દેવાયો હતો! કેસ કરવાનો સવાલ જ નહોતો, કારણ કે, સોફ્ટવેરનો ધંધો એવો જ છે 😛

૨. કોલેજનાં છેલ્લાં વર્ષોમાં અમે કંટાળી ગયેલ.

૩. બન્નેને અમદાવાદ પહેલી નજરે ન ગમ્યું.

ઓકે. હવે, બીજી કોઈ સામ્યતા નથી. મેં થોડા વર્ષ ડાયરી લખી પછી લખવાનું છોડી દીધું. પણ મારી ડાયરીઓ, મોટાભાગે લોકો વિરુધ્ધ આક્રોશ ઠાલવવા કે અંગત નોંધ રાખવા વધુ લખાતી. લેખક બનવાની ઈચ્છા ત્યારેય પણ ન હતી, આજે પણ નથી 🙂

બજેટ ભાગ – ૨

માર્ચ મહિનાનું બજેટ કઈ રીતે ડહોળાયું?

* ફિલમ:

૧. આમીર.
૨. દો આંખે, બારહ હાથ.

* પુસ્તકો:

૧. Hitchhiker’s Guide to the Galaxy – Douglas Adams
૨. May I Hebb Your Attention Pliss – Arnab Ray, GreatBong
૩. Building Iphone Apps; With Html, CSS And Javascript – Stark
૪. Cyberabad Days – Ian Mcdonald
૫. Beautiful Data – Toby Segaran, Jeff Hammerbacher
૬. મીરા – ચંદ્રકાંત બક્ષી.
૭. ન હન્યતે – મૈત્રેયી દેવી (અનુ: નગીનદાસ પારેખ)

* સોફ્ટવેર:

૧. Mac OS X Snow Leopard (10.6)

* અને, મુવી, ટી-શર્ટ, શર્ટ વગેરે વગેરે .. 😉

શોકિંગ અને બ્રેકિંગ…

* સામાન્ય રીતે હું કોઈને મારા પુસ્તકો વાંચવા આપતો નથી, પણ ઓફિસમાં એકાદ-બે જણાં બક્ષીબાબુનાં ફેન હોવાથી તેમનાં માટે એક પછી એક પુસ્તકો લઈ જતો હતો. હવે, ત્યાંથી પાછું આવેલ પુસ્તક (આકાર) મારા ડેસ્ક પર પડ્યું હતું અને એક ત્રીજા કોઈએ આવીને તેની માંગણી કરી. મેં કહ્યું, સારુ – લીટા ના કરજે અને બીજા કોઈને આપજે નહી. હવે, તે પુસ્તક હાથમાં લઈને આગળ વધ્યા તો તેમને પ્રશ્ન આવ્યો – આ કોણ છે? (બક્ષીબાબુનો ફોટો જોઈને). મને આંચકો આવ્યો, પણ પ્રદર્શિત ન કર્યો. બીજા કોઈએ સવાલ કર્યો, વોરેન બફેટ છે? ત્રીજો સવાલ, આમાંથી શું શીખવા મળે? લર્નિંગ શું થાય? હાર્ટ એટેક ન આવ્યો તે મારા નસીબ.

શોકિંગ અને બ્રેકિંગ.

શૅમ ઓન મી.

ડિસ્ક્લેમરયા: એવું મનમાં ન લેવું કે બધાંને બધી ખબર હોય પણ, હું તો માત્ર મારા મનમાં આવ્યું તે લખી રહ્યો છું. મન પર લઈ સુસાઈડ કરવો નહી! એટલે જ મેં શેમ ઓન મી કહ્યું છે. શેમ ઓન ધેમ નહી.

પુસ્તક મેળો

* આપણા સી.એમ. પણ જ્યારે એમ કહે કે દરેક ઘરમાં ૫૦ પુસ્તકો હોવા જ જોઈએ, ત્યારે મને બહુ લાગી આવ્યુ કે બસ ૫૦ જ? કેમ ૧૦૦ નહી? કારણ કે, આ વર્ષમાં મારે ૧૦૦ પુસ્તકો વાંચવાનું લક્ષ્ય છે!

હા, તો પોસ્ટના મુદ્દા પર આવીએ તો, લૉ-ગાર્ડન સામેના લૉ કોલેજ મેદાનમાં સ્વર્ણિમ ગુજરાતની તૈયારીના ભાગરુપે એક પુસ્તક મેળો ભરાયો છે. ૫ રુપિયાની ટિકીટ લઈને અંદર જઈ શકાય છે અને ૧૦% જેટલું માતબર ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે. હું, ‘લીલી નસોમાં પાનખર – ચંદ્રકાંત બક્ષી’ લઈને આવ્યો. ૧૭ વખત વાંચેલી હોવા છતાં આ પુસ્તક મારી પાસે કેમ નહોતું?? અને હા, દરેક પ્રકાશને નરેન્દ્ર મોદી વિશે એકાદ પુસ્તક બહાર પાડ્યું છે એમ લાગે છે. એકંદરે ગુજરાતનાં બધા જ પ્રકાશનો અહીં જોવા મળી જાય છે. સુ.દ.નું ઇમેજ પબ્લિકેશન સરસ મજાનું પ્રિન્ટીંગ વગેરે કરે છે એમ લાગ્યું. અંદર શું હોય છે, એ તો ખબર નથી. એક સ્ટોલમાં ગુજરાતી અને અંગ્રેજી ક્વોટ લખેલ ફ્રેમ વગેરે સરસ હતું, પણ પરમ દિવસે જ કોકી-કવિન અને મારા-કવિનનાં ફોટાઓની ફ્રેમનો ઓર્ડર આપ્યો હોવાથી ઘરની દિવાલો પર વધુ એક ખીલી લગાડવાનો પ્રોગ્રામ પડતો મૂક્યો..

અને એક સરસ પુસ્તક જોયું: કીટી-પાર્ટીમાં રમાડવાની રમતો. થેન્ક ગોડ, કોકી હજી સુધી કીટી-પાર્ટી વગેરેમાં જતી નથી..