શિક્ષણ: ટેકફેસ્ટ્સ

* એડમિશનનો ટોપિક હાલ પૂરતો પડતો મૂકીને આપણે બીજા હોટ વિષયની ચર્ચા આગળ વધારીએ. સજ્જનો અને સન્નારીઓ, આ હોટ વસ્તુ છે – ટેકફેસ્ટ્સ! એકદમ હોટ, ગરમ જલેબી અને જલેબીબાઈ જેવો. બધાંને ભાવે. કોલેજોમાં અત્યંત લોકપ્રિય. વેલ, આ વિષય એડમિશનના વિષયને ઓળંગીને આગળ આવવાનું કારણ તાજેતરમાં બનેલી એક સત્ય ઘટના છે. અર્નવ (એટલે કે રંગીલો ગુજરાતી, વિકિપીડિઆ ફેમ) સાથે બનેલી ઘટનાનું સવિસ્તૃત વર્ણન હાજર છે એના જ શબ્દોમાં એના ઈમેલ વડે, વાંચો આ લખાણ – http://pastebin.com/EMKeiVE3 ઇમેલની વિગત જેમની તેમ છે, કોઈના નામ બદલ્યા નથી, કારણ કે ઘટના ૧૦૦ ટકા સત્ય છે! લાંબો ઈમેલ છે, પણ વાંચવા જેવો છે. તમને ખ્યાલ આવશે કે લોકો કેટલા બેભાન અને બેજવાબદાર હોઈ શકે છે.

ટેકફેસ્ટ્સ મોટાભાગે હવે પૈસા કમાવાનું સાધન બની ગયા છે. પાસની કિંમત પરથી ઘણી કોલેજોની ટેકફેસ્ટ્સની ગુણવત્તા નક્કી થાય છે. નો ડાઉટ, રોક-શો જેવા કાર્યક્રમો મોંઘા પડે પણ, જે મુખ્ય વસ્તુ નથી એના માટે શા માટે ખોટો પ્રચાર કરવો જોઈએ? કોલેજનો ફેસ્ટિવલ તો મુખ્યત્વે સ્ટુડન્ટ્સની ટેલેન્ટ બહાર લાવવા માટે હોય છે, નહિ કે ફટીચર છાપ બેન્ડ્સને બોલાવી રોક-શો કરવા માટે! એકાદ વખત લખેલું તેમ કેટલીક કોલેજો રીમોટ કન્ટ્રોલ્ડ ગાડીઓ ચલાવે તેને રોબોટ ગણાવે છે અને Arduino જેવી ઈલેકટ્રોનિક્સ વર્કશોપનાં ઢગલાબંધ રુપિયા પડાવે છે.

અર્નવનો ઉપરનો ઈમેલ જ કાફી છે. અને, તે વાંચ્યા પછી આવા ટેકફેસ્ટ્સ માટે એક જ લાગણી થાય – પોક મૂકીને રોવાની અને નજીકમાં તળાવ હોય તો જંપલાવવાની. જોકે આ બન્ને લાગણીઓ પર મેં કંટ્રોલ રાખ્યો અને તમે આ પોસ્ટ વાંચી રહ્યા છો. પોસ્ટ લખતી વખતે પણ હું સિવિલ ભાષામાં લખું તે મનમાં રાખ્યું છે. બાકી, પેલા ફૂટપ્રિન્ટ ઓર્ગેનાઈઝર્સને જૂતાં મારી-મારીને તેની પ્રિન્ટ તેમનાં ગાલ પર ઉપજાવવી જોઈએ.. 😉