ઉલ્ટા-પુલ્ટા

* ના. આ પોસ્ટ આપણા માનીતા સ્વ. જશપાલ ભટ્ટીની લોકપ્રિય સીરીઝની નથી. આ પોસ્ટ છે, દિ.ભા.ના ઉલ્ટા-પુલ્ટાની. થયું એમ કે આપણે એડબ્લોકરો (એડબ્લોક પ્લસ, ક્રોમ એક્સટેન્શન) નો ભરપૂર ઉપયોગ કરીએ. ખાસ કરીને ક્લીક-ક્લીક કરીને કમાણી કરવા માટે ક્લીક કરવા માટે લોકોને ભરમાવતી વેબસાઇટો પર આપણે બહુ નિયંત્રણો મૂકીએ (જાવાસ્ક્રિપ્ટ ઝિંદાબાદ). તો આપણા સુપર સ્માર્ટ દિ.ભા.એ પોતાની વેબસાઇટ પર એવી સ્ક્રિપ્ટ મૂકી કે જો હું બ્રાઉઝરમાં દિ.ભા.ની સાઇટ જોવું તો…

ઉલ્ટા-પુલ્ટા દિ.ભા. કે ભા.દિ.?

હવે આ તો દર વખતે તો હેરાનગતિ કહેવાય. થોડો અખતરો કર્યો પણ કંઇ ઉપાય ન મળ્યો. છેવટે આપણું માનીતું એવું સ્ક્રિપ્ટસેફ, ક્રોમ એક્સટેન્શન મદદે આવ્યું (હું પહેલેથી બધી જાવાસ્ક્રિપ્ટો બ્લોક જ રાખું છું અને જરૂર હોય એને જ વ્હાઇટલિસ્ટ કરવાની) અને દિ.ભા.ની સાઇટની બધી જાવાસ્ક્રિપ્ટો બ્લોક કરી દીધી.

અને, આ કામ કરી ગયું!!

ભલું થયું ભાંગી જંજાળ, ક્લિકની ગઇ માયાજાળ! 😉

સંદેશ, સની અને સ્પેન

* હવે આમાં પહેલી બે બાબતોને છેલ્લી બાબત જોડે કંઇ સંબંધ નથી, પણ આ ત્રેય વસ્તુઓની વાત નીકળી છે તો કરી જ દઇએ. સંદેશવાળાઓએ સનીના ૨૦૧૨ના ફોટા છાપ્યા. છાપ્યા તો ભલે છાપ્યા, પણ વોટ્સએપમાં ફરતી બાબતોની ચકાસણી વગર મસાલા સમાચાર તરીકે છાપ્યા? આવડું મોટું છાપું કંઇ ક્રોસચેક ન કરી શકે? હવે, ગુ.સ. કે ટી.ઓ.આઇ. હોય તો સમજી શકાય. દિ.ભા.ની વેબસાઇટ હોય તો સમજી શકાય. પણ, હવે આ જમાતમાં સંદેશ? એના કરતાં તો ગુ.સ. v/s સંદેશની પેલી લડાઇની મજા અલગ હતી. લખી રાખો કે, આવતી કાલે કે પરમ દિવસે ગુ.સ. આ વિશે કંઇ નવું લઇને આવશે (અથવા છાપશે કે સંસ્કારી ઘરોમાં વંચાતુ હોવાથી અમે આવું કંઇ છાપતા નથી, એ વાત અલગ છે કે તેને કોઇ વાંચતું નથી ;)) સનીએ પણ ટ્વિટરમાં સ્પષ્ટતા કરીકે જરા જોઇને તો છાપો. સંદેશને સંદેશો પહોંચ્યો હોય તો સારી વાત છે!

* સ્પેન એટલા માટે વચ્ચે આવ્યું કે આ લખી રહ્યો છું ત્યારે ટેકનિકલી હું સ્પેનમાં માટે તૈયાર થતો હોવો જોઇતો હતો, પણ હજુ અહીં જ છું એટલે મારી ટીમની મુલાકાત હવે વિકિમેનિઆમાં જ થશે 🙂 સારા એવાં પદાર્થપાઠ આ છેલ્લાં અઠવાડિયામાં શીખવા મળ્યા છે, એ વાત સારી છે. કાલે કવિનનું પરિણામ અને બે દિવસ પછી તેનાં સ્વિમિંગનું પરિણામ – આ બન્ને બાબતોમાં હું હાજર રહી શકીશ એટલું પોઝિટિવ ગણીને અત્યારે તો આ પોસ્ટ પૂરી કરુ છું.

અપડેટ્સ – ૪૨

* લોંગ પેન્ડિંગ કામ પૂરા કરવાનું અઠવાડિયું – નવા ચશ્મા (આનંદની વાત, નંબર ઓછાં થયાં!!), પાન સિંગ તોમર, બેટર હાફ (સીડી), અને સ્ટિવ જોબ્સની ઓફિશિઅલ બાયોગ્રાફી. જોકે એક-બે ચેપ્ટર પરથી મને ભાષાંતરમાં મજા ના આવી. પૂરી વાંચ્યા પછી, એક રીવ્યુ પોસ્ટ પાક્કી.

* જ્યારે પણ વેકેશનનો મૂડ હોય ત્યારે જ ભયંકર કામ આવી પડે છે – આવું કેમ? 😉

* હવે દરરોજ અડધો કલાક, ફરજિયાત વાંચન અને, અડધો કલાક કંઈક નવું શીખવામાં ગાળવો એમ નક્કી કર્યું છે, જોઈએ છીએ ક્યાં સુધી ચાલે છે, આ વસ્તુઓ. એમાંથી પહેલો અડધો કલાક કોમ્પ્યુટર બંધ રાખવાનું પણ નક્કી કર્યું છે, જે મુશ્કેલી ભર્યું છે. બાકી અત્યારે coursera.org ના cs101 ક્લાસ પણ ચાલુ કર્યા છે. જો તમને રસ હોય તો સ્ટેનફોર્ડ અને બીજી યુનિવર્સિટીઓ ઓનલાઈન કોર્સ ચલાવે છે. (સર્ટિફિકેટ વગેરે મળશે નહી, એટલે શીખવાની ઈચ્છા હોય તો જ જોડાવું. બાકી એસાઈન્મેન્ટ, ક્લાસવર્ક બધું નિયમિત કોલેજ જેવું જ!).

* વિકિએકેડમી સફળતાપૂર્વક સંપન્ન થઈ. વધુ વિગતો માટે, દિવ્ય ભાસ્કરનો આ લેખ જોવો. જોકે લેખ લખનારે લોચા તો માર્યા જ છે.

* કવિનની સાયકલના સાઈડ ટાયર્સ કાઢી નાખવામાં આવ્યા છે, કારણ કે એને હવે ટુ-વ્હીલર્સની સાયકલની જીદ પકડી છે. હવે દરરોજ મારે તેની પાછળ દોડવાનું પાક્કું (પેલું દોડવાનું તો એકસ્ટ્રા ગણાશે ;))

બે સમાચાર

૧. ફુગ્ગા ફૂટ્યા કે ફોડવામાં આવ્યા?

૨. વ્હાલા દિવ્ય ભાસ્કર, આજના છાપામાં આ સમાચાર વાંચી જે કંઈ રહ્યું-સહ્યું માન તમારા તરફ હતું એય ઉડાવી દેવાનો વિચાર છે કે શું?

દિવ્ય ભાસ્કર, લિનક્સ અને શિક્ષણ..

(ફોટો સોર્સ: દિવ્ય ભાસ્કર, ૧૨-૧૦-૨૦૧૧, ડીબી ગોલ્ડ, પાનું  ૭)

૧. લીનક્સ –> લિનક્સ

૨. લિનક્સ લેંગ્વેજ નથી, ઓપરેટિંગ સિસ્ટમ છે.

૩. સીસ્ટમ –> સિસ્ટમ

૪. લિનક્સની મોનોપોલી હોવાથી બીજી ઓપરેટિંગ સિસ્ટમ નાખી શકાતી નથી. માય @$$.

૫. વિદ્યાર્થીઓ ભણીને બહાર નીકળશે ત્યારે વધુ જ્ઞાન ધરાવતા હશે. એક ઓપરેટિંગ સિસ્ટમ તમે શીખો એટલે બેઝિક આવડી જાય છે, ફરીથી એકડો ઘૂંટવાની જરુર નથી. અને, આ તો પાછા નાનાં છોકરાંઓ, તરત જ શીખી લે. એમેય વિન્ડોઝ શીખવાની જરુર શું છે? 🙂

આજનો પ્રશ્ન

… આ ભાસ્કરપીડિઆ શું છે? (જુઓ દિ.ભા.નું તંત્રીલેખ વાળું પાનું).

સુખ-સુખમાં ફરક છે..

* શિશિરભાઈ લખે છે કે,

પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે કોઠીએ જાર, ત્રીજું સુખ તે કહ્યાગરી નાર અને ચોથું સુખ તે ભોજનમાં કંસાર.

* ગઈકાલના (રવિવારના) દિ.ભા.માં, સમુદ્ર મંથન લેખમાળામાં વિદ્યુત જોષી લખે છે,

પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે ઘરે દીકરા, ત્રીજું સુખ તે કુળવંતી નાર અને ચોથું સુખ તે કોઠીએ જાર.

*જ્યારે ગુજરાતીલેક્સિકોન પર (પહેલી વ્યાખ્યા સિવાય),

પહેલું સુખ તે જાતે નરો, બીજું સુખ જે ઘરમાં વરો, ત્રીજું સુખ જે પડોશી ચાર, ચોથું સુખ જે ગુણવંતી નાર

તો કયુ સુખ સાચું? 😉

મને યાદ છે ત્યાં સુધી આવી રીતે દુ:ખની કહેવત પણ હતી,

પહેલું દુ:ખ તે આંગણે તાડ, બીજુ દુ:ખ તે પડોશી લબાડ, ત્રીજુ દુ:ખ તે વાંસામાં ચાંદુ, ચોથું દુ:ખ તે બૈરું માંદુ.

જ્યારે ગુજરાતી લેક્સિકોન પ્રમાણે,

પહેલું દુખ જે બારણે તાર, બીજું દુખ જે પડોશી ચાર, ત્રીજું દુખ જે પૂંઠે ચાંદું, ચોથું દુખ જે બૈરું માંદું

પહેલી કહેવત એક વખત બધા ભેગા થયેલા ત્યારે કોઈ બોલેલું (કદાચ મારા સસરા?). પડોશી ચાર હોય એ સુખ પણ હોય અને દુ:ખ પણ? અને હા, સગવડ અને તમારા નસીબ પ્રમાણે તમે ઉપરની વ્યાખ્યા આગળ-પાછળ કરી શકો છો 🙂

નોંધ – દુર્ભાગ્યે, દિ.ભા. નો આ લેખ હજી વેબસાઈટ પર પ્રકાશિત કરાયો નથી. જ્યારે ગુજરાતીલેક્સિકોનમાં શોધ પરિણામ કડી તરીકે મોકલી શકાતું નથી (એટલે કે પહેલાં આ સગવડ હતી, પણ..)

ઈશારા પર…

* જો તમે આજનું સિટી ભાસ્કર જોશો તો તમને લાગશે કે ઈશારા પર થશે કન્ટ્રોલ લેખ અને Arduino વચ્ચે કંઈક તો સામ્યતા છે, કંઈક તો છુપાવવામાં આવ્યું છે. લેખમાં ફોટો બે Arduino યુએસબી કીટનો છે (એ ફોટો વેબસાઈટ પર નથી).

કેટલીક વાર કોલેજો અને યુનિવર્સીટીમાં (ભારતમાં) થતા રોબોટ મહોત્સવ પર શંકા જાય એમાં શંકાને સ્થાન નહી.

દિવ્ય ચોરી

૧. “દિવ્ય ભાસ્કર”નું આજનું પાનું.

૨. “બીટ રેબલ્સ”નો આ લેખ (૨૪-૦૯).

દિવ્ય ચોરી – બીજું શું?

ગુજરાતની નંબર ૧ વેબસાઈટ…

… ગુજરાતીમાં ભયંકર ભૂલો કરે છે.

… સોફ્ટ સેમી-પોર્ન જેવા ફોટાઓ અને લેખો પહેલાં પાનાં પર કોઈજ વિચાર વગર મૂકે.

… જે એકદમ સરળ વસ્તુ, RSS feed સીધી રીતે (રહી રહીને ફીડ હવે માત્ર શીર્ષક માટે જ મળે છે) પૂરી ન પાડે.

છતાંય, નંબર ૧. વાહ!

વિનયભાઈ સાથે મુલાકાત..

* હા. વિનયભાઈ એટલે આપણાં ફનએનગ્યાન વાળા જ. એક સાંજે એમનો ઈમેલ આવ્યો કે તેઓ એક કામસર અમદાવાદ આવે છે તો મળવા માટે સમય મળશે કે નહી. હવે, આપણે તો નવરાધૂપ માણસ અને પાછો શનિવાર એટલે તરત હા પાડી અને વિનયભાઈને એમના શહેરમાં મળવાનો મોકો ગુમાવેલો એટલે આ વખતે તો મળવું જ હતું. અમે વિજય ચાર રસ્તા આગળ બરિસ્તામાં મળવાનું નક્કી કર્યું અને લગભગ સાથે જ પહોંચ્યા. બરિસ્તા બંધ. ચારે-કોર નજર કરી તો મોટાભાગની દુકાનો બંધ. થોડા આગળ ગયા તો ચોકલેટ ફેક્ટરી સદ્ભાગ્યે ખૂલ્લી હતી અને થોડીક છોકરીઓ બેઠેલી હતી, પણ વિનયભાઈ હતા એટલે તેઓએ મને નજરઅંદાજ કરવો પડ્યો.

એકાદ કલાક બ્લોગ-જગતથી માંડીને કવિન સુધીની વાતો થઈ. લેક્સિકોનથી માંડીને મોબાઈલમાં ગુજરાતી કેવી રીતે દેખી શકાય ત્યાં સુધીની ટેકનિકલ ચર્ચા પણ કરી. દિવ્ય ભાસ્કરથી માંડીને ચિત્રલેખાની પણ વાતું કરી. અને હા, આઈરિશ કોફી પણ સરસ હતી. વધુમાં, તેમના પ્રત્યેનું માન બેવડાઈ ગયું જ્યારે તેમણે કંઈક વાત નીકળતા કહ્યું કે ભલે ઉંમરમાં તમે નાનાં છો પણ, બ્લોગ-જગતમાં તમે મારાથી સિનિઅર છો..

બ્લોગનાં ફાયદા શું છે અને કેટલી ક્લિક મળી તેના કરતાં બ્લોગ વડે વિનયભાઈ જેવા (અને બીજાં અનેક!) મિત્રો મળ્યાં છે – એ વાતથી મારું બ્લોગજીવન સાર્થક છે 🙂