૧ તોલાનો ફરક..

* બે દિવસ પહેલા કવિન જોડે પતંગની ખરીદી કરવા ગયો.

એક કોડી પતંગો લીધી અને હું ગણીને જોતો હતો કે ૨૦ છે કે પછી પેલી વખતે થયેલું તેમ ૧૯ જ છે. દુકાનવાળો કહે, ૨૦ જ હોય. મેં કહ્યું, જુઓ કાકા, સોનાની ખરીદીમાં એકાદ-બે તોલા ઓછું હોય તો ચાલે, પણ પતંગમાં ન ચાલે.

પેલા કાકાને આદ્યાત લાગ્યો હશે એ નક્કી 😀

વિરોધ, વિરોધ, વિરોધ!

 

* ૧૩ તારીખે બીજો શનિવાર અને કાચી ઉત્તરાયણ (ઉત્તરાયણ પછીનો દિવસ વાસી ઉત્તરાયણ તો પહેલાનો દિવસ કાચી ઉત્તરાયણ ન ગણાય?) હોવા છતાં કવિનની સ્કૂલે રજા ન આપી એ માટે આ બ્લોગ પર આ ઘોર કૃત્યનો વિરોધ કરવામાં આવે છે. વધુમાં, પાછું કવિનને મળેલી નોટિસમાં લખ્યું છે કે “હાજરી ફરજિયાત છે” :/

અપડેટ્સ – ૧૨૦

* અપડેટ્સ ૧૧૯ પછી અપડેટમાં કંઇ ખાસ નથી, તેમ છતાંય, અઠવાડિયાંની બે પોસ્ટ્સ તો લખવી જ પડે એ ન્યાયે કંઇક લખી રહ્યો છું. એકંદરે આ અઠવાડિયું દોડવાની રીતે તો આરામદાયક રહ્યું. થોડું સાયકલિંગ અને આજનું જુહુ બીચનું રનિંગ સારું રહ્યું. હવે, ડી-ડે ના દિવસે વાતાવરણ ઠંડક વાળું રહેશે તો મજા આવશે! મુંબઇમાં પણ અમને બધાંને શરદી થઇ છે – એટલે ઠંડી અહીં પણ પડી રહી છે તેમ સાબિત થઇ ગયું છે.

* સર્ચિંગ ફોર સુગર મેન (૨૦૧૨) – સરસ મુવી છે (ચેતવણી: ડોક્યુમેન્ટરી). ઘણાં સમયથી પેન્ડિંગ હતું અને છેક હવે જોવા મળ્યું. બાકી, ફરી પાછો એકાદ મહિનો આ શોખ માટે આપી શકાશે નહીં એવું અનુભવાઇ રહ્યું છે. હવે – ધ લેગૉ મુવી – આવે ત્યારે થિઅેટરમાં જવું છે.

* ઉત્તરાયણ પર રજા જેવું નથી એટલે અમે આજે જ લૂંટેલી પતંગો ઉડાવીને શોખ પૂરો કર્યો. ચીકી વગેરેનો ડોઝ તો ચાલુ જ છે, એટલે એ બાબતે વાંધો નહી આવે. નીચે મારી (લૂંટેલી) પતંગનો તાજો ફોટો સંદર્ભ માટે મૂકેલ છે 😉

પતંગ
મારી (લૂંટેલી) પતંગ!

બધાંને એડવાન્સમાં: હેપ્પી ઉત્તરાયણ!

ઉત્તરાયણ બ્રેકનાં અપડેટ્સ…

* ૨૦ પતંગ લીધી એ બંડલમાંથી ૧૯ નીકળી. એકાદને પટ્ટી મારવી પડી. બીજી ૧૦માંથી ૨ પર પટ્ટી-ક્રિયા કરવી પડી. બોધપાઠ મળ્યો. બહુ વિશ્વાસ કરવો નહી.

* પવન સારો છે, પણ અમારી સોસાયટીમાં ખાસ પતંગો ઉડતી નથી, એટલે જે માહોલ જામવો જોઈએ તે જામ્યો નથી, કવિન અહીંથી આમ આંટાફેરા મારે છે, પણ તેને મજા આવે છે – એટલે આપણને પણ મજા.

* થોડીક પતંગો કાપી, કેટલીય કપાઈ, ડાબા હાથની હથેળી પણ કપાઈ. એક પતંગનો ઢઢ્ઢો મરડવા જતા તૂટી ગયો એ નફાની વાત ગણી શકાય 🙂 કોઈએ પતંગને સંબંધિત શબ્દભંડોળ પર Ph.D. કરવા જેવું ખરું.

પતંગ, ચીલ, ઢાલ, કિન્ના, ગૂંચ, માંજો, દોરી, ઢઢ્ઢો, હાથ મારવો, દોરી છોડવી, ઢીલ છોડવી (પાવી), લપેટ (અમદાવાદ), હોડ કાટ્ટા (પાલનપુર), કાયપો છે (સુરતી?), ખેંચ, પેચ, ગુંદર પટ્ટી, ગાંઠ, બરેલી, ફીરકી,  સૂરતી, સાંકળા ૮, છ તાર, નવ તાર… બીજુ કંઈ? હા. તલ સાંકળી બાકી રહી ગઈ!!!

Dangerous Business…

* નોંધ: આ પોસ્ટ વ્યાપાર અને સાહસિકતા પર નથી. વ્યાપાર અંગેનો સરસ બ્લોગ તમે નેટવેપાર પર વાંચી શકો છો 🙂

“It’s a dangerous business, Frodo, going out of your door,” he used to say. “You step into the Road, and if you don’t keep your feet, there is no knowing where you might be swept off to.” — J.R.R. Tolkien (LOTR)

બિલ્બો અને ફ્રોડોનો આ સંવાદ કદાચ અમદાવાદના રસ્તા પર પૂરપાટ આવતા વ્હીકલ્સ જોઈને લખાયો-બોલાયો હોય તો કહેવાય નહી. કોણ જાણે ક્યાંથી લબ્ધિઓ આવી જાય અને તમને લેતી જાય. બીજી બાજુ, રસ્તે પતંગ પકડતા (અને જરાય વ્હીકલ અડાવ્યા પછી તેમને બચાવવા આવી જતા લોકો) અને ડાફેરા મારતા ચાલતા લોકો વિશે શું કહેવું – એ અલગ વિષય છે.

પોસ્ટ વિચાર: સતીષ રાઠોડની આ પોસ્ટ.

પ્રણવભાઈની પોળ, પતંગ અને (P)ફોન.

* પરમ દિવસે ક્યાંક ફેસબુકમાં પતંગ પર વાત ચાલતી હતીને પ્રણવભાઈ (થોડા સમય પહેલાં એમની ઓળખાણ થઈ. પ્રણવભાઈ એટલે – gujaratquiz.in) એ એમની પોળમાં પતંગ ઉડાવવાનું આમંત્રણ આપ્યું. જતાં-જતાં થોડું મોડું થઈ ગયું પણ, રાયપુરની પોળનાં પહેલી વાર દર્શન થયા. લોકવાયકાથી વિરુધ્ધ એમનું ઘર તરત મળી જાય એમ છે, છતાંય એક જણને પૂછયું, પ્રણવભાઈનું ઘર કયું. પેલાએ ચાર માળ ઉંચા ઘરની સામે આંગળી કરી કહ્યું એ.. પેલા પતંગ ઉડાવે છે એ. 😛 કદાચ પહેલી વાર પોળની અગાશીએ પગ મૂક્યો. કવિનને જલ્સા પડ્યા. અંકલ બનીને કેટલીયે પતંગો બાળકોએ મારી જોડે ઉડાવી અને સાંજે અગાશી પર જ પાઉંભાજીનો પ્રોગ્રામ હતો. મજા આવી ગઈ. કવિનની ડિમાન્ડ પર જતી વખતે થોડી પતંગ-દોરીની ખરીદી કરી છે. વર્ષો પછી દોરી લીધી છે, સારી નીકળે તો સારી વાત છે. કેમેરા લઈ જવાનો ભૂલી ગયો એ અફસોસ રહેશે. કવિનને બધાને હેરાન પ્રમાણમાં ઓછા કર્યા, પણ કર્યા ખરા.

 

 

* પોસ્ટના ટાઈટલમાં P(ફોન) નો પ્રાસ કેમ બેસાડ્યો? એક આનંદદાયક સમાચાર – ફોન ચાલુ થઈ ગયો છે / એટલિસ્ટ, થોડા મહિના ચાલે તો ૨૦૧૨માં નવો ફોન ન લેવાની વિશલિસ્ટની યાદી પૂરી થાય 😉

ઉત્તરાયણ

* સૌ કોઈને હેપ્પી ઉત્તરાયણ!!

The kite

ડિસેમ્બરમાં કવિન જોડે થોડો સમય પતંગ ઉડાવેલી એનો સરસ (મારી દ્રષ્ટિએ) ફોટો.