મારા લોકડાઉન અપડેટ્સ – ૬

એમ તો ટેકનિકલી લોકડાઉન નથી, પણ અમે લોક્ડ છીએ. એટલે કે અર્થહીન રખડપટ્ટી નથી કરી રહ્યા અને હજુ પણ ઘરમાં જ વર્ચ્યુઅલ રાઇડિંગ કરીએ છીએ.

ગુગલ ફોટોસ, ફેસબૂક, જીમેલ, વર્ડપ્રેસ – આ બધાંએ ચૂપચાપ પોતાની ડિઝાઇન અને વર્કફ્લો બદલ્યો અને અમે હજુ તેમાં ફાંફા મારીએ છીએ. ખાસ કરીને ગુગલ ફોટોસ વાળાએ ફોટા ક્યાં ગયા તે શોધવું અઘરું કર્યું છે.

નવાં નોઇઝ કેન્સલેશન હેડફોન (સોની WH-CH700N) લેવામાં આવ્યા છે, જે હજુ લિનક્સ જોડે કામ કરતાં નથી. થોડો પ્રયત્ન કર્યો છે, પણ સફળતા મળી નથી. આ ગાઢ પ્રયત્નમાં સફળ થયા પછી તેના પર વ્યવસ્થિત રીતે હાઉ-ટુ લખવામાં આવશે.

પુસ્તકોમાં જોઇએ તો વાત-વાતમાં પ્રિમા અને કુનાલ જોડે વાત નીકળી અને પેલું ભેદી ટાપુ પુસ્તક મંગાવ્યું અને પછી ખબર પડી કે આ પણ જે જોઇતું હતું તે ભાષાંતર તો (મૂળશંકર મો. ભટ્ટનું) નથી. લો. વેલ, વધુ માહિતી માટે મારી પેલી સાહસિકોની સૃષ્ટિ પોસ્ટ અને તેની કોમેન્ટ્સ વાંચશો તો મજા પડી જશે. (જો મને આ યાદ હોત તો આ એકસ્ટ્રા શોપિંગ ન થાત ;)) પણ, આ ભેદી ટાપુઓ (દા.ત. હાલમાં વાટોપિયા) જીવનમાં ફરી-ફરીને આવતો જ રહે છે!

પુસ્તક: યુગયાત્રા

યુગયાત્રા

* બેકગ્રાઉન્ડ

આ પુસ્તક સને ૧૯૯૩-૧૯૯૪માં જોવા મળ્યું હતું (પુસ્તકાલયમાં) અને લગભગ દસેક વખત વાંચી લીધા પછી અમને વિશ્વાસ થઇ ગયો કે સાયન્સ ફિક્શન જ ભવિષ્ય છે! 🙂 ત્યારબાદ રેડિયો પર નાટક સ્વરૂપે પણ સાંભળવામાં આવેલું (એક પણ પ્રકરણ ગુમાવ્યા વગર).

* પુસ્તક

યશવન્ત મહેતા પહેલેથી જ મારા ફેવરિટ સાયન્સ ફિક્શન લેખક રહ્યા છે. ધોરણ ૬ અને ૭ ના ગાળામાં જ્યારે વિજ્ઞાન એ જ મારો પ્રિય વિષય હતો (પ્રિય એટલે કે એમાં જ માર્ક્સ આવતા ;)) ત્યારે સાયન્સ ફિક્શનની ભૂખની જ્વાળા ઠારવા માટે વિજ્ઞાન શબ્દ લખેલું દરેક પુસ્તક વાંચી કાઢવામાં આવતું હતું. યુગયાત્રા કદાચ પહેલું એવું પુસ્તક હતું જે ઓરિજીનલ વાર્તા ધરાવતું હતું (અગાઉ વાંચેલા મોટાભાગનાં ભાષાંતર હતા) અને મારા પ્રિય ઉપ-વિજ્ઞાન વિષયો જેવાં કે, ટાઇમ ટ્રાવેલ, લાંબી સમાનવ અવકાશી મુસાફરી (કફ, ઇન્ટરસ્ટેલર!), એલિયન્સ, પ્રાચીન સંસ્કૃતિ વગેરેને ટચ કરતું હતું.

પુસ્તકની શરૂઆત અલગ રીતે થાય છે. ગિર (જે હજું જોવાનું બાકી છે) બેકગ્રાઉન્ડ આપણને બહુ ગમે એટલે વાર્તા જોડે તરત જ સમન્વયની શરુઆત મારા માટે થાય છે. કોને ૨૦,૦૦૦ વર્ષ પહેલાંની કાળ-યાત્રા ન ગમે?? યુગ યાત્રા શરુ થયા પછી કદાચ હવે એવું લાગે કે વાર્તા બોરિંગ બનશે પણ યશવન્તભાઇની કલમનો કમાલ યાનના ઉતરાણ પછી છે. પ્યોર સાયન્સ પ્રામાણે થોડીક વસ્તુ ખૂંચે પણ એ તો સાયન્સ ફિક્શનમાં ચાલે 🙂

* શોધ

આ પુસ્તકની તપાસ છેલ્લાં ૧૦ વર્ષોથી કરતો હતો, પણ ક્યાંય ઓફલાઇન કે ઓનલાઇન મળ્યું નહી. કંટાળીને (યુગયાત્રા શબ્દની ગૂગલમાં શોધ કરો, મારી શોધ ખબર પડશે!) એક દિવસ ગૂર્જરમાં ફોન કર્યો તો ખબર પડી કે સ્ટોકમાં છે (કારણ? પુર્નમુદ્રણ! ડિસેમ્બર ૨૦૧૦). ઓર્ડર આપ્યો અને થોડી રાહ જોતાં મળ્યું, ફરી વાંચવામાં આવ્યું અને એના પ્રતાપે આ પોસ્ટ આવી!

અપડેટ્સ – ૧૦૪

* છેલ્લી અપડેટ્સને એક અઠવાડિયું થઇ ગયું અને હજી સુધી કોઇ પોસ્ટ લખવાનો સમય ન મળ્યો એટલે થયું કે ચાલો એક અપડેટ++ કરી દઇએ?

* પરમ દિવસે રાત્રે મોડા-મોડા પુને આવ્યો છું અને આખા બે દિવસ કોન્ફરન્સમાં ગયા છે. બીજાં કોઇને મળવાનો સમય મળ્યો નથી, અને આજે સાંજે પાછાં જવાનું છે, કારણ કે કાલે સવારે પાછી અમારી ટીમનો લોંગ રનિંગનો કાર્યક્રમ છે.

* મારી એક મહત્વની અપડેટ આજ-કાલ વિકિપીડિઆ મેઇલિંગ લિસ્ટમાં છે (કે હતી), એટલે તેની જાહેરાત કરતો નથી 🙂

* અને હા, ભૂલથી પણ નીતાની બસમાં સફર ન કરતાં!

* બે દિવસ સમ્યક જોડે મજાની વાતો થઇ (જેની વિગતે વાતો પછીની પોસ્ટમાં). તેણે મને એક સરસ પુસ્તક, ‘વાણી તેવું વર્તન – ફાધર વાલેસ’ આપ્યું છે, જેનું અત્યારે વાંચન ચાલુ છે. જોકે અહીં આવ્યા પછી તેના પર વધુ સમય મળ્યો નથી, પણ પાંચ પ્રકરણ પછી ઘણું બધું શીખવા મળી રહ્યું છે (અને, અમુક વસ્તુઓને અમલમાં મૂકી છે, જેનું ત્વરિત પરિણામ દેખાયું છે!).

વાણી તેવું વર્તન

* અને, પહેલી વાર હુમ્મુસ ખાવામાં આવ્યું. મજા આવી.

હુમ્મુસ

* કોઇ શક? 🙂

ગુજ્જુ - કોઇ શક?

આજનું પુસ્તક

* કોરી ડોક્ટોરોવનું ‘લિટલ બ્રધર‘ હવે વિવિધ ફોરમેટ્સમાં ડાઉનલોડ માટે પ્રાપ્ત છે. જુઓ તેનું ડાઉનલોડ પાનું. વધુમાં તમે જો તેમને સપોર્ટ કરવા માંગતા હોવ તો પુસ્તક ખરીદી પણ શકો છો! એવું લાગે છે કે, આવતા વર્ષે લેખકને રુબરુ મળવાનું થશે 🙂

પુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે!

* વર્ષો પહેલાં ઇ.સ. પૂર્વે એપ્રિલ ૨૦૦૯માં અમારા દ્વારા આ બ્લોગ પર એક સાહસિક પોસ્ટ ‘નવું સાહસ: લિનક્સ વિશે ગુજરાતીમાં પુસ્તક‘ લખવામાં આવી હતી. અને નક્કી હતું તેમ, એના ઉપર જરાય કામ-કાજ થયું નહી. પણ, વિકિમેનિઆમાં કોઇક ચર્ચા દરમિયાન વાત નીકળી કે આવું કોઇક પુસ્તક લખવાનો સૌથી ઉત્તમ રસ્તો છે – સાથે મળીને લખવું. અને, આમ પણ, આ પુસ્તકનો કોઇ વ્યાપારિક હેતુ છે જ નહી એટલે મારે પબ્લિશર જોડે માથાકૂટ કરવાનો સવાલ જ નહોતો.

તો હાજર છે – પેંગ્વિન ઊડી શકે છે! – હવે ગીટહબ પર!

હજી માત્ર કાચી-પાકી રુપરેખા જ લખી છે. સમય મળતાં વધુ વિગતો ઉમેરતો જઇશ. અહીં તમે પણ તમારો ફાળો – જોડણી સુધારો, સંદર્ભો, ટેકનિકલ ખામીઓ – વગેરે આપી શકો છો. ફાળો આપવાનો ઉત્તમ રસ્તો ગીટહબમાં તેને ફોર્ક કરીને પુલ રીકવેસ્ટ મોકલવાનો છે. જ્યારે તમે પુલ રીકવેસ્ટ મોકલો ત્યારે ધ્યાન રાખજો કે ગીટ બ્રાન્ચનો ઉપયોગ કરો જેથી આપણાં ફેરફારો અડફેટે ન ચડે! ફાળો આપવાનો બીજો રસ્તો આ પ્રયત્ન વિશે વધુ માહિતી ફેલાવવાનો છે.

થોડા સમય પછી પુસ્તકને LaTex બંધારણમાં ફેરવવામાં આવશે, જેથી PDF અને ePub જેવા બંધારણો તરત જ શક્ય બનશે – જે હજી શીખવાનું ચાલુ છે.

અપડેટ: જો તમે ગીટહબમાં ફોર્ક કરેલ હોય, અને મારા અપડેટ્સ સાથે અપ-ટુ-ડેટ રહેવા માંગતા હોવ તો નીચેની માહિતી ઉપયોગી થશે (લિનક્સ અને મેક માટે, વિન્ડોઝ – રામ જાને!)

૧. તમારા ફોર્કમાં જાવ,

cd penguin-can-fly

૨. અપસ્ટ્રીમ તરીકે મારી ગીટ રેપોઝિટોરી ઉમેરો,

git remote add upstream git@github.com:kartikm/penguin-can-fly.git

૩. અને પછી, અપડેટ્સ મેળવો,

git fetch upstream

૪. અને, મર્જ કરો:

git merge upstream/master

મર્જ કરતાં પહેલાં જોઇ લો કે કંઇ conflict વગેરે તો નથી ને.

પુસ્તક: અંતહીન યાત્રા

અંતહીન યાત્રા પુસ્તકનું મુખપૃષ્ઠ

* અંતહીન શબ્દને તમે ગુજરાતીમાં છૂટો પાડો તો – અંત, હીન બને. હીનને આગળ લઇ જઇએ તો? હીન અંત. જેનો અંત હીન (ખરાબ) છે એ. અંતહીનને અંગ્રેજીમાં લઇએ તો? Anthin –> A (n) thin. પાતળું. બસ, એવું જ! હીન અને થીન! આ પુસ્તક છે! ગંભીરતાથી કહું તો છેલ્લાં કેટલાય સમય પછી મને એવું પુસ્તક વાંચવા મળ્યું જે વાંચ્યા પછી મને નફરતની લાગણી થઇ હોય. પંદર પાનાં સુધી પ્રસ્તાવના ચાલે છે. છેલ્લાં સોળ પાનાંમાં લેખકોનો પરિચય, ક્વિઝ વગેરે છે અને વચ્ચે? વચ્ચે છે એવી વાર્તા જે ત્રાસવાદ, ભૌતિક શાસ્ત્ર, કુદરત, રાજકારણ, દયા-ધર્મનો મસાલો છે. ફરી એકવાર ભારતીય સંસ્કૃતિ ચડિયાતી છે એવા ગીત ગાવામાં આવ્યા છે. અને, એકદમ અમેરિકન ગુજરાતી. ઓકે, એ વાત માટે લેખકોનો વાંક ન કાઢી શકાય. હું ક્યાં શુધ્ધ ગુજરાતી લખી રહ્યો છું? છતાંય, કંઇક તો લિમિટ હોય ને? આ પુસ્તક મને ક્યાંક Earth’s Final Hours ને મળતું આવે છે. યસ, કદાચ પુસ્તકની પ્રેરણા હોઇ શકે (જોકે એકદમ કોપી નથી ;)).

મારી અપેક્ષાઓ કદાચ બહુ ઉંચી હતી. મને એમ કે યુગયાત્રા પ્રકારની નોવેલ ગુજરાતી સાહિત્યને મળશે અને આપણને જલ્સા પડશે. ગર્વથી હું કહીશ કે ગુજરાતીમાં પણ સાયન્સ ફિક્શન લખાય છે. રે પંખીડા! રે મારા નસીબ (અને તમારાં, જો તમે આ પુસ્તક ખરીદ્યું-વાંચ્યું હોય!).

😦

કેટલાંક અવતરણો: હું, કોનારક શાહ…

* હું, કોનારક શાહ… માંથી,

જ્યારે કંઈ જ સૂઝતું ન હોય ત્યારે જમવા બેસી જવું જોઈએ!

જો ખાવામાં, પીવામાં, પહેરવામાં, બોલવામાં, હસવામાં પણ ખુરશીનું વજન લાગતું હોય તો…. એ ખુરશીને લાત મારી દેવાની!

(અહીં જોકે ખુરશીની જગ્યાએ જોબ ઉર્ફે નોકરી શબ્દ મૂકીએ તો ખોટું નહી..)

માણસે માત્ર પોતાના દુ:ખની બાબતમાં પ્રામાણિક થયે ચાલતું નથી… પોતાના સુખની બાબતમાં પણ પ્રામાણિક થવું પડે છે…

હનીમૂનમાં સાંજ એ રાતની શરૂઆત છે, પણ રોજની જિંદગીમાં સાંજ એ દિવસનો અંત છે!

ગાય જીવતી હોય ત્યાં સુધી ચામડી થરથરાવ્યા કરે. જ્યારે એ ચામડી થરથરાવવી બંધ કરે ત્યારે સમજવું કે એ બીમાર છે. પરિણીત સ્ત્રીનું પણ એવું છે. એ ગુસ્સો કરતી હોય તો સમજવું કે તબિયત નોર્મલ છે…! પણ શાંત થઈ ગઈ હોય તો સમજવું કે તબિયત ઠીક નથી!

ભોજનનો આનંદ

* પોસ્ટનું ટાઈટલ વાંચી ભોળવાવું નહીં. હું ક્યાંય હોટલ કે રેસ્ટોરાંમાં જમી આવીને થયેલ આનંદ વિશે વાત નથી કરતો. આ વાત છે ‘ભોજનનો આનંદ’ (લેખક: અંજલિ મંગળદાસ) નામનાં રસોઈ પુસ્તકની. ગઈકાલે કવિનની સ્કૂલની ફાઈલ માટે પેપર પંચ કરવાનું યંત્ર લેવા ગયો ત્યારે અચાનક આ નજરે ચડી ગયું. અને, મને થયું કે ચાલો કોકીને કંઈ ગિફ્ટ-બિફ્ટ આપીએ અને એનો લાંબા ગાળે ફાયદો મને પણ થશે એમ વિચાર્યું. જોડે બે મુવીસ – સેવિંગ પ્રાઈવેટ રાયન અને કિસ ધ ગર્લ્સ (નામ વિચિત્ર છે, પણ મોર્ગન ફ્રીમેન હોવાથી મારાથી રહેવાયું નહીં..) લીધા.

તો પુસ્તકમાં શું છે? સરસ બોક્સમાં ૫ નાનકડી પુસ્તિકાઓમાં ૫ પ્રકારની વિવિધ ૨૧ વસ્તુઓ બનાવવાની રીત છે. સ્ટાર્ટર, કચુંબર, રાયતાં, ચટણી અને અથાણાં. એમાંથી આપણને સ્ટાર્ટર અને સલાડમાં વધારે રસ છે. ૧૪૫ રુપિયા બરોબર કહેવાય.

મજાની વાત છે કે પુસ્તક પર આપેલ વેબસાઈટ સરનામું, http://www.houseofmg.com/cookbook ખૂલતું નથી! હા, હાઉસ ઓફ એમજીની સાઈટ ખૂલે છે અને ઠીક-ઠીક છે..

આજના તારણો

૧. ટીવી ચાલુ હોય ત્યારે પુસ્તક વાચવુ હોય તો ચશ્મા પહેર્યા વગર વાચવાનું ચાલુ રાખવું. ટીવી તરફ નજર જશે તો પણ કંઇ દેખાશે નહીં!

૨. કવિન ઘરે હોય (અને જાગતો હોય) તો પણ વાચી શકાય છે..

૩. કવિનની યાદશક્તિ જોરદાર છે – તેની સામે એવું કંઇ કહેવું કે કરવું નહી જેથી પાછળથી પસ્તાવો થાય!

૪. પુસ્તક બીજી વખત વાચો ત્યારે કંઇક નવું જ જાણવા મળે છે.

૫. કવિન હવે ખોટું-ખોટું રોતા શીખી ગયો છે!

૬. કવિન મોટો થઇને ૧૦૦% એન્જિનિયર અથવા કારીગર અથવા આર્ટીસ્ટ બનશે!

નવું સાહસ: લિનક્સ વિશે ગુજરાતીમાં પુસ્તક

* હેં.. કાર્તિક ચોપડી લખે? હા.

આ સાહસ કે દુ:સાહસનો નવરાં બેઠા રવિવારની બપોરે કોઇક કાળ ચોઘડિયામાં વિચાર આવ્યો અને પછી એ વિચાર આવ્યો કે સાલું આ ચોપડીને છાપશે કોણ અને કોઇએ છાપી નાખી તો ખરીદશે કોણ? જવા દો, છપાવવાની જરૂર અત્યારે તો નથી. હાલ પૂરતું, વેબ પર PDF કે તમને જોઇતા ફોરમેટમાં પ્રાપ્ત કરવાનો વિચાર છે – અને બ્લોગ પર પાનાં પર સીધી જ લખવાનો પણ વિચાર છે  – એટલે એક નવું પાનું ‘પાનાંઓ’ માં ઉમેરાયેલું તમે જોઇ શકો છો – એટલે કે તમને શિર્ષકની ખબર પણ પડી ગઇ હશે!

અત્યારે હું પ્રકરણ વગેરે નક્કી કરી રહ્યો છું, એટલે પાનું પાસવર્ડથી સુરક્ષિત છે અને લગભગ થોડાં મિત્રોને જેમ લખાતું જશે તેમ આપતો જઇશ.

વિચાર કેવો છે? સારો, ખરાબ, બકવાસ, બોરીંગ, તદ્ન વાહિયાત?