પ્રણવભાઈની પોળ, પતંગ અને (P)ફોન.

* પરમ દિવસે ક્યાંક ફેસબુકમાં પતંગ પર વાત ચાલતી હતીને પ્રણવભાઈ (થોડા સમય પહેલાં એમની ઓળખાણ થઈ. પ્રણવભાઈ એટલે – gujaratquiz.in) એ એમની પોળમાં પતંગ ઉડાવવાનું આમંત્રણ આપ્યું. જતાં-જતાં થોડું મોડું થઈ ગયું પણ, રાયપુરની પોળનાં પહેલી વાર દર્શન થયા. લોકવાયકાથી વિરુધ્ધ એમનું ઘર તરત મળી જાય એમ છે, છતાંય એક જણને પૂછયું, પ્રણવભાઈનું ઘર કયું. પેલાએ ચાર માળ ઉંચા ઘરની સામે આંગળી કરી કહ્યું એ.. પેલા પતંગ ઉડાવે છે એ. 😛 કદાચ પહેલી વાર પોળની અગાશીએ પગ મૂક્યો. કવિનને જલ્સા પડ્યા. અંકલ બનીને કેટલીયે પતંગો બાળકોએ મારી જોડે ઉડાવી અને સાંજે અગાશી પર જ પાઉંભાજીનો પ્રોગ્રામ હતો. મજા આવી ગઈ. કવિનની ડિમાન્ડ પર જતી વખતે થોડી પતંગ-દોરીની ખરીદી કરી છે. વર્ષો પછી દોરી લીધી છે, સારી નીકળે તો સારી વાત છે. કેમેરા લઈ જવાનો ભૂલી ગયો એ અફસોસ રહેશે. કવિનને બધાને હેરાન પ્રમાણમાં ઓછા કર્યા, પણ કર્યા ખરા.

 

 

* પોસ્ટના ટાઈટલમાં P(ફોન) નો પ્રાસ કેમ બેસાડ્યો? એક આનંદદાયક સમાચાર – ફોન ચાલુ થઈ ગયો છે / એટલિસ્ટ, થોડા મહિના ચાલે તો ૨૦૧૨માં નવો ફોન ન લેવાની વિશલિસ્ટની યાદી પૂરી થાય 😉

Advertisements

અમદાવાદ ફોટોવોક ૧ – લાલ દરવાજા અને આજુ-બાજુ

* ફોટોવોક એટલે શું? ફોટોવોક એટલે અમુક લોકો ભેગા થઈને ચાલતા-ચાલતા કોઈક ચોક્કસ જગ્યાઓના ફોટા પાડે તે. તો આવી જ એક ફોટોવોક આજે સવારે ૬ થી ૯ દરમિયાન રાખેલી હતી. અમે બધા સીદી સૈયદની જાળી આગળ ભેગા થયા. ડો. વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સેન્ટરમાં ચાલતી ફોટોગ્રાફી ક્લબના કેટલાંક સભ્યો પણ જોડે હતા. આનંદની વાત હતી કે ભાર્ગવ પંડ્યા (જુઓ મારી IPR વર્કશોપ વાળી પોસ્ટ) અમારી સાથે હતા. સીદી સૈયદની જાળી, ભદ્ર, ત્રણ દરવાજા, જામા મસ્જિદ, થોડીક પોળો અને પછી રીલીફ રોડ. આટલી જગ્યાએ અમે ફર્યા. નવી ઓળખાણો થઈને મજા આવી ગઈ. દુર્ભાગ્યે ગરમી વધુ હોવાથી અમારે ૯ વાગ્યે જ કાર્યક્રમ સમેટી લેવો પડ્યો.

મારા અમુક ફોટાઓ ફ્લિકરના અમદાવાદ ફોટોવોક ૧ સેટ પર જોવા મળશે.

તો, હવે પછી ફોટોવોક હશે તો બ્લોગ પર જાણ કરીશ. બધાંને આમંત્રણ છે. પશ્ચિમ અમદાવાદમાં ફોટા પાડવા જેવી કોઈ જગ્યા ખરી? જણાવવા વિનંતી.

વાસી ઉત્તરાયણ કેમ?

* એક પ્રશ્ર્ન: ઉત્તરાયણના તહેવારના બીજા દિવસને ‘વાસી ઉત્તરાયણ’ કેમ કહેવામાં આવે છે? ‘કાળી ચૌદસ’ના બીજા દિવસને આપણે કંઈ ‘વાસી કાળી ચૌદસ’ કહેતા નથી. તો, ઉત્તરાયણ માટે આમ કેમ?

જવાબ: કારણ કે, અમદાવાદમાં તમને લોકોનાં ઘરે વાસી ઉંધિયું ખાવા મળી શકે છે 😉

ઓકે, મજાક કરું છું. જવાબ મળે તો કોમેન્ટ કે ઈમેલ તરીકે આપવા વિનંતી. તમારો જવાબ ગુપ્ત નહી રાખવામાં આવે તેની ગેરંટી. વિકિપીડિયામાં મકર સંક્રાતિનો નાનકડો લેખ છે, જે થોડી માહિતી આપે છે તે મુજબ આ વાસી ઉત્તરાયણ વાળી પ્રથા માત્ર અમદાવાદમાં જ છે એટલે પેલા કુત્તે પે સસ્સા આયાની જેમ કંઈક ઘટિત બનાવ કોઈક પોળમાં બન્યો હોય તેવી સંપૂર્ણ શક્યતા રહેલ છે. જો તમે જવાબ તેવી કોઈ પોળનાં સંદર્ભ વગેરે સાથે આપશો તો તમને તાજુ ઉંધિયાની પાર્ટી આપણા તરફથી…