નવો ફોન: ઇન્ટેક્સ ક્લાઉડ એફએક્સ

…એટલે કે Intex Cloud FX

ફાયરફોક્સ ફોન!

જ્યારે મોઝિલાએ જાહેરાત કરીકે તેઓ ભારતમાં સસ્તો ફાયરફોક્સ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતો ફોન રજૂ કરવાના છે, ત્યારે જ મારો ચમકતો ફોન પડ્યો અને પછી દોડવા માટે એક નવા ફોનની જરૂરિયાત સામે તરત જ આ ફોને મને ખેંચ્યો. સ્નેપડીલ ઉપરથી થોડી મહેનત પછી ફોનનો ઓર્ડર આપ્યો. સ્નેપડીલ ઉપરથી પહેલો ઓર્ડર હોવાથી અમે તેને કેશ-ઓન-ડીલિવરી વિકલ્પમાં રાખ્યો (જેથી પછી કેષ ખેંચવા ન પડે). આજ-કાલ બધાં સ્માર્ટ થઇ ગયા છે. પહેલાં બતાવે કે ઓર્ડર આ તારીખે શિપિંગ કરીશું, પછી તારીખ કરતાં પહેલાં કરે અને પછી કહે અમે કહેલી તારીખ કરતાં પહેલાં ડીલિવરી કરી એટલે અમે સરસ. માય ફૂટ. આ ચેપ આજ-કાલ ફ્લિપકાર્ટને પણ લાગ્યો છે. વેલ, જે હોય તે. ફોન સમયસર મળ્યો.

ગમી જાય તેવી ખાસિયતો?

૧. રૂપિયા ૧૯૯૯/- માં ફોન.
૨. ફાયરફોક્સ ઓપરેટિંગ સિસ્ટમ.
૩. વજનમાં હલકો.
૪. ડબલ સીમ.
૫. એફ.એમ. રેડિયો.

ન ગમે તેવી વસ્તુઓ?

૧. રજી જ અને નો ૩જી.
૨. ઓછી રેમ. કદાચ ૨૫૬ એમબી હોત તો ઠીક. પણ ૧૨૮ એમબી?? 🙂

અત્યાર સુધી ખાસ વાપર્યો નથી (સિવાય કે બધી એપ્સ ટ્રાય કરવામાં અને ટેસ્ટ કોલ્સ કરવામાં), પણ આ ફોન લઇને દોડવામાં કે સાયકલ ચલાવવામાં રિસ્ક નથી. રજી ઇન્ટરનેટ હજી ટ્રાય કર્યું નથી, થોડા દિવસ પછી એની ચકાસણી કરવામાં આવશે. ખાલી વોટ્સ એપ અને મેપ્સ ચાલે એટલે બહુ થઇ ગયું. હા, આમાં GPS પણ નથી, એટલે ક્યાંય ખોવાઇ જાવ તો ન ચાલે (કે દોડે!).

સેકન્ડરી ફોન તરીકે આ ફોન સરસ છે. Spice એ પણ તેમનો ફાયરફોક્સ ફોન રજૂ કર્યો છે (જોકે ક્યાંય દેખાયો નહી!) જે આનાં કરતાં ૩૦૦ રૂપિયા મોંઘો પણ થોડા સારા ફિચર્સ ધરાવતો ફોન છે. જો લેવો હોય તો એ આના કરતાં વધુ સારો ઉમેદવાર છે!

વિક્શનરી ફાયરફોક્સ પ્લગ-ઇન

* અમારા એક મિત્ર અરવિંદા એ આ સરસ વિક્શનરી ફાયફોક્સ પ્લગ-ઇન બનાવી છે, તો તમે પણ જરા હાથ-માઉસ-કીબોર્ડ અજમાવજો!

ગુજરાતી વિક્શનરી ફાયફોક્સ પ્લગઇન એટલે કે સર્ચ એન્જિન!

PS: ઉપર ગુગલ ક્રોમ દેખી ભોળવાવું નહી. હું ડિફોલ્ટ બ્રાઉઝર તરીકે ક્રોમ-અનસ્ટેબલ વર્ઝન વાપરું છું, જે મોટાભાગે ક્રેશ થતું રહે છે, એટલે હજી પણ ફાયરફોક્સ મારું ફેવરિટ બ્રાઉઝર છે. વિશ્વાસ નથી થતો? જુઓ નીચેનો ફોટો 😉

ફાયરફોક્સ - કેન્દ્રમાં

બુરા-ભલા સમાચાર

* ગુગલે મોટોરોલા મોબિલિટી ખરીદવાની જાહેરાત કરી.

* ફાયરફોક્સે વર્ઝન નંબર બંધ કરવાની જાહેરાત કરી. (ગાંડા થઈ ગયા લાગે છે આ લોકો)

* અન્ના જેલમાં ગયા.

* સન સ્ટુડિઓની લિંક ઓપનસોલારિસ પરથી અદ્રશ્ય થઈ.

* KVM + illumos શક્ય બન્યું.

* રશિયાના વીઝા ૨૪ કલાકમાં મળે છે એવી જાણકારી મળી.

અને છેલ્લે,

* ડેબિયન પ્રોજેક્ટે ૧૮ વર્ષ પૂરા કર્યા.

વરસાદ, વોટરપાર્ક અને વીક-એન્ડ

* વરસાદ સરસ છે, આપણને બીજું શું જોઈએ?

* શનિવારે વિનયનો મેસેજ (એ પહેલા મિસકોલ, કારણ કે અમે આરામથી ઊંઘ્યા હતા) આવ્યો કે વોટરપાર્ક (શંકુસ, મહેસાણા હાઈવે) આવવું છે? અમે ક્યારેય સપરિવાર કોઈ જ વોટરપાર્કમાં ગયેલા નહી એટલે આ મોકો ઝડપ્યો અને વિનયની નવી કારમાં બેસવાનો મોકો પણ મળી ગયો 🙂 સવારે ૯.૩૦ જેવા નીકળ્યા. પાલનપુરથી અનિલ-પરેશ અને રાજુ પણ આવવાના હતા એટલે બધી બચ્ચાંપાર્ટીઓ ભેગી થઈને બરાબર મસ્તી કાઢે તે શક્યતા હતી જે સાચી નીવડી અને બધાંએ મન મૂકીને પાણી અને વરસાદનો ફાયદો ઉઠાવ્યો. કેમેરા લઈ ગયેલો, પણ ત્યાં બહારના કેમેરાની મનાઈ હતી એટલે બિચારો ગાડીમાં જ પડ્યો રહ્યો. જોકે ત્યાં ૨ ફોટા પડાવ્યા ખરા, જે પછી ક્યારેક સ્કેન કરીને મૂકીશ. પાછાં આવતા લગભગ ૬ વાગી ગયા અને જ્યારે મોબાઈલ લોકરમાંથી બહાર કાઢ્યો ત્યારે કુલ મળીને લોકોના ૨૫ મિસકોલ હતાં! હું કેટલો અગત્યનો છું એ આજે જ ખબર પડી…

* આજ-કાલ નક્કી કર્યું છે કે વીક-એન્ડમાં ઓફિસનું કંઈ કામ ન કરવું. પણ, મોટાભાગે ઘરેથી કામ કરવાની વસ્તુ એવી વિચિત્ર હોય કે તમે ન ઈચ્છતા હોવા છતાં આખું અઠવાડિયું ઓફિસ ચાલુ હોય એમ લાગે (ફાયદો એ કે આખું અઠવાડિયું રવિવાર છે એવું પણ લાગે!!). એટલિસ્ટ, IRC માં તો લોગ-ઈન થવાનું થઈ જ જાય અને ઓફિસનું કોઈ કામ યાદ આવી જાય. છેવટે આ માટે, એક સ્ક્રિપ્ટ બનાવી જે ક્રોનજોબ વડે નક્કી કરે કે આજે કયો વાર છે અને તે પ્રમાણે જે ઓફિસ સિવાયની ચેનલ્સમાં લોગ-ઈન કરે. આવું જ હવે, બ્રાઉઝર (ફાયરફોક્સ) માટે બનાવવાનો વિચાર છે.

સ્કાયપે અને બીજું ઘણું..

સ્કાયપેનું નામ સાંભળ્યું ન હોય એવું ન બને. અને માઈક્રોસોફ્ટે સ્કાયપેને ખરીદ્યું એ ન સાંભળ્યું હોય એવું પણ ન બને. આવી જ એક બીજી ડિલ એટલે કદાચ નોકિઆનું મોબાઈલ ડિવિઝન માઈક્રોસોફ્ટ ખરીદવાનું છે એવી વાતો સંભળાય છે. સ્કાયપેનું હવે શું થશે?

૧. સ્કાયપે વિન્ડોઝમાં જોડે જ આવશે, તેનું નામ માઈક્રોસોફ્ટ સ્કાયપે ૨૦૧૨ કે એવું કંઈક હશે.

૨. સ્કાયપેનું નામ બદલાઈને માઈક્રોસોફ્ટ લાઈવ સ્કાયપે મેસેન્જર કે એવું થશે.

૩. લોકો સ્કાયપે ડિફોલ્ટ કેમ આવે છે એનો વિરોધ કરશે.

૪. માઈક્રોસોફ્ટ સામે મોનોપોલીનો કેસ ચાલશે. સ્કાયપેની સામે બીજું ઓપનસોર્સ સોફ્ટવેર આવશે. અને,

૫. સ્કાયપેના હાલ ઈન્ટરનેટ એક્સપ્લોરર જેવા થશે.

ખેર, ૪ અને પ મારી પોતાની ભવિષ્યવાણી છે, જે કદાચ સાચી ન પણ પડે. પણ, ૧,૨,૩ તો સાચાં પડશે જ. લખી રાખજો, સિવાય કે માઈક્રોસોફ્ટના અપર મેનેજમેન્ટને કંઈ બુધ્ધિ આવે. ટ્વિટર પણ હવે આ રસ્તે જતું દેખાય છે. તેણે ટ્વિટડેક નામના સરસ ક્લાયન્ટ ખરીદી લીધું છે અને હવે તે કંઈક ચાલીસ ડોલરમાં વેચશે. વધુમાં, ટ્વિટર ક્લાયન્ટ માટેની API ઉપર નિયંત્રણો વધતા જાય છે.

PS: હેપ્પી ટોવેલ ડે!

DocTypeHTML5.in

* મોડો-મોડો અહેવાલ.

DocTypeHTML5 એ મજાની ઈવેન્ટ બની રહી. ખાસ કરીને અમદાવાદમાં (અને આજુ-બાજુ) રહેતાં ટેકી મિત્રોને મળવાનો સારો એવો અવસર ગણી શકાય. સચીન, વિશાલ, સમય, નિખીલ, સમ્યક, અનિલ, જીજ્ઞેશ અને છેલ્લે કિરણ (Jace) તો ખરાં જ. Jace જોડે બેંગ્લોરમાં ૪ મહિનાઓ જેવું કામ કરેલું – તે જીવનનો યાદગાર પ્રસંગ રહેશે. જૂની કંપનીઓનાં મિત્રો-સહકાર્યકરોનો પણ ભેટો થયો એટલે જૂની યાદો-ગમો પણ તાજાં પણ થયાં 😉

મેં અને જયેશભાઈ (એ.એમ.ટી.એસ.ઈન્ફો.ઈન વાળા!!)એ નક્કી કર્યું કે સાથે કોન્ફરન્સમાં જઈશું. તો સવારે થોડું મોડું થયું. ૭૨/૩ પર પહોંચ્યો, ત્યાંથી જગ્યા શોધતા વાર લાગી, પણ ત્યાં ગયા ત્યારે પબ્લિક હજી લાઈન લગાવી રજીસ્ટ્રેશન માટે બહાર જ હતી. રજીસ્ટ્રેશન સરસ રીતે હતું. તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલું હોય, તેનું લિસ્ટ હોય અને એક બટન પર ક્લિક કરવાનું, એટલે તમને ફૂડ કૂપન, સ્ટિકર વગેરે મળે અને અંદર જવા મળે. આ રીતનો હેતુ શું હતો એ પછી કિરણે સરસ રીતે સમજાવ્યું.

સૌપ્રથમ જી.સી.સી.આઈ.ના પરિચયનું સેશન હતું, જે બોરિંગ હતું, પણ જેમણે જગ્યા આપી, તેમનું તો કંઈ સાંભળવું પડેને? આ પછી કિરણે HTML5 નો પરિચય આપ્યો અને પોસ્ટેલના નિયમની વાત કરી. નીચે ફોટામાં તે આપેલ છે. લગભગ કોઈને આ નિયમ વિશે ખબર નહોતી.

https://secure.wikimedia.org/wikipedia/en/wiki/Robustness_principle

રાહુલ (ગોન્ઝાલ્વિસ)નું સેશન CSS3 પર હતું. જે મારો વિષય ન હતો, છતાંય મજા આવી. માઈક્રોસોફ્ટના આ.ઈ. ૯ વિશેના સેશનમાં હું છેલ્લે બેઠો હતો અને ઘરેથી આવેલ મિસકોલનો જવાબ આપતો હતો, છતાંય સેશન બેકાર અને વિન્ડોઝની વાહ, વાહ કરતું હતું. પણ, માઈક્રોસોફ્ટ સ્પોન્સર એટલે હુરિયો ન બોલાવાય. વિન્ડોઝ ૭ કંઈક અંશે સારું છે, એ તો સાચી વાત છે જ.

વચ્ચે કિરણે કોન્ફરન્સના રજીસ્ટ્રેશનનું સ્ટેટિસ્ટિક્સ બતાવ્યું. જે મુજબ ૬૦ ટકા લોકો ફાયરફોક્સ વાપરીને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. લિનક્સ વાપરવા વાળા લોકો ૧૭ ટકા હતા, જ્યારે મેક વાપરવા વાળા પણ હતા. ક્રોમ અને ઓપેરા વાળી પબ્લિક પણ હતી. કોઈકે સીમન્કી બ્રાઉઝર પણ વાપર્યું હતું, પણ કોણ હતું એ મળ્યું નહી 🙂

ક્વિઝ પણ હતી, જેમાં મને એકપણ પ્રશ્નનો જવાબ ન આવડ્યો. લંચ પછી, સંજય (pad.ma સાઈટ જોવા જેવી છે!) અને ધવલનાં સેશન પણ સરસ રહ્યા. લંચ ઓકે-ઓકે હતું. કોફી બ્રેક પછી, એક્સિસિબિલીટી પર રાહુલનું સેશન એકદમ સરસ રહ્યું. માનસિક કે શારિરીક રીતે અસક્ષમ લોકો કોમ્પ્યુટરનો ઉપયોગ (કે તમારી વેબસાઈટનો) કરી શકે એ માટે શો ખ્યાલ રાખવો તેની સરસ માહિતી મળી.

ત્યારબાદ સ્પિકર પેનલ ચર્ચા હતી. જેમાં તમે ગમે તે પ્રશ્નો પૂછી શકો, પણ લોકો એવા નીકળ્યા કે SEO અને Payment Integration વિશેના પ્રશ્નો પૂછ્યાં. ઓ તારી. સુજ્ઞજનો, ખ્યાલ રાખજો – હવે પછી અમદાવાદની સોફ્ટવેર કંપનીઓની ઈજ્જત તમારા હાથમાં છે 🙂

કોન્ફરન્સની સ્લાઈડ્સ વગેરે તેની વેબસાઈટ પર મળી શકશે.

બેંક અને તેમની વેબસાઈટ..

* ICICI ગ્રાહક છો? તો આ વાંચો – http://tech.bluesmoon.info/2011/01/fixing-xss-on-icicidirectcom.html

કેટલીય બેંકો ડફોળ જેવી વેબસાઈટ્સ ધરાવે છે. ઉપરના અનુભવ પછી મારે કોટક બેંકમાં મારો ઈન્વેસ્ટમેન્ટ વિભાગ ફાયરફોક્સમાં કેમ દેખાતો નથી (બાકી બધું બરાબર ચાલે છે) એની ફરિયાદ કરવાની હતી તે તત્પુરતી બાજુ પર મૂકી દીધી છે.

ઓ વ્હાલી (અમારા પૈસા ધરાવતી) બેંકો, ફાયરફોક્સમાં તમારી વેબસાઈટ્સ ખૂલે, વપરાય તો ફાયદો તમને જ છે.

આવાં કોઈ અનુભવ (દા.ત. ફાયરફોક્સમાં કોઈ બેંકની વેબસાઈટ-ખાતું) ન ખૂલે તો અહીં જણાવજો.

ગુજરાતી લેક્સિકોન લુકઅપ એડ-ઓન

* આજે સંદેશના આ લેખ – ફાયરફોક્સને ફાયરબ્રાન્ડ બનાવતા એડ-ઓન્સ માંથી એક સરસ એડ-ઓન મળ્યું – ગુજરાતી લેક્સિકોન લુકઅપ. એકદમ સરળ. શબ્દ પસંદ કરી બ્રાઉઝરમાં રાઈટ ક્લિક કરો અને,

અને, તમને પસંદ કરેલ શબ્દ ગુજરાતીલેક્સિકોનની સાઈટ પર મળશે.

સરસ.

ફાયરફોક્સ કેબીસી પર..

* એમ તો ટીવી પર કાર્ટૂન સિવાય કંઈ જોવા જેવું આવતુ નથી, પણ અચાનક જ આજે થોડીવાર માટે કેબીસી જોવાઈ ગયુ અને વાહ, પહેલો (કે બીજો?) જ પ્રશ્ન, આપણા માનીતા વિષયનો.

તમને જવાબ આવડે તો મને એસ.એમ.એસ. ન કરતાં. ખોટાં પૈસા બગડશે અને કંઈ મળશે નહી 😀

મને ગમતાં ફાયરફોક્સ એડ-ઓન્સ..

* જો તમે ફાયરફોક્સ વાપરતા હોવ અને એના વિવિધ એક્સટેન્શન એટલે કે એડ-ઓન્સનો લાભ ન લેતા હોવ તેવું ન બને. તો અહીં મને ગમતાં પાંચ ફાયરફોક્સ એક્સટેન્શન આપેલાં છે. કદાચ તમને પણ ગમશે. તમારા ફેવરિટ પણ જણાવવા વિનંતી.

૧. BarTab: તમે જોયું હશે કે ૨૦ કે ૨૫ ટેબ ખૂલ્લી હોય અને પછી તમે ફાયરફોક્સ બંધ કરો અને બીજા દિવસે ફાયરફોક્સ ખોલો ત્યારે એ ૨૫ ટેબ એક સાથે ખૂલવાનો પ્રયત્ન કરે છે. પરિણામ? કોમ્પ્યુટર હેંગ થઈ જવાનો પૂરેપૂરો ભય. બારટેબ મસ્ત કામ કરે છે. ટેબ જળવાઈ રહે છે પણ લોડ થતી નથી. તમે જ્યારે જે-તે ટેબ પર ક્લિક કરો ત્યારે જ લોડ થાય છે. એટલે ફાયરફોક્સ તરત ખૂલે છે અને તમે ટાઈમ-આઉટ પણ રાખી શકો છો. એટલે મેમરી લિક જેવા પ્રશ્નોનો પણ ઉકેલ આવી જાય છે.

૨. ColorfulTab: તમારી ટેબ્સને રંગબેરંગી બનાવે છે 🙂

૩. NoScript: જોરદાર વસ્તુ. પહેલાં તો તે બધી જ જાવાસ્ક્રપ્ટિને રોકી દે છે. વ્હાઈટ-લિસ્ટમાં તમે જે સાઈટ પર જાવાસ્ક્રિપ્ટ ચલાવવાની પરવાનગી આપો તે મૂકી શકો છો. દા.ત. જીમેલ અને વર્ડપ્રેસ વગેરે.

૪. Xmarks: જો તમે એક કરતાં વધુ કોમ્પ્યુટર કે બ્રાઉઝર વાપરતાં હોવ તો તમારા બુકમાર્ક્સ sync કરવા માટે ઘણું જ ઉપયોગી છે.

૫. HTTPS-Everywhere: આ એક્સટેન્શન વિશે હમણાં જ જાણકારી મળી. તમને ખ્યાલ હશે કે http કરતાં https પ્રોટોકોલ વધારે સલામત છે. આ એડ-ઓન તમને કેટલીક જાણીતી સાઈટ્સને https નો ઉપયોગ કરવા મજબૂર કરે છે. તમે તમારો પોતાનો rule પણ કોઈ વેબસાઈટ માટે બનાવી શકો છો. સરસ વસ્તુ.

આ સિવાય હું ShowIP, User Agent Switcher વગેરે એક્શટેન્શન્સ વાપરું છું. પણ, તેમની જરુર ક્યારેક જ પડે છે..