અપડેટ્સ – ૨૧૧: અમદાવાદ!

સવારે વહેલી ફરી પાછો એસ.ટી. પકડીને અમદાવાદમાં ઇન્કમ ટેક્સ પર ઉતર્યો ત્યારે મેટ્રોનું કામકાજ જોઇને આનંદ થયો. હવે ત્યાંથી મારે પેલી ગુમ થયેલી બેંકની તપાસ કરવાની હતી. મારી ૨૦૦૯-૧૨ની યાદશક્તિ ઢંઢોળી અને પાસબૂક પરથી હું સાચા સ્થળે પહોંચ્યો પણ ત્યાં તો “જગ્યા ભાડે આપવાની છે” એવું પાટિયું લટકતું હતું. મને થયું SBI જેવી બેંક બંધ થઇ જાય એવા સમાચાર મેં કેવી રીતે મિસ કર્યા? પછી એક ટ્રાય સામેની બ્રાંચમાં કરીએ એવો વિચાર આવ્યો અને ત્યાં પહોંચીને ખબર પડીકે એ બ્રાંચ તો ક્યાંક નજીકમાં જ ખસેડાઇ છે. ઓકે. ગુડ. ત્યાં પહોંચી ગયો. ચૂંટણીને કારણે લગભગ અડધા કર્મચારીઓ નિષ્ક્રિય લાગ્યા પણ મારું ૧૦ ટકા કામ થયું. કોઇ અજ્ઞાત મેડમ રજા પર છે એવો સ્ટાન્ડર્ડ જવાબ સાંભળવા મળ્યો અને પછી હું ત્યાંથી આગળ શું કરવું તે વિચારતો બહાર નીકળ્યો.

પહેલું કામ તો જેકેટ બેગમાં મૂક્યું. વેલકમ ટુ અમદાવાદ! પછી અમારા સાયકલ મિત્ર નિસર્ગભાઇને ફોન કર્યો અને તેમની ઓફિસ નજીકમાં જ હોવાથી ક્રોસવર્ડ મીઠાખળીમાં મળવાનું નક્કી કર્યું. આ ક્રોસવર્ડ આપણી ફેવરિટ. ત્યાં પેલી કોફી શોપ પણ સારી. નિસર્ગભાઇ જોડે કરેલી ૪૦૦ બી.આર.એમ.નો એમનો મેડલ મારી જોડે હતો તે તેમને સુપરત કર્યો અને પછી થોડી પેટ-પૂજા કરવામાં આવી.

નિસર્ગભાઇ જોડે સાયકલિંગ અને ગુજરાતમાં સાયકલિંગ પર બહુ વાતો કરી. હું તો નવરો હતો પણ તેઓ વ્યસ્ત હતા એટલે તેમને વિદાય આપી હું ક્રોસવર્ડમાં ગયો અને ત્યાં જઇને જોઉં તો ગુજરાતી વિભાગ થોડો મોટો બન્યો હતો અને ત્યાં કાઝલ ઓઝા વૈદ્યનું એકચક્રી સામ્રાજ્ય હોય એમ લાગ્યું. વચ્ચે વચ્ચે બીજા લેખકો ઝળકી રહ્યા હતા અને ત્યાં નજરે ચડ્યા – બક્ષી!

IMG_20171215_140116

પ્રવીણ પ્રકાશને બક્ષીબાબુના થોડા પુસ્તકો ફરી પ્રકાશિત કર્યા છે. એ માટે તેમનો ધન્યવાદ. મને જાતકકથા નવલ મળી ગઇ (અને હાલમાં તે વાંચી રહ્યો છું, તેનો રીવ્યુ પછીની પોસ્ટમાં!). ક્રોસવર્ડમાં હવે પુસ્તકો પછી સ્ટેશનરીનો માહોલ છે. તેમાં કંઇ લેવા જેવું ન લાગ્યું એટલે થોડો ટાઇમપાસ કરીને નીકળી ગયો. હા, ક્રોસવર્ડમાં “ચન્દ્રકાંત” જેવો જોડણીદોષ ખૂંચ્યો અને જેમ દર વખતે હોય છે તેમ ગુજરાત વિરોધી પુસ્તકો ડિસપ્લે પર ખાસ દેખાય તેમ મૂકવામાં આવ્યા હતા. નોર્મલ છે!

ત્યાંથી નીકળીને ઇશિતાને મળવા માટે પકવાન ચાર રસ્તા જવાનું હતું. ત્યાં ફાલાસિન કે ફાલાસી જેવું નામ ધરાવતા જ્યુશ કાફેમાં બેઠાં-બેઠાં ગપ્પાં માર્યા. જગ્યા સરસ છે. તેની ત્રણ સ્તર વાળી સેન્ડવિચ પણ સરસ હતી.

ત્યાંથી ઉપરના નકશામાં બતાવ્યું તેમ પકવાનથી પાન ખાઇને નક્કી કર્યું કે સંદિપનો જો ફોન ન આવે તો ચાલીને કાલુપુર સ્ટેશન જવું. કુલ અંતર લગભગ ૯.૫ કિમી હતું જે ૨ કલાક જેવું લાગે તેમ હતું. બરોબર. ૩.૫ કિમી ચાલ્યો ત્યારે સંદિપ મિટિંગમાંથી ફ્રી થયો અને અમે સહજાનંદ આગળ મળવાનું નક્કી કર્યું અને મળ્યા. છેવટે એક સરસ ચીઝ વડાપાંવ અને સેન્ડવિચ ખાધી. ત્યાંથી તેના ઘરે થઇને તેના દીકરા રીષિને લઇને તે મને કાલુપુર મૂકવા આવ્યો. દુર્ભાગ્યે ટ્રાફિક વધુ હતો એટલે કવિન માટે દોરી-ફીરકી લઇ શકાઇ નહી. આ વખતે લોકશક્તિમાં લોકોનો ત્રાસ હતો નહી અને થર્ડ એસીના કારણે ઠંડી-પવન પણ લાગવાના ન હતા એટલે આરામથી સૂઇ ગયો. સવારે ઘરે પહોંચ્યો ત્યારે એકસાથે બે દિવસનો થાક દેખાયો જે પછી રવિવારની રાઇડ પર પડવાનો હતો એમ લાગ્યું.

તો આ પોસ્ટ પૂરી. અને હા, કાલે ૧૮ ડિસેમ્બર – યાદ છે? ચૂંટણી પરિણામો 😀

અપડેટ્સ – ૬૮

* હવે નક્કી કર્યું છે કે દર અઠવાડિયે એક જ વાર અપડેટ વાળી પોસ્ટ મૂકવી. કારણ? કારણ તો એ જ કે કંઇ ખાસ નવું બનતું નથી. સવારે ઉઠવાનું, દોડવાનું (સોમ-શુક્ર/શનિવાર સિવાય), fooસાગરમાં બ્રેકફાસ્ટ, ઓફિસ, પાછા આવીને fooસાગરમાં ડિનર (સીદ ડોસા, સર) અને પછી થોડું ડેબિયન અથવા બીજાં પ્રોજેક્ટ પર કામ વત્તા મુવી અને zZZz. આ રુટિન શનિ-રવિ બદલાય કારણકે લંચ માટે શું કરવું એ યક્ષપ્રશ્ન આવીને ઉભો રહે!

* ગયા અઠવાડિયામાં સરસ દોડાયું. અહીં સવારની સરસ ઠંડક મને પથારીમાંથી ન ઉઠવા માટે મજબૂર કરે છે, પણ રનિંગ પાર્ટનર મજબૂત અને નિયમિત છે. વીકએન્ડમાં જોકે એકલા દોડવાનું થયું, પણ મજા આવી ગઇ.

* વીક માં સારી ઘટના ગણીએ તો મારી બેંક મને જડી ગઇ! ગુગલ મેપમાં ઓફિસની બાજુમાં બતાવાતી હતી અને ત્યાં જઇને તપાસ કરી તો કંઇ નહી (એની જગ્યાએ સ્કિન, હેર લેસર ક્લિનિક કે એવું કંઇ નીકળ્યું!). પછી, બેંકની ઓફિશિઅલ સાઇટ પરથી સાચું સરનામું મળ્યું અને બુધવારે દોડવા માટે એ બાજુ ગયો હતો તો અચાનક દેખાઇ.

અને, ખરાબ ઘટના એ બની કે, શનિવારે અડધો કલાક ચાલીને (અને એટલો જ સમય પાછાં આવતા!) ત્યાં ગયો તો ખબર પડી કે બેંક ‘બકરી ઇદ’ ના લીધે બંધ છે!!

* રવિવારે સાંજે શ્રેણિક વિકમને ફોરમ મોલમાં મળવાનું નક્કી કરેલું તે પ્રમાણે મળ્યા. મેં તો સબ-વે વત્તા વડા-પાઉં ઝાપટ્યા અને એન્ડ્રાઇડ પર ખૂબ બધી ચર્ચા કરવામાં આવી. રીટર્નમાં બસ મળી ગઇ એ અદ્ભૂત ઘટના કહેવાય 🙂

* અને, કવિનને મમી બનેલો તે વેશભૂષામાં પ્રથમ નંબર આવ્યો છે, એવા સમાચાર મળ્યા છે!!

અપડેટ્સ

* દિવસની શરુઆત કંઈ વિચિત્ર થઈ. ડાબા પગમાં અચાનક થોડો દુખાવો શરુ થયો, બેંકમાં ઈમરજન્સી કામ હતું પણ કોઈ ફોન ઉપાડતું જ નહોતું અને આજે પેલા બુકફેરમાં ન જવાયું અને જય વસાવડાને મળવાનું રહી ગયું. છેવટે, પગ અને બેંક તો ફિક્સ થયા 🙂

અને હા, પેલો iPhone પણ ફિક્સ થયો!!

* થોડા દિવસથી દોડવાનું નિયમિત નથી. સોમવારે અને ગુરુવારે ગુલ્લી મારી. હવે આવતું અઠવાડિયું પણ બીઝી જવાનું છે એટલે નવાં વર્ષથી બધું નિયમિત થશે એવું લાગે છે. ૪૦ અઠવાડિયાંનો ભવ્ય કાર્યક્રમ થોડા બ્લોગ્સ, વેબસાઈટ્સ વગેરે પરથી બનાવવામાં આવ્યો છે. કોણ જ્યારે ક્યારે કયા પ્રકારના એલાર્મથી હું સવારે નિયમિત જાગી શકીશ?

* અને હા, સાબરમતી મેરેથોનના દરેક દોડવીરોને બેસ્ટ લક. બરાબર દોડજો. થોડીક બેકાળજીને કારણે આ મેરેથોનમાં ભાગ લેવાનું ગુમાવવામાં આવશે 😦

બેંક અને તેમની વેબસાઈટ..

* ICICI ગ્રાહક છો? તો આ વાંચો – http://tech.bluesmoon.info/2011/01/fixing-xss-on-icicidirectcom.html

કેટલીય બેંકો ડફોળ જેવી વેબસાઈટ્સ ધરાવે છે. ઉપરના અનુભવ પછી મારે કોટક બેંકમાં મારો ઈન્વેસ્ટમેન્ટ વિભાગ ફાયરફોક્સમાં કેમ દેખાતો નથી (બાકી બધું બરાબર ચાલે છે) એની ફરિયાદ કરવાની હતી તે તત્પુરતી બાજુ પર મૂકી દીધી છે.

ઓ વ્હાલી (અમારા પૈસા ધરાવતી) બેંકો, ફાયરફોક્સમાં તમારી વેબસાઈટ્સ ખૂલે, વપરાય તો ફાયદો તમને જ છે.

આવાં કોઈ અનુભવ (દા.ત. ફાયરફોક્સમાં કોઈ બેંકની વેબસાઈટ-ખાતું) ન ખૂલે તો અહીં જણાવજો.

અપડેટ્સ

.. એટલે કે આજ-કાલ શું ચાલે છે?

– ગુરુ અને શુક્રવારે રજા હતી. મંગળવારે જ ખબર પડી કે અમેરિકામાં થેન્ક્સ ગિવિંગ ડે અને ડે આફ્ટર થેન્ક્સ ગિવિંગ ડે જેવી રજાઓ હોય છે. જોકે આપણે તો રાબેતા મુજબ કોમ્પ્યુટરને છોડી શકીએ? પાંચ દિવસમાં પહેલી વાર બહાર નીકળવાનો મોકો છેક શુક્રવારે આવ્યો, એ પણ બેંકની ડફોળાઈને કારણે.

ડેબિયનનું ખાસ્સુ એવું કામ બાકી હતું તે પૂરુ કર્યું.

– ઠંંડી પડે છે એટલે હવે સ્વેટર, મોજાં વગેરે લાવવાના છે. પેલું તિબેટીઅન માર્કેટ આવ્યું હોય તો જણાવવા વિનંતી.

– કવિનની વાતો અને મસ્તી દિવસે દિવસે વધતાં જાય છે. મારા ડાયલોગ્સ હવે તે નકલ કરે છે, એટલે તેની સામે સંભાળીને બોલવું પડે છે. હવે બહાર રમવા જાય છે, એટલે અમદાવાદી ભાષા અને લોકોની અસર આવી રહી છે.

ચાલો ત્યારે ન્હાવાનું બાકી છે, અને ન્હાવા બેસ એવી બૂમો પડી રહી છે..

આજ-કાલના વાસી સમાચાર

એટલે કે અપડેટ્સ!

* આ અઠવાડિયામાં ઘણાં લોંગ પેન્ડિંગ કામ પૂરા થયા. એકંદરે ૧૦૦ ટકા ઉત્પાદક અઠવાડિયું (ઉત્પાદક એટલે પ્રોડ્કટિવ ;))

* આજે ઘણાં સમયે બાકી રહેલી શોપિંગ કરી. બે સરસ ટી-શર્ટ મળી.

* કોઈપણ બેંક હોય, ભોગવવાનું કસ્ટમરને જ હોય. પણ, છેવટે મારી મુશ્કેલીનો નિકાલ હાલપૂરતો થઈ ગયો.

* વર્ષોથી બાકી રહેલું કામ – પી.પી.એફ. ખાતું – ખોલાવ્યું.

* નવું પુસ્તક: Accelerando – Charles Stross

* ગિટારને પાછું હાથમાં લીધું (લાવ્યા પછી બાજુ પર પડી રહેલ). અત્યારે હેપ્પી બર્થ ડે, પિંક પેન્થર થીમ અને બહેતી હવા સા થા વો (3 Idiots) શીખી રહ્યો છું.