૩ ફિલ્મો

* થ્રી બિલબોર્ડ્સ આઉટસાઇડ ઇબિંગ, મિસૂરી (૨૦૧૮)

* જસ્ટિસ લીગ (૨૦૧૭)

* બ્લેડ રનર ૨૦૪૯ (૨૦૧૭)

આ છે, છેલ્લાં ૩ મહિનામાં જોયેલી ફિલમો. આ સિવાય પાસપોર્ટ ગુજરાતી ફિલમ બે દિવસ પહેલાં યુટ્યુબ પર મળી ગઇ, એકંદરે ઠીક કહેવાય. બ્લેડ રનર અને થ્રી બિલબોર્ડ્સ.. જોયા પછી જે ઝણઝણાટી થાય એવું બહુ ઓછી ફિલમોમાં થાય છે. જસ્ટિસ લીગ પણ ધાર્યા કરતા તો સરસ નીકળી છે. હવે કદાચ એવેન્જર્સ ૨૭ એપ્રિલે જોવા જઇશું એવો પ્લાન છે. રેવાનું ટ્રેલર જોયા પછી લાગે છે, એ ફિલમ સ્કિપ થશે. રતનપુર બાકી છે, અને ટ્રેલર પરથી સારી લાગી છે, એટલે જોવાનો ક્યાંકથી પ્રબંધ કરવો પડશે.

અપડેટ્સ – ૫૪

* વરસાદ પડતો નથી અને મજા આવતી નથી.

* ગઇકાલે સવારે અને પછી બપોરે, હાથમાં કંઇક રીએક્શન જેવું થયેલું. કોઇક જીવડું કરેડેલું છે અથવા ખાવા-પીવામાં આવેલી વસ્તુ સાથે એલર્જી થયેલ છે. કદાચ કોઇ લેખક-બ્લોગની પણ એલર્જી હોઇ શકે. ખબર નહી શું છે, હીગ્સ-બોસોન જાણે.

* કાલે ભવ્ય ખરીદી કરવામાં આવી. નવાં શૂઝ, નવી ટી-શર્ટ્સ..

અને પેલો બેટમેન જેણે અમને બીજો ભારે ખર્ચો કરાવ્યો.. 😉

 

* હેરી પોટર એન્ડ ધ હાફ બ્લડ પ્રિન્સ અત્યારે વંચાઇ રહી છે. આવતા અઠવાડિયે આઠેય ભાગ પૂરા થઇ જશે એવું લાગે છે. ખરેખર, પુસ્તક પરથી બનાવેલું મુવી ન જોવું જોઇએ એવું પુસ્તક વાંચ્યા પછી લાગે છે 🙂 પછી, Once a runner અને V for vendetta (મારી પહેલી ગ્રાફિક્સ નોવેલ) કતારમાં છે.

ફિલમ: ડાર્ક નાઇટ રાઇઝીસ

* બે દિવસ પહેલાં જ આ મુવીની ટિકિટ લઇ લેવામાં આવી હતી. જોકે ઇન્ટરનેટ બુકિંગ હજીયે મોંઘું કેમ છે, એ સમજાતું નથી. ખેર, અમે તો બેટમેન મુવીઝના ભારે ચાહક એટલે જવાનું નક્કી જ હતું. કવિન પણ બેટમેનનો ફેન છે, એટલે વાંધો આવે તેમ નહોતું. કોકીને પણ સમજાવી કે બેટમેન એ મહાન છે વગેરે વગેરે 😉

૬.૨૦નો શો હતો. સમયસર પહોંચી ગયા.  અને, એ પણ ન સમજાયું કે આવું સરસ મુવી જોવા લોકો મોડા-મોડા કેમ આવી શકે? લગભગ ૧૦ મિનિટ સુધી લોકો આવતા રહ્યા, ખોટી જગ્યાએ બેસતા રહ્યા અને અમને ખલેલ પહોંચાડતા રહ્યા. બિગ સિનેમા હવે સિનેપોલીસ કે PVRની જગ્યાએ એટલી બધી મજા કેમ નથી આપતું. સીટ પર પહેલેથી જ ઢળેલી પોપ-કોર્ન એ એક ઉદાહરણ આપી શકાય.

તો રીવ્યુ?

ગોથમ શહેરમાં હવે શાંતિથી અને છેલ્લા આઠ વર્ષોથી બેટમેન દેખાતો નથી. હાર્વે ડેન્ટની યાદમાં ડેન્ટ દિવસ મનાવાય છે. બ્રુસ વેઇન હવે એકલવાયું જીવન ગુજારે છે અને ડેન્ટ દિવસ પર મેઇડ તેની તિજોરીમાંથી ચોરી કરે છે અને સાથે જ એક પછી એક ઘટનાઓની શરુઆત થાય છે. સ્ટોક માર્કેટમાં એટેક થાય છે, વેઇન કોર્પોરેશન પર ડેગેટ કબ્જો કરવાનો પ્રયત્ન કરે છે, પણ બેન – જેને ડેગેટે આ કામ માટે રોક્યો છે તેનો પ્લાન કંઇક અલગ છે. ગોથમની તબાહીની શરુઆત થાય છે. હવે કેટવુમન પણ આ મુવીમાં દેખાય છે. આ બેન કોણ છે અને ફિલ્મનો અસલી વિલન કોણ છે, તે રોમાંચક સ્ટોરી છે. એક મહત્વના ભાગનું શૂટિંગ ક્યાંક રાજસ્થાનમાં થયું છે. વેલ, ડાર્ક નાઇટની જેમ આ મુવી વારંવાર જોવાનું મન થાય તેમ છે. બેટમેનની નવી ઉડતી ‘બેટ’ કાર સરસ છે, વત્તા આગલા મુવીની જેમ અલ્ટિમેટ વિટ્ટી ડાયલોગ્સ તો ખરા જ.

અને, આ થિએટરમાં મુવીના સબટાઇટલ્સ બતાવવાની પરંપરા ક્યારથી શરુ થઇ??

રેટિંગ: ૯.૯/૧૦.

અપડેટ્સ – ૫૩

* છેલ્લા કેટલાય દિવસથી રનિંગ પ્રોગ્રામ લગભગ પડતો મૂકાયા પછી આજે સરસ ૦.૮૫+૧૫.૧૧+૨.૦ કિમી દોડાયું. સમય જોવામાં ન આવ્યો કારણ કે, વાતાવરણમાં રહેલા ભેજ વત્તા તાજેતરમાં નંખાવેલા નવાં બે સરસ મજાના દાંતમાં દુખાવો થવા લાગ્યો એટલે વચ્ચે થોડો સમય તો ચાલ્યો. એવોય વિચાર આવ્યો કે પ્રેક્ટિસ ડ્રોપ કરી ઘરે જઈને આરામ કરું પણ, છેવટે ડેલ કાર્નેગીને યાદ કરી રેસ પૂરી કરી 😉

મંગળવારે નવાં રનર્સ માટે ટ્રેઈનિંગનો કાર્યક્રમ ADR તરફથી રાખવાનું પ્લાનિંગ છે, વધુ અપડેટ્સ મળશે તો અલગથી પોસ્ટ અથવા અહીં અપડેટ કરીશ.

* ગઈકાલે એક સરસ ઓરિગામી સાઈટ મળી: en.origami-club.com (થેન્ક્સ ટુ ભૌમિક). અમને તો પેંગ્વિન, હાર્ટ અને ચામાચિડીયું ગમ્યું. આજ-કાલમાં અખતરો કરવામાં આવશે. કવિનને પણ મજા આવશે. અત્યારે તેના માટે અરવિંદ ગુપ્તાની Quick Activities નામનું પુસ્તક લીધું છે જેમાંથી અને થોડા પ્રયત્નો કરીશું. કવિનને એમાં થોડો રસ પડ્યો હોય એમ લાગે છે.

* અને હવે, ડાર્ક નાઇટ રાઇઝીસની કાગડોળે રાહ જોવાઈ રહી છે..

બેટમેન

* કવિનને આજે અમે બેટમેન બનાવ્યો હતો. કવિનની સ્કૂલમાં ફેન્સી ડ્રેસ (ઉર્ફે વેશભૂષા સ્પર્ધા) કોમ્પિટિશનની હતી. દર વખતની જેમ અમે દ્વિધામાં હતા કે આ વખતે શું કરવું (સૌ પહેલી વખત તેને પેંગ્વિન બનાવેલો :)). થોડા સમય પહેલાં ધ ડાર્ક નાઈટ મુવી ફરી જોયું ત્યારે મનમાં રહેલો બેટમેન પ્રેમ ફરી ઉદ્ભવ્યો અને નક્કી કર્યું કે કવિનને બેટમેન બનાવવો. બેટમેન કેવી રીતે બન્યો એ ચિત્રોમાં અહીં જોઈ શકાશે 🙂

અને, ફાઈનલ બેટમેન.