મારા લોકડાઉન અપડેટ્સ – ૬

એમ તો ટેકનિકલી લોકડાઉન નથી, પણ અમે લોક્ડ છીએ. એટલે કે અર્થહીન રખડપટ્ટી નથી કરી રહ્યા અને હજુ પણ ઘરમાં જ વર્ચ્યુઅલ રાઇડિંગ કરીએ છીએ.

ગુગલ ફોટોસ, ફેસબૂક, જીમેલ, વર્ડપ્રેસ – આ બધાંએ ચૂપચાપ પોતાની ડિઝાઇન અને વર્કફ્લો બદલ્યો અને અમે હજુ તેમાં ફાંફા મારીએ છીએ. ખાસ કરીને ગુગલ ફોટોસ વાળાએ ફોટા ક્યાં ગયા તે શોધવું અઘરું કર્યું છે.

નવાં નોઇઝ કેન્સલેશન હેડફોન (સોની WH-CH700N) લેવામાં આવ્યા છે, જે હજુ લિનક્સ જોડે કામ કરતાં નથી. થોડો પ્રયત્ન કર્યો છે, પણ સફળતા મળી નથી. આ ગાઢ પ્રયત્નમાં સફળ થયા પછી તેના પર વ્યવસ્થિત રીતે હાઉ-ટુ લખવામાં આવશે.

પુસ્તકોમાં જોઇએ તો વાત-વાતમાં પ્રિમા અને કુનાલ જોડે વાત નીકળી અને પેલું ભેદી ટાપુ પુસ્તક મંગાવ્યું અને પછી ખબર પડી કે આ પણ જે જોઇતું હતું તે ભાષાંતર તો (મૂળશંકર મો. ભટ્ટનું) નથી. લો. વેલ, વધુ માહિતી માટે મારી પેલી સાહસિકોની સૃષ્ટિ પોસ્ટ અને તેની કોમેન્ટ્સ વાંચશો તો મજા પડી જશે. (જો મને આ યાદ હોત તો આ એકસ્ટ્રા શોપિંગ ન થાત ;)) પણ, આ ભેદી ટાપુઓ (દા.ત. હાલમાં વાટોપિયા) જીવનમાં ફરી-ફરીને આવતો જ રહે છે!

પુસ્તક: સાહસિકોની સૃષ્ટિ

* એટલે કે, ‘ભેદી ટાપુ’ અથવા The Mysterious Island. છેલ્લી પોસ્ટમાં આવેલી અફલાતૂન કોમેન્ટ્સને કારણે પહેલા તો ખબર પડી કે, ૧. પુસ્તકનું લેટેસ્ટ ગુજરાતી નામ શું છે (ભેદી ટાપુ મને તો સારુ લાગેલું, છતાંય લેખકને ગમ્યું તે ખરું) અને, ૨. તે ફ્લિપકાર્ટપર પ્રાપ્ત છે. પરમ દિવસે ઉઠ્યા પછી પહેલું કામ તેનો ઓર્ડર આપવાનું કર્યું અને કાલે બપોરે તો બીજા પુસ્તકોની જોડે આવી પણ ગયું અને અને પછી રાત્રે, આજે સવારે-બપોરે વાંચી કાઢવામાં આવ્યું. અનુવાદ ખરેખર સરસ છે, કારણ કે કિન્ડલમાં અત્યારે તેની અંગ્રેજી આવૃત્તિ વાંચી રહ્યો છું. ગુજરાતી અનુવાદ જોકે સંક્ષેપ કરેલો છે, એટલે ઘણી વખત ઘટનાઓ જલ્દી જલ્દી બનતી લાગે છે. છતાંય, ક્યાંય સળંગતાનો ભંગ થતો લાગતો નથી. વાર્તા જેને ખબર છે એના માટે લખતો નથી અને જેને નથી ખબર તેને આ પુસ્તક વાંચવું જ જોઈએ. કેટલાકને વળી તેમાંથી રાષ્ટ્રવાદની ગંધ આવશે તો કેટલાકને થશે કે આટલા બધાં પશુ-પંખીઓનો શિકાર? ટાપુના રહેવાસીઓ શુધ્ધ શાકાહારી હોત તો વાર્તા કેવી હોત? એવો કાતિલ વિચાર પણ આવેલો 😉 જે હોય તે પણ, જૂલે વર્નને ન વાંચ્યો હોય અને ‘મોટા’ થયા હોય તો જીવનમાં કર્યું શું? 😉 તેમ છતાંય, પેલું ‘ભેદી ટાપુ’ વાળું ભાષાંતર મને મળ્યું હોત તો વધુ આનંદ થાત, કારણ કે, એ પુસ્તક એ જૂનાં દિવસોની ખાસ યાદગીરી છે. પુસ્તકના મને ગમેલા સંવાદો:

મનુષ્યની નિશાની ન દેખાવાથી ખલાસીને એક રીતે શાંતિ થઈ; કારણ કે આવી જગ્યાએ જો માણસ હોત તો તે પશુથી પણ વધારે ભયંકર હોત એમાં એને શંકા નહોતી. બસ! હવે તું માણસ બન્યો, કારણ કે તને રોવાની ખબર પડી.

અને હા, આ ગુજરાતી આવૃત્તિમાં ખાટલે મોટી ખોડ શું છે? ખબર છે? તેનું મુખપૃષ્ઠ. આ જુઓ. ખબર પડી? પુસ્તકમાં કોઈ હીરોઈન કે સ્ત્રી પાત્ર છે જ નહી. કફ, કફ. છતાંય, યંગ એડલ્ટ્સને મોહિત કરવા માટેની પ્રકાશનની કોઈ ચાલ લાગે છે 🙂

અપડેટ્સ – ૪૬

* રવિવારે ૧૫ કિમી (~ ૧૪.૫૫ જો GPSનું માનીએ તો!) દોડવાનું આયોજન ADR તરફથી હતું. દોડાયું અને મજા આવી. બપોરે થાકીને સરસ ઊંઘ આવી તે એકસ્ટ્રા ફાયદો. ADR ની સરસ મજાની ટી-શર્ટ મળી.

* કેવી રીતે જઈશ.. ના ગીતો ડાઉનલોડ માટે પ્રાપ્ત છે. જુઓ: http://keviritejaish.com/index1200.html સાઇટ પણ સરસ મજાની છે. વેલ ડન!

તેના મ્યુઝિક લોન્ચમાં ન જઈ શક્યો. અમારે ‘ત્રણ દરવાજા’ જવાનો કાર્યક્રમ હતો, જે સફળ રહ્યો. વર્ષો પછી એ રસ્તા પર કંઈક ખરીદી માટે ગયા. કવિનને લઈને તો પહેલી વાર ત્યાં ગયા. ફ્રુટ્સ, શરબત અને કેકની સામગ્રીઓની ખરીદી કરવામાં આવી 🙂

* કોઈને ‘ભેદી ટાપુ’ (The mysterious island – Jules Verne નો ગુજરાતી અનુવાદ) પ્રાપ્ત છે? આ પુસ્તક સ્કૂલમાં હતો ત્યારે ૨૦ થી ૨૫ વખત વાંચ્યું હશે, પણ હવે પાછી ફરી એકવાર વાંચવાની ઈચ્છા છે. છે કોઈ? 🙂 નહિતર પછી છેવટે, અંગ્રેજીમાં વાંચવાનો વિકલ્પ તો છે જ.