અપડેટ્સ – ૨૨૪: મિત્રો!

* થોડા દિવસ પહેલાં નક્કી થયું કે બધાં મિત્રો મળીએ અને અમે મળ્યા સુરતમાં. સુરતનું જમણ પ્રખ્યાત એટલે વજનમાં ૨ કિલોનો ધરખમ વધારો થયો (કોકો, ચીઝ સેન્ડવિચ, લોચો, ખમણી, રતાળુ-ટામેટાના ભજિયાઓ, સોસિયો અને ઘણું બધું!). કવિને મન ભરીને તેના નવા અને જૂનાં મિત્રો જોડે મસ્તી કાઢીને મન ભરીને મોબાઇલ પણ મચડ્યો. અમે મન ભરીને વાતો કરી અને મારી ક્ષમતા કરતા વધારે સુધી મોડા સુધી જાગ્યો અને અપવાદ રૂપે મોડો-મોડો ઉઠ્યો અને જરા પણ ન દોડ્યો 🙂 કોઇ વખત આમ કરવું એ મન-મગજ માટે સારું છે!

અપડેટ્સ – ૨૧૧: અમદાવાદ!

સવારે વહેલી ફરી પાછો એસ.ટી. પકડીને અમદાવાદમાં ઇન્કમ ટેક્સ પર ઉતર્યો ત્યારે મેટ્રોનું કામકાજ જોઇને આનંદ થયો. હવે ત્યાંથી મારે પેલી ગુમ થયેલી બેંકની તપાસ કરવાની હતી. મારી ૨૦૦૯-૧૨ની યાદશક્તિ ઢંઢોળી અને પાસબૂક પરથી હું સાચા સ્થળે પહોંચ્યો પણ ત્યાં તો “જગ્યા ભાડે આપવાની છે” એવું પાટિયું લટકતું હતું. મને થયું SBI જેવી બેંક બંધ થઇ જાય એવા સમાચાર મેં કેવી રીતે મિસ કર્યા? પછી એક ટ્રાય સામેની બ્રાંચમાં કરીએ એવો વિચાર આવ્યો અને ત્યાં પહોંચીને ખબર પડીકે એ બ્રાંચ તો ક્યાંક નજીકમાં જ ખસેડાઇ છે. ઓકે. ગુડ. ત્યાં પહોંચી ગયો. ચૂંટણીને કારણે લગભગ અડધા કર્મચારીઓ નિષ્ક્રિય લાગ્યા પણ મારું ૧૦ ટકા કામ થયું. કોઇ અજ્ઞાત મેડમ રજા પર છે એવો સ્ટાન્ડર્ડ જવાબ સાંભળવા મળ્યો અને પછી હું ત્યાંથી આગળ શું કરવું તે વિચારતો બહાર નીકળ્યો.

પહેલું કામ તો જેકેટ બેગમાં મૂક્યું. વેલકમ ટુ અમદાવાદ! પછી અમારા સાયકલ મિત્ર નિસર્ગભાઇને ફોન કર્યો અને તેમની ઓફિસ નજીકમાં જ હોવાથી ક્રોસવર્ડ મીઠાખળીમાં મળવાનું નક્કી કર્યું. આ ક્રોસવર્ડ આપણી ફેવરિટ. ત્યાં પેલી કોફી શોપ પણ સારી. નિસર્ગભાઇ જોડે કરેલી ૪૦૦ બી.આર.એમ.નો એમનો મેડલ મારી જોડે હતો તે તેમને સુપરત કર્યો અને પછી થોડી પેટ-પૂજા કરવામાં આવી.

નિસર્ગભાઇ જોડે સાયકલિંગ અને ગુજરાતમાં સાયકલિંગ પર બહુ વાતો કરી. હું તો નવરો હતો પણ તેઓ વ્યસ્ત હતા એટલે તેમને વિદાય આપી હું ક્રોસવર્ડમાં ગયો અને ત્યાં જઇને જોઉં તો ગુજરાતી વિભાગ થોડો મોટો બન્યો હતો અને ત્યાં કાઝલ ઓઝા વૈદ્યનું એકચક્રી સામ્રાજ્ય હોય એમ લાગ્યું. વચ્ચે વચ્ચે બીજા લેખકો ઝળકી રહ્યા હતા અને ત્યાં નજરે ચડ્યા – બક્ષી!

IMG_20171215_140116

પ્રવીણ પ્રકાશને બક્ષીબાબુના થોડા પુસ્તકો ફરી પ્રકાશિત કર્યા છે. એ માટે તેમનો ધન્યવાદ. મને જાતકકથા નવલ મળી ગઇ (અને હાલમાં તે વાંચી રહ્યો છું, તેનો રીવ્યુ પછીની પોસ્ટમાં!). ક્રોસવર્ડમાં હવે પુસ્તકો પછી સ્ટેશનરીનો માહોલ છે. તેમાં કંઇ લેવા જેવું ન લાગ્યું એટલે થોડો ટાઇમપાસ કરીને નીકળી ગયો. હા, ક્રોસવર્ડમાં “ચન્દ્રકાંત” જેવો જોડણીદોષ ખૂંચ્યો અને જેમ દર વખતે હોય છે તેમ ગુજરાત વિરોધી પુસ્તકો ડિસપ્લે પર ખાસ દેખાય તેમ મૂકવામાં આવ્યા હતા. નોર્મલ છે!

ત્યાંથી નીકળીને ઇશિતાને મળવા માટે પકવાન ચાર રસ્તા જવાનું હતું. ત્યાં ફાલાસિન કે ફાલાસી જેવું નામ ધરાવતા જ્યુશ કાફેમાં બેઠાં-બેઠાં ગપ્પાં માર્યા. જગ્યા સરસ છે. તેની ત્રણ સ્તર વાળી સેન્ડવિચ પણ સરસ હતી.

ત્યાંથી ઉપરના નકશામાં બતાવ્યું તેમ પકવાનથી પાન ખાઇને નક્કી કર્યું કે સંદિપનો જો ફોન ન આવે તો ચાલીને કાલુપુર સ્ટેશન જવું. કુલ અંતર લગભગ ૯.૫ કિમી હતું જે ૨ કલાક જેવું લાગે તેમ હતું. બરોબર. ૩.૫ કિમી ચાલ્યો ત્યારે સંદિપ મિટિંગમાંથી ફ્રી થયો અને અમે સહજાનંદ આગળ મળવાનું નક્કી કર્યું અને મળ્યા. છેવટે એક સરસ ચીઝ વડાપાંવ અને સેન્ડવિચ ખાધી. ત્યાંથી તેના ઘરે થઇને તેના દીકરા રીષિને લઇને તે મને કાલુપુર મૂકવા આવ્યો. દુર્ભાગ્યે ટ્રાફિક વધુ હતો એટલે કવિન માટે દોરી-ફીરકી લઇ શકાઇ નહી. આ વખતે લોકશક્તિમાં લોકોનો ત્રાસ હતો નહી અને થર્ડ એસીના કારણે ઠંડી-પવન પણ લાગવાના ન હતા એટલે આરામથી સૂઇ ગયો. સવારે ઘરે પહોંચ્યો ત્યારે એકસાથે બે દિવસનો થાક દેખાયો જે પછી રવિવારની રાઇડ પર પડવાનો હતો એમ લાગ્યું.

તો આ પોસ્ટ પૂરી. અને હા, કાલે ૧૮ ડિસેમ્બર – યાદ છે? ચૂંટણી પરિણામો 😀

ફ્રેન્ડ રિકવેસ્ટ

* એમાં થયું એવું કે પીપલ યુ મે નૉમાં ભૂલથી ક્યાંક ક્લિક થઇ ગયું અને એક ભાઇને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલાઇ ગઇ (એવું હું માનું છું, કારણ કે મને પોતાને ખબર નથી એ આમ કેમ બન્યું!). હવે તેમણે રિકવેસ્ટ ઉર્ફે વિનંતી સ્વિકારી પણ લીધી અને તેનું નોટિફિકેશન આવ્યું ત્યારે ખબર પડી. અરે! આ કોણ છે? કોઇ પણ ઓળખીતા કે મ્યુચ્યલ મિત્રો પણ નહી. ગજબ છે. ગમે તેને સ્વિકારી લેવાના?

તેમને કાઢ્યા પછી! 😉

અપડેટ્સ – ૧૭૦

* હવે પેલી ચશ્માની પોસ્ટ પછી એવું થયું કે મારું કેડીઇ કોઇક ઇન્ટેલના ડ્રાઇવરને કારણે પ્લાઝમાને ગમ્યું નહી અને હું પાછો ઓસમ વિન્ડો મેનેજર પર આવ્યો. ખરાબ, અતિશય ખરાબ. કારણ? નવું ઓસમ વિન્ડો મેનેજર મારી જૂની config ફાઇલને ગમ્યું નહી એટલે ફરીથી એકડો ધૂંટવાનો આવ્યો છે.

* વાતોવાતોમાં એક વાત તો રહી ગઇ. સાન ફ્રાન્સિસ્કોની અત્યંત ટૂંકી મુલાકાત દરમિયાન બ્લોગક્વિન અને મિત્ર પ્રિમાને પહેલી વાર મળવાનું થયું. વાતોના વડાં અને સરસ ડિનર.

* આગલા થોડા મહિના શાંતિ છે. ક્યાંય ટ્રાવેલ નથી. પણ દરેક મુસાફરી કંઇ નવું શીખવે છે એ વાત અલગ છે. લોકલ (ના. મુંબઇ વાળી નહી) ટ્રાવેલ ઝિંદાબાદ.

* વરસાદ હજી ચાલુ છે.

* અન હા, કવિનની આવતું મરાઠી જોઇએ એક મરાઠી ડિક્સનરી લેવામાં આવી છે. હાલમાં તો મારું મરાઠી માગે-પુઢે સુધી જ મર્યાદિત છે.

છેલ્લી અપડેટ્સ! (#૯૩)

* છેલ્લી અપડેટ્સની પોસ્ટ તમે પચાવી જજો, ઓ બ્લોગજનો!

એટલિસ્ટ, પાંચેક દિવસ પૂરતી. કારણ એટલું જ કે આ પાંચ દિવસમાં લાંબી મુસાફરી કરવામાં આવશે, લગ્નમાં હાજરી આપવામાં આવશે અને વચ્ચે-વચ્ચે ઓફિસનું કામકાજ કરવામાં આવશે. ત્યાર પછી, એવું દેખાય છે કે મિટિંગોની ભરમાર છે (NB: પ્રભુ, તારી મહિમા અપરંપાર છે!) અને સાથે-સાથે કવિનના પરાક્રમોની લંગાર પણ છે (ie નવી સ્કૂલ, નવું સત્ર, નવાં પેન્સિલ-રબર વગેરે વગેરે).

* છેલ્લાં દસેક દિવસ મમ્મીને ત્યાં હતો અને વચ્ચે સમ્યકે મુંબઇ મુલાકાત લીધી, ત્યારે અમે એક-દોઢ દિવસ માટે ઘરે હતા. સમ્યક પાસેથી ઘણું શીખવા મળ્યું છે. તેનો એક સરસ પ્રોજેક્ટ છાપકામ જોવા જેવો છે, અને તમે તેમાં તમારો કોડ-ફાળો આપી શકો છો, એ કહેવાની જરુર છે? 🙂

રવિવારે નિરવ (પંચાલ) જોડે મુલાકાત થઇ અને ઓબેરોય મોલનાં ફૂડકોર્ટમાં બેસીને ગપ્પાં માર્યા (અને નેચરલનો કાલાજામુન આઇસક્રીમ ખાધો).

* રવિવારે નવી-નવી સાયકલનો બીજો એક ટેસ્ટ કરવામાં આવ્યો. રાત્રે ૯.૩૦ એ શરુઆત કરી અને ૧૨.૦૦ સુધીમાં દહિંસર-થી-સાંતાક્રુઝની નાનકડી (૫૦ કિમી) રાઇડ કરી. સાથે ગૌરવ હતો, જે મારા કરતાં અનુભવી સાયકલિસ્ટ છે, એટલે તેણે ગીઅર્સ-શિફટર્સ અંગે થોડી ટિપ્સ આપી.

* ઓવરઓલ, દિવસો આરામમાં ગયા છે, સિવાય કે સવાર કે સાંજની કસરત.

અપડેટ્સ – ૬૪

* આજે પિનલભાઇ (http://blog.sqlauthority.com/ ફેમ) ને મળવાનું થયું. અમદાવાદમાં રહેવા છતાંય અમારી ક્યારેય રુબરુ મુલાકાત થયેલ નહી (મારી જ ભૂલ, આળસ જે ગણો તે!) અને અહીં છેક બેંગ્લુરુમાં આવીને મળ્યા! મારા કરતાં એકદમ અલગ જ બેકગ્રાઉન્ડ ધરાવતા હોવા છતાં અને માત્ર નેટ પર જ વાત-ચીત થયેલ હોવા છતાં તેમને પહેલી વાર મળીને વર્ષોથી ઓળખુ છું એમ લાગ્યું. ઓફિસથી એક પી.જી.ની જગ્યા જોઇને તેમનાં ઘરે ગયો અને થોડી વાતો-ગપ્પાં મારી (સરસ કોફી પીધા પછી!) અને ‘રાજધાની’ માં ગુજરાતી થાળીનો ટેસ્ટ કર્યો. સરસ ફૂડ. પેલો ગોરધન થાળ કે રજવાડાં જેવો પરાણે જમવાનો આગ્રહ નહી વત્તા ફૂડ પણ સારું એટલે વધારે મજા આવી. એથીય વધુ મજા પિનલભાઇ, નૂપુરબહેન અને નાનકડી શેૈવી જોડે આવી એ કહેવાની જરુર છે? પિનલભાઇ જેવા મિત્રો છે તો અહીં એકલા રહેવાનો ટેમ્પો રહેશે, બાકી ચાર-સાડા ચાર વર્ષ કવિન જોડે રહીને કાનમાં ગૂંજતો એનો અવાજ સાંભળવાની જે આદત પડી ગઇ છે એ એમ કંઇ તરત જાય? 🙂

* ભૂલી ગયેલ વસ્તુઓમાંથી સૌથી વધુ ખોટ પડી – છત્રીની. બેંગ્લુરુનું વાતાવરણ વિચિત્ર છે. બે દિવસ પહેલા સવારે અચાનક વરસાદ પડી ગયો ને મારા એકમાત્ર લેધરના શૂઝની વાટ લગાડતો ગયો. બાકીની ભૂલી જવાયેલી વસ્તુ લઇ લેવાઇ છે – કપડાં ધોવાનો બ્રશ (:(), ઉલીયું અને નાસ્તો. અહીં કેળા સારા મળે છે, એટલે બહુ ખાધા અને અત્યારે વાતાવરણમાં ઠંડક હોવાથી ગળામાં સરસ મજાનો કફ થયેલ છે. હાક થૂ.. 😉

* અત્યારે દરરોજ રાત્રે સૌથી મસ્ત ટાઇમપાસ થાય છે: https://kartikm.wordpress.com/?random વડે 🙂

મુંબઇ અપડેટ ૩

.. પોસ્ટ મોડી પડી. પણ, મુંબઇના અપડેટ અમદાવાદની કડકડતી ઠંડીમાં.

* ૨૯મી એ કૃનાલ, કૃતિ અને રઝાને બોરીવલી ખાતે Daffodils 23 નામની રેસ્ટોરાંમાં મળ્યાં. કોઈ જગ્યા મળતી નહોતી (અને, એ લોકો છેક વિરારથી આવવાના હતા) એટલે છેવટે ગૌરવ પર ભરોસો રાખી અહીં ગયા અને ભરોસો સાચો પડ્યો. આ જગ્યાની ખાસિયત એ કે વેજ વત્તા વાઈન. ન્યૂ યર પાર્ટીની કસર અહીં પૂરી કરવામાં આવી એ પહેલાં થોડો સમય હતો ત્યારે મોક્ષ મોલ-અનુપમમાં આંટો માર્યો અને શોપિંગ કીડા સળવળી ઉઠ્યા. 😀

* આ વીકમાં સારું એવું રનિંગ વત્તા વોકિંગ થયું. મુંબઇની ઠંડી ઝીંદાબાદ!

* શુક્રવારે અલમોસ્ટ આરામ. નજીકના એક બીજા ગાર્ડનની મુલાકાત લીધી. જોગિંગ ટ્રેક જોઈને થોડું વોકિંગ.

* મોડી રાત્રે ગૌરવને મળ્યો અને તેના કાવાસાકી નિન્જા બાઈકને પણ મળ્યો.

* શતાબ્દીમાં હવે એકસરખું ફૂડ ખાઈને કંટાળ્યા. આવી ઠંડીમાં પેલાં જમ્પિનના ટ્રેટાપેક કેમ આપતા હશે તે ખબર નથી પડતી. જતી વખતે તો અમે ન-તોડી-શકાય તેવી રોટલી-પરોઠા ખાવા કરતાં ઘરેથી રોટલીઓ પેક કરીને લઈ ગયેલા, વળતી વખતે ભૂલી ગયા અને દહીં-ભાત ખાઈને વર્ષનું છેલ્લું લંચ લીધું.

આજનો સુવિચાર

વારંવાર મિત્રતાની દુહાઈ દેતા મિત્રો(?)થી દૂર રહેવું. kthnxbye.

વરસાદ, વોટરપાર્ક અને વીક-એન્ડ

* વરસાદ સરસ છે, આપણને બીજું શું જોઈએ?

* શનિવારે વિનયનો મેસેજ (એ પહેલા મિસકોલ, કારણ કે અમે આરામથી ઊંઘ્યા હતા) આવ્યો કે વોટરપાર્ક (શંકુસ, મહેસાણા હાઈવે) આવવું છે? અમે ક્યારેય સપરિવાર કોઈ જ વોટરપાર્કમાં ગયેલા નહી એટલે આ મોકો ઝડપ્યો અને વિનયની નવી કારમાં બેસવાનો મોકો પણ મળી ગયો 🙂 સવારે ૯.૩૦ જેવા નીકળ્યા. પાલનપુરથી અનિલ-પરેશ અને રાજુ પણ આવવાના હતા એટલે બધી બચ્ચાંપાર્ટીઓ ભેગી થઈને બરાબર મસ્તી કાઢે તે શક્યતા હતી જે સાચી નીવડી અને બધાંએ મન મૂકીને પાણી અને વરસાદનો ફાયદો ઉઠાવ્યો. કેમેરા લઈ ગયેલો, પણ ત્યાં બહારના કેમેરાની મનાઈ હતી એટલે બિચારો ગાડીમાં જ પડ્યો રહ્યો. જોકે ત્યાં ૨ ફોટા પડાવ્યા ખરા, જે પછી ક્યારેક સ્કેન કરીને મૂકીશ. પાછાં આવતા લગભગ ૬ વાગી ગયા અને જ્યારે મોબાઈલ લોકરમાંથી બહાર કાઢ્યો ત્યારે કુલ મળીને લોકોના ૨૫ મિસકોલ હતાં! હું કેટલો અગત્યનો છું એ આજે જ ખબર પડી…

* આજ-કાલ નક્કી કર્યું છે કે વીક-એન્ડમાં ઓફિસનું કંઈ કામ ન કરવું. પણ, મોટાભાગે ઘરેથી કામ કરવાની વસ્તુ એવી વિચિત્ર હોય કે તમે ન ઈચ્છતા હોવા છતાં આખું અઠવાડિયું ઓફિસ ચાલુ હોય એમ લાગે (ફાયદો એ કે આખું અઠવાડિયું રવિવાર છે એવું પણ લાગે!!). એટલિસ્ટ, IRC માં તો લોગ-ઈન થવાનું થઈ જ જાય અને ઓફિસનું કોઈ કામ યાદ આવી જાય. છેવટે આ માટે, એક સ્ક્રિપ્ટ બનાવી જે ક્રોનજોબ વડે નક્કી કરે કે આજે કયો વાર છે અને તે પ્રમાણે જે ઓફિસ સિવાયની ચેનલ્સમાં લોગ-ઈન કરે. આવું જ હવે, બ્રાઉઝર (ફાયરફોક્સ) માટે બનાવવાનો વિચાર છે.

ગાઢ મિત્રો

* ગઈકાલે રાત્રે મારો મિત્ર હિરેન ઘરે આવ્યો અને તેનો દિકરો – હેત અને કવિન ઘણાં વખતે મળ્યાં. મળ્યાં તો ખરાં પણ લડ્યાં પણ. છેલ્લે, બન્ને જણનો પ્રેમભર્યો પોઝ પણ લીધો 🙂

કવિન અને હેત - ગાઢ મિત્રો..

અપડેટ્સ

* કવિનને કાલે સ્કૂલમાં ક્રિસમસ પાર્ટી છે. અને, પછી ક્રિસમસ વેકેશન. ઓહ, નો.
* જન્મેશ – અમારો કોલેજ મિત્ર – ગઈકાલે બે વર્ષ પછી મળ્યો. કોલેજની ખાસિયતો, ફેકલ્ટી, મિત્રો અને મિત્રાણીઓને યાદ કરવાની મજા આવી.
* ઠંડી સરસ છે, ત્રણ દિવસથી ઘરમાં જ છું. અને ક્રિસમસની પાર્ટી વગેરેનો કોઈ પ્લાન નથી. થોડી ખરીદી વગેરે બાકી છે, જે નજીકમાંથી જ પતાવવામાં આવશે. લાગે છે કે ઊનનાં પગમોજાં લેવા પડશે.
* ઘણાં સમય પછી આંબળા ખાધા!
* સ્કાઈપે ગઈકાલે-આજે ડાઉન છે.

પાલનપુરની મુલાકાત..

* ગઈકાલે ઘણાં સમય પછી પાલનપુર જઈ આવ્યો. દુર્ભાગ્યે, જવું પડ્યું એ પ્રસંગ સારો નહોતો. (અ)મારા ખાસ મિત્ર મનીષનાં પિતાજીનું અવસાન થયું. તારાચંદ કાકા એટલે એકદમ મજાકી, હસમુખા માણસ. હજીય માની શકતો કે આમ બની શકે છે.

દરેક મધ્યમ કદનાં શહેરની જેમ પાલનપુર પર ઘણું બદલાઈ ગયેલ છે. યુ.એસ. પીઝા દેખાયા અને મિત્રોની નવી દુકાનો બની ગઈ છે. માથામાં ધોળા વાળ દેખાય છે, અને દરેક મિત્રને એકાદ-બે ટેણિયાં છે. બધા મોટાભાગે સેટ થઈ ગયા છે. હવે દર ૧૦૦ મીટરે એક ઓળખીતું મળતું નથી. અને, મળે તો ઓળખાતું નથી.

અને, આ જ તો જીવન છે.

 

૪૨૦ મિત્રો અને ફ્રેન્ડશીપ ડે

* ઓરકુટમાં ૪૨૦ મિત્રો!

અને હા, બધાને હેપ્પી ફ્રેન્ડશીપ ડે (એડવાન્સમાં!)..

મેસેન્જર્સમાં મિત્રો

* સ્કૂલમાં હતા ત્યારે મિત્રોનાં બે પ્રકાર હતા:
૧. સ્કૂલ ફ્રેન્ડ્સ,
૨. ઘરની આજુબાજુની ટોળી.

હવે, મિત્રોનાં પ્રકારો આ પ્રમાણે થાય છે:
૧. ઓફિસનાં મિત્રો,
૨. ઓરકુટનાં મિત્રો,
૩. ફેસબુકનાં મિત્રો,
૪. યાહૂ મિત્રો,
૫. જીમેલ મિત્રો,
૬. કોલેજ મિત્રો,
૭. જુનાં મિત્રો,
૮. અજાણ્યાં મિત્રો,
૯. ન મળેલાં મિત્રો,
૧૦. હોસ્ટેલ મિત્રો,
૧૧. બ્લોગ મિત્રો,
૧૨. ડેબિયન મિત્રો,
૧૩. ફોસ મિત્રો વગેરે.

🙂

હવે બેંગ્લુરૂમાં…

* ગઇકાલે રાત્રે (૨૨ કલાકનાં પ્રવાસ પછી..) બેંગ્લુરૂમાં આવ્યો. એટલેકે આવતા બે મહિના સુધી કવિન અને કે ને મળીશ નહી 😦 બીજો પ્રોબ્લેમ એ થશે કે અહીં ગુજરાતી બોલવા-સાંભળવા બહુ ઓછું મળશે. હા, ફોન, ઇમેલ, બ્લોગ્સ, સમાચારપત્રો, વેબ વગેરે તો છે જ..

અત્યાર સુધી તો બધું સરસ છે. સરસ મજાનાં મિત્રો છે. સરસ મજાની ઓફિસ છે. બાજુમાં સીસીડી છે અને સામે ગર્લ્સ કોલેજ છે 😛