અપકમિંગ ઘટનાઓ

ડેબકોન્ફમાંથી પાછા આવીને હવે ઓગસ્ટ-સપ્ટેમ્બર હર્યો ભર્યો રહેશે. અહીંનું તાપમાન વિચિત્ર છે એટલે દોડવાનું કંઇ ખાસ થયું નહી. હા, ચાલવાનું બહુ થયું. કારણ કે, એક જ કેમ્પસમાં હોવા છતાં કોન્ફરન્સ, જમવાનું (બ્રેકફાસ્ટ-લંચ-ડિનર) માટે અલગ જવાનું અને ઊંઘવા માટે રુમ પણ અલગ. એટલે લગભગ ૯-૧૦ કિમી દરરોજ એમાં જ થઇ જતા!

ઓગસ્ટ

* મુંબઈ અલ્ટ્રા – જ્યાંથી મને લાંબુ દોડવાનો ચેપ લાગ્યો હતો. ૨૦૧૪, ૨૦૧૫ અને ૨૦૧૬માં ૧૨ કલાક દોડ્યો હતો, તેમાં પણ ૨૦૧૬ વખતે થોડું સાહસ કરેલું.

* ૪૦૦ બીઆરએમ – વાર્મ અપ રાઇડ!

સપ્ટેમ્બર

* ૧૦૦૦ બીઆરએમ – સરળ રસ્તો પણ ઊંઘ અને લાંબું અંતર – મુશ્કેલ છે, પણ થઇ જશે!

* ૨૦૦ બીઆરએમ – રીકવરી રાઇડ!

* ૧૦ કિમી – રનિંગ રેસ

ઓક્ટોબર

* આરામ અથવા પછી કંઇ નવું શોધી કાઢવામાં આવશે!!

PS: મુંબઈ મેરેથોન – ફુલ મેરેથોન આ વખતે તૈયારી સાથે કરવામાં આવશે \0/

અપડેટ્સ – ૨૧૩

* વેકેશનમાં સ્ટાર વોર્સ જોવામાં આવ્યું. એકંદરે સારું મુવી. કોઇ રીવ્યુ લખતો નથી, કારણ કે અત્યાર સુધી તો લોકોએ તે જોઇ કાઢ્યું જ હશે. સ્ટાર વોર્સની સાથે-સાથે શોપિંગ પણ થઇ ગઇ અને એ ત્રણ-ચાર દિવસમાં ભેગી કરેલી કેલરી સાયકલિંગ કરીને બાળી પણ કાઢી.

* આજ-કાલ મુંબઈમાં પણ ઠંડી લાગે છે. નવાઈની વાત છે. બે-ત્રણ દિવસથી સાયકલિંગ કરતી વખતે થોડો અનુભવ થાય છે. હવે આવતા સા.ફા. પ્રવાસમાં આવું કંઇ ન અનુભવાય તો સારી વાત છે. ગઇસાલ તો ઠંડીને કારણે દોડવાની બહુ મઝા નહોતી આવી. આ વખતે સાયકલિંગનો પણ પ્લાન છે, પણ એ તો દરવખતે હોય છે 😉

* ઉત્તરાયણની પણ રાહ જોવાય છે. રે નિર્દોષ પક્ષીઓ. સોરી, કબૂતરો!

* હવે પછીની રેસ પણ સાયકલિંગની છે. ના, આ વખતે પણ મુંબઈ મેરેથોન (હવે ટાટા મુંબઈ મેરેથોન) નહી થાય. નવી મુંબઈ હાફ-મેરેથોન કે થાણેની હિરાનંદાની પણ નહી કરવામાં આવે. હા, આપણી ફેવરિટ ૬૦૦ – મહાબળેશ્વર બી.આર.એમ. તો કરીશું જ.

વચ્ચે આવતા પ્રવાસ વત્તા રેસના પ્રવાસોના પાછલાં અનુભવો પરથી હું બોધપાઠ નહી લઉં તો, રેસની પેસ પર અસર પડશે!!

* આજનું ક્રોમ એક્ટેન્શન: હેલ્ધી બ્રાઉઝિંગ

અપડેટ્સ – ૨૧૨: બ બીઆરએમ નો બ – ૬૦૦!

* અહીં લખેલું તેમ ૨ વર્ષથી બાકી રહી ગયેલી પેલી ૬૦૦ કિમી વાળી બી.આર.એમ. પૂરી કરી ખરી. આ વખતે થોડા ઓછા લોકો હતા અને ડિસેમ્બરની શરૂઆતમાં થયેલા એક્સિડેન્ટ પછી સાયકલ એમની એમ પડી રહેલી જે છેક ચાર દિવસ પહેલા જ રીપેર કરાવી? શું હતું રીપેરમાં? એક સ્ક્રૂની જગ્યાએ બીજો સ્ક્રૂ લગાવી દીધો હતો :/ સાયકલ સર્વિસ કરાવીને બી.આર.એમ. કરવી એમ નક્કી કર્યું. આગલા દિવસે કિરણ પાસેથી જેકેટ અને દીપ પાસેથી લાઇટ ઉછીની લીધી, જે બહુ કામમાં આવવાના હતા.

આ વખતે ક્રિસમસની રજા આવતી હોવાથી રવિવારે શરૂઆત હતી. સવારે સમયસર પહોંચી ગયો અને કદાચ પહેલીવાર શરૂઆત ૨૦ મિનિટ મોડી થઇ! શરૂઆતમાં જ જબરો ટ્રાફિક નડ્યો એટલે આરામથી જ સાયકલ ચલાવી, બીજો ડર પેલા કમરના દુખાવાનો પણ ખરો. કસારા ઘાટ પહેલાં નાસ્તો કર્યો. હવે આ નાસ્તા-લંચ-ડિનરની બહુ લમણાઝીંક છે. ઓર્ડર આપોને અડધો કલાકે આવે, એટલે જે તૈયાર મળે તે ખાવું પડે. અને તૈયારમાં વડાપાઉંને ભજિયા જ હોય. આપણને તકલીફ થાય. આખી રાઇડમાં આ તકલીફ પડવાની જ હતી. સદ્ભાગ્યે કોકીએ બનાવેલી ભાખરીઓ જોડે હતી, જેને ઇમરજન્સી ફૂડ તરીકે રાખવામાં આવેલી. યુનિવેદનું જેલ અને એક-બે એનર્જી બાર પણ હતા. કસારા ઘાટથી નાસિક સુધી પણ આરામ જ હતો. તડકો બહુ ન હતો. કસારા ઘાટ પછી ઘાટન દેવીના મંદિર પાસે અમને મહારાષ્ટ્રમાં ૨૩૦૦ કિમીની રાઇડ કરી સાયકલિંગ અંગે જાગૃતિ ફેલાવતા દેવીદાસ અહેર અને પ્રતિભા મળ્યા.

IMG-20171225-WA0016.jpg
કાર્તિક, દેવીદાસ, પ્રતિભા, એક અંકલ જેમનું નામ ભૂલી ગયો, પવન (ફોટોગ્રાફર)

નાસિક પહેલા થોડી ઝડપ કરી. નાસિકથી પણ ફટાફટ નીકળીને ૨૦૦ કિમી સુધી સ્મૂથ રાઇડ થઇ, હા સિવાય કે પેલા દસ-દસ બમ્પ-રમ્બલર્સ. “ભારત બમ્પપ્રધાન દેશ છે”, એ વાક્ય સંપૂર્ણ સાચું છે. હવે એમાં તો મારાથી કંઇ થઇ શકે તેમ ન હતું. ૨૦૦ કિમી પર અંધારુ થવા આવ્યું હતું અને ચાંદવડનો ઘાટ આવ્યો. ચાંદવડ આખા માર્ગ પરનું સૌથી ઉંચું સ્થળ છે, જે અમને રીટર્નમાં નડવાનું હતું.

નાસિક થી ચાંદવડથી અને ત્યાંથી ધુલે ઉર્ફે ધુલિયા વચ્ચે પણ બહુ આરામથી અને એકલા જ રાઇડ કરી. જોકે વચ્ચે પેલું ફેમસ માલેગાંવ આવતું હતું. બધાં રાઇડર્સને ખબર છે કે માલેગાંવમાં રોકાવાનું નહી. ત્યાં કૂતરા-બિલાડાઓનો બહુ ત્રાસ છે! રસ્તામાં તો બીજા કોઇ રાઇડર દેખાયા જ નહી. કદાચ હું સૌથી પહેલો હતો અથવા સૌથી છેલ્લો હતો 😀 જે હોય તે, ધુલે પહોંચીને ગુરુદ્વારામાં આરામ કરવાનો હતો પણ દુર્ભાગ્યે ત્યાં કંઇક ધાર્મિક પ્રસંગ હતો એટલે અમારા ઉંઘવાના અરમાનો પર પાણી ફર્યા અને કલાક આમ-તેમ ટાઇમપાસ કરીને ત્યાંથી નીકળ્યો. આ વખતે બીજો એક રાઇડર વિશાલ પણ ત્યાં આવ્યો અને નક્કી કર્યું કે સવાર પડે ત્યાં સુધી તો જોડે ચલાવીએ. લગભગ ૫૦-૬૦ કિમી જોડે ચલાવી પણ એ વખતે જ મારા પેટમાં ગરબડ થવાની શરૂઆત થઇ. ત્રણેક વખત પેટ સાફ ન થયું ત્યાં સુધી ગરબડ ચાલી અને એમાંજ આ રાઇડનો સૌથી વધુ સમય બરબાદ થયો. હવે, કોણ એવું હશે જે સાયકલ પણ ટોયલેટમાં લઇ જાય? – બીજું કોણ? – કાર્તિક! 😀 વળી પાછી બીજી તકલીફ પડી, ઠંડીની. ૮ કે ૯ ડિગ્રી સે. તાપમાન વત્તા ઠંડો પવન – આ અનુભવ બહુ લાંબા સમય સુધી યાદ રહેશે. સદ્ભાગ્યે કિરણનું જેકેટ બહુ કામમાં આવ્યું પણ લાગ્યું કે હજુ બીજું એક વધુ જેકેટ પહેર્યું હોત..!

પેટ સરખું થયું લાગતા અને ઠંડી ઘટતા એક હોટલમાં કોફી-કેફિન જેવા પદાર્થો લેવા ગયો ત્યારે વાત-વાતમાં ખબર પડીકે હોટલ વાળા પાલનપુર બાજુના છે, એમાં સારો એવો સમય ગયો પણ હું તાજો થઇ ગયો. ત્યાંથી ફરી ચાંદવડ ઘાટના ટોચ સુધી અને ત્યાંથી ચાંદવડ અને પછી ત્યાંથી લગભગ નાસિક પહેલા સુધી સરસ દોડાવી. નાસિક પહેલા વિશાલ ફરી મળ્યો અને ત્યાંથી નાસિક સુધી જોડે સાયકલ ચલાવી. ત્યાંથી પણ હું જલ્દી નીકળી ગયો. ઇગતપુરી સુધી અને ત્યાંથી કસારા ઘાટ ઉતારીને આરામથી સાયકલ ચલાવતો હું ૫૦ કિમી પર આવ્યો ત્યારે બધો સ્ટેમિના-એનર્જી ઉતરી ગયા હોય એમ લાગ્યું.  ત્યાર પછી એક બિલાડી અને સ્ટિક જીવડું (કુંગ ફૂ પાંડા ફેમ), આ બંનેએ મને રાઇડ ચાલુ રાખવાની પ્રેરણા આપી!

 

હવે તો બીજી રાત પણ પડી ગઇ હતી એટલે હવે જેટલું જલ્દી પહોંચાય તો સારું એ ન્યાયે વચ્ચે વચ્ચે ઝડપ કરી. કલ્યાણ પહેલા ધાર્યું હતું તેમ ટ્રાફિક નડ્યો, જે છેક થાણે સુધી ચાલ્યો. એકાદ કિમી તો રોંગ સાઇડમાં ચલાવી, પણ પછી થયું કે જો સાયકલિસ્ટ ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તો ખોટું કહેવાય. ભલે મોડો પહોંચીશ. થાણે પછી મુલુંડ સુધીનો રસ્તો સિગ્નલોથી ભરેલો છે, કોઇ છૂટકો જ નહી. છેવટે ૭.૫૦ જેવો મુલુંડ પહોંચ્યો અને એટીએમમાં સ્લિપ લઇને રાઇડ પૂરી કરી.

IMG-20171225-WA0026.jpg
સિક્રેટ સ્પાઇસ પર, રાજેશ અને અન્યોની સાથે.

બોધપાઠ્સ:
૧. તાપમાન-વાતાવરણને માન આપવું. તૈયારી કરીને જવું. ઓવર તૈયારી કરવી સારી.
૨. આગલા દિવસે રાઇડ ન કરવી.
૩. વધુ સારી અને નાની પાવરબેંકની તપાસ કરવી.
૪. મગજ શાંત રાખવું. શાંત, સાયકલધારી કાર્તિક, શાંત!
૫. ભાખરી ઝિંદાબાદ!

ડેબકોન્ફ – થોડી ટિટબિટ્સ..

* મોટાભાગે બધી ટોક ટેકનિકલ હતી. સરસ!

* પહેલા બે દિવસ બપોરે ભરપૂર ખાધા પછી બહુ ઉંઘ આવતી હતી એટલે પછી બ્રેકફાસ્ટ પર ધ્યાન આપ્યું અને હળવું લંચ કર્યું.
* બ્રેકફાસ્ટમાં ચીઝ અને બટર ભરપૂર હતા. મોન્ટ્રિઆલના ફેમસ એવા બેંગલ અને કેનેડાનો ફેમસ એવો મેપલ સિરપ પણ! એટલે આપણને મઝા પડી.

* શાવર ઉર્ફે બાથરૂમની જગ્યા ભૂલભલામણી વાળી હતી વત્તા ૫ માળ પર હતી. અને પાછાં યુરોપિયન સ્ટાઇલના ઓપન શાવર. પણ નહાવું તો પડે એટલે શરમ પડતી મૂકીને નહાવું પડ્યું 😉
* સ્લિપિંગ બેગ બહુ કામમાં આવી. હવે, આવતા પ્રવાસમાં પણ તેનો ઉપયોગ થશે.
* કોન્ફરન્સથી નજીકમાં સરસ પાર્ક હતો તો તેનો સદ્ઉપયોગ નિયમિત દોડવા માટે થયો. લગભગ ૫ વખત દોડ્યો અને ૨ વખત મોન્ટ રોયાલમાં હાઇકિંગ કર્યું (એમ તો હાઇકિંગ ન કહેવાય, તો પણ..).

* એક વખત નેધરલેન્ડથી આવેલા એક જણ જોડે દોડવા ગયો. બ્રેકફાસ્ટ પર અમે ત્રણ-ચાર જણાં બેઠા હતા અને વાતવાતમાં મેં કહ્યું કે હું ૧૦ કિમી ૫૪ મિનિટમાં દોડી શકું. નેધરલેન્ડ વાળા મિત્રે કહ્યું મારો શ્રેષ્ઠ સમય ૫૦ મિનિટ છે. ત્યારે મારી સામે બેઠેલા સ્વિડનના ડેવલપરે કહ્યું, હું ૧૦ કિમી ૪૦ મિનિટમાં દોડું છું. પછી મેં બ્રેકફાસ્ટ પર ફોકસ કર્યું.
* સાયકલિંગ કરવાનો પ્લાન ચોપટ થઇ ગયો – કારણ ૧. સાયકલ ભાડા પર ઓછામાં ઓછી ૨૫ ડોલરમાં મળે અને ૨. શનિવારે વરસાદ હતો :/
* છેલ્લા દિવસે મારી ટીમને મળવા અને સામાનને કામચલાઉ રાખવા માટે વિકિમેનિયામાં જઇ આવ્યો અને દસેક મિનિટમાં એકાદ “બગ”ને પણ હાથ લગાવી આવ્યો.
* કેનેડાથી ફ્રીજ મેગ્નેટ, મેપલ સિરપ અને દર વખતની જેમ નવાં રનિંગ શૂઝ લાવવામાં આવ્યા (મારા માપના શૂઝ અહીં મળતા નથી!). બે-ત્રણ સાયકલની દુકાનો પર આંટો મારી આવ્યો અને નાનકડી વસ્તુઓ યાદગીરી રૂપે લઇ આવ્યો.

IMG_20170808_173656
બજેટમાં આવતા માપના શૂઝ!

* પહેલી વખતે મુંબઈ એરપોર્ટ પર ઇમિગ્રેશન ઓફિસરે પૂછ્યું કે કેનેડા શા માટે ગયા હતા અને કઇ કોન્ફરન્સ માટે ગયા હતા. ડેબકોન્ફ કહ્યા પછી તેણે આગળ કોઇ સવાલો ન પૂછ્યા 😉
* ૨૦૧૮માં ડેબકોન્ફ તાઇવાનમાં છે, તો હવે તેનું પ્લાનિંગ થશે!

કૂલ લેપટોપ કૂલ

(શાંત ગદાધારી ભીમ, શાંત એ રીતે વાંચવું!)

એમાં થયું એવું કે ગ્લોબલ વાર્મિંગને કારણે હવે મુંબઈમાં પણ ગરમી વધી રહી છે અને મારું થિંકપેડ પણ જૂનું થઇ રહ્યું છે. સમય સાથે તે નવા કાર્યક્રમોની વધતી મેમરી માંગને પણ પહોંચી વળતું નથી (વિપક્ષ: સરકાર આ બાબતમાં કશું કરતી નથી!!). એટલે હેંગઆઉટ કે ડેબિયન પેકેજના કામ વખતે લેપટોપને હાલનું કૂલર કામમાં આવતું નહી. તેથી, સમયોનુસાર નવું કૂલ લેપટોપ કૂલર લેવામાં આવ્યું છે.

તા.ક.: પાર્ટી રાખેલ નથી.

માથેરાન

* આ હિલસ્ટેશન અમે ક્યારેય જોયું નહોતું. ગયા વર્ષે પેલાં વન ટ્રી હિલ ગયા હતાં પણ ઓફિસઅલી ક્યારેય શહેરમાં પ્રવેશ નહોતો કર્યો એટલે આ વખતે સાયકલ પર ત્યાં જવાનું નક્કી કરેલું.

* સવારે ૬ વાગે બોરિવલી બિરયાની કોર્નર પર જયદીપને મળ્યો (ના, બિરયાની ખાઇને સાયકલિંગ ન કર્યું!!). ત્યાંથી થાણે જવા માટે ઘોડબંદર વાળા રસ્તે જવાનું હતું. મીરા-ભાયંદર પહોંચ્યા ત્યારે વરસાદ નડ્યો. ત્યારબાદ થાણે પહોંચીને સાયકલ-બાઇકનો ભયંકર અકસ્માત દેખ્યો. બાઇક વાળાએ પાછળથી સાયકલને ટચ કર્યું હતું. પણ આ ટચ એટલું જોરથી હતું કે સાયકલનું પાછલું ટાયર હતું ન હતું. આગળ વધ્યાં તો ખબર પડીકે થાણેમાં આજે હાફ-મેરેથોન છે. ભલું થાય એમનું. બીજી ૨૦ મિનિટ બગડી. ત્યાંથી છેક અંબરનાથ સુધી શાંતિથી પહોંચ્યા. નાસ્તો કરીને આગળ વધ્યા અને નેરળ આવવાને થોડી વાર હતી ત્યાં જયદીપની સાયકલમાં પંકચર પડ્યું. ટ્યુબ બદલી આગળ વધ્યા ત્યાં ફરી પંકચર. લગભગ ૧ કિમી ચાલીને અને ત્યારપછી બીજા ૧ કિમી પંકચરની દુકાન શોધવામાં થયો. પંકચર વાળાએ આરામથી પંકચર બનાવ્યું અને પૈસા ન લીધા. અમે આગ્રહ કર્યો પણ તેણે મરાઠીમાં કંઇક કહ્યું. કદાચ સારું જ કહ્યું હશે 🙂

* ત્યાર પછી સરસ મજાનું ચઢાણ. કદાચ અત્યાર સુધીનો સૌથી ખતરનાક રસ્તો. મહાબળેશ્વરનું ચઢાણ આના કરતાં લાંબુ અને ઉંચું છે પણ આ સીધાં ચઢાણ છે. જોઇ લો:

સીધાં ચઢાણ

ઉપર પહોંચ્યા ત્યારે હાશ થઇ. માથેરાનની પેલી ફેમસ મીની ટ્રેન બંધ હતી એટલે હવે નેકસ્ટ ટ્રીપ ઓક્ટોબરમાં (કવિન સાથે). એ પહેલાં બીજી એક ટ્રીપ બે વાર ઉપર-નીચે સાથે ખરી જ. માથેરાન પહોંચ્યા ત્યારે દસ્તુરી નાકા પર જબરી ભીડ હતી. નાસ્તો કરી નક્કી કર્યું કે હિલ સ્ટેશનમાં આપણું શું કામ? એટલે ફરી નીચે સડસડાટ આવીને પનવેલ તરફ સાયકલ ભગાવી. રસ્તામાં સરસ ખાધું-પીધું અને સરસ રસ્તો આરામથી જોયો. એક્સપ્રેસ પર જ્યાં સાયકલ ન ચલાવવાની હોય ત્યાં પણ સાયકલ ચલાવી 😀

પનવેલથી ટિકિટ લઇને જેવા ટ્રેનમાં બેઠાં ત્યાં ગાડી ઉપડી. હવે બોરિંગ મુસાફરી અને ફરી અંધેરી પહોંચીને ત્યાંથી ઘર સુધીની ૧૨ કિમીની ભીડવાળી રાઇડ. ઘરે પહોંચ્યો ત્યારે હાશ.

હવે પછીની પોસ્ટ કદાચ સાયકલ અંગેની જ હશે!

૩૯૮

* આ વળી શું? ફેસબુકમાં જાહેર કર્યું તેમ આ આંકડો ૬૦૦ માંથી પૂરા કરેલા કિ.મી. છે. એટલે કે ૬૦૦નો આંકડો આ વખતે પણ નડ્યો. ગયા વખતે પ્રવાસ નડ્યો હતો, આ વખતે પ્રયાસ, પંકચર અને પવન નડ્યા 🙂

* આ સાયકલિંગનો અનુભવ લખવા જેવો છે એટલે વિગતે લખીશ.

શનિવારે સવારે વહેલો ઉઠ્યો (ગુડ!) તૈયાર થઇને કાંદિવલી સ્ટેશને પહોંચ્યો અને પહેલાં એક ટ્રેન ચૂકી ગયો (કારણ? લગેજ ડબ્બો ન મળ્યો. જોયું? લોકલ ટ્રેનમાં સફર ન કરવાનું પરિણામ!). ટ્રેન મળી અને ગેટ વે પહોંચ્યો. ટીસી ન મળ્યો. સરસ. સમય સર પહોંચ્યો અને ટાઇમપાસ કરતો હતો ત્યારે પાછલાં ટાયરમાં ચેક કર્યું તો હવા ઓછી હતી. હવા ભરવાનો પ્રયત્ન કર્યો તો વાલ્વ જ ખરાબ થયેલો જણાયો. તરત જ ટ્યુબ બદલી એટલે સારું થયું. તો પણ, ૧૦ મિનિટ બગડી. ૧૫ કિમી ચાલ્યા પછી ખબર પડી કે, ૧. સ્ટાર્વા શરુ નથી કર્યું, ૨. સેડલ બેગની ચેઇન ખૂલ્લી રહી ગઇ છે. સ્ટાર્વા વગર ચાલે? ના ચાલે!! બંને ફિક્સ કર્યા પછી આગલા ૧૦૦ કિમી વાંધો ન આવ્યો. ભોરઘાટ આરામથી પસાર કર્યો અને કાર્લા થઇને પૂને સમયસર પહોંચ્યો (૧૬૫ કિમી).

સ્ટ્રોબેરી સ્મૂધી અને નાસ્તો કરીને વણખેડેલા રસ્તા પર આગળ વધ્યો. ૨૨૦ કિમી પર અંધારુ થવા માંડ્યું હતુ અને ત્યાં આવ્યો ખંડાલા ઘાટ (લિટલ ખંડાલા). આ એકદમ ૫ કિમીનો મસ્ત ઘાટ. સાથે બીજાં ચાર સાયકલિસ્ટ હતાં એટલે ચઢાણ સરળ બન્યું. પછી સડસડાટ નીચે ઉતરવાની મજા આવી. ફરી પાછો સીધો રસ્તો અને ત્યાંથી ૧૦ કિમી લાંબો પંચગિનીનો ઘાટ. એકદમ અફલાતૂન જગ્યા. મહાબળેશ્વર રાત્રે ૧૨.૨૦ જેવો પહોંચ્યો અને હોટેલ માટે ૨૦ મિનિટ બગાડી. આ બગાડ મહત્વનો હતો. સૂવા માટે સાયકલ સાથે ત્યાં વ્યવસ્થા હતી, પણ મારા જેવાં ૮ થી ૯ કલાક ઉંઘવા વાળા માણસને માત્ર ૧ કલાક જ ઉંઘવા મળે તે ચાલે? ના ચાલે! એટલે બધાં સાયકલિસ્ટ નીકળ્યા ત્યારે પણ હું ઉંઘતો હતો. ૧.૪૫ કલાકની ઉંઘ વધુ ન કહેવાય પણ અહીં વધુ હતી. બીજા ૪૫ મિનિટ ખાતામાં જમા. ત્યાંથી સતારા જવા માટે મેઢાનો ઢાળ. મસ્ત રસ્તો. બંને બ્રેક પર સંપૂર્ણ નિયંત્રણ જરુરી અથવા તમે એક સેકંડમાં ખીણમાં ખાબક્યાં એ નક્કી!!

રખડતાં કૂતરાઓએ મને જાગતો રાખ્યો અને હું સતારા પહોંચ્યો. આ ગામ મને યાદ રહેશે. શેના માટે? ભંગાર રસ્તાઓ માટે. વધુમાં બે એટીએમ બંધ નીકળ્યાં અને બીજી ૨૦ મિનિટનો બગાડ. કુલ બગાડ ૨૦+૪૫+૨૦.

સતારાથી પુને સુધી આવતાં તડકો આવી ગયો હતો અને મારી પાસે સમય ઓછો હતો. છેલ્લે ૩૯૮ કિમી પર પહોંચ્યો ત્યારે મારી પાસે ૪૨ કિમી પૂરા કરવાનાં હતાં અને ૧ કલાક અને ૨૦ મિનિટ બાકી હતી, જે કોઇપણ સંજોગોમાં મારી ઝડપ અને રસ્તાઓના ઢોળાવ જોતા પૂરા થાય એમ ન હતાં. એટલે પછી, મૂકો તડકે અને પકડો ટેમ્પો.

ટેમ્પો કરીને પુને કંટ્રોલ પોઇન્ટ પર પહોંચ્યો. આરામ કર્યો અને શેરવિનની જોડે (એને પણ કંટાળીને પુનેથી પડતું મૂકેલું) બસમાં બેસી ઘરે આવ્યો.

વધુ પ્રેક્ટિસની જરુર છે. પણ, હવે મોટ્ટું રનિંગ આવે છે એટલે એની પોસ્ટ આ મહિનાના અંતે પાક્કી!

૬૦૦

* આ રવિવારે: મુંબઈ-પુને-મહાબળેશ્વર-સતારા-પુને-મુંબઈ.

* સાયકલ તૈયાર નથી, હું તૈયાર છું. મડગાર્ડ હજી કોઈના ઘરે પડ્યું છે. સાયકલની એકસ્ટ્રા ટ્યુબ જોડે છે. નવો પંપ છે. ઓહ, સસ્પેન્સન એવું જ વળેલું છે.

* અને, વરસાદ નથી. એટલે :/

ટ્રેકિંગ: હરિશ્ચંદ્રગઢ

* ૧લી મે ના રોજ અમારે રજા હતી અને ૨ અને ૩ શનિ-રવિનો કોમ્બો. એટલે નક્કી કર્યું કે હરિશ્ચંદ્રગઢ ટ્રેકિંગ કરીએ. છેલ્લું ટ્રેકિંગ જુલાઈમાં વન ટ્રી હીલ ખાતે કરેલું અને એ વખતે મજા આવેલી એટલે થયું કે આ ઓવરનાઈટ ટ્રેકિંગમાં પણ મજા આવશે.

સવારે ત્રણ વાગ્યા જેવો ઉઠ્યો. જયદિપ કાંદિવલીમાં મળ્યો અને ત્યાંથી કિરણને પીક-અપ કરીને ઘાટકોપર ગયાં. ત્યાંથી લોકલમાં કલ્યાણ (કલ્યાણની પહેલી મુલાકાત). ત્યાંથી મહારાષ્ટ્ર એસ.ટી.માં (પહેલો અનુભવ) માલ્સેજ ઘાટ પછી ખૂબી ફાટા આગળ ઉતર્યા. પાંચેક કિમી દૂર દેખાતાં પહાડો અમારા સ્વાગત માટે તૈયાર હતા.

પહાડો

ત્યાંથી પાંચેક કિમી સીધો જ ધૂળિયો રસ્તો (પથ્થરો વાળો). હોટલ ઐશ્ચર્યા ખાતે નાસ્તો કર્યો (નામ પર ન જતાં, તે એક ઘર જ હતું જ્યાં પાણી અને કાંદા-પોહા સિવાય કંઇ મળતું નહોતું, પણ આ મળતું હતું એ મહત્વનું હતું) અને ત્યાંથી જંગલમાં થઇને ઉપર ચઢવાની શરૂઆત કરી. બે પર્વતોની વચ્ચેથી પસાર થઇને જવાનું હતું. દેખવામાં સિમ્પલ લાગતું હતું. ૧૦ મિનિટમાં જ રસ્તો ભૂલ્યા. જમણી તરફ જવું કે ડાબી? આગળ જઇ પાછાં આવ્યા અને બીજું એક ગ્રુપ આવતું હતું તેમની જોડે આગળ ચાલ્યા. ૧૫ મિનિટ પછી થયું કે અહીં તો આગળ જવું અશક્ય છે. ગામનાં બે-ત્રણ લોકોએ નીચેથી બૂમ પાડી કહ્યું કે અહીંથી ન જવાય એટલે પાછાં આવ્યાં અને તેમને રસ્તો બતાવ્યો. ગુડ.

હવે પછી સીધાં ચઢાણ હતાં. અને એ દિવસે હતો શુક્રવાર. અડધે રસ્તે ગયા પછી કિરણને યાદ આવ્યું કે આજે તો કોઇ લીંબુ-પાણી વાળાં નહી હોય. નહીંહીંહીંહી… પાણીનું રેશનિંગ. ડર હતો કે રસ્તામાં તો ઠીક, ઉપર જો કોઇ ન હોય તો માર્યા ઠાર. તેમ છતાંયે અડધે આવી ગયા છીએ તો આગળ વધીએ.

સીધાં ચઢાણ અથવા તો મુશ્કેલીમાં કાર્તિક!

અને અમે આગળ વધ્યાં. એક નાનકડી ગુફામાં થોડીવાર રોકાયાં. ફરી આગળ વધ્યાં અને ફરી રોકાયાં. ઉપર પહોંચીને ફરી રસ્તો ભૂલ્યાં અને ખોટા અને કઠણ રસ્તે ખરાં રસ્તે પહોંચ્યા ખરાં. ત્યારબાદ? હાશ ઇન્ડિયા હાશ!

એમ તો ગુફાઓમાં રહેવાનું નક્કી કરેલું પણ અમારા સિવાય બીજાં કોઇ ટ્રેકર્સ ન હોવાથી એક ઝૂંપડી જેવી હોટલમાં ડિનર વત્તા રાતવાસો કરવાનું નક્કી કર્યું.સામાન વગેરે ત્યાં મૂક્યા પછી કોકણકાડા નામનાં પોઇન્ટ ઉપર સૂર્યાસ્ત જોવાં ગયાં. મસ્ત જગ્યા. પૈસા વસૂલ. અને ત્યાં? જમ્પ ઇન્ડિયા જમ્પ!

જમ્પ કાર્તિક જમ્પ.

રાત્રે ડિનરમાં – ચોખા-બાજરીની રોટલી, કાંદા-બટાટાનું શાક, અથાણું અને ભાત. રાત્રે થોડું ફર્યા, બહુ વાતો કરી. તારા જોયા. ગુરુ અને શુક્ર ઓળખાયા. ધ્રુવનો તારો જોવાનો પ્રયત્ન કર્યો. ઉંઘ સરસ આવી અને સદ્ભાગ્યે મચ્છરોનો ત્રાસ નહોતો. પણ, સવારે સાડા ચારની આસપાસ સરસ ઠંડી લાગવાની શરૂઆત થઇ. વર્ષો પછી જમીન પર કોઇ પ્રકારના ગાદલાં વગર ઉંઘવાની મજા આવી.

સવારે ૬ વાગે તૈયાર થઇને નીચે ઉતરવાની શરુઆત કરી. હવે છાસ અને લીંબુ શરબતવાળાઓ આવી ગયા હતા. પેલી ભયંકર જગ્યાએ આવી ફરી તકલીફથી નીચે ઉતરાયું.

પહાડી કાર્તિક

ફરી પાછાં કાંદા-પોહાનો નાસ્તો અને આ વખતે ડેમના સરોવરમાં થોડુંક નહાવાનું. તરતા નથી આવડતું એ વાતનો અફસોસ થયો!

હવે બસ પકડવાની ખરી મગજમારી હતી. બે બસ ઉભી ન રહી પણ ત્રીજી બસ સીધી જ મળી જે છેક મુલુંડ જવાની હતી. બસમાં ટાઇમ-પાસ, વાતો અને ઝોકાં. ત્યાંથી રીક્ષા અને સાંજે ૫.૩૦ જેવો ઘરે આવ્યો ત્યારે ભયંકર થાકી ગયો હતો.

સ્ટાર્વા પ્રમાણે ઉપર ચઢવા-ઉતરવા વગેરેના કુલ કિમી ૨૫ થી ૨૭ થયા. કુલ ચડાણ ૧૨૦૦ મીટર. હવે વિચારો કે એવરેસ્ટ ૮ કિમી ઉંચો છે, તો આપણું શું થાય? 😀

સ્કૂલ રીયુનિયન, મીનીડેબકોન્ફ – ૧

* ૨૫ તારીખે અમારી સ્કૂલ બેચ ૧૯૯૭ના વિદ્યાર્થીઓનું સંમેલન રાખેલું હતું. આ માટે આયોજન ક્યારનું ચાલતું હતું. ફેસબુક વગેરે પર ટકી રહેવાનો જુસ્સો મને આના કારણે જ આવતો હતો 🙂 છેવટે ૨૫ તારીખે અમે જીજ્ઞેશની ગાડીમાં (વેલ, ઘણી રાહ જોવડાવી આ આર્કિટેકે :P) પાલનપુર આવ્યા. ઘરે આવી, થોડી સાફ-સફાઈ કરી, આરામ કર્યો અને પછી વિનયના ઘરે ગયા. પરેશ ત્યાં આવ્યો, પણ ત્યાં સુધીમાં ૪ વાગી ગયા હતા (કાર્યક્રમ ૧ વાગે શરુ થતો હતો. અમે પરિચય અને થોડી ગેમ્સ વગેરે મિસ કરી). ત્યાં ગયા ત્યારે કંઈક ગેમ્સ ચાલતી હતી. ઘણાં મિત્રો સ્કૂલ છોડ્યા પછી પહેલી વખત મળ્યાં. ઘણાં બધાંની ઓળખાણ ન પડી અને ઘણાં બધાં એવાં જ લાગતાં હતાં 🙂 કવિનને પણ મજા આવી ગઈ. સ્પાઈડરમેનનું માસ્ક પહેરી તેણે ઘણી ધમાલ મચાવી. બાલારામ રિસોર્ટ મારી ફેવરિટ જગ્યા છે (જોકે બહુ વખત જવા મળતું નથી). ક્યારેક વળી ત્યાં રાત્રે રોકાશું અને તારાઓ અને આગિયાઓના ફોટાઓ પાડીશું. ફરી ક્યારેક. ફોટા વગેરે ફેસબુક પર મૂક્યા છે.

ટૂંકમાં  – મજા આવી.

બીજા દિવસે સવારે મહેનત કરી વેસા પહોંચ્યા. વેસા મોટાભાગે આરામ જ કરવાનો હતો અને સાંજે મારે છાપીથી અરાવલી ટ્રેનમાં અમદાવાદ પાછા આવવાનું હતું. સદ્ભાગ્યે ટીકીટ કન્ફર્મ થઈ ગઈ અને સીટ મળી ગઈ. બાજુમાં એક ઘરડાં કાકા બેઠા હતા. કોકીને ફોન કરવા મારો ફોન કાઢ્યો અને વાત કર્યા પછી મૂક્યો ત્યારે પેલા કાકાએ વાતો શરુ કરી. એમની પાસે સેમસંગ ગેલેક્સી S1 હતો અને થોડી વાત-ચીત પછી ખબર પડી કે તેઓ ફોનનો સરસ ઉપયોગ કરે છે. જમીનના સોદામાં તેઓ જાત-જાતની એપ્સ ઉંચાઈ, અંતર અને માપ લેવા વાપરે છે. ઈદનો ચાંદ કે પછી નમાઝનો સમય જાણવાની એપ્સ પણ તેમણે બતાવી. અરે, અવાજનું પ્રદૂષણ માપવાની એપ્સ હોય એ મને ત્યારે જ ખબર પડી. એમની જોડે જાત-જાતની વાતો કરી. રહેવા માટે કયું શહેર સારું એ વાત પર ચર્ચા કરવાની મજા આવી. મહેસાણાથી એક બીજા ભાઈ ડબ્બામાં આવ્યા એ પણ મુંબઈના ઓળખીતા નીકળ્યા અને બોરિંગ મુસાફરી રસપ્રદ બની. ફોનનો ખરેખર પ્રેક્ટિકલ ઉપયોગ ઘણાં સમય પછી જોયો. મોંઘો ફોન લાવવો અને માત્ર કોલ માટે વાપરવો એ બોઈંગને અમદાવાદથી ગાંધીનગર જવા જેવું છે. ધન્યવાદ એ અનામી કાકા અને એમનાં વિચારોને.

ઘરે પહોંચ્યો. સવારની ટેક્સી બૂક કરાવેલી હતી જે અત્યંત મોંઘી પડી અને સમય કરતાં વહેલી આવી એટલે ઉતાવળમાં શેવિંગ ક્રીમ, કાંસકો, તેલ અને એક જોડી મોંજાં ભૂલી ગયો. ઉતાવળમાં લગેજની ચાવી ક્યાં મૂકી એય ભૂલી ગયો અને નક્કી કર્યું કે ત્યાં જઈને લોક તોડી નાખીશ. એરપોર્ટ પર હેન્ડબેગ ચકાસી તો ચાવી મળી એટલે હાશ થઈ. આજ-કાલ કદાચ કનેક્ટિંગ ફ્લાઈટ્સના બોર્ડિંગ પાસ જોડે જ આપી દે છે અને લગેજ સીધો જ છેલ્લાં એરપોર્ટ પર આવે છે. નવાઈ લાગી. વધુ નવાઈ લાગી જ્યારે આ વખતે પ્લેનમાં સરસ જમવાનું મળ્યું 🙂 મેંગ્લોર પહોંચ્યો ત્યારે બાજપે એરપોર્ટ પર વાસુદેવ અને ભૂષણ લેવા માટે આવ્યા હતા. બન્નેને પહેલી વાર મળ્યો અને પછી શરુ થઈ ૧.૩૦ કલાકની મુસાફરી. રસ્તા ભયંકર વાંકાચૂકા અને એનાથી વધુ ભયંકર હતા સામે આવતાં વ્હીકલ્સ.

મીની ડેબકોન્ફનો રીપોર્ટ પછીની પોસ્ટમાં..

PS: બેક ટુ ઓફિસ વર્ક.

મુંબઈ મુલાકાત

* આ વખતે ગણેશ ચતુર્થી – વિસર્જન પર મુંબઈ જવું તેમ ક્યારનુંય નક્કી કરેલું (અને ટિકિટ્સ વગેરે બુક કરાવી લીધેલી). મારે પણ બે દિવસ રજા, એક દિવસ પાછો ચાલુ અને ફરી વિકએન્ડની રજાઓ હતી એટલે પ્લાન ટેન્શન વગર ફરવાનો હતો. જોકે મળતા સમાચારો મુજબ વરસાદ અમને નડવાનો હતો પણ એટલિસ્ટ મુંબઈ સ્ટેશને ઉતરીને તે ક્યાંય દેખાયો નહી. કોકીના ઘરે ગણપતિ લાવવાના હતા એ ત્યાં જવાનું ખાસ કારણ હતું અને મારા જેવા શ્રધ્ધાળુ વ્યક્તિને ખાસ આમંત્રણ અપાયું હતું 🙂

સાથે બચ્ચા-પાર્ટી હોવાના કારણે ગુજરાત એક્સપ્રેસ પસંદ કરી એટલે એ દિવસ તો આખો એમાં જ ગયો. આઈ-પોડ કામમાં આવ્યું અને ગીત-સંગીત સાંભળતા સફર પતાવવામાં આવી. મારી સીટ બીજા બધાંથી દૂર હતી એટલે કવિનના જ્ઞાનનો લાભ મને ન મળ્યો એ નફામાં. રસ્તામાં ખબર પડીકે મારું રીલાયન્સનું યુએસબી મોડેમ મરી ગયું છે. તેમાં આવતી એરર્સ કંઈક આ પ્રકારની હતી.

[ 4400.451292] sr1: CDROM (ioctl) error, command: Get event status notification 4a 01 00 00 10 00 00 00 08 00
[ 4400.451310] sr: Sense Key : Hardware Error [current]
[ 4400.451316] sr: Add. Sense: No additional sense information

અને ડાયલ કરીએ તો,

% sudo wvdial
–> WvDial: Internet dialer version 1.61
–> Cannot open /dev/ttyUSB0: No such file or directory
–> Cannot open /dev/ttyUSB0: No such file or directory
–> Cannot open /dev/ttyUSB0: No such file or directory

હજી સોલ્યુશન નથી આવ્યું. મોડેમ બીજી ઓપરેટિંગ સિસ્ટમમાં ચાલે છે એવું જાણવા મળ્યું છે.

… એટલે કે એ લેપટોપને મળતું જ નહોતું (ડિટેક્ટ નહોતું થતું). મૂક્યું લેપટોપ પાછું બેગમાં અને એકાદ દિવસ પછી વધુ તપાસ કરવાનું નક્કી કર્યું. સાંજે બધાં ગણપતિ લેવા ગયા અને ત્યાં મજા આવી ગઈ. બહુ લાઈન હતી નહી એટલે તરત પાછા આવ્યા.

ગણપતિ બાપ્પા..

બીજા દિવસે ત્યાં જ બહુ બધાં ફોટા પાડ્યા જે ગુગલ પ્લસ – પિકાસા પર મૂકવામાં આવ્યા છે. ફરી એકવાર વાઈડ એંગલ ઝુમ લેન્સની કમી લાગી પણ, એકંદરે ફોટા પાડવાની મજા આવી. વરસાદના કારણે લગભગ બે ઘર (મારા અને કોકીનાં) વચ્ચે આવન-જાવન સિવાય ક્યાંય બહાર ગયા નહી. શુક્રવારે પણ એ જ પરિસ્થિતિ રહી. એકાદ જગ્યાએ દર્શન કરવા ગયા પણ બહુ વરસાદ હતો. રીક્ષા મળવી એ નસીબની વાત હતી. વચ્ચે સમય કાઢીને થોડી ખરીદી કરી લીધી (કવિન વગર!). અને, દરરોજ આઈટમ્સ તો ખરી જ (એટલે કે પાઉંભાજી, લાડુ, દાબેલી, પાણી-પુરી વગેરે ;))

લાડુ ઉર્ફે લાડવા

કવિનને રાબેતા મુજબ બહુ મજા આવી. શનિ-રવિ પણ મારા માટે તો આરામમાં જ ગયા અને નવાં બનેલા ઈન્ફિનિટી મોલમાં જઈ આવ્યા જે ઈન્ફાઈનાઈટ રીતે મોંઘો છે 🙂 પણ સારો છે. શુક્રવારે પછી રજા પાડી પણ બોસ લોક એટલા સારા કે મારી પરિસ્થિતિ સમજી તરત જ રજા આપી દીધી.

ચાલો ત્યારે ઢગલાબંધ ઓનલાઈન-ઓફલાઈન કામ પડ્યા છે. બ્લોગની ફ્રિકવન્સી ઓછી થવાનો સંપૂર્ણ ચાન્સ છે 😛

લાવરી અને તેનાં બચ્ચાં

* ગયા મહિને જ્યારે મુંબઈ ગયેલો ત્યારે રાત્રે કવિને જીદ કરી કે “મારે મારા દાદા જોડે ઊંઘવું છે”. દાદાએ તેને કહેવાની શરુ કરી એક વાર્તા. વાર્તામાં રહેલો બોધપાઠ મહત્વનો છે. જે કવિન કરતાં વધુ તો મને સમજાયો.

તા.ક. મરી-મસાલો મેં નાખેલો છે.

એક હતું ખેતર. ખેતરમાં લાવરીએ માળો બાંધેલોને અને એનાં બચ્ચાં પણ હતા. ખેતરમાં વરસાદ આવે તે પહેલા તેને ખેડવું પડે. વરસાદની આવવાની હવે થોડી જ વાર હતી. ખેડૂત અને તેની પત્નિ બપોરે બેઠાં અને વાતો કરતાં હતા કે કાલે તો પશાભાઈને બોલાવી ખેતર ખેડાવી નાખવું છે. લાવરીનાં બચ્ચાંએ આ વાત સાંભળીને કહ્યું કે મા, આપણે હવે ઘર બદલવું પડશે. સદ્ભાગ્યે ત્યાં એજન્ટ વગેરે ન હોવાથી નિરાંત હતી અને લાવરીઓની મા કોન્ફિડેન્સ વાળી હતી. તે dare to think beyond farm વાળો કોન્ફિડેન્સ ધરાવતી હતી. માએ કહ્યું, નો ટેન્શન. ખેતર નહી ખેડાય. બીજો દિવસ નીકળી ગયો. પશાભાઈ ન આવ્યા. હવે, ખેડૂતની પત્નિએ પાછું કહ્યું કે આ ખેતરનું શું કરીશું? ખેડૂતે કહ્યું, આપણા પડોશીઓને બોલાવી ખેડાવીએ. ફરી પાછા, બચ્ચાંએ કાગારોળ મચાવી દીધી. લાવરીએ કહ્યું – ડોન્ટ વરી, બેબ્સ. અને, લાવરી સાચી પડી. બીજે દિવસે પણ ખેતર ન ખેડાયું. દિવસો નીકળ્યા. પણ, આજે લાવરીએ ખેડૂતને વાત કરતાં સાંભળ્યો કે “કાલે તો સવારે વહેલાં આવીને આપણે ખેતર ખેડી નાખીશું.”

અને, લાવરી એ હવે બચ્ચાંને કહ્યું, પેક યોર બેગ્સ, બેબીસ. ટાઈમ ટુ મુવ ટુ અનધર હોમ.

નોંધ: આ વાર્તા, માવજીભાઈ.કોમ પર પણ મળી. અરર, મારી ટાઈપ કરવાની મહેનત..

અપડેટ: બચ્ચું એકવચન -> બચ્ચાં બહુવચન. What is બચ્ચાંઓ (બચાઓ!)? 🙂 [આભાર, મનીષ મિસ્ત્રી]

એક પટ્ટો…

*  લગભગ ૧૯૯૬ની સાલમાં મારા મામાએ મને એક પટ્ટો (લેધર ઉર્ફે ચામડાનો) પટ્ટો આપેલો. મસ્ત. માર્લબોરો કંપનીનો ઓરિજીનલ. મને બહુ ગમે અને જીન્સ પર એકદમ સરસ પણ લાગે. હવે, આ જ પટ્ટો મારા ભાઈને પણ બહુ ગમે. અમે જ્યારે પણ આ વિષય પર વાત કાઢીએ ત્યારે એ મને કહે કે આ પટ્ટો તો મામાએ મને આપેલો. હું હસી કાઢું અને કહું ના ના મને આપેલો. પણ, આ વખતે જ્યારે મુંબઈ ગયેલો ત્યારે અચાનક યાદ આવ્યું કે હવે આ પટ્ટો ભાઈને આપવો જોઈએ. એવું નથીકે તે ખરાબ થઈ ગયેલ. કોઈને લાગે નહી કે આ પટ્ટો ઉર્ફે બેલ્ટ આટલો જૂનો હશે. ત્યારથી મને થયું કે પોતાને ગમતી વસ્તુ બીજાને આપવાની જે મજા છે તેવી મજા બીજે ક્યાંય નથી. હવે, એમ થાય છે કે આપણે તો આવું એક પટ્ટા માટે વિચારીએ છીએ, લોકો આટલા દાન કરે છે, લિનસ ટોરવાલ્ડ્સ જેવો માણસ આખી ઓપરેટિંગ સિસ્ટમ જે મુક્ત રીતે ઓપનસોર્સ હેઠળ આપી દે છે – તેમના મનમાં કેવા વિચારો ચાલતા હશે?

વિચારવા જેવી વાત છે..

મધર્સ ડે

* મમ્મી મુંબઈમાં અને અમે અમદાવાદમાં. એટલે ગયા અઠવાડિયે અમે મમ્મીને સરપ્રાઈઝ ગિફ્ટ આપીને નાનકડી ઉજવણી કરી લીધી.

મમ્મી વિશે લખવું એ એક પોસ્ટમાં શક્ય નથી. અને, લખવા બેસીએ એટલે વર્ડપ્રેસનાં સર્વરનાં ડેટાબેઝનું ઉભરાઈ જવાનું નક્કી. એટલે હવે, અહીં જ ‘હેપ્પી મધર્સ ડે’ કહીને વિરમું છું. જોકે ભારતીય સંસ્કૃતિમાં મધર્સ ડે, ફાધર્સ ડે વગેરે કેમ નથી એ આજે સવારે ચા પીતાં વિચારતો હતો ત્યારે થયું કે ખરેખર હવે આવા દિવસોની જરુર છે. કારણ કે, હવે આપણે તેની જરુરિયાત ઉભી કરી દીધી છે. બદલાતું જતું કલ્ચર પણ જવાબદાર છે અને આપણે પણ.

આ બાબતમાં અમે (હું અને મારો ભાઈ) હજી બદલાયા નથી, તેનો ગર્વ છે!

વિરામ પછી..

* એટલે કે બ્રેક કે બાદ!

સવારે મુંબઈ આવ્યો અને હવે લગભગ ૧ મહિનાના વિરામ પછી ફરી પાછી આ બ્લોગની શરુઆત કરી રહ્યો છું. પહેલાં તો મેં જ્યારે એપ્રિલ ફૂલ માટેની પેલી છેલ્લી પોસ્ટ લખેલ ત્યારે એમ હતું કે બીજા દિવસ પછી ફરી બ્લોગિંગ એમ જ રાબેતા મુજબ ચાલુ થઈ જશે પણ, પછી નક્કી કર્યું કે એકાદ મહિનાનો વિરામ (?) લેવો. તો મેં શું કર્યું આ સમયમાં?

+ બારકેમ્પ અમદાવાદ ૩માં જઈ આવ્યો. સરસ લોકો (અમિત પંચાલ (ગુજરાતી બ્લોગર), વિશાલ જોષી (જાવા પ્રોગ્રામર), સમ્યક વગેરે) સાથે સરસ મુલાકાતો થઈ. મેં પાઈ ઈ-બુક રીડર વિશે અહીં લખ્યું છે. વિશલિસ્ટમાં ઉમેરી દીધું છે. તે થોડો સમય મચડવા મળ્યું.
+ ચાર વર્ષનાં બ્લોગ જીવનમાં સૌપ્રથમ વાર મારા પર અંગત આક્રમણ થયું.
+ કવિનનું વેકેશન પડ્યું અને અમારા સુખનાં દિવસો પૂરા થયાં 😉
+ એક વીક-એન્ડમાં સુરત જઈ આવ્યા. તેના વિશે અલગથી પોસ્ટ થોડીક ક્ષણોમાં દ્રશ્યમાન થશે..
+ અત્યારે મુંબઈ ખાતે માઈક્રો-વેકેશન ચાલે છે. કાલે પાછાં અમદાવાદ રવાના. જોકે હું તો માત્ર બે વીક-એન્ડ દરમિયાન જ બન્ને Kને લેવા-મૂકવા માટે અહીં હતો.
+ આખો મહિનો ઓફિસ, ડેબિયન અને બીજાં અનેક કાર્યોમાં ખૂબ જ વ્યસ્ત રહ્યો. બેક-પેઈન, RSI વગેરે વગેરે નો ડર લાગે છે.. 😛
+ ટ્વીટરનો ઉપયોગ કરી અપડેટ તો ચાલુ જ રહે છે.

બીજા નોંધવા લાયક ટેકનોલોજીના સમાચાર:
+ એપલનું આઈપેડ આવ્યું. આજ એપલે આઈફોન ૪.૦માં બધાંની વાટ લગાવી. હવે તમે માત્ર c, c++ અને objective-cનો જ ઉપયોગ આઈફોન એપ્લિકેશન બનાવવા કરી શકશો. વળી. પાછી શરત મૂકીકે આ પ્રેસનોટ કોઈ જગ્યાએ પબ્લિશ નહી કરવાની. દેખીતી રીતે આ એક ચાલ છે જે Adobe અને Google જેવી કંપનીને હેરાન (અને પછાડવા) માટે બનાવેલ છે (નોંધ: મારે એડોબી, ગુગલ કે એપલ જોડે કંઈ લેવાદેવા નથી!). એક જમાનામાં સાચું હશે કે એપલ તેના હાર્ડવેર માટે ડેવલોપર્સમાં માનીતી હતી (હજી પણ છે), પણ જરા હવા ભરાઈકે એપલ હવે તરબૂચ બની ગયું છે. અને, આ માટે મારે મારું વેકેશન પાડવાનું વચન તોડવું પડ્યું.
+ નેક્સેન્ટા પ્રોજેક્ટમાં કામ કરવાનું શરુ કર્યું.

બાકી તો તમે જાણો જ છો. એ જ સરસ મજાનું જીવન છે 😛