અપડેટ્સ – ૨૧૧: અમદાવાદ!

સવારે વહેલી ફરી પાછો એસ.ટી. પકડીને અમદાવાદમાં ઇન્કમ ટેક્સ પર ઉતર્યો ત્યારે મેટ્રોનું કામકાજ જોઇને આનંદ થયો. હવે ત્યાંથી મારે પેલી ગુમ થયેલી બેંકની તપાસ કરવાની હતી. મારી ૨૦૦૯-૧૨ની યાદશક્તિ ઢંઢોળી અને પાસબૂક પરથી હું સાચા સ્થળે પહોંચ્યો પણ ત્યાં તો “જગ્યા ભાડે આપવાની છે” એવું પાટિયું લટકતું હતું. મને થયું SBI જેવી બેંક બંધ થઇ જાય એવા સમાચાર મેં કેવી રીતે મિસ કર્યા? પછી એક ટ્રાય સામેની બ્રાંચમાં કરીએ એવો વિચાર આવ્યો અને ત્યાં પહોંચીને ખબર પડીકે એ બ્રાંચ તો ક્યાંક નજીકમાં જ ખસેડાઇ છે. ઓકે. ગુડ. ત્યાં પહોંચી ગયો. ચૂંટણીને કારણે લગભગ અડધા કર્મચારીઓ નિષ્ક્રિય લાગ્યા પણ મારું ૧૦ ટકા કામ થયું. કોઇ અજ્ઞાત મેડમ રજા પર છે એવો સ્ટાન્ડર્ડ જવાબ સાંભળવા મળ્યો અને પછી હું ત્યાંથી આગળ શું કરવું તે વિચારતો બહાર નીકળ્યો.

પહેલું કામ તો જેકેટ બેગમાં મૂક્યું. વેલકમ ટુ અમદાવાદ! પછી અમારા સાયકલ મિત્ર નિસર્ગભાઇને ફોન કર્યો અને તેમની ઓફિસ નજીકમાં જ હોવાથી ક્રોસવર્ડ મીઠાખળીમાં મળવાનું નક્કી કર્યું. આ ક્રોસવર્ડ આપણી ફેવરિટ. ત્યાં પેલી કોફી શોપ પણ સારી. નિસર્ગભાઇ જોડે કરેલી ૪૦૦ બી.આર.એમ.નો એમનો મેડલ મારી જોડે હતો તે તેમને સુપરત કર્યો અને પછી થોડી પેટ-પૂજા કરવામાં આવી.

નિસર્ગભાઇ જોડે સાયકલિંગ અને ગુજરાતમાં સાયકલિંગ પર બહુ વાતો કરી. હું તો નવરો હતો પણ તેઓ વ્યસ્ત હતા એટલે તેમને વિદાય આપી હું ક્રોસવર્ડમાં ગયો અને ત્યાં જઇને જોઉં તો ગુજરાતી વિભાગ થોડો મોટો બન્યો હતો અને ત્યાં કાઝલ ઓઝા વૈદ્યનું એકચક્રી સામ્રાજ્ય હોય એમ લાગ્યું. વચ્ચે વચ્ચે બીજા લેખકો ઝળકી રહ્યા હતા અને ત્યાં નજરે ચડ્યા – બક્ષી!

IMG_20171215_140116

પ્રવીણ પ્રકાશને બક્ષીબાબુના થોડા પુસ્તકો ફરી પ્રકાશિત કર્યા છે. એ માટે તેમનો ધન્યવાદ. મને જાતકકથા નવલ મળી ગઇ (અને હાલમાં તે વાંચી રહ્યો છું, તેનો રીવ્યુ પછીની પોસ્ટમાં!). ક્રોસવર્ડમાં હવે પુસ્તકો પછી સ્ટેશનરીનો માહોલ છે. તેમાં કંઇ લેવા જેવું ન લાગ્યું એટલે થોડો ટાઇમપાસ કરીને નીકળી ગયો. હા, ક્રોસવર્ડમાં “ચન્દ્રકાંત” જેવો જોડણીદોષ ખૂંચ્યો અને જેમ દર વખતે હોય છે તેમ ગુજરાત વિરોધી પુસ્તકો ડિસપ્લે પર ખાસ દેખાય તેમ મૂકવામાં આવ્યા હતા. નોર્મલ છે!

ત્યાંથી નીકળીને ઇશિતાને મળવા માટે પકવાન ચાર રસ્તા જવાનું હતું. ત્યાં ફાલાસિન કે ફાલાસી જેવું નામ ધરાવતા જ્યુશ કાફેમાં બેઠાં-બેઠાં ગપ્પાં માર્યા. જગ્યા સરસ છે. તેની ત્રણ સ્તર વાળી સેન્ડવિચ પણ સરસ હતી.

ત્યાંથી ઉપરના નકશામાં બતાવ્યું તેમ પકવાનથી પાન ખાઇને નક્કી કર્યું કે સંદિપનો જો ફોન ન આવે તો ચાલીને કાલુપુર સ્ટેશન જવું. કુલ અંતર લગભગ ૯.૫ કિમી હતું જે ૨ કલાક જેવું લાગે તેમ હતું. બરોબર. ૩.૫ કિમી ચાલ્યો ત્યારે સંદિપ મિટિંગમાંથી ફ્રી થયો અને અમે સહજાનંદ આગળ મળવાનું નક્કી કર્યું અને મળ્યા. છેવટે એક સરસ ચીઝ વડાપાંવ અને સેન્ડવિચ ખાધી. ત્યાંથી તેના ઘરે થઇને તેના દીકરા રીષિને લઇને તે મને કાલુપુર મૂકવા આવ્યો. દુર્ભાગ્યે ટ્રાફિક વધુ હતો એટલે કવિન માટે દોરી-ફીરકી લઇ શકાઇ નહી. આ વખતે લોકશક્તિમાં લોકોનો ત્રાસ હતો નહી અને થર્ડ એસીના કારણે ઠંડી-પવન પણ લાગવાના ન હતા એટલે આરામથી સૂઇ ગયો. સવારે ઘરે પહોંચ્યો ત્યારે એકસાથે બે દિવસનો થાક દેખાયો જે પછી રવિવારની રાઇડ પર પડવાનો હતો એમ લાગ્યું.

તો આ પોસ્ટ પૂરી. અને હા, કાલે ૧૮ ડિસેમ્બર – યાદ છે? ચૂંટણી પરિણામો 😀

સેજલબેન સાથે મુલાકાત

સેજલબેનની ઓળખાય સૌપ્રથમ તો એમના બ્લોગથી થઇ હતી. હોમસ્કૂલિંગ અને ત્યાર પછી આશના-મેઘના સ્વિમિંગ-ડાઇવિંગની રોમાંચક સફરોની જાણકારી ફેસબૂકથી મળતી હતી, પણ ક્યારેય રૂબરૂ મળ્યા નહોતા. થોડા દિવસ પહેલાં તેમની સાથે વાત થઇ અને તેમણે કહ્યું કે તેઓ મુંબઈ આવવાના છે, તો તેમને મળવાની તક ઝડપી લીધી. અમારે તો મૂળે વિલે પાર્લે ડાઇવિંગની ઇનોગ્રલ કોમ્પિટિશન જોવા જવાનું હતું, પરંતુ કવિનની તબિયત, ક્લાસિસ (વેલ, <કફ>!) અને તેના કોઇ મિત્રની પાર્ટીના કાર્યક્રમોએ અમને આશનાની ડાઇવિંગ કોમ્પિટિશન જોવાથી વંચિત રાખ્યા. પણ તેમને મળવા જવાનું તો હતું જ.

હું અને કોકી કવિનને પાર્ટીના સ્થળે મૂકીને બોરિવલી-અંધેરીની લોકલ વત્તા મેટ્રોની સફરો કરી સેજલબેન-આશનાને મળ્યા. મેં તેમને કહ્યું હતું કે આપણે “વાતોના વડા” કરીશું અને સેજલબેન પણ મારા જેવા જ વાતોડિયા નીકળ્યા! વાતોના વિષયોમાં સ્વિમિંગ, રનિંગ, ડાઇવિંગ, શિક્ષણ અને છોકરાઓ પર પડતો ભાર, સાયકલિંગ, સેજલબેનના અનેક અનુભવો અને પ્રવાસો. ખાસ કરીને આશના-મેઘને લઇને તેમણે એકલા કરેલા પ્રવાસોના વર્ણન મને બહુ સરસ લાગ્યા. હા, એક એથ્લેટ માટે ભારતમાં આગળ આવવું કેટલું કઠણ છે અને તેના માટે તેમણે કેટલી મહેનત વત્તા ત્યાગ આપ્યો છે, એ પણ જાણવા મળ્યું. મને અને કોકીને બંનેને બહુ મઝા આવી. જોકે અમારે કવિનને પાછો લેવા પાછું બોરિવલી જવાનું હતું એટલે જલ્દી નીકળવું પડ્યું. હવે ફરીથી સહકુટુંબ અને ખાસ તો કવિનને પ્રેરણા મળે એ માટે મળીશું.

foss.in: ઐતહાસિક અહેવાલો ૧

* ૨૦૧૦માં foss.in ચૂકી જવાયા પછી અને ૨૦૧૧માં આયોજન ન થવાથી, ૨૦૧૨ની foss.in મુલાકાત ખાસ બની રહેશે એવું લાગે છે. મારા માટે ખાસ એટલે કે ૨૦૦૪ પછી પહેલી વાર એક ‘સામાન્ય મુલાકાતી’ની જેમ જવાનું થશે. ૨૦૦૫, ૨૦૦૬, ૨૦૦૭ અને ૨૦૦૯ – આ વર્ષો દરમિયાન હું ‘સ્પિકર’ હતો. ૨૦૦૪માં હું અને કુનાલ સાથે ગયેલા ત્યારે ઇવેન્ટનું નામ Linux Bangalore હતું. મારો લિનક્સ, ફ્રી સોફ્ટવેર-ઓપનસોર્સ સાથેનો સંબંધ foss.in ને કારણે જ ગાઢ થયો એમ કહી શકાય. અને, લાગે છે કે આ પોસ્ટ બહુ મોટ્ટી થશે, કારણ કે મારો વિચાર ૨૦૦૪ થી ૨૦૦૭ ના અનુભવો લખવાનો છે. એ સમયે આ બ્લોગ નહોતો (૨૦૦૬માં હતો, પણ કોણ જાણે કેમ, મેં આ વિશે કંઇ પોસ્ટ ન કરેલું! ૨૦૦૭માં ખાલી પોસ્ટ જ અને ૨૦૦૮માં તો અલગ કારણોસર મુલાકાત ન લઇ શકાઇ). તો શરુ કરીએ ૨૦૦૪ થી?

૨૦૦૪:

૨૦૦૪, હમમ. ૨૦૦૪ એટલે કે મુંબઇનો શરુઆતી સમય. (જોકે હું તો મુંબઇમાં છેક જાન્યુઆરી એન્ડ થી હતો જ.) નિરવ ટૉક આપવાનો હતો અને અમારી પાસે એવું કંઇ હતું નહી એટલે અમે ખાલી એટેન્ડ કરવાના હતા. કુનાલ જોડે થોડા સમય પહેલાં પરિચય થયેલો અને સરખી વિચારસરણીને કારણે પરિચય મિત્રતામાં પરિણમ્યો. તેણે બેંગ્લોર જોયેલું હતું એટલે અમે બન્નેએ ટ્રેન-હોટેલ ટિકિટ જોડે બુક કરાવેલી. ૨૨ કલાકની સરસ મુસાફરી પછી અમે મેજેસ્ટિક પાસે કોઇક હોટલમાં રહેલા એવું યાદ છે. એ વખતે Linux Bangalore એ IISC ખાતે હતી અને પ્રમાણમાં નજીક જગ્યા હતી એટલે આવવા-જવાનો વાંધો નહોતો આવતો.

ત્રણ દિવસ દરમિયાન બહુ મજા આવી. કોન્ફરન્સ તો માણી વત્તા બેંગ્લોરમાંય ફર્યા. સાયન્સ મ્યુઝિયમ અને કબન પાર્ક વગેરે. ફોટાઓ પડ્યા છે, પણ ક્યાં છે એ યાદ નથી. ૨૦૦૪ની ખાસ યાદો કહેવી હોય તો, એમ.જી. રોડ પરથી ખરીદેલું એક મેગેજીન જેમાં ડેબિયનની સીડી આવેલી. જેના વડે મેં ઘરે પહેલી વાર ડેબિયન ઇન્સ્ટોલ કરેલું અને પછીની ઘટનાઓ-દુર્ઘટનાઓનાં તમે સાક્ષી છો જ. ૨૦૦૪માં પહેલી વખત મયંક-શશાંક શર્માને મળેલો એ પણ એક યાદગાર ક્ષણ હતી.

સૌથી ભયંકર યાદ હોય તો પહેલી વાર વિમાની મુસાફરી કરવાની. એ વખતે ઉડતી હતી તે સહારા એરલાઇન્સમાં પંખા વાળા વિમાનમાં પંખાની બાજુમાં મારી વિન્ડો સીટ હતી. વેલ, માત્ર નિરવ જ સમજી શકે છે કે સિવાય મને બીજી કઇ બીક હતી 🙂

PS: એ વખતની અંગ્રેજી બ્લોગની પોસ્ટ

૨૦૦૫:

૨૦૦૪ અને ૨૦૦૫ વચ્ચે મારું ઇવોલ્યુશન થોડું થયું અને મેં મોનો અને લોકલાઇઝેશન એવા વિષય પર ટોક આપેલી. સ્વાભાવિક રીતે નિરવે પ્રેઝન્ટેશન વત્તા કન્સ્પટમાં સારી એવી મદદ કરેલી. ઇવેન્ટ આ વખતે બેંગ્લોર પેલેસ ગ્રાઉન્ડમાં હતી. મોટા-મોટા હોલ બનાવેલા. આ ઇવેન્ટ મારા માટે ખાસ હતી કારણકે, જલધર વ્યાસ અમેરિકાથી ડેબિયનની ટોક માટે આવેલા અને સ્પિકર તરીકે મને ખાસ ટ્રીટમેન્ટ મળેલી. આ વખતે રોક શો વગેરે પણ ખાસ આકર્ષણ હતા. ૨૦૦૫માં પણ અમે દરેક રાતે ડિનર માટે અલગ-અલગ જગ્યાએ ગયેલા એમાં વિન્ડસર પબ ખાસ યાદ છે.

૨૦૦૫માં ખબર પડી કે લોકો સામે પ્રેઝન્ટેશન આપવું એ કેટલું અઘરું છે (જોકે મારી ટોકમાં ખાસ કોઇ પબ્લિક નહોતી એ સારી વાત હતી!). ઘણું શીખવા મળ્યું. કેટલાય નવાં લોકોનો પરિચય થયો અને નવાં મિત્રો બન્યા. ૨૦૦૫ની મુસાફરી સરળ રહી, કારણ કે સ્પિકર હોવાના નાતે બન્ને વખતહવાઇ મુસાફરી કરવા મળેલી. એ વખતે નવું-નવું હતું એટલે બહુ મજા આવેલી.

PS: ૨૦૦૫ની અંગ્રેજી પોસ્ટ્સ: , , અને .

PS 2: અરર, હું આવું ગંદુ અંગ્રેજી ધરાવતો હતો? (હજી પણ ધરાવું છું. ડોન્ટ વરી ;)).

૨૦૦૬-૨૦૦૭-૨૦૦૮ હવે પછીનાં ભાગ-૨ માં.

~૧૦,૦૦૦

* આ ~૧૦,૦૦૦ શું છે?

વેલ, આ આંકડો છે, આ મહિનાની બ્લોગ વિઝિટ્સનો. ખાસ-સ્પેશિઅલ એટલા માટે કે, પહેલી વખત પાંચ આંકડામાં મુલાકાત-સંખ્યા પહોંચી. આમ, તો આ બ્લોગ કોઇ ખાસ વાંચતું લાગતું નથી, છતાંય, થોડા તમારા જેવા લોકોનો સમાવેશ થાય છે (એટલે કે તમે, હા તમે, જે અત્યારે આ વાંચી રહ્યા છો – એટલે કે તમારો કિંમતી અને પવિત્ર સમય બગાડી રહ્યા છો!)

😉

અપડેટ્સ – ૫૧

* શુક્રવાર બપોરથી લઈને છેક આજ સવાર સુધી – નેટ બંધ હતું. એટલે કે, અમે બહાર હતા. કોકીના ગામની એક મુલાકાત.

અઢી દિવસમાં આમ તો આરામ કરવાનો જ પ્રોગ્રામ હતો પણ જતી વખતે સરસ મજાનો રસ્તો અને બન્ને બાજુ ખેતરો જોઈને બે દિવસ એવો જ સરસ મજાનો દોડવાનો પ્રોગ્રામ પણ બની ગયો.  એલાર્મ મૂકવાની જરુર જ નહી. મંદિરમાં ૫.૩૦ જેવી આરતી શરુ થાય અને ધાબા પર સરસ ઠંડકમાં સૂતા હોઈએ એટલે આપણે આપમેળે ઉભા થઈ જઈએ. દોડતી વખતે સાથીઓ પણ મળ્યાં. સિંગલ ટ્રેક પર જોકે ગાય-ભેંસ ટ્રાફિક જામ કરતા પણ જોવા મળ્યા ત્યારે થોડી તકલીફ થઈ હતી 🙂 પણ, આ વખતે “ફર્સ્ટ ઈન્ટરવિલેજ રન” કરવામાં આવી 😉

આગલા દિવસે સરસ વરસાદ આવેલો એટલે રાત્રે જાત-જાતનાં જીવ-જંતુઓ જોવા મળ્યા. કેમેરામાં પાડેલા તેના ફોટા બીજે ક્યાંક મૂકીશ. અત્યારે તો અમને આ લાલ જીવડું (કદાચ ડંગ બીટલ છે) બહુ ગમ્યું.

અને, કવિને પણ આટલા દિવસ બહુ જ ધમાલ કાઢી. લાકડી અને ટોર્ચ તેના ખાસ રમકડાં બન્યાં. તેને પણ અમે ખેંચીને ખેતર જોવા લઈ ગયેલા પણ – આ તો જંગલ છે – એમ કહી તેણે સારો એવો કકળાટ કર્યો.

અને હા, દરરોજ ખીચડી-છાસ પેટ માટે અત્યંત સારી. સાથે-સાથે, અડદના વડા અને મીઠાઈઓ પણ ઝાપટવામાં આવી 😉

અપડેટ્સ – ૪૫

* શનિવાર – તદ્ન બેકાર. કંઈ કરતાં કંઈ જ ન કરવામાં આવ્યું અને આખો દિવસ બોરિંગ ગયો.

* રવિવાર – નક્કી કર્યું હતું તેમ, રવિવારે સવારે ભવ્ય રનિંગ કાર્યક્રમ હતો, જે બહુ સફળ ન થયો, છતાં ૧૩.૩૦ કિલોમીટર દોડવામાં આવ્યું અને મજા આવી. બપોરે મસ્ત નિંદ્રા લેવામાં આવી અને સાંજ માટે ઘણાં બધાં પ્લાન બનાવ્યા અને ડ્રોપ કરવામાં આવ્યા. છેવટે, સુંદરવનની મુલાકાત લેવામાં આવી. આ વખતે Snakes Show જોવાનો મોકો મળ્યો અને આંધળી ચાકણ, ધામણ અને કોબ્રાને જોવા અને સમજવા મળ્યા. આવતા મહિને ખેડા વેટલેન્ડમાં એક ટુર છે એના માટે નામ પણ નોંધાવ્યું. મોબાઈલ વડે પાડેલા ફોટાઓ અહીં જોઈ શકાશે.

આશા રાખીએ કે પ્લાનિંગ કરવામાં અને દોડવામાં – આવતો વીકએન્ડ સારો જાય! 🙂

બૈર્નાર સાથે મુલાકાત

* બૈર્નાર (એમ તો અંગ્રેજીમાં Bernard લખાય, પણ ફ્રેંચમાં આ રીતે ઉચ્ચાર કરાય!) અને હું આઈ.આર.સી. પર મળેલા. પછી, વાત-ચીતમાં ઓળખાણ થોડી વધી અને ખબર પડી કે બૈર્નાર દંપતિ ગુજરાત આવે છે (મિસિસ બૈર્નાર નવસારી-ગુજરાતી છે). તો, અમે ક્યાંક મળવાનું નક્કી કર્યું અને છેવટે ઓફિસથી નજીક પડે એ રીતે સાંજે સી.જી.રોડ પર થોડા દિવસ પહેલાં મળ્યા. એમ.એમ. પર એક ખૂણામાં બેઠા અને વાતો શરૂ કરી. બૈનાર્ડ હિન્દી સારી રીતે જાણે છે અને હવે ગુજરાતી પણ જાણી રહ્યો છે 🙂 અને અમારી મોટાભાગની વાતો ગુજરાતી ભાષા અને કોમ્પ્યુટરની આસ-પાસ રહી. ખાસ કરીને ફ્રાંસમાં ફ્રેન્ચ ભાષા અંગે કેવી પરિસ્થિતિ છે – તેનો એક દાખલો મને યાદ રહી જશે. ફ્રાંસમાં જો તમે સોફ્ટવેર બનાવો કે વેચો તો – તમારે ફરજીયાત ફ્રેંચ ઈન્ટરફેસ આપવો જ પડે, તેના સિવાય કોઈ તે વાપરે જ નહીં! બીજો દાખલો – કોમ્પ્યુટરના માઊસ ને ગુજરાતીમાં પણ માઊસ કહે છે – જ્યારે ફ્રાંસમાં માઊસ માટેનો ફ્રેંચ શબ્દ – Souris – જ વપરાય. તમે માઊસ કહો તો કોઈ સમજે નહીં. કહેવાની જરૂર છે કે ફ્રાંસમાં રહેવું હોય તો ફ્રેંચ શીખવું જ પડે!

આવી ઘણી વાતોથી મજા આવી ગઈ. પણ, હું ઓફિસમાંથી વચ્ચેથી આવ્યો હતો અને બૈનાર્રને અમદાવાદના બીજા છેડે જવાનું હતું. એટલે, રીક્ષા નક્કી કરી બૈનાર્ડને વિદાય આપી. તે પહેલાં અમે નીચેનો સરસ મજાનો ફોટો પડાવ્યો, જે બૈનારે ફ્રાંસ ગયા પછી મને મોકલ્યો – એટલે મેં આ પોસ્ટ લખી 🙂

બૈર્નાર સાથે હું - સી.જી. રોડ પર..

કરાડીની મુલાકાત

* ઓફિસનાં એક કાર્ય સંદર્ભે કરાડી (નવસારી) ગામે જવાનું થયું. થાકી ગયો પણ, મજા આવી અને ખબર પડી કે અપ-ડાઉન કરવામાં કેટલી હિંમત જોઇએ! સવારે કર્ણાવતી એક્સપ્રેસમાં નીકળ્યો. કર્ણાવતી એવી ગાડી છે કે જે તમને ન રાત્રે સુવા દે કે સવારે આરામથી સ્ટેશન પહોંચવા દે. માંડ-માંડ રીક્ષા મળી અને ગાડી ઉપડવાની પાંચ મિનિટ પહેલાં સ્ટેશન પર પહોંચ્યો. ધ્યાન રાખજો સ્ટેશન પર નેસકોફી પીવાનો પ્રયત્ન ન કરતા. મોઢામાં પણ ન જાય તેવી કોફી મળે છે (પ્લેટફોર્મ-૪ પર).

સુરત પહોંચ્યો. ત્યાંથી બસમાં નવસારી ગયો. ભૂલથી લોકલ બસમાં બેસી ગયો અને સુરત જીલ્લાનાં દર્શન કરી લીધા. ચાલની.. ચાલની જેવા સુરતી શુશબ્દો વડે મન પ્રફુલ્લિત પણ થયું 🙂 નવસારીથી એરુ ચાર રસ્તાથી રીક્ષામાં કરાડી પહોંચ્યા. ત્યાંની સ્કૂલ અને ગાંધીજીની ઝૂંપડીનાં થોડાક ફોટાઓ નીચે મૂક્યાં છે. ત્યાંથી પાછો નવસારી–>સુરત આવ્યો. કુનાલ ધામીને ફોન કરી સ્ટેશન પર મળવાનું નક્કી કર્યું. મજા આવી ગઇ! મારી ટ્રેન મોડી હતી એનો લાભ ઉઠાવીને બહુ વાતો કરી!!

ઘરે પહોંચતા ૧૦.૩૦ થઇ ગયા અને ઘરે પહોંચ્યા પછી કવિન જીભ કાઢીને મારું સ્વાગત કર્યું.

ગાંધી બાપૂની ઝૂંપડી! અહીં ગાંધીજી દાંડીકૂચ વખતે ૨૨ દિવસ રહ્યાં હતાં.. કરાડીની અફલાતૂન ઇન્ફ્રાસ્ટ્રકચર ધરાવતી શાળા..

મસ્ત લાઇબ્રેરી.. શાળાની લાઇબ્રેરીમાં ભગવદ્ગોમંડળ!!

કોકિલા - ર.વ.દેસાઇ! કોકીને ગિફ્ટ આપવી પડશે :P સ્કૂલની લેબમાં લેપટોપ!

વૃક્ષછેદન કરતાં બાપૂ ;) ખબર નહીં કોણે આ ચિત્ર બનાવ્યું હશે.. શાળાની પરસાળ

લિનક્સ ગુજરાત: પ્રથમ મુલાકાત!

* આખરે અમારા ગ્રુપ લિનક્સ ગુજરાતની પ્રથમ મુલાકાત ગોઠવાઇ અને આજે લગભગ ૬.૪૫ વાગ્યે અમે રસરંજન, વિજય ચાર રસ્તા ખાતે અમે મળ્યા, વાતો કરી અને મજા કરી.

શરૂઆત થઇ, એકબીજાના પરિચયથી. હાર્દિક અને હરિતને તો પહેલેથી જાણતો જ હતો. સચીનને લુગા.ઓર્ગનાં દિવસોથી (લુગા.ઓર્ગ ડોમેઇન કોણે વેચ્યુ તે આજે ખબર પડી!) ઓળખતો હતો પણ રૂબરૂ મુલાકાત આજે જ થઇ! પછી, લિનક્સ અને ઓપનસોર્સનો વ્યાપ અમદાવાદ અને ગુજરાતમાં કઇ રીતે વિસ્તારી શકાય તેની ઘણી ચર્ચાઓ થઇ. અમે અમદાવાદની કોલેજોમાં લિનક્સ વિશેની સમજણ વધે તે માટે આવતા અઠવાડિયાથી પ્રયત્નો શરૂ કરીશું.

સચીન શાહ હરિત અને તેનો સ્ટુડન્ટ કઝિન અંકુર પટેલ

અને છેલ્લે હાર્દિકે બધાને જે ગમતું હોય તે લેવાની ઓફર કરી, પણ મારું પેટ ભારે હોવાથી પેપ્સી લઇને ઠંડક મેળવી. હા, ઉબુન્ટુના મસ્ત સ્ટીકર અને ઉબુન્ટુ જોન્ટીનો ISO પણ તેને આપ્યો.

બોનસ: હાર્દિકનો એન્રોઇડ ફોન, હાર્દિકના ફોટાની જગ્યાએ 😉

એન્રોઇડ જી૧ ફોન

હવે, આવતી વખતે મળીશું ત્યારે ધ્યાનમાં રાખીશું કે રસરંજનમાં લેપટોપ લઇને બેસવામાં તે લોકોને પ્રોબ્લેમ થાય છે!