અપડેટ્સ – ૧૧૦

* યેય, દિવાળી વેકેશન પડી ગયું છે, એટલે આ બ્લોગ પણ વેકેશન-મોડમાં જશે. આમ પણ, છેલ્લાં કેટલાંય સમયથી મૂર્છિત અવસ્થામાં જ છે, એટલે કોઇને ખાસ ગેરહાજરી વર્તાશે નહી. કવિન જ્યારે આજે સ્કૂલથી આવ્યો ત્યારે બૂમો પાડતો-પાડતો આવ્યો કે વેકેશન પડી ગયું છે! આવો આનંદ હવે મને મળતો નથી એનું દુ:ખ છે. વેકેશન છે છતાંય લેપટોપ અને ઢગલાબંધ ઇલેક્ટ્રોનિક્સ કચરો જોડે લઇ જવાનું છોડી શકાતું નથી.

* રવિવારે વસઇ-વિરાર હાફ-મેરેથોન ઠીક-ઠાક સમયમાં પૂરી કરવામાં આવી (સમય: ૨.૩૨.૪૨ નંબર: ૧૨૬૭). મજાની વાત એ હતી કે આ મેરેથોન નગરપાલિકા દ્વારા સ્પોન્સર હતી એટલે રસ્તાની બન્ને બાજુએ લગભગ બધી જગ્યાએ વિવિધ સ્કૂલનાં છોકરાંઓ અમને ઉત્સાહિત કરતા હતા. લેઝિમ, ડ્રમ બેન્ડ અને ડી.જે. લોકો પણ યોગ્ય રીતે પાણી વગેરે પૂરા પાડતા જોયા પછી વસઇ-વિરારને બેસ્ટ સપોર્ટેડ મેરેથોનનો ખિતાબ મુંબઇ મેરેથોનમાંથી છીનવીને આપવામાં આવે છે. હા, થોડાંક લોચા હતા, પણ ઓર્ગેનાઇઝર વગેરેએ ફીડબેક પોઝિટીવ લીધો હોવાનાં અહેવાલો છે. જો તમે મુબંઇમાં હોવ તો, મસ્ટ રન મેરેથોન!

* સાયકલમાં ફરીથી ટાયર પંકચર, જેથી આ અઠવાડિયાનું સાયકલિંગ ખોરવાઇ ગયું છે. હવે વેકેશન પછી તેને પણ યોગ્ય ન્યાય અપાશે. એટલિસ્ટ, મુંબઇ મેરેથોન પહેલાં એકાદ ૧૦૦ કિમીની રાઇડ થઇ જાય તેવું આયોજન ચાલે છે. (જોકે મારા આયોજનો આયોજન પંચ કરતાં બહુ સારા હોતા નથી).

* એકાદ દિવસ અમદાવાદનો પ્લાન છે, પણ ત્યાં ડેન્ટલ ટ્રીટમેન્ટ ડોકિયાં કરે છે, એટલે કોઇને મળવાનો સમય મળે તેમ લાગતો નથી. પેલા ડેકાલથોન સ્ટોરમાં પણ આંટો મારવાની ઇચ્છા સાઇડ પર મૂકવી પડે તેમ છે. તેમ છતાંય ADRians જોડે દોડવાનો મોકો ગુમાવવાનો નથી 😉

* અને છેલ્લે, આ ત્રીજા મોરચાનું સરકસ જોઇને હસવું કે રડવું તે સમજાતું નથી. બંદરોનો નાચ, દેશને સો ટકા મોંઘો પડવાનો છે.

રેસ રિપોર્ટ: મુંબઇ મેરેથોન ૨૦૧૩

* તો હાજર છે, મુંબઇ મેરેથોન ૨૦૧૩ (ઉપ્સ, સ્ટાન્ડર્ડ ચાર્ટડ મુંબઇ મેરેથોન ૨૦૧૩!) નો રેસ રીપોર્ટ.

મુંબઇ પહોંચ્યો ત્યારે પેલી ૨૩ કલાક (વત્તા દાદર-ચર્ચગેટ-ઘરની લોકલ મુસાફરી + સ્ટેશનથી ઘર) મુસાફરીનો થાક ભરપૂર લાગેલો હતો. બીજા દિવસે કફ પરેડ બીબ નંબર અને ટાઇમિંગ ચીપ લેવા માટે જવાનું હતું. ત્યાં ગયા પછી બીજા ADR સભ્યો મળ્યા એટલે અડધી બપોર ત્યાં જ નીકળી ગઇ. પાછો આવ્યો ત્યાર પછી બીજા કામ પૂરા કર્યા અને રાત્રે છેક ૧૧.૩૦ વાગ્યા પછી સૂવામાં આવ્યું. જોકે મને હજી સુધી ઓછી ઉંઘની અસર કેવી પડે એનો ખ્યાલ નહોતો.

બીજા દિવસે સવારે પહેલી લોકલમાં ચડ્યો ત્યારે અડધી ટ્રેન મેરેથોન રનર્સથી ભરેલી હતી. ઘણાં નવાં લોકો જોડે ઓળખાણ થઇ અને તેમનાં અનુભવો સાંભળવાની મજા આવી. આઝાદ મેદાન પહોંચ્યા ત્યારે મેદાન મેરેથોનર્સથી ભરેલું હતું. શરુઆત થયા પછી ટાઇમિંગ કારપેટ પર જતાં મને ૧૦ મિનિટ લાગી! આ તફાવત મને મેન્ટલી બહુ મદદ કરવા વાળો હતો! શરુઆત તો સરસ થઇ. રાજેશ, નિરવ રસ્તામાં મળ્યા, બીજા લોકો મળતાં રહેતા હતા અને આગળ જતાં રહેતાં હતા 😉 વરલી સી-ફેસ સુધી તો આપણે સારું પ્રદર્શન કર્યું પણ, પછી સી-લિંકથી મને સી-સીકનેસ થવાની શરુઆત થઇ. વેલ, વાતાવરણ બહુ સરસ હતું એટલે લગભગ ૨૧ કિલોમીટર અઢી-કલાકમાં થઇ ગયા. ત્યાર બાદ ૨૦-૨૫માંય કંઇ ખાસ વાંધો ન આવ્યો. રસ્તામાં વાતો કરતાં-કરતાં સારો સમય પસા ર થઇ ગયો, પણ પછી તડકો ચડવાની શરુઆત થઇ અને ૩૦ કિલોમીટર પહોંચ્યા પછી હિપ જોઇન્ટમાં દુખાવાની શરુઆત થઇ જે છેક ૩૫ સુધી નડી. ૩૫ થી ૩૮ એટલે સૌથી તકલીફ વાળો રસ્તો – પેડર રોડ! આ પેડર રોડે અમારી પત્તર ફાડી. બીજી બાજુ કોકી-કવિન અને મારા સસરા મારી રાહ જોઇને ઉભા હતા. ૩૮થી ૪૧ – એટલે મેં લગભગ ચાલીને જ પૂરુ કર્યું. પેલી ટોપી કામમાં આવી અને પૈસા વસૂલ થયા.

૪૧ પછી થોડું સ્પ્રિન્ટ કરવામાં આવ્યું અને ફિનિશિંગ લાઇન પર પહોંચ્યો ત્યારે ૬ કલાક, ૦૩ મિનિટ થઇ ગઇ હતી પણ અમે મોડા ચાલુ કર્યું એટલે ઓફિશિયલ ટાઇમિંગ આવ્યો: ૫.૫૫.૩૫.

થાક લાગ્યો છે પણ એટલો બધો નથી લાગ્યો જેટલો લાગવો જોઇએ. હવે વ્યવસ્થિત તૈયારી આ અનુભવથી બોધપાઠ લઇને કરવામાં આવશે. દા.ત. મારા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળી છેલ્લાં પાંચ કિલોમીટર કેવી રીતે ઝડપથી દોડી શકાય? અપર બોડીને મજબૂત કરવી વગેરે વગેરે.

જે હોય તે, પહેલી મેરેથોન અને પૂરી કરી એટલે હું ખુશ છું. ie મારો જેવો ફ્લોબર વોર્મ દોડી શકે તો તમે કેમ નહી? 😀

(ફોટો વગેરે આવશે ત્યારે, અહીં અપડેટ કરીશ, અથવા ફેસબુક ઝિંદાબાદ)

PS: ડેઇલીમાઇલ એન્ટ્રી.

PS ૨: ઓફિશીઅલ પરિણામ.

૨૦૧૨: રનિંગ અહેવાલ

* અમારા ડેબિયન મિત્ર ક્રિસ્ટિઅન પેરિઆરે ૨૦૧૨ની રનિંગ સમરી લખી છે. તો, અમને થયું કે આપણે પણ લખીએ. અને, ૨૦૧૩નાં ટારગેટ્સ, ગોલ વગેરે પણ મૂકીએ. જોકે તેમની જેમ દોડતાં ઓફિસ જવાનો મારો કોઇ વિચાર નથી, કારણ કે, ઓફિસના બાથરુમમાં શાવર નથી 🙂

૨૦૧૨માં,

દોડવાનું: ૧૩૯૨ કિલોમીટર,  સમય: ૧૫૮ કલાક. (જોયું? સરેરાશ, દરરોજનો અડધો કલાક જ! સમય નથી એ બહાનું કેવું?)

ચાલવાનું: ૨૧૪ કિલોમીટર, સમય: ૩૮ કલાક, ૩૦ મિનિટ્સ. (હવે, ખાસ ચાલવાનું ઘટી ગયું છે, કારણ કે પીજી<–>ઓફિસ કે બીજી જગ્યાઓએ ચાલતા જ જવામાં આવે છે. દરરોજ બે-ત્રણ કિમી તો એમને એમ જ થઇ જાય છે!).

ફિટનેસ: ૯ કલાક, ૪૨ મિનિટ્સ (મે મહિનાથી. અને છેલ્લાં ત્રણ મહિનાથી તો લગભગ બંધ જ હતું!)

૨૦૧૨ની ઓફિશિઅલ રેસ:

૧. સાબરમતી રિવરફ્રન્ટ ૧૦ કે.

૨. હૈદરાબાદ હાફ મેરેથોન.

૩. બેંગ્લોર મિડનાઇટ હાફ મેરેથોન.

૨૦૧૩માં?

૧. અંતર: ૨૦૧૩ માઇલ્સ. ઓહ, બહુ મોટ્ટું ટારગેટ છે. પણ, જોઇએ 🙂

૨. રેસ: મુંબઇ મેરેથોન (જાન્યુ, ૧૩), <મુંબઇ-હૈદરાબાદ રેસની વચ્ચે બીજી બે મેરેથોન્સ>, હૈદરાબાદ મેરેથોન (ઓગસ્ટ ૨૦૧૩), કાવેરી ટ્રેઇલ મેરેથોન (સપ્ટેમ્બર, ૧૩), બેંગ્લોર અલ્ટ્રા (૫૦ કે) (નવેમ્બર, ૧૩) અને સાબરમતી મેરેથોન (જો ૨૦૧૩માં થાય તો) અને બીજી બે-ત્રણ હાફ મેરેથોન્સ જો મેળ પડે તો અને થોડીક લોકલ ૧૦ કે વગેરે.

૩. સાયકલિંગ: ક્રોસ ટ્રેઇનિંગ માટે શરુ કરવું.

૪. બીજી કસરતો: અપર બોડી બિલ્ડિંગ માટે. એમ તો, હળવી કસરત ચાલુ કરી જ છે, પણ હજી પૂરતી નથી.

દોડવાનું કઇ રીતે શરુ કરવું – ૨

*  ‘ન દોડવાના બહાનાં’ પર ખાસ પોસ્ટ હાજર છે!

બહાનું #૧: સમય નથી.

ચિત્ર સ્ત્રોત: ફેસબુક

સવારે સમય નથી? તો સાંજે દોડો. સાંજે સમય નથી તો સવારે દોડો. સોમ થી શુક્ર બીઝી છો? તો શનિ-રવિનો ઉપયોગ કરો. ઘરની નજીક ગાર્ડન હોય તો રાત્રે પણ દોડી શકો છો (જમ્યા પહેલા!).

બહાનું #૨: મારું શરીર તો ફીટ છે, દોડવાની શી જરુર?

બહારથી મસ્ત દેખાતું શરીર અંદરથી ફીટ હોય જ તે જરુરી નથી. દોડવાથી હ્દ્ય વત્તા મગજને પણ પૂરતો ઓક્સિજન મળવાથી એકસ્ટ્રા ફાયદો થાય છે. સાંધા વગેરેના રોગોથી રાહત મળે છે (કે પાછલી ઉંમરે થતા નથી કે ઓછા થાય છે). તમારી ‘ફીટ’નેસનો ટેસ્ટ દોડવાનું શરુ કરવાથી થઇ જશે! 🙂

બહાનું #૩: હવે ઉંમર થઇ ગઇ.

ADR માં એવા મેમ્બર છે જેમને ૬૦ વર્ષે દોડવાનું શરુ કર્યું છે અને અત્યારે ૬૫ થી ૬૯ વર્ષે પછી ફુલ-મેરેથોન દોડે છે! રણધીરઅંકલ અને માંકડ અંકલ તેનાં ઉદાહરણ છે. હૈદરાબાદ મેરેથોનમાં આવા કેટલાય ઓલ્ડ-યંગ ને મારાથી આગળ થતા જોયેલા છે!

બહાનું #૪: દોડવાનું મોંઘું છે.

એક રીતે જોઇએ તો કોઇપણ શોખ મોંઘો છે, પણ રનિંગ (અને સાઇકલિંગ) કદાચ એવા શોખ છે જે મીનીમમ રુપિયા ખર્ચીને પણ સારી રીતે કેળવી શકાય છે. દોડવા માટે માત્ર વર્ષે-બે વર્ષે શૂઝ વત્તા ચડ્ડી-ટીશર્ટનો ખર્ચો છે. જરુરી નથી કે દેશ-વિદેશના દરેક ખૂણે થતી મેરેથોનમાં તમે ભાગ લો. હવે તો ગુજરાતમાંય ત્રણ મેરેથોનનું આયોજન થાય છે (આ વખતે સુરતમાંય મેરેથોનની વાતો સંભળાય છે. હુરતીઓ દોડશે તો મજા આવશે! ખાલી આયોજનમાં લોચા ના પડે તો સારી વાત છે ;)).

મેં કરેલ ત્રણ બેસ્ટ રનિંગ એસેસરી: પાણીની બોટલ (વીથ ગ્રીપ): ૧૪૯, હેડ બેન્ડ: ૧૯૫, બેલ્ટ: ૨૦૦. આમાં પહેલી અને ત્રીજી વસ્તુ રનિંગ માટેની છે જ નહી તો પણ મને મસ્ત રીતે સેટ થઇ ગઇ છે. આ વસ્તુઓ જો બ્રાન્ડેડ લેવા જઇએ તો ત્રણ ગણાં રુપિયા તેના માટે આપવા પડે.

બહાનું #૫: લોકો શું કહેશે?

ખાસ કરીને કદાચ બહુ વધુ વજન કે પછી કોઇક વાર છોકરીઓ-સ્ત્રીઓને આ પ્રશ્ન ઉદ્ભવે છે. એક ઉપાય જીમ અથવા વહેલી સવારે કે સાંજે ગાર્ડન-પાર્કમાં દોડી શકાય. જો પોસાતું (અને જગ્યા-મોકળાશ)  હોય તો ટ્રેન્ડ મિલ ઘરે પણ વસાવી શકાય પણ એમાં રોડ-ટ્રેક જેવી ફિલ આવતી નથી. શોર્ટ પહેરીને જ દોડવું તે જરુરી નથી, સરસ ટ્રેક પેન્ટ મળે છે.

અને તોય લોકો કંઇક તો કહેવાના. Ignore કરવા!

બીજા કોઇ બહાનાં છે? તો લખો, ઉકેલ હાજર છે!!

અપડેટ્સ

* ગાંધીનગર હાફ-મેરેથોન પાછી ઠેલાઈ છે 😦 જ્યારે ભૂલથી સાબરમતી મેરેથોનના દિવસે બીજુ કંઈ પ્લાન થઈ ગયુંને બન્ને દોડની વાટ લાગી ગઈ. છતાંય, નિયમિત દોડવાનું સારું ચાલે છે, તે આનંદની વાત છે. અમદાવાદમાં નિયમિત રનિંગ કરવા વાળાનું ગ્રુપ છે એ જાણીને આનંદ થયો. શનિવારે ઘણાં દિવસ પછી સવારે દોડવા માટે ગયો ત્યારે કેન્યન દોડવીરો વસ્ત્રાપુર લેકમાં પ્રેક્ટિસ કરતાં જોયા. તેમનાં શરીર જાણે દોડવા માટે જ બન્યા હોય એવું લાગ્યું 🙂

* કવિનની પરીક્ષાઓ સફળ રીતે પૂરી થઈ છે! 😀 (રીઝલ્ટ અબી બાકી હૈ!)

* ઠંડી પડવાની શરુઆત આવતી ગઈકાલથી થઈ છે એમ લાગે છે. ક્યાં છે મારી ટોપી? (જુઓ: comments!)

* ગઈકાલે ચંદ્રગ્રહણ જોવાની મજા આવી ગઈ. ટ્રાઈપોડ હજી નથી એ વાત મિસ કરાય છે. એના ફોટાઓ અહીં મૂક્યા છે.

અપડેટ્સ

* ગાંધીનગર ૯ કિ.મી.માં નામ નોંધાવી દીધું છે. ફાઈનલી. પેમેન્ટનો પ્રશ્ન પણ સોલ્વ. સાબરમતી સાત કિ.મી.માં ફોર્મ લાવી ભરી દેવામાં આવ્યું છે. હવે ક્યાંક નજીકમાં AMC ના સેન્ટરમાં જમા કરાવવાનું છે. પ્રેક્ટિસ વગેરે સારી ચાલે છે – અને કદાચ ૯ કિ.મી. જીવતા જીવ પૂર્ણ થશે એવું લાગે છે.

* ફેસબુક પર હવે થોડું નિયંત્રણ મૂકવાનું નક્કી કર્યું છે. જે લોકોને અંગત રીતે મળ્યો નથી અથવા માત્ર ફેસબુકમાં ઉમેરવા માટે ઉમેર્યા છે તેમને બાય-બાય. સબસ્ક્રાઈબનો વિકલ્પ ખૂલ્લો છે. ખોટું ન લગાડવું, અથવા બંધ બેસતું સ્વેટર ન પહેરવું. વીક-એન્ડમાં સાફ-સફાઈનો કાર્યક્રમ છે.

* તિબેટિઅન માર્કેટમાંથી સ્વેટરો લાવવામાં આવ્યા છે – કવિન માટે જ. મારે તો વર્ષો જૂનું જેકેટ સારું એવું ચાલે છે. KDE નું હૂડી જેકેટ પણ સરસ છે.

* પુસ્તકોમાં ‘ફાંસલો – અશ્વિની ભટ્ટ’ ને હાથ લગાડવામાં આવ્યો છે. ઓવરરેટેડ પણ સારી નવલકથા. રિફલેક્સ એક્શન. સ્તનયુગ્મ – આ બે શબ્દો ન હોય તો અશ્વિની ભટ્ટની નવલકથા કહેવાય? 🙂

દાદા…

* આ કવિનનો ફેવરિટ શબ્દ છે અને આજે વહેલી સવારે જ્યારે દાદા આવ્યા ત્યારે એના મોઢાંના ભાવ જોવા જેવા હતા. કંઈક અદ્ભૂત આનંદ થયો હોય એવા. કવિન એટલો સદ્નસીબ કે તેને દાદાનો આવો પ્રેમ મળ્યો છે (ના, ખોટાં લાડકોડ નહી, પણ પ્રેમ). હવે બે-ત્રણ દિવસ અમારા મોઢાંના ભાવ પણ આનંદમય જ હશે કારણ કે, કવિન-દાદા એમની દુનિયામાં બીઝી હશે અને કવિનના અળવીતરાં સવાલો, જવાબો અને ધમાલ-મસ્તીનું પ્રમાણ ૯૦ ટકા ઘટી જશે.

અને, દાદાનો સ્ટેમિના જોઈને મને પણ પેલી ગાંધીનગરની ૯ કિ.મી. રનમાં ભાગ લેવાનું જોમ આવ્યું છે – જો રજીસ્ટ્રેશન પેજ બરોબર થઈ જાય તો. તેની ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ કરતાં તો એમ થાય છે કે ગાંધીનગર જઈને રજીસ્ટ્રેશન કરાવવું સારું પડે. મારું રજીસ્ટ્રેશન હજી પેમેન્ટ પ્રોસેસ પર અટક્યું છે. લેટ્સ સી (letsrun.in ની જગ્યાએ) 🙂

અપડેટ્સ..

શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ સ્પર્ધા ૨૦૧૧ ના પરિણામો ગઈકાલે રાત્રે જાહેર કરવામાં આવ્યા હતા. અને મારું નામ જોઈને મને નવાઈ લાગી 🙂 વેલ, અન્ય ૯ બ્લોગ્સને અભિનંદન. આયોજકોને મહેનત માટે ખાસ થેન્ક્સ. મારા વડે વોટ આપેલ બ્લોગ્સમાંથી એટલિસ્ટ બે બ્લોગ્સ આવ્યા એટલે આનંદ થયો. બાકીના ત્રણ બ્લોગ કયા એ મારા બ્લોગરોલની યાદીમાંથી મળી શકશે. ઓહ, અને મને વોટ આપવા બદલ સૌ કોઈને થેન્ક્સ.

* સાબરમતી મેરેથોનની જાહેરાત થઈ છે જ્યારે ગાંધીનગર હાફ મેરેથોન ૧૮ ડિસેમ્બરે ખસેડવામાં આવી છે. ઓકે. થોડો સમય વધુ મળશે 🙂

* આજે થોડું ચાલવાનું પણ શરુ કર્યું.

* થોડા ફોટોગ્રાફ્સ પ્રિન્ટ કરવામાં આવ્યા છે. એક-બે કોલર ઉંચા કરી શકાય તેવા છે. બાકી ઠીક-ઠીક છે. ગમે તેટલી ના પાડવા છતાંય પ્રિન્ટ કરવામાં છેડછાડ કરવામાં આવી છે.