સ્ટ્રાવા ભાગ પાંચ

સ્ટ્રાવા એપ સાથે સૌથી મોટી તકલીફ ઘણી વખત જીપીએસના લોચા છે. આ એપ ફોનના જીપીએસ પર આધારિત છે અને ફોનનું જીપીએસ તેમાં રહેેલી ચીપ પર. તેમાં આવતી ચીપ કઇ કંપનીની છે, તે આધારિત છે ફોનની કિંમત પર. એટલે સસ્તો ફોન, સસ્તું પરિણામ. જોકે એનો અર્થ એ નહી કે સ્ટ્રાવામાં મુશ્કેલી આવે જ. છતાં પણ આવે તો,

૧. મોબાઇલમાં બેટ્રી ઓપ્ટિમાઇઝર સ્ટ્રાવા એપ માટે બંધ કરી દેવું.
૨. શક્ય હોય તો મોબાઇલ નેટવર્ક સ્ટ્રાવા શરૂ કર્યા પછી બંધ કરી દેવું. જેથી વધુ બેટ્રી ન વપરાય અને જીપીએસ મોબાઇલ ટાવરને પકડે નહી.
૩. સ્ટ્રાવા ડેસ્કટોપ પર અંતર અને ઉંચાઇ ખોટી આવે તો સુધારી શકાય છે. વધુમાં, રાઇડ-રનને કટ-ક્રોપ પણ કરી શકાય છે.
૪. ગારમિન કે જીપીએસ ઘડિયાળ વાપરવી 🙂

બીજા કોઇ સૂચનો? અહીં જણાવવા વિનંતી!
 

Advertisements

ધીમું-ધીમું

* થોડા સમય પહેલાં 3જી આવ્યું ત્યારે 2જી ધીમું થઇ ગયું. હવે 4જી આવ્યું છે ત્યારે 3જી ધીમું ચાલે છે. આ મોબાઇલ કંપનીઓની ચાલ છે કે પછી મારો વહેમ છે? હા, પેલી એપલ કંપની જૂનાં ફોનને ધીમા કરતા પકડાઇ છે. કોઇ રોશન બજાજ આ વિશે પ્રકાશ પાડશે?

હિમજી એપ

* એમાં થયું એવું કે વોટ્સએપ પર એક સંદેશો મળ્યો કે હવે હિમજી એપ વડે તમે ૫૦૦૦ મિત્રોને એક ગ્રુપમાં ઉમેરી શકો છો અને આ એપ ગુજરાતના એક વિદ્યાર્થીએ (વાંચો: ૯માં ધોરણમાં ભણતા) બનાવી છે. તો આપણે પણ આ એપ ચકાસી. તો શું બહાર આવ્યું?

૧. આ એપ ટેલિગ્રામ ક્લાયન્ટ છે. હા. ડિટ્ટો કોપી-પેસ્ટ. તમે પણ આવી એપ સરળતાથી બનાવી શકો છો. સત્ય બહાર લાવવા માટે ટેલિગ્રામ અને આ હિમજી એપ સાથે ઇન્સ્ટોલ કરવી.

૨. આ ભાઇ એ ભંગાર રંગો અને UI વાપર્યા છે. ટૂંકમાં કોપી-પેસ્ટમાં અક્કલ હોતી નથી.

૩. ગુજરાતનો છોકરો (કે છોકરી) – આ નામે કંઇ પણ ચાલે છે.

૪. લોકો ચકાસ્યા વગર કંઇપણ ફોર્વડ કરે છે.

૫. વોટ્સએપ ગ્રુપમાં અક્કલનું પ્રદર્શન થાય છે.

૬. જો તમે આ પરથી બનાવેલી એપનો સોર્સ કોડ ન આપો તો કાયદાકીય રીતે ખોટું છે. ટેલિગ્રામ GPLv2 લાયસન્સ હેઠળ છે.

છેલ્લે, જય હિમ! 🙂

૨ ભાગ્યા ૩

જીયો જીયો
નવા વર્ષના પ્રારંભે પહેલું પાપ કર્યું અને જીયોના બે સીમકાર્ડ લીધા. હવે પરિસ્થિતિ એવી થઇ કે ર કાર્ડ વચ્ચે ૩ મોબાઇલ છે. જેમાં,

* એક ફોન ૪જી છે, જેમાં બે સીમકાર્ડ સ્લોટ છે – જેને જીયોની જરુર છે, અને બરાબર ચાલે છે.
* એક ફોન ૪જી છે, જેમાં એક જ સીમકાર્ડ સ્લોટ છે – જેને જીયોની જરુર નથી.
* એક ફોન ૩જી છે, જેમાં બે સીમકાર્ડ સ્લોટ છે – જેને જીયોની જરુર છે અને શક્ય નથી.

કપરા સંજોગોમાંથી અમે પસાર થઇ રહ્યા છીએ!!

તા.ક. આ જીયોવાળો ઘરે આવેલો તો, એનું જ નેટવર્ક નહોતું આવતું 😉

વોડાફોન કંપની

ફોન આવે છે..

તે: હેલ્લો. સર મેં વોડાફોન કંપની સે બોલ રહા હું.
હું: સોરી. નોટ ઇન્ટરેસ્ટેડ.
તે: સર આપને વોડાફોન કા પ્રોડક્ટ લીયા હૈ ઉસકે બારે મેં બાત કરના હૈ.
હું: મેને કોઇ પ્રોડક્ટ નહી લીયા હૈ. સોરી.
તે: અરે સર, વોડાફોન નહી, વહર્લપુલ કંપની સે બોલ રહા હું.
હું: ઠીક સે બોલો ના.

ટૂંકમાં, આપણા કાન આ વોડાફોન કંપનીથી એટલા કંટાળી ગયા છે કે વાત જ ના થાય.

તૂટેલો ફોન અને નવું માઉસ

image

એમાં એવું બન્યું કે ગુરૂવારે હું 300 રૂપિયા બચાવવા એક જગ્યાએ સાયકલ લઇને જતો હતો. આપણા ચાહીતા એવા એક રીક્ષાવાળાએ નક્કી કરેલું કે આ વખતે તો ખોટી દિશામાં જ રીક્ષા ચલાવવી. અને એજ વખતે તે સામે આવ્યો અને પાછો કોઇનો ફોન પણ આવ્યો. ઋષિ મુનિઓનું ધ્યાન વિચલિત થતું તો અમે કોણ? ફોન પણ વિચલિત થયો અને સાયકલ સાથે અમે સૌ કોઇ ધરતી રસાતાય થયા.

સારા નસીબે પપ્પાએ દોડાદોડી કરીને એક જ દિવસમાં ફોન સરખો કરાવ્યો. કોકીનો ફોન પણ ઠીક થઇ ગયો.

અને પછી વારો હતો, માઉસનો અને પેલા લેપટોપ કૂલરનો અને પેલા DSLRનો. માઉસ તો નવું લીધું, પણ ટૂંક સમયમાં હાઉસ લીધું હોવાથી હજુ કેમેરો પેન્ડિંગ રહેશે.

અપડેટ્સ – ૧૫૭

લોંગ ટાઇમ, નો અપડેટ્સ!

* છેલ્લાં વર્ષે એટલે કે ડિસેમ્બરમાં નવો ફોન તો લઇ લીધો (એક વત્તા એક – વન પ્લસ વન), પણ હવે એ દોડતી વખતે મોટો પડે છે. ફેસપામ. વધુમાં, નેક્સસ ૫ રીપેર કરાવી દેવામાં આવ્યો છે. ઓફિશિઅલી રીતે રીપેર કરાવવાની જગ્યાએ અમે સસ્તામાં કરાવ્યો – ત્રીજા ભાગના ખર્ચામાં!

નવાં ફોન વિશે કહીએ તો એ ફોન ડિસેમ્બરમાં લેવામાં આવ્યો હોવાથી મારાં રીઝોલ્યુશનનો ભંગ થતો નથી!! સરસ ફોન. પહેલાનાં અનુભવોને ધ્યાનમાં લઇને કવર લગાવ્યા પછી જ વાપરવાનું ચાલુ કરવામાં આવ્યો છે, પણ તેનાથી ફોનનો લુક & ફીલ બગડી જાય છે 😦 જે હોય તે, અહીં કોને દેખાડવાનો છે? 😉

* મુંબઇ મેરેથોન જ્યારે પણ નજીક આવે ત્યારે મારે કામ-કાજ અને પેટમાં ગરબડ થાય છે. સહઘટના? એટલે કે કોઇન્સિડેન્ટ?

* કવિનને થોડું-થોડું દોડાવવાનું નક્કી કર્યું છે, આજે બીજો પ્રયત્ન છે. તેને જો વધુ રસ હોય તો ફેબ્રુઆરીમાં ક્યાંક (હિરાનંદાની અથવા બાંદ્રા) રેસમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરાશે. હજી જોકે અમે ૧ કિમી પર છીએ અને સમયની મારામારી છે. અહીં ઉતાવળ કરવા જેવી નથી એ અમને ખબર છે.

* પરીક્ષાઓ આવી રહી છે, ઉત્તરાયણ આવી રહી છે (PS: મુંબઇની ઉત્તરાયણ “ભંગાર” હોય છે), ઠંડી આવતી-જતી રહે છે, જીવન આવું જ છે!!

અપડેટ્સ – ૧૪૯

* ગઇકાલથી ફરી પાછું દોડવાનું શરૂ કર્યું છે. મસ્તી ખાતર દસ દિવસ માટે દરરોજ ૧૦ કિલોમીટર દોડવામાં આવશે. બે દિવસ તો સારા ગયા છે, હવે જોઇએ કે ક્યાં સુધી દોડાય છે. હવે ગરમી પડવાની સરસ શરૂઆત થઇ ગઇ છે (વરસાદ હજી ચાલુ છે તો પણ). સાઇકલ પંકચર વાળી જ એમ જ પડી છે. આવતીકાલે તેનું રીપેરીંગ કામ-કાજ હાથમાં લેવાનો પ્લાન છે. સાઇકલની બેગનું પણ હેકિંગ ચાલુ છે (કારણ કે સેડલ બેગ અને રીઅર લાઇટ્સને મેળ બેસતો નથી!).

* બાય ધ વે, આ MOU ઓ નો ફાયદો શું? હું પણ ૫૦ કરોડનો MOU કરૂં પણ પછી રોકાણ ન કરું તો? જય બાબાજી.

* આ અઠવાડિયે, નવાં પુસ્તકો,
૧. મારો સંઘર્ષ – એડોલ્ફ હિટલર.
૨. બિરબલની વાર્તાઓ (અંગ્રેજી) – અમર ચિત્ર કથા (કવિન માટે).

* અને ઓહ, ફરીથી: ફેસબુકના “પાનાંઓ” લાઇક કરવા માટે મને રીકવેસ્ટ મોકલો તો,
૧. જો મને પાનું ગમતું હશે તો જ લાઇક કરીશ.
૨. નહી ગમે તો તમે ગમે તેટલું મથશો, લાઇક નહી જ કરું. કદાચ આવું કરશો તો નહીં જ કરું 😉

* આવતી અપડેટ્સ પોસ્ટ, ૧૫૦મી હશે. કોઇ પ્રકારની પાર્ટી રાખી નથી.

* માઇનક્રાફ્ટ (મોબાઇલમાં) રમવાની શરૂ કરી છે.

નવો ફોન: ઇન્ટેક્સ ક્લાઉડ એફએક્સ

…એટલે કે Intex Cloud FX

ફાયરફોક્સ ફોન!

જ્યારે મોઝિલાએ જાહેરાત કરીકે તેઓ ભારતમાં સસ્તો ફાયરફોક્સ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતો ફોન રજૂ કરવાના છે, ત્યારે જ મારો ચમકતો ફોન પડ્યો અને પછી દોડવા માટે એક નવા ફોનની જરૂરિયાત સામે તરત જ આ ફોને મને ખેંચ્યો. સ્નેપડીલ ઉપરથી થોડી મહેનત પછી ફોનનો ઓર્ડર આપ્યો. સ્નેપડીલ ઉપરથી પહેલો ઓર્ડર હોવાથી અમે તેને કેશ-ઓન-ડીલિવરી વિકલ્પમાં રાખ્યો (જેથી પછી કેષ ખેંચવા ન પડે). આજ-કાલ બધાં સ્માર્ટ થઇ ગયા છે. પહેલાં બતાવે કે ઓર્ડર આ તારીખે શિપિંગ કરીશું, પછી તારીખ કરતાં પહેલાં કરે અને પછી કહે અમે કહેલી તારીખ કરતાં પહેલાં ડીલિવરી કરી એટલે અમે સરસ. માય ફૂટ. આ ચેપ આજ-કાલ ફ્લિપકાર્ટને પણ લાગ્યો છે. વેલ, જે હોય તે. ફોન સમયસર મળ્યો.

ગમી જાય તેવી ખાસિયતો?

૧. રૂપિયા ૧૯૯૯/- માં ફોન.
૨. ફાયરફોક્સ ઓપરેટિંગ સિસ્ટમ.
૩. વજનમાં હલકો.
૪. ડબલ સીમ.
૫. એફ.એમ. રેડિયો.

ન ગમે તેવી વસ્તુઓ?

૧. રજી જ અને નો ૩જી.
૨. ઓછી રેમ. કદાચ ૨૫૬ એમબી હોત તો ઠીક. પણ ૧૨૮ એમબી?? 🙂

અત્યાર સુધી ખાસ વાપર્યો નથી (સિવાય કે બધી એપ્સ ટ્રાય કરવામાં અને ટેસ્ટ કોલ્સ કરવામાં), પણ આ ફોન લઇને દોડવામાં કે સાયકલ ચલાવવામાં રિસ્ક નથી. રજી ઇન્ટરનેટ હજી ટ્રાય કર્યું નથી, થોડા દિવસ પછી એની ચકાસણી કરવામાં આવશે. ખાલી વોટ્સ એપ અને મેપ્સ ચાલે એટલે બહુ થઇ ગયું. હા, આમાં GPS પણ નથી, એટલે ક્યાંય ખોવાઇ જાવ તો ન ચાલે (કે દોડે!).

સેકન્ડરી ફોન તરીકે આ ફોન સરસ છે. Spice એ પણ તેમનો ફાયરફોક્સ ફોન રજૂ કર્યો છે (જોકે ક્યાંય દેખાયો નહી!) જે આનાં કરતાં ૩૦૦ રૂપિયા મોંઘો પણ થોડા સારા ફિચર્સ ધરાવતો ફોન છે. જો લેવો હોય તો એ આના કરતાં વધુ સારો ઉમેદવાર છે!

રેસ રીપોર્ટ: ૧૨ કલાક

* આ વળી શું? જોકે ફેસબુક વગેરે પરથી ખ્યાલ આવી જ ગયો હશે કે આ માણસે ૧૨ કલાકની દોડ પૂરી કરેલ છે 🙂

રીપોર્ટ/અહેવાલ

૧૪ તારીખે બપોરે ઘરે આવ્યો ત્યારે લેગ જેટ થઇ ગયા હતા અને જેટ લેગ થઇ ગયું હતું. થોડો આરામ કર્યો અને પછી ૧૨ કલાક દોડની તૈયારીઓ. જોકે કપડાંની એક બેગ, શૂઝ સિવાય કંઇ ખાસ લેવાનું હતું નહી કારણ કે દોડવાનું લૂપમાં જ હતું. સવારે રીક્ષા+ટેક્સી દ્વારા દાદર પહોંચ્યા ત્યારે, ત્યાં પહોંચવા વાળા હું અને બાંસુરી સૌથી પહેલાં હતા. બેગ વગેરે જમા કરાવીને, બીબ નંબર લીધો ત્યાં સુધીમાં વીર સાવરકર સ્વિમિંગ પૂલનો બહારનો ભાગ ભરાઇ ગયો હતો. અમદાવાદથી આવેલા સોહમભાઇ, લિહાસભાઇ, રણધીર અંકલ (ઉ.વ. ૭૧!) અને બીજા અનેક લોકો મળ્યાં. અમારા જાણીતાં-ઓળખીતા રનિંગ ચહેરાઓ તો ખરા જ. જેવી દોડ ચાલુ થઇ ત્યાં વરસાદ પડ્યો. અમારે વરલી સી-ફેસના અંત સુધી દોડવાનું હતું અને ત્યાંથી પાછા આવવાનું હતું. લગભગ ૧૨ કિલોમીટરનો એક ચકરાવો. રસ્તામાં ત્રણ જગ્યાએ એનર્જી સપ્લાય એકદમ સરસ. વોલિયન્ટર્સે સરસ રીતે રસ્તામાં ધ્યાન રાખ્યું કે અમને વાહન અડી ન જાય. ખાલી સી-લિંક આગળ લોકોને લાગતું હતું કે તેઓ ફોર્મ્યુલા વનમાં વાહન ચલાવી રહ્યા છે 🙂

પહેલો ચકરાવો સરસ ગયો. બીજો થયો ત્યારે મારા હાર્ટ રેટ થોડા વધુ આવ્યા (કારણ? છેલ્લે થોડું ફાસ્ટ દોડ્યો!), બે મિનિટ આરામ કર્યો અને પછી ત્રીજો, ચોથો ચકરાવો સરસ ગયો. રસ્તામાં ફોટો પડાવતા, વાતો કરતાં-કરતાં, ધીમે-ધીમે દોડવાની મજા આવી. પાંચમો રાઉન્ડ પૂરો થયો ત્યારે મને વધુ એનર્જી મળી હોય તેમ લાગ્યું પણ પછી ચકરાવો ટૂંકો કરવામાં આવ્યો કારણ કે દોઢ કલાક જ બાકી હતાં. એટલાં બાકીના તે સમયમાં લિહાસભાઇ જોડે ૯-૧૦ કિલોમીટર ચાલવા-દોડવામાં આવ્યું. રસ્તામાં લોકોના ચીઅર્સ, રનર્સ જોડે હાઇ-ફાઇવ – મજા પડી જાય.

અને, મારી નવી આદત મુજબ – સેલ્ફિ તો લેવો જ પડે ને 😉

૩ "અલ્ટ્રા" મિત્રો - બાંસુરી, સુશીલ અને કાર્તિક!
૩ “અલ્ટ્રા” મિત્રો – બાંસુરી, સુશીલ અને કાર્તિક!

દોડ પૂરી થયા પછી, મારો (વ્હાલો) મોબાઇલ ખોવાયો, તરત જ પાછો મળ્યો (તૂટેલી સ્ક્રિન સાથે, પણ મારી જેમ જીવતો-જાગતો ;)). કોકી અને કવિન પણ ત્યાં આવ્યા. નાસ્તા પછી સરસ પાસ્તા પણ ખાધા. બધાંને મળ્યાં, વાતો કરી અને હા, મેડલ-સર્ટિફિકેટ પણ મળ્યા. જેનો સંબંધિત ફોટો નીચે પ્રમાણે છે 😉

મેડલ અને પ્રમાણપત્ર
મેડલ અને પ્રમાણપત્ર

શિવાજી પાર્ક મેરેથોન ક્લબનું આયોજન સુપર હતું. એ માટે પ્રણવ મહેતા (જેમની જોડે અમે એક વખત રાત્રે શિવાજી પાર્ક દોડેલા – પોસ્ટ) અને તેમની સમગ્ર ટીમનો આભાર. અલ્ટ્રાનું આયોજન મુંબઇમાં કરવું એ અત્યંત અઘરી વાત છે, એ માત્ર એક રનર જ સમજી શકે છે 🙂

PS: ૧૨ કલાક પછી હવેનું લક્ષ્ય – ૧૦૦ કિલોમીટર.

PS ૨: ફુલ મેરેથોનથી વધુ અંતર દોડે તેને અલ્ટ્રા રનર કહેવાય છે. જોકે આ દિશામાં ઘણી-ઘણી મુસાફરી કરવાની બાકી છે.

PS ૩: જો તમે વડોદરા-અમદાવાદમાં હોવ તો મારા કોચ રાજ વડગામા અત્યારે સુરતથી વડોદરા-અમદાવાદ (૧૦,૦૦૦ કિલોમીટરની દોડના ભાગરૂપે) આવી રહ્યા છે. તેમની સાથે થોડુંક દોડવાનો મોકો ઝડપી લેવા જેવો છે.

ભૂલાયેલો શોખ: સંગીત

.. એટલે કે મ્યુઝિક.

મારો આ બાબતમાં ટેસ્ટ એકદમ મસાલા છે. બેબી ડોલ ગીત મને ગમ્યું, ચાર બોટલ વોડકા પણ ગમ્યું. મન્ના ડે ગમે છે અને એક જમાનામાં અમે માઇકલ જેક્સનનાં ચાહક હતા. મારો ટીમ મિત્ર અમીર કહે છે તેમ, “સંગીત કદી ખરાબ હોતું નથી”. આઇપોડ આવ્યા પછી સંગીત સાંભળવાનું ઓછું થયેલું તે રનિંગ પછી ફરી શરુ થયું મુંબઇ આવ્યા પછી સંગીત સાંભળતા દોડવાનું મુશ્કેલ અને ખતરનાક હોવાથી એ પણ બંધ થયું છે. કામના સમયે સંગીત સાંભળવાનું પણ બંધ થયું છે. ફોનમાં પણ ગણ્યાં-ગાંઠ્યા ગીતો રહ્યા છે, તેમ છતાંયે કોઇક વખત સંભળાઇ જાય છે. આ પોસ્ટ યાદ આવી તેનું કારણ જોકે કર્નલ મોડ્યુલ સંગીત છે. નેટકેટ નામના બેન્ડે લિનક્સ કર્નલ મોડ્યુલ તરીકે તેમનું સંગીત રજુ કર્યું છે. જે તમે તેમની ગીટહબ રેપોઝિટોરી પરથી મેળવીને, મોડ્યુલ કમ્પાઇલ કરીને, કમાન્ડ લાઇન પર સાંભળી શકો છો! 🙂

નેટકેટનું સંગીત
નેટકેટનું સંગીત

અપડેટ્સ – ૧૨૩

* કવિન બે દિવસથી એના કાકાના ઘરે ગયેલો એટલે ઘર જાણે એકદમ ખાલી-ખાલી લાગતું હતું. સમય પસાર જ ન થાય. વળી પાછું, દોડવાનો કોઇ કાર્યક્રમ હતો નહી અને ક્યાંય બહાર જવાનું હતું નહી એટલે વધારે તકલીફ પડી. સવારે મોડા ઉઠીને મારી તાજેતરમાં ‘રીપેર’ કરવામાં આવેલી સાયકલ પર એકાદ નાનકડી રાઇડ કરીને અમદાવાદ સાયકલોથોન ગુમાવવાનો રંજ દૂર કર્યો. કવિન હવે આવી ગયો છે, એટલે ઘર પાછું ઘર લાગે છે.

* સમય આવી ગયો છે, ફોનને ‘root’ કરવાનો. એકાદ-બે દિવસમાં તેના પર અખતરા કરીને અહીં અપડેટ્સ આપવામાં આવશે. ગુજરાતી ફોન્ટ વગરનો ફોન શું કામનો?

* વોટ્સએપ બાકી હતું તે હવે ટેલિગ્રામ આવ્યું છે! (બ્લોગબાબા જેવાં જૂનાં જમાનાનાં લોકોએ આને પેલું ટેલિગ્રામ સમજવું નહી!) જોકે ટેલિગ્રામનો મુખ્ય ધ્યેય પ્રાયવસી છે, જેથી વોટ્સએપ કરતાં તો સારું જ ગણાય. જોઇએ હવે, લોકો ફ્રીમાં મેસેન્જર તરીકે વાપરે છે કે પછી પ્રાયવસીના પોઇન્ટ તરીકે (અત્યારે તો લાગતું નથી!). અને, આ કોન્ટેસ્ટ મસ્ત છે! અને, તેની કમાન્ડ લાઇન એપ્લિકેશનનો ઉપયોગ શરુ કરવામાં આવ્યો છે 🙂

* આજનો બ્લોગ: બ્લોગના ઝરુખેથી દુર્ભાગ્યે, કોમેન્ટની કોઇ સુવિધા નથી 😦

અપડેટ્સ – ૧૧૫

* થોડા સમય પહેલાં લખેલું કે Nexus 5 લેવો છે. તો લઇ લીધો 😉 ૫મી એ ઓર્ડર આપ્યો, ૭મી બપોરે તો આવી ગયો. કિટકેટ સરસ છે, પણ ફોનમાં મોટી ખામીઓ કે મારા મતે,

મર્યાદાઓ?

૧. બેટરી કે મેમરી કાર્ડ બદલી ન શકાય. ૩૨ જીબી જ મળે.
૨. માઇક્રો સીમ કાર્ડ
૩. ગુજરાતી ફોન્ટ હજી ડિફોલ્ટ નથી. ખરાબ, અતિશય ખરાબ.
૪. કેમેરો ઠીક-ઠીક છે.

સારી વસ્તુઓ?

૧. ડિસ્પ્લે.
૨. ૨.૩ ગીગાહર્ટ્ઝ ક્વાડકોર પ્રોસેસર.
૩. ૨ જીબી રેમ.
૪. ગુગલનો સપોર્ટ.
૫. NFC, સરસ અવાજ વગેરે.

* ગયું અઠવાડિયું રનિંગ-સાયકલિંગ માટે સારું ગયું. ગોઆ મેરેથોન મિસ કરી, પણ રવિવારે સરસ હાફ-મેરેથોન દોડવામાં આવી. હજી વધુ મહેનત કરીશ તો ૨ કલાકની અંદર હાફ-મેરેથોન દોડી શકાય તેમ છે. હવે પછી, અમદાવાદ-સાબરમતી હાફ-મેરેથોન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એટલે જાન્યુઆરીનો પ્રથમ વીક-એન્ડ ત્યાં છું.

* ફ્લિપકાર્ટ v/s એમેઝોન.ઇનની લડાઇ ચાલી રહી છે. ટેસ્ટિંગ માટે એમેઝોન.ઇનમાંથી પાંચેક પુસ્તકો મંગાવ્યા છે, અને ૨ પુસ્તકો સુધીનો અનુભવ ખરાબ રહ્યો છે. હવે બાકીનાં ૩ નું શું થાય છે? રામ જાણે.

* કવિન અને મારી – બન્નેની – સાયકલ હવે સર્વિસ માંગી રહી છે. આજ-કાલમાં જવું જ પડશે.

અપડેટ્સ – ૧૧૪

* છેલ્લાં બે મહિનામાં બ્લોગની આવૃત્તિ ૮ પોસ્ટ્સ/મહિનો પર આવી ગઇ છે અને લાગે છે કે આવું હજુ થોડા વધુ વર્ષો સુધી ચાલુ રહેશે (એટલે હું ૪૨ નો ન થાઉં ત્યાં સુધી. કોઇક જ્યોતિષે મને કહેલું કે તમે ૪૨ વર્ષ જીવશો. લો ત્યારે, ૪૨ આપણો ફેવરિટ નંબર!).

* પાછાં આવતાં એઝ યુઝયલ, એર ઇન્ડિયાનું વિમાન મોડું હતું. કસ્ટમ વાળાઓએ મારી લાવેલી ચોકલેટ્સ કે રમકડાંઓ પર ધ્યાન ન આપ્યું, એ બદલ તેમનો આભાર અને ખાસ આભાર કૃનાલભાઇનો જેમણે મને સિંગાપોરની રાત્રિની ઝલક દેખાડી. લાગે છે કે, સિંગાપોરની મુલાકાત ભવિષ્યમાં વધતી જશે એટલે હવે મજા આવશે 😉 હજી થાક ઉતર્યો નથી તેમ છતાંય ગઇકાલે નવી ઘડિયાળનું સાયકલિંગ સાથે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આજે પણ પાંચેક કિલોમીટર રનિંગ વત્તા થોડું સાયકલિંગ પણ શરુ કર્યું છે. અમદાવાદ મેરેથોન એ મુંબઇ મેરેથોનની બહુ જ નજીક હોવાથી ‘મિસ’ થશે (જોકે હાફ-મેરેથોનનો પ્લાન છે).

* નવું સ્પાઇકગાર્ડ લાવવાનું છે – કોઇ સજેશન આપશો? એમ તો Nexus 5 પણ લેવાનો છે, પણ હજુ મન મારાં જૂનાં-પુરાણાં Galaxy R થી ઉઠતું નથી. નવાં ઉપકરણોમાં એપલનાં મેજીક માઉસ (જે હજી લિનક્સમાં ટેસ્ટ નથી કર્યું) અને મિનિજામબોક્સનો ઉમેરો થયો છે. સરસ વસ્તુ છે!

* બાકી, જીવનમાં અત્યારે તો દોડ-મ-દોડી છે. ડિસેમ્બરમાં એકાદ પ્રવાસનું આયોજન થઇ રહ્યું છે. વધુ વિગતો માટે જોતા રહો, આ બ્લોગ 😉

અપડેટ્સ – ૧૦૨

* ગઇ કાલે અમારી ૯મી એન્ગેજમેન્ટ એનિવર્સરી હતી. ઉજવણી? પાની પુરી. પેસ્ટ્રી.

* કે. મારા માટે ‘યોગ મેટ’ લાવી  જેથી હવે જુહુ કે આરે કોલોનીમાં ટ્રેનિંગ વખતે મારા કપડાં ખરાબ નહી થાય (કે ઓછા થશે) વત્તા ઘરે પણ વ્યવસ્થિત રીતે કસરત વગેરે થઇ શકે. થેંક્સ, કે! (PS: યોગા નહી યોગ કહેવાય). આવતા રવિવારે (૧ લી તારીખે) બાંદ્રા-NCPA હાફ-મેરેથોનમાં ભાગ લઇ રહ્યો છું, જેની તૈયારી જરાય ઠીક લાગતી નથી!

* અમે બન્ને જણાંએ ગુજરાતી વિકિસ્ત્રોતમાં યોગદાન શરુ કર્યું છે. ઝવેરચંદ મેઘાણીની વેવિશાળથી અમારી શુભ શરુઆત થઇ છે. હવે જોઇએ છીએ ક્યાં સુધી પહોંચીએ છીએ 🙂

* ગુજરાતીલેક્સિકોનની નવી પોપ અપ ડિક્શનરી સરસ રોકિંગ છે. હવે, પોપ અપ નામ કેમ રાખવામાં આવ્યું એ ખબર નથી! આ એપ્લિકેશન IIM માં રાખેલા હેકેથોનમાં રનર અપ બની હતી. દુર્ભાગ્યે, એમાં આવતી એડ્સ આખા લુક એન્ડ ફિલને મારી નાંખે છે..

* આપણો દેશ કોમ્પ્યુટર છે. આપણે ૦ અને ૧ આંકડાઓ છીએ. રાજકારણીઓ તેમાં ઘૂસેલા ડીફોલ્ટ વાયરસ છે. આપણી ઓપરેટિંગ સિસ્ટમ કરપ્ટ છે. દેશને મુક્ત એવાં લિનક્સ અને ઓપનસોર્સ વિચારધારાની તાતી જરુર છે.