Poor GPS

* રનસ્ટાર નામની એપ્લિકેશન (confession: પહેલી વાર એન્ડ્રાઈડ એપ ખરીદી :D) લીધા પછીયે જો તમને દોડવાનો મેપ આ પ્રમાણેનો મળે તો ફોનનાં ભંગાર GPS નો જ વાંક કહેવાય. અને, એન્ડ્રાઈડમાં સ્ક્રિનશોટ લેવો એટલે માથાનો દુખાવો છે એ વાત અલગ છે.

Poor GPS

એમ તો વાંધો નથી, પણ આ રીતનું પરિણામ તમારી પેસ પર અસર કરે છે. ૬ કિમી. માં લગભગ ૬૦૦ થી ૮૦૦ મીટરનો ફરક પડ્યો હોય એમ લાગે છે. જે હોય તે, અત્યારે તો આનાથી જ ચલાવીશું. પછી ક્યારેક, Garmin watch વિશલિસ્ટમાં જ ઉમેરીશું અને દોડીશું – પણ એ તો મેરેથોનનો વારો આવે ત્યારે.

અપડેટ્સ

* બોરિંગ દિવસો જાય છે. ૨જી, ૩જી એ જી લો જી. પીસી. વગેરે વગેરે.

* વિકિપીડિઆની અમદાવાદ ખાતેની ત્રીજી ગોષ્ટિ ૧૯મી એ રાખેલ છે. વધુ વિગતો માટે: http://en.wikipedia.org/wiki/Wikipedia:Meetup/Ahmedabad/Ahmedabad3 પર નામ નોંધાવવું. સારી જગ્યા હોય તો સૂચન કરવા વિનંતી. હજી સ્થળ નક્કી કરેલ નથી. અત્યારે મિડીઆવિકિના ગુજરાતી ભાષાંતર પર કામ કરી રહ્યો છું. બે-ત્રણ દિવસમાં ઊંચું મૂકી દેવાની ઈચ્છા છે.

* આ વીક-એન્ડ પણ હર્યો-ભર્યો જશે એવું લાગે છે. કવિન એના દાદી આવે અને એની માટે ટ્રક (રમકડાંનો, ઓફ કોર્સ) લાવે એની રાહ જોઈને બેઠો છે.

* ફોન હવે સ્ટેબલ થઈ ગયો છે. થોડા સમય પછી ટેકનિકલ રીવ્યુ અહીં લખીશ.

* આજનો પ્રશ્ન: અમદાવાદમાં સારી કપ-કેક ક્યાં મળે છે?

મોબાઈલ મન્ડે: મોબાઈલ આજે અને આવતી કાલે

* એમ તો ટોપિક હતો, Mobile: Today and Tomorrow. પણ, ગુજરાતી શિર્ષક સારું લાગે. મારી સાંજ એકદમ પેક હતી. દોડવા જવાનું ચાર દિવસથી બંધ હતું અને આજે જવાનું જ હતું. સાડા પાંચે ટીમ મીટિંગ અને રાત્રે પાછી એક મીટિંગ. વચ્ચે બે કલાક કેવી રીતે ફાળવવા, પણ છેવટેCIIE પહોંચી ગયો ત્યારે પ્રેઝન્ટેશન શરુ થઈ ગયું હતું.

પરાગ શાહ - મોબાઈલ મન્ડેમાં..

પરાગ શાહે સારી એવી માહિતી આપી. બે-ત્રણ સરસ વિડીઓ પણ હતા. AR, NFC, Mobile Commerce વિશેની થોડીક રસપ્રદ વાતો જાણવા મળી. મોમોમાં જવાનો ખાસ હેતુ પાછો એ હતો કે રજનીકાંતભાઈની મુલાકાત ઈ-મેલ/બ્લોગ પર થઈ હતી અને રુબરુ મળવાનું ત્યાં શક્ય બને તેમ હતું. એન્ડ્રોઈડ વત્તા ગુજરાતીની મુશ્કેલી અને તેના શક્ય ઉકેલો પર સારી એવી ચર્ચા તેમની જોડે થઈ. મજા આવી ગઈ.

અને હા, જો તમને લાગતું હોય કે તમે મોબાઈલ ટેકનોલોજી વિશે કંઈક નવું જાણો છો અને તમારું જ્ઞાન વહેંચવા માંગો છો તો મોબાઈલ મન્ડે તમને આવકારે છે. વર્કશોપ, ટ્યુટોરિઅલ કે પછી પ્રેઝન્ટેશન તમે લઈ શકો છો. જગ્યા જાણીતી જ છે – CIIE, IIM કેમ્પસ. વધુ માહિતી માટે: http://www.momo-ahmedabad.in અથવા અહીં કોમેન્ટ કરવી🙂

અપડેટ્સ

* એક દુ:ખદ સમાચાર: નવો ફોન લીધો. એટલે કે લેવો પડ્યો. Samsung Galaxy R (ફ્લિપકાર્ટ પરથી). પેલો જૂનો ફોન પડ્યો બંધ. નવો ફોન સરસ છે😀 પ્રસંગોનુસાર ફોન-બેબીનો ફોટો:

Samsung Galaxy R

ગુજરાતી દેખાય છે, પણ ફોન્ટ રેન્ડરિંગ બરોબર નથી. લાગે છે કે એન્ડ્રોઈડ શીખવું પડશે.

* ઠંડી જબરી લાગે છે. થર્મલ વેર વગેરેની ખરીદી કરવી પડી છે.

* એક બોધપાઠ: સેલ આવે ત્યાં સુધી રાહ જોવી😦

પ્રણવભાઈની પોળ, પતંગ અને (P)ફોન.

* પરમ દિવસે ક્યાંક ફેસબુકમાં પતંગ પર વાત ચાલતી હતીને પ્રણવભાઈ (થોડા સમય પહેલાં એમની ઓળખાણ થઈ. પ્રણવભાઈ એટલે – gujaratquiz.in) એ એમની પોળમાં પતંગ ઉડાવવાનું આમંત્રણ આપ્યું. જતાં-જતાં થોડું મોડું થઈ ગયું પણ, રાયપુરની પોળનાં પહેલી વાર દર્શન થયા. લોકવાયકાથી વિરુધ્ધ એમનું ઘર તરત મળી જાય એમ છે, છતાંય એક જણને પૂછયું, પ્રણવભાઈનું ઘર કયું. પેલાએ ચાર માળ ઉંચા ઘરની સામે આંગળી કરી કહ્યું એ.. પેલા પતંગ ઉડાવે છે એ.😛 કદાચ પહેલી વાર પોળની અગાશીએ પગ મૂક્યો. કવિનને જલ્સા પડ્યા. અંકલ બનીને કેટલીયે પતંગો બાળકોએ મારી જોડે ઉડાવી અને સાંજે અગાશી પર જ પાઉંભાજીનો પ્રોગ્રામ હતો. મજા આવી ગઈ. કવિનની ડિમાન્ડ પર જતી વખતે થોડી પતંગ-દોરીની ખરીદી કરી છે. વર્ષો પછી દોરી લીધી છે, સારી નીકળે તો સારી વાત છે. કેમેરા લઈ જવાનો ભૂલી ગયો એ અફસોસ રહેશે. કવિનને બધાને હેરાન પ્રમાણમાં ઓછા કર્યા, પણ કર્યા ખરા.

 

 

* પોસ્ટના ટાઈટલમાં P(ફોન) નો પ્રાસ કેમ બેસાડ્યો? એક આનંદદાયક સમાચાર – ફોન ચાલુ થઈ ગયો છે / એટલિસ્ટ, થોડા મહિના ચાલે તો ૨૦૧૨માં નવો ફોન ન લેવાની વિશલિસ્ટની યાદી પૂરી થાય😉

રે પંખીડા..

… સુખેથી ચણજો. પણ,

૧. મોબાઈલે ગઈકાલનો ટચ ગુમાવી દીધો છે. ના, બિચારા કવિનનો કંઈ વાંક નથી. કાલે પેલી વિકિપીડિઆની વોકમાંથી પાછો આવતો હતો ત્યારથી ફોનને કંઈક થયું લાગે છે. છતાંય, કોલ આવે છે-જાય છે. SMS ન કરી શકાય, કારણ કે કી-બોર્ડ ચાલતું નથી. કોઈ નવો સંપર્ક ઉમેરી ન શકાય, વગેરે, વગેરે.

૨. તમે ભલે સાઉથ ઈન્ડિયન હોવ. કોપરાંની ચટણી બહુ ભાવતી હોય, પણ સવારે સાડા પાંચે ચટણી બનાવવા ના બેસાય.

૩. અમદાવાદમાં હમ સાથ-સાથ હૈ નો નારો બહુ લોકપ્રિય. લોકો બાઈક-સ્કૂટર તો સાથે-સાથે ચલાવે, ચાલતી વખતે (એય પબ્લિક પ્લેસમાં) પણ ટહેલતાં ચાલે. આરામની લાઈફ.

૪. માઉસ બગડ્યુ, પણ મસ્ત નવું બીજું માઉસ પેડ આવ્યું છે. The Orange Box નામની ગેમની સીડી – મારી પ્રથમ ગેમ ખરીદી. LOTR પણ મંગાવી દેવામાં આવી છે, પણ હજી સાઈડમાં જ પડી છે.

૫. કન્ટ્રીબ્યુશન અને કોન્ટ્રોવર્સી એ ડિક્શનરીમાં બહુ નજીકના શબ્દો છે – એ યાદ રાખવું🙂

૬. હજી પેલા પુસ્તકમેળામાં જવાનું બાકી જ છે.

એક મૂર્ખ જેવો આઈડ્યા

* વળી પાછો આઈડ્યા વાળાને આઈડ્યા આવ્યો કે ચાલો ફરી બધાંના મોબાઈલ કનેક્શનના ડોક્યુમેન્ટ મંગાવીએ. એક જ નામ પર લીધેલા બે કનેક્શનમાં એક નંબર માટે ડોક્યુમેન્ટ માંગે અને બીજા નંબર પર ન માંગે. વોટ એન આઈડ્યા, સરજી. કંટાળીને રેકોર્ડિંગમાં બોલતા એક નંબર પર ફોન કરીને ડોક્યુમેન્ટ સ્ટેટ્સ જાણ્યું તો બધાં ડોક્યુમેન્ટ બરોબર હતા. વોટ એન આઈડ્યા, સરજી.

PS: આ જ વિષય પરની ઓલ્ડ પોસ્ટ. ગઈ વખતે stupid લખેલું આ વખતે, idiot, એટલો જ ફરક છે😀

થોડાક ટેક અપડેટ્સ

* આ વખતે થોડાક ટેક અપડેટ્સ.

૧. ફાયરફોક્સની જગ્યાએ ગુગલ ક્રોમ પર સ્થળાંતર કર્યું છે. ફાયરફોક્સ આજ-કાલ બહુ હેવી બની ગયું છે. ટેબ ગ્રુપ્સનો વિકલ્પ અને ગુજરાતી બરોબર ન વંચાવું એ ક્રોમની ખામીઓ છે. થોડા સમય પહેલાં કરતાં જોકે સારી હાલત છે. છતાંય, ઈન્ડિક ભાષાઓ જોડે ક્રોમના સારા સંબંધો નથી જ. જુઓ આ સ્ક્રિનશોટ. બોલ્ડ લખાણ યોગ્ય રીતે દેખાતું નથી.

ગુગલ ક્રોમ વત્તા ગુજરાતી બોલ્ડ લખાણ..

પણ, ક્રોમ ઝડપી છે (જે મુખ્ય પરિબળ છે), એક્સટેન્શન્સ વધતાં જાય છે અને ફાયરફોક્સ માત્ર એક, બે જગ્યાએ મિસ થાય છે.

૨. છેવટે, નવી જીપીજી કી: 783AA4DE બનાવવામાં આવી છે. આ કી મજબૂત છે. અને, થોડા સમય પછી મૂળભૂત કી તરીકે વાપરવામાં આવશે.

૩. Runstar એ એન્ડ્રોઈડ માટે સરસ એપ્લિકેશન છે, પછી તમારું GPS કેવું હોય તેના પર આધાર🙂

૪. ૧૩ ઈંચનો સ્ક્રિન હવે નાનો પડે છે. નવાં ચશ્મા કરાવવા કે નવું મોનિટર લેવું?🙂 ૨૨ ઈંચના LED મોનિટર પર પસંદગી ઢળે એવી શક્યતા છે. તપાસ કરી છે પણ ૨૪ કે તેથી વધુ મોટો સ્ક્રિન મળતો લાગતો નથી (એટલિસ્ટ, અમદાવાદમાં). ફેસબુક, ટ્વિટર પર સારા એવા સૂચનો મળ્યા છે. છતાંય, તમારાં સૂચનો-સલાહો આવકાર્ય છે.

૫. સાઈડ નોટ્સ: કાલે બુધ (મરક્યુરી) દેખાવાનો છે. અને ગઈકાલે પહેલીવાર પક્ષીઓનાં ફોટા લીધા છે. હવે ટ્રાઈપોડ આવે ત્યારે યોગ્ય સ્થળે જઈને યોગ્ય ફોટાઓ આવી શકે.

સ્કૂલ રીયુનિયન, મીનીડેબકોન્ફ – ૧

* ૨૫ તારીખે અમારી સ્કૂલ બેચ ૧૯૯૭ના વિદ્યાર્થીઓનું સંમેલન રાખેલું હતું. આ માટે આયોજન ક્યારનું ચાલતું હતું. ફેસબુક વગેરે પર ટકી રહેવાનો જુસ્સો મને આના કારણે જ આવતો હતો🙂 છેવટે ૨૫ તારીખે અમે જીજ્ઞેશની ગાડીમાં (વેલ, ઘણી રાહ જોવડાવી આ આર્કિટેકે :P) પાલનપુર આવ્યા. ઘરે આવી, થોડી સાફ-સફાઈ કરી, આરામ કર્યો અને પછી વિનયના ઘરે ગયા. પરેશ ત્યાં આવ્યો, પણ ત્યાં સુધીમાં ૪ વાગી ગયા હતા (કાર્યક્રમ ૧ વાગે શરુ થતો હતો. અમે પરિચય અને થોડી ગેમ્સ વગેરે મિસ કરી). ત્યાં ગયા ત્યારે કંઈક ગેમ્સ ચાલતી હતી. ઘણાં મિત્રો સ્કૂલ છોડ્યા પછી પહેલી વખત મળ્યાં. ઘણાં બધાંની ઓળખાણ ન પડી અને ઘણાં બધાં એવાં જ લાગતાં હતાં🙂 કવિનને પણ મજા આવી ગઈ. સ્પાઈડરમેનનું માસ્ક પહેરી તેણે ઘણી ધમાલ મચાવી. બાલારામ રિસોર્ટ મારી ફેવરિટ જગ્યા છે (જોકે બહુ વખત જવા મળતું નથી). ક્યારેક વળી ત્યાં રાત્રે રોકાશું અને તારાઓ અને આગિયાઓના ફોટાઓ પાડીશું. ફરી ક્યારેક. ફોટા વગેરે ફેસબુક પર મૂક્યા છે.

ટૂંકમાં  – મજા આવી.

બીજા દિવસે સવારે મહેનત કરી વેસા પહોંચ્યા. વેસા મોટાભાગે આરામ જ કરવાનો હતો અને સાંજે મારે છાપીથી અરાવલી ટ્રેનમાં અમદાવાદ પાછા આવવાનું હતું. સદ્ભાગ્યે ટીકીટ કન્ફર્મ થઈ ગઈ અને સીટ મળી ગઈ. બાજુમાં એક ઘરડાં કાકા બેઠા હતા. કોકીને ફોન કરવા મારો ફોન કાઢ્યો અને વાત કર્યા પછી મૂક્યો ત્યારે પેલા કાકાએ વાતો શરુ કરી. એમની પાસે સેમસંગ ગેલેક્સી S1 હતો અને થોડી વાત-ચીત પછી ખબર પડી કે તેઓ ફોનનો સરસ ઉપયોગ કરે છે. જમીનના સોદામાં તેઓ જાત-જાતની એપ્સ ઉંચાઈ, અંતર અને માપ લેવા વાપરે છે. ઈદનો ચાંદ કે પછી નમાઝનો સમય જાણવાની એપ્સ પણ તેમણે બતાવી. અરે, અવાજનું પ્રદૂષણ માપવાની એપ્સ હોય એ મને ત્યારે જ ખબર પડી. એમની જોડે જાત-જાતની વાતો કરી. રહેવા માટે કયું શહેર સારું એ વાત પર ચર્ચા કરવાની મજા આવી. મહેસાણાથી એક બીજા ભાઈ ડબ્બામાં આવ્યા એ પણ મુંબઈના ઓળખીતા નીકળ્યા અને બોરિંગ મુસાફરી રસપ્રદ બની. ફોનનો ખરેખર પ્રેક્ટિકલ ઉપયોગ ઘણાં સમય પછી જોયો. મોંઘો ફોન લાવવો અને માત્ર કોલ માટે વાપરવો એ બોઈંગને અમદાવાદથી ગાંધીનગર જવા જેવું છે. ધન્યવાદ એ અનામી કાકા અને એમનાં વિચારોને.

ઘરે પહોંચ્યો. સવારની ટેક્સી બૂક કરાવેલી હતી જે અત્યંત મોંઘી પડી અને સમય કરતાં વહેલી આવી એટલે ઉતાવળમાં શેવિંગ ક્રીમ, કાંસકો, તેલ અને એક જોડી મોંજાં ભૂલી ગયો. ઉતાવળમાં લગેજની ચાવી ક્યાં મૂકી એય ભૂલી ગયો અને નક્કી કર્યું કે ત્યાં જઈને લોક તોડી નાખીશ. એરપોર્ટ પર હેન્ડબેગ ચકાસી તો ચાવી મળી એટલે હાશ થઈ. આજ-કાલ કદાચ કનેક્ટિંગ ફ્લાઈટ્સના બોર્ડિંગ પાસ જોડે જ આપી દે છે અને લગેજ સીધો જ છેલ્લાં એરપોર્ટ પર આવે છે. નવાઈ લાગી. વધુ નવાઈ લાગી જ્યારે આ વખતે પ્લેનમાં સરસ જમવાનું મળ્યું🙂 મેંગ્લોર પહોંચ્યો ત્યારે બાજપે એરપોર્ટ પર વાસુદેવ અને ભૂષણ લેવા માટે આવ્યા હતા. બન્નેને પહેલી વાર મળ્યો અને પછી શરુ થઈ ૧.૩૦ કલાકની મુસાફરી. રસ્તા ભયંકર વાંકાચૂકા અને એનાથી વધુ ભયંકર હતા સામે આવતાં વ્હીકલ્સ.

મીની ડેબકોન્ફનો રીપોર્ટ પછીની પોસ્ટમાં..

PS: બેક ટુ ઓફિસ વર્ક.

અપડેટ્સ

* કવિન અને ડોક્ટરને સારુ બનતું લાગે છે. છેલ્લાં ત્રણ અઠવાડિયાંથી બન્નેની મુલાકાત થાય છે.

* પંખો હવે ૨ નંબરથી ૩ નંબરની ઝડપે ચલાવવો પડે છે. ઓહ, ગરમી. ઓફિસનું ઠંડુગાર વાતાવરણ મિસ થાય છે, સાથેસાથે શાંતિ છે કે બપોરે ૧૨ વાગે એ.એમ.ટી.એસ.ની સફર કરવી પડતી નથી.

* કેમેરો સારો ચાલે છે. ફોટા વીક-એન્ડ પર અપલોડ કરીશ. થોડા નવી ખાસિયતો જાણવા મળી છે. સોફ્ટવેર ઈન્ડસ્ટ્રીમાં એક કહેવત છે: When everything fails, read the manual🙂

*પ્રશ્ન – દરેક મોબાઈલ કંપનીઓ બિલ ભરવાની છેલ્લી તારીખનાં એક અઠવાડિયાં પહેલાં કેમ ઊંચી-નીચી થાય છે? અને, બપોરે ભર ઊંઘમાં હોય ત્યારે જ કેમ ફોન કરે છે?

* (કવિનના) વેકેશનનું પ્લાનિંગ થઈ ગયું છે..

વ્હોટ એન આઇડ્યા, સરજી..

* સાંભળવા, દેખવામાં મસ્ત લાગે છે આ. વ્હોટ એન આઇડ્યા, સરજી. પેલા અભિષેકભાઈ, જાત-જાતનાં આઈડ્યા આપતો જાય છે અને લોકો વિના વિચારે આઇડ્યાનું સીમ લેતા જાય અને પછી તેમનો જ આ આઇડ્યા ભારે પડે છે.

થોડા વખત પહેલાં મેં આઇડ્યાના નિર્દેશ પ્રમાણે બહુ મહેનત પછી ફરીથી જરુરી ડોક્યુમેન્ટ તેમને આપ્યા. અને વળી, કોકીનો મોબાઈલ પણ એરટેલથી આઇડ્યા પર શિફ્ટ કર્યો. થોડો સમય તો શાંતિ રહી પણ પછી, કોકીના મોબાઈલ પર દરરોજ બે-ત્રણ પ્રિરેકોર્ડેડ કોલ અને ત્રણ-ચાર એસ.એમ.એસ. આવે. કંટાળીને ડુ નોટ ડિસ્ટર્બ માં રજીસ્ટર કરાવ્યું, તો ખબર પડી કે ૯૦ દિવસ પછી તેનો અમલ થાય (અને કદાચ એસ.એમ.એસ. તેમાં ન આવે).

વળી પાછો થોડા દિવસ પહેલાં મને એસ.એમ.એસ. આવ્યો કે કોઈક કારણસર અમે તમારા ડોક્યુમેન્ટ ડેમેજ કર્યા છે, તો ફરીથી ડોક્યુમેન્ટ આપી જાવ. આપણા પાછાં નવરાં એટલે ત્રણ દિવસ પહેલાં ડોક્યુમેન્ટ આપ્યા અને પૂછ્યું કે તમે બધાં ડોક્યુમેન્ટની ડીજીટલ કોપી નથી રાખતા? જવાબ મળ્યો – ના. લો, ત્યારે – વ્હોટ એન આઇડ્યા, સરજી. જાણવા મળ્યું કે કોઈક ગોડાઉનમાં આગ લાગવાથી બધા ડોક્યુમેન્ટ સળગી ગયા. પણ, છ મહિના સુધી એ લોકોએ ડોક્યુમેન્ટ ચકાસ્યા નહી હોય? નિરવે મને તેમનો કસ્ટમર કેર ફરિયાદ ખાતાંનો નંબર આપેલો જે હજી ક્યારેય લાગ્યો નથી. એમનાં ઓફિસર હંમેશા બીઝી જ હોય છે. (હોય જ ને. મારા જેવાં કેટલાંય હશે..)

અને, હજી મને આજે ફરી એસ.એમ.એસ. આવ્યો કે, ડોક્યુમેન્ટ આપી જાવ.

આ દેશને ભગવાન જ બચાવે (અને ચલાવે છે).

રાઝની વાત

* રાઝ એટલે કે રહસ્યની વાત. એક ભાઈ બીજા કે ત્રીજા બ્લોકની ગેલેરીમાં ઊભા-ઊભા મોબાઈલ પર વાત કરતા હતા, એક રાઝની વાત બતાવું?.. પણ, મારા બપોરના ભોજનનો સમય થઈ ગયો હોવાથી એ વાત મને સાંભળવા ન મળી😦

કેટલું ખરાબ કહેવાય?😉

મો.નં.પો.

.. એટલે કે મોબાઈલ નંબર પોર્ટેબિલિટી. જે હોય તે. આજ-કાલ દરેક મોબાઈલ સર્વિસ (?) વાળા જાહેરાત કરવા માંડ્યા છે કે અમારે ત્યાં આવો, અમારે ત્યાં આવો. આવા જ એક કિસ્સામાં મારા સહ-કાર્યકર અને મિત્ર શામને શું અનુભવ થયો તે અહીં વાંચો – ગુગલ કે ટેકનોલોજી.

અને આ બહુ ચગાવેલી મો.નં.પો. સેવા બીજાં ઘણાં દેશોમાં ૧૦ વર્ષોથી છે, એ વિકિપીડિયાના લેખ પરથી જ ખબર પડી!!🙂

૧૯૨૮માં મોબાઈલ?

* એ ખરું છે કે આપણે મોબાઈલનું સરખું નેટવર્ક મેળવી શકતા નથી, પણ ટાઈમ ટ્રાવેલ કરી શકીએ છીએ.. D

સ્ત્રોત – http://jabberlounge.com/creepy-footage-of-time-traveler-from-charlie-chaplin-film/223502/

એક idea

* એક વખત ગવર્મેન્ટને એક idea આવ્યો કે ચાલો દેશમાં બધા જ મોબાઈલ ધારકોનાં ડોક્યુમેન્ટ્સ ફરી મંગાવીએ. અને, પછી ચાલુ થયો મારો એસ.એમ.એસ અને કોલનો. આજે સવારે આવા જ એક એસ.એમ.એસ.નો ભોગ બનીને મેં આપેલ નંબર પર (૫૧૨૩૫) કસ્ટમર કેરમાં ફોન કર્યો અને જ્યાં ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે ત્યાંનું સરનામું માંગ્યુ. મળ્યું પણ ખરા, પણ ત્યાં પહોંચ્યો ત્યારે ખબર પડી કે એ તો માત્ર ડ્રોપબોક્સ જ છે. ફરી પ૧૨૩૫ પર ફોન કર્યો તો કહે અમે માત્ર માહિતી આપીએ, સરનામું નહી. ઓહ. પહેલાં જખ મારવા આપેલું? ફરી કસ્ટમર કેર (૧૨૩૪૫) પર ફોન કર્યો ત્યારે એ ભાઈએ કહ્યું અહીં તો ડોક્યુમેન્ટ ન અપાય. બુલશીટ. મને પણ ખબર છે. મેં તેમને કહ્યું તો ઓકે, મેમનગર નજીકનું સરનામું આપો. સરનામું મળ્યું – મણિનગર નજીકનું.

એક idea ખરેખર તમારું જીવન બદલી શકે છે.

@ideacellular વાળાને મારા ટ્વિટર સંદેશાઓ..

જીવન તો નહી, ફોન નંબર જરુરથી બદલાવાનો છે.. ક્સટમર કેર નો કાળો કેર છે.