વિરોધ, વિરોધ, વિરોધ!

 

* ૧૩ તારીખે બીજો શનિવાર અને કાચી ઉત્તરાયણ (ઉત્તરાયણ પછીનો દિવસ વાસી ઉત્તરાયણ તો પહેલાનો દિવસ કાચી ઉત્તરાયણ ન ગણાય?) હોવા છતાં કવિનની સ્કૂલે રજા ન આપી એ માટે આ બ્લોગ પર આ ઘોર કૃત્યનો વિરોધ કરવામાં આવે છે. વધુમાં, પાછું કવિનને મળેલી નોટિસમાં લખ્યું છે કે “હાજરી ફરજિયાત છે” :/

ડિસેમ્બરના ડાકલા

આ દરવખતે ડિસેમ્બરમાં કંઇને કંઇ ડાકલા વાગે. બે વર્ષ પહેલાં સાયકલ વાગી, ગયા વર્ષે કમર ભાંગી, આ વર્ષે ફરી સાયકલ પરથી પડી ભાંગ્યો (કંઇ તૂટ્યું હોય એવું જણાતું નથી). બોલો, કોણ કરે છે આ ડાકલા? કાલની બી.આર.એમ. પડતી મૂકવામાં આવી છે. અમારે હવે સ્પેશિયલ ભૂવો પકડવો પડશે એવું લાગે છે. તેમ છતાંય,

ડિસેમ્બરનો પ્લાન કંઇક આવો છે:

* આવતા અઠવાડિયે વસઇ-વિરાર હાફ-મેરેથોન.
* ત્યાર પછી થોડા દિવસમાં ચૂંટણીની ચટણી.
* પછી, બીજા જ દિવસે – માસ્ટરમાઇન્ડ ગ્રાન્ડમાસ્ટર ૧૨૦ કિમી રાઇડ (કે રેસ, જે ગણો તે).
* ક્રિસમસની રજાઓમાં – ૬૦૦ કિમી બી.આર.એમ. (અથવા ૧૦૦૦? :D)
* એક ટ્રેકિંગ (ક્યાં જવું તે અંગે અસમંજસ છે, તો પણ ટ્રેકિંગ દૂર છે, જવું જરૂર છે!)
* એક પાર્ટી.

બસ પછી નવું વર્ષ 😀

કેટલાક નિરિક્ષણો

૧. રસ્તો ભલે એજ હોય પણ, એ રસ્તા પર તમે ચાલતાં જાવ, દોડતાં જાવ, રીક્ષામાં જાવ, ટેક્સીમાં જાવ, રાત્રે જાવ અને દિવસે જાવ. દેખાવ અલગ-અલગ મળે. દા.ત. અમુક મકાનો, દુકાનો મને એક રસ્તા પર સાયકલ લઇને જાઉં ત્યારે જ દેખાય. એમ, લોકોની ટ્રાફિક સેન્સ વિવિધ વાહનોમાં વિવિધ રીતે દેખાય. જેવી તમારી દ્રષ્ટિ 🙂

૨. જન્મદિવસ ફેસબુક પર દેખાડેલો ન હોય તો ભારે શાંતિ રહે છે. એવી જ રીતે વોટ્સએપના સ્ટેટસનું છે.

૩. પ્રવાસ-મુસાફરી દરમિયાન લેપટોપ-કેમેરા લેવાના ન હોય તો અડધી બેગ ખાલી રહે છે!

૪. રજાના દિવસે લોકો વધુ દોડતા દેખાય છે.

અને છેલ્લે,

૫. ચૂંટણી આવતા જ પત્રકારો-કોલમિસ્ટો જાણે રેડબુલ પીધું હોય એમ જોશમાં આવી જાય છે (અને પરિણામ પછી એવી જ રીતે ભોયમાં જતા રહે છે, એ વાત કહેવી ન પડે).

હેપ્પી દિવાળી

* સૌ બ્લોગ વાચકોને મારા-અમારા તરફથી હેપ્પી દિવાળી અને હેપ્પી ન્યૂ યર (કાલ માટે!).

૪ વર્ષ પછી ખબર પડીકે એક પણ દિવસની રજા હોય તો પણ એ કેવી ભારે પડે છે અથવા તો કેટલો કંટાળો આવે છે. આવી રજાઓને ભેગી કરી એક સામટે રજા લેવાની ઇચ્છા થાય છે, પણ પામર મનુષ્ય એવું કરી શકતો નથી. જે હોય તે, કાલે રજા દરમિયાન બીજી એક હાફ મેરેથોનનો ભવ્ય કાર્યક્રમ છે. આ વખતે રુટ બરોબર પસંદ કર્યો છે જેથી ઓછામાં ઓછો ટ્રાફિક નડે વત્તા સવારે વહેલા ઉઠવાનો પ્લાન છે. અને જોડે કંઇક એનર્જી ડ્રિંક્સ પણ લઇ જવામાં આવશે જેથી શનિવારની જેમ ૧૭ થી ૧૯ કિમી દરમિયાન ટેં ના થઇ જવાય.

તો ફરીથી બધાંને, હેપ્પી રનિંગ. સોરી, હેપ્પી દિવાળી.

અપડેટ્સ – ૬૮

* હવે નક્કી કર્યું છે કે દર અઠવાડિયે એક જ વાર અપડેટ વાળી પોસ્ટ મૂકવી. કારણ? કારણ તો એ જ કે કંઇ ખાસ નવું બનતું નથી. સવારે ઉઠવાનું, દોડવાનું (સોમ-શુક્ર/શનિવાર સિવાય), fooસાગરમાં બ્રેકફાસ્ટ, ઓફિસ, પાછા આવીને fooસાગરમાં ડિનર (સીદ ડોસા, સર) અને પછી થોડું ડેબિયન અથવા બીજાં પ્રોજેક્ટ પર કામ વત્તા મુવી અને zZZz. આ રુટિન શનિ-રવિ બદલાય કારણકે લંચ માટે શું કરવું એ યક્ષપ્રશ્ન આવીને ઉભો રહે!

* ગયા અઠવાડિયામાં સરસ દોડાયું. અહીં સવારની સરસ ઠંડક મને પથારીમાંથી ન ઉઠવા માટે મજબૂર કરે છે, પણ રનિંગ પાર્ટનર મજબૂત અને નિયમિત છે. વીકએન્ડમાં જોકે એકલા દોડવાનું થયું, પણ મજા આવી ગઇ.

* વીક માં સારી ઘટના ગણીએ તો મારી બેંક મને જડી ગઇ! ગુગલ મેપમાં ઓફિસની બાજુમાં બતાવાતી હતી અને ત્યાં જઇને તપાસ કરી તો કંઇ નહી (એની જગ્યાએ સ્કિન, હેર લેસર ક્લિનિક કે એવું કંઇ નીકળ્યું!). પછી, બેંકની ઓફિશિઅલ સાઇટ પરથી સાચું સરનામું મળ્યું અને બુધવારે દોડવા માટે એ બાજુ ગયો હતો તો અચાનક દેખાઇ.

અને, ખરાબ ઘટના એ બની કે, શનિવારે અડધો કલાક ચાલીને (અને એટલો જ સમય પાછાં આવતા!) ત્યાં ગયો તો ખબર પડી કે બેંક ‘બકરી ઇદ’ ના લીધે બંધ છે!!

* રવિવારે સાંજે શ્રેણિક વિકમને ફોરમ મોલમાં મળવાનું નક્કી કરેલું તે પ્રમાણે મળ્યા. મેં તો સબ-વે વત્તા વડા-પાઉં ઝાપટ્યા અને એન્ડ્રાઇડ પર ખૂબ બધી ચર્ચા કરવામાં આવી. રીટર્નમાં બસ મળી ગઇ એ અદ્ભૂત ઘટના કહેવાય 🙂

* અને, કવિનને મમી બનેલો તે વેશભૂષામાં પ્રથમ નંબર આવ્યો છે, એવા સમાચાર મળ્યા છે!!

ન્યૂ યર અપડેટ્સ

* ઠંડી…

* ૩૧મી એ રાત્રે આલ્ફામોલમાં પિઝા હટ્માં નાનકડી પાર્ટી કરવામાં આવી. કવિનને એક બલૂન મળ્યો એટલે બહુ ખુશ થયો પણ તેણે કોલ્ડ ડ્રીંક અને ફ્રેશ લાઈમ સોડાની જીદ પકડી 😦 નવાં શૂઝ લેવાના હતા પણ ૧૦ વાગતા બધી દુકાનો ટપાટપ બંધ થવા લાગી હતી એટલે આવતી સાલ પર મુલતવી રાખવામાં આવ્યા.

નવાં વર્ષની શરુઆત એકંદરેસારી રહી. ડેબિયનના કામથી શરુઆત કરી. ચિરાગભાઈ ઝા (ઝાઝી.કોમ) જોડે ફેસબુક પર વાત થતી હતી અને અચાનક નક્કી કર્યું કે સાંજે મળીએ. સહ પરિવાર મળ્યા અને કવિનને એક નવો ફ્રેન્ડ મળ્યો. કવિન-ભવ્યને રમવાની અને અમને વાતો કરવાની બહુ મજા આવી (વત્તા, સરસ કોફી અને ગોળપાપડી તો ખરી જ). અમદાવાદ, ટેક કલ્ચર, શિક્ષણ, ગુજરાતી અને એવી અનેક વાતો ચર્ચાઈ.

હા, કૃણાલભાઈ અને પરિવારને આ વખતે મળવાનું રહી ગયું. ૨૦૧૨ના વિશલિસ્ટમાં તેમની મુલાકાત ઉમેરી દેવાઈ 🙂

* આવતી કાલે વિકિપીડિઆની પેલી ફોટોવોક છે. અને આજે, તો રજા છે 😀

વરસાદ, વોટરપાર્ક અને વીક-એન્ડ

* વરસાદ સરસ છે, આપણને બીજું શું જોઈએ?

* શનિવારે વિનયનો મેસેજ (એ પહેલા મિસકોલ, કારણ કે અમે આરામથી ઊંઘ્યા હતા) આવ્યો કે વોટરપાર્ક (શંકુસ, મહેસાણા હાઈવે) આવવું છે? અમે ક્યારેય સપરિવાર કોઈ જ વોટરપાર્કમાં ગયેલા નહી એટલે આ મોકો ઝડપ્યો અને વિનયની નવી કારમાં બેસવાનો મોકો પણ મળી ગયો 🙂 સવારે ૯.૩૦ જેવા નીકળ્યા. પાલનપુરથી અનિલ-પરેશ અને રાજુ પણ આવવાના હતા એટલે બધી બચ્ચાંપાર્ટીઓ ભેગી થઈને બરાબર મસ્તી કાઢે તે શક્યતા હતી જે સાચી નીવડી અને બધાંએ મન મૂકીને પાણી અને વરસાદનો ફાયદો ઉઠાવ્યો. કેમેરા લઈ ગયેલો, પણ ત્યાં બહારના કેમેરાની મનાઈ હતી એટલે બિચારો ગાડીમાં જ પડ્યો રહ્યો. જોકે ત્યાં ૨ ફોટા પડાવ્યા ખરા, જે પછી ક્યારેક સ્કેન કરીને મૂકીશ. પાછાં આવતા લગભગ ૬ વાગી ગયા અને જ્યારે મોબાઈલ લોકરમાંથી બહાર કાઢ્યો ત્યારે કુલ મળીને લોકોના ૨૫ મિસકોલ હતાં! હું કેટલો અગત્યનો છું એ આજે જ ખબર પડી…

* આજ-કાલ નક્કી કર્યું છે કે વીક-એન્ડમાં ઓફિસનું કંઈ કામ ન કરવું. પણ, મોટાભાગે ઘરેથી કામ કરવાની વસ્તુ એવી વિચિત્ર હોય કે તમે ન ઈચ્છતા હોવા છતાં આખું અઠવાડિયું ઓફિસ ચાલુ હોય એમ લાગે (ફાયદો એ કે આખું અઠવાડિયું રવિવાર છે એવું પણ લાગે!!). એટલિસ્ટ, IRC માં તો લોગ-ઈન થવાનું થઈ જ જાય અને ઓફિસનું કોઈ કામ યાદ આવી જાય. છેવટે આ માટે, એક સ્ક્રિપ્ટ બનાવી જે ક્રોનજોબ વડે નક્કી કરે કે આજે કયો વાર છે અને તે પ્રમાણે જે ઓફિસ સિવાયની ચેનલ્સમાં લોગ-ઈન કરે. આવું જ હવે, બ્રાઉઝર (ફાયરફોક્સ) માટે બનાવવાનો વિચાર છે.

ગુજરાત સ્થાપના દિવસ

* પહેલી મે એટલે ગુજરાત દિવસ, મહારાષ્ટ્ર દિવસ, મજૂર દિવસ અને રજાનો દિવસ. ૫૦મું વર્ષ બેઠું આ આપણા ગરવી ગુજરાતને. દિવ્ય ભાસ્કરની આજની ખાસ પૂર્તિ સરસ છે – ખાસ કરીને વિનોદ ભટ્ટનો ‘મમ્મી, મમ્મી, મોડર્ન બ્રેડ’ લેખ વાંચવા જેવો છે..

બધાને ખૂબ-ખૂબ અભિનંદન!