મેડલ મેડલ મેડલ!

ગયા મહિને ઓફિસમાં ફ્રી ટેબલ (આ ટેબલ પર પડેલી કોઇ પણ વસ્તુ તમે લઇ જઇ શકો. ઘણી વખત પેનડ્રાઇવ્સ, મસ્ત ગેજેટ્સ મળી આવે) પર કોઇકે પોતાના ઢગલાબંધ મેડલ્સ મૂકેલા અને પણ મસ્ત-મસ્ત. એકાદ સેકંડ તો લઇ લેવાનું મન થયું, પણ પછી થયું મેડલ તો જીતવાના હોય છે, મેળવવાના ના હોય. પણ હા, ભારતમાં મેડલના નામે જે કચરો પધરાવાય છે એ જોતા એમ થાય છે કે ૫ કે ૧૦ વર્ષ પછી મારા-અમારા મેડલ્સ ક્યાં મૂકીશું. તો આપણે જોઇએ મેડલ પિંજણ. કોઇપણ મેડલમાં ચાર વસ્તુઓ મહત્વની છે:

૧. ડિઝાઇન: ઘણી વખત એવી ડિઝાઇન હોય કે એમાં ઇવેન્ટ કરતા સ્પોન્સર્સ વધુ હોય. અરે, થોડી સારી ડિઝાઇન તો ઇન્ટરનેટ પર મળી શકે. મારો ટેક્સાસ હાફ મેરેથોનનો મેડલ જુઓ કે પછી BRM ૧૦૦૦નો મેડલ જુઓ.


૨. લખાણ: ઘણી વખત ઇવેન્ટ વાળા માસ પ્રોડક્શનમાં પંચ વર્ષીય યોજના માટે મેડલ બનાવે છે જેમાં ઉપર વર્ષ લખે જ નહી. ૫-૧૦-૨૧ કિમીની રેસ હોય તો પણ બધાંને એક જ મેડલ આપે એટલે એ પણ ખર્ચો બચે. જલ્સા. આ વખતે કવિનને ૩ કિમીમાં મળેલો મેડલ જુઓ. ખબર પડે કે કયું વર્ષ છે કે કેટલા કિમીની રેસ હતી?

૩. પટ્ટી: મેડલ સાથે આવતી પટ્ટી મહત્વની છે. ઘણી ઇવેન્ટમાં તો એવી પટ્ટી આવે કે જાણે ઓર્ગેનાઇઝરના લેંઘાનું નાડું હોય. અરે ભાઇલોગ, કંઇક તો ઢંગનું રાખો.

૪. મટીરિયલ: મહત્વનું. મુંબઈમાં તમે તાંબા મિશ્રિત મેડલ આપો તો છ મહિના પછી ઓળખાય જ નહી કે કઇ ઇવેન્ટનો મેડલ હતો!

જ્યારે અમે નાના હતાં – વિડીઓ ગેમ્સ

* મને યાદ છે ત્યાં સુધી હું ત્રીજા કે ચોથામાં હતો (૧૯૮૭-૮૮) ત્યારે મામાના ઘરે સિંગાપોરથી લાવેલી હેન્ડ-હેલ્ડ વિડીઓ ગેમ જોયેલી અને અમે તેની પાછળ ગાંડા થઇ ગયેલા. એ વખતે ગેમ્સમાં આખો સ્ક્રિન ડાયનેમિક નહોતો, થોડું ડ્રોઇંગ અંદર કરેલું હોય, ડિસ્પ્લે પર પછી LCDથી ઇમેજ બને જે આપણે કંટ્રોલ્સ વડે ઓપરેટ કરવાની. આખા કોન્સોલમાં એક જ ગેમ. એ પહેલાં મામાએ ઘરે જાતે ટીવી પર ચાલતી વિડીઓ ગેમ બનાવેલી (પોંગ. કદાચ ઇલેકટ્રોનિક્સ ફોર યુમાં આવેલી). પછી તો, અમેય ફૂટબોલ વાળી એક ગેમ ક્યાંકથી લાવેલા અને આખેઆખું વેકેશન એ ગેમ રમીને વિતાવેલું. કાળક્રમે કંટ્રોલ બગડી ગયેલા અને પછી અમે તેને ખોલીને અંદર જોવાનો પ્રયત્ન પણ કરેલો. કંઇ મજા ના આવેલી 😉

પછી, અમને Atariની ટીવી પર રમાતી વિડીઓ ગેમ લાવી આપવામાં આવેલી જે સાથે આવેલી સૌથી પહેલી ગેમ હતી – પેકમેન! એક જ કેસેટ, થોડા સમયમાં બધાં કંટાળ્યા અને બીજી બે કેસેટ્સ લાવવામાં આવેલી. પછી તો વેકેશન અને બધાં દિવસો અને બધી રાતો એમાંજ પસાર થતી. જોયસ્ટિક એકદમ સરસ હતી એટલે મજા આવતી. પછી તો, જોયસ્ટિકની સ્ટિક પણ હાથમાં આવી ગયેલી એટલી હદ સુધી બધાંએ તેમાં સમય પસાર કર્યો. આ કોન્સોલ કદાચ ત્રણેક વર્ષ ચાલ્યું અને પછી કંઇક અંદર બગડ્યું એટલે અમે કોઇને આપી દીધેલી અને પછી આવ્યું વિડીઓ ગેમ્સ ઇન્ડસ્ટ્રી સાથેનું મોટ્ટું વેકેશન. મને યાદ નથી કે સાતમાં ધોરણથી શરુ કરીને છેક અગિયારમાં સુધી કોઇ ગેમ રમી હોય. કદાચ કોઇ મિત્રોના ઘરે થોડીવાર રમી હશે (પિયુષના ઘરે અમે બોમ્બરમેન કે ઓથેલો રમતા). થોડો સમય કોમ્પ્યુટર ક્લાસિસ કરેલા ત્યાં અમને વિન્ડોઝ ૩.૧ પર સોલિટેર રમવા મળેલી. અને, પછી કદાચ કોલેજમાં NIIT માં પૈસા બગાડેલા ત્યાં થોડી એડવાન્સ ગેમ રમતા એવું યાદ છે.

ઓહ, એના પરથી યાદ આવ્યું કે, જ્યારે અમે નાના હતાં – કોમ્પ્યુટર ક્લાસિસ કે કોમ્પ્યુટર એવી પોસ્ટ લખી શકાય!

ઓલ્મપિક ૨૦૧૨ અને બીજાં અપડેટ્સ

* Olympics 2012 પર તો કંઇ ખાસ લખી શકાય તેમ નથી, છતાંય આ લખાય છે ત્યાં સુધી આપણને ૧ બ્રોન્ઝ અને ૧ સિલ્વર મેડલ મળ્યો છે. હજી એકાદની આશા રખાય છે. લેટ્સસી. એથ્લેટિક્સમાં તો ભૂલી જ જવાનું. તેમ છતાંય, ‘ઇન્ડિયન બૉડી અને કૅન્યન માઇન્ડ’ જેવું ધ્યાનમાં રાખવું અને આ રવિવારે ૨૧ કિ.મી.ની પ્રેક્ટિસ શીલજ થી થોળ સુધી ADR વડે રાખવામાં આવી છે. એથ્લેટિક્સમાં મેડલ લાવવો એ કેમ ટફ છે એ ભારતના વાતાવરણ (હવામાન અને મા-બાપના મગજના હવામાન), રમતોમાં રમાતા ગંદા રાજકારણ અને સરવાળે રમત-ગમત પ્રત્યેની ઉદાસીનતા (ફાફડા-ઢોકળા અને ચીઝ સેન્ડવિચ.. ભૂલાય?) પરથી માપી શકાય છે.

હા, હવે તો ગીલ્લી-દંડા અને લખોટીમાંય આપણો નંબર ન આવે. ચીન એમાંય માસ્ટરી મેળવી લે 🙂

અપડેટ: યશે આપેલ એક વાંચવાલાયક લેખ: Who is winning medals in London, and why?

* અત્યારે ધ ડાર્ક નાઇટ ટૂકડે-ટૂકડે જોવામાં આવી રહ્યું છે. એ રાત્રે મોડા સુધી જાગવાનું હવે સવારે વહેલાં ઉઠીને દોડવાની આશામાં બંધ કર્યું છે, છતાંય હજી હેરી પોટર સવારની એલાર્મ પર ભારે અસર કરે છે. બસ, બીજાં બે-ત્રણ દિવસ અને એક સરસ પુસ્તક સીરીઝનો અંત આવશે એ વિચારે વાંચવાનું ધીમું કરી દીધું છે 🙂

* અને, દુષ્કાળ-દુકાળ સામે આવતો દેખાય છે.

અપડેટ્સ – ૪૯

* કવિનની સ્કૂલ સત્તાવાર રીતે ચાલુ થઈ ગઈ છે, પણ તેની તબિયત ઠીક નથી એટલે અમારા જીવ ઊંચા છે. આજે પહેલીવાર તે રીક્ષામાં એકલો ગયો છે, એટલે થોડું ટેન્શન થાય એ સ્વાભાવિક છે. હવે, સિનીઅર કે.જી. એટલે કેરિઅરનું મહત્વનું વર્ષ એટલે તેના પર બહુ ધ્યાન આપવું પડશે. રમત-ગમત બંધ. મિત્રો જોડે ધમાલ-મસ્તી બંધ. દરરોજ ૮ થી ૧૦ કલાક ભણવાનું અને મારે પણ એકાદ વર્ષ ઓફિસમાંથી રજા લઈને તેની પાછળ લાગવું પડશે.

😉

અને, અત્યારે એ સ્કૂલમાં છે તો ઘર બહું સૂનું-સૂનું લાગે છે. સમય પસાર થતો જ નથી!!

* વાતાવરણ બોરિંગ છે. વરસાદના ‘કા કા વાદા‘ આવે  છે, ને પરસેવો-બફારો આપીને જાય છે. બે દિવસથી રનિંગ ઉર્ફે દોડવામાંય મજા નથી આવતી. હવે ચોમાસું આવશે એટલે બિચારા રનર્સને તકલીફ થશે..

* એરટેલ વાળા બિલ ભર્યા પછીયે ‘Please pay the bill’ ના SMS ભરબપોરે મોકલે છે. એવો ગુસ્સો આવે છે કે અત્યારે જે એરટેલને બાય-બાય કહી દઉં. જોકે આ વિસ્તારમાં બીજો કોઈ વિકલ્પ દેખાતો નથી. રીલાયન્સતો એનાથી ય જાય એવું છે. બાકી સ્પિડિ ગો એટલે “સ્પિડ – ગોન” એવા નામે ઓળખાય છે. અત્યારે તો સહન કરવા સિવાય કોઈ છૂટકો નથી.

* કવિનને અત્યારે એના ‘બા’ આવ્યા છે એટલે થોડા દિવસ મજા આવશે (અમને પણ!). બા સરસ મજાના સ્ટિકર્સ લઈને આવ્યા છે, મુંબઇ થી. હું નાનો હતો ત્યારે મને પણ સ્ટિકર્સ બહુ ગમતાં. અત્યારે પણ ગમે છે, જે લોકો એ મારું લેપટોપ જોયું હશે તેમને ખ્યાલ જ હશે!

* આજ-કાલ પોર્ટલ ગેમ રમી રહ્યો છું (હજી શરુ જ કરી છે, કવિન પણ જોડે હોય છે). સરસ છે. પોર્ટલ-૨ ટૂંક સમય પછી લેવામાં આવશે..

આજની આગાહી

.. એક વાત નક્કી છે – આજે કેટલાય લોકો બિમાર પડશે અને સિક-લિવ કે હાફ-લિવ લેશે 😉

ક્રિકેટ

* એમ તો હું ૧૯૯૯ની પેલી ભારત-ઝીમ્બાબવે વાળી મેચ પછી ક્રિકેટ ખાસ જોતો નથી (ક્યારેક જોવું પડે એ વાત અલગ છે, કારણ કે જાપાનીઝ કાર્ટૂન, રોવાવાળી સીરીયલો અને ડબિંગ હોલીવુડ મુવી કરતાં વધારે રોમાંચ એમાં હોય છે). આજે જે મેચ છે, એ બિચારા ભારતના ક્રિકેટ ચાહકો માટે અત્યંત મહત્વની છે. ભારત જીતે તો ઠીક છે, પણ હારે તોય આપણને ફાયદો છે. કેમ?

૧. લોકો ક્રિકેટ જોવા ન જાય અને તેમના પૈસા બચે.
૨. ભારતના ક્રિકેટરોને રાજકારણીઓ-સરકાર (આપણા પૈસાથી) લ્હાણી ન કરે અને સરવાળે દેશને ફાયદો થાય.
૩. ભારત કેમ હાર્યુ એ ચર્ચા સમાચારપત્રોમાં ચાલે, અને કોલમ લેખકો અને ઈન્ડિયા ટીવી વગેરેને એક સારો મુદ્દો મળે.

સોરી. ભારત હારે તો મને દોષ ન આપતા. જે રીતે આપણી ટીમ ફિઆસ્કો માટે જાણીતી છે, બહુ આશા ન રાખવી અને હિંમતથી કામ લેવું.

કવિન અને સ્પોર્ટસ ડે

* એમ તો કવિનને શરુઆતમાં કંટાળો આવ્યો અને નાનકડો ભેંકડો તાણ્યો, પણ પછી બગ્સ બની રેસમાં પ્રથમ આવ્યો (જોકે એવું કંઈ હતું નહી. ઈનામ તો કોઈને ન મળ્યું.). કવિન જમણી બાજુ પહેલો આવતો દેખાશે..

🙂

એવોર્ડ પે એવોર્ડ

* તારીખ પે તારીખ પે તારીખની જેમ સરકાર દે ધનાધન એવોર્ડ્સની લ્હાણી કરે છે તે જોતાં અમારી પણ એવી ઈચ્છા છે કે,

૧. ધોરણ ૫ પાસ કરે તેને – પદ્મશ્રી.

૨. ધોરણ ૧૦ પાસ કરે તેને – પદ્મભૂષણ.

૩. ધોરણ ૧૨ પાસ કરે તેને – પદ્મવિભૂષણ.

અને

૪. કોલેજ પાસ કરે તે દરેક રત્નોને, ભારત રત્ન આપવામાં આવે.

ગિલ્લી-દંડા, લખોટી કે છાપો જેવી રમતોનાં ચેમ્પિયન્સને અર્જૂન એવોર્ડ અને તેમનાં સિનિયર્સ ચેમ્પિયનોને દ્રોણાચાર્ય એવોર્ડ આપવામાં આવે.

તમારી કોઈ આવી ઈચ્છાઓ હોય તો જણાવજો.