અપડેટ્સ – ૨૩૮

  • સૌ પ્રથમ તો, બક્ષીબાબુને હેપ્પી બર્થ ડે!
  • વીસમી સદીની પોસ્ટ લખ્યા પછી મારા બ્લોગની સ્થિતિ પણ એવી જ થવા લાગી હતી, પરંતુ રે સમયનો અભાવ અને હવે આ આળસ. છેવટે આજે આળખ ખંખેરીને થોડું લખી રહ્યો છું.
  • છેલ્લી અપડેટ પછી મીઠી નદીમાં ઘણાં પાણી આવીને જતા રહ્યા છે (એટલે કે વરસાદ બઉ પડ્યો, બા!) અને અમેરિકા અફઘાનિસ્તાનમાંથી ખસી ગયું અને તાલિબાનનું પૂંછડું દુનિયાને ફરીથી પકડાવીને પોતાના હાથ ઉપર કરી દીધા છે. ભારત પર હવે તેની શું અસર પડશે એ તો શી ખબર પણ લોકોને તાલિબાન પત્રકાર પરિષદ કરે છે, એ બહુ ગમ્યું. ભલે ગમતું. જેમ એક-બે રાજ્યોમાં ખેડૂતોના રાજકારણ પાવર્ડ આંદોલનો થયા ત્યારે બાલ્કનીમાં કોથમીર ઉગાડતા લોકો પણ ‘હું પણ ખેડૂત’ એવો ઝંડો ફરકાવતા હતા એ લોકો ‘હું પણ પત્રકાર’ બનીને કૂદી પડ્યા છે. તેમને તાલિબાનોની પત્રકાર પરિષદમાં જવું છે, પણ જતા નથી! જાવને બાપા, અમે વિઝા આપીશું. બસ ખાલી, પાછા ન આવતા 😉
  • ઓનલાઇન કોન્ફરન્સોનો રાફડો ફાટ્યો છે. વિકિમેનિયા (૧૪-૧૭ ઓગસ્ટ) અને ડેફકોન્ફ (૨૨-૨૯ ઓગસ્ટ) બંને ઓનલાઇન! ડેબકોન્ફે આ વખતે સરસ ટી-શર્ટ પણ મોકલી છે.

ટી-શર્ટ પરથી યાદ આવ્યું કે, રિનિત-હિરલે પણ એક સરસ ટી-શર્ટ આપી છે.. પરરરરફેક્ટ વન!

  • અને, ડેબિયનની નવી આવૃત્તિ Bullseye બહાર પડી છે. છેલ્લા બે-ત્રણ મહિનાથી ડેબિયનમાં કંઇ ખાસ કામ કર્યું નથી, પણ હવે પાછું ધ્યાન તેના પર મૂકવામાં આવશે.
  • રનિંગ બે-ત્રણ દિવસથી ફરી શરુ કર્યું છે. આઉટડોર સાયકલિંગમાં ગયા અઠવાડિયે ૧૫૦૧૦૦ બી.આર.એમ. કરવામાં આવી, અને એ વખતે જ જબરજસ્ત વરસાદ પડ્યો અને અમે ધોવાઇ ગયા. હવે ૧૨ સપ્ટેમ્બર ના રોજ બી.આર.એમ.ના ૧૦૦ વર્ષ (૧૯૨૧-૨૦૨૧) પૂરા થાય છે, તેની ખાસ ૨૦૦ કિમી બી.આર.એમ. છે તે કરવામાં આવશે. વધુ અંતરની બી.આર.એમ. હજુ અહીં શરુ નથી થઇ, પણ ઓક્ટોબરમાં પ્લાન ચાલી રહ્યો છે.

આજની કહેવત

આજની નવી કહેવત:

મોગલો તગારે, મરાઠા નગારે, અંગ્રેજો પગારે અને આ સરકાર ઉચારે.

અપડેટ્સ – ૧૫૩

* ફરી પાછી ચૂંટણીઓ આવી અને ગઇ. એટલિસ્ટ, કોંગ્રેસ આવી એટલે શાંતિ છે.

* * વેકેશન પડી ગયું છે પણ મારે વધુ કામકાજ ચાલુ જ છે. આ અઠવાડિયું આખું દોડાદોડમાં રહ્યું. પેલું દોડવા વાળું દોડવાનું નહી પણ, ભાગંભાગ. પુને જવાનું નક્કી થયું અને એમાં ફેરફાર કરવો પડ્યો એટલે કોઇને મળવાનો કે ત્યાં દોડવાનો સમય ન મળ્યો. બીજા દિવસે ગુગલ વેબ ફોન્ટ અંગેની એક વર્કશોપ રચના સાંસદ કોલેજ, દાદર ખાતે હતી. વર્કશોપમાં જવામાં વાંધો નહી પણ “દાદર ઇઝ સ્પાર્ટા”. જતાં જવાય પણ વળતાં તો જેને મદદે ખુદા હોય એજ આવી શકે. અમે આવ્યા, એટલે ખુદા-ભગવાન અમારી જોડે છે એમ કહી શકાય. વર્કશોપ સરસ રહી. મારા ફોન્ટ અંગેના જ્ઞાનમાં વધારો વત્તા નવાં ફોન્ટ બનાવવાના વિશલિસ્ટને અગ્રતા આપવાની જરૂર છે એમ લાગ્યું. ડેવ અને પાથુમને મળવાની અને વાતો કરવાની મજા આવી.

* આજે સવારે ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર અજય, જે રનર છે અને અકસ્માતમાં હાથ ગુમાવેલો છે, તેની મદદ (પ્રોસ્થેટિક હાથ માટે) માટેની એક ૧૫ કિ.મી.ની નાનકડી દોડમાં ભાગ લીધો. હા, સવારે ચશ્માં પહેરવાનું ભૂલી ગયો અને દરવાજો બંધ કર્યો (લેચ), અને ઘરની ચાવી તો હું જોડે લેતો નથી એટલે ચશ્માં વગર પહેલી દોડ એ પણ મારી રનિંગ કારકિર્દીમાં એક માર્ક (“તેજા મે હું”) ગણી શકાય 😉

* અને હા, ફટાકડાં લઇ લેવામાં આવ્યા છે, લાગે છે કે એ બે દિવસમાં પૂરા થઇ જશે…

સિસ્ટર શહેરો

* હમણાં જાણવા મળ્યું કે, આપણાં શહેરો હવે ચાઇનાનાં શહેરો જોડે સિસ્ટર શહેરો બનવાના છે. હવે, એક નિર્દોષ પ્રશ્ન થાય કે, આમાં ફાયદો શું? શહેરના નાગરિકોને શું?

જવાબ ૧: કોર્પોરેટર્સને પ્રજાના પૈસે ફરવા મળે (અભ્યાસ કરવા માટે).
જવાબ ૨: વિકિપીડિયામાં લખ્યું છે તેમ…

તેમ છતાંય કોઇને વધુ માહિતી હોય તો જણાવવા વિનંતી.

અપડેટ્સ – ૧૧૦

* યેય, દિવાળી વેકેશન પડી ગયું છે, એટલે આ બ્લોગ પણ વેકેશન-મોડમાં જશે. આમ પણ, છેલ્લાં કેટલાંય સમયથી મૂર્છિત અવસ્થામાં જ છે, એટલે કોઇને ખાસ ગેરહાજરી વર્તાશે નહી. કવિન જ્યારે આજે સ્કૂલથી આવ્યો ત્યારે બૂમો પાડતો-પાડતો આવ્યો કે વેકેશન પડી ગયું છે! આવો આનંદ હવે મને મળતો નથી એનું દુ:ખ છે. વેકેશન છે છતાંય લેપટોપ અને ઢગલાબંધ ઇલેક્ટ્રોનિક્સ કચરો જોડે લઇ જવાનું છોડી શકાતું નથી.

* રવિવારે વસઇ-વિરાર હાફ-મેરેથોન ઠીક-ઠાક સમયમાં પૂરી કરવામાં આવી (સમય: ૨.૩૨.૪૨ નંબર: ૧૨૬૭). મજાની વાત એ હતી કે આ મેરેથોન નગરપાલિકા દ્વારા સ્પોન્સર હતી એટલે રસ્તાની બન્ને બાજુએ લગભગ બધી જગ્યાએ વિવિધ સ્કૂલનાં છોકરાંઓ અમને ઉત્સાહિત કરતા હતા. લેઝિમ, ડ્રમ બેન્ડ અને ડી.જે. લોકો પણ યોગ્ય રીતે પાણી વગેરે પૂરા પાડતા જોયા પછી વસઇ-વિરારને બેસ્ટ સપોર્ટેડ મેરેથોનનો ખિતાબ મુંબઇ મેરેથોનમાંથી છીનવીને આપવામાં આવે છે. હા, થોડાંક લોચા હતા, પણ ઓર્ગેનાઇઝર વગેરેએ ફીડબેક પોઝિટીવ લીધો હોવાનાં અહેવાલો છે. જો તમે મુબંઇમાં હોવ તો, મસ્ટ રન મેરેથોન!

* સાયકલમાં ફરીથી ટાયર પંકચર, જેથી આ અઠવાડિયાનું સાયકલિંગ ખોરવાઇ ગયું છે. હવે વેકેશન પછી તેને પણ યોગ્ય ન્યાય અપાશે. એટલિસ્ટ, મુંબઇ મેરેથોન પહેલાં એકાદ ૧૦૦ કિમીની રાઇડ થઇ જાય તેવું આયોજન ચાલે છે. (જોકે મારા આયોજનો આયોજન પંચ કરતાં બહુ સારા હોતા નથી).

* એકાદ દિવસ અમદાવાદનો પ્લાન છે, પણ ત્યાં ડેન્ટલ ટ્રીટમેન્ટ ડોકિયાં કરે છે, એટલે કોઇને મળવાનો સમય મળે તેમ લાગતો નથી. પેલા ડેકાલથોન સ્ટોરમાં પણ આંટો મારવાની ઇચ્છા સાઇડ પર મૂકવી પડે તેમ છે. તેમ છતાંય ADRians જોડે દોડવાનો મોકો ગુમાવવાનો નથી 😉

* અને છેલ્લે, આ ત્રીજા મોરચાનું સરકસ જોઇને હસવું કે રડવું તે સમજાતું નથી. બંદરોનો નાચ, દેશને સો ટકા મોંઘો પડવાનો છે.

અપડેટ્સ – ૧૦૩

* આજ-કાલ $ નો ભાવ વધવા (અને રુપિયાના ઘટવા) સિવાય કોઇ ખાસ ઘટનાઓ બનતી લાગતી નથી. આપણા મન એટલાં કઠોર થઇ ગયા છે કે ભાવવધારા સિવાય બીજી ઘટનાઓ સામાન્ય ગણીએ છીએ. દા.ત. રાજકારણીઓનું છૂટી જવું, બાપુઓની ચીમકીઓ અને બિલ્ડર-લોબીએ (રેતીથી) બાંધેલા મકાનો પડી જવા વગેરે.

* વરસાદ હજી બંધ થયો નથી, પણ હળવો થયો છે.

* આધાર કાર્ડની મગજમારી ચાલુ છે. પહેલાં એમ હતું કે ખાલી ક્રેડિટ કાર્ડ લેવું અઘરું છે, પણ આ નવાં કાર્ડે રેકોર્ડ તોડ્યો છે!

* ગઇકાલે થોડા સમય માટે ભારત આવતા ડેબિયન ડેવલોપરને મળવા ગયો ત્યારે અંધેરી સ્ટેશન પર ઉતરીને થયું કે આપણે દરરોજ આવી જાલિમ મુસાફરી કરતા નથી એટલું સારું છે. રસ્તા પર આવતાં થયું કે આવું પ્રદુષણ સહન નથી કરવું પડતું એ પણ સારું છે 🙂 કોસ્ટામાં કોસ્ટલી કોફી પીધા પછી થયું કે આવી કોફી દરરોજ નથી પીતા એ પણ સારું છે. લિનક્સનાં કર્નલથી માંડીને રાજકારણ સુધી ઘણી ચર્ચાઓ થઇ અને અંતે અમારો મુખ્ય એજન્ડા કી-સાઇનિંગ કરી છૂટા પડ્યા.

* જન્માષ્ટમીમાં વર્ષો પછી મટકી ફૂટતી દેખી. કવિને પણ પોતાનો ઘટતો ફાળો આપવાનો પ્રયત્ન કર્યો પણ ત્રણ પ્રયત્નો નિષ્ફળ ગયા.

* જીમેલ પાછું બગડતું જાય છે. નવી કોમ્પોઝ વિન્ડો, બાય ડિફોલ્ટ સેન્ટ મેલને અર્કાઇવ કરી લેવા. ડચચચ… 😦

અપડેટ્સ – ૧૦૨

* ગઇ કાલે અમારી ૯મી એન્ગેજમેન્ટ એનિવર્સરી હતી. ઉજવણી? પાની પુરી. પેસ્ટ્રી.

* કે. મારા માટે ‘યોગ મેટ’ લાવી  જેથી હવે જુહુ કે આરે કોલોનીમાં ટ્રેનિંગ વખતે મારા કપડાં ખરાબ નહી થાય (કે ઓછા થશે) વત્તા ઘરે પણ વ્યવસ્થિત રીતે કસરત વગેરે થઇ શકે. થેંક્સ, કે! (PS: યોગા નહી યોગ કહેવાય). આવતા રવિવારે (૧ લી તારીખે) બાંદ્રા-NCPA હાફ-મેરેથોનમાં ભાગ લઇ રહ્યો છું, જેની તૈયારી જરાય ઠીક લાગતી નથી!

* અમે બન્ને જણાંએ ગુજરાતી વિકિસ્ત્રોતમાં યોગદાન શરુ કર્યું છે. ઝવેરચંદ મેઘાણીની વેવિશાળથી અમારી શુભ શરુઆત થઇ છે. હવે જોઇએ છીએ ક્યાં સુધી પહોંચીએ છીએ 🙂

* ગુજરાતીલેક્સિકોનની નવી પોપ અપ ડિક્શનરી સરસ રોકિંગ છે. હવે, પોપ અપ નામ કેમ રાખવામાં આવ્યું એ ખબર નથી! આ એપ્લિકેશન IIM માં રાખેલા હેકેથોનમાં રનર અપ બની હતી. દુર્ભાગ્યે, એમાં આવતી એડ્સ આખા લુક એન્ડ ફિલને મારી નાંખે છે..

* આપણો દેશ કોમ્પ્યુટર છે. આપણે ૦ અને ૧ આંકડાઓ છીએ. રાજકારણીઓ તેમાં ઘૂસેલા ડીફોલ્ટ વાયરસ છે. આપણી ઓપરેટિંગ સિસ્ટમ કરપ્ટ છે. દેશને મુક્ત એવાં લિનક્સ અને ઓપનસોર્સ વિચારધારાની તાતી જરુર છે.

૬૦૦ રુપિયામાં ઘર કેવી રીતે ચલાવવું?

* જુઓને આપણી સરકાર આપણને મફત શિક્ષણ (સરકારી સ્કૂલ), મફત રહેઠાણ (ie ઘરનું ઘર), મફત તબીબી સારવાર (108), મફત ભોજન (રેશન-કાર્ડ પર) આપે છે, તો કેમ તમે ૬૦૦ રુપિયામાં ઘર ન ચલાવી શકો? તમેય યાર ખરા છો, સરકાર આપણને આટલું બધું મફત આપે છે તો આપણી ફરજ નહી કે તેમની મજાક નહી ઉડાવવાની અને મદદ કરવાની? હવે તો મફત ટેબ્લેટ કે મફત લેપટોપ પણ મળે છે. અરે, મફત ટીવી પણ મળે છે!

હા, મફત ઇન્ટરનેટ આપી દે તો હું પણ ૬૦૦ રુપિયામાં ઘર ચલાવી શકું 😉

અપડેટ્સ – ૫૯

* ફરી એકવાર હાજર છે અપડેટ્સ!

૧. સવારે સરસ મજાની ADR મેમ્બર્સ સાથે ૧૫કે (કે એટલે કિમી એમ હવે સમજવું). એમ તો, ૨૧કે નક્કી કરેલું પછી જમણા પગની હાલત જોતા બહુ સાહસ ન કરવું જ યોગ્ય લાગ્યું. એ પહેલા ઘરે થી પકવાન સુધી દોડીને ગયો એ ૩કે એકસ્ટ્રા 🙂 આગલા દિવસે સાંજે ફાસ્ટ ૫કેનું પરિણામ સવારે નજરમાં આવ્યું!!

૨. કવિન માટે એક જીવડું (હેક્સબગ) લેવામાં આવ્યું છે. એક લો ક્વોલિટી વિડીઓ યુટ્યુબ પર જોઇ શકાશે.

૩. RIP, વર્ગિસ કુરિયન. અમુલ કદાચ એવી બ્રાન્ડ છે જે સરસ ક્વોલિટી જાળવવા સાથે જીવનમાં એવી વણાઇ ગઇ છે કે એને અલગ પાડવી શક્ય નથી. અમુલે દુધ ઉત્પાદનમાં લાવેલી ક્રાંતિ અનન્ય છે.

૪. કવિન જેવા નાનકડાં છોકરા પાસે પણ કેટલી બધી વસ્તુઓ શીખવા મળે છે. મારી વોટર બોટલમાં સીપર છે, જે મને એમ કે કંઇ ફોલ્ટ વાળું છે એટલે હંમેશા હું ઢાંકણું ખોલીને પાણી પીતો હતો, કવિને બતાવ્યું કે બોટલ થોડી ઉંચી રાખીને પીવામાં આવે તો સરસ રીતે પાણી પી શકાય!

૫. હે હે હે. તમે બોલ્યા!

ઓલ્મપિક ૨૦૧૨ અને બીજાં અપડેટ્સ

* Olympics 2012 પર તો કંઇ ખાસ લખી શકાય તેમ નથી, છતાંય આ લખાય છે ત્યાં સુધી આપણને ૧ બ્રોન્ઝ અને ૧ સિલ્વર મેડલ મળ્યો છે. હજી એકાદની આશા રખાય છે. લેટ્સસી. એથ્લેટિક્સમાં તો ભૂલી જ જવાનું. તેમ છતાંય, ‘ઇન્ડિયન બૉડી અને કૅન્યન માઇન્ડ’ જેવું ધ્યાનમાં રાખવું અને આ રવિવારે ૨૧ કિ.મી.ની પ્રેક્ટિસ શીલજ થી થોળ સુધી ADR વડે રાખવામાં આવી છે. એથ્લેટિક્સમાં મેડલ લાવવો એ કેમ ટફ છે એ ભારતના વાતાવરણ (હવામાન અને મા-બાપના મગજના હવામાન), રમતોમાં રમાતા ગંદા રાજકારણ અને સરવાળે રમત-ગમત પ્રત્યેની ઉદાસીનતા (ફાફડા-ઢોકળા અને ચીઝ સેન્ડવિચ.. ભૂલાય?) પરથી માપી શકાય છે.

હા, હવે તો ગીલ્લી-દંડા અને લખોટીમાંય આપણો નંબર ન આવે. ચીન એમાંય માસ્ટરી મેળવી લે 🙂

અપડેટ: યશે આપેલ એક વાંચવાલાયક લેખ: Who is winning medals in London, and why?

* અત્યારે ધ ડાર્ક નાઇટ ટૂકડે-ટૂકડે જોવામાં આવી રહ્યું છે. એ રાત્રે મોડા સુધી જાગવાનું હવે સવારે વહેલાં ઉઠીને દોડવાની આશામાં બંધ કર્યું છે, છતાંય હજી હેરી પોટર સવારની એલાર્મ પર ભારે અસર કરે છે. બસ, બીજાં બે-ત્રણ દિવસ અને એક સરસ પુસ્તક સીરીઝનો અંત આવશે એ વિચારે વાંચવાનું ધીમું કરી દીધું છે 🙂

* અને, દુષ્કાળ-દુકાળ સામે આવતો દેખાય છે.