પુસ્તક: જાતકકથા

છેલ્લી અપડેટમાં લખ્યું હતું તેમ ક્રોસવર્ડમાંથી બક્ષીબાબુની નોવેલ જાતકકથા મળી ગઇ. બે દિવસમાં લગભગ બે બેઠકે આ પુસ્તક પુરુ કર્યું અને હવે તેનો નાનકડો રીવ્યુ!

IMG_20171216_112816.jpg
થિંક બક્ષી!

સૌપ્રથમ તો આ પુસ્તકનું પુન:મુદ્રણ પ્રવિણ પ્રકાશને કર્યું તે માટે તેમનો આભાર. હવે જાતકકથાનું આવરણ સરસ છે. પ્રથમ પાનું ઉઘાડીને જોયું તો અન્ય નવલકથા-પુસ્તકોના આવરણો હોરિબલ છે. યસ, હોરિબલ. તેનો ફોટો મૂકવાની પણ ઇચ્છા થતી નથી.

જાતકકથા વાંચવાની શરૂઆત કરી એ પહેલાં જાતકકથા એટલે શું? એ વિષય પર ઇન્ટરનેટ પર બહુ બધું વાંચી કાઢ્યું. બક્ષીબાબુએ પણ સરસ રીતે સમજાવ્યું છે. ૧૯૬૯ની આ નવલ બક્ષીબાબુના એ સમયના મિજાજને યોગ્ય રીતે વર્ણવે છે. નવલને ત્રણ ભાગોમાં વહેંચી છે, પણ આપણો રસ જરાય ભંગ થતો નથી. હવે તેમાંથી થોડાક અવતરણો!

‘કોઈ પણ માણસ સાથે હોય તો મજા આવે જ’ આમ્રપાલીએ અંધારામાં કહ્યું.
‘માણસ નહીં, પુરુષ. માણસમાં તો સ્ત્રીઓ પણ આવી જાય.’
‘મારું ગુજરાતી એટલું બધું સારું નથી.’

‘હિંદુ ધર્મ પોતાના કિનારાઓ પર સૌના ઇશ્વરોને જીવવા દે છે.’

‘ગુજરાતીઓમાં બે જ જાતો છે, એક સારા અને એક ખરાબ. એક દારૂ પીનારા, બીજા ન પીનારા. સારા ગુજરાતીઓ પીએ છે, ખરાબ નથી પીતા.’

 

અને, મને બરાબર બંધ બેસતું અવતરણ!

‘.. અને રાત્રે ભયંકર ઊંઘ આવે છે. પથારીમાં પડતાંની સાથે જ, પાંચ મિનિટમાં ઊંઘ્યા પછી કોઈ મને હલાલ કરી નાંખે તોપણ ખબર ન પડે.’

હવે? બે દિવસમાં નવલ વાંચી લીધા પછી ૬ મહિના પછી ફરીથી વાંચીશ ત્યારે વધુ અવતરણો સાથે. બક્ષીબાબુની નવલકથાઓની મઝા એ જ છે કે જ્યારે પણ વાંચો ત્યારે તાજી જ લાગે.

પુસ્તક: અંતહીન યાત્રા

અંતહીન યાત્રા પુસ્તકનું મુખપૃષ્ઠ

* અંતહીન શબ્દને તમે ગુજરાતીમાં છૂટો પાડો તો – અંત, હીન બને. હીનને આગળ લઇ જઇએ તો? હીન અંત. જેનો અંત હીન (ખરાબ) છે એ. અંતહીનને અંગ્રેજીમાં લઇએ તો? Anthin –> A (n) thin. પાતળું. બસ, એવું જ! હીન અને થીન! આ પુસ્તક છે! ગંભીરતાથી કહું તો છેલ્લાં કેટલાય સમય પછી મને એવું પુસ્તક વાંચવા મળ્યું જે વાંચ્યા પછી મને નફરતની લાગણી થઇ હોય. પંદર પાનાં સુધી પ્રસ્તાવના ચાલે છે. છેલ્લાં સોળ પાનાંમાં લેખકોનો પરિચય, ક્વિઝ વગેરે છે અને વચ્ચે? વચ્ચે છે એવી વાર્તા જે ત્રાસવાદ, ભૌતિક શાસ્ત્ર, કુદરત, રાજકારણ, દયા-ધર્મનો મસાલો છે. ફરી એકવાર ભારતીય સંસ્કૃતિ ચડિયાતી છે એવા ગીત ગાવામાં આવ્યા છે. અને, એકદમ અમેરિકન ગુજરાતી. ઓકે, એ વાત માટે લેખકોનો વાંક ન કાઢી શકાય. હું ક્યાં શુધ્ધ ગુજરાતી લખી રહ્યો છું? છતાંય, કંઇક તો લિમિટ હોય ને? આ પુસ્તક મને ક્યાંક Earth’s Final Hours ને મળતું આવે છે. યસ, કદાચ પુસ્તકની પ્રેરણા હોઇ શકે (જોકે એકદમ કોપી નથી ;)).

મારી અપેક્ષાઓ કદાચ બહુ ઉંચી હતી. મને એમ કે યુગયાત્રા પ્રકારની નોવેલ ગુજરાતી સાહિત્યને મળશે અને આપણને જલ્સા પડશે. ગર્વથી હું કહીશ કે ગુજરાતીમાં પણ સાયન્સ ફિક્શન લખાય છે. રે પંખીડા! રે મારા નસીબ (અને તમારાં, જો તમે આ પુસ્તક ખરીદ્યું-વાંચ્યું હોય!).

😦

રીવ્યુ: સફારી ઓનલાઇન

* પેલી અપડેટ્સ-૭૫ પોસ્ટમાં લખેલું તેમ મેં સફારીનું ઓનલાઇન લવાજમ ભર્યું છે (એક વર્ષ માટે). તો હવે થોડાક દિવસો પછી તેનો રીવ્યુ લખવો એ વ્યાજબી ગણી શકાય. હાજર છે નાનકડો રીવ્યુ, મુદ્દા સ્વરુપે.

૧. લવાજમ ભરવાની વિધિ: હવે એકદમ સરળ છે. તમે નેટ બેન્કિંગથી લવાજમ ભારતીય રુપીયામાં ભરી શકો છો. આપણને બીજું શું જોઇએ?

૨. લવાજમ પછી: સફારી તરફથી કોઇ ઇમેલ ન આવ્યો, જે થોડું વિચિત્ર લાગે. તેમ છતાંય CCAvenue તમને ઇમેલ મોકલે છે, જેથી હાશ થઇ. સાઇટમાં લોગીન કર્યા પછી તમને તમારા ખાતાંમાં જઇને તમે સબસ્ક્રાઇબ થયા છો એની પણ ખાતરી કરી શકાય.

૩. અંકનું વાંચન: ફ્લેશ, છે ફ્લેશ. એટલે જો તમારું બ્રાઉઝર વિચિત્ર હોય કે તમે વિચિત્ર ઓપરેટિંગ સિસ્ટમ પર હોવ (iOS, એન્ડ્રોઇડની પાછળની આવૃત્તિઓ) તો ભાઇ, ભાઇ! બાય, બાય.

૪. વાંચનમાં સરળતા: પાંચમાંથી એકાદ-બે સ્ટાર આપી શકાય. પેજ લોડિંગ ધીમું છે અને બોરિંગ છે. અને, આખો અંક એક પોપ-અપ સ્વરુપે ખૂલે છે. હું બાય ડિફોલ્ટ પોપ-અપ બ્લોક રાખું છું એટલે ૧૦ મિનિટ સુધી મને ખબર જ ન પડી કે કેમ આ અંક ખૂલતો નથી!

૫. PDF?: ના, બાબા ના. હજી સુધી દેખાઇ નથી.

૬. વસૂલ?: ૧. એક રીતે જરાય વસૂલ ન કહેવાય કારણ કે તમે ડબલ પૈસા ભર્યા પછી અડધી પણ સુવિધાઓ મેળવતા નથી. ૨. સફારી વાંચી-વાંચીને જે જ્ઞાન મેળવ્યું છે, એ જોતાં ૧૧૦૦ રુપિયા વસૂલ છે!

ફિલમ: વેક અપ સીડ

* રવિવારે અમે હિંમત કરીને બપોરનાં શોમાં મલ્ટિપ્લેક્સમાં મુવી જોવા માટે ગયા. નક્કી જ હતું કે વેક અપ સીડ જોવું. ટીકીટ મળી ૨.૪૫ની. અમે પહોંચી ગયા – ૧ વાગે. ત્યાં સુધી હિમાલય મોલમાં ટાઈમ પાસ કર્યો. કવિને છીછી કરીને તેમાં પોતાનો ફાળો આપ્યો. મુવી ચાલુ થયું – અને તરત જ કવિન સુઈ ગયો. સરસ. અને જ્યારે ઉઠ્યો ત્યારે મુવી પૂરું થઈ જવા આવ્યું હતું! થેન્ક્સ કવિન!!

વેક અપ સીડ

(ચિત્ર સોર્સ: વીકીપિડીઆ આર્ટિકલ)

મુંબઈનું મુવી હતું એટલે કોકીને વધુ ગમ્યું. મને સીડની ટી-શર્ટનું કલેક્શન વધારે ગમ્યું. નિકોન DSLR પણ ગમ્યો અને એ એપલનું લેપટોપ વાપરતો હતો – એ પણ ગમ્યું. આયેશાનાં ફ્લેટનું ઈન્ટિરિઅર અને મુંબઈ મીટની ઓફિસ પણ ગમી.

હા, તો મુવી શરૂ થાય છે – કોલેજનાં છેલ્લા દિવસ થી. સીડ એ સામાન્ય કોલેજ યુવાન જેવો જ છે. જેને ખબર નથી કે આગળ શું કરવું (એટલે કે મારા જેવો..). તેનાં પપ્પા (અનુપમ ખેર) તેને ઓફિસ આવવાનું કહે છે – પણ એક અઠવાડિયામાં તે કંટાળી જાય છે. આ સમયમાં તેને મુંબઈમાં નવી આવેલી આયેશા મળી જાય છે અને બન્ને દોસ્ત બને છે. આ વખતનાં ડાયલોગ મસ્ત છે. સીડને તેનાં પપ્પા જોડે બબાલ થાય છે અને તે આયેશાનાં ઘરે રહેવા જતો રહે છે. થોડા દિવસમાં આયેશા પણ કંટાળી જાય છે કે આ શું. આ તો માથે પડ્યો. એટલે સીડ પણ તેની ઓફિસમાં નોકરી માટે જાય છે. નોકરી મળે છે – એની હોબી મુજબની જ – ફોટોગ્રાફી કરવાની. સરસ. પછી, સીડનો પહેલો પગાર આવે છે ત્યારે તે તેના પપ્પાને મળે છે અને એની ગલતીઓનો અહેસાસ થાય છે. પણ, તે જવાનો છે તે આયેશાને ગમતું નથી. છેવટે, મેગેઝિનમાં તેની કોલમ દ્વારા સીડને ખબર પડે છે આયેશા તેને પ્રેમ કરે છે. તે વરસાદમાં પલળતી આયેશાને મળવા દોડી જાય છે. બુચ બુચ. આયેશા, આઈ લવ યુ. બુચ બુચ.

ફિલ્મમાં એક પણ કિસીંગ, ન્યૂડ કે ગોલીબારનો સીન નથી. જોવા જેવું છે. એટ લિસ્ટ એક વાર તો ખરું જ. હા, ગીત-સંગીત પણ સારા છે..

ફિલમ: આગે સે રાઇટ

* આજે બપોરે કવિન ઊંઘતો હતો અને મમ્મી ઘરે આવેલી હતી તેનો ફાયદો ઉઠાવીને અમે (હું અને કોકી – જો કે સ્પષ્ટતા ના કરવાની હોય, છતાં પણ..) કોઇક મુવી જોવા ગયા. ટીકીટ મળી, `આગે સે રાઇટ` નામનાં એક હિન્દી મુવીની. ખોવાયેલી ગન પર અને પ્રેમમાં પડતાં ત્રાસવાદીની કોમેડી ઠીક-ઠીક છે. રાઘવ શેટ્ટીની કોમેડી અને બોમ્બૈયા ભાષામાં મજા આવી ગઇ. થિએટરમાં માંડ ૨૦-૩૦ જણાં હશે. આમ પણ, મલ્ટિપ્લેક્સમાં મુવી જોવા ગયા પછી ક્વોલિટી જોવાની ના હોય – વાતાવરણનો આનંદ માણવાનો જ હોય. ઇન્ટરમિશનમાં સમોસા ખાધા અને બીજી થોડી ખરીદી કરી ઘરે પાછા આવ્યા. કવિન આજ-કાલ બહુ જીદ કરે છે, કારણ કે તેની જીદ મોટાભાગે બા દ્વારા પૂરી થાય છે 🙂

અપડેટ: એક વાક્ય લખવાનું રહી ગયેલું. થેન્ક્સ મૃગેશ!

જૂનાં સમાચાર: સફારીની નવી વેબસાઇટ

* સફારીની નવી વેબસાઇટ વિશે ઉર્વિશભાઇએ ક્યારનુંય લખી દીધું છે, તો હવે હું શું નવું લખી રહ્યો છું? પણ, એમ કંઇ આદત જાય? મને આમ પણ ભૂલો શોધવાની અને સારી વસ્તુઓનાં વખાણ કરવાની આદત પડી ગઇ છે!

૧. સફારીનું હોમપેજ સરસ છે. વાંચકને કયા વિભાગ (ગુજરાતી કે અંગ્રેજી)માં જવું છે તેનો તરત ખ્યાલ આપે છે. સફારીની માહિતી પણ સરસ રીતે લખેલ છે.

૨. ગુજરાતી વિભાગમાં નીચેની વસ્તુઓ મને બહુ ગમી.

અ. સજેસ્ટ લોગો અને આ સમગ્ર વિચાર:

વહેંચો

બ. ફ્રી પ્રિવ્યુ:

ફ્રી પ્રિવ્યુ

ક. ન્યૂઝલેટર વિકલ્પ અને તેનું લખાણ.

ડ. અબાઉટ અસ

૩. આ વસ્તુઓ ના ગમી.

અ. સાઇટમાં ગુજરાતી ટ્રાન્સલિટરેશનનો ઉપયોગ. સજેસ્ટ ધિસ. કોન્ટેક્ટ અસ. વટફ!

બ. ફ્રી પ્રિવ્યુ હોમપેજ પર જ લાવે છે! ફ્લેશ!!

ક. લવાજમ માત્ર $ માં જ ભરી શકાય છે!! ડિટ્ટો ઓનલાઇન શોપિંગ માટે.

ડ. ASP.Net નો ઉપયોગ 😦

વોલ-ઇ

* મોડા મોડા પણ ઘણા સમયથી બાકી રહેલ મુવી અહેવાલ.

વોલ-ઇ એ ૨૦૦૮ની સર્વોત્તમ એનિમેશન ફિલ્મ છે. પિક્સાર એનિમેશનનો એક વધુ માસ્ટર પીસ અને તમારા અને તમારા બાળકોને જરૂર ગમશે. ક્રોસવર્ડમાં ગયો ત્યારે તેનાં રમકડાં જોયા પણ 3+ લખેલ હોવાથી તે મારા અને કવિન માટે નથી તેમ લાગ્યુ 😛 પણ કોમ્પ્યુટરમાં તો કંઇક કરી શકીએ ને? તો હાજર છે મારા મેકના એડિયમનું dock icon ઇ-વા તરીકે!

wall-e-eva

ટૂંકું ટ્રેલર તમે અહીં જોઇ શકો છો, અને અહીંથી ખરીદી શકો છો.

અમદાવાદ: ૬ મહિનાનો રીવ્યુ

* અમારે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં લોકોનાં દર ૬ મહિને રીવ્યુ થાય છે અને પછી કદાચ ઇન્ક્રિમેટ, પ્રમોશન મળે છે. તો, ચાલો આપણે મારા અમદાવાદનાં ૬ મહિના આજે પૂરા થતા હોવાથી તેનો રીવ્યુ કરીએ. ધ્યાનમાં રાખજો કે રીવ્યુ હંમેશા નેગેટિવ વિચાર મગજમાં રાખીને કરાતો હોવાથી (સોફ્ટેવર ઇન્ડસ્ટ્રીનો™) અહીં પણ તેનાં છાંટા ઉડ્યા છે. ગમે તેમ હોય પણ અમદાવાદ મને ગમે છે – તે પણ છે 🙂

* લોકો:

રેટિંગ: ૩/૫

પહેલો સગો તે પડોશી. બીજુ દુ:ખ તે લબાડ પડોશી. વગેરે વગેરે કહેવતો આપણે સાંભળી હશે. એકંદરે લોકોનો અનુભવ મારી નજીકમાં મને સારો છે. પડોશીઓ સારા મળ્યા છે, અહીંના મિત્રો-સંબંધીઓ-સહકાર્યકરો પણ વ્યવસ્થિત છે. પણ, પણ — એકંદરે હું અમદાવાદનાં લોકોનો એટિટ્યુડ લગભગ નેગેટિવ ગણુ છું. ટ્રાફિક સેન્સ હોય કે પબ્લિકમાં વાત કરવાની સેન્સ હોય કે ક્યાંક લાઇનમાં ઉભા રહેવાની વાત હોય – છી છી, અમદાવાદીઓ અહીં માર ખાઇ જાય છે. હોર્ન મારવામાં કે ઓવરટેક કરવામાં તો નેશનલ એવોર્ડ મળી શકે તેમ છે!

* સ્વાદ:

રેટિંગ: ૩/૫

નામ મોટા, દર્શન ખોટા. ઓનેસ્ટની પાઉંભાજી (કે ભાજીપાઉં), વિજયનાં વડાપાઉં કે બીજી ઘણા જાણીતી અને માનીતી સ્વાદિષ્ટ વસ્તુઓમાં સરવાળે કંઇ ભલીવાર નથી. અને વળી, સેન્ડવીચમાં તો કંઇ સેવ નંખાતી હશે?

જો કે સ્વાતિ, અગાશે, પીઝાહટ વગેરે વગેર જ્ગ્યાઓને કારણે મને અમદાવાદમાં બહાર જમવાનું ગમે છે 🙂 હા, જૈન આમલેટ પણ સરસ મળે છે..

* મનોરંજન:

રેટિંગ: ૪/૫

અહીં રેટિંગ સરસ છે. નાઇટ લાઇફ, પબ વગેરે (ઓહ, બેંગ્લોર, મુંબઇ!!) ન હોવા છતાં (હવે, બાલ-બચ્ચાં વાળાંને અત્યારે તો કંઇ જરૂર નથી) મજા છે. સીજી રોડ કે પછી હિમાલય મોલ — આપણી ફેવરિટ જગ્યા! ફરવા માટે ઘણી સરસ જગ્યાઓ છે. ઔડા એ જ્યાં-ત્યાં બગીચાઓ બનાવ્યા છે, અને સરસ મજાનું ડ્રાઇવ-ઇન થિએટર છે – તે બદલ આભાર! આ રેટિંગ ૪ જ આપવાનું કારણ નીચે છે.

* વાહન-વ્યવહાર (પબ્લિક ટ્રાન્સપોર્ટ, ટ્રાફિક વગેરે):

રેટિંગ: ૨/૫

સોરી. અહીં વધુ ધ્યાન આપવાની જરૂર છે. BRTS એ કદાચ નવી આશા ઉભી કરે છે, પણ કદાચ અમદાવાદની રચના જ એ પ્રકારની છે કે આનાંથી વધુ સરળ રસ્તો થઇ ન શકે. લોકોમાં ટ્રાફિક સેન્સ શૂન્ય હોવાથી આ મુશ્કેલી વધુ વકરી ગઇ છે. AMTS નાં ડ્રાઇવરો અને દારૂ પીને ચલાવતા યુવાનો, જે રીતે લોકોને કચડે છે – વસ્તીવધારો અંકુશમાં રાખવાનો એક સારો ઉપાય છે! હા, પુને સિવાય અમદાવાદ જેટલી ખરાબ હાલત વાળી (પાન-મસાલા, કચરો વગેરે) બસ દેખી નથી. હા, જ્યારે AMTS મળી જાય છે ત્યારે મજા આવી જાય છે – કારણ કે, ટીકીટ વગરનાં માણસોની દાદાગીરી જોવાની મજા અલગ છે.

* મોંઘવારી:

રેટિંગ: ૩/૫

અમદાવાદ સસ્તું છે. કોણે કહ્યું? કઇ વસ્તુ સસ્તી છે? જરા યાદી આપો તો..

* સારાંશ:

કુલ રેટિંગ: ૩/૫

અત્યારે તો મને સ્પર્શતા જ મુદ્દાઓની ચર્ચા કરી છે. પછી, શિક્ષણ, સ્વાસ્થય સુવિધા વગેરે વગેરેનું રેટિંગ જ્યારે તેની જરૂર પડશે ત્યારે!

અને હા, બદલોઅમદાવાદ.કોમ સારી શરૂઆત છે. તમારા વિચારો આપવા વિનંતી!