ધ હાફ ગર્લફ્રેન્ડ

* મારો નવો મોબાઈલ ફોન ૮ જીબી રેમ અને ૧૨૮ જીબી સંગ્રહ ક્ષમતા ધરાવે છે. મારું લેપટોપ ૧૬ જીબી રેમ અને ૨૫૬ જીબી હાર્ડડિસ્ક ધરાવે છે. એટલે કે મોબાઈલ લેપટોપ કરતાં અડધો છે. એટલે કે તે મારી ગર્લફ્રેન્ડ થયો ને? 😀 જોકે મેકબૂક હવે ગમતું નથી એટલે નવું લેપટોપ ઓફિસમાંથી આવે ત્યારે આ હાફ ગર્લફ્રેન્ડ કદાચ ક્વાર્ટર ગર્લફ્રેન્ડ બને તો નવાઇ નહી.

Advertisements

કૂલ લેપટોપ કૂલ

(શાંત ગદાધારી ભીમ, શાંત એ રીતે વાંચવું!)

એમાં થયું એવું કે ગ્લોબલ વાર્મિંગને કારણે હવે મુંબઈમાં પણ ગરમી વધી રહી છે અને મારું થિંકપેડ પણ જૂનું થઇ રહ્યું છે. સમય સાથે તે નવા કાર્યક્રમોની વધતી મેમરી માંગને પણ પહોંચી વળતું નથી (વિપક્ષ: સરકાર આ બાબતમાં કશું કરતી નથી!!). એટલે હેંગઆઉટ કે ડેબિયન પેકેજના કામ વખતે લેપટોપને હાલનું કૂલર કામમાં આવતું નહી. તેથી, સમયોનુસાર નવું કૂલ લેપટોપ કૂલર લેવામાં આવ્યું છે.

તા.ક.: પાર્ટી રાખેલ નથી.

કેટલાક નિરિક્ષણો

૧. રસ્તો ભલે એજ હોય પણ, એ રસ્તા પર તમે ચાલતાં જાવ, દોડતાં જાવ, રીક્ષામાં જાવ, ટેક્સીમાં જાવ, રાત્રે જાવ અને દિવસે જાવ. દેખાવ અલગ-અલગ મળે. દા.ત. અમુક મકાનો, દુકાનો મને એક રસ્તા પર સાયકલ લઇને જાઉં ત્યારે જ દેખાય. એમ, લોકોની ટ્રાફિક સેન્સ વિવિધ વાહનોમાં વિવિધ રીતે દેખાય. જેવી તમારી દ્રષ્ટિ 🙂

૨. જન્મદિવસ ફેસબુક પર દેખાડેલો ન હોય તો ભારે શાંતિ રહે છે. એવી જ રીતે વોટ્સએપના સ્ટેટસનું છે.

૩. પ્રવાસ-મુસાફરી દરમિયાન લેપટોપ-કેમેરા લેવાના ન હોય તો અડધી બેગ ખાલી રહે છે!

૪. રજાના દિવસે લોકો વધુ દોડતા દેખાય છે.

અને છેલ્લે,

૫. ચૂંટણી આવતા જ પત્રકારો-કોલમિસ્ટો જાણે રેડબુલ પીધું હોય એમ જોશમાં આવી જાય છે (અને પરિણામ પછી એવી જ રીતે ભોયમાં જતા રહે છે, એ વાત કહેવી ન પડે).

અપડેટ્સ – ૧૦૮

* આ ૧૦૮ સેવા અંગેની અપડેટ્સ નથી એની નોંધ લેવા વિનંતી.

* કેટલાય સમયથી અપડેટ્સની પોસ્ટ લખાઇ નથી. અને, બ્લોગ પોસ્ટ પણ આજ-કાલ અત્યંત અનિયમિત બનતી જાય છે. કારણ? કિટાણું. (વર્ક કિટાણું એમ વાંચવું).

* સારા અપડેટ્સમાં જોઇએ તો ગઇકાલે જ NCPA<–>મેલા સિગ્નલ (૧૮.૫ કિમી) સુધીનું સરસ દોડવામાં આવ્યું. ત્યારબાદ પગનાં તળિયાનું સ્કેન કરીને મારા માટે કયા શૂઝ સારા તેની માહિતી મને ASICS વાળાઓએ આપી, જે તેમના માર્કેટિંગનો ભાગ હતો એવું લાગ્યું, તેમ છતાંય તેના શૂઝ એકંદરે સારા હોય છે (થોડાંક સસ્તાં પણ). સાંજે બહાર જવાનો કાર્યક્રમ હતો, જે મને ખબર હતી તેમ બાકી-કામના કારણે થોડા અસ્ત-વ્યસ્ત થયો, વચ્ચે નિરવ-વિનયને મળી લેવાયું એટલે કામનું ટેન્શન ઓછું થયું, છેવટે SOS કોલ આવ્યો ત્યારે ફરી લેપટોપ લઇને બેસવું પડ્યું, જે બહાર જવાના કાર્યક્રમમાં લેપટોપ જોડે લઇ જવા સુધી ખેંચાયું (અને રાત્રે મોડા સુધી પણ!). છેવટે, આલ ઇઝ વેલ 🙂

* કવિનને અત્યારે પરીક્ષાઓ ચાલી રહી છે, તેમ છતાંય તેની મસ્તી એમની એમજ છે. સારી વાત છે!

* વેકેશનની જે થવાની હતી એ ટિકિટ કન્ફર્મ થઇ નથી, પણ બીજી બેકઅપ ટિકિટ્સ લઇ લેવામાં આવી છે, જે એકદમ વિચિત્ર સમયની હોવા છતાં, બીજો કોઇ વિકલ્પ નથી (હાલ પૂરતો).

* દિવાળીનું (મારું) શોપિંગ? થઇ ગયું છે: પાણીની નવી બોટલ, સાયકલ માટે મોબાઇલનું સ્ટેન્ડ વગેરે!

પ્રોગ્રામિંગનો પ – ભાગ ૧

નોંધ: અહીં ઉપરનો અક્ષર ‘પ’ છે, ‘૫’ નહી.

તમને કદાચ ખ્યાલ હશે કે એક નવું લેપટોપ લેવામાં આવ્યું હતું (વેલ, EMI પર ;)) અને એ લેપટોપનો મૂળ હેતુ એ હતો કે શ્રીમતીજી કે થોડું કોમ્પ્યુટર શીખે અને પ્રોગ્રામિંગ પણ. અમારું લક્ષ્ય એ હતું કે એક વર્ષના સમયગાળામાં નાનકડો પ્રોજેક્ટ કે કોઇ ઓપનસોર્સ પ્રોજેક્ટમાં યોગદાન આપી શકાય એટલું શીખવું. પ પરથી યાદ આવ્યું કે અમે શરુઆત પાયથોનથી કરી. શરુમાં મેં ઘરે Learning Python નામનું પુસ્તક મોકલ્યું, જેનું વજન બહુ હોવાથી તેમાં બે-ત્રણ પ્રકરણથી વધુ આગળ વધી શકાયું નહી (સંદર્ભ માટે સારું, બાકી નવાં-નવાં પ્રોગ્રામરો માટે નહી).

ત્યાર પછી અમે શરુઆત કોડએકેડમી.કોમથી કરી અને શરુઆત સારી ચાલુ રહી છે. હવે, પ્રશ્ન આવ્યો કે કોમ્પ્યુટર અને ડેબિયનમાં નવાં-નવાં લોકોને દૂર બેઠાં સોફ્ટવેર અપડેટ્સ કે કોઇ મુશ્કેલી હોય તો સપોર્ટ કેવી રીતે આપી શકાય કે કંઇ ચર્ચા કરવી હોય તો? અમારી પાસે વિકલ્પો ઘણાં હતાં,

૧. ફોન

૨. સ્કાયપે, ગુગલ હેંગઆઉટ

૩. ચેટિંગ (જીટોક વગેરે)

શરુમાં અમે ફોન અને ચેટિંગથી ચલાવ્યું, પણ છેવટે મારે ssh ની જરુર ઉભી થઇ અને અમારે no-ip.org ની સહાય લેવી પડી. તેમ છતાંય, teamviewer પણ એક સારો અને સરળ ઉપાય છે. વધુમાં ડેબિયન માટે તેનું પેકેજ પણ સરસ છે (તે વાઇનની ઉપર ચાલે છે, એ આખી વાત અલગ છે! અને ઓપનસોર્સ નથી એ બીજી વાત છે).

જો કોઇને ખબર ન હોય તો એક બીજો સરસ ઉપાય ‘ઓપન ઇથરપેડ‘ છે. જેમાં ચેટિંગ વત્તા વ્હાઇટબોર્ડનો સમાવેશ થઇ જાય છે.

અમારા આ સાહસ પર બીજી પોસ્ટ ફરી ક્યારેક!

અપડેટ્સ – ૮૩

* નવું લેપટોપ. એટલે કે વિશલિસ્ટ – ૧ (ઉચ્ચાર: વિશલિસ્ટ માઇનસ વન!). નવું લેપટોપ અમે ખાસ વ્યક્તિ માટે લીધું જેના પર હક્કથી ડેબિયન સ્થાપન કરવામાં આવ્યું અને અત્યારે તેના પર મૂળભૂત સ્થાપનોની પ્રક્રિયા ચાલી રહી છે.

સ્થાપન પ્રક્રિયા..

* છેલ્લાં એક અઠવાડિયાથી તબિયત ઠીક નહોતી. પેલી ટોપી લેવા માટે ફરીથી એમ.જી. રોડ ગયો ત્યારની કંઇક ગરબડ હતી. એકાદ દિવસ તાવ અને શરદી પછી એકાદ દિવસ ભયંકર માથું દુખવા આવ્યું (સામાન્ય રીતે મને ક્યારેય માથું દુખતું નથી. ના, બ્લોગબાબાઓની પોસ્ટ્સ વાંચીને પણ નહી!). ત્યારબાદ શરદી-ખાંસી. બે-ત્રણ દિવસથી વાતાવરણ પણ વિચિત્ર હતું એટલે પછી પેલાં બહુ બધાં આઇસક્રીમની જગ્યાએ બધો દોષ વાતાવરણ પર ઢોળવામાં આવ્યો 😉

અપડેટ્સ – ૭૦

* પરંપરાથી વિરુધ્ધ આ પોસ્ટ રવિવારે સવારે જ પોસ્ટ કરવામાં આવે છે. એક વાત અહીં સ્પષ્ટ કરી દઉં કે દર અઠવાડિયાની અપડેટ્સ પોસ્ટનું ડ્રાફ્ટિંગ ત્રણ-ચાર દિવસ ચાલે છે. જે કંઇ અપડેટ જેવું લાગે તે એક પછી એક ઉમેરવામાં આવે છે, કારણ કે માણસની મેમરી અપગ્રેડેબલ નથી. એ વાત પરથી યાદ આવ્યું કે મારા લેપટોપની રેમ અપગ્રેડ કરવાની છે!

* PG અને ઓફિસમાં લોકો દિવાળી મનાવવા માટે પોત-પોતાનાં ઘરે ગયા છે અને અમે અહીં એકલા-એકલા મિઠાઇઓ ખાઇશું 😀

* ગયા અઠવાડિયાનો રનિંગ કાર્યક્રમ અત્યંત સફળ રહ્યો. વ્યવસ્થિત રીતે ત્રણ 10K (કુલ ૩૧ કિમી), એક 20.4K (એમ તો હાફ મેરેથોનનો પ્લાન હતો, પણ ઓહ ટ્રાફિક!) અને એક 5K દોડ વોક પૂરી કરવામાં આવી (અને મજા આવી!). અમારો રનિંગ પાર્ટનર મિ. મુથુ જોકે ગુરુવારે એના ઘરે ઉપડી ગયો એટલે એકલા દોડવાનું ઠીક-ઠીક રહ્યું. અહીં ADR ગ્રુપ કેટલું મિસ થાય છે એ ખબર પડી ગઇ!!

બેંગ્લોર મિડનાઇટ (હાફ) મેરેથોન માટે રજીસ્ટર કરવામાં આવ્યું છે. રાત્રે ૧૨ વાગે શરુ થશે. એક જ વાતનો ડર છે કે, દોડતા-દોડતા ઝોકું ન આવી જાય 😉 બપોરે ઉંઘ લઇ લેવી પડશે અને સાંજે રેડબુલનો ડોઝ.

* દુનિયાનું કોઇ કી-બોર્ડ પરફેક્ટ હોતું નથી. મારા થિંકપેડમાં બે વિચિત્ર કી (ઓ) છે. એ છે, Page Backward, Page Forward અને છે ક્યાં ખબર છે? એરો કી (ઓ) ની જોડે. હવે, એમાં થાય એવું કે ક્યાંક વેબસાઇટમાં ફોર્મ ભરતા હોઇએ તો, એરોની જગ્યાએ ભૂલથી Page Backward દબાઇ જાય તો, બધી મહેનત બાતલ જાય. આજે એવું થયું એનો અફસોસ બે-ત્રણ દિવસ સુધી રહેશે (પેમેન્ટ ભરતાં ભરતાં.. 😦 ).

Useless keys in Thinkpad T410

ઉપાય તરીકે છેવટે, તેને Page Up અને Page Down કી (ઓ) બનાવી દેવાઇ. મારી ~/.Xmodmap ફાઇલમાં,

keysym XF86Back = Page_Up
keysym XF86Forward = Page_Down

ઉમેરી દેવામાં આવ્યું. તો શું? દરરોજની માથાકૂટ પૂરી.  ઓકે, કી (ઓ) કરતાં આ કળો શબ્દ સારો!

PS: આવો જ કેપ્સલોકનો અનુભવ.

અપડેટ્સ – ૬૧

* અપડેટ્સમાં તો એવું કે આજ-કાલ કોઇ અપડેટ્સ જ નથી 😉 આપવાની તો ભારે અપડેટ્સ થોડા દિવસમાં કદાચ આવશે ત્યારે આવશે, પણ અત્યારે મુંબઇનું વિચિત્ર વાતાવરણ અમે સહન કરી રહ્યા છીએ. પણ, કવિનને તો મજા જ છે.

* બે-ત્રણ દિવસથી દોડવાનું નિયમિત ચાલે છે, અને આજે તો નિરવ જોડે સરસ મજાનું જોગિંગ-રનિંગ થયું, વત્તા પોસ્ટ-રન ચર્ચાઓ તો ખરી જ.

* લેપટોપનું નવું સ્લિવ કવર લેવામાં આવ્યું. કિંમત માત્ર રુ. ૧૯૫/- (પેલા મેકબુકનું કવર ૧૨૦૦/- નું હતું!!) થોડું ફન્કી લાગે છે, પણ વસૂલ છે. એટલિસ્ટ, લેપટોપને કચરા-ડસ્ટથી તો બચાવશે.

* આજની દિલ્હી હાફ-મેરેથોન અને બર્લિન મેરેથોનમાં રનર મિત્રોના રેકોર્ડ્સ જોઇને મારા પગ ખુશ-ખુશ થઇ ગયા. બધાંને અભિનંદન!!

* કવિન: જોગિંગ વખતે ડોગી પાછળ પડે તો? હું: તો એને ડોગિંગ કહેવાય 😉

અપડેટ્સ – ૪૪

* ભારે અપડેટ્સ: લેપટોપના (ie મેકબુક) સ્ક્રિનમાં કંઈક ગરબડ થઈ છે. ગમે ત્યારે બ્રાઈટનેસ એકદમ ઓછી થઈ જાય છે. થોડા સમય પછી જાતે જ નોર્મલ થઈ જાય છે (કે ન પણ થાય એવુંય બને છે). નિર્મલ બાબાને પ્રશ્ન પૂછવો પડશે. વૈકલ્પિક ધોરણે T410 છે જ, પણ હવે આ લેપટોપ એટલું વ્હાલું છે કે.. વેલ, બીજો વિકલ્પ ક્યારનુંય પેન્ડિંગ એવું LED મોનિટર લેવાનું છે. જોઈએ હવે, આગળ શું થાય છે..  હાલ પૂરતું T410 માંથી TightVNC નો ઉપયોગ કરીને Linux ના x11vnc વડે મેકબુક સાથે જોડાણ કરવામાં આવ્યું છે. વિચિત્ર લાગણી થાય છે, પણ હાલ પૂરતું કામ ચાલી રહ્યું છે 😀

* કવિન વેકેશનનો અદ્ભૂત આનંદ લઈ રહ્યો છે. સાઈકલ ચલાવી ચલાવીને અને ક્રિકેટ ટીચી-ટીચીને વેકેશનની મજા લેવાય છે.

* દોડવાનું સરસ ચાલે છે. ૧૫ કિલોમીટર દોડવાનો પ્લાન આ અઠવાડિયામાં છે. ચીઅર્સ લીડર્સની જગ્યા હજી પેન્ડિંગ છે. થોડી ઝડપ અને આત્મવિશ્વાસમાં વધારો થયો છે. મુંબઈ કરતાં અત્યારે (એટલિસ્ટ, સવારે) દોડવાની મજા આવે છે. સાત વાગ્યા પછી જોકે બહુ ફરક પડતો નથી.

અપડેટ્સ – ૩૯

* દર્દ-એ-દાંત. કારણ? કીટાણું? ના, તદ્ન બેદરકારી. એક જરા સી સાવધાની રાખી હોત તો.. ખેર, જે થવાનું હતું તે થઈ ગયું. છેવટે દાંત કઢાવવા પડ્યા અને સ્ક્રૂ વડે નવા દાંત ફીટ કરવામાં આવશે. એકંદરે પ્રક્રિયા શાંતિથી પતી ગઈ પણ હજી દુખાવો છે, જીંદગીમાં ક્યારેય ન લીધી હોય એટલી પેઈનકિલર લઈ રહ્યો છું. એટલે દોડવાનું હાલ પૂરતું બંધ છે. સાંજે એક પ્રયત્ન કરવામાં આવશે.

અત્યારે તો જ્યુશ, ફ્રુટ અને ખીચડી. બીજુ શું? 🙂

* ગરમી મસ્ત પડે છે. લેપટોપ ગરમ થઈને એકાદ વખત તો બંધ થઈ ગયું છે. છતાંય, લેપટોપ કૂલર પોતાની ફરજ સારી રીતે બજાવે છે. અને, કદાચ લેપટોપ બેટરીને આ વખતે બચાવી લેશે.

* વેકેશનનું પ્લાનિંગ ચાલી રહ્યું છે! કંઈ ખાસ કે મોટું કે ભવ્ય પ્લાનિંગ નથી છતાંય, વેકેશન એટલે વેકેશન. એક બ્રેક જોઈએ જ.

મેકબુકને જીવનદાન

.. એટલે કે રેસક્યૂ મિશન.

ગઈકાલે રાત્રે ઊંઘતા પહેલા લેપટોપ શટડાઉન કર્યા પછી સવારે બ્રશ કરતાં પહેલાં લેપટોપ શરુ કરવાના દરરોજના નિયમ મુજબ પ્રયત્નમાં નિષ્ફળતા મળી. લોગીનનો પ્રોમ્પટ આવવાની જગ્યાએ સ્ક્રિન ફ્લિક થયો અને પછી કાળું ધબ. મેકમાં બૂટ કરી જોયું તો બરોબર હતું. મિ. ગ્રબ બરાબર હતા એટલે એની જોડે કંઈ છેડખાની કરી શકાય તેમ નહોતું. તો? બેકઅપ લીધેલો હતો. બીજું લેપ્પી ચાલુ કરી આ પ્રકારની પરિસ્થિતિમાં શું કરી શકાય એનો વિચાર કરતાં-કરતાં થોડું કામ તો ચાલુ કરી દીધું. વચ્ચે કવિનને સ્કૂલમાંથી લેવા જવાનું (આજે મૂકવા માટે તો દાદા આવી ગયા હતા!) અને પછી જમવાનું અને પછીની નિદ્રાની દરરોજની ક્રિયાઓ તો ચાલુ જ હતી. પહેલાં મેકમાંથી લિનક્સ પાર્ટિશન માઉન્ટ કરીને બૂટ ઓર્ડરમાંથી કંઈક નિષ્ક્રિય કરવાનો પ્રયત્ન કર્યો પણ એ સફળ ન થયો. પછી, USB વડે ડેબિયનની ઈમેજ બૂટ કરવાનો પ્રયત્ન કર્યો – નિષ્ફળતા. કેમ? થેન્ક્સ ટુ, EFI પાર્ટિશન. ઓ, હેલો, એપલ. આવું કેમ? ૨૦૧૨ ચાલે છે, દોસ્તો. વેલ. છેલ્લો ઉપાય એ હતો કે, સીડી વડે ડેબિયનની સીડી ચલાવી કંઈક રેસ્ક્યૂ પ્રયત્ન કરી શકાય અથવા તો ફરી ઈન્સ્ટોલેશન (આ મશીનમાં છેલ્લે, જૂન ૨૦૦૮ માં ઈન્સ્ટોલેશન-સ્થાપન કરવામાં આવ્યું હતું!), પણ ઈન્સ્ટોલેશનમાં બહુ સમય જાય, ફરીથી બધું સેટ કરતાં જીવ નીકળી જાય તેમ હતું પણ કોઈ ઉપાય નહોતો. ખાટલે મોટી ખોડ એ હતી કે – લેપટોપનું સીડી-ડ્રાઈવ તો ચાલતું નહોતું 🙂 હવે શું?

જીટોક પર જયેશભાઈ જોડે આ વાત નીકળી અને એક્સટર્નલ સીડી-ડ્રાઈવનો ઉલ્લેખ થયો. એમને પણ ઓફિસ માટે એની જરુર હતી. પછી નક્કી કર્યું કે ભાગીદારીમાં એક લઈ લેવું, કારણ કે હવે સીડી-ડ્રાઈવનો ઉપયોગ ક્યારેક જ થાય છે (હવે તો બીજા લેપટોપ, PS/2 બન્નેમાં ડીવીડી ડ્રાઈવ છે, એટલે મારે તો મુવી વગેરેનો વાંધો નથી આવતો..). પણ, જ્યારે આ મશીનમાં આવી જરુર પડે ત્યારે તકલીફ થાય. ક્રોમામાં તપાસ કરી, મજા ન આવી. છેવટે, એક કોમ્પ્યુટર વાળા ઓળખીતાની દુકાનમાંથી સરસ Asusનું ડ્રાઈવ મળ્યું. ઘરે આવ્યો, બીજા લેપટોપમાં સીડી બર્ન કરી, લેપટોપ બૂટ કર્યું અને,

૧. એડવાન્સ ઓપ્શન – રેસક્યૂ – પછી થોડાં પ્રશ્નોનાં જવાબો.

૨. કયું પાર્ટિશન root તરીકે માઉન્ટ કરવું છે, તે પસંદ કરો.

૩. પછી, તમને લિનક્સનો પ્રોમ્પટ મળશે. /usr પાર્ટિશન અલગથી માઉન્ટ કરવું પડશે (સદ્ભાગ્યે, મારા માટે / અને /usr એક જ પાર્ટિશનમાં હતા!).

૪. બસ, મને લાગતું હતું તેમ plymouth માં ગરબડ હતી. એટલે, apt-get remove plymouth. જા ચૂડેલ!!

૫. reboot.

૬. લિનક્સ ફરી પાછું, જેમ નું તેમ.

એટલે, નવું ડેસ્કટોપ લેવાનો વિચાર હાલપૂરતો પડતો મૂક્યો, પણ ભવિષ્યમાં ટૂંક સમયમાં ડેસ્કટોપ દેખાય છે. એક જ ફાયદો એ કે ડેસ્કટોપ એકંદરે સસ્તું પડે અને જોઈએ ત્યારે અપગ્રેડ કે નવાં પાર્ટ્સ ઉમેરી શકાય. અત્યારે તો બેક ટુ વર્ક.

અપડેટ્સ

* મમ્મી-પપ્પા થોડા સમય માટે અહીં છે અને કવિનને જલ્સા છે. અમારે પણ. ગઈકાલે પહેલીવાર કવિન વગર ડિનર માટે ગયા અને પેટભરીને વાતો કરી (જમવાનું વળી શું?). કવિનની સ્કૂલ પૂરજોશમાં ચાલુ થઈ ગઈ છે અને હવે નોટબુક-ચોપડીઓ ઘરમાં દેખાય છે. ખાસ કવિન માટે એક લાકડાંનું કબાટ વત્તા ટીવી યુનિટ બનાવવામાં આવ્યું છે (જે હજી સંપૂર્ણ નથી થયું).

* ગરમી થોડી ઓછી થઈ છે, એટલે લેપટોપ બિચારું ઠંડુ રહે છે એટલું સારુ છે.

* નક્કી કરેલું કે ફેસબુકમાં કોઈનીયે વોલ પર કોમેન્ટ ન કરવી. પણ, આદત થી મજબૂર. હવે જરા નિયંત્રણ રાખવું પડશે.

* અપડેટ કરેલો ફોન સરસ ચાલે છે. બ્લેકલિસ્ટ કરવા માટેનો સરસ વિકલ્પ ફોનની જોડે જ છે. એક જ ક્લિક અને ન જોઈતા ફોનમાંથી છૂટકારો. બીજા કોઈ ખાસ સોફ્ટવેર નાખ્યા નથી, કારણ કે મારા પ્રાયમરી રાઉટર અને ફોનનાં વાઈ-ફાઈને બહુ લેણું નથી. રાઉટર બિચારું વારંવાર રીબૂટ થાય છે.. એરટેલ વાળાને ફોન કરવાનો કોઈ ફાયદો દેખાતો નથી.

* વરસાદની રાહ (ના, ચાતક નજરે નહી) જોવાય છે…

અપડેટ્સ

* ઓફિસમાંથી નવું લેપટોપ Lenovo T410 મળ્યું એટલે ગઈકાલ સાંજથી તેને ક્યાં રાખવું એ મથામણ ચાલે છે. અત્યારે તો તે વિન્ડોઝ ૭ પ્રોફેશનલ (હેહે, પ્રોફેશનલ..) ધરાવે છે અને એક કી-બોર્ડ, માઉસ વડે લિનક્સ લેપટોપ જોડે સિનર્જી વડે જોડાયેલ છે. પણ, આ વિન્ડોઝ ૭ તો માત્ર ૭ દિવસ..

Lenovo T410

* ફેબ્રુઆરીમાં ફરી પાછો કોઝિકોડે, સુરત અને માર્ચમાં બેંગ્લોર – ત્રણેય જગ્યાએ ટેક-ઈવેન્ટ્સ. મજા આવી જશે. પહેલી બે જગ્યાએ ડેબિયન, ત્રીજી જગ્યાએ કેડીઈ.

* ઘર માટે સ્કેનર-પ્રિન્ટર-કોપી સુવિધા ધરાવતું MFD લેવાનું વિચારું છું. કોઈ સૂચનો?

પણ…

* આ પણ… એટલે કે but બહુ ભારે શબ્દ છે. જયેશભાઈની ઓફિસ – 72by3માં તેને સ્થાન નથી. અને આજ-કાલ અમે ત્યાં C++ ની ગોષ્ટિ કરીએ છીએ એટલે, આ સ્ટીકર મને પણ સપ્રેમ આપવામાં આવ્યું..

ફૂલણજી બેટરી

* એક હતું મેકબુક અને એમાં હતી એક બેટરી. મેકબુક બહુ ડાહ્યું પણ બેટરી ચપ-ચપ કર્યા કરે છેવટે એક દિવસ એ ચપ-ચપ કરતી બેટરી તેના સ્વભાવ પ્રમાણે ફૂલી ગઈ અને તેનું નામ પડ્યું ‘ફૂલણજી બેટરી’. હવે મેકબુકે કંટાળીને નવી બેટરી લાવવાનું વિચાર્યું પણ, તે તો છેક સાત-સાત હજાર કિલોમીટર દૂર રહેતી હતી. છેવટે, પરિણામ શું આવ્યું તે તમે નીચે જોઈ શકશો:

સાર: બેટરી વગર લેપટોપ ચાલી શકે છે..