ટોળું

* ગઇકાલે વસ્ત્રાપુર તળાવે (ઓકે, ભક્ત કવિ નરસિંહ મહેતા સરોવર!) સાંજના રનિંગ (કારણ કે, સવારે ઉઠાયું જ નહીં. બહુ નવાઇની વાત નથી આ!) માટે ગયો ત્યાં બગીચામાં કંઇક ભીડ હતી. એક રાઉન્ડ વોક કર્યા પછી, એક જણને પૂછ્યું કે આ શું થયું? એને કહ્યું ખબર નહી. મને સો ટકા ખાતરી છે કે ટોળામાં ઉભેલા ૯૯ ટકા લોકો માત્ર કંઇક થયું છે એ જોવા માટે curiosity થી જ ગયા હશે. કાશ, આવી curiosity આપણે વિજ્ઞાન કે જ્ઞાન માટે રાખીએ તો? તો, curiosity યાન આપણે મોકલ્યું હોત..

Advertisements

દોડવાનું કઇ રીતે શરુ કરવું – ૧

* એમ તો આ કોમેન્ટ પ્રમાણે દોડવાનું કઇ રીતે શરુ કરવું એ વિષય પર એક પોસ્ટ લખવાની હતી પણ પછી આ આળસુ માણસ ભૂલી જ ગયો, Maulin ભાઇએ યાદ કરાવ્યું તે બદલ એમનો આભાર!

સૌથી પહેલા મારી દોડ-કથા કહેવી પડશે.

મને યાદ છે ત્યાં સુધી ગયા ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં મારું વજન ૭૦ની આસપાસ પહોંચી ગયું હતું (ચોક્કસ રીતે યાદ નથી પણ ૭૨ પણ થયેલું!) ઉંચાઇ પ્રમાણે વજન વધુ કહેવાય અને ખાસ તો પાપી પેટ બહાર ડોકાવાની શરુઆત થઇ ગયેલી. મને કોમેન્ટો પણ મારવામાં આવતી હતી કે સુખી થવાની નિશાની છે (પૈસાની રીતે). આ મને જરાય સહન ન થયું કે પૈસા હોય નહી ને લોકો આવી કોમેન્ટ કરે તે ન ચાલે. સત્ય દેખાવું જ જોઇએ, એટલે પછી નક્કી કર્યું કે ઓગસ્ટમાં દોડવાનું ચાલુ કરીએ. ઓગસ્ટ આખો ઉપરથી ગયો. ઘરે બેઠાં કામ અને રાત્રે મોડા સુધી જાગવાની આદતને કારણે સવારે વહેલા ઉઠવામાં ભયંકર તકલીફ પડે તે સ્વાભાવિક છે.

લગભગ એક બીજા મહિના સુધી ૫/૫.૩૦ ના એલાર્મ મૂકતો અને બંધ કરીને સૂઇ જતો. મારે તો ઠીક કોકી-કવિનને પણ હેરાનગતિ થતી હતી. એક સાંજે વિચાર આવ્યો કે ચાલો સાંજે દોડવાનો પ્રયત્ન કરીએ. જીન્સ-કોટન ટી-શર્ટ પહેરીને દોડવાનો એ પ્રયત્ન સારો લાગ્યો એટલે પછી બીજા દિવસે શોર્ટ અને નવાં સોક્સ લેવામાં આવ્યા અને પછી તો અઠવાડિયાનાં એટલિસ્ટ બે-ત્રણ દિવસ આ કાર્યક્રમ સારો ચાલ્યો. વચ્ચે કેટલાય દિવસો પડ્યા પણ ઓક્ટોબર-નવેમ્બર સુધી સેટ થઇ જવામાં આવ્યું. ડિસેમ્બરમાં ગાંધીનગર મેરેથોન માટે રજીસ્ટર કરાવ્યું પણ તે કેન્સલ થઇ (સારું થયું, એ વખતે ૯ કિમી દોડવાનો કોઇ જ ક્ષમતા નહોતી!!).

સાબરમતી મેરેથોનના ડ્રીમ રન માટે પણ રજીસ્ટર કરાવવામાં આવ્યું, પણ ભૂલથી તે જ દિવસે મુંબઇ જવાની ટિકિટ લઇ લીધી એટલે એ પણ મિસ થઇ ગઇ. પછી, છેક જાન્યુઆરી-ફેબ્રુઆરી ઠીક-ઠીક દોડાયું. સાંજે મસ્ત ઠંડીમાં વસ્ત્રાપુર લેકમાં લગભગ એકલો હું દોડતો કંઇક વિચિત્ર લાગતો હતો, પણ મજા આવતી હતી. વચ્ચે, ૨૬ જાન્યુઆરીની યુવા દોડ પણ મિસ થઇ.

છેક, માર્ચમાં હું ADR ની ૭ કિમી માટે ગયો અને એ મારું પ્રથમ સારું એવું અંતર ગણી શકાય. વજન ઘટવાનું છેક માર્ચ પછી શરુ થયું જ્યારે મેં ૫ કિમી કરતાં વધુ અંતરની દોડ કરવાની શરુ કરી અને આ રીતે મારી દોડ-કથા પૂરી થઇ 🙂

વેલ, આ પરથી બોધપાઠ લઇ શકાય કે,

દોડવા માટે શું જરુરી છે અથવા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઇએ?

અ. નિયમિતતા. સૌથી અગત્યનું પાસું છે. એક વખત શરુ કર્યા પછી વચ્ચે મોટા ખાડાં પડે તો શારિરિક અને માનસિક બન્ને રીતે અસર કરે છે. વચ્ચે, મુંબઇમાં પણ જઇને ઘરની નજીકનો નાનકડો ગાર્ડન દોડવા માટે શોધી કઢાયો તો કોકીના ગામથી બીજા ગામ સુધી પણ દોડી લેવાયું. રનરને દોડવા માટે ક્યાંય પણ જગ્યા મળી રહે છે 🙂

બ. મેન્ટલ ટફનેસ. દોડવું અઘરું છે, પણ તેથીય અઘરું છે, મનને મનાવવાનું કે દોડવાનું અઘરું નથી. પરસેવો થાય, હ્દ્ય ગળા સુધી આવી જાય એવું ધબકે અને હાથ-પગ ધ્રુજારી અનુભવે અને તોય મજા આવે એને જ મેન્ટલ ટફનેસ કહેવાય. જોકે, હજીયે મારે આ વસ્તુ પર ધ્યાન રાખવાની જરુર છે.

ક. યોગ્ય ડાયેટ. એક વખત રુટિન બન્યા પછી આપમેળે જ તમે જંક ફૂડને બાય-બાય કહી દેશો, કારણ કે એમાં #અ અને #બ તમારી મદદે આવશે. છેલ્લા એક વર્ષમાં ખોરાકને કારણે મારું પેટ એકાદ વખત જ બગડ્યું છે (મારી જ ભૂલ એમાં). બ્લોગવૂડ, પણ એકંદરે દોડવાથી કાર્યસ્થળે વત્તા માનસિક શાંતિમાંય વધારો થયો છે. બીજા પોઇન્ટ પર મારે હજીયે ધ્યાન રાખવાની જરુર છે 🙂

ડ. યોગ્ય રનિંગ શૂઝ, સોક્સ. જોકે આ બહુ મહત્વનો મુદ્દો નથી. બેરફૂટ મેરેથોન પણ દોડી શકાય છે 🙂 છતાંય, સારાં શૂઝ લેવા હિતાવહ છે. સોક્સ પણ રનિંગ સોક્સ જ લેવા કારણ કે નોર્મલ મોજાં તમને લાંબા સમય સુધી ફાવશે નહી અને સામાન્ય રીતે પરસેવા જોડે પહેરવા યોગ્ય નથી.

ઇ. ગ્રુપ. દોડતી વખતે કંપની હોય તો બેસ્ટ. કારણ કે, રનિંગ માટેની પ્રોપર ટ્રેઇનિંગ મને ADRમાં જોડાયા પછી જ મળી. લગભગ દરેક શહેરમાં હવે કોઇને કોઇને કોઇ રનિંગ ગ્રુપ હોય જ છે. જોડાઇ જાવ અને મજા કરો! ADR મહિનામાં એક વખત રનિંગ વત્તા વચ્ચે-વચ્ચે અમુક મેમ્બર્સ પ્રેક્ટિસ રન વગેરેનું આયોજન કરે છે. અનુભવી રનર્સ પાસેથી ‘થોડામાં-ઘનું’ શીખવા મળે છે.

આવતી વખતે ‘ન દોડવાના બહાનાં’ પર ખાસ પોસ્ટ! 🙂

(અ. નિયમિતતા છે અને ક. ડાયેટ છે, અનિયમિતતા કે કડાયેડ ન સમજવું ;)).

ગેસ્ટ પોસ્ટ: રૂડું કાઠિયાવાડ

* આજના ગેસ્ટ છે, શ્રીમતી કોકીલા મિસ્ત્રી. કાને સાંભળેલું વર્ણન.

કવિનના મિત્રની બર્થ ડે પાર્ટી વસ્ત્રાપુર લેકની સામે આવેલા ‘રુડું કાઠિયાવાડ’ નામની રેસ્ટોરાંમાં રાખેલી હતી. કાર્તિક વસ્ત્રાપુર લેકમાં તેના સાંજનું દોડવાનું પૂરું કરે ત્યારે અમે ત્યાં મળવાનું નક્કી કરેલું હતું. હું ત્યાંથી નીકળી ત્યારે બર્થ ડે પરિવાર તો હજી તૈયાર થતો હતો, છતાંય સમયસર પહોંચવાની મુંબઈની ટેવ એમ કંઈ જાય? અમે પહોંચ્યા તળાવ અને ત્યાં કવિને ‘બબલ્સ’ લઈને ટાઈમપાસ કર્યો. અડધા તળાવનો આંટો મારી પાર્ટી પ્લેસ પર પહોંચ્યા (હું અને કવિન. કાર્તિક અમને લિફ્ટ સુધી મૂકી ઘરે પાછો આવ્યો (પછી ખબર પડી કે તે ત્યાંથી આઈસક્રીમ ખાવા ગયો હતો..))

કેટલાંક નિરિક્ષણો:

૧. હોટલની ફર્શ ઉબડખાબડ અને તૂટેલી હતી. ટાઈલ્સના ઠેકાણાં નહી. બિચારા છોકરાંઓને બે-ત્રણ વાર પડી જતાં જોયાં.
૨. કાઠિયાવાડ હોય ત્યાં તમને માખણની ના પાડે? એક જણાંએ એક્સ્ટ્રા માખણ માંગ્યું તો ફટ દઈને ના પાડી દેવામાં આવી.
૩. અત્યંત ગરમી અને તદ્ન ઝાંખી લાઈટ્સ એરેન્જમેન્ટ્સ.
૪. કેક કાપ્યા પછી હોટલનો સ્ટાફ સામાન્ય રીતે કેક ડિસ્ટ્રીબ્યુટ કરે છે એની જગ્યાએ કેક ત્યાં જ પડી રહી અને છોકરાઓએ કાગારોળ મચાવી. કેટલાંકે તેમાં આંગળીઓ અડાવીને ઉપરની ચોકલેટ ચીપ્સ ઝાપટી લીધી.
૫. છોકરાંઓને સિસોટી કે પીપૂડાં ન આપવા. હજી સુધી કાનમાં તેના અવાજો સંભળાય છે.

આજ પછી કોઈપણ દેશી હોટલ્સમાં જતા પહેલાં વિચારવામાં આવશે. કાર્તિકને પણ રજવાડું, વિશાલા કે ચોકી ધાનીના અનુભવ સારા નથી. વિલેજ પણ બકવાસ છે. એના કરતાં ઘરનાં બાજરી રોટલા જેવા બને તેવા ખાવા સારા.

🙂

અપડેટ્સ – ૩૭

* પ્રતિકે ટ્વિટર પર સજેસ્ટ કર્યું કે હવે અપડેટ્સને નંબર આપો તો સારું. લો ત્યારે. માત્ર “અપડેટ્સ” શિર્ષક ધરાવતી પોસ્ટની સંખ્યા ૩૬ થઈ ગઈ છે (કવિન અપડેટ્સ, ટેક અપડેટ્સ વગેરે અલગ). એક રીતે સારું. પોસ્ટ સ્લગ પણ સરળ રહે.

* કવિનની પરીક્ષાનું ‘ટાઈમ-ટેબલ’ આવી ગયું છે. જોકે મને કે કવિનને કોઈ જ ટેન્શન નથી. આમેય હું ટેન્શન-ફ્રી વ્યક્તિ છું. (જરૂર પૂરતું ટેન્શન કરી લઉઁ છું.).

* દોડવાનું મસ્ત ચાલે છે અને મસ્ત પગ દુખી રહ્યા છે. No pain, no gain – એટલે બહુ વાંધો નથી. હવે પાંચેક કિમી સુધી વાંધો નહી આવે તેવું લાગે છે. વીકએન્ડમાં મોટું સાહસ કરવામાં આવશે તો અપડેટ્સ કરવામાં આવશે. PS: લોકમાન્યતાથી વિપરીત વસ્ત્રાપુર લેકનો એક આંટો 0.64 કિમી થાય છે!

* કિન્ડલ અને ફોન અત્યારે સાઈડમાં પડ્યા છે. વધુ છેડખાનીનો સમય મળ્યો નથી 😦

* આજની કહેવત: અબી બોલા, અબી ફોક.

ચોરી..

* ગઈકાલે સાંજે દરરોજ મુજબ દોડવા જવાનું મોડું થઈ ગયું અને થોડું અંધારુ ઘેરાયું હતું. અત્યારે વસ્ત્રાપુર લેકમાં થોડું સમારકામ ચાલે છે અને નવી પાળી અને છોડવાંઓ ઉગાડવામાં આવ્યા છે. ટ્રેક પણ થોડો રીપેર કરવાનો પ્રયત્ન કરાયો હોય એમ લાગે છે, પણ અનિયંત્રિત પાણી ઢોળાવાના કારણે પાછું જેમનું તેમ છે. વેલ, વાત એમ હતી કે દોડતી વખતે એક સારા લાગતા બહેનને કોઈ ન જોવે એમ એક નાનકડાં છોડની ચોરી કરતાં જોયા. જોડે તેમની ૩ કે ૪ વર્ષની બાળકી પણ સાથે હતી. મેં તેમને અટકાવ્યા નહી એ વાતનું મને દુખ છે, પણ એમને એમ કરતી વખતે જરાય શરમ ન આવી હોય? પેલી ૩-૪ વર્ષની બાળકીને શું લાગ્યું હશે? મને લાગે છે કે જો હું તેમને અટકાવવા ગયો તો ૧૦૦ ટકા તેમણે ચોરી ઉપર સીનાજોરી કરી જ હોત.

મૂર્ખ લોકો..

* ગઈ કાલે સાંજે દર વખતની જેમ (દરરોજ એમ જાણી જોઈને લખતો નથી!!) વસ્ત્રાપુર લેકની આસપાસ દોડતો હતો (હજી બે-ત્રણ કે વધુમાં વધુ સાડા ત્રણ ચક્કર જ દોડી શકુ છું) ત્યારે બે જણાંને પાછળથી કોમેન્ટ કરતા સાંભળ્યા: જોને આ વળી કસરત કરે છે. હા, હા, હા. અને એ વખતે બે દિવસનો ગેપ પાડ્યા પછી મારા ઢીંચણમાં સખત દુખાવો થતો હતો અને હું દોડવાનું પડતું મૂકવાનો વિચારતો હતો પણ આ મૂર્ખ જેવી કોમેન્ટ્સ સાંભળી નક્કી કર્યું કે દરરોજનો ક્વોટા પૂરો કરવો. અને સરસ રીતે દોડ્યો પણ ખરો.

કોકી ગઈકાલે પેલા પેરન્ટિંગ સેમિનારમાં ગઈ હતી. વક્તા પોતાનું ભાષણ આપતા હતા ત્યારે લગભગ દરેક વાક્ય પર પાછળ બેઠેલા એક બહેન ‘કચચચ કચચચ કચચચ…’ બોલતા હતા. કોકીને પાછળ ફરીને તેમની સામે દેખ્યું તો થોડી વાર ચૂપ રહ્યાં પણ ફરી પાછા ચાલુ થઈ ગયા.

સાર: મૂર્ખ લોકો શોધવા જવા પડતા નથી, ગમે ત્યાં મળી જાય છે.

આલ્ફા વન મોલ

* આજે ખબર મળીકે પેલો આલ્ફા વન મોલ ચાલુ થઈ ગયો છે. KFC વત્તા હવેલીની નજીકમાં હોવાથી એનો સારો એવો વિરોધ થયો છે. મોલ બન્યો છે બહુ મોટો. જોકે હજી અડધાથી વધુ શોપ્સ ખૂલી નથી, સિનેમા ચાલુ થયુ નથી અને (અ)મારું ફેવરિટ શોપર્સ સ્ટોપ પણ આજ-કાલમાં ખૂલવાની વાર છે એટલે ખાલી આંટો મારી, ચોકલેટ રુમમાં સ્વિચ ચોકલેટ પેસ્ટ્રી ખાઈ પાછા આવ્યા.

શોપર્સ સ્ટોપ

બહાર નીકળતી વખતે આદત મુજબ કંઈક વિચિત્ર વસ્તુનો ફોટો પાડ્યો. ત્યાંના વોચમેનને આ ભૂલ બતાવી. હવે રાહ જોઈએ કે એ સુધરી જાય.

ફરી મળીપે

ફુડકોર્ટ સારી લાગી. એટલે મારે શાંતિ રહેશે 😀

દોડ કાર્તિક દોડ – ૨

* વસ્ત્રાપુર લેકનાં એક દરવાજા પર કોઈએ લીલા રંગથી ચિતરેલું હતું: No Romance. બીજી વસ્તુ તો જોરદાર હતી, દિલ પર મોટી ચોકડીઓ મારવામાં આવી હતી. તક મળે ત્યારે તેનાં ફોટા પાડવા જેવા છે..

હું થોડીવાર બહારનાં રસ્તા પર દોડ્યો પણ ખાણી-પીણીની લારીઓએ નાંખેલા કચરાની વાસથી આખો દિવસ ખરાબ જાય તેમ હતો.. એટલે પછી અંદરની બાજુએ સરસ ટ્રેક પર દોડ્યો.

આજે થોડું મોડું થઈ ગયું એટલે ઘરની નજીકનાં ઔડાનાં બગીચામાં ગયો. ત્યાં પણ સરસ જોગિંગ ટ્રેક છે અને થોડી હળવી કસરત પણ કરી. નક્કી કર્યું કે બે મહિના સુધી દોડવાનું ચાલુ રહે તો પેલું નાઈકી વાળું ઉપકરણ લાવવાનું.

… અને આ ૧૪ તારીખે અટીરામાં ૫ કિમી. વોકિંગ અને ૮ કિમી રનિંગ સ્પર્ધા છે. કોઈ આવવાનું હોય તો મને જણાવજો. મજા આવશે. (૧૦૦ રુપિયા રજીસ્ટ્રેશન ફી છે). વેબસાઈટ છે, http://motifinc.com પણ હજી સુધી તેના પર કોઈ માહિતી દેખાતી નથી..

અપડેટ: મેં સાઈટ પર જઈને સંપર્ક ફોર્મમાંથી ઈમેલ કર્યો તો મને તરત જવાબ મળ્યો. ચેરિટી વોકની લિંક છે: http://www.motifinc.com/Charity_Walk_2010.htm

દોડ કાર્તિક દોડ…

* દોડવું એટલે કે દોડવું. જોગિંગ જે માત્ર એકાદ દિવસ જ થયું તે નહી. તો વાંચો સરસ મજાનો બ્લોગ પોસ્ટ Running Out Of Reasons, ટર્મિનેટરના બ્લોગ પર.

આ પોસ્ટ ક્યારનીય લખી રાખેલ, પણ પોસ્ટ કરવાનું નક્કી જ્યારે દોડવાનું શરુ કરીશ ત્યારે જ પોસ્ટ કરીશ એમ નક્કી કર્યું હતું. પછી, એમ થયું કે કેટલું દોડ્યો તેની નોંધ તો રાખવી પડેને? એટલે iPod ની Nike એપ્લિકેશન દેખી અને પછી પેલું iPod+Nike ઉપકરણ ખરીદવાનો વિચાર કર્યો. પછી, નક્કી કર્યું કે દોડવાનું ચાલુ કરીશ + નાઈકીનું ઉપકરણ લઈશ ત્યારે વિસ્તારથી આ પોસ્ટ લખીશ.

પછીથી બીજો વિચાર હાલ પૂરતો પડતો મૂક્યો. દરજીને આપેલું ટ્રેકપેન્ટ મસ્ત થઈ ગયું છે અને રનિંગ જૂતાં છેલ્લાં એક વર્ષથી બૂમ-બરાડા પાડે છે કે, ભાઈ હવે તો મારા આત્માને શાંતિ આપ અને દોડવાનું શરૂ કર.

તો, આજથી (બે દિવસ પહેલાંથી, પણ ખરેખર આજે સારું એવું દોડ્યો) શરુ કરેલ છે. કૂતરાઓ પાછળ પડતા નથી તે સારી વાત છે. વસ્ત્રાપુર લેકનો જોગિંગ ટ્રેક સારો છે. ગુજરાતીઓ આરંભે શૂરા કહેવત ખોટી પડે તેવી પરમ કૃપાળુ જોગિંગદેવને વિનંતી 🙂