મુંબઈ-પાલનપુર વાયા વેસા

* વર્ડપ્રેસે ફરી પાછું એડિટિંગ સોફ્ટવેર બદલ્યું એટલે આ પોસ્ટમાં કંઇ ગરબડ થાય તો પહેલેથી હાથ જોડ્યા છે 🙂

* થયું એવું કે મુંબઈથી સાયકલ લઇને પાલનપુર જવાનું મારા વિશલિસ્ટમાં ક્યારનુંય હતું. આમેય, ૫૦૦ કિમી કરતાં વધુ મોટી સાયકલિંગ સફરનો લ્હાવો આ સિવાય નજીકના ભવિષ્યમાં મળે તેમ નહોતું અને કોકી-કવિન ત્યાં હોય તો મારી સાયકલિંગ સ્પિડ વધે એ ફાયદો પણ ખરો.

સૌથી પહેલાં તો એકલા જવાનું નક્કી કરેલું. જયદિપે એમાં દમણ સુધી જોડાવાનું નક્કી કર્યું. દમણમાં હોટલ નક્કી કરી અને પછી બરોડા માટે મદદ પોકારો નાખવામાં આવ્યા – છેવટે જીજ્ઞેશ દિવાળીમાં ત્યાં હતો એટલે નાઇટ હોલ્ટ એને ત્યાં એમ નક્કી થયું. મને એમ કે બરોડાથી સીધી સાયકલ વેસા લઇ જઇશું, પણ વિધિને કંઇક અલગ મંજૂર હતું.

* ભાઇ બીજના દિવસે (એટલે કે વહેલી સવારે ૨ વાગે) અમે નીકળ્યાં. હજુ ૧૦ કિમી પહોંચ્યા ત્યાં સાયકલની ટેઇલ લાઇટનું કવર નીકળી ગયું. સાથે લીધેલા રબર બેન્ડ્સ કામમાં આવ્યા અને અમે આગળ ચાલ્યા. અમારે નેશનલ હાઇવે ૮ પરથી સફાલે રોડ પર વળાંક લેવાનો હતો. ધાર્યા કરતાં અમે જલ્દી પહોંચ્યા અને ત્યાં ગયા તો ઘોર અંધારું. અજાણ્યો જંગલ વાળો રસ્તો એટલે થોડી બીક લાગી ખરી પણ હવે હિંમત રાખી આગળ વધ્યા. નો ડોગ્સ, એટલે અમે રોક્સ. સફાલે પર નાનકડો ઘાટ છે અને તે પછી રસ્તો ખરાબ છે. કેલવા બીચ પર પહોંચી આરામ કર્યો, નાસ્તો-બાસ્તો ખાધો અને પછી આગળ વધ્યા. વળી પાછો રસ્તો ખરાબ. લંચ જોકે સારુ મળ્યું અને એ પહેલાં જયદીપની સાયકલને પંકચર થયું એ ઠીક કરીને આગળ વધ્યા. નાગરોલ પહેલાં ખાડી હોડીમાં બેસી પસાર કરી અને મજા આવી (પછી ખબર પડી કે બ્રિજ પણ છે). ત્યાંથી દમણ પહોંચતા જીવ નીકળી ગયો, કારણ કે તે બોરિંગ રસ્તો છે.

દમણ પહોંચી હોટલમાં ચેક-ઇન કરી આરામથી બીચ પર બેઠાં. સૂર્યાસ્ત જોયો, માણ્યો અને ડિનર પહેલાં અને પછી સારી એવી ઊંઘ ખેંચી. સવારે ૫ વાગે ઉઠવાનો પ્લાન પડતો મૂક્યો અને આરામથી તૈયાર થઇ રિસેપ્શન પર ગયો તો માણસ ગાયબ. મહત્વની વાત એ હતી કે અમારી સાયકલ્સ લોકમાં હતી અને તે રુમની ચાવી તેની પાસે હતી. અડધા કરતાં વધારે કલાક ત્યાં બગડ્યો. સાયકલ લીધી તો ખબર પડી કે પંકચર છે. ટ્યુબ બદલી તો ખબર પડી કે મારો પંપ કામ કરતો નથી. એટલે જયદીપની મદદ લઇ પંકચર રીપેર કર્યું. સરસ. ૮.૩૦ જેવો વડોદરા જવા નીકળ્યો. હવે ખબર હતી કે આગળ શું થવાનું છે.

* આગળ એ થવાનું હતું કે મને એમ કે દમણથી બરોડાનું અંતર આરામથી કપાશે પણ હાઇવે બોરિંગ હોય છે. ફાયદો એ કે ખાવા-પીવા માટે અઢળક તકો મળે. નવસારી આગળ એક જગ્યાએ શેરડીનો જ્યુશ મને ફ્રીમાં ઓફર કરવામાં આવ્યો એ આ વડોદરા સુધીની રાઇડનો પ્લસ પોઇન્ટ. બાકી રસ્તો ફ્લેટ છે અને બોરિંગ છે. ઢગલાબંધ ફ્લાયઓવર્સ. સ્વાભાવિક છે. હવે મોડો નીકળ્યો હતો એટલે મોડું થવાનું હતું જ. જીજ્ઞેશને ફોન કરીને કહી દીધું કે દોસ્ત, મારી રાહ ન જોતો અને આરામથી સુઇ જજે. રાત્રે પણ રાઇડ સારી રહી પણ રોંગ સાઇડથી આવતા વ્હીકલ્સથી સાચવવું જરુરી હતું. સાચવ્યું. કોઇએ અમને અડાવ્યું નહી. ડિનરમાં ફ્રેન્ચ ફ્રાઇસ અને મસાલા સોડા. બરોડા લગભગ પહોંચી ગયો અને રાત્રે ૧.૩૦ વાગે અજાણ્યા વિસ્તારમાં ખોવાઇ ગયો. થેન્ક્સ ટુ ગુગલ મેપ્સનું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ અલગોરિથમ. જોકે મારી જ ભૂલ. ખોટો વળાંક. જીજ્ઞેશના ઘરે પહોંચી તરત સૂઇ ગયો. સ્ટાર્વા બંધ કર્યું (મહત્વનું).

* સવારે અહીં પણ વહેલો નીકળવાનો પ્લાન પડતો મૂકી બધાં જોડે આરામથી વાતો કરી, મિષ્ટી જોડે સેલ્ફી પડાવ્યો અને ગુંજને બનાવેલ સરસ બ્રેકફાસ્ટ ખાઇને અમદાવાદ જવા નીકળ્યો. સરસ રસ્તો. એટલે કે હાઇ વે. કદાચ આણંદ સુધી મજા આવી પછી ફરી બોરિંગ ફિલિંગ. બારેજા-કરજણ સુધીતો હાંફી ગયો અને સીધા વેસા જવાનો પ્લાન પડતો મૂકીને અમદાવાદમાં રોકાવાનું નક્કી કર્યું. હિરલના ઘરે પહોંચ્યો ત્યારે રિનિત આવી ગયો હતો. ખાસ નોંધ. ચંડોળા તળાવથી અમદાવાદ પશ્ચિમમાં જવાનો રસ્તો ક્યારેય ન લેવો. આરામથી નાહી-ધોઇને હિરેનને મળવા ગયો અને એક વર્ષ પછી મળ્યાં એટલે ખૂબ વાતો કરી. રાત્રે સરસ થાક લાગ્યો હતો એટલે ૫ વાગે રાઇડ શરુ કરવાની જગ્યાએ ૬ વાગે નીકળવાનું નક્કી કર્યું.

* બીજા દિવસે ૬ વાગે વસ્ત્રાપુરથી નીકળીને એસ.જી. હાઇવે થઇને અડાલજ પહોંચ્યો ત્યાં સુધી સરસ ઠંડી હતી. પછી પણ લગભગ ૯ વાગ્યા સુધી ઠંડક રહી. ૧૦ વાગે મહેસાણા પહોંચ્યો ત્યારે બળી રહ્યો હતો. સહયોગમાં સરસ દૂધ પીધું પણ લોકોને સાયકલને ટચ કરવાની ઉત્સુકતાએ શાંતિથી બેસીને દૂધ માણવાની તક ન આપી.

એક જણ : ચેટલાની શે?
હું : ૨ ની.

આગળ જવાબ મળે એ પહેલાં હું નીકળી ગયો હતો 🙂

* મહેસાણાથી છાપી સુધી ફરી આરામથી આવ્યો. ખાસ નોંધ: ઊંઝામાં થ્રેસર સહેલાઇથી મળે છે એટલી સહેલાઇથી પાણીની બોટલ નથી મળતી. છાપી પહોંચ્યો ત્યાર પહેલાં કોકીના બે-ત્રણ ફોન આવી ગયા હતા અને પછીના ૭ કિમી મહેનત પડી. ધ્યાન રાખવાનું હતું કે ગામના કૂતરાંઓ જાગે છે કે ઊંઘે છે. સદ્ભાગ્યે ઊંઘતા હતા. વેસા નજીક આવ્યું ત્યારે દૂરથી કવિન, કોકી, અતુલ, નિશાંત, હેમા, લેખના, દિયા વગેરે ઊભા હતા અને તેમણે મારું મેડલ આપી સ્વાગત કર્યું. કુલ કિલોમીટર ૭૦૦ પ્લસ. પણ હજુ સફર બાકી હતી. બાકીનો સમય આરામ કરવામાં વીતાવ્યો.

* મમ્મીને ફોન કર્યો અને એ દિવસે પાલનપુર જવાનો કાર્યક્રમ પડતો મૂક્યો અને બીજા દિવસે વડગામ થઇને પાલનપુર જવા નીકળ્યો. વેસાથી વડગામનો રસ્તો સરસ છે. મજા આવી. પાલનપુર પહોંચી મમ્મી, પપ્પા અને અન્ય લોકોને મળ્યો. થાક તો બહુ નહોતો લાગ્યો. દિલ્હી ગેટ એક આંટો માર્યો ત્યાં વિરેન અને કિરણ (દેસાઇ) મળ્યા. સાંજે પાલનપુરના સાયકલપ્રેમી ફરમાનઅલીને મળ્યો અને સાયકલિસ્ટના સુખ-દુ:ખની વાતો કરી.

સાયકલને સાંજે વેસા રીક્ષામાં લઇ જવામાં આવી કારણ કે કવિન-કોકી સાથે હતા. એટલે, આ લાંબી મુસાફરી અને કદાચ કાર્તિકના બ્લોગ ઈતિહાસમાંની લાંબી પોસ્ટમાંની એકનો પણ અંત આવ્યો!

અપડેટ્સ – ૧૬૬

* ઓહ, માય બ્લોગ! આ શું થવા બેઠું છે. બ્લોગ હવે અણમાનીતી રાણી (ie વાર્તામાં આવતી) જેવો બની ગયો છે :/

* તેમ છતાંય, અપડેટ્સમાં જોઇએ તો ઘણું બધું છે. છેલ્લે લખેલ ૧૨૦૦ વાળી પોસ્ટ એટલે કે રીક્ષા, ટ્રેન, રીક્ષા, બસ, રીક્ષા, રીક્ષા, બસ, રીક્ષા વડે કરેલી લગભગ ૧૨૦૦ કિમીની મુસાફરી. થાકી ગયો. કદાચ આનાં કરતાં તો ૧૨૦૦ કિમી સાયકલ ઓછો થાક લગાડે. પણ, કવિનને વડની ડાળીએ લટકતો અને માટીમાં રમતો જોવો – એટલે પૈસા વસૂલ. ૧૦ દિવસ પછી તે આવશે ત્યારે અલગ લાગશે એ પણ જોવાની મજા આવશે (મોટાભાગે તડકામાં રમીને રંગ બદલશે :)).

* હાલમાં પાસ્તા પર તૂટી પડ્યો છું, પણ ખાખરા સાથ આપે છે.

* યુટ્યુબ પર સસ્પેન્સભર્યા મુવીઝ જોવામાં આવે છે. મુવીઓ વિશેની પોસ્ટો આવે છે. સ્ટે ટ્યુન્ડ.

* ત્રણ દિવસથી સાયકલિગ થાય છે, પણ લેટ નાઇટ મિટિંગ્સ. ઉપ્સ!

અપડેટ્સ – ૫૧

* શુક્રવાર બપોરથી લઈને છેક આજ સવાર સુધી – નેટ બંધ હતું. એટલે કે, અમે બહાર હતા. કોકીના ગામની એક મુલાકાત.

અઢી દિવસમાં આમ તો આરામ કરવાનો જ પ્રોગ્રામ હતો પણ જતી વખતે સરસ મજાનો રસ્તો અને બન્ને બાજુ ખેતરો જોઈને બે દિવસ એવો જ સરસ મજાનો દોડવાનો પ્રોગ્રામ પણ બની ગયો.  એલાર્મ મૂકવાની જરુર જ નહી. મંદિરમાં ૫.૩૦ જેવી આરતી શરુ થાય અને ધાબા પર સરસ ઠંડકમાં સૂતા હોઈએ એટલે આપણે આપમેળે ઉભા થઈ જઈએ. દોડતી વખતે સાથીઓ પણ મળ્યાં. સિંગલ ટ્રેક પર જોકે ગાય-ભેંસ ટ્રાફિક જામ કરતા પણ જોવા મળ્યા ત્યારે થોડી તકલીફ થઈ હતી 🙂 પણ, આ વખતે “ફર્સ્ટ ઈન્ટરવિલેજ રન” કરવામાં આવી 😉

આગલા દિવસે સરસ વરસાદ આવેલો એટલે રાત્રે જાત-જાતનાં જીવ-જંતુઓ જોવા મળ્યા. કેમેરામાં પાડેલા તેના ફોટા બીજે ક્યાંક મૂકીશ. અત્યારે તો અમને આ લાલ જીવડું (કદાચ ડંગ બીટલ છે) બહુ ગમ્યું.

અને, કવિને પણ આટલા દિવસ બહુ જ ધમાલ કાઢી. લાકડી અને ટોર્ચ તેના ખાસ રમકડાં બન્યાં. તેને પણ અમે ખેંચીને ખેતર જોવા લઈ ગયેલા પણ – આ તો જંગલ છે – એમ કહી તેણે સારો એવો કકળાટ કર્યો.

અને હા, દરરોજ ખીચડી-છાસ પેટ માટે અત્યંત સારી. સાથે-સાથે, અડદના વડા અને મીઠાઈઓ પણ ઝાપટવામાં આવી 😉

સ્કૂલ રીયુનિયન, મીનીડેબકોન્ફ – ૧

* ૨૫ તારીખે અમારી સ્કૂલ બેચ ૧૯૯૭ના વિદ્યાર્થીઓનું સંમેલન રાખેલું હતું. આ માટે આયોજન ક્યારનું ચાલતું હતું. ફેસબુક વગેરે પર ટકી રહેવાનો જુસ્સો મને આના કારણે જ આવતો હતો 🙂 છેવટે ૨૫ તારીખે અમે જીજ્ઞેશની ગાડીમાં (વેલ, ઘણી રાહ જોવડાવી આ આર્કિટેકે :P) પાલનપુર આવ્યા. ઘરે આવી, થોડી સાફ-સફાઈ કરી, આરામ કર્યો અને પછી વિનયના ઘરે ગયા. પરેશ ત્યાં આવ્યો, પણ ત્યાં સુધીમાં ૪ વાગી ગયા હતા (કાર્યક્રમ ૧ વાગે શરુ થતો હતો. અમે પરિચય અને થોડી ગેમ્સ વગેરે મિસ કરી). ત્યાં ગયા ત્યારે કંઈક ગેમ્સ ચાલતી હતી. ઘણાં મિત્રો સ્કૂલ છોડ્યા પછી પહેલી વખત મળ્યાં. ઘણાં બધાંની ઓળખાણ ન પડી અને ઘણાં બધાં એવાં જ લાગતાં હતાં 🙂 કવિનને પણ મજા આવી ગઈ. સ્પાઈડરમેનનું માસ્ક પહેરી તેણે ઘણી ધમાલ મચાવી. બાલારામ રિસોર્ટ મારી ફેવરિટ જગ્યા છે (જોકે બહુ વખત જવા મળતું નથી). ક્યારેક વળી ત્યાં રાત્રે રોકાશું અને તારાઓ અને આગિયાઓના ફોટાઓ પાડીશું. ફરી ક્યારેક. ફોટા વગેરે ફેસબુક પર મૂક્યા છે.

ટૂંકમાં  – મજા આવી.

બીજા દિવસે સવારે મહેનત કરી વેસા પહોંચ્યા. વેસા મોટાભાગે આરામ જ કરવાનો હતો અને સાંજે મારે છાપીથી અરાવલી ટ્રેનમાં અમદાવાદ પાછા આવવાનું હતું. સદ્ભાગ્યે ટીકીટ કન્ફર્મ થઈ ગઈ અને સીટ મળી ગઈ. બાજુમાં એક ઘરડાં કાકા બેઠા હતા. કોકીને ફોન કરવા મારો ફોન કાઢ્યો અને વાત કર્યા પછી મૂક્યો ત્યારે પેલા કાકાએ વાતો શરુ કરી. એમની પાસે સેમસંગ ગેલેક્સી S1 હતો અને થોડી વાત-ચીત પછી ખબર પડી કે તેઓ ફોનનો સરસ ઉપયોગ કરે છે. જમીનના સોદામાં તેઓ જાત-જાતની એપ્સ ઉંચાઈ, અંતર અને માપ લેવા વાપરે છે. ઈદનો ચાંદ કે પછી નમાઝનો સમય જાણવાની એપ્સ પણ તેમણે બતાવી. અરે, અવાજનું પ્રદૂષણ માપવાની એપ્સ હોય એ મને ત્યારે જ ખબર પડી. એમની જોડે જાત-જાતની વાતો કરી. રહેવા માટે કયું શહેર સારું એ વાત પર ચર્ચા કરવાની મજા આવી. મહેસાણાથી એક બીજા ભાઈ ડબ્બામાં આવ્યા એ પણ મુંબઈના ઓળખીતા નીકળ્યા અને બોરિંગ મુસાફરી રસપ્રદ બની. ફોનનો ખરેખર પ્રેક્ટિકલ ઉપયોગ ઘણાં સમય પછી જોયો. મોંઘો ફોન લાવવો અને માત્ર કોલ માટે વાપરવો એ બોઈંગને અમદાવાદથી ગાંધીનગર જવા જેવું છે. ધન્યવાદ એ અનામી કાકા અને એમનાં વિચારોને.

ઘરે પહોંચ્યો. સવારની ટેક્સી બૂક કરાવેલી હતી જે અત્યંત મોંઘી પડી અને સમય કરતાં વહેલી આવી એટલે ઉતાવળમાં શેવિંગ ક્રીમ, કાંસકો, તેલ અને એક જોડી મોંજાં ભૂલી ગયો. ઉતાવળમાં લગેજની ચાવી ક્યાં મૂકી એય ભૂલી ગયો અને નક્કી કર્યું કે ત્યાં જઈને લોક તોડી નાખીશ. એરપોર્ટ પર હેન્ડબેગ ચકાસી તો ચાવી મળી એટલે હાશ થઈ. આજ-કાલ કદાચ કનેક્ટિંગ ફ્લાઈટ્સના બોર્ડિંગ પાસ જોડે જ આપી દે છે અને લગેજ સીધો જ છેલ્લાં એરપોર્ટ પર આવે છે. નવાઈ લાગી. વધુ નવાઈ લાગી જ્યારે આ વખતે પ્લેનમાં સરસ જમવાનું મળ્યું 🙂 મેંગ્લોર પહોંચ્યો ત્યારે બાજપે એરપોર્ટ પર વાસુદેવ અને ભૂષણ લેવા માટે આવ્યા હતા. બન્નેને પહેલી વાર મળ્યો અને પછી શરુ થઈ ૧.૩૦ કલાકની મુસાફરી. રસ્તા ભયંકર વાંકાચૂકા અને એનાથી વધુ ભયંકર હતા સામે આવતાં વ્હીકલ્સ.

મીની ડેબકોન્ફનો રીપોર્ટ પછીની પોસ્ટમાં..

PS: બેક ટુ ઓફિસ વર્ક.

દિવાળી, નવું વર્ષ અને વરસાદ

* હા. કાળી ચૌદશે ઘોર રાત્રે બાલારામના ગાઢ અંધારામાં – અરર, રિસોર્ટમાં – અમે સ્કૂલના ગેટ-ટુગેધરમાં મજા કરી. આ વિશે ફોટા અને વિગતે પોસ્ટ થોડા દિવસ પછી ક્યારેક લખીશ, કારણ કે ફોટા હજી કેમેરામાં જ પડ્યા છે. દિવાળી આરામથી વેસા ખાતે મનાવી ના મનાવી અને અત્યારે વરસાદની મજા વત્તા વાઈ-ફાઈનો આનંદ લેવામાં આવે છે. વરસાદ ક્યાં છે? IXE થી થોડે દૂર. આનાં વિશે પોસ્ટ વત્તા ફોટા થોડા સમય પછી જ મળશે.

હા. બધાંને હેપ્પી ન્યૂ યર, સાલ મુબારક અને નૂતન વર્ષાભિનંદન.

PS: કોઈ કહે તો છત્રી લઈ જવી.

PS 2: ક્યાંય જવાનું હોય તો, સામાન રાત્રે જ પેક કરવો. વહેલી સવારમાં નહી.

અમદાવાદ-પાલનપુર-અમદાવાદ વાયા મેળોજ, વેસા

* ના. આ કોઈ નવી બસ નથી, પણ છે અમારી નાનકડી બે દિવસની નાનકડી ટ્રીપ. શનિવારે સવારે અમે પાલનપુર જવા માટે નીકળ્યા અને થોડીવાર પછી બસ મળી અને બસ ડ્રાઈવર ખબર નહી શું ખાઈને આવ્યો હતો, તેણે ત્રણ કલાકની મુસાફરી ચાર કલાકમાં પૂરી કરી. જે પ્રસંગમાં જવાનું હતું તે પૂરો થઈ ગયો હતો 😀 પણ બીજા દિવસે મુખ્ય પ્રસંગ હતો એટલે વાંધો ન આવ્યો. પાલનપુરની હાલત ખરાબ હતી. લગભગ દરેક જગ્યાએ કશાક માટે ખાડા ખોદેલા હતા અને તેના પર ફરીથી રોડ કરવાની જગ્યાએ દર વખતની જેમ પથ્થરના થીગડાં મારી દેવામાં આવ્યા હતા. શનિવાર હતો એટલે મને એમ કે કોઈ મિત્રની મુલાકાત થશે પણ બધા સાંજ સુધી બીઝી હતા. સદ્ભાગ્યે, ભાવેશ અમને દિલ્હીગેટ મળી ગયો અને ઘણાં વખતે મળ્યા એટલે બન્નેની પાસે આપવા-કહેવા જેવા ઘણાં સમાચારો હતા. એ પહેલા પથ્થરસડક પર જઈને જનતાની મેન્ડેટરી કચોરી ખાધી. આટલી મોંધવારી હોવા છતાં તેની કચોરી અમે જ્યારે ખાતા હતા ત્યારે ત્રણ રુપિયામાં મળતી હતી અને આજે આઠ રુપિયામાં મળે છે. સ્વાદ એવો જ છે, જોકે.

રાત્રે આરામ કર્યો. રાસ-ગરબા હતા પણ પાઉંભાજી એ પેટમાં રાસ રમ્યો એ બહુ જ હતો. બીજા દિવસે અમારે જાનમાં જવાનું હતું. દરેક જાનની જેમ આ જાન પણ એક કલાક લેટ પડી પણ છેવટે પહોંચી ખરી. અમે પહોંચ્યા સિધ્ધપુર નજીકના મેળોજ ગામે.

મેળોજ ગ્રામ પંચાયત - સિધ્ધપુર કે સિધ્ધપુ

ભયંકર ગરમી અને લગ્ન અને ભોજન સહન કરી અમે વળતી જાનમાં છાપી ઉતરી ગયા અને ત્યાં કોકીના પપ્પા ઉર્ફે સસરાજી લેવા આવ્યા હતા. ત્યાંથી જીપડામાં પહોંચ્યા વેસા. થોડો આરામ કરીને વેસાની ફોટોવોક લેવા નીકળ્યા પણ મોડું થઈ ગયું હોવાથી કંઈ ખાસ ફોટા ન આવ્યા. પછી, મસ્ત ખીચડી-છાસ ખાઈને ગપ્પા માર્યા. કવિનને ધૂળમાં રમવાની મજા આવી અને પછી તેણે હિંચકામાં બે વાર માથું ફોડ્યું. સવારે ઉઠ્યા તો વાંદરાઓ અમને જોતા હતાં અને અમે વાંદરાઓને. ફટાફટ તૈયાર થઈને નીકળ્યા. ત્યાંથી છાપી ગામ, ત્યાંથી છાપી હાઈવે અને ત્યાંથી બસ ન મળવાથી સિધ્ધપુરને ત્યાંથી અમદાવાદ. બસની મુસાફરી ભયંકર હોય છે એ ફરી સાબિત થયું. આપણેને તો લાલુજીની (સોરી, મમતાદીદીની) રેલ ગમે.

અને, સવારે જે માટે દોડાદોડી કરી નીકળ્યા એ મારી મિટિંગ તો કેન્સલ થઈ છે એવો ઈમેલ ઘરે આવ્યા ત્યારે રાહ જોતો હતો…

વેસા મુલાકાત…

* આજે ચાર દિવસ પછી ઓનલાઈન થવાથી કંઈ ખાટું-મોળું કે ઉંધુ-ચત્તુ થઈ ગયેલ નથી એવું જ્ઞાન લાધેલ છે. એ રીતે જોતા આવા ટૂંકા-મોટાં વેકેશન લઈ શકાય. તો, હું ગયેલ મારા સંબંધીઓ (એટલે કે સાળીજી અને પછી સાળાજી) નાં લગ્ન પ્રસંગોમાં. વેસા. નાનકડું ગામ. હજી સુધી મોબાઈલનું નેટવર્ક ધાબા પર જઈએ ત્યાં સુધી આવતું નથી. એ સારું જ છે. કોઈ ત્યાં ફોન પર ચોંટતું નથી કે વિષ ભરેલ ઈમેલ કે નવી રચનાની માહીતી આપતો ઈમેલ મોકલતું નથી. રાત્રે ધાબા પર ઉંઘવાની મજા આવી. ઉનાળામાં ઓઢવું પડે એવો પવન આવતો હોય ત્યારે મજા જ આવે ને? જોકે, ગામમાં મોટાભાગની વસ્તી આજુ-બાજુનાં મોટાં શહેરો-ગામોમાં સ્થળાંતર કરી ગઈ છે. ઉનાળા-દિવાળી સિવાય જઈએ તો ભેંકાર લાગે. ભવિષ્યમાં ત્યાં ઘર કે ફાર્મહાઉસ લેવાનો વિચાર આવી રહ્યો છે…

થોડાક ફોટાઓ ફેસબુક (ઉહ!) પર મૂકેલ છે. મોટાભાગનાં વાચકોને જોવા મળી ગયા હશે અને ન જોયા હોય તો ખાસ ગુમાવવાનું નથી. હા, કવિનની મસ્તીઓ એમાં કેદ છે. કવિનને વધુ મજા પડી કારણકે એ ત્યાં ૧૦ દિવસો જેવો રહ્યો. આખું ગામ કવિનને ન ઓળખે તો નવાઈ કહેવાય. કવિનને ઘણાં-બધાં નવાં મિત્રો મળ્યાં અને મારી ઘણાં દૂર-દૂરનાં સંબંધીઓ જોડે ઓળખાણ પણ થઈ. એક દિવસ પાલનપુર ગયેલો પણ, ખાસ સમય ન મળ્યો.

અને હા. ઓહ, મિઠાઈઓ અને કેરીનો રસ. ગળું હજુ ટાઈટ છે.

બીજું બોલો, બ્લોગ-જગતમાં શાંતિ છે ને? 😉

પૂછતાં..

.. પંડિત તો ન થવાય, પણ સાચી બસમાં ચડાય!

હવે, થયું એવું કે various લગ્ન પ્રસંગો હોવાથી કવિન અને કે બન્નેને તેમનાં ગામડે (એ હાલો..) મૂકવા માટે ગયો. આ બાજુ મારા પર મગજ ફાટી જાય તેવું કામ. બપોરે જમી અને મસ્ત ગરમીમાં ઉંઘ ખેંચી કાઢી નીકળ્યો અને જોયા વગર ગામનાં પાદરે ઉભેલી બસ (એસ.ટી.)માં ઘૂસી જઈને ટીકીટ લીધી (છાપી નામનાં ગામનાં હાઈ-વેની). પછી, બસ અજાણ્યાં વિસ્તારમાં જતી જણાઈ, કંડકટરને પૂછ્યું. એ કહે, ભાઈ, આ બસ તો છાપી હાઈ-વે ન જાય. મેં કહ્યું, તો કહેવાય નહી? કંડકટર: એ તો પેસેન્જરને પૂછી લેવાનું. શું થાય? કોઈક અજાણ્યાં ગામમાં રાત વિતાવવાની મારી તૈયારી નહોતી એટલે છેલ્લાં સ્ટેન્ડ સુધી ગયો. ત્યાંથી હાઈ-વે નજીક હતો એટલે પછી બસ મળી ગઈ. હાશ.

નિયમ મુજબ ત્યાં મારી ઘડિયાળ ઘરે ભૂલી ગયો, પણ અત્યારે ઘડિયાળ કરતાં ઠંડા પાણીની વધુ જરુર હોવાથી, આ પોસ્ટ પૂરી કરવામાં આવશે..

વેસા, મગરવાડા અને દિવાળી…

* કંઇ લખવું તેના કરતાં ચિત્રો શું ખોટાં?

મગરવાડા જતાં રસ્તામાં...
મગરવાડા જતાં રસ્તામાં...

ગામની ેંસો અને દૂર ઉેલા અમે..
ગામની ભેંસો અને દૂર ઉભેલા અમે..

કવિન ક્લોઝઅપ
કવિન ક્લોઝઅપ

હું, કવિન, દીયા અને બેકગ્રાઉન્ડમાં કોકી

સ્કૂલબોર્ડ - જાતિવાર વિદ્યાર્થીઓની સંખ્યા -- હજી પણ આ કેમ છે?
સ્કૂલબોર્ડ - જાતિવાર વિદ્યાર્થીઓની સંખ્યા -- હજી પણ આ કેમ છે?

ારતનો નકશો - સાવ ખોટ્ટો - પછી ક્યાંથી શીખે ૂગોળ, છોકરાંઓ...
ભારતનો નકશો - સાવ ખોટ્ટો - પછી ક્યાંથી શીખે ભૂગોળ, છોકરાંઓ...

૪ દિવસનો પ્લાન

* ચાર દિવસ વેસા અને પાલનપુર ખાતે.

* દુર્ભાગ્યે મારો કેમેરો ખરા સમયે કામ કરતો બંધ થઇ ગયો. બિચારો. ગઇ કાલે ઓફિસમાંથી અનાથાશ્રમમાં ગયા હતા ત્યાં સુધી ચાલતો હતો – અને પછી તે પોતે જ અનાથ થઇ ગયો! 😉

આવજો. અને બધાને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ. જો કદાચ મારું ટાટા ઇન્ડિકોમ યુએસબી ગામમાં ચાલી જાય તો, વેસાનાં કૂતરાંઓ, તળાવ અને ખેતરો વિશે વિગતે લખીશ..