અમદાવાદ વત્તા વિકિપીડિઆ..

.. એટલે કે લગભગ આખું અમદાવાદ હવે વિકિપીડિઆ પર ચિત્રો દ્વારા. આ પોસ્ટમાં પોસ્ટર મૂક્યું હતું તેમ સવારે બધાં ગાંધી આશ્રમ ભેગા થયા. અમને ડર હતો કે ૨૦૦-૨૫૦ લોકો ઉમટી પડશે, પણ લગભગ ૫૦ થી ૬૦ લોકોએ આ ઈવેન્ટમાં ભાગ લીધો અને મજા આવી ગઈ. વહેલી સવારે હું સ્વેટર પહેર્યા વગર ગયો એ આજની સૌથી મોટી દુર્ઘટના ગણી શકાય, પણ થોડી વાર તડકામાં ઉભા રહ્યા પછી હિંમત આવી ગઈ હતી. ત્યાં જઈને નૂુપુર અને બીજા વોલિયન્ટર્સને મળ્યો. ચિરાગ (સોલંકી) અને હું – જૂના શહેરના રુટ નં ૨ ના કો-ઓર્ડિનેટર હતા. અમને થોડા ઓછા મેમબર્સ મળ્યા (એક રીતે સારું, તેમને મેનેજ કરવા વધુ સારા ;)). બાકીના ત્રણ રુટમાં બે પશ્ચિમ અને એક લાલ દરવાજા તરફના હતા. લગભગ ૯ વાગે અનિરુધ્ધ અને નૂપુરે બધાંને વિકિપીડિઆ, ક્રિએટીવ કોમન્સ અને સામાન્ય સૂચનાઓ આપી. આશ્રમમાં બાપુની મૂર્તિ આગળ ગ્રુપ ફોટો લીધો અને બધાં છૂટાં પડ્યા. અમારી ટીમમાં હું, ચિરાગ, તાર્કિક, શંખનાથ, મહર્ષિ, મનિષ, અંકિત, રાજપાલ અને પલક હતા.

સૌ પ્રથમ અમે શાહીબાગ સ્વામિનારાયણ મંદિરે ગયા, ત્યાં ફોટા પાડવાની સ્વાભાવિક રીતે મનાઈ હોય એટલે વોચમેનને પૂછ્યું. વોચમેને કોઠારી સ્વામીજીને મળવાનું કહ્યું, ત્યાંથી અમને બ્રમ્હવિહારીસ્વામીને મળવાનું કહેવામાં આવ્યું. થોડી મહેનત પછી તેમની ઓફિસ મળી અને તેમને અમને ફોટા લેવાની પરમિશન વત્તા પ્રસાદ પણ આપ્યો. વધુમાં, અમારો સંપર્ક લઈ મંદિરનો પ્રોફેશનલ ફોટો મોકલી આપવાનું પણ કહ્યું. થેન્ક્સ, સ્વામીજી.

ત્યાંથી ગયા દિલ્હી દરવાજા. ભયંકર ટ્રાફિક. થોડા આમ-તેમ અટવાયા, અને પછી ત્યાંથી કાલુપુર. ન થવાનું થયું અને પલક અને ચિરાગ ટ્રાફિક પોલીસના હાથે ઝડપાયાં. ફાઈન ભરવામાં આવ્યો. અમુક લોકોએ કાલુપુર સ્ટેશનના ફોટા લીધા અને અમને ઝુલતા મિનારાએ થોડા કન્ફુઝ કર્યા, છેવટે તે મળ્યા અને સરસ રીતે ફોટા લેવામાં આવ્યા. જો કે તેની આજુ-બાજુ દબાણો, ગંદકી વગેરે જોઈને થયું કે પુરાતત્વ ખાતું ખાલી નામનું જ છે. બોર્ડ લગાવીને જતું રહે છે. પછી તો, કોણ જોવા આવે છે? ત્યાંથી થોડી ચર્ચા વિચારણા કરીને રાયપુર દરવાજા જવાનું નક્કી કર્યું. અમારા માર્ગમાં કાંકરિઆ હતું, પણ સમયના અભાવે કાંકરિયા પડતું મૂકવામાં આવ્યું. રાયપુર ભજિયા સેન્ટરે અમને ભજિયાં ન ખાધાં અને થોડી વધુ ચર્ચા, ડાઉટ્સ અને એકબીજાંને થેન્ક્સ કહીને છૂટા પડ્યા.

હવે, પછીની ઈવેન્ટમાં વધુ પ્લાનિંગ, આ ઈવેન્ટથી મળેલા અનુભવ વગેરેનો લાભ મળશે. ઘણાં નવાં લોકો જોડે ઓળખાણ થઈ અને વધુ તો લગભગ આખું અમદાવાદ વિકિપીડિઆ પર આવી ગયું એથી વધુ રુડું શું?

🙂

Advertisements