લો ત્યારે, અમે ફરી પાછા આવ્યા છીએ, વધુ એક બી.આર.એમ.ની પોસ્ટ સાથે. સમય વીતતા વાર નથી લાગતી (એમ તો એટલી જ વાર લાગે છે, જેટલી લાગવાની હોય.. તો પણ..) અને ૨૦૨૦ અને ૨૦૨૧માં રદ થયેલી વાર્ષિક નાઇટ ૨૦૦ આ વખતે થઇ. એમાં પણ, થોડી આગળ-પાછળ થઇ, પણ છેવટે થઇ ખરી!
નાઇટ બી.આર.એમ.નો અમારો સંબંધ બહુ જુનો. ૨૦૧૪માં તો ખબર નહોતી કે બી.આર.એમ. શું છે અને ૨૦૧૫માં કદાચ કોઇ પ્રવાસના કારણે આ બી.આર.એમ. નહોતી કરેલી. ૨૦૧૫ના અંતમાં સાયકલનો અકસ્માત થયા પછી પહેલી બી.આર.એમ. એ ૨૦૧૬ની ૨૦૦ જ હતી. ત્યાં સુધીમાં સારી હેડ અને ટેઇલ લાઇટનું મહત્વ શું હોય છે, તે ખબર પડી ગઇ હતી એટલે રાત્રે ચલાવવાનો વાંધો નહોતો આવ્યો એવું યાદ છે, પણ વળતી મુસાફરીમાં જે અનુભવો થયેલા તે યાદ છે, કારણ કે ૧૦૦ના કંટ્રોલ પોઇન્ટ પર નાસ્તામાં બીયર હતો 😀
પણ, આ વખતે આપણે વાત કરીશું ૨૦૨૨ની જ. લગભગ દરવખતની જેમ નક્કી કર્યું કે સાંજે મુલુંડ જવા માટે સાયકલ ચલાવીને જ જઇએ. ઘરેથી ૧ કિમી જ ગયો અને ટ્રાફિક નડ્યો એમાં ૨૦ મિનિટ બગડી (૩.૫ કિમી માટે) એટલે પછી ટ્રાફિક વગરનો પણ લાંબો રસ્તો લીધો પણ સમયસર પહોંચી ગયા. જોડે વિનય હતો એટલે રાઇડ ઝડપી બની! દર વખતની જેમ આ વખતે બી.આર.એમ.માં વધુ સંખ્યા નહોતી, તો પણ ૩૦ લોકોએ રજીસ્ટર કરાવેલું (એમાંથી ૨૪ આવેલા, એમાંથી ૫ જણાની વાર્તા આગળ આવશે). શરૂઆત પર કિરણ (બંને કિરણો!), રાકેશ, નિહાર, શશી વગેરે મળ્યા. ગપ્પાં માર્યા અને ૭ વાગે બી.આર.એમ.ની શરુઆત થઇ. નક્કી કરેલું કે ૫ કલાક જવામાં અને ૫ કલાક પાછા આવવામાં એ રીતે રાઇડ કરવી. શરુઆતના બોરિંગ ટ્રાફિક વાળા રસ્તાને પાર કરવામાં ૧.૫ કલાક લાગ્યા ત્યારે પનવેલ પસાર થયું અને પછી હાશ થઇ. જોડે કિરણ (કોટિયન) અને વિનય હતા.
ભોરઘાટ પર જવા ક્લિટ ભરાવતા યોદ્ધાઓ, ફોટો: વિનય.
૨૫ કિમી સરસ રસ્તા પસાર કરીને ખોપોલી પહોંચ્યા ત્યારે મારી હંમેશની જગ્યા હોટેલ ગ્રીન પાર્કમાં ડિનર કરવાનું નક્કી કર્યું. હું એકલો હોઉં તો જે તૈયાર હોય તે ખાઇ લઉં પણ પછી ભોરઘાટ અને ૧૦ વાગ્યા પછી કંઇ ખાવાનું ન મળવાની પૂરી શક્યતા જોતા ૮ રાઇડર્સે દાળ-ખીચડી ખાવાનું નક્કી કર્યું (જોકે આપણે દહીં-વડાનો ઓર્ડર આપ્યો) અને આ ઓર્ડર આવતા ૩૦ મિનિટ લાગી અને અમે ડિનર ૧૦ મિનિટમાં પૂરું કર્યું 😉 આખા ખોપોલીના લોકો એજ હોટલમાં ડિનર કરવા આવ્યા એમ લાગ્યું! છેવટે એકંદરે ૨૦ મિનિટનો બગાડ કરી અમે નીકળ્યા અમારા પ્રિય ભોરઘાટ પર. ભોરઘાટ પર રાત્રે સાઇકલ ચલાવવાની છેલ્લી તક ડિસેમ્બરની ૧૦૦૦ કિમીમાં મળી હતી, જોકે એ વખતે એક્સપ્રેસ હાઇવેના કોમન ભાગમાં જવાનું નહોતું અને જૂનો ઘાટ લેવાનો હતો. એક્સપ્રેસ વાળા ભાગ પર ઘણી વખત અત્યંત ટ્રાફિક થાય છે. અને હા, પેલા જે ૫ રાઇડર્સ રજીસ્ટર કરાવીને નહોતા આવ્યા તે અમને ભોરઘાટ પહેલાં અને વચ્ચે મળ્યા. કારણ? તેમને એક્સપ્રેસ વે પર સાયકલ ચલાવવી સલામત ન લાગી. ભલા માણસો, એવું હોય તો બી.આર.એમ.નો રસ્તો જોઇને રજીસ્ટર કરાવો અને વધુ પડતા પૈસા હોય તો વિકિપીડિયાને દાન આપો 😉
ભોરઘાટ પસાર કર્યો પણ અમે ક્યાંય રોકાયા નહી. ના, લોનાવાલના ઝીરો પોઇન્ટ પર પણ નહી અને સીધા પહોંચ્યા કામશેત. ત્યાં નાનકડા કામશેત ક્લાઇમ્બ પછી તરત જ અમારો કંટ્રોલ પોઇન્ટ હતો. ત્યાં ડિનરની નાનકડી સગવડ હતી, જેમાં પોહાનો ટેસ્ટ કરવામાં આવ્યો. એક બિલાડી પણ મળી!
હું: STARDENBURDENHARDENBART બિલાડી: ઘરે જા!
બિલાડીને STARDENBURDENHARDENBART કહેવાનો સમય નહોતો એટલે સરસ કડક કોફી પીધી અને ૭ રાઇડર્સે જોડે વળતી રાઇડ શરુ કરી. હવેનો રસ્તો સરળ હતો – એટલે કે કોઇ ઘાટ હતો નહી અને સડસડાટ જવાનું હતું. એટલે લગભગ બધાં જોડે જ સીધા ૬૫ કિમી પર ચા પીવા માટે રોકાયા. લગભગ ૪૦ કિમી પહેલાં. પછી તો રસ્તો હાઇવે વાળો હતો એટલે લાઇટ વગેરેનો પ્રશ્ન હતો નહી અને ઊંઘ પણ નહોતી આવતી. કિરણ જોડે આરામથી રાઇડ કરી અને લગભગ સવારે ૫.૧૦ જેવા મુલુંડ પહોંચ્યા ત્યારે ૪ રાઇડર્સ પહોંચી ગયા હતા. રવિ અમારાથી ૫ મિનિટ પછી આવ્યો. આરામથી એટીએમની (જરુરી) ઝંઝટ કરી. નિહાર પણ ૨૦ મિનિટમાં પહોંચ્યો અમારે એમ તો CyclingForAllની માસ્ટરમાઇન્ડ કાફે રાઇડમાં જવાનું હતું, પરંતુ થાક-ઊંઘ બંને જોતા નિહાર જોડે ગાડીમાં અડધે સુધી આવ્યો અને ૧૦ કિમીની કૂલ ડાઉન રાઇડ સાથે ઘરે આવ્યો.
પેલી ૧૨૦૦ બી.આર.એમ.ની પોસ્ટ ગયા અઠવાડિયે લખી પછી અજય અને અન્ય લોકો અંગ્રેજી આવૃત્તિ માટે સતત પૃચ્છા કરતા હતા એટલે પછી અજયની વેબસાઇટ પર તેનું અંગ્રેજી સંસ્કરણ મૂક્યું. બેઠ્ઠું ભાષાંતર ન કર્યું એટલે વધુ મઝા આવી. એ પોસ્ટ એમ તો આ બ્લોગ પર પણ છે, પરંતુ હાલ પૂરતી ખાનગી રાખી છે! એકાદ-બે મહીના પછી જાહેરમાં મૂકીશ.
બક્ષીબાબુની પુણ્યતિથી પર શ્રદ્ધાંજલી. આજે કદાચ તેમનું એક પુસ્તક ફરી હાથમાં લઇશ.
આ બ્લોગના ૧૬ વર્ષ પૂરા થયા. થોડાં ચમકારા સિવાય મારો ગુજરાતીમાં લખવાનો પ્રયત્ન નિષ્ફળ ગણી શકાય. કારણો અનેક છે, પણ તેમાં સૌથી મોટો ફાળો મારી આળસ અને એકંદરે સમય અભાવ છે. થોડા વર્ષો પહેલા મારી પાસે પુસ્તકો અને કોમ્પ્યુટર સિવાય અન્ય શોખ નહોતા પછી તેમાં દોડવાનો અને પછી સાયકલિંગનો ઉમેરો થયો એટલે જે કંઇ સમય હતો એ પણ ગયો. તેમ છતાંય, હજુ પણ આ બ્લોગ ચાલે છે, તે નવાઇની વાત છે. કદાચ આ વર્ષમાં ૧૦ દિવસ દરરોજ ૧૦ કિમી દોડવું કે ૧૦ દિવસ દરરોજ ૧૦૦ કિમી સાયકલ ચલાવવી જેવા પડકારો સાથે ૧૦ દિવસ દરરોજ ૧ પોસ્ટ લખવી (૧૦ તો ના લખાય, બાચકો ખિજાય!) જેવા પડકારો લઇ શકાય. ખાલી એક જ ચિંતા કે તેમાં મારું તો ભલું થાય પણ આ બ્લોગના જે બે-ચાર વાચકો હશે તેમનો મરો થશે 😉
કવિનની ૯મા ધોરણની પરીક્ષાઓ પૂરી થઇ અને હવે કવિન ૬ ફૂટ કરતા થોડી જ ઓછી ઊંચાઇ ધરાવે છે. મારે તેની સામે આંખો કાઢવા માટે પણ ઊંચું જોવું પડે તેવી સ્થિતિ થઇ છે. એકાદ વર્ષમાં તે ઊંચાઇની સાથે કદમાં પણ મને આંબી જશે. હાલમાં, જોકે તે અમારી જેમ ખાવાનો બહુ શોખીન નથી (કે નથી લાગતો).
હવે માર્ચથી લઇને લગભગ જૂન સુધી સાયકલિંગના ખાસ મોટા કાર્યક્રમો નથી. ઇન્ડોર સાયકલિંગ ઘટનાઓ બનતી રહે છે. ત્રણ દિવસથી થોડું દોડવાનું ફરી શરુ કર્યું, તો લાગ્યું કે આ દોડવાનું હજુ પણ અઘરું છે. પણ, છેલ્લાં બે વર્ષમાં ખાસ ન દોડ્યા પછી તે અઘરું લાગવું સ્વાભાવિક છે.
બાકી, અમારો બિલાડો મઝામાં છે. ખાય છે, ઊંઘે છે, મારામારી કરે છે અને અમને પણ મારે છે (ખાસ કરીને સવારે!). હા, તે પરથી યાદ આવ્યું કે સામેના બિલ્ડિંગમાં એક બિલાડીનું બચ્ચું વોચમેનની કેબિન પર ચડી ગયું તો કવિનને તેને બચાવવા મોકલ્યો. કવિને માંડમાંડ તેને નીચે ઉતાર્યું પણ ત્યાં સુધી બચ્ચાએ કવિનને નખ અને બચકાં ભર્યા. ડોક્ટરની સલાહ મુજબ રેબિઝના ઇન્જેક્શન લેવા પડ્યા. આ વેક્સિન પેલી સિરમ ઇન્સ્ટિટ્યુટ જ બનાવે છે!
પેરિસ-બ્રેસ્ટ-પેરિસ ૨૦૧૯ પછી નક્કી કર્યું કે વગર તૈયારીએ જો કોઇ સાહસ કરવા જાવ તો ઊંધા માથે પટકાવાની શક્યતા વધી જાય છે. ૨૦૨૦ની શરુઆતમાં જ સારી તૈયારી સાથે બી.આર.એમ. કરવાની શરુ કરી અને પછી નડ્યો કોવિડ-૧૯. એટલે સાયકલિંગમાં ઉતાર-ચઢાવ આવતા રહ્યા અને તૈયારી થતી રહી. ડિસેમ્બરમાં પુણેની ૧૦૦૦ કિમી પૂરી કરી ત્યારે લાગ્યું કે હવે સાયકલ કંઇક ટ્રેક પર આવી ત્યાં ફરી કોવિડનો ક નડ્યો. ફેબ્રુઆરીમાં ઇન્ડોરની સાથે એક ૪૦૦ કિમી (માલ્સેજ-નાસિક) બી.આર.એમ. પૂરી કરી અને પછી ૧૨૦૦માં નામ લખાવ્યું. નામ તો લખાવ્યું પણ, તૈયારી?
દિવસ ૦
બી.આર.એમ. ૧૯મી એ હતી અને અમારી લગ્ન એનિવર્સરી ૧૮મીએ! એટલે આગલા દિવસે બહાર તો જવું જ પડે અને અમે ગયા ડિકાથલોન! એક લાઇટ, સ્લિવ અને બંડાના લીધા અને બીજી બિનજરુરી ખરીદી પણ કરી. ડિનર પછી આરામથી ઘરે આવીને બાકીની તૈયારી કરી. ૧૨૦૦માં અમારે મુલુંડથી શરુ કરીને નાસિક-ધુળે થઇને ઇંદોર સુધી જવાનું અને ત્યાંથી પાછા એજ રસ્તે મુલુંડમાં. મુંબઈ-ધુળેની ૬૦૦ કિમી તો ત્રણ (એમ તો DNF સાથે ચાર!) વખત કરેલી એટલે અડધો આત્મવિશ્વાસ તો હતો જ. બાકીના ૬૦૦ માટે સતીશ અને અન્ય લોકોને રસ્તા વગેરે માટે પૂછેલું. રસ્તો સારો છે એવા ઉત્તરો મળ્યા પછી થયું કે વાંધો નહી આવે! અને, દર વખતની જેમ રાત્રે બરોબર ઉંઘ ન જ આવી!
દિવસ ૧
સવારે ૩.૩૦ વાગે ઉઠ્યો. શિરિશની જોડે ઉબરમાં મુલુંડ જવાનું હતું અને તે ઘરે ગાડી લઇને આવ્યો તે પહેલાં જ હું તૈયારી સાથે રસ્તા પર ઉભો જ હતો. સમયસર (પહેલી વાર!) પહોંચ્યા પછી અન્ય રાઇડર્સને મળ્યો અને ગામ-ગપાટાં માર્યા. ૬ વાગે બીઆરએમની શરુઆત થઇ અને નક્કી કરેલું કે આપણે આરામથી પ્લાનિંગ મુજબ જ સાયકલ ચલાવવી. પહેલા ૫૫ કિમી પછી બ્રેક લીધો, પાણી ભર્યું. જોડે લીધેલી ભાખરી ખાધી. શહાપુર પછી રસ્તા ઉપર-નીચે થવાની શરુઆત થઇ અને ત્યાંથી કસારા ઘાટના પહેલાં બીજો વિરામ લેવામાં આવ્યો. લગભગ ૯૨ કિમી પર અમે જેને ખોટો ઘાટ કહીએ છીએ તેવું નાનકડું ચડાણ આવે. નવાં લોકોને લાગે કે કસારા ઘાટ શરુ થઇ ગયો પણ ના, હજુ પિક્ચર બાકી છે! ૯૨ પર નાસ્તો કર્યો અને ઠંડુ પાણી લેવામાં આવ્યું. પછી ૨ કિમીનો સરસ ઢાળ છે અને પછી શરુ થાય છે, કસારા ઘાટ! આ વખતે તો ઘાટ પર પણ આરામથી જવાનું હતું અને એમ જ કર્યું. કસારા ઘાટ પછી ટોલનાકા પર ત્રણ રાઇડર્સ મળ્યા – ભૂષણ, વિનય અને પરાગ. એમાં પરાગ તો ઘરની નજીક જ રહેતો નીકળ્યો અને વાતોના વડાની સાથે શેરડીનો રસ પીધો અને આરામથી નાસિક પહોંચ્યા. ત્યાં નક્કી કરેલું કે વધારે સમય ન વ્યર્થ કરતા ૨૦૦ કિમી પર બપોરનું ભોજન કરીશું. પણ, ત્યાં સુધી પહોંચતા પહોંચતા વિનય અને પરાગ મોડા પડ્યા એટલે લંચનો સમય વધુ થયો.
ચાંદવડ પર રેણુકા માતાનું મંદિર
અમે ફરીથી ત્યાંથી ચાંદવડ ઘાટના ટોચ પર શેરડીના રસ માટે ઉભા રહ્યા અને ફરી રાઇડર્સની રાહ જોઇ પણ છેવટે માલેગાંવ (કા સુપરહીરો ફેમ!) પર અમને વિનય-પરાગ મળ્યા. ત્યાં એક બીજા રાઇડર મળ્યા અને કોફી પીવાનું નક્કી કર્યું પણ તે હોટલ રસ્તાની બીજી બાજુ હતું એટલે માલેગાંવની મગજમારીમાં પડ્યા વગર ફટાફટ એ મનહૂસ શહેરની બાયપાસ કર્યું. ત્યાં સુધી રાત પડી ગઇ હતી. ધુળેના ૨ કિમી પહેલાં ડિનર કર્યું (હોટલ માનસ) અને ત્યાં ૧ કલાકથી વધુ સમય ગયો. ધુળેની ગુરુદ્વારામાં પહોંચ્યા ત્યારે ૨ રાઇડર્સ (૧૨૦૦ વાળા) ત્યાં પહોંચી ગયા હતા. ગુરુદ્વારામાં સ્નાન કર્યા પછી, ૩ કલાકની સરસ ઊંઘ લીધી અને આગળ જવા નીકળ્યો ત્યારે બીજો દિવસ અધિકૃત રીતે શરુ થઇ ગયો હતો! વિનય, પરાગ અને ભૂષણ ૬૦૦ કરવાના હતા એટલે એ લોકો ધૂળેથી વળતી મુસાફરી કરવાના હતા.
દિવસ ૨
સૌથી પહેલા તો ગુરુદ્વારાથી હાઈવે પર જવાનો રસ્તો જ ન મળ્યો અને ખોટો વળાંક લઇને ૧૦ મિનિટ બગાડી. લો ત્યારે! જીપીએસ સાથે પણ જાગતા ઝડપાયા! પણ એક વખત હાઈવે પર આવ્યા પછી રસ્તો સરસ હતો. ૫૦ કિમી સુધી કૂતરાઓ પાછળ પડવા સિવાય કોઇ ઘટના ન બની. રસ્તા સૂનકાર અને ટ્રક સિવાય કોઇ વાહનો જોવા ન મળે. જોકે ૪ વાગ્યાની આસપાસ એક જગ્યાએ સરસ ચા-બિસ્કિટ મળી ગયા. વહેલી સવારે શિરપુર પહેલા તાપી નદી પસાર કરી. બરોબર ૬ વાગ્યાની આસપાસ પલાસનેર ઘાટ પર હતો ત્યારે મધ્ય પ્રદેશમાં પ્રવેશ્યો અને થોડા કિમીનું અંતર કાપ્યા પછી ઇન્દોરી પૌઆનો નાસ્તો કર્યો!
ઈન્દોરી પૌઆ અથવા પોહા, સેવ સાથે!
નમામિ દેવી નર્મદે!
ઘાટ પસાર કર્યા પછી સરસ સરકતો રસ્તો અને પછી આવી નર્મદા નદી. દર્શન કર્યા અને જીવનની એક મહત્વની ઇચ્છા એવી નર્મદા પરિક્રમા યાદ કરી. આ વિશેના વિચારો કરતો કરતો અમારા પછીના કંટ્રોલ પોઇન્ટ ધામનોદ પહોંચ્યો અને કાર્ડ પર સ્ટેમ્પ કરાવવાની સાથે નાસ્તો કર્યો. ત્યાંની ગરમીની શરુઆત થઇ ગઇ હતી અને વળી રસ્તો પણ સરસ ઘાટ વાળો હતો. બે સરસ ઘાટ (ગુજરી નામના નગર પરથી ગુજરી ઘાટ?) પસાર કર્યા પછી થોડો સીધો રસ્તો મળ્યો. મને એમ કે હવે મઝા આવશે પણ ઇન્દોર પહોંચતા હાંફી જવાયું. માળવાનો ઉચ્ચપ્રદેશ એમ કંઇ તમને ઝંપવા દે? સારી વાત હતી કે રસ્તો ખરેખર સારો હતો અને ક્યાંય ખાડા-ખરાબા દેખાયા નહી. ઇન્દોર વાળા કંટ્રોલ પર ૩૮ કલાકે પહોંચ્યો (૬૦૨ કિમી) ત્યારે ધુળેથી ઇન્દોર વચ્ચે એકલા જ સવારી કરી. કોઇ જ દેખાયું નહી. બધાં આગળ અથવા પાછળ જ હતા. કંટ્રોલ પોઇન્ટ પર સ્ટેમ્પ કરાવી હોટેલ (નાઇટ સ્ટે માટે) જવા માટે કષ્ટદાયક મુસાફરી હતી. ઇન્દોર બાયપાસનો ટ્રાફિક બેકાર હતો અને હોટેલ પહોંચવા માટે જીપીએસ + ગુગલ મેપ્સ વગર શક્ય જ નહોતું. ભૂલ ૧: જ્યાં કંટ્રોલ હોય ત્યાં જ નાઇટ સ્ટે કરવો. અમુક રાઇડર્સ ત્યાં પહેલા પહોંચી હોટેલમાં સૂઇ ગયા હતા. હવે ત્યાં નાઇટ સ્ટે કેમ ન રાખવામાં આવ્યો તે અલગ જ ચર્ચાનો વિષય છે 😉 હા, હવે ઠંડી લાગતી હતી પણ જેકેટ વગેરે હતા એટલે તે સાથે રાખીને હોટેલની શોધ કરી ઇન્દોર જવા માટે નીકળ્યો અને છેવટે પહોંચ્યો ત્યારે હું જ પહેલા પહોંચ્યો હતો અને હોટેલ વાળાને સાઇકલ રુમમાં રાખવા માટે સમજાવવા માટે ૧૦ મિનિટ પણ બગાડી. રુમમાં જઇ ફટાફટ શાવર+ટોઇલેટના કામ પૂરા કરી સૂઇ ગયો.
દિવસ ૩
આ દિવસ હતો ભૂલોની પરંપરાનો. ભૂલ ૨: રાત્રે એકલા નીકળવું. એમ તો કંઇ ડર લાગવા જેવું નહોતું પણ મારી ઊંઘ બરોબર થઇ નહોતી અને ડિનરના નામે કંઇ ખાસ ખાધું નહી. ભલું થજો નાસિકના બે રાઇડર્સનું જેમણે મને પરાણે થોડી દાળ-ખીચડી ખવડાવીને રાઇડ શરુ કરવા મોકલ્યો. ત્યાંથી જ્યારે વળતી સવારી શરુ કરી ત્યારે ૨ વાગ્યા હતા અને થોડા કિમી પછી રસ્તો ભેંકાર હતો. ઊંઘ અને ઠંડીના કારણે ૫ કલાકમાં મારે માત્ર ૫૫ કિમીનું અંતર કપાયું! બે જગ્યાએ તાપણાની નજીક બેસી શરીર શેક્યું ત્યારે થોડી રાહત મળી. થોડી ઊંઘ પણ ખેંચી કાઢી અને છેવટે થોડું અજવાળું થયું ત્યારે જીવ આવ્યો અને ધામનોદ પહેલાં નાસિકના રાઇડર રામદાસ અને લુકેશ મળ્યા અને અમે ધામનોદ સુધી આરામથી જોડે પહોંચ્યા ત્યારે સવારે ૮.૩૦ થઇ ગયા હતા.
ના! આ બિલાડી નથી!
રામદાસ-લુકેશની જોડે સરસ સાયકલ ચલાવીને મ.પ્ર-મહા. બોર્ડર સુધી પહોંચ્યા ત્યારે ફરી ગરમી શરુ થઇ ગઇ હતી અને બપોરનું ભોજન આરામથી કરી શક્ય એટલી ગરમી પસાર કરીને નીકળ્યા. અમે લગભગ ૬.૩૦ સુધી જોડે જ હતા. ધુળેના ૪૦ કિમી બાકી હતા ત્યારે એ બંનેમાં કોઇક વીર સાયકલિસ્ટનો આત્મા આવ્યો અને મારું શરીર અને આત્મા બંને પોકારો કરતું હોવાથી નક્કી કર્યું કે આપણે આરામથી ધુળે પહોંચીશું. સમય હતો અને ખોટી ઉતાવળની જરુર નહોતી. આ જોકે ભૂલ ક્રમાંક ૩ હતી! ધુળેના ૨૦ કિમી પહોંચતા એવું લાગ્યું કે ધુળે આવી ગયું પણ હજુ આવ્યું નહોતું અને આવતું પણ નહોતું! એક ફ્લાયઓવરની નીચે ગયું અને એક જણને પૂછ્યું તો કહે ગુરુદ્વારા તો હજુ ૭ કિમી દૂર છે. ફોનમાં જોયું તો ફોનની બેટ્રી ઓછી અને પાવરબેંકે પણ જીવ ગુમાવ્યો હતો. છેવટે જીવ પર આવીને સાયકલ ચલાવી અને એક બોર્ડ દેખાયું જેમાં ધુળે હજુ દૂર છે એવું દેખાયું ત્યારે મારામાં જીવ આવ્યો. તો પણ ફરી ખોટો ફ્લાયઓવર લીધો. રોંગ સાઇડમાં પાછો આવ્યો અન ગુરુદ્વારા પહોંચ્યો ત્યારે મારા આગળ આવેલા ૩ રાઇડર્સ વત્તા રામદાસ+લુકેશ નીકળવાની તૈયારી કરતા હતા અને તેઓ કોઇ આગળ હોટેલમાં રોકાવાના હતા પરંતુ પાવરબેંકના પાવરની સાથે મારા પાવરના અભાવે હું ત્યાં જ સૂઇ ગયો. નિહાર, શિરિષ અને અન્ય રાઇડર્સ પણ થોડા સમયમાં પહોંચવાના હતા.
દિવસ ૪
છેલ્લો દિવસ! ૫ કલાકનો કુલ સમય ન્હાવા-ધોવા અને ઊંધવા અને તૈયાર થવામાં વીતાવ્યા પછી સમય હતો છેલ્લા ૩૦૦ કિમી પૂરા કરવાનો. ૨૧ કલાક બાકી હતા અને થોડો તાજો થયો હતો. ધુળેથી રસ્તો મોંઢે જ હતો એટલે વાંધો ન આવે એમ માની લીધું. તો પણ, રસ્તામાં પાછળ પડેલા કૂતરા અને ૧૦૦ એકરની હોટેલમાં ૭ વાગે બ્રેકફાસ્ટ ન મળે એવી ઘટનાઓનો સામનો કરતો ચાંદવડ સુધી પહોંચી ગયો. ચાંદવડથી નાસિકના રસ્તે બરોબર સાયકલ દોડાવી અને નાસિક કંટ્રોલ પર પહોંચ્યો ત્યારે ૭૮ કલાક અને ૩૦ મિનિટ થયા હતા. છેલ્લા ૧૫૦ કિમી માટે પૂરતો સમય હતો. કંટ્રોલ પર થોડો ટાઇમ પાસ પણ કર્યો અને ફ્રેશ થયો. બપોર પડી ગઇ હતી અને નાસિકનો તડકો તેની દ્રાક્ષ જેટલો જ પ્રખ્યાત છે એ યાદ આવ્યું. પણ ત્યાં સુધીમાં હાથ-પગ-મોં કાળા પડી ગયા હતા! બપોરનું ભોજન હું દર વખતે જઉં છું એજ હોટેલમાં કર્યું અને ફરી થોડી સાયકલ દોડાવી. શહાપુર સુધી તો આરામથી ચલાવી અને હવે જોયું કે આગળ ટ્રાફિક વધતો જાય છે અને થાક લાગતો જાય છે. આગળના રાઇડર્સ એક પછી એક પહોંચતા જતા હતા અને સદ્ભાગ્યે થોડો રસ્તો સારો થઇ ગયો હતો, તો પણ છેલ્લા ૩૦ કિમીના રસ્તા પર હજુ કામ ચાલતું હતું અને છેલ્લા ૧૦ કિમી – દર વખતે થાય છે એમ – સરસ મઝાનો ટ્રાફિક જોવા મળ્યો. છેવટે, પહોંચ્યો ખરો!! કુલ કિમી થયા હતા, ૧૨૦૯! કુલ સમય લાગ્યો: ૮૭ કલાક ૪૫ મિનિટ. ત્યાં એટીએમમાંથી સ્લિપ લીધી (અમારો ટાઇમસ્ટેપ!) અનિલ, બાલાસાહેબ, મયૂરી મળ્યા અને અન્ય રામદાસ-લુકેશ પણ ત્યાં આવ્યા. સાયકલ ઉપાડીને ફોટો પડાવવા જેટલી તાકાત નહોતી એટલે સામાન્ય ફોટો સેશન થયું અને ઉબર પકડીને ઘરે આવ્યો.
બીજા દિવસે આ બારસો વાળા બારાતીનું સ્વાગત કેકથી થયું. આ સાથે, અમારી હજારોમાંની એક ઇચ્છા પૂરી થઇ અને વધુ ઇચ્છાઓની યાદી મળી આવી!
ના. આ વખતે ક એટલે કાર્તિકનો ક નહી પણ કોવિડનો ક રાખવો પડ્યો. ૩૧ ડિસેમ્બરની પાર્ટી તો ન કરી પણ એક પાર્ટી ૨જી જાન્યુઆરીએ કરી તેના પરિણામે (મોટાભાગે! કારણ કે પાર્ટીમાં આવેલા બીજા કોઇને તો કોવિડનો ચેપ નહોતો કે લાગ્યો નથી) કોવિડ ચોંટ્યો.
૫ જાન્યુઆરીએ સવારની આસપાસ લાગ્યું કે શરીર ઢીલું છે અને તાવ જેવું લાગે છે. બીજા દિવસે પણ તાવ હતો એટલે ટેસ્ટ કરાવ્યો અને મમ્મી-પપ્પાને પહેલાં તો સાવચેતી રૂપે રિનિતને ત્યાં મોકલી દીધા અને અંદરના રુમમાં ક્વોરન્ટાઇન થઇ ગયો. ડોક્ટરની સલાહ ફોન-વોટ્સએપ પર જ લીધી અને ૭ દિવસનો સંપૂર્ણ આરામ. દવાઓમાં તો આપણી ફેવરિટ એવી ડોલો-૬૫૦ લીધી અને તાવ ગયા પછી ખાલી વિટામીનની ગોળીઓ (જે હજુ ચાલુ છે!) જ આપવામાં આવી હતી. હા, કફ સીરપ પણ ખરો. લક્ષણોમાં તો ૩ દિવસ તાવ, કફ અને માથું ભારે લાગ્યું. બાકી તદ્ન સામાન્ય. થોડો થાક પણ લાગ્યો હતો, પણ તાવ આવ્યો ત્યાં સુધી જ.
એટલે હવે, બહારની પાર્ટીઓ બંધ છે અને ઇન્ડોર સાયકલિંગની પાર્ટીઓ ફરી શરુ કરી છે!
છેલ્લી સહ્યાદ્રિ ક્લાસિક ૨૦૨૧ રેસમાં લખ્યું હતું તેમ, આ રેસ નવેમ્બર-ડિસેમ્બરમાં થાય છે. કોરોનાને કારણે તે જાન્યુઆરીમાં થઇ અને સેકન્ડ વેવ પછી હવે આ વર્ષે રેસ ફરીથી આ જ વર્ષે થવાનું પ્લાનિંગ હતું. આ વખતે રજીસ્ટ્રેશન સમૂહમાં કરાવ્યું અને ૧૦ ટકા ફાયદો મેળવ્યો.
શુક્રવારે અહીંથી ગાડીમાં થોડા મોડા નીકળ્યા અને લંચ વગેરે કરીને વાઇ પહોંચ્યા ત્યારે બપોર થઇ ગઇ હતી. ફટાફટ ફોર્માલિટી પૂરી કરી, બીબ નંબર લીધો અને હોટેલ પર આરામ કર્યો. રેસ પહેલા અમારું સ્ટાન્ડર્ડ ડિનર એટલે દાળ-ખિચડી! સદ્ભાગ્યે, દાળ-ખિચડી સારી હતી. નહીંતર આ બાજુ, મરચું એટલે દે દામોદર દાળમાં પાણી રીતે નાંખવામાં આવે છે!
આ વખતે અમારો ફેવરિટ આમ્બરનેલી ઘાટ નહોતો એટલે તેની કમી પૂરી કરવા માટે આ રીતે રેસ યોજવામાં આવી હતી: ૧. પરસની (વાઇથી પંચગની), ૨. ત્યાંથી ડાબી બાજુ ભિલાર તરફ જવાનું, ૩. ભિલારથી મેઢા ગામની તળેટીમાં, ૪. ત્યાંથી પાછા ભિલાર ઘાટ ચડીને આવવાનું. ૫. ફરી પાછું નીચે ઉતરવાનું, ૬. ત્યાંથી ૧૦ કિમી દૂર મેઢા ઘાટની તળેટીમાં (કેલઘર ગામ) જવાનું અને ઘાટ ચડવાનો, ૭. ત્યાંથી મહાબળેશ્વર થી તપોલા નીચે જવાનું, ૮. તપોલા ઘાટ ચડીને પાછા મહાબળેશ્વર, ૯. ત્યાંથી મેઢા ઘાટની તળેટીમાં કેલઘર સુધી અને છેલ્લે, ૧૦. મેઢા ઘાટ ફરીથી ચડીને પાછા મહાબળેશ્વર! એટલે કે આ વખતે તપોલા બે વારની જગ્યાએ એક વાર હતો. તપોલાનો રસ્તો ખરાબ હતો એવું અમને એડવાન્સમાં કહેવામાં આવ્યું હતું. અને આમ્બરનેલીનો રસ્તો તો સંપૂર્ણ તૂટી જવાથી તેના પર સાયકલ ચલાવી શકાય તેમ હતું જ નહી!
રેસ સવારે ૫.૦૫ વાગે શરૂ થઇ અને પસરની ઘાટ આરામથી પૂરો કર્યો. આ ઘાટ ૧૦ કિમીનો છે પણ, એકંદરે સરસ રસ્તો અને થોડો મુશ્કેલ છે. ત્યાંથી ભિલાર તરફનો રસ્તો ખાડા અને કૂતરાઓથી ભરેલો હતો! પણ, એકદમ સરસ! તેમાં નીચે જવામાં પણ ચડાણ આવે છે. ત્યાં હબ પર થોડો નાસ્તો કર્યા પછી ભિલારનો રસ્તો એકદમ સરસ, સિવાય કે વચ્ચે-વચ્ચે થોડા ખાડા-ખરાબા. તળેટીમાં જઇ થોડો ટાઇમપાસ કર્યા પછી ઘાટ ચડવાનો શરૂ કર્યો. મજા આવી. ત્યાંથી હબ પર બહુ સમય ન વેડફ્યો અને પાછા નીચે આવ્યા. મારી જોડે ગોઆમાં ઓળખાણ થયેલો રાઇડર સતિષ પાટીલ હતો. ત્યાંથી કેલઘર જવાનો રસ્તો પણ સારો છે. બાંધકામ પ્રવૃત્તિઓ ચાલતી હતી એટલે આશા રાખીએ કે હજુ વધુ સારો રસ્તો બને. કેલઘરથી પણ ઘાટ ચડવામાં જરાય વાંધો ન આવ્યો અને આરામથી મહાબળેશ્વર હબ પહોંચ્યા. હવે બે ઘાટ બાકી હતા. અહીં થોડો વધુ પડતો ટાઇમપાસ થયો જે અમને પછી ભારે પડવાનો હતો.
તપોલાનો રસ્તો શરુથી ખરાબ હતો પણ સદ્ભાગ્યે થોડા-થોડા અંતરે સારો રસ્તો મળી જતો હતો. તપોલા મારો સૌથી પ્રિય ઘાટ છે. કારણ? ૨૫ કિમી લાંબો ઘાટ! તેને મહારાષ્ટ્રનું કાશ્મીર કહેવાય છે (જે થોડું વધું પડતું છે, પણ સરસ જગ્યા છે!).
તપોલા નીચે પહોંચ્યા ત્યારે અમારી પાસે પૂરતો સમય હતો અને બે ઘાટ બાકી હતા. તો, થોડો નાસ્તો કર્યો અને આરામથી ઘાટ ચડવાનું શરુ કર્યું. પાંચ કિમી ગયા પછી મને ખબર પડી કે હેલ્મેટ તો પહેર્યું જ નથી અને તે હું કદાચ કંટ્રોલની બાજુ વાળી હોટેલમાં ભૂલી ગયો છું મને તો ઠીક, મારી જોડે રાઇડ કરતા કે સામેથી નીચે આવતા લોકોએ પણ મને કંઇ ન કહ્યું! કદાચ બધાં રેસિંગ માઇન્ડ ઝોનમાં હશે? 🙂 જે હોય તે, પાંચ કિમી નીચે આવવામાં પણ ચડાણ હતું અને પાંચ કિમી ફરીથી વધારાનું અંતર ચડાવવું પડ્યું. આ ૩૦ મિનીટ અમને પડવાના હતા ભારે!
તપોલા પાછા આવ્યા પછી હેલ્મેટ લીધું અને સાયકલ ભગાવી, હા ખરેખર જોશથી ભગાવી. તપોલા ઘાટમાં આજુ-બાજુ ક્યાંય જોયા વગર! લા મેરેડિયન હોટલ કંટ્રોલ પર પહોંચ્યો ત્યારે મારે પાસે મેઢા ઘાટ નીચે ઉતરવા અને ફરી ચડવા માટે ૨ કલાક હતા. કારણ કે, આ રેસમાં રેકિંગ તમારા ઘાટના ક્લામ્બિંગ સમય પર આવે તો પણ આખી રેસ ૧૪ કલાકમાં તો પૂરી કરવી જ પડે એટલે કે સાંજે ૭ વાગ્યા પહેલા!
હવે, પાણીની બોટલ ભરીને સાયકલ ભગાવી મેઢા ઘાટ ઉતારવા માટે. સદ્ભાગ્યે સરસ રસ્તો હતો (આ એજ ઘાટ હતો, જ્યાં ૬૦૦ બીઆરએમમાં અમારી વાટ લાગતી હતી!). એટલે લગભગ ૩૯ મિનિટમાં ૧૭ કિમીનો ઘાટ (+ ન્યૂટ્રલ ઝોનનું અંતર, તેના પહેલા) ઉતાર્યો. રસ્તામાં જેમનાથી હું ક્યાંય આગળ હતો એ લોકો મળતા જતા હતા અને તેમને ઉત્સાહિત કરતો હું નીચે પહોંચ્યો ત્યારે મારી પાસે ૧ કલાક ૧૫ મિનિટનો સમય બાકી હતો – ૧૭ કિમીનો ઘાટ પૂરો કરવા માટે!
આ વખતે હું ખરેખર જાન હથેલી પર રાખીને સાયકલ ચલાવતો હતો. એક બાજુ વધુ પડતો પ્રયત્ન ન કરાય (કારણ કે તેનાથી મસલ્સ પુલ થઇ જવાની શક્યતા હતી) અને બીજી તરફ ધીમા પણ ન પડાય. સંપૂર્ણ બેલેન્સ રાખીને સાયકલ ચલાવી અને છેલ્લા ૫ કિમીનું માર્ક જોયું ત્યારે અંધારુ તો ઘોર થઇ ગયું હતું. રસ્તામાં કેટલાય સાપ, દેડકાં અને અન્ય નાના પ્રાણીઓ જોતો-જોતો છેલ્લા બે કિમીનું અંતર મારામાં હતી એટલી તાકાતથી ફિનીશ લાઇન પાર કરી ત્યારે મારી પાસે ૧ મિનિટ બાકી હતી!!
જીવ આવ્યો અને હજુ બીજા ૨ કિમી હબ તરફ જવાના હતા. એ પહેલાં પાણી પીધું અને મારા હ્દ્યને “આભાર” કહ્યું. એક સરસ રેસ પૂરી થઇ. મળીશું મેઢા ઘાટ આવતા વર્ષે કે એ પહેલાં પણ કદાચ!!
છેવટે, વેક્સિનનો બીજો ડોઝ મળી ગયો! આ વખતે બુકિંગ વત્તા વેક્સિનની પ્રક્રિયા સરળ રહી.
વરસાદ હજુ સરસ આવે છે, એટલે સાયકલિંગ મોટાભાગે ઇન્ડોર જ થાય છે, એટલે સારું છે. બહાર નીકળી પડવાની ઇચ્છા થાય ત્યારે જ વરસાદ આવે – તેવો મર્ફીનો નિયમ મારા માટે છે, જે અકબંધ છે.
લો ત્યારે, સપ્ટેમ્બર પણ આવી ગયો! અને આપણે કંઇ કોફી સિવાય કંઇ ખાસ ઉકાળ્યું નથી.
ગયા વીક-એન્ડ પર નાનકડી ટ્રીપમાં (પણ ગાડી બગડવાના એડવેન્ચર સાથેની) માલ્સેજ જઇ આવ્યા. સ્ટાન્ડર્ડ ગામના વાતાવરણમાં થોડી મસ્તી કરી. કવિને થોડી ફોટોગ્રાફી કરી, નદી અને સ્વિમિંગ પુલમાં પગ પલાળ્યા અને ખાઇ-પીને પાછા આવ્યા. ઉબર સંકટ સમયે કામ આવી અને કલ્યાણ-થાણેના ટ્રાફિકનો લ્હાવો જે માત્ર હું જ લેતો હતો, તે ઘરમાં બધાંને આપ્યો!
અન્ય વસ્તુઓમાં જોઇએ તો, ૧૪-૧૫ ઓગસ્ટ પછી માત્ર ઇન્ડોર સાયકલિંગ જ કરી રહ્યો છું. વધુ એક ઇન્ડોર રેસ શનિવારે છે, જોઇએ કેવું થાય છે. આઉટડોર સાયકલિંગ આવતા અઠવાડિયે જ થશે એમ લાગે છે, કારણ કે વરસાદ હજુ પણ મસ્ત આવી રહ્યો છે!
અને, પેલા અત્યંત સ્માઇલ કરતા ક્યુટ ધોળિયા છોકરા એટલે કે પ્લેસહોલ્ડરની જગ્યાએ સાયકલિંગ કરતો મારો ગંભીર ફોટો ISRTની વેબસાઇટ પર મૂકવામાં આવ્યો છે 🙂
વીસમી સદીની પોસ્ટ લખ્યા પછી મારા બ્લોગની સ્થિતિ પણ એવી જ થવા લાગી હતી, પરંતુ રે સમયનો અભાવ અને હવે આ આળસ. છેવટે આજે આળખ ખંખેરીને થોડું લખી રહ્યો છું.
છેલ્લી અપડેટ પછી મીઠી નદીમાં ઘણાં પાણી આવીને જતા રહ્યા છે (એટલે કે વરસાદ બઉ પડ્યો, બા!) અને અમેરિકા અફઘાનિસ્તાનમાંથી ખસી ગયું અને તાલિબાનનું પૂંછડું દુનિયાને ફરીથી પકડાવીને પોતાના હાથ ઉપર કરી દીધા છે. ભારત પર હવે તેની શું અસર પડશે એ તો શી ખબર પણ લોકોને તાલિબાન પત્રકાર પરિષદ કરે છે, એ બહુ ગમ્યું. ભલે ગમતું. જેમ એક-બે રાજ્યોમાં ખેડૂતોના રાજકારણ પાવર્ડ આંદોલનો થયા ત્યારે બાલ્કનીમાં કોથમીર ઉગાડતા લોકો પણ ‘હું પણ ખેડૂત’ એવો ઝંડો ફરકાવતા હતા એ લોકો ‘હું પણ પત્રકાર’ બનીને કૂદી પડ્યા છે. તેમને તાલિબાનોની પત્રકાર પરિષદમાં જવું છે, પણ જતા નથી! જાવને બાપા, અમે વિઝા આપીશું. બસ ખાલી, પાછા ન આવતા 😉
ઓનલાઇન કોન્ફરન્સોનો રાફડો ફાટ્યો છે. વિકિમેનિયા (૧૪-૧૭ ઓગસ્ટ) અને ડેફકોન્ફ (૨૨-૨૯ ઓગસ્ટ) બંને ઓનલાઇન! ડેબકોન્ફે આ વખતે સરસ ટી-શર્ટ પણ મોકલી છે.
ટી-શર્ટ પરથી યાદ આવ્યું કે, રિનિત-હિરલે પણ એક સરસ ટી-શર્ટ આપી છે.. પરરરરફેક્ટ વન!
અને, ડેબિયનની નવી આવૃત્તિ Bullseye બહાર પડી છે. છેલ્લા બે-ત્રણ મહિનાથી ડેબિયનમાં કંઇ ખાસ કામ કર્યું નથી, પણ હવે પાછું ધ્યાન તેના પર મૂકવામાં આવશે.
રનિંગ બે-ત્રણ દિવસથી ફરી શરુ કર્યું છે. આઉટડોર સાયકલિંગમાં ગયા અઠવાડિયે ૧૫૦–૧૦૦ બી.આર.એમ. કરવામાં આવી, અને એ વખતે જ જબરજસ્ત વરસાદ પડ્યો અને અમે ધોવાઇ ગયા. હવે ૧૨ સપ્ટેમ્બર ના રોજ બી.આર.એમ.ના ૧૦૦ વર્ષ (૧૯૨૧-૨૦૨૧) પૂરા થાય છે, તેની ખાસ ૨૦૦ કિમી બી.આર.એમ. છે તે કરવામાં આવશે. વધુ અંતરની બી.આર.એમ. હજુ અહીં શરુ નથી થઇ, પણ ઓક્ટોબરમાં પ્લાન ચાલી રહ્યો છે.
હવે ટુર દી ફ્રાન્સ જેવી સ્પર્ધામાં ભાગ લેવાની આપણી લાયકાત તો છે નહી એટલે અમે નક્કી કર્યું કે કંઇ નહી તો ગરીબ માણસોની ટુર દી ફ્રાન્સ તો કરીએ. અને, અત્યારે ફ્રાન્સ જવાનો સમય (અને પૈસા!) પણ નથી એટલે નક્કી કર્યું કે આપણે ઘરે બેઠા જ ઝ્વિફ્ટ અને RGTમાં સાયકલ ચલાવીને આ કામ કરીએ. આગળ કહ્યું તેમ ગરીબ માણસ એટલે થોડું નમતું જોખવું પડે. સામાન્ય રીતે ટુર દી ફ્રાન્સમાં સાયકલિસ્ટ ૨૧ દિવસમાં ૩૫૦૦ કિમી જેટલું અંતર, ૫૦૦૦૦ મીટર જેટલી ઊંચાઇ પ્રાપ્ત કરવાની સાથે ૯૦ કલાક જેટલો સમયમાં પૂરી કરે છે (આ વખતે પહેલા ક્રમે આવેલા સ્લોવેકિયાના તાદેજ પોગાચરે ૮૨:૫૬:૩૬ કલાકમાં સ્પર્ધા પૂરી કરી!) પણ આપણે તેનાથી ચોથા (૧/૪) ભાગ જેટલું જ અંતર-ઊંચાઇનું લક્ષ્ય રાખ્યું. ૨૧ દિવસમાં વચ્ચે બે રજાના દિવસો પણ આવે. જોકે વચ્ચે ગ્રૂપ રાઇડ્સ કરી, એક દિવસ બહાર પણ સાયકલ ચલાવી આવ્યો એટલે ટેકનિકલી મને એક પણ રજા ન મળી
હવે પછી શું? સપ્ટેમ્બરમાં સ્પેન! મજાક બાજુ પર મૂકીએ તો કોરોના કાળ હજુ હાજર જ છે અને હવે તો બે મહિના વરસાદ છે (એટલે કે અહીં તો બહુ જ છે!) એટલે ૧૪ ઓગસ્ટ-૧૫ ઓગસ્ટની અમારી બી.આર.એમ. પહેલા તો ક્યાંય નીકળાય તેમ લાગતુ નથી! જોકે ઝ્વિફ્ટ તો ચાલુ જ રહેશે. ઘરમાં રહો, સલામત રહો!
અપડેટ્સમાં આપવા જેવું તો ઘણું છે, પણ સાચું કહું તો બ્લોગ પર આવવાનું હવે બહુ મન થતું નથી. કોવિડ-૧૯ હજુ છે અને આ વખતે કોવિડે ખરો પરચો બતાવ્યો. કોઇકે ક્યાંય લખ્યું હતું કે “જ્યાં સુધી જંગલની આગ ઘર સુધી ન આવે ત્યાં સુધી તે અફવા જ લાગે”. એવું જ થયું જ્યારે મારા મોટા મામાનું કોવિડમાં અવસાન થયું. ખરી પરિસ્થિતિનો ખ્યાલ આવે ત્યાં સુધી બહુ મોડું થઇ જાય છે.
થોડા સમયથી વિકિપીડિયામાં પાછો સક્રિય થયો છું (એમ તો હું ક્યાં નિષ્ક્રિય હતો?) પણ હવે મોટાભાગનો સમય ક્ષતિઓ સુધારવામાં કાઢ્યો છે.
સાયકલિંગ પણ ફૂલ્યું-ફાલ્યુ છે. ગયા વર્ષનું બાકીનું કામ એવરેસ્ટિંગ પૂરુ કર્યું. ૨૦ કલાક ઇન્ડોર ટ્રેઇનર પર, ૨૨૯ કિમી અને ૮૯૦૦ મીટર જેટલું એલિવેશન. વધુમાં મારા જીવનનો સૌ પ્રથમ યુટ્યુબ ઇન્ટરવ્યુ પણ આપ્યો, જે નીચેના વિડિયોમાં જોઇ શકાશે. જો કોઇ કારણોસર એમ્બેડેડ કરેલો વિડિયો ન દેખાય તો vEveresters of India : Grinshina & Kartik પર તમે તેને જોઇ શકશો. મારો અવાજ રોબોટિક લાગે છે. વધુ પડતા સાયન્સ ફિક્શન મુવીઝ જોવાનું પરિણામ હશે?
લોકડાઉન ચાલુ છે, અને લાગે છે કે ચાલુ જ રહેશે. ત્યાં સુધી – ઘરમાં રહો, સલામત રહો!