સ્માર્ટ ટ્રેઇનર, સ્માર્ટ કાર્તિક

હવે મારી પાસે Tacxનું Neo સ્માર્ટ ટ્રેઇનર છે, એટલે હું પણ સ્માર્ટ બન્યો છું 🙂

આ સ્માર્ટ ટ્રેઇનર એટલે શું? ટૂંકમાં સાયકલ ઘરની બહાર ન ચલાવવી હોય તો તે માટેનું આ ઉપકરણ છે. ઘરમાં જ વિવિધ સેન્સર્સની મદદથી (દા.ત. હાર્ટ રેટ, કેડેન્ડ (કેટલા ઝડપથી એક પેડલ કરો છો, તે મિનિટમાં મપાય – rpm), સ્પીડ (ઝડપ બતાવે)) તમે ટ્રેઇનિંગ કરી શકો છો. Neo જેવા સ્માર્ટ ટ્રેઇનર તમને “રોડ ફિલિંગ” આપે. તમે કાંકરા વાળા રોડ, સામાન્ય રોડ, કોંક્રિટ રોડ, બરફ, લાકડાનો પુલ – વગેરેમાંથી એક પસંદગી કરી શકો છો. હા, અડધા પોણા કલાકથી વધુ ટ્રેઇનિંગ કરવી તકલીફદાયક છે. કારણ કે, ૧. પરસેવો બહુ જ થાય અને ૨. બોરિંગ છે. એક જ જગ્યાએ બેસીને પેડલ મારવા એ મુશ્કેલ છે. જોકે આનો પણ ઉપાય છે, ઝ્વીફ્ટ જેવી એપ. જે તમારા બોરિંગ વર્કઆઉટને ગેમનું સ્વરૂપ આપે છે. ટીવી, ટેબ્લેટ કે મોબાઇલ પર તમે વર્ચ્યુલ જગ્યાઓએ (ક્યાંક પેસેફિકના ટાપુ પર પણ) રાઇડ (હવે તો રન પણ થાય છે) કરી શકો છો અને રેસ પણ કરી શકાય છે. એન્ડ્રોઇડ માટે આ સોફ્ટવેર હજુ શરૂઆતી તબક્કામાં છે અને મોંઘું છે એટલે હાલ પૂરતું તો તેને હાથ અડાવવાનો નથી. બીજો સસ્તો રસ્તો એપલ ટીવી લેવાનો છે, પણ એપલના પેંગડામાં પગ ન નાખવાનો નિર્ણય પણ વચ્ચે આવે છે. હાલ પૂરતો પરસેવો નોર્મલ ગારમિન વડે મનગમતા રસ્તાઓ પર ચલાવવીને પાડવાનો છે.

ગુજરાતીઓ આરંભે શૂરાની જેમ આ વસ્તુ ઘરના ખૂણામાં ન પડી રહે (કારણ કે જેની પાસેથી લીધું ત્યાં એવા જ હાલ હતા!) તેવી અપેક્ષા સાથે કાલના વર્કઆઉટનું પ્લાનિંગ કરી રહ્યો છું 😀

સાયકલિંગ અને પર્યાવરણ

* લોકોને એમ લાગે કે સાયકલિંગ કરવાથી પર્યાવરણને ફાયદો થાય છે અને એ લોકો પ્રદૂષણ ઓછું કરે છે, પરંતુ મારી નાની સાયકલિંગ કારકિર્દી પરથી લાગે છે કે આ વાત ખોટી છે. અમે જ્યારે સાયકલિંગ કરીએ છીએ તે ફિટનેસ કે શોખ માટે કરીએ છીએ. એવું જ રનિંગનું છે.

હા, એક જમાનો એવો આવશે કે નેધરલેન્ડ જેવા દેશની જેમ દેશમાં કાર કરતાં સાયકલ વધારે હશે ત્યારની વાત અલગ હશે.

(પરમ દિવસે ૩૦૦ બી.આર.એમ. કર્યા પછી ઉબેર-ઉબરમાં ઘરે પાછાં આવતા આવેલા કુવિચારો પરથી આ પોસ્ટ બની છે. કોઇ પર્યાવરણવાદીઓએ મને ધમકી આપવી નહી :))

ધ ટેટૂ

* આજે એરપોર્ટ પર બોર્ડિંગ પાસની કતારમાં ઉભો હતો ત્યારે આગળ અને પાછળ લગભગ બધા લોકોના હાથમાં સરસ ટેટૂ હતા. આ જોઇને મારો હાથતો મને ફિક્કો લાગ્યો. આગળ જઇને એક જગ્યાએ નાસ્તો કરવા બેઠો ત્યાં સામે લગભગ મારા સાયકલિંગ ટેટૂ જેવું જ ટેટૂ એક જણના હાથમાં દેખાયું. હવે રહેવાયું નહી અને હાય-હેલ્લો કહ્યું ત્યારે ખબર પડીકે તે BRMમાં નિયમિત આવે છે અને આવતા અઠવાડિયે મારી સાથે રેસમાં પણ છે. એટલિસ્ટ, એરપોર્ટની બે ક્ષણો તો આનંદદાયક બની 🙂

ફરક

નવી સાયકલ આવ્યા પછી જીવનમાં મોટો ફરક પડ્યો છે. એજ કે પહેલા હું મારા દિવસનો એકાદ કલાક વિકિપીડિયામાં પસાર કરતો હતો, હવે એ કલાક સાયકલ સાફ કરવામાં જાય છે 😉

અપડેટ્સ – ૧૮૧

* લગભગ ૧ મહિના પછી અપડેટ્સ વાળી પોસ્ટ આવી રહી છે, પરંતુ બહુ કંઇ ખાસ અપડેટ્સ નથી તો પણ..

૧. ઓસ્કાર. અત્યારે ધ હેટફુલ એઇટનું સંગીત સાંભળી રહ્યો છું. થ્રિલિંગ!
૨. ગુજરાતી વિકિપીડિયામાં આજ-કાલ બહુ “ફેરફારો” કર્યા. ખબર નહી મને કોણ મોટિવેશન આપી રહ્યું છે. જે હોય તે, મજાની અને નશાની વસ્તુ છે.
૩. આ વખતે વિકિમેનિયા (ઇટલી)માં જવાનું નથી :/
૪. સપ્ટેમ્બર ૨૦૧૪ પછી પહેલી વખત ગયા મહિને બ્લોગ પોસ્ટની સંખ્યા બે આંકડા પર પહોંચી.
૫. << આ લીટી ખાલી ૧૦ વસ્તુઓ માટે ઉમેરવામાં આવી છે 🙂 >>
૬. રનિંગ સારુ ચાલી રહ્યું છે, પણ હવે દરરોજ એક જ રસ્તા પર દોડવાનો કંટાળો વધતો જાય છે. આરે અથવા નેશનલ પાર્કમાં જવાનો કંટાળો આવે છે. પણ, આ વીક-એન્ડમાં ફરી બાંદ્રા-એનસીપીએ રનિંગનો કાર્યક્રમ છે, એટલે મજા આવશે.
૭. રનિંગ પરથી યાદ આવ્યું. સસ્તી રનિંગ ડ્રાય ફીટ ટી-શર્ટ પેન્ટાલૂનમાં મળે છે. હવે ત્યાંથી જ ટી-શર્ટ લેવાની. પેલા નાઇકી વાળા કરતાં ત્રીજા ભાગનો ભાવ.
૮. અને હા, માર્ચ-એપ્રિલ-મે-જૂનમાં કોઇ રનિંગ રેસ નથી (એટલે તમને ફાલતુ રેસ રિપોર્ટ પોસ્ટમાંથી મુક્તિ!). હા, એપ્રિલમાં એક ૧૦ કિમી છે (ઓટિઝમ રન), પણ એ મોટાભાગે રનર્સને મળવા અને આરામથી દોડવામાં આવશે (અને ફ્રી).
૯. નવી સાયકલ હજી આવી નથી. આવશે. આવશે!
૧૦. સાયકલ પરથી યાદ આવ્યું કે શા માટે હીરો જેવી ભારતીય કંપનીઓ સારી સાયકલ નથી બનાવતી? મોટાભાગના તેના એમટીબી મોડેલ નોન-સેન્સ હોય છે. અમે એક મોડેલની તપાસ કરવા ગયા તો ડિલરે કહ્યું આ મોડેલ પતળાં ટાયર (કમર નહી) હોવાથી ચાલતું નથી. બોલો. સરસ સાયકલ છે (હીરો ગ્લેમ) પણ ક્યાંય સ્ટોકમાં મળે નહી :/

અપડેટ્સ – ૧૭૫

* ઓકે. છેવટે હવે અપડેટ્સની પોસ્ટ બને એવા અપડેટ્સ ભેગાં થયા ખરાં.

* પહેલાં તો અમારી સોસાયટીમાં એક માણસ આવ્યો, કવિનની અનલોક્ડ સાયકલ ચલાવીને લઇ ગયો. રસ્તામાં કવિનના મિત્રે તેને દેખ્યો અને તે અમને કહેવા આવ્યો. અમે દોડીને ત્યાં પહોંચ્યા, પણ તે ત્યાં હોય? સોબ સોબ. સાયકલની હાલત કંઇ સારી નહોતી પણ હજુ બે વર્ષ પણ નહોતાં થયા :/

* અને, કવિનની પરીક્ષા ચાલુ છે!

* એઝ યુઝયલ, વેકેશનનું પ્લાનિંગ થયું છે – એટલે કે આ વખતે હું એકલો દિવાળી મનાવીશ 😀

* વેકેશનમાં સાયકલિંગનું પ્લાનિંગ છે. જોઇએ છીએ, કેવું થાય છે.

* હા, આજકાલ ફેસબુકમાં શેરિંગ-બેરિંગ થાય છે એટલે અહીં આજની કડીઓ વિભાગ માખીઓ મારે છે. ફરીથી શરુ કરવામાં આવશે. તો આજે હાજર છે: આજની કડી

અપડેટ્સ – ૧૭૨

* અપડેટ ટાઇમ!

* નવી ૪૦૦ કિમીની રાઇડ આવી રહી છે, પણ એના પહેલાં સાયકલ હજી મરમ્મત માંગે છે. નવી સાયકલ લેવાનો પ્લાન પડતો મૂક્યો છે, કારણ: ૧. બજેટ, ૨. રોડ બાઇક ચલાવી પણ મજા ન આવી (ઓહ, કમર).

* દોડવામાં તો હવે વડોદરા અલ્ટ્રા (૫૫ કિમી) નો પ્લાન છે. ચાંપાનેરનો સરસ આંટો. ફન.

* સ્કૂલમાં હવે ગણેશ વિસર્જનનું વેકેશન આવશે, એટલે હવે નોઇઝ રિડક્શન હેડફોન લાવવા પડશે.

* ઓહ અને ગયા અઠવાડિયે ઘણાં દિવસ પછી બિમાર પડવાનો લ્હાવો લઇ લીધો!

૬૦૦

* આ રવિવારે: મુંબઈ-પુને-મહાબળેશ્વર-સતારા-પુને-મુંબઈ.

* સાયકલ તૈયાર નથી, હું તૈયાર છું. મડગાર્ડ હજી કોઈના ઘરે પડ્યું છે. સાયકલની એકસ્ટ્રા ટ્યુબ જોડે છે. નવો પંપ છે. ઓહ, સસ્પેન્સન એવું જ વળેલું છે.

* અને, વરસાદ નથી. એટલે :/

જ્યારે અમે નાના હતાં – સાયકલ

* મારી સાયકલ સ્ટોરી!

ફાસ્ટ બેકવર્ડ ટુ ધોરણ ૨. સાયકલ શીખવાની શરુઆત. નજીકની સાયકલ દુકાનમાંથી ભાડા પર સાયકલ લાવી શકાય એટલી હિંમત આવી ગઇ હતી અને ૧ રુપિયામાં ૧ કલાક ઇઝ ગુડ ડીલ. ૧૦ રુપિયામાં ૨૪ કલાક. અમેઝિંગ ડીલ. તો આવો અને આ ઓફરનો લાભ ઉઠાવો – અમે બહુ જ ઉઠાવ્યો અને ધોરણ ૪ સુધી પડી-પડીને સાયકલ શીખ્યા બાદ અમને ધોરણ ૫માં હીરો રેંજર સાયકલ મળી. હવે આ રેંજર એ સમયમાં પહેલી જાડા ટાયર વાળી સાયકલ હતી અને કિંમત મને યાદ છે ત્યાં સુધી હતી – ૧,૦૨૫ રોકડા. સાથે સ્ટેન્ડ, મડગાર્ડ (એય સ્ટીલનાં), ઘંટડી વગેરે આવ્યું. થોડો સમય તો સાયકલ ફાવી નહી અને પછી ફાવી ગઇ. બે-ત્રણ વખત પડ્યો પણ ખરો. આ સાયકલે પાંચેક વર્ષ મારો સાથ નીભાવ્યો પછી તે રીનીતને આપી અને કદાચ બીજાં બે વર્ષ ચાલી.

૧૧માં આવ્યા પછી દાદાની સાયકલ અમે લીધી – ‘રોયલ હન્ટર’. નામ અને દેખાવ મસ્ત, પણ આ સાયકલ ચાલી એના કરતાં ઘરે વધારે પડી રહી. એક વર્ષ પછી હું કંટાળ્યો અને લીધી કાળા ઘોડા ઉર્ફે એટલાસ. આ કાળા ઘોડા ઉર્ફે દૂધવાળાની સાયકલ સરસ હતી પણ એ પણ એકાદ-બે વર્ષ રાખ્યા પછી હું કંટાળ્યો અને કોલેજમાં સાયકલ કોણ લઇ જાય એવી અફવાનો અમે ભોગ બન્યા. રીનીતે સરસ સાયકલ આ સમય લીધી જે મેં હોસ્ટેલમાં બહુ ચલાવી. ત્યારબાદ ચિંતનની સાયકલ એડોપ્ટ કરી અને હોસ્ટેલથી લાઇબ્રેરી કે રુમ (જ્યાં અમારું કોમ્પ્યુટર રાખવામાં આવેલ) સુધી બહુ સફરો ખેડી. કોઇક વખત તો ૧૫-૨૦ કિલોમીટર.

પછી? કંઇ નહી. લગભગ ૧૦ વર્ષ સાયકલથી અમે દૂર રહ્યા. પોસ્ટ્સ લાઇક કરતાં રહ્યા અને છેવટે હાલની સાયકલ પર સ્થાયી થયા છીએ.

આજની ૫૦ કિલોમીટરની રાઇડ સાયકલ સ્ટોરીને નામ!

PS: ભારત જીતવાનું હતું (સુધારો, સજેસ્ટેડ બાય કોકી!) એટલે રોડ લગભગ ખાલી હતા 🙂

અપડેટ્સ – ૧૫૪

* પેલી અમેરિકાવાળી પોસ્ટ્સને પડતી મૂકવામાં આવી છે. કારણ કે, હવે એ બહુ જ વાસી ગણાય!!

* ગયા શનિવારે ૨૦૦ કિમી (૨૦૨ કિમી, એમ તો) BRM સાયકલિંગ રેસ પૂરી કરવામાં આવી. આરામથી સરસ રોડ પર મુંબઇ-ચારોટી-મુંબઇ. હવે ૩૦૦ કિમી સફળતાપૂર્વક પૂરી કરવાની ઇચ્છા છે, પણ વધુ પ્રેક્ટિસની જરૂર છે. ૩૦૦ કે ૪૦૦ કિમી માટે અત્યંત જરૂરી વસ્તુ – સારી હેડલાઇટ – હવે આવી ગઇ છે, એટલે વાંધો નહી આવે. હા, સાયકલને નવાં મસ્ત થીન-થીન ટાયર્સ પણ લગાવી દીધાં છે.

* એન્ડ્રોઇડ લોલીપોપ!

  • ગુજરાતી ફોન્ટ આવી ગયા છે
  • સાયલન્ટ મોડ હવે, ડુ નોટ ડિસ્ટર્બ, બની ગયું છે, જે શોધતાં થોડી વાર લાગી ત્યાં સુધી એલાર્મ મિસ થઇ ગયું 😉
  • કલર સ્કિમ ઓકે છે.
  • હા, Fit નામની એપ સરસ છે. હવે પેલું ફ્લિટબીટ કે ગારમિનનું કડું લાવવાની જરુર નથી (જોકે બધી જગ્યાએ ફોન ન લઇ જવાય, તો પણ).

PS: ફોન હજી (પણ) રીપેર કરાવવાનો બાકી છે!

* અને, આખું અઠવાડિયું ફરીથી દોડ-મ-દોડી વાળું રહ્યું. નિરવને ઘણાં સમય પછી મળ્યો.

* આજ-કાલ જોકે આળસની માત્રા વધી રહી છે. ફરીથી એકાદ ફુલ બોડી સ્કેન કરાવવાની જરુર છે.

રેસ રીપોર્ટ: BRM ૩૦૦

* છેલ્લે લખ્યું તેમ, ૩૦૦ કિલોમીટરમાં અમે કૂદી પડ્યા હતા અને પછી જે થયું (એટલે કે અમે પડ્યા), એનો નાનકડો રીપોર્ટ હાજર છે.

ગઇકાલે વહેલી સવારે પહેલાં તો ૬ કિમીની વાર્મઅપ રાઇડ ગોરેગાંવ સુધી થઇ. ત્યાંથી બાંસુરીની ગાડીમાં મુલુંડ જવાનું હતું. ગાડીમાં સાયકલ માંડ-માંડ ફીટ થઇ. અમે તો સમયસર પહોંચીને બધી ફોર્માલિટી પૂરી કરી પણ રેસ ૨૦ મિનિટ મોડી શરુ થઇ. આ BRM માં નિયત સમયમાં રાઇડ પૂરી કરવી પડે. દા.ત. ૧૦૦ કિલોમીટર માટે ૧૨.૧૩ અને ૧૫૦ કિલોમીટર માટે ૪.૨૩નો સમય હતો. પહેલાં ૫૭ કિલોમીટર સરસ ગયા. આસનગાંવ ખાતે ઇડલી-સંભારનો બ્રેકફાસ્ટ કરવામાં આવ્યો, ત્યાંથી આગળનું ગામ જેનું નામ મને યાદ નથી આવતું (ખરાડી?) ત્યાં સુધી રસ્તો સરસ હતો. ત્યારબાદ કસારા ઘાટ શરુ થયો. મને સામાન્ય રીતે પર્વતો પર સાયકલ ચલાવવામાં વાંધો નથી આવતો અને અહીં વાંધો આવ્યો! આવો જોરદાર રસ્તો, હવામાન અને રસ્તામાં જોવા મળેલાં અભૂતપૂર્વ એક્સિડેન્ટસ (એક ટ્રક તો પુલ પરથી સીધો રેલ્વે ટ્રેક પર પડેલો!) અને સીધાં ચઢાણ ક્યારે જોયા નહોતાં. તેમ છતાંય, નિયત સમય કરતાં અડધો કલાક વહેલો ઇગતપુરી (૧૦૬ કિમી) પહોંચ્યો. ત્યારબાદ નાસિક સુધીના ૫૦ કિમી સરસ રહ્યા. નાસિક ખાતે એટીએમમાંથી બેલેન્સ ચેક કે પૈસા ઉપાડીને એટીએમ સ્લિપ સાચવી રાખવાની (જે સમય ચકાસવા કામમાં આવે, મસ્ત આઇડ્યા). નાસિકથી વળતી મુસાફરી કરી ત્યારે ૩.૩૫ થઇ ગયા હતા. લગભગ કલાક પછી જોરદાર વરસાદની શરૂઆત થઇ. ૬ વાગ્યાને મને ખબર પડીકે આગલા ટાયરમાં પંકચર છે એટલે તરત જ તેની ટ્યુબ બદલી (ગલતી નં ૧, એ ટ્યુબનું પંકચર રીપેર કરવાની દરકાર કરી નહી. ગલતી નં ૨, એક જ સ્પેર ટ્યુબ રાખેલી). આગલી મુસાફરી, ઇગતપુરી ક્રોસ કર્યું. ૨૦૬ કિમી. બીજા થોડાક કિલોમીટર ગયો અને કસારા ઘાટ ઉતરવાની શરૂઆત થઇ.

કસારા ઘાટની ચેતવણીઓ અમને મળેલી, છતાંય હું ઉત્સાહમાં હતો અને રસ્તાની બહુ સાઇડમાંથી થોડો વધુ નીચે ઉતરી ગયો અને મસ્ત રીતે પડ્યો. કોણી, કમર અને ડાબો પગ – ઘવાયા. તેમ છતાંયે અમારો નિર્ણય અડગ હતો પણ અમારું ટાયર નહી. પાંચેક કિલોમીટર ગયો હોઇશને પાછલાં ટાયરમાં પંકચર! હવે શું કરવું? અમારા સંચાલકને ફોન કર્યો, તેણે કહ્યું – બે રસ્તા છે, ૧. પંકચર રીપેર કરવું, ૨. નીચે ઉતરવું. અમે રસ્તો ૧ પસંદ કર્યો, પણ પાણીની કમી અને લાઇટની કમી હોવાથી પંકચર મળ્યું નહી. એટલે બીજો રસ્તો, ઘાટ ઉતરવાનો. સદ્ભાગ્યે એક ટેમ્પો વાળો મારી જોડે ધીમે-ધીમે નીચે આવ્યો અને બે કિલોમીટર સાયકલ હાથમાં પકડીને નીચે આવ્યો. કાર પંકચરની દુકાનમાં અમે સાયકલ પંકચર કર્યું. બીજી ટ્યુબ પણ સરખી કરી અને ગાડી આગળ ચલાવી.

પણ, કુદરત અમારી જોડે નહોતી 🙂 આમ પણ, ઘણો સમય વ્યય થઇ ગયો હતો અને મારી કોણીએ જવાબ દઇ દીધો. બીજું એક પંકચર (પડઘા આગળ). તેમ છતાંય આગળ વધ્યો. છ કિલોમીટર બાકી હતાં (૩૦૧.૧ કિમી થયા હતાં) અને મુલુંડમાં જ બીજું પંકચર. મારી પાસે ૨૦ મિનિટ હતી. બે રસ્તાં હતાં. ૧. ચાલીને પૂર્ણ વિરામ પોઇન્ટ પર જવું અને ૨. પડતું મૂકવું અને ટેક્સી કરીને ઘરે જવું.

અમે (એટલે કે હું) રસ્તો ૨ લીધો. કસારા ઘાટ, અમે પણ યાદ રાખીશું – આવતી વખતે.

બોધપાઠ્સ:
૧. ઓછામાં ઓછી, ૫ કે ૬ સ્પેર ટ્યુબ રાખવામાં વાંધો નહી.
૨. સાયકલની ટ્યુબનું પ્રોટેક્શન કવર આવે છે. લઇ લેવામાં આવશે.
૩. એકલા સાયકલ ચલાવવા કરતાં સાથે-સાથે સાયકલ ચલાવવામાં સારું. બિગ બોધપાઠ.
૪. સારી હેડલાઇટ જરૂરી છે.

ફોટાઓ આવશે ત્યારે મૂકવામાં આવશે 🙂

ક્રેક

* ના. અહીં લખનાર ક્રેક માણસ (મોટાભાગના લોકોના મતે)ની ક્રેક વિશેની વાત નથી કે પછી કેક (cake)ની જોડણી પણ ખોટી નથી.

આ વાત છે, સાયકલની ફ્રેમમાં પડેલી ક્રેકની. ગઇકાલે પેલી ૩૦૦ કિલોમીટરની BRM રેસ માટે સાયકલ ચકાચક કરાવવા માટે લઇ ગયો ત્યારે અચાનક અમારી નજર સાયકલની ફ્રેમમાં પડેલી નાનકડી ક્રેક પર પડી. સામાન્ય રીતે મારી સાયકલ જેવી MTB મજબૂત હોય પણ, ગમે ત્યારે ક્રેક પડી શકે છે. કેવી રીતે પડી એ તો રામ જાણે, પણ પડી એટલે અમે પણ ચિંતામાં પડ્યા. બે વિકલ્પો હતા:

. નવી સાયકલ આ સાયકલના બદલામાં લેવી.

. જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આ સાયકલ ચલાવવી (અને હાડકાં ભાંગવા).

તો, છેવટે અમે મેડિક્લેઇમ પાસ કરાવવાનું જ નક્કી કર્યું છે અને વિકલ્પ ૨ પસંદ કર્યો છે. એલોય (એલ્યુમિનિયમ)ની ફ્રેમ હોવાથી વેલ્ડિંગનો વિકલ્પ પણ બંધ છે એટલે હવે કોઇ એક્સપર્ટ એન્જિનિયર (જેવાં કે વડોદરા ગામનાં નરેન્દ્રભાઇ મિસ્ત્રી)ની સલાહ બે દિવસ પછી લેવામાં આવશે, સાથે-સાથે સાયકલિંગ ફોરમ્સ વગેરેમાં પણ મગજમારી કરવામાં આવશે. એટલે સાયકલિંગ ૨૦-૩૦ કિમી સુધી મર્યાદિત જ રહેશે, એટલે કે ૩૦૦ કિલોમીટર પર હવે ક્રેક ફરી વળી છે 🙂

ત્યાં સુધી રનિંગની પોસ્ટ જ આવતી રહેશે 😉

અપડેટ્સ – ૧૪૫

* ફરી પાછાં ૧૦ દિવસનો ભેદ-ગેપ-તફાવત-ડીફ. કારણ? રીલાયન્સનાં કિટાણું વત્તા ડોકોમોનો મકોડો. એટલે, અત્યારે થોડાં દિવસથી નિરવની ઓફિસમાંથી કામ-કાજ થાય છે. એટલે, ફરી પાછું ઓફિસ જતો હોઉં એવું લાગે છે. ગુડ છે. (વિથ બેસ્ટ કોમ્પ્લિમેન્ટ ઓફ અધીરભાઇ ;)) હવે, બીજાં કોઇ બ્રોડબેન્ડ વાળાં અહીં આવવા તૈયાર નથી એટલે શું કરવું એ હાલનો સૌથી મોટો કોયડો બની ગયો છે.

* વિકિમેનિઆમાં જવાની તૈયારીઓ ચાલુ છે. અમારી ટોક શનિવારે છે. થોડાં વધુ દિવસ રોકાણનો કાર્યક્રમ બનાવેલો છે, જોઇએ શું થાય છે.

* ગઇકાલે કંટાળો આવ્યો એટલે ઘરેથી વાલકેશ્વર અને જુહુ માર્ગે પાછાં સાયકલ સફર કરવામાં આવી (૮૩.૯ કિલોમીટર, કદાચ વધુ કારણકે જીપીએસ મોડું પકડાયું)

* બોરિવલીની પેલી ૧૦ કિલોમીટરની રેસ પોસ્ટપોન (પોર્ન નહી) થઇ છે અને હવે ૨૭ તારીખે છે. ૨૬ તારીખનો કાર્યક્રમ પણ ફિક્સ છે (યેય, ટ્રેકિંગ) એટલે મજા આવશે. જોકે આખો દિવસ થાક્યા પછી બીજા દિવસે કેવું દોડાશે એ વિશે અત્યારથી જ શંકા-કુશંકાના ઘેરાં વિચાર વમળો સર્જાઇ રહ્યા છે.

ડ્યુઆથલોન

* .. અથવા duathlon માટે નોંધણી કરાવવામાં આવી છે. ગઇકાલે ૭૭ કિલોમીટર સાયકલ કર્યા પછી સાયકલને જરા સર્વિસમાં આપવી પડશે. અત્યારે સવાલ માત્ર એ કે ડ્યુઆથલોનમાં જવા માટે મારે ૫૦ થી ૬૦ કિલોમીટર સાયકલિંગ જવા માટે (નવી મુંબઇ) અને એટલું જ પાછાં ફરતાં કરવું પડશે એટલે અત્યારથી જ ટેન્શન થઇ ગયું છે. સમય ઓછો છે અને કામ વધુ છે. જોડે ૨૧ કિલોમીટર રનિંગ છે. જે પણ મજાની વસ્તુ છે.

* આ ઇવેન્ટનું GPS રેકોર્ડિંગ કરવામાં આવશે.

* આ વાત ઉપરથી, દુનિયાભરમાં થયેલ રનિંગ-સાયકલિંગનો હીટ મેપ. બિચારું ભારત.

અપડેટ્સ – ૧૧૧

* મંગળવાર મારા માટે સોમવાર છે, કારણ કે આ દિવસ ઢગલાબંધ મિટિંગ્સથી ભરેલો છે. ઓહ, મંગળવાર 😉

* કવિનને હજી વેકેશન છે અને તે પૂરા વેકેશન મૂડમાં છે. તેનો મૂડ વધુ આનંદિત બનાવવા તેને એક સરસ નવી સાયકલ અપાવવામાં આવી છે, જેનું ચિત્ર મારી સાયકલ જોડે નીચે પ્રમાણે છે!

સાયકલ, સાયકલ

* આગલા બે અઠવાડિયાં ભારે જવાના છે. એટલે કે બહુ જ મુસાફરી (એટલે કે, મારા પ્રમાણભૂત પ્રમાણે).

* ગુજરાતી ઇ-ચોપડીઓનું ટેસ્ટિંગ કિન્ડલમાં કરવામાં આવી રહ્યું છે, અને મને કિન્ડલની બેટ્રી લાઇફ બહુ ગમી છે. હજી ગુજરાતી ફોન્ટ્સનું રેન્ડરિંગ તૂટેલું-ભાંગેલું છે, પણ સરસ પ્રયત્ન છે. જુઓ, એકત્ર પ્રોજેક્ટ.

* રનિંગ – એક અઠવાડિયાંથી બંધ જેવું જ છે. સાયકલિંગ – પંકચરમાંથી હવે ટ્યુબ બદલાવી છે. કવિન જોડે ક્યાંક રાઇડ કરવાની ઇચ્છા ખરી, પણ તેનાં માટે હેલ્મેટ લાવવાની હજી બાકી છે!