૩ ફિલ્મો

* થ્રી બિલબોર્ડ્સ આઉટસાઇડ ઇબિંગ, મિસૂરી (૨૦૧૮)

* જસ્ટિસ લીગ (૨૦૧૭)

* બ્લેડ રનર ૨૦૪૯ (૨૦૧૭)

આ છે, છેલ્લાં ૩ મહિનામાં જોયેલી ફિલમો. આ સિવાય પાસપોર્ટ ગુજરાતી ફિલમ બે દિવસ પહેલાં યુટ્યુબ પર મળી ગઇ, એકંદરે ઠીક કહેવાય. બ્લેડ રનર અને થ્રી બિલબોર્ડ્સ.. જોયા પછી જે ઝણઝણાટી થાય એવું બહુ ઓછી ફિલમોમાં થાય છે. જસ્ટિસ લીગ પણ ધાર્યા કરતા તો સરસ નીકળી છે. હવે કદાચ એવેન્જર્સ ૨૭ એપ્રિલે જોવા જઇશું એવો પ્લાન છે. રેવાનું ટ્રેલર જોયા પછી લાગે છે, એ ફિલમ સ્કિપ થશે. રતનપુર બાકી છે, અને ટ્રેલર પરથી સારી લાગી છે, એટલે જોવાનો ક્યાંકથી પ્રબંધ કરવો પડશે.

પુસ્તક: યુગયાત્રા

યુગયાત્રા

* બેકગ્રાઉન્ડ

આ પુસ્તક સને ૧૯૯૩-૧૯૯૪માં જોવા મળ્યું હતું (પુસ્તકાલયમાં) અને લગભગ દસેક વખત વાંચી લીધા પછી અમને વિશ્વાસ થઇ ગયો કે સાયન્સ ફિક્શન જ ભવિષ્ય છે! 🙂 ત્યારબાદ રેડિયો પર નાટક સ્વરૂપે પણ સાંભળવામાં આવેલું (એક પણ પ્રકરણ ગુમાવ્યા વગર).

* પુસ્તક

યશવન્ત મહેતા પહેલેથી જ મારા ફેવરિટ સાયન્સ ફિક્શન લેખક રહ્યા છે. ધોરણ ૬ અને ૭ ના ગાળામાં જ્યારે વિજ્ઞાન એ જ મારો પ્રિય વિષય હતો (પ્રિય એટલે કે એમાં જ માર્ક્સ આવતા ;)) ત્યારે સાયન્સ ફિક્શનની ભૂખની જ્વાળા ઠારવા માટે વિજ્ઞાન શબ્દ લખેલું દરેક પુસ્તક વાંચી કાઢવામાં આવતું હતું. યુગયાત્રા કદાચ પહેલું એવું પુસ્તક હતું જે ઓરિજીનલ વાર્તા ધરાવતું હતું (અગાઉ વાંચેલા મોટાભાગનાં ભાષાંતર હતા) અને મારા પ્રિય ઉપ-વિજ્ઞાન વિષયો જેવાં કે, ટાઇમ ટ્રાવેલ, લાંબી સમાનવ અવકાશી મુસાફરી (કફ, ઇન્ટરસ્ટેલર!), એલિયન્સ, પ્રાચીન સંસ્કૃતિ વગેરેને ટચ કરતું હતું.

પુસ્તકની શરૂઆત અલગ રીતે થાય છે. ગિર (જે હજું જોવાનું બાકી છે) બેકગ્રાઉન્ડ આપણને બહુ ગમે એટલે વાર્તા જોડે તરત જ સમન્વયની શરુઆત મારા માટે થાય છે. કોને ૨૦,૦૦૦ વર્ષ પહેલાંની કાળ-યાત્રા ન ગમે?? યુગ યાત્રા શરુ થયા પછી કદાચ હવે એવું લાગે કે વાર્તા બોરિંગ બનશે પણ યશવન્તભાઇની કલમનો કમાલ યાનના ઉતરાણ પછી છે. પ્યોર સાયન્સ પ્રામાણે થોડીક વસ્તુ ખૂંચે પણ એ તો સાયન્સ ફિક્શનમાં ચાલે 🙂

* શોધ

આ પુસ્તકની તપાસ છેલ્લાં ૧૦ વર્ષોથી કરતો હતો, પણ ક્યાંય ઓફલાઇન કે ઓનલાઇન મળ્યું નહી. કંટાળીને (યુગયાત્રા શબ્દની ગૂગલમાં શોધ કરો, મારી શોધ ખબર પડશે!) એક દિવસ ગૂર્જરમાં ફોન કર્યો તો ખબર પડી કે સ્ટોકમાં છે (કારણ? પુર્નમુદ્રણ! ડિસેમ્બર ૨૦૧૦). ઓર્ડર આપ્યો અને થોડી રાહ જોતાં મળ્યું, ફરી વાંચવામાં આવ્યું અને એના પ્રતાપે આ પોસ્ટ આવી!

બે ફિલમો

આમ તો ફિલમો વિશે લખવાનું બહુ ઓછું થઇ ગયું છે અને હવે તો જોવાનું પણ ઓછું થઇ ગયું છે. તેમ છતાંય, આ બે ફિલમો મને ગમી એટલે તેનો ઉલ્લેખ કર્યા વગર આ વર્ષ પુરું ન થાય.

૧. ગોન ગર્લ

થિએટરમાં જોવા જવું હતું, પણ મેળ ન પડ્યો, કારણ કે અહીં કવિનને સાથે લઇ ન જવાય અને ડિસેમ્બરમાં થયેલા પ્રવાસો પણ કારણભૂત હતા. આ ફિલમની મસ્ત વસ્તુ એકદમ ધીમેથી થતી વાર્તા જે સરસ રીતે આપણને જકડી રાખે છે. ઘડીકમાં હિરો તો ઘડીકમાં હિરાઇન (કે જે હોય તે! :)) સાચાં લાગે. આપણને થાય કે હમણાં અંત આવી જશે પણ અચાનક બનતી ઘટનાઓ (જે મારી ફેવરિટ વસ્તુ છે) આપણને મૂંઝવણમાં મૂકી દે. આમપણ મને પાત્ર પોતાની વાર્તા કહેતું હોય એ પ્રકારની ફિલમો થોડી વધુ ગમે એટલે અહીં એ પણ મુદ્દો છે.

૨. પ્રિડેસ્ટિનેશન

મસ્ત ફિલમ. ફરી પાછો મારો પ્રિય વિષય – ટાઇમ ટ્રાવેલ! જોકે ટાઇમ ટ્રાવેલ પર આવેલી બીજી ફિલમ જોડે થોડી સમાનતા એકાદ ક્ષણ માટે શોધી શકાય, પણ પછી તરત જ -અહીં જેવી આંટાધૂંટી આ છે તેવી બીજે ક્યાંય જોવા મળી નથી (દા.ત. લુપર્સ કે પછી ટાઇમ મશીન કે બીજી કોઇપણ). અને છેલ્લે કરુણ અંત જે જલ્દીથી ભૂલી શકાય તેમ નથી!!

જો ન જોઇ હોય તો આ બંને ફિલમ જોવા જેવી.

પુસ્તક: અંતહીન યાત્રા

અંતહીન યાત્રા પુસ્તકનું મુખપૃષ્ઠ

* અંતહીન શબ્દને તમે ગુજરાતીમાં છૂટો પાડો તો – અંત, હીન બને. હીનને આગળ લઇ જઇએ તો? હીન અંત. જેનો અંત હીન (ખરાબ) છે એ. અંતહીનને અંગ્રેજીમાં લઇએ તો? Anthin –> A (n) thin. પાતળું. બસ, એવું જ! હીન અને થીન! આ પુસ્તક છે! ગંભીરતાથી કહું તો છેલ્લાં કેટલાય સમય પછી મને એવું પુસ્તક વાંચવા મળ્યું જે વાંચ્યા પછી મને નફરતની લાગણી થઇ હોય. પંદર પાનાં સુધી પ્રસ્તાવના ચાલે છે. છેલ્લાં સોળ પાનાંમાં લેખકોનો પરિચય, ક્વિઝ વગેરે છે અને વચ્ચે? વચ્ચે છે એવી વાર્તા જે ત્રાસવાદ, ભૌતિક શાસ્ત્ર, કુદરત, રાજકારણ, દયા-ધર્મનો મસાલો છે. ફરી એકવાર ભારતીય સંસ્કૃતિ ચડિયાતી છે એવા ગીત ગાવામાં આવ્યા છે. અને, એકદમ અમેરિકન ગુજરાતી. ઓકે, એ વાત માટે લેખકોનો વાંક ન કાઢી શકાય. હું ક્યાં શુધ્ધ ગુજરાતી લખી રહ્યો છું? છતાંય, કંઇક તો લિમિટ હોય ને? આ પુસ્તક મને ક્યાંક Earth’s Final Hours ને મળતું આવે છે. યસ, કદાચ પુસ્તકની પ્રેરણા હોઇ શકે (જોકે એકદમ કોપી નથી ;)).

મારી અપેક્ષાઓ કદાચ બહુ ઉંચી હતી. મને એમ કે યુગયાત્રા પ્રકારની નોવેલ ગુજરાતી સાહિત્યને મળશે અને આપણને જલ્સા પડશે. ગર્વથી હું કહીશ કે ગુજરાતીમાં પણ સાયન્સ ફિક્શન લખાય છે. રે પંખીડા! રે મારા નસીબ (અને તમારાં, જો તમે આ પુસ્તક ખરીદ્યું-વાંચ્યું હોય!).

😦

આ (ત્રણ) અઠવાડિયાની ફિલમો – ૧૭

* છેક ત્રણ અઠવાડિયે આ પોસ્ટ આવી છે, અને માત્ર ચાર ફિલમો લઇને. બહોત નાઇન્સાફી હૈ!

૧. ટેકન-૨ (૨૦૧૨)

સરસ મુવી. આપણને આ લિઆમ નેસન ગમે એટલે વધારે મજા આવી. સરસ એક્શન. આ ભાગ-૨ની સ્ટોરીમાં થોડાંક છિંડા છે, પણ માર-ધાડની સ્ટોરી હોવાથી ચાલી જાય. જોકે પેલાં ભાગ-૧ માં વધારે મજા આવી હતી.

૨. વ્હિસ્પર ઓફ ધ હાર્ટ (૧૯૯૫)

સ્ટુડિઓ ઘીબ્લી (કે ગ્હિબ્લી?) ઇઝ બેક! આ વખતે સ્ટોરી થોડી મોટી ઉંમરના બાળકો માટે છે. કારણ કે, એમાં કવિતા છે, પ્રેમ છે અને ફૂટતી યુવાનીમાં અનુભવાતી સંવેદનાઓ છે! એમાં પુસ્તકો છે, વાર્તા છે, વાયોલિન છે અને નવાં-નવાં પ્રેમીઓ વચ્ચે થતો વાદ-વિવાદ પણ છે. સરસ સ્ટોરી અને સરસ મ્યુઝિક. Country road.. ગીત સરસ છે. મેં મોબાઇલમાં રેકોર્ડ કર્યું છે, હવે ક્યાંકથી MP3 મળે તો લઇ લઇશું અને રાત્રે સૂતાં પહેલાં સાંભળી શકાય એવી ગોઠવણ કરીશું 🙂

૩. પોન્યો (૨૦૦૮)

ફરીથી સ્ટુડિઓ ઘીબ્લીની સરસ ફિલ્મ. મને જોકે જળચરો કે દરિયાની ફિલ્મો થોડી ઓછી ગમે છે. પણ, આ તો સરસ છે! વ્હિસ્પર ઓફ ધ હાર્ટની જેમ સરસ જાપાનીઝ ગીતો અને રસપ્રદ વાર્તા.

૪. *બેટ્ટરીસ નોટ ઇન્ક્લુડેડ (૧૯૮૭)

વાહ. સાયન્સ ફિક્શન વત્તા ઇમોશનલ ફેક્ટ્સ! આજનાં બિલ્ડરોને સમર્પિત. વેલ, આ મુવી પણ અમારા ધ્યાન બહાર કેમ રહી ગયું એ પણ નવાઇની વાત છે. રોબોટને બચ્ચું આવે? તમને નવાઇ લાગતી હોય તો આ ફિલમ જરુરથી જોવી! સંવાદો પણ સરસ.

ફિલમ: ડિસ્ટ્રીક્ટ ૯

ડિસ્ટ્રીકટ ૯ પોસ્ટર

(ચિત્ર: વિકિપીડીઆ પાનાં પરથી)

* ડિસ્ટ્રીક્ટ ૯ મુવી અત્યારે પાયરેટેડ ડાઉનલોડમાં નંબર ૧ છે. તો મેં પણ તે ડાઉનલોડ કર્યું 😉 પણ, સારા મુવી તો થિએટરમાં જ જોવા જોઈએ એ સિધ્ધાંતના ન્યાયે હું આજે બિગ સિનેમા, હિમાલય મોલમાં તે જોવા માટે ગયો. હા, એકલો – કારણ કે કોકી અને કવિનને સાયન્સ ફિક્શનમાં કોઈ રસ નહોતો અને ફિલ્મને સર્ટિફિકેટ મળેલ હતું (કદાચ, હિંસા, સંવાદો વગેરેને કારણે..). એકલા જતાં મને કંઇક વિચિત્ર આભાસ થતો હતો. છતાં, તેને પડતો મુકીને બપોરે કવિન સુઈ ગયો ત્યારે નીકળ્યો. મુવીની સ્ટોરી કંઈક અલગ જ છે. એલિયન્સ અહીં માણસનાં દુશ્મન નથી. માણસ એલિયન ગ્રહ પર જતો નથી – પણ, એલિયન્સ અહીં આવે છે. સ્ટોરી તમને IMDB અને વિકિપીડીઆ પરથી સરસ રીતે વાચવા મળી જશે એટલે અહીં લખવાનો અને મુવી સ્પોઈલર બનવાનો આપણને શોખ નથી. પીટર જેક્શનનું મુવી (લોર્ડ ઓફ ધ રીંગ્સ ફેમ) એટલે કંઈ કહેવું ન પડે. જો કે, એલિયન્સ અને સાયન્સ ફિક્શનનો શોખ ન હોય તો જોવા ન જવું. એક મજાની વાત એ છે કે એલિયન્સની ભાષાનાં સંવાદો સબટાઇટલ તરીકે આવે છે 🙂