રેસ રિપોર્ટ: વસઈ-વિરાર હાફ મેરેથોન

ગયા અઠવાડિયાની ઇજા હજુ બરોબર ગઇ ન હોવા છતાં વસઈ-વિરાર હાફ મેરેથોન આપણી ફેવરિટ હોવાથી દોડવાનું નક્કી કરેલું.

સવારે ૩.૩૦ વાગે ઉઠીને સ્ટેશન પર જવા નીકળ્યો પણ રીક્ષા ન મળી એટલે વાર્મ અપ માટે દોડીને સ્ટેશન ગયો. ત્યાં ગુંજન-કલ્પના અને સોપાન-અમી મળ્યા. સોપાન અને ગુંજન – બંને એટલા એનર્જેટિક માણસો કે બંને જ્યારે પણ મળે ત્યારે મઝા આવી જાય. ત્યાંથી ૪.૪૩ની ટ્રેને અમને ૫.૧૫ જેવા વસઈ પહોંચાડ્યા. ત્યાંથી વસઈના મ્યુનિસિપલ કોર્પોરેશને બસની વ્યવસ્થા કરેલી. સ્ટાર્ટ પોઇન્ટ પર બીજાં ઘણાં રનર્સ મળ્યા અને મારું દોડવાનું હવે દિવસે-દિવસે ઘટતું જતું હોવાથી તેમને ઘણાં સમય પછી મળવાની મઝા આવી.

દોડ એકદમ નિયત સમયે બરોબર ૬.૩૦ના રોજ શરૂ થઇ ગઇ. દોડવામાં તો આપણ ડિઝાસ્ટર નક્કી હતો તો પણ પહેલાં ૧૦ કિમી સારા ગયા. ૧૨ કિમી પર કુણાલ તેની પ્રથમ મેરેથોન પૂર્ણ કરવા તરફ જતો મળ્યો! અભિનંદન કુણાલ! ૧૪ કિમી પર ફૂલ મેરેથોન વાળા એલિટ્સ રનર્સે મને ક્રોસ કર્યો. એ પહેલાં બે વખત ૧૬-૧૭ કિમીએ મને તેઓ ક્રોસ કરતાં. આ ઘટના પરથી બે તારણ નીકળે: ૧. હું ધીમો પડ્યો છું, ૨. તેઓ ઝડપી બન્યા છે. મારા મનને તારણ નંબર ૨ જ છે એમ મનાવી આગળ દોડ્યો, તો પણ પછી ધીમો જ રહ્યો. ખાલી છેલ્લો એક કિમીમાં થોડી ઝડપ કરી અને છેવટે ૨ કલાક અને ૧૩ મિનિટમાં માંડ-માંડ હાફ મેરેથોન પૂરી થઇ. સરસ નાસ્તો કર્યા પછી પ્રદિપ-આરતી મળ્યા. બીજું એક એનર્જેટિક કપલ – જે દર વર્ષે વસઈ-વિરારમાં મળે છે. બહુ વાતો કરી અને વિરારથી ટ્રેનમાં જવા નીકળ્યા. મને એમ થાય છે કે રવિવારે પણ આટલાં બધાં લોકો વિરારથી ક્યાં જતાં હશે? અમે તો ડોબાઓ મેરેથોન કરવા ગયા હતા એટલે વિરાર આવ્યા હતા, પણ બીજાં મોર્ટલ લોકો? 😀

IVMS01956

ઘરે પહોંચ્યો ત્યારે ટ્રેનની મુસાફરીથી હાફ મેરેથોન કરતાં વધુ થાક લાગ્યો હતો!

આ પણ જુઓ:
* ૨૦૧૪નો રીપોર્ટ

ડિસેમ્બરના ડાકલા

આ દરવખતે ડિસેમ્બરમાં કંઇને કંઇ ડાકલા વાગે. બે વર્ષ પહેલાં સાયકલ વાગી, ગયા વર્ષે કમર ભાંગી, આ વર્ષે ફરી સાયકલ પરથી પડી ભાંગ્યો (કંઇ તૂટ્યું હોય એવું જણાતું નથી). બોલો, કોણ કરે છે આ ડાકલા? કાલની બી.આર.એમ. પડતી મૂકવામાં આવી છે. અમારે હવે સ્પેશિયલ ભૂવો પકડવો પડશે એવું લાગે છે. તેમ છતાંય,

ડિસેમ્બરનો પ્લાન કંઇક આવો છે:

* આવતા અઠવાડિયે વસઇ-વિરાર હાફ-મેરેથોન.
* ત્યાર પછી થોડા દિવસમાં ચૂંટણીની ચટણી.
* પછી, બીજા જ દિવસે – માસ્ટરમાઇન્ડ ગ્રાન્ડમાસ્ટર ૧૨૦ કિમી રાઇડ (કે રેસ, જે ગણો તે).
* ક્રિસમસની રજાઓમાં – ૬૦૦ કિમી બી.આર.એમ. (અથવા ૧૦૦૦? :D)
* એક ટ્રેકિંગ (ક્યાં જવું તે અંગે અસમંજસ છે, તો પણ ટ્રેકિંગ દૂર છે, જવું જરૂર છે!)
* એક પાર્ટી.

બસ પછી નવું વર્ષ 😀

અપડેટ્સ – ૧૯૯

* શનિ-રવિ બહુ જ વ્યસ્ત રહ્યા. રે ફૂટેલા નસીબ અને અમે નવી મુંબઈ હાફ મેરેથોનની પસંદગી કરી અને તેનો બીબ નંબર લેવા જવા માટે મારે છેક ડી.વાય. પાટીલ સ્ટેડિયમ ધક્કો ખાવો પડ્યો. જતી વખતે તો ટ્રેનમાં જઇને સસ્તામાં પતાવ્યું, વળતી વખતે ટેક્સીમાં આવવું પડ્યું. કુલ સમયનો વેડફાટ – ૫.૩૦ કલાક. રેસ તો હજુ બાકી હતી. બીજા દિવસે સવારે ૩ વાગ્યે ઉઠીને ૫ વાગ્યા જેવો સ્ટેડિયમ પહોંચ્યો. સદ્ભાગ્યે, જાણીતા ચહેરા મળ્યા એટલે થોડું સારુ લાગ્યું. રેસ સમયસર શરુ થઇ પણ પહેલા ત્રણ કિમી અંધારામાં દોડવાની મઝા ન આવી, બાકીનો રસ્તો પણ ઠીક હતો (પામ બીચ રોડ). રસ્તામાં રનર્સને જરુરી કેળાં-સંતરા ગાયબ હતા અને છેલ્લે ખબર પડી કે બ્રેકફાસ્ટમાં ભલીવાર નથી અને અંતર ૨૧.૦૯૫ની જગ્યાએ ઓછામાં ઓછું ૨૦૦ મીટર જેટલું વધુ છે. જે હોય તે, ૨ કલાક, ૧ મિનિટ અને ૫૮ સેકન્ડ અમારો અધિકૃત સમય આવ્યો અને પછી એ જ મોંઘી દાટ ટેક્સીમાં પાછા આવ્યા. ૨૧ કિમી દોડવા માટે અમે ૫૦x૪ એટલે કે ૨૦૦ કિમી જેટલી મુસાફરી કરી. હવે આવી રેસના નામે ચોકડી. વસઇ-વિરાર ઉત્તરમાં અને થાણે પૂર્વમાં અને નરીમાન પોઇન્ટ દક્ષિણમાં – બસ આટલી જ જગ્યાઓએ મુંબઈમાં રેસ હોય તો કરવી, બાકી – ના રે ના!

અને હા, રવિવારે હાફ મેરેથોન પછી સુશાંતભાઇનો સંદેશો આવ્યો કે એ કાંદિવલીમાં છે, તો સાંજે મળવાનું નક્કી કર્યું. જોકે મારે બપોરે આરામ કરવો જરુરી હતોને સાંજે કવિનને ફૂટબોલના નવા કપડાં-મોજા લેવા હતા. તો મોકાનો ફાયદો ઉઠાવી મેં પણ બે ચડ્ડીઓ ઉઠાવી લીધી. રનિંગમાં મને ઝીપ પોકેટ વાળી ચડ્ડી જોઇએ – જે પેલી મોંઘી દાટ નાઇકી, એડિડાસ, રીબોક વગેરે બનાવતી નથી. એ ખાસ લોકલ જેવી કંપનીઓ જ બનાવે અને આપણને એજ ફાવે. ફોન તો વ્યવસ્થિત આવી જાય – અને આ ફોન કંપનીઓ પણ આજ-કાલ પ.૫ ઇંચ કરતાં નાનાં ફોન બનાવતી નથી – એટલે અમને મોંઘી ચડ્ડીઓ પહેરવા મળતી નથી 😀

સાંજે મોડા સુશાંતભાઇ ઘરે મળવા આવ્યા અને વાતોના વડા કર્યા. હવે ફરી આરામથી મળીશું.

* હવે આવતા અઠવાડિયે ગયા વર્ષે બાકી રહી ગયેલ ૬૦૦ કિમી બીઆરએમ છે. મઝા આવશે!

* બે દિવસથી ફરીથી વાચન કાર્યક્રમ શરુ કર્યો છે અને પેન્ડિંગ પુસ્તકો પૂરા કરવામાં આવશે. આ છે સિઆચેન મંગાવી લેવામાં આવ્યું છે. પહેલી નજરે – મસ્ત છે.

અપડેટ્સ – ૧૯૫

* કાલે ભારતીય નૌકાદળ (નેવી) દ્વારા આયોજીત હાફ મેરેથોન છે, પણ ત્યાં જવાના છુટ્ટા પૈસા નથી એટલે જોઇએ કેવી રીતે પહોંચીશું. દોડીને જઇ શકાય 🙂 (૨૧ કિમી માટે ૨૧ કિમી દોડવું પડે). હા, બીબ નંબર લેવા માટે પણ કુલ ૨ કિમી રીક્ષા + ૫૦ કિમી ટ્રેન + ૩ કિમી ચાલીને જવું પડ્યું. બોલો, ગાંડિયા લોકો તો રનર્સ જ છેને?

* કવિન જોડે રનિંગ-સાયકલિંગ શરુ કર્યું છે. પહેલી રાઇડ અને રનિંગ સારુ રહ્યું, હવે સોમવારે લાંબુ સાયકલિંગ કરાશે. કવિનને હજુ ટ્રાફિકના બીજા મહત્વના નિયમો શીખવાડવાના બાકી છે. પહેલી રાઇડમાં જ એક ગાડીવાળાએ અચાનક જમણી બાજુનો દરવાજો ખોલ્યો પણ અમે બચી ગયા. આવા તો કેટલાય ઉદાહરણ અમને એક જ રાઇડમાં જોવા મળ્યા છે. જોઇએ બીજી રાઇડ શું લઇને આવે છે.

* આપ-કોંગ્રેસ દ્વારા પ્રેરિત અને પોષિત બ્લોગ-સમાચારપત્રો-સમાચારો-ફેસબુકિયા લેખકો હવે અર્થશાસ્ત્રીઓ બની ગયા છે, એટલે આ દેશનું ભવિષ્ય ઉજળું છે. હજુ મારે લાઇનમાં ઉભા રહેવાનો મોકો નથી આવ્યો પણ આવતીકાલે હાફ મેરેથોન દોડ્યા પછી આવવાની શક્યતા છે અેટલે ટાંટિયા ટાઇટ થવાના છે.

* બાકી શાંતિ છે. વલસાડની હાફ મેરેથોન દોડવાનું શંકાસ્પદ છે, કારણ કે આગલા દિવસે આ સીઝનની પહેલી બી.આર.એમ. છે!

સુરત અને હાફ મેરેથોન

* ફેબ્રુઆરીમાં એકાદ હાફ મેરેથોન દોડવાનો પ્લાન હતો પણ દરેક મેરેથોન મોંઘી હતી અથવા તો દૂર હતી (અતુલ, વલસાડ વગેરે) એટલે પેલી નોર્થ મુંબઇ મેરેથોન (૧૦ કિમી, ફ્રી અને એસ.વી. રોડ!) માટે નોંધણી કરાવી હતી. યુનાઇડેટવીરનએઝ૧ દોડ વખતે ભાવનાબેને કહ્યું કે સુરત મેરેથોન દોડવી છે? અને ફ્રીમાં? તો અમે ના પાડીએ? ફોર્મ ભર્યું અને ટિકિટ કરાવી દીધી. પ્લાન એવો હતો કે બીબ નંબર વગેરે મારા માટે ત્યાના લોકો લઇ લેશે એટલે આ રાતની દોડ માટે એ દિવસે જ જવાનું અને સૌથી વહેલી ટ્રેન પકડીને પાછાં આવવાનું (પછી પેલી ૧૦ કિમી રેસ પણ કરવાની).

સુરત જવા માટે સવારની ફ્લાઇંગ રાણી પકડી. ૧૧ વાગે પહોંચી ગયો અને દિપકને મળવા માટે હજુ વાર હતી એટલે સુરતના જાણીતાં એવા સાયન્સ સેન્ટરની મુલાકાત લેવાનું નક્કી કર્યું.

જગ્યા સરસ છે, પણ બહારથી એવું લાગે કે આ સેન્ટર બંધ હાલતમાં છે! જોકે નહોતું અને અંદર જવાનો રસ્તો મળ્યો. સમય ઓછો હતો એટલે સીધો ફન સાયન્સ વિભાગમાં ગયો અને એક ફોટો લીધો પછી ખબર પડી કે અહીં ફોટો લેવાની મનાઇ છે. લો.

સુરત સાયન્સ સેન્ટર

ત્યાંથી દિપકના ઘરે ગયો, જમ્યો, વાતો કરી અને આરામ કરીને પિયુષના નવા ઘરે ગયા. ત્યાંથી મેરેથોનનું મેદાન એકદમ નજીક હતું અને ઘરેથી દેખાતું પણ હતું. ત્યાં પણ વાતો અને વડા ખાધા પછી લગભગ ૮ વાગ્યા જેવો મેરેથોન તરફ ભાગ્યો. અક્ષય કુમાર આવવાનો હતો એટલે ધાર્યું હતું તેમ થોડી હો-હા હતી પણ ફુલ અને હાફ-મેરેથોનમાં બહુ ઓછા લોકો લાગ્યા. ૯ વાગે રેસ શરુ થઇ. આગલા દિવસોમાં દોડવાનું સારું એવું થયું એટલે વિશ્વાસ હતો કે આરામથી અને સારા એવા ઓછા સમયમાં આ રેસ થશે. જોકે, આખા દિવસનો થાક લાગ્યો હતો. સ્ટાર્ટ પોઇન્ટ પર પહોંચતા એક રેલિંગ કૂદતાં પગે ચીરો પણ પડ્યો (એ બોનસ). અમદાવાદ ડિસ્ટન્સ રનર્સ ગ્રૂપ જોડે ફોટા પડાવ્યા એટલે મજા આવી. પહેલો કિમી લોકોને પસાર કરવામાં થયું. ૧૦ કિમી અને ૨૧ કિમી રેસ જોડે રખાય? ના રખાય. પછી શાંતિ હતી અને ઢગલાબંધ લોકો રસ્તા પર હતા અને ચીઅર્સ કરતા હતા. લગભગ ૧૬ કિમી સુધી એમ હતું કે ૨ કલાકમાં રેસ થઇ જશે પણ પછી થયું કે નહી થાય એટલે આરામથી જ દોડ્યો. ઓફિશિયલ ટાઇમિંગ હજી આવ્યો નથી પણ લગભગ ૨ કલાક અને ૭ મિનિટની આસપાસ હશે એમ લાગે છે.

રેસ પૂરી કરી મેડલ લીધો, ખિચડી ખાધી અને પિયુષના ઘરે આવીને શાંતિથી તેનું ઘર જોયું અને ત્યાંથી તે રેલ્વે સ્ટેશન મૂકી ગયો. ખોટી ટ્રેનમાં ચડતા બચ્યો (૨૨૯૦૪ v/s ૧૨૯૦૪) અને પાછી સાચી ટ્રેનમાં આરામથી ઘરે વહેલો આવ્યો.

અને હા, બોરિવલી સ્ટેશનને સરસ રંગ કર્યા છે. જોઇએ ક્યાં સુધી લોકો તેને પાનનાં લાલ રંગથી બાકાત રાખે છે!

રેસ રિપોર્ટ: બેંગ્લુરૂ મિડનાઇટ હાફ-મેરેથોન ૨૦૧૨

* હાજર છે તાજો-માજો રીપોર્ટ રવિવારની જૂની રેસનો.

મેડલ અને સર્ટિફિકેટ

હાશ. હજી પણ થાક લાગેલો છે. તો નક્કી કર્યા પ્રમાણે અમે (હું અને મુથ્થુનવનિતકુમાર) અહીંથી લગભગ સાડા પાંચ વાગ્યા જેવા નીકળ્યા. પહેલાં કેબ અને પછી વોલ્વો બસ વડે KTPO લગભગ સાત વાગ્યાની આસપાસ પહોંચ્યા. ત્યાંથી બીબ નંબર અને ટાઇમિંગ ચીપ લીધા અને પછી ત્યાં ડેઇલીમાઇલ મિત્ર ભાવેશ મળ્યો, એની અને મુથ્થુ જોડે ૧૦ વાગ્યા સુધી ગપ્પાં માર્યા અને આજુ-બાજુ ફર્યા. ૧૦ વાગે એમની દસ કિલોમીટરની રેસ શરુ થઇ પછી ત્યાં ઉભા-ઉભા લોકોને દોડતા જોતો હતો, નાસ્તો કર્યો અને ૧૦કે પૂરી થઇ ત્યારે મારી રેસની તૈયારી કરી. ત્યાં સ્ટાર્ટિંગ પોઇંટ આગળ ગોપાલ (અને કવિતા) મળ્યા અને થોડીવાર ત્યાં ચર્ચાનો દોર ચાલ્યો. રાત્રે ૧૨ વાગે સરસ ઠંડી હતી અને રેસ શરુ થઇ એ પહેલા નક્કી કરેલું કે માપની સ્પિડે આરામથી દોડવું અને સરસ રીતે ચાર લૂપ્સ દોડાઇ ગયા. છેલ્લાં અને પાંચમાં લૂપથી મને થાક લાગવાનો શરુ થયો અને ધાર્યા કરતાં સાત મિનિટ જેટલો વધુ સમય લીધો. કુલ સમય: ૨ કલાક, ૩૭ મિનિટ. કંઇ સારું પર્ફોમન્સ ન કહેવાય પણ રાત્રે દોડતાં-દોડતાં હું સુઇ ન ગયો એ જ મોટ્ટી વાત 😉

ઓવરઓલ ઇવેન્ટ એ હાઇલી મિસમેનેજન્ડ ઇવેન્ટ હતી.

૧. ૫ લૂપ્સ દોડવાના હતા (૪.૨ કિમીનો એક). મને વિચાર આવે છે કે પેલાં ફૂલ મેરેથોન દોડવાં વાળાંઓ દોડવામાં ધ્યાન રાખે કે યાદ રાખે કે ૧૦ લૂપ્સ પૂરા થયા કે નહી. અને, પાછાં રસ્તામાં ક્યાંય કિલોમીટરનાં માર્કિંગ નહી!
૨. સ્પોર્ટ્સ ડ્રિંક્સની ખાલી જાહેરાત, ક્યાંય દેખાયું નહી.
૩. ફૂડ કોર્ટ: ૧ વાગ્યા પછી બધાં સ્ટોલ બંધ થઇ ગયા, માત્ર એક પીઝાનો સ્ટોલ ખૂલ્લો હતો જેણે બેફામ રીતે ભાવ વધારીને લૂંટ ચલાવી હતી.
૪. ૨ વાગ્યા પછી ડીજે પણ સૂઇ ગયો હતો.
૫. વિનર્સનું એનાઉન્સમેન્ટ કરવાને બદલે પોડિયમ પરથી જાહેરાતો જ ફેંકાતી હતી.
૬. લોકો ટ્રેક પર આરામથી ચાલતા હતા. ના દોડવા વાળા લોકો નહી, બીજાં લોકો. અને અમુક જણાં તો રસ્તા પર ઉભા રહીને ફોટો પડાવતા મેં જોયા (આઇટી સીટી ફન રન અને ૧૦કે માં).
૭. નવાઇની વાત કે ફુલ અને હાફ-મેરેથોન પહેલાં શરુ કરવાની જગ્યાએ નાની રેસ પહેલાં શરુ કરવામાં આવી. ટૂંકમાં, જગ્યાનો અભાવ.
૮. ફિનિશર્સને કોઇ નાસ્તો-ફૂડ પેકેટ નહી.
૯. નો ટી-શર્ટ 😦
૧૦. અને તોય, બધી રેસ કરતાં મોંઘી 🙂

સારી બાબતો:
૧. રાત્રે દોડવાનો અનુભવ અદ્ભૂત. મસ્ત ઠંડી એટલે જરાય પરસેવો નહી.
૨. જ્યાં દોડવાનું હોય ત્યાં મજા જ હોય!

ફરીથી અહીં ના દોડાય. તો, હવે મુંબઇની ફુલ મેરેથોનની તૈયારી કરીએ?!

નોંધ: ડેઇલીમાઇલ એન્ટ્રી

નોંધ ૨: પરિણામ

રેસ રિપોર્ટ: હૈદરાબાદ હાફ-મેરેથોન ૨૦૧૨

* તો, છેવટે અમે અમારો પહેલો મેડલ લઇને આવ્યા (જીતીને આવ્યા એમ નથી લખ્યું ;)). હૈદરાબાદ હાફ-મેરેથોનનો અનુભવ અદ્ભુત રહ્યો અને મજા આવી ગઇ.

૨૫મીએ સવારે વહેલાની ફ્લાઇટ હતી, સમયસર એરપોર્ટ પહોંચી ગયા અને આરામથી હૈદરાબાદ પહોંચ્યા. આરામથી હોટલ પણ પહોંચી ગયા. મસ્ત બ્રેકફાસ્ટ પછી અમારે રેસ-કિટ લેવા માટે કોઇક હોટલમાં જવાનું હતું. હોટલ એવી જગ્યાએ હતી કે (બન્જારા હિલ્સ પર હોવા છતાં) બધાની સર્વાનુમતિ અનુસાર આવી જગ્યાએ અમદાવાદમાં હોય તો કાગડા ય ન આવે. ત્યાં કિટ લીધી અને બધાંએ સરસ ફોટોસ્ લીધા. મુંબઇથી આવેલો મેહુલ પણ મળ્યો. ત્યાં જ અડધી બપોર પૂરી થઇ પછી નક્કી કર્યું કે ક્યાંક જમવા માટે જઇએ. રેસનો આગલો દિવસ હોવાથી કોઇ રીસ્ક ન લીધું અને ઇડલી-ઢોંસા જ ઝાપટવામાં આવ્યા. હજી જમતા હતા ને ત્યાં જોરદાર વરસાદ પડવાની શરુઆત થઇ ગઇ! માર્યા ઠાર. અમને થયું કે કાલે જો આવો જ વરસાદ પડે તો મેરથોન કેન્સલ કરવી પડે. પણ, બહાર જતાં-જતાં તો વરસાદ હળવો થયો ને અમે પાછાં અમારી હોટલે પહોંચીને સરસ બે કલાકની ઉંઘ ખેંચી કાઢી. સાંજ પછી બધાંએ ભેગાં થઇ ગપ્પાં માર્યા. ખાસ કરીને માંકડ અંકલ જેઓ ૬૫ વર્ષે પણ હાફ-મેરેથોન અને રણવીર અંકલ (ઉં.વ. ૬૯) જેઓ ફુલ-મેરેથોન દોડવાના હતા – એમની વાતો સાંભળવાની મજા આવી ગઇ. ઘણાં લોકોએ રેસ પછી એવો આક્ષેપ મુક્યો એ માંકડ અંકલના જોક્સ સાંભળીને હસતા-હસતા પેટમાં એટલું દુખ્યું કે બીજા દિવસના એમના પર્ફોર્મન્સ પર અસર પડી 😉 રાત્રે પાસ્તા. અને, પછી સવાર પડજો વહેલી.

બીજા દિવસે હાફ-મેરેથોન વાળી પબ્લિક સમયસર સ્ટાર્ટિંગ પોઇન્ટ પર પહોંચી ગઇ (નેકલેસ રોડ) અને એરટેલની એડ સાંભળી-સાંભળીને બોર થઇ ગઇ. ફુલ મેરેથોન એક કલાક પહેલા શરુ થઇ હતી એટલે અમુક રનર્સને અમે ચીઅર્સ કરવા ઉભા રહ્યા. ૬ વાગે રેસ ચાલુ થઇને તરત એક ફ્લાયઓવર આવ્યો હજી તો માંડ આગળ ગયા અને એક બીજો ફ્લાયઓવર! ટોટલ પાંચ ફ્લાયઓવર અને જ્યુબિલી-બન્જારા હિલ્સનો ઢોળાવ વાળો રસ્તો. ઓવરઓલ, ભારતમાં આ ટફેસ્ટ રુટ ગણાય છે એમ અમને પાછળથી જાણવા મળ્યું. વાતાવરણ એકદમ સરસ અને શરુઆતની ૧૦-૧૫ મિનિટ બાદ કરતાં મને જરાય પરસેવો થયો નહી. ૨ કલાક પૂરા થયા ત્યારે સરસ ઝરમર વરસાદ પડવાનો શરુ થયો અને મજા આવી ગઇ, જોકે ૧૭ કિમી પછી મારી ઝડપ અડધી થઇ ગઇ અને ૨.૩૦ નું ટાર્ગેટ ૨.૪૦માં આવીને અટક્યું. રેસનો અંત સ્ટેડિયમમાં હતો (જી. એમ. બાલાયોગી સ્ટેડિયમ) એટલે છેલ્લા ૧૦૦ મીટર સારી એવી દોડ લગાવીને પૂરી કરવામાં આવી અને અમને મેડલ આપવામાં આવ્યો 🙂 રેસ પછીનું બ્રન્ચ બોક્સ સરસ હતું. ઢગલાબંધ ફોટાઓ તમને ફેસબુક આલ્બમ પર જોવા મળશે (પબ્લિક છે, એટલે ખાલી તમારે ફેસબુક એકાઉન્ટમાં લોગીન થયેલું જોઇશે).

જ્યાં સુધી બધાં આવી જાય ત્યાં સુધી સ્ટેડિયમમાં જ હતા અને પછી ત્યાંથી પાછા સ્ટાર્ટિંગ પોઇન્ટ સુધીની બસ સેવા ત્યાં પ્રાપ્ત હતી. હોટલ પર આવીને ખબર પડી કે ક્વોલિટી-ઇન હોટલે ઘટિયા ક્વોલિટી સર્વિસ આપીને રુમ બુકિંગમાં ગરબડ કરી છે. પહેલાં રુમ સાંજે છ વાગે ખાલી કરવાનો હતો એની જગ્યાએ ૧૨.૩૦ એ ખાલી કરવાનો કહ્યું. હોટલ મેનેજમેન્ટ, સ્ટાફ અને રીસેપ્શન વચ્ચેનું કોમ્યુનિકેશન – ગુફાયુગની યાદ અપાવે તેવું હતું, ખેર, અમે બે-ત્રણ રુમ રાખ્યા અને ત્યાં પોસ્ટ-રન પાર્ટી શરુ થઇ. જોકે મને ખબર પડી કે મુંગદાળ બહુ સારી નહી અને એના પરિણામે પેરેડાઇઝની બિરયાનીની જગ્યાએ મારી દહીં ખાઇને ચલાવવું પડ્યું 😦

ત્યાંથી સીધા એરપોર્ટ. જે થવાનું હતું તે રીક્ષાવાળાનો ‘સરસ’ અનુભવ થયો. વળતાંની ફ્લાઇટમાં છેલ્લે સીટ આવી એટલે બહુ ટર્બ્યુલેન્શનો અનુભવ થયો એમ લોકો કહેતા હતાં પણ હું તો એવો થાકી ગયો હતો કે વિમાન રન-વેને અડ્યું ત્યારે ઉઠ્યો.

અને, ઘરે આવીને ઘરનું લીંબુ શરબત પીને પથારીમાં પડ્યો ત્યારે થયું કે બીજી મેરેથોન દોડવા જેવી ખરી 😉

આજના અમદાવાદ મિરરમાં દસમાં પાને અમારો ફોટો આવેલો છે!