કેડીઇ કોન્ફરન્સ ૨૦૧૪: તમારે કેમ જવું જોઇએ?

* મારી કેડીઇ કોન્ફરન્સ વિશેની છેલ્લે લખેલ પોસ્ટ નો સંદર્ભ લઇને ફરી એ વિશે લખી રહ્યો છું. કેમ? કારણ કે, ગુજરાતને આંગણે આવી કોન્ફરન્સ થતી હોય અને એનો લાભ કોઇને ન મળે તો મને એમને ગુમાવેલ તકનું વધારે દુ:ખ થશે.

મને યાદ છે કે જ્યારે હું કોલેજમાં (૨૦૦૦-૨૦૦૪) હતો ત્યારે લિનક્સ, ઓપનસોર્સ કે કોઇ કોન્ફરન્સ એટલે શું એનું કંઇ જ્ઞાન ન હતું. જ્યારે મુંબઇ આવ્યો અને ઉત્કર્ષ પ્રોજેક્ટમાં જોડાયો ત્યારે લિનક્સ અને ઓપનસોર્સની એક નવી દુનિયા મારી સામે આવી. ત્યારે થયું કે આ જ્ઞાન મને કોલેજમાં મળ્યું હોત તો કેટલાં વર્ષો પહેલાં મેં ઓપનસોર્સમાં યોગદાન આપવાનું શરુ કરી દીધું હોત? કદાચ મારો પ્રોજેક્ટ જુદો હોત, પણ કંઇ વધુ હું કરી શકત. જો તમે અત્યારે કોલેજમાં હોવ અને આવી તક તમને મળતી હોય તો ચોક્કસ ગુમાવવા જેવી નથી જ. અને, હું તો કહું છું કે જો તમે કોલેજનાં ફેકલ્ટી, પ્રોફેસર હોવ તો – આ કોન્ફરન્સ  કે બીજી કોઇપણ ઓપનસોર્સ કોન્ફરન્સ – તમારા માટે છે. કારણ? અહીં તમને દુનિયાભરમાંથી આવેલા વ્યક્તિઓ મળશે જે ડેવલોપર છે, પણ ઓપનસોર્સમાં તેમનાં યોગદાનમાં જુદા પડી આવે છે.  દા.ત. કેડીઇ કોન્ફરન્સની વાત કરીએ તો, નિખિલ મરાઠે, અત્યારે મોઝિલા સાથે કામ કરે છે, જે ગાંધીનગરની DAIICT કોલેજનો જ છે.

અને – સારા માર્ક લાવી, સારા કેમ્પસમાં જવાનું દરેકનું સપનું હોય છે, પણ કંઇક અલગ કરવું છે? તો આવી કોઇ કોન્ફરન્સ તમને માર્ગ ચીંધશે!

પ્લાન કે અપ્લાન?

* છેલ્લાં એક અઠવાડિયાંથી જેટલાં પણ પ્લાન બનાવી રહ્યો છું તેટલા ચોપટ થાય છે (ચોપાટ નહી, કારણ કે આપણે લાસ વેગાસમાં નથી!). આજે વળી, ૩૫ કિલોમીટર દોડવા માટે એસ્સેલ વર્લ્ડ જવાનો કાર્યક્રમ સાઇડમાં મૂક્યો. સવારે ઉઠ્યો ત્યારે કમરમાં થતો દુ:ખાવો બોલ્યો અને દોડવાનું કેન્સલ કર્યું. પછી, મોડા-મોડા થયું કે ચાલો થોડું દોડીએ એટલે માંડ-માંડ ૨૨ કિલોમીટર દોડ્યો. ઘરે આવ્યો ત્યારે ૧૦.૩૦ થઇ ગયા હતા. આ સિવાય અઠવાડિયામાં બીજા કેટલાં પ્લાન કેન્સલ થયા એની ગણતરી કરીએ તો કંટાળી જવાય તેમ છે. માથેરાન જવાનું નક્કી કર્યું, ટિકિટ બુક કરાવી (ટ્રેન). ક્લિઅરટ્રીપે થોડી વાર પછી ના પાડી કે તમારી ટિકિટ કેન્સલ થઇ છે. રામ, રામ.

એટલે હવે, ૨૦૧૪માં કોઇ પ્લાન કરવામાં આવશે નહી. પ્રભુને ગમે તે ખરું 😉

PS: અમદાવાદ હાફ-મેરેથોન અને મુંબઇ મેરેથોનનો પ્લાન સાબૂત છે!