વરસાદ

* મુંબઇમાં ‘સરસ’ વરસાદ ચાલુ થઇ ગયો છે. અને આજે હું છત્રી અને રેઇનકોટ – બન્ને માંથી કંઇ ઓફિસમાં લાવ્યો નહી! એટલે એક વખત તો પલળી ગયો છું, હવે ઘરે જતા બીજી વારનું નક્કી છે.

આવતી કાલે ફરી અમદાવાદ-ગાંધીનગરની મુલાકાત છે. આશા રાખુ છું કે આ વખતે ગરમી ઘણી નહી હોય!

આવતા ૪૮ કલાકમાં ભારે વરસાદની આગાહી છે 😦

એક્ટિવિસ્ટ અને ટેરરિસ્ટ

* 'દિવ્ય ભાસ્કર' ની કળશ પૂર્તિમાં છેલ્લા પાને આવતી કાર્ટૂન સીરીઝ જલ્સા કરાવે છે. આજે તો પેટ પકડીને હસવું આવી ગયું. વિનય દવે અને સતપાલે આજે તો હદ કરી દીધી. તમે જાતે જ નીચે વાંચો:

ગુજરાતના ન હોવા છતાં ગુજરાત માટે સતત ચિંતાતુર રહેનારા 'ગુજરાતના મહાન ડાહ્યા' ઉર્ફે 'ગુમડા'ની મિટિંગ મળી. 'ગુમડા'ના સભ્યો છે મહેશ ચટ્ટ, જાવેદ બખ્તર, પિસ્તા કાંટાની વાડ, મેઘા બટવાટકર, આમિર-ગરીબ.

બકવાસના બાદશાહ મહેશ ચટ્ટ ખંજવાળતા ખંજવાળતા બરાડ્યા. "અલ્યા જલ્દીથી કોઇ ચર્ચાસ્પદ મુદ્દો શોધો. મને ગુજરાતને ભાંડવાની ખૂજલી ઉપડી છે."

પિસ્તા કાંટાની વાડ કરે રાડારાડ.

"અત્યારે તો ખરાબ હવામાન સૌથી ચર્ચાસ્પદ મુદ્દો છે. આખા દેશમાં ક્યારેક ખૂબ ગરમી પડે છે તો ક્યારેક ખૂબ ઠંડી પડે છે. ક્યારેક ખૂબ વરસાદ પડે છે તો ક્યારેક દુકાળ પડે છે."

બધા બોલે છે: "દેશના ખરાબ હવામાન માટે ગુજરાત જ જવાબદાર છે." 

મેઘા બટવાટકરે બકવાટ કર્યો. "ગુજરાતે ડેમની હાઇટ વધારી એટલે જ દેશનું હવામાન બગડ્યું છે. હું એની સામે અનશન કરીશ. ધરણાં કરીશ."

જાવેદ બખ્તર અને પિસ્તાએ ડ્યએટ ગાયું. "ગુજરાતના કારણે હવામાન બગડતાં મારી બોલપેનની શાહી સુકાઇ ગઇ અને મારી ક્રિએટિવિટીનું બાષ્પિભવન થઇ ગયું છે."

"હું આના માટે કેસ કરી દઇશ." પિસ્તા બોલી.

જાણ્યા સમજ્યા વગર 'ફના' થવા નીકળેલો બટકો આમીર-ગરીબ બોલી પડ્યો.

"હવામાન બદલાવાને કારણે આજકાલ લોકો હવાફેર કરવા માટે બહુ જ જાય છે. આવા વિસ્થાપિતો માટે ગુજરાતે કંઇક કરવું જ પડશે. નિષ્ક્રિયતા નહીં ચાલે."

'ગુમડા' વાળા બધાં જ ધરણાં પર બેસી જાય છે.

ત્યાં જ  લશ્કર-ફોઇબા ના આંતકવાદીઓએ હુમલો કરી 'ગુમડા'ને બાનમાં પકડી લીધાં.

"અબે ઓય, ગુજરાતમાં ત્રાસ ફેલાવવાનું કામ તો અમારું છે. અમારું કામ તમે કેમ શરુ કરી દીધું? હવે તો અમને 50 લાખ રૂપિયા મળશે ત્યારે જ તમને છોડીશું."

બીજા જ દિવસે આંતકવાદીઓને રૂપિયા ભરેલો કોથળો અને ચિઠ્ઠી મળ્યા. ચિઠ્ઠીમાં લખ્યું હતું.

"50 લાખને બદલે પાંચ કરોડ મોકલીએ છીએ, તમે એ 'ગુમડા'ને તમારી પાસે જ રાખજો. તમારા ગુમડા તમને મુબારક." 

'ગુમડા'ના સભ્યો આક્રંદ કરવા લાગ્યા.

ટેરરિસ્ટ કહે છે, "એક્ટિવિસ્ટ ઔર ટેરરિસ્ટ કી કહાની મેં ટિવસ્ટ."

વેલડન, દિવ્ય ભાસ્કર !!! 

અમદાવાદની મુલાકાત

*હું હમણાં અમદાવાદની ટુંકી મુલાકાત (૧ દિવસ) પર હતો. કેટલાક નોંધપાત્ર મુદ્દાઓ:

– સવારે ૬ વાગ્યા સુધી એ.એમ.ટી.એસ. ની આશા ન રાખવી!

– બધા રીક્ષાવાળાઓ ખરાબ નથી હોતા, કેટલાક ટૂંકા રસ્તે લઇ જાય છે અને તમારા પૈસા બચાવે છે.

– ગાંધીનગર જવાના જીપડાઓ જરૂર હોય ત્યારે મળતા નથી. અને જ્યારે મળે છે, ત્યારે ભરાયેલા હોય છે.

– ગાંધીનગર ભલે ગ્રીનસીટી કહેવાતું, પણ ત્યાં ગરમી એકદમ ઝેરી પડે છે.

– પાલડી જતી દરેક બસ ગુજરાત વિધાપીઠ થઇને જાય છે.

– ક્રોસવર્ડ અમદાવાદની એકદમ કુલ જગ્યા છે.

– જે બસની રાહ જોતા હોઇએ, તે બસ ૧ કલાક સુધી આવતી નથી..

– પશ્ચિમ રેલ્વેની ટ્રેન સમયસર ઉપડે છે!

પિકાસા હવે લિનક્સ માટે..

* ગુગલનું પિકાસા હવે લિનક્સ માટે આવી ગયું છે. તેના ઓફિસિયલ સમાચાર તમને અહીં વાંચવા મળશે અને તમે તેને અહીંથી ડાઉનલોડ કરી શકશો. આ સમાચાર માટે ધવલભાઇનો આભાર. હવે આપણે આશા રાખીએ કે ગુગલનાં બીજા સોફ્ટવેર પણ લિનક્સ માટે આવી જાય. દા.ત. ગુગલ અર્થ, ગુગલ ડેસ્કટોપ, ગુગલ ટોક, ગુગલ પેક.

૧૦૦$ લેપટોપ

* MIT (યુ.એસ.) એ ૧૦૦$ નું લેપટોપ બહાર પાડ્યું છે. હવે, મુખ્ય વાત તેની ઓછી કિંમત નથી, પણ દરેક બાળકને કોમ્પ્યુટરનો ઉપયોગ કરવા મળે તે છે. આ લેપટોપ “ડિજીટલ ડિવાઇડ” દૂર કરવામાં ઘણી મદદ કરશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી. તેના મોડેલનાં ફોટાઓ તમે અહીં દેખી શકો છો. તેમનું સૂત્ર છે: “One Laptop Per Child”.

આ જાણકારી મને સ્લેશડોટનાં આ આર્ટિકલ માંથી જાણવા મળી છે.

અપડેટ: આ લેપટોપ તમે ખરીદી શકશો નહીં. તમારી સંસ્થા જો પ્રોજેક્ટમાં ભાગ લેવા માંગતી હોય તો, laptop.org પર જઇ વધુ માહિતી મેળવો.

લિનસ ટોરવાલ્ડનો ઇન્ટરવ્યુ..

*હમમ, આજે અને કાલે લિનસ ટોરવાલ્ડસનો ઇન્ટરવ્યુ CNN પર આવવાનો છે. જોવાનું ભૂલતા નહી. અને ચૂકી જાવતો અહીં વાંચી લેજો. લિનસ કોણ છે? તે કહેવાની જરુર ખરી? અને તમને ખરેખર ખબર ન હોય તો, મહેરબાની કરી ગુગલ અને વીકીપીડીઆ નો ઉપયોગ કરવા વિનંતિ!

* ઇન્ટરવ્યુનો સમય:

શનિવાર ૧ વાગે બપોરે, ફરીથી ૭ વાગે સાંજે

રવિવાર પ વાગે સાંજે, ફરીથી રાત્રે ૧૧ વાગે

મુંબઈ અને સલામતી

* અત્યાર સુધી અમે બધા એવું જ માનતા હતા કે આપણું મુંબઇ એકદમ સલામત છે – પણ માત્ર ગઇકાલ સુધી જ. હવે અમે એવું નથી માનતા. મારી બાજુમાં અડીને જ રહેતા પુષ્પામાસીની ગઇકાલે બપોરનાં ગાળામાં કોઇએ નિર્મમ હત્યા કરી દીધી. એ સમયે હું કોમ્પ્યુટરનો કોઇ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં મશગુલ હતો. કંઇ અવાજ પણ નથી આવ્યો અને આ આખી ઘટના બની ગઇ. મમ્મીએ જ્યારે ૬ વાગે તેમના ઘરમાં જોયું ત્યારે ખબર પડી. મને ઓફિસે ફોન કર્યો અને હું તરત ઘરે પહોંચ્યો. તે દ્રશ્ય જોઇ રડી પડવા સિવાય મારી પાસે કોઇ લાગણી નહોતી. રાતભર મને ઊંઘ ન આવી. પોલીસને બધાએ સારો સહકાર આપ્યો અને બધા પોલીસનું વર્તન પણ ધાર્યા કરતા ખૂબ જ સારુ હતુ. મુખ્ય ઉપરીએ મારી જોડે ઘણી વાતો કરી.

આખી દુનિયાની ખબર રાખનારો હું, બાજુમાં કંઇ થઇ ગયુ તેની ખબર ન રાખી શક્યો, તેનો મને સદાય અફસોસ રહેશે…

પાછા ફરતાં…

* પાલનપુર પ્રવાસ ઠીક રહ્યો. ગરમીમાં થોડાં હેરાન થયાં. અંબાજી-ગબ્બર પર મજા આવી પણ થાક સરસ લાગ્યો. પણ, જ્યારે મારે એકલા પાછા આવવાનું થયું ત્યારે મને ખબર પડી કે હવે એકલા-એકલા મજા નથી આવતી. કોઇ જ્યારે દૂર રહે છે, ત્યારે જ તેનું મહત્વ સમજાય છે.

ઘર તરફ

* કાલે સવારે હું પાંચ દિવસ માટે પાલનપુર જઇ રહ્યો છું. ત્યાં જઇને બરાબરની દોડાદોડી જ છે, પણ તે આનંદ અલગ જ છે. મુંબઇમાં ફેમિલી સાથે આવી ગયા પછી હવે તો ત્યાં જવાનું ઓછું થઇ ગયું છે. પણ, મૂળિયાં જ્યાં હોય ત્યાં વર્ષમાં એકવાર તો જવું જ પડે..

* ઓફિસમાં આજે ‘એપોલો ૧૩‘ મુવી દેખ્યું. સરસ છે. અચાનક આવી પડેલી મુશ્કેલીઓનો સામનો હિંમતભરી રીતે કઇ રીતે કરવો, તે આ મુવીમાં દેખવામાં આવ્યું. ટોમ હેન્કસ હોય પછી એક્ટિંગનું પૂછવાનું કઇ રહેતું નથી.

ઓપનઓફિસ.ઓર્ગ મેળવો..

યોગ્ય મેળવો -ઓપનઓફિસ.ઓર્ગ મેળવો

શું તમારુ ઓફિસ સોફટવેર યોગ્ય છે? માઇક્રોસોફ્ટે તાજેતરમાં કરેલા સર્વે મુજબ આખા વિશ્વમાં વપરાતા ૩૫% થી વધુ ઓફિસ સોફ્ટવેર નકલ (પાયરેટેડ) હોય છે. માઇક્રોસોફ્ટ હવે આ સોફ્ટવેર ધરાવનારાઓ પર આક્રમણ કરી રહ્યુ છે.

  • તેમણે હમણાં કોમ્પ્યુટરમાં કયા સોફ્ટવેર નાખેલા છે તે શોધવામાં અગ્ર કંપની ખરીદી છે.
  • તે હવે લોકોનાં કોમ્પ્યુટરમાં રહેલા સોફ્ટવેર જાણવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.
  • કોઇ જગ્યાએ જો આવા પાયરેટેડ સોફ્ટવેર વપરાતા હોય અને તમે તેની માહિતી આપો તો તમને તે રોકડા રૂપિયાની ઓફર કરે છે.
  • માઇક્રોસોફ્ટનું લાયસન્સ એકદમ વિચિત્ર છે, તમે અજાણતાં પણ તેનો ભંગ કરી શકો છો.

જો તમારી પાસે માઇક્રોસોફ્ટ ઓફિસ છે, તો તમને ખબર છે કે એ ક્યાંથી આવ્યું છે?

નશીબજોગે તેનો મુક્ત વિકલ્પ પ્રાપ્ત છે. ઓપનઓફિસ.ઓર્ગ ૨ એ માઇક્રોસોફ્ટ ઓફિસની સંપૂર્ણ ખાસિયતો ધરાવતું ઓફિસ સોફ્ટવેર છે. તે વર્ડ પ્રોસેસિંગ, પ્રેઝન્ટેશન, સ્પ્રેડશીટ ગણતરીઓ, ડેટાબેઝ કામકાજ સરળતાથી કરી શકે છે. તમે તમારા દસ્તાવેજો માઇક્રોસોફ્ટ ઓફિસ ફોરમેટમાં ખોલી કે સંગ્રહી શકો છો. તાજેતરમાં થયેલ એક મોજણી અનુસાર માઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭ માં અપગ્રેડ થવા કરતાં ઓપનઓફિસ.ઓર્ગ ૨ તમને ૧૦ ગણું સસ્તું પડી શકે છે. વળી, ૮૬% લોકોએ ઓફિસ ૨૦૦૩ કરતાં ઓપનઓફિસ.ઓર્ગ ૨ માં આગળ વધવાનું પસંદ કર્યું છે. તમે કોની રાહ જુઓ છો?ઓપનઓફિસ.ઓર્ગની કોઇ કિંમત નથી. તમે તેને ફ્રી ડાઉનલોડ કરી શકો છો!