છેલ્લી અપડેટ્સ! (#૯૩)

* છેલ્લી અપડેટ્સની પોસ્ટ તમે પચાવી જજો, ઓ બ્લોગજનો!

એટલિસ્ટ, પાંચેક દિવસ પૂરતી. કારણ એટલું જ કે આ પાંચ દિવસમાં લાંબી મુસાફરી કરવામાં આવશે, લગ્નમાં હાજરી આપવામાં આવશે અને વચ્ચે-વચ્ચે ઓફિસનું કામકાજ કરવામાં આવશે. ત્યાર પછી, એવું દેખાય છે કે મિટિંગોની ભરમાર છે (NB: પ્રભુ, તારી મહિમા અપરંપાર છે!) અને સાથે-સાથે કવિનના પરાક્રમોની લંગાર પણ છે (ie નવી સ્કૂલ, નવું સત્ર, નવાં પેન્સિલ-રબર વગેરે વગેરે).

* છેલ્લાં દસેક દિવસ મમ્મીને ત્યાં હતો અને વચ્ચે સમ્યકે મુંબઇ મુલાકાત લીધી, ત્યારે અમે એક-દોઢ દિવસ માટે ઘરે હતા. સમ્યક પાસેથી ઘણું શીખવા મળ્યું છે. તેનો એક સરસ પ્રોજેક્ટ છાપકામ જોવા જેવો છે, અને તમે તેમાં તમારો કોડ-ફાળો આપી શકો છો, એ કહેવાની જરુર છે? 🙂

રવિવારે નિરવ (પંચાલ) જોડે મુલાકાત થઇ અને ઓબેરોય મોલનાં ફૂડકોર્ટમાં બેસીને ગપ્પાં માર્યા (અને નેચરલનો કાલાજામુન આઇસક્રીમ ખાધો).

* રવિવારે નવી-નવી સાયકલનો બીજો એક ટેસ્ટ કરવામાં આવ્યો. રાત્રે ૯.૩૦ એ શરુઆત કરી અને ૧૨.૦૦ સુધીમાં દહિંસર-થી-સાંતાક્રુઝની નાનકડી (૫૦ કિમી) રાઇડ કરી. સાથે ગૌરવ હતો, જે મારા કરતાં અનુભવી સાયકલિસ્ટ છે, એટલે તેણે ગીઅર્સ-શિફટર્સ અંગે થોડી ટિપ્સ આપી.

* ઓવરઓલ, દિવસો આરામમાં ગયા છે, સિવાય કે સવાર કે સાંજની કસરત.

હેલો!

* નેહલભાઇએ થોડા સમય પહેલા આ વિડીઓ તેમનાં યુટ્યુબમાં અપલોડ કરેલો. તો સાંભળો તમે પણ! વર્ષો પહેલા અમે રણુજા ગયેલા, તે યાદ આવી ગયું.

https://www.youtube.com/watch?v=MNpjEmtx_do

મને નવાઇ લાગે છે કે ગાયકોની આટલી બધી ભાષા કેવી રીતે આવડતી હશે? અહીં આપણને ગુજરાતી-અંગ્રેજી બોલવા-લખવાના ફાંફા પડે છે, મુંબઇમાં રહેતા હોવા છતાંય મરાઠીના ચાર શબ્દો શીખી શકતા નથી તો લોકો (ie ગાયકો) પાંચ-છ ભાષાઓ કેવી રીતે શીખી (અને ગાઇ) શકતા હશે?

PS: અમારો પ્લાન બીજી કોઇ ભાષા શીખવાનો હતો, પણ લાગ્યું કે આપણે ગુજરાતી બરોબર શીખીએ એ જ ઘણું છે.

નવી સાયકલ

* છેવટે વર્ષો જૂનાં વિશલિસ્ટમાંથી ૧ વસ્તુની બાદબાકી થઇ! એક્સિસ એ-૯૦, બાઇકશાર્કમાંથી. અને દુકાનથી ઘર સુધી ૯ કિલોમીટરની નાનકડી સફર કરીને શરુઆત કરવામાં આવી છે.

સાયકલ

બીજા લાઇવ ફોટા થોડા સમય પછી લાંબી અને વિગતવાર પોસ્ટ પર!

અપડેટ્સ – ૯૨

* હવે થોડા દિવસ કવિન વેકેશનમાં ગુજારશે (એટલે કે ગામડાનાં ક્લિન વાતાવરણમાં), ધૂળમાં મસ્તી કાઢશે અને આજુ-બાજુનાં લોકોને હેરાન કરશે. મારું નાનકડું વેકેશન પણ આવશે, અત્યારે તો એવું લાગે છે કે વેકેશનમાંય મિટિંગોની ભરમાર હશે (રીલીઝ et al).

* વર્ષો પછી મુંબઇના વાતાવરણમાં ટુ-વ્હીલર પર લાંબી મુસાફરી કરી અને થયું કે ધન્ય છે તેમને જે દરરોજ આવા પ્રદૂષણ જોડે પનારો પાડતા હશે. આપણું તો કામ જ નહી. એક નિરીક્ષણ: દર ત્રણ દુકાને હવે એક દુકાન મોબાઇલની દેખાય છે.

* ફાઇનલી, ઇન્ટરનેટ (એટલે કે સારું ઇન્ટરનેટ) આવી ગયું છે. મારી પાસે હવે ૩ વાઇ-ફાઇ રાઉટર્સ ભેગા થઇ ગયા છે! તેમનું શું કરવું એ એક બીજો વિકટ પ્રશ્ન છે.

* મુંબઇમાં પાંચ કિલોમીટર દોડવું એ બેંગ્લોરનાં દસ કિલોમીટર બરાબર થાય (એટલે કે સરખો થાક લાગે – ભેજ અને ગરમીને કારણે). જોકે હજી સુધી બાહ્ય રસ્તાઓ પર પ્રયત્નો કર્યા નથી. કાલે એક ટેસ્ટ લેવામાં આવશે.

* છેલ્લા અપડેટ્સમાંથી અપડેટ: જુહુ ન જવાયું! 🙂

આજના બોધપાઠ્સ

* બ્લોગબાબાની વાર્તાઓ સવાર-સવારમાં વાંચવી નહી. દિવસ બગડે અને બા ખિજાય.

* પ્લમ્બર-ઇકેટ્રીશીઅન એ મોંઘેરા મહેમાનો છે. વારંવાર બોલાવો તોય આવે નહી.

* જરુર પડે ત્યારે જ ઇન્ટરનેટ ધોકો આપે છે (આડવાત: ઘણાં સમયે મને લાકડાનો કપડા ધોવાનો ધોકો જોવાનો મોકો હમણાં મળ્યો.)

અપડેટ્સ: આ પોસ્ટ લખી અને પછી ક્રોનજોબમાં મૂકીને ભૂલી ગયો. ત્યાર પછીનાં બોધપાઠ્સ:

* તમારી બધ્ધી બહેનપણીઓને ઘરે મૂકીને બેંકમાં જવું (એટલે કે, આશા, અપેક્ષા, શાંતિ, તમન્ના વગેરે વગેરે).

* અમુક લોકો ‘તમને ફોન કરું છું..’ કહે ત્યારે સમજી જવાનું કે આમનો ફોન તો ક્યારેય આવવાનો નથી. આપણે જ ફોલો-અપ કરવું પડશે.

* અને, કવિન માટે નાજુક-નમણાં રમકડાં ન લાવવા!

અપડેટ્સ – ૯૧

* હેલ્લો મુંબઇ! એટલે કે LBTના વિરોધમાં બંધ રહેલ મુંબઇ!!

* લાગે છે કે જ્યાં સુધી ‘સેટ’ નહી થઇએ ત્યાં સુધી બ્લોગિંગ બંધ રહેશે, કારણ કે હજી ઢગલાબંધ ખરીદી બાકી છે, ઓફિસનું કામ-કાજ જોર-શોરથી ચાલે છે અને આ બાજુ બધી દુકાનો બંધ છે. સૌથી મોટી વાત – ઇન્ટરનેટનું કનેક્શન લઇ લેવામાં આવ્યું છે (જોકે જોડાણ હજી બાકી છે!).

* મુંબઇને પણ બીજા શહેરોની સુસ્તતાનો ચેપ લાગ્યો લાગે છે. પ્લમ્બર્સ, ઇલેક્ટ્રીશીઅન વગેરે આરામથી કામ કરે છે.

* અને, કવિન મજામાં છે એટલે અમે પણ મજામાં છીએ. આવતા અઠવાડિયે જુહુ બીચ પર દોડવાનો ભવ્ય કાર્યક્રમ છે. જો સફળ થશે તો, અહીં જણાવીશ અથવા એમ સમજી લેવું કે કાર્તિકે એલાર્મ મિસ કરી 🙂

 

ગુડ બાય, બેંગ્લુરુ

* છેવટે¹, સમય આવી ગયો છે ‘ઇડલી-વડા, ફિલ્ટર કોફી’ અને આ બેંગ્લુરુને અલવિદા કહેવાનો! અને મુંબઇના ‘વડા-પાઉં’નો ટેસ્ટ કરવાનો! કોઇકે હમણાં પૂછ્યું હતું કે ‘ભાઇ, તારું ફાઇનલ ડેસ્ટિનેશન ક્યાં છે?’ મેં કહ્યું એતો પેલા ડિરેક્ટર-પ્રોડ્યુસરે² જે નક્કી કર્યું હોય તે. મને કંઇ ખબર નથી 🙂

મને ફિલ્ટર કોફી તો જબરી ‘મિસ’ થશે, કારણ કે હવે એ પ્રકારની કોફી દરરોજ મારે જાતે બનાવવી પડશે 😉 બીજી એક વસ્તુ દરરોજ મિસ થશે – બેંગ્લોરનું હવામાન. એમ તો મને મુંબઇની તાપમાન સેટ થયેલું જ છે, પણ બેંગ્લોરની સરખામણીમાં મુંબઇનું હવામાન ‘ક્વાડકોર પ્રોસેસર’ની સામે ‘પેન્ટિયમ ૪’ જેવું લાગે. રનિંગ પર પણ અસર થશે એવું લાગે છે, પણ ઘરની નજીકમાં નાનકડો જોગર્સ પાર્ક (અંકે પૂરા ૩૦૦ મીટરનો રસ્તો) છે એટલે વીક-એન્ડ સિવાયનું દોડવાનું સાચવી લેવાશે. વીક-એન્ડ રનિંગ માટે મુંબઇની રનિંગ કોમ્યુનિટી જોડે જોડાવું પડશે (અને પેલી NRC ની તપાસ કરવી પડશે). બેંગ્લોરની ટેક-કોમ્યુનિટી અને મિત્રો પણ મિસ થશે. મુંબઇ હજી IT વાળા માટે એટલું બધું ટેક-સેવી નથી, એટલે આજે નહી તો આવતી દસ સાલે, બેંગ્લુરુનો આંટો તો મારવો જ પડશે.

અને કઇ વસ્તુઓ ગુમાવવાનો મને અત્યંત આનંદ થશે?

૧. બેંગ્લોરની ઓપન ગટર્સ! જોકે મુંબઇમાંય છે, તોય ઘરથી દૂર છે. અહીં મારા બેંગ્લોરના વિસ્તારમાં દરેક રોડની પેરેલલ જાય છે! 

૨. બદમાશ  મહાબદમાશ રીક્ષાવાળાઓ.

૩. ક્ષણેક્ષણેવિજગમનઆગમનઘટનાઓ.

૪. ભંગાર લંચ (કર્ટસી, ઓફિસ).

૫. રવિવારે રાત્રે ડિનરમાં શું? એવો યક્ષપ્રશ્ન.

૬. બોરિંગ વીકએન્ડ્સ, રનિંગના કલાકો સિવાય!

ફાયદાઓ કેટલા થશે?

૧. મને ઘરનાં  શુધ્ધ-શાકાહારી-સાત્વિક બ્રેકફાસ્ટ-લંચ-ડિનર સાથે-સાથે કવિનની મસ્તીઓનું ડેઝર્ટ માણવા મળશે.

૨. વડાપાઉં, એમ.એમ.ની બૂંદી, ભેળ, મિલાપનું ફાસ્ટફૂડ (દા.ત. કાર્તિક )વગેરે વગેરે.

૩. લોકલ ટ્રેનની જવલ્લે જ થતી મુસાફરીઓ.

૪. મુંબઇ સમાચાર, અને કોઇપણ ગુજરાતી છાપું. પુસ્તકોની સરળતાથી પ્રાપ્તિ વગેરે.

૫. ચર્ચગેટ અને આપણાં ફેવરિટ મ.કા.બો. (મલાડ-કાંદિવલી-બોરીવલી)!

૬. અને, સૌથી અગત્યનું — વ્હાલી કોકી 🙂

તો આવજો ત્યારે. આવતી પોસ્ટમાં મુંબઇની કે મુંબઇથી અપડેટ લઇને મળીએ?

પગનોંધો

¹ એમ તો ટ્વિટર પર બે અઠવાડિયાં પહેલાં નાનકડી જાહેરાત કરેલી.

² તમે જેમાં માનતા હોવ તે, કુદરત, કિસ્મત, લક, નસીબ, તાવીજ કે પછી મિ. કાનજી.

ધારો કે…

૧. તમે તમારા મિત્રને કોઇ અંગત વાત પૂછી કે કરી હોય અને એ મિત્ર તેને જાહેરમાં મૂકે તો (સીધી અથવા આડકતરી રીતે!)

૨. તમે જેને સમજણો સમજતા હોવ તે, સ્ટાન્ડર્ડ નાદાન નીકળે તો?

તો આપણે શું? ભોગવે એ 😉

આજની કડીઓ

* ભારતીય ભાષાઓમાંથી બ્રેઇલ લીપીમાં રુપાંતરણ કરતું સોફ્ટવેર. થેન્ક્સ ટુ નિર્ભિક અને પૂજા. અત્યારે તો દેવનાગરી–>બ્રેઇલમાં પ્રાપ્ત છે. ગુજરાતી ટેસ્ટિંગ માટે હું વોલિયન્ટર બન્યો છું. ટેસ્ટિંગ વગેરે (અને જો પાયથોન ફાવતું હોય તો, કોડ વગેરેમાં પણ!) તમારો ફાળો આપી શકો છો.

જુઓ: https://github.com/pareidolic/bharati-braille

* ક્રાયપ્ટોકેટ, પ્રાયવસીને પ્રાથમિકતા આપતી ચેટ સેવા.

* અને, એક બાત કહેના તો ભૂલ હી ગયા!!

પમી તારીખે એટલે કે ૦૫/૦૫ એ ડેબિયનની નવી આવૃત્તિ રીલીઝ (ie પ્રકટ) થઇ છે. ગેટ ઇટ વ્હાઇલ ઇટ ઇઝ હોટ! એમ તો રીલીઝ પાર્ટી વગેરે રાખવાનો પ્લાન હતો, પણ હજી સુધી ક્યાંય ગોઠવણ થઇ હોય એવા સમાચાર આવ્યા નથી. આમ પણ, હમણાંથી ડેબિયન પર ફોકસ ઓછું થાય છે, જે હવે નજીકના ભવિષ્યમાં વધારવાનો પ્લાન છે. (આવાં કેટલાંય ભવ્ય પ્લાન્સ અમે બનાવેલા છે, જોઇએ હવે મહેલ ઇંટનો બને છે કે પત્તાનો, વ્હુ નૉસ?)

જય વસાવડા સાથે મુલાકાત

* ગઇ કાલે વહેલી સવારે ઝોપિંગ, રનિંગ અને શોપિંગનો ભવ્ય કાર્યક્રમ આખા દિવસ માટે રાખેલો હતો (સારું થયો ડ્રાય ડે હતો, નહિતર મારો ડોપિંગ ટેસ્ટ પણ પોઝિટિવ આવત ;)). તો રનિંગ પતાવ્યા પછી જયભાઇનું ફેસબુક સ્ટેટસ એમ કહેતું હતું કે તેઓ બેંગ્લોરમાં આવે છે, જેને મળવું હોય તે, મોબાઇલ નંબર મેસેજમાં મોકલે. તો, આપણે મોકલ્યો. કાર્યક્મ ક્યાં છે એ મને ખ્યાલ નહોતો અને જયભાઇ એ વિશે અપડેટ કરે ત્યાં સુધી થોડું શોપિંગ (કવિન માટે) પતાવ્યું અને એક મિત્રને મળવા ગયા, પાછો આવ્યો ત્યારે ચાર વાગી ગયા હતા. લોક-લાજનો ખ્યાલ રાખી શેવિંગ પણ કરવામાં આવ્યું અને પછી મારે જવાનું હતું – કનિંગહામ રોડ. બેંગ્લોરમાં હજી જુનાં નામો એમનેએમ રાખવામાં આવ્યાં છે, એ હજી સારું છે (કે પછી ઇવન સાઉથ ઇન્ડિયન લોકો પણ નવાં નામોથી ટેવાયા નથી!). તો, છેવટે જગ્યા મળી, અને જયભાઇ સિવાય હું ત્યાં કોઇને ઓળખતો નહોતો (એમ તો એમને પણ પહેલી વખત મળ્યો). અને, અમારી રુબરુ મુલાકાત થઇ! (બેકગ્રાઉન્ડમાં તમને ગમે તે સરસ મ્યુઝિક વગાડી શકો છો). કેવું કહેવાય કે, બે ગુજરાતી બ્લોગર – બેંગ્લુરુમાં ભેગા થાય 🙂 (પિનલભાઇની જેમ જ જયભાઇને મળવાનું અનેક વાર રહી ગયું હતું!)

કાર્યક્રમ શરુ થવાની વાર હતી ને જૈન સોશિયલ ગ્રુપનાં જીતુભાઇએ અમને પણ જયભાઇ સાથેના મહેમાન તરીકે ગણી નાસ્તાની લાંબી લાઇનમાંથી મુક્તિ અપાવી તે બદલ તેમનો આભાર અત્યારે જ માની લેવો પડશે. જયભાઇને સાંભળવા-મળવા, ફેસબુક ઉપરથી જાણ થઇ હોય એવા બીજા બે લોકો – મેહુલ અને જતિનની મુલાકાત થઇ. બેંગ્લોર, હવામાન, તાપમાન, ગુજરાતીઓ, બિયર, ખાવાનું-પીવાનું — વિવિધ વિષયો પર સરસ ચર્ચાઓ થઇ. જયભાઇને રુબરુ મળવાની તક ઝડપી તેમનો એક સરસ ફોટો વિકિમિડિઆ કોમન્સમાં પણ અપલોડ કર્યો છે (અને બીજો એક લાઇવ ફોટો નીચે છે!!) અને ગુજરાતી વિકિપીડિઆમાં પણ મૂકી દેવામાં આવ્યો છે!

જય વસાવડા

જયભાઇનું વક્તવ્ય હતું ‘જિંદગી એક સફર હૈ સુહાના’. એમ તો એમના કેટલાંય લેક્ચર, લેખો યુટ્યુબ, ફેસબુક કે બ્લોગમાં વાંચેલા એટલે કોઇ ઘરની વ્યક્તિને સાંભળતો હોય એવું જ લાગ્યું, પણ એમના આ વક્તવ્યમાંથી મને ઘણી નવી વસ્તુઓ શીખવા મળી. થાકીને હારીને બેસી જવું એ જિંદગી નથી, પણ પડ્યા પછી ઉભા થવું એ જિંદગી છે (હા, દોડીએ તો પડીએ એ મને ના દોડીને પડવા કરતાં વધુ ગમે!). તેમની જોડેની પ્રશ્નોત્તરી પણ મજા આવે તેવી રહી. ખાસ કરીને એમના સિંગલ હોવા અંગેનો સવાલનો જવાબ બધાંને મજા કરાવી ગયો! તેમનાં વક્તવ્યમાં અને બીજા લોકો સાથે મારો પરિચય – લાર્જર ધેન લાઇફ – કરાવવા બદલ જયભાઇનો ખૂબ-ખૂબ આભાર 🙂

કાર્યક્રમ દરમિયાન દિપાલી (અમદાવાદ)ની ઓળખાણ થઇ. છેલ્લે અમે ૨૦૧૦માં વિકિપીડીઆ મિટિંગમાં મળેલા. મને સામાન્ય રીતે ચહેરાઓ બહુ યાદ રહેતા નથી એટલે મને કંઇ બહુ યાદ ન આવ્યું પણ, પછી યાદ આવ્યું કે ફેસબુકમાં તો અમે કનેક્ટેડ છીએ 🙂 જયભાઇની રાહ જોતા અમે બહાર ઉભા વાતો કરતાં હતાં અને અમને થયું કે આજે લોકો જયભાઇને બહાર આવવા નહી દે, હું અંદર તપાસ કરવા ગયો અને ફાઇનલી મેન્ડેટરી ફોટો-સેશન્સ કરવામાં આવ્યું.

છેવટે અમે વિદાય લીધી અને એમનું ‘પ્રીત કિયે, સુખ હોય..’ પુસ્તક એમણે મને સપ્રેમ ભેટ આપ્યું. એમ.જી.રોડ સુધી ડ્રોપ કરવા માટે (અને બેંગ્લોરની ગલીઓના ભ્રમણ માટે, દિપાલીનો આભાર :))