રજા અને મજા…

* તમને થતું હશે કે આ કાર્તિક ક્યાં ખોવાઇ ગયો છે. અત્યારે હું રજાઓની મજા માણું છું. કવિનને રમાડું છું, કેરીનો ખૂબ રસ પીવું છું અને બેંગ્લોરનાં બીઅરને યાદ કરું છું. દરરોજ સાંજ નીકળી પડવાનું ફરવા માટે. જંકફૂડ અને જરુર વગરની ખરીદીમાં મજા છે…

ગઇકાલે મમ્મીએ કહ્યું કે થોડી ઘર માટે વસ્તુ લાવવાની છે, અને મારી પાસે ઓફિસ તરફથી મળેલ સોડેક્સોની મીલ કૂપનો હતી. તો મેં કહ્યું કે અમે (હું અને મારી વાઇફ – કવિનને લઇ ક્યાંય ખરીદી કરવાનું સાહસ ન કરાય!) જઇશું – બીગ બજારમાં, કારણકે ત્યાં કદાચ સસ્તું પડશે. ત્યાં ગયા રીક્ષામાં, ભૂખ લાગી હતી એટલે સમોસા ઝાપટ્યાં. પછી ખરીદી કરી. ત્યાં જોયું કે સરસ રમકડાં છે, એટલે એક કવિન માટે લીધું. મને યાદ આવ્યું માથાનાં વાળ ધોળાં થતાં જાય છે એટલે હેર કલર લીધો (મારી ઇચ્છા લીલો રંગ લેવાની હતી, પણ લોકો મને ઓળખશે નહી એ ડરે બરગન્ડી લીધો). પછી યાદ આવ્યું કે પાવડર ખલાસ થઇ ગયો છે એટલે તે લીધો. આપણને પાછાં બિસ્કીટ, ચીઝ વગેરે બહુ ભાવે એટલે તે ઉપાડ્યું. વાઇફે કહ્યું કે તેની બહેનની દીકરી માટે કંઇક લેવાનું છે – એટલે બે-ત્રણ નાનાં ઝભલાં લીધાં. અને આમ કરતાં, કરતાં છ મોટી થેલીઓ થઇ. કૂપન હતી તેનાં કરતાં ચાર ગણું બીલ થયું. બહાર નીકળ્યાં તો રીક્ષા જલ્દી મળી નહી, એટલે હાઇવેથી ફરીને મલાડ વેસ્ટમાં રીક્ષા લેવી પડી. ૪૧ રુપિયા વધુ.

પણ, મજા આવી ગઇ 😉

સરસ મજાની સીડી…

ઉપર પહોંચો તો ખરા. કોણ છે આ સિવિલ એન્જિનિયર અથવા આર્કિટેક્ટ 😉

(ક્રેડિટ: ફોર્વડ ઇમેલ)

બાલ્મેરને માથે ઇંડા

* બિલ ગેટ્સને માથે કેક પડી હતી, તો બાલ્મેરને ઇંડા.

બેંગ્લુરુ આવજો…

* મારી સિસ્ટમમાં લોચા હોવાથી આ પોસ્ટ અંગ્રેજીમાં લખી હતી, એટલે હવે પછી તેને સુધારી રહ્યો છું. અને હા, મુખ્ય હેતુ છે: બેંગ્લુરુ શહેરને બાય, બાય, ટાટા, અલવિદા કહેવાનો! હવે, થોડા દિવસ મુંબઇમાં આરામ!

* હવે, પછી વધુ માહિતી સાથે!

નવો ચેપ: ફેસબુક

* આજકાલ મને ફેસબુકનો ચેપ લાગેલ છે. ઓરકુટ હમણાં જરા સાઇડ પર છે 😛 ફેસબુક ઇન્ટરફેસની દૃષ્ટિએ વધારે  સારૂં લાગે છે અને ઝડપી પણ છે.

વીજળી થઇ વેરણ, ઓ કાર્તિક તારી..

* હાજી કાસમ ની વીજળી ડૂબી હતી તેમ બેંગ્લોરમાં અમારા ઘરે બે દિવસથી વીજળીનાં ઠેકાણાં નહોતાં. કહેવાય છે આઇ.ટી. કેપિટલ ઓફ ઇન્ડિયા અથવા સિલિકોન વેલી કે જેલી જે હોય તે. પણ, યાર, બે દિવસથી વીજળીના ધાંધિયા હોય તે ના ચાલે..

ઇન્ટરનેટ વગર ભયંકર કંટાળો આવ્યો એટલે પછી વીકએન્ડ બીઅર કામમાં આવ્યો 😉

* હા, તો ગઇકાલે ઘરે બફાવાની જગ્યાએ અમે (એટલે કે હું અને કુશાલ) ધ ક્રોનિકલ ઓફ નાર્નિયા: પ્રિન્સ કાસ્પિયન મુવી જોયું. સરસ છે. ખાસ કરીને નાનકડી લ્યુસી નો અભિનય એકદમ સરસ છે અને સંવાદો એકદમ સરસ રમૂજી છે. પ્રથમ મુવી પણ ધ ક્રોનિકલ ઓફ નાર્નિયા: ધ લાયન, ઘ વીચ એન્ડ ધ વોર્ડરોબ પણ જોવા જેવું છે.

ફર્માટનો છેલ્લો પ્રમેય

* અગિયારમા ધોરણમાં ગણિત-2 વિષયમાં ગાણિતિય અનુમાનનો સિધ્ધાંત પ્રકરણમાં (1996નાં અભ્યાસક્રમમાં આ પ્રકરણ હતું. અત્યારે કંઇ ખ્યાલ નથી.) એક નાનકડો ઉલ્લેખ ફર્માટનાં છેલ્લાં પ્રમેય વિશે હતો. અને ગણિત ખાસ ન ગમતું હોવા છતાં આ વિશે જાણવાની ઉત્કંઠતા એ મને આ પુસ્તક લેવા માટે મજબૂર કરી દીધો.

આ પુસ્તક જેનાં પરથી લખાયેલ છે તે વિડિઓ પણ તમે ગુગલ વિડિઓ પરથી જોઇ શકશો.

બીજો એક વિડિઓ પણ તમે જોઇ શકો છો – જેમાં આ પ્રમેયનાં ઉકેલ વિશેની ચર્ચા કરવામાં આવી છે.

નોંધ 1: ફર્માટે આ પ્રમેય એક પુસ્તકનાં હાંસિયામાં લખેલો અને લખેલું કે આ પ્રમેયનો ઉકેલ સરળ છે પણ હાંસિયામાં જગ્યા નાની છે એટલે તેનો ઉકેલ હું અહીં સમાવી શકતો નથી!!

.. અને આ પ્રમેયનો ઉકેલ લાવતાં 350 વર્ષ કરતા વધુ વર્ષો થયા!

નોંધ 2: કોઇને ગુજરાત શિક્ષણ બોર્ડનો અભ્યાસક્રમ ઓનલાઇન મળતો હોય તેવી ખબર હોય તો મને જણાવવા વિનંતિ.

નોંધ 3: મળી ગયો રે મળી ગયો, શોધતાં શોધતાં સિલેબસ મને મળી ગયો.

જુઓ: http://www.gseb.org/guidelines/syllabus.htm જલ્સા કરો..

નોંધ 4: કુણાલનો આ પરનો સરસ આર્ટિકલ

શું સમજવું?

* ભલે આપણને સારા ટકા નહોતા આવ્યા, પણ મને મારી શાળા (શ્રી વિવિધલક્ષી વિદ્યામંદિર, પાલનપુર) અને જીલ્લા (બનાશકાંઠા)નું 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જાણવા હંમેશા આતુરતા રહે છે (ભલે ને કોઇ સંબંઘીઓ ના હોય). પણ, દિવ્યભાસ્કરમાં ઉપરનું પાનું જોયા પછી મને લાગ્યું કે મુખ્ય પાનાં પર કંઇક વધારે નજર રાખવાની જરૂર છે 🙂

આને કહેવાય જવાબ…

* જુઓ પરીક્ષામાં પણ લોકો કેવા જવાબ આપે છે…

(એક ફોર્વડ મેળવેલ ઇમેલ માંથી…)

બ્લોગનો બેકઅપ…

* હરસુખભાઇએ લખ્યું તેમ તેમનો બ્લોગસ્પોટનો બ્લોગ કોઇ કારણસર બંધ થઇ ગયો! હવે તમારી પોતાની વેબસાઇટ હોય કે વર્ડપ્રેસ.કોમ હોય, જો વર્ડપ્રેસની ૨.૫ કે વધુ આવૃત્તિ હોય તો બેકઅપ લેવા માટે નીચેનો સ્ક્રિનશોટ તમને મદદ કરશે.

૧. મેનેજ–>એક્સપોર્ટ–>ડાઉનલોડ એક્સપોર્ટ ફાઇલ પર ક્લિક કરો.

૨. તમને એક .xml ફાઇલ સેવ (સંગ્રહ) કરવાનું કહેવામાં આવશે. આ xml ફાઇલ શું એની ચિંતા કર્યા વગર તેને સાચવી રાખો.

મહિને-બે મહિને બેકઅપ લઇ લેવો. તમારી અને બ્લોગની તબિયત માટે સારો રહેશે.

વર્ડપ્રેસનો બેકઅપ

અને નવું વર્ડપ્રેસનું સેટઅપ કર્યા પછી ઇમ્પોર્ટમાં જઇને તમે છેલ્લી બેકઅપ લીધેલ xml વડે બ્લોગનાં પોસ્ટ પાછાં લાવી શકો છો. નોંધ રાખો કે વિજેટ્સ, લિંક વગેરે પાછા નહી આવી શકે!

(અપડેટ: નીચે ઇમ્પોર્ટ કરવા માટેની પ્રક્રિયાનાં બે સ્ક્રિનશોટ્સ મૂકેલ છે. અને હવે લિંક, વિજેટ્સ, ટેગ્સ, કેટેગરી વગેરેનો પણ બેકઅપ આપોઆપ આ xml ફાઇલમાં લેવાશે. જલ્સા કરો!!)

૧. કયા પ્રકારનાં બ્લોગમાંથી બેકઅપ લેવો છે છે પસંદ કરો..

૨. અને પછી ફાઇલને બ્રાઉઝ કરી પસંદ કરો પછી થોડી રાહ જુઓ! ધ્યાનમાં રાખો કે આ xml ફાઇલની મર્યાદા મહત્તમ ૩ એમબી સુધીની હોવાથી તમારો બેકઅપ અલગ-અલગ ફાઇલમાં હશે તો સારું રહેશે.

અને હા, વર્ડપ્રેસનું સેટઅપ તમારા પોતાનાં ડોમેઇન (દા.ત. http://www.falanu-dinkanu.com/blog) પર કેવીરીતે કરવું એ આ બ્લોગની ક્ષમતાની બહારનો વિષય છે 🙂 અત્યારે તો માત્ર આટલું જ પૂરતું છે.