નાટક: સર સર સરલા

સર સર સરલા
સર સર સરલાની ટિકિટ

ગયા ગુરૂવારના પણ ગયા ગુરૂવારે અમે, એટલે કે હું અને કોકી, અમારી કારકિર્દીનું બીજું નાટક જોવા ગયા. પહેલું નાટક હતું, હું ચંદ્રકાંત બક્ષી. એટલે છેક ૫ વર્ષ પછી અમને નાટક જોવાનો મોકો મળ્યો. સમાનતા હતી – પ્રતિક ગાંધી. ખાસ કરીને ભામિની ઓઝા ગાંધી સાથેની જોડી અને સૌરભ શાહે કરેલ ગુજરાતી નાટ્ય રૂપાંતરણને જોવા અમે આતુર હતા. એ પહેલા આ નાટક વિશે થોડું રીસર્ચ કર્યું ત્યારે ખબર પડી કે આ તો ધુરંધરોએ ભજવેલ નાટક છે.

અમે સમય કરતા વહેલા પહોંચ્યા એટલે પછી સામે આવેલી આઇસક્રીમની દુકાનમાંથી રેડ વેલ્વેટ આઇસક્રીમ ઝાપટ્યો. પ્રબોધન ઠાકરે હોલમાં નીચે ચાલતા ગુર્જરીના પ્રદર્શનમાં પણ આંટો માર્યો. સૌ પહેલા અંદર ગયા અને બેલ વાગતા સૌ પહેલાં સભાગૃહમાં પણ પ્રવેશ્યા. અમને એમ કે ૧૨ વર્ષથી ઉપરના માટે જ નાટક હશે, પણ આ શું? કેટલાય ટાબરિયાં પ્રવેશ્યા. નાટક શરૂ થતાં પહેલાં મોબાઇલ અને ટાબરિયાંને બંધ રાખવાની સૂચના મળી જે આપણને ગમી. નાટક જોવા માટે કેટલીય જાણીતી હસ્તીઓ આવેલી, જેમને હું જાણતો નહોતો. (અને મને પણ તેઓ જાણતા નહોતા, જે સ્વાભાવિક છે!!) નાટક શરૂ કરતા પહેલા નોંધ અપાઇ કે જો તમને કવિતા ગમતી હોય તો આ નાટક ગમશે, જો તમે પ્રેમમાં પડ્યા હોય તો આ નાટક ગમશે. આપણને તો બંને બાબતોથી ૩૦૦ કિમીનું અંતર એટલે મન ઉંચુ રાખીને જોવાનું શરૂ કર્યું.

સૌ પ્રથમ તો આપણને પાશ્વ સંગીત અને સેટ ગમી ગયા. પરફેક્ટ. મને ખબર નહોતી કે નાટકમાં સેટ આટલો સરસ પ્રભાવ પાડી શકે છે. પ્રતિક ગાંધી અને શિવમ પારેખે પહેલા અંકમાં જ પ્રભાવ જમાવી દીધો. ભામિની ઓઝા ગાંધીનો અભિનય અત્યંત સુંદર. પ્રતિક અને ભામિનીની જોડી એકદમ નેચરલ લાગી. સંવાદો પણ મજાના અને ગંભીર વિષયમાં પણ હળવી રમૂજ લાવી દે એવા. છેલ્લા અંકમાં કેશવ અને તેના સંવાદોએ બાજી મારી દીધી. જ્યારે પ્રેમ અને તેવા વિષય આવ્યા ત્યારે અહીં નોંધ લેવી જરૂરી છે કે આ નાટક ૨૦ વર્ષ જૂનું છે, એ પરિપેક્ષમાં જોવું.

અને છેલ્લે, જ્યારે અમે બહાર નીકળ્યા ત્યારે ખુશ હતા. નાટકના પૈસા વસૂલ!

સાયકલિંગ અને પર્યાવરણ

* લોકોને એમ લાગે કે સાયકલિંગ કરવાથી પર્યાવરણને ફાયદો થાય છે અને એ લોકો પ્રદૂષણ ઓછું કરે છે, પરંતુ મારી નાની સાયકલિંગ કારકિર્દી પરથી લાગે છે કે આ વાત ખોટી છે. અમે જ્યારે સાયકલિંગ કરીએ છીએ તે ફિટનેસ કે શોખ માટે કરીએ છીએ. એવું જ રનિંગનું છે.

હા, એક જમાનો એવો આવશે કે નેધરલેન્ડ જેવા દેશની જેમ દેશમાં કાર કરતાં સાયકલ વધારે હશે ત્યારની વાત અલગ હશે.

(પરમ દિવસે ૩૦૦ બી.આર.એમ. કર્યા પછી ઉબેર-ઉબરમાં ઘરે પાછાં આવતા આવેલા કુવિચારો પરથી આ પોસ્ટ બની છે. કોઇ પર્યાવરણવાદીઓએ મને ધમકી આપવી નહી :))

અપડેટ્સ – ૨૧૫

* ફેબ્રુઆરીની જે રેસની આતુરતાની રાહ જોવાતી હતી તે ધ ઇમ્પોસિબલ રેસ (પોળોના જંગલમાં) કોઇક કારણોસર રદ થઇ છે, એટલે હવે થોડો ઉત્સાહ ઠંડો પડી ગયો છે. જોકે ગયા અઠવાડિયે ૫ કિમીની રનિંગ રેસમાં મારા વય-વર્ગમાં મારો ચોથો અને રિનિતનો છઠ્ઠો ક્રમાંક આવ્યો. જો પહેલાં ખબર હોત તો લોકો આટલું ધીમું દોડે છે તો વધુ મહેનત કરીને પોડિયમ પણ મેળવી લીધું હોત. હવે સ્ટ્રેટેજીક પ્લાનિંગ કરીને આવી ૫ કિમી રેસમાં પોડિયમ મેળવવું અઘરું નથી. મારી જાણ પ્રમાણે અમુક ખાસ લોકો આવું જ કરે છે. અજાણી રેસમાં જવાનું અને પહેલાં આવવાનું. જોકે તેમાં કંઇ ખોટું નથી જ. કવિનને પણ આ રીતે તૈયાર કરવામાં આવશે, પણ હજુ તે ૫ કિમી માટે તૈયાર નથી કે ૧૨ વર્ષ સિવાય મોટાભાગની રેસમાં ૫ કિમીમાં એન્ટ્રી મળતી પણ નથી.

* હવે આ મહિનામાં જ જૂની અને જાણીતી મુંબઈ-પુને-મુંબઈ બીઆરએમ છે, જે આરામથી પૂરી કરવામાં આવશે. એ પહેલા સાયકલિંગની શોપિંગનો સમય થઇ જશે.

* હા, એકવાર ફરી રસ્તા પર ભરાયેલા પાણીને કારણે પડ્યો, પણ કંઇ છોલાયું નથી, એટલું સારું છે. આ શનિ-રવિ લગભગ આરામ જ કર્યો. હા, બટાકા-ડુંગળીનું શાક અને ખીચડી બનાવવાની પદ્ધતિ શીખવામાં આવી. હવે, આવતા દિવસોમાં જાતે ટ્રાય કરાશે. “સ્વાદ અનુસાર નમક” ધ્યાનમાં રાખવું પડશે 😀

* ગઇકાલે મારી લોકલ ટ્રેનની સફરની કારકિર્દીમાં ત્રીજી વખત બોરિવલીના બદલે બાંદ્રાની લોકલ પકડી. તો સૌ બોલો મારી સાથે:

“B એટલે બાંદ્રા અને Bo એટલે બોરિવલી.”

ધીમું-ધીમું

* થોડા સમય પહેલાં 3જી આવ્યું ત્યારે 2જી ધીમું થઇ ગયું. હવે 4જી આવ્યું છે ત્યારે 3જી ધીમું ચાલે છે. આ મોબાઇલ કંપનીઓની ચાલ છે કે પછી મારો વહેમ છે? હા, પેલી એપલ કંપની જૂનાં ફોનને ધીમા કરતા પકડાઇ છે. કોઇ રોશન બજાજ આ વિશે પ્રકાશ પાડશે?

અપડેટ્સ – ૨૧૪

* ફેબ્રુઆરી મહિનો આવી ગયો છે. આપણો સૌથી મનગમતો મહિનો! સૌથી ઓછાં દિવસો વાળો ખરોને! જોકે નુકશાન એ પણ થાય કે ઓછાં દિવસો સાયકલિંગ-રનિંગ માટે મળે.

* આ વખતે સા.ફ્રા.માં ઠંડી (વત્તા વરસાદ)નો ભારે અનુભવ થયો. વધુમાં દરિયાકિનારો નજીક ન હોવાથી દોડવાના કાર્યક્રમો પણ બહુ ન થયા. સાયકલિંગનો કાર્યક્રમ સાયકલનું રેન્ટ જોઇને પડતો મૂકાયો (અને સાયકલિંગના કપડા પણ ભૂલી ગયેલો). હા, આ વખતે પણ બહુ બધાં મિત્રો મળ્યા. પ્રિમા, બાલાજી, ધ્રુવ (ADR) અને ઓફિસના મિત્રો તો ખરાં જ. પિનટ્રેસ્ટ અને સ્ટ્રાવાની ઓફિસોની મુલાકાત લીધી અને ખાવા-પીવામાં જલ્સા કર્યા. રાફાના સ્ટોરની મુલાકાત ન લેવાઇ એ અફસોસ રહેશે.

* પ્રવાસનો થાક હજુ ઉતર્યો હોય એમ લાગતું નથી. કુલ ૨૨ કલાકની બે ફ્લાઇટ્સ, ઇસ્તંબૂલ એરપોર્ટની સફર (ગેટ નં ૨૦૦ થી ૭૦૦!) અને ૧ કલાક બોરિંગ ઇમિગ્રેશન વત્તા ટેક્સી વાળાનો ત્રાસ સહન કરીને ઘરે આવીને તરત જ સામાજીક કાર્યક્રમમાં દોડ્યો. ત્યાં જલ્દી જવાનો હેતુ કવિનની કોમ્પિટિશન હતી, જે ૯.૩૦ની જગ્યાએ ૧૧.૩૦એ ચાલુ થઇ એટલે ત્યાં સુધી બેઠા-બેઠા ઝોકા ખાધા. પછી વાતોના વડા અને છેલ્લે લાડવા 🙂

* ગઇકાલે “ચલ મન જીતવા જઇએ” જોયું. ધાર્યા જેટલી મઝા ન આવી કારણકે બીજો ભાગ આધ્યાત્મ તરફ દોરી જતો હોય એમ લાગે છે. આપણને તો “તન જીતવા જઇએ” જેવું કંઇક, એટલે કે સાયકલિંગ-રનિંગ એવું કંઇ બતાવે તો મઝા આવે 😉 મજાક બાજુ પર મૂકીએ તો એકંદરે થોડીક ગ્લિચિસને બાદ કરતાં સરસ ફિલમ. મારા જેવા એંગર મેનેજમેન્ટના ક્લાસ કરતાં લોકો માટે ખાસ. સો ટકા જોવા જવાય. ઘણાં વખતે થિયેટર પણ હાઉસફૂલ જોયું.

* રવિવારે મારી પ્રથમ ૫ કિમીની રનિંગ રેસ છે. આ વખતે હું-કવિન અને રીનિત-હિરલ એમ કુટુંબમાંથી ચાર જણા દોડવાના છીએ એટલે મઝા આવશે. જોકે પાંચ કિમીની મારી પહેલી રેસથી હું થોડો નર્વસ છું. અને હા, ફેબ્રુઆરી અંતમાં બીજી સાયકલિંગ રેસ આવે છે!