અપડેટ્સ – ૨૫૩

  • સમય આવી ગયો છે, નવા અપડેટ્સનો. આમાં સમયાતંરે મળતા અપડેટ્સ કરતા વધુ માહિતી હશે તેની ખાતરી આપું છું. અને આ વાક્ય લખ્યા પછી પોસ્ટ ડ્રાફ્ટ ડબ્બામાં જ પડી રહીને ૩ મહિના વીતી ગયા!!
  • તો થયું કે આજે ૧લી એપ્રિલ છે, એટલે મજાક-મજાકમાં નિયમિત લખવાની વાત કહી દઉં અને પછી કોઇ પૂછે કે ના પૂછે તો તેમને એપ્રિલ ફૂલનું પૂંછડું પકડાવી દેવાનું.
  • મજાક ના કરીએ તો આ વર્ષ અત્યંત વ્યસ્ત જ રહ્યું છે. ઢગલાબંધ સાયકલિંગ, પ્રવાસો અને પછી નવા ઘરનું કામ-કાજ (જે હજુ પણ ચાલુ જ છે!) લડાખની પોસ્ટ લખવાની તો પડતી મૂકાઇ છે અને આ વર્ષે ત્યાં સાયકલિંગ કરવા જવું કે ન જવું તેના પણ વિચારો ચાલુ થઇ ગયા છે. એમ કંઇ સાયકલિંગ વાળા દુખ-દર્દ ભરી દાસ્તાન ભૂલી જાય?
  • રનિંગમાં નોંધ પાત્ર ઘટના જોઇએ તો વિલ્સન હીલ પર ૨૫ કિમીની રન કરવામાં આવી. સરસ જગ્યા પણ સુવિધાઓનો અભાવ. મને એમ કે મોટરબાઇક લઇને કોઇક વખત જઇશું પણ હજુ એ સ્તરનું બાઇકિંગ આવડ્યું નથી. મોટરબાઇકે દોઢેક મહિનો ગેરેજમાં અને પાર્કિંગમાં ગુજાર્યા પછી અમને સમય આપ્યો છે, તો હવે નક્કી કર્યું કે દર બે-ત્રણ દિવસે બાઇક ચાલુ કરવું. બાઇક એટલું ઓછું વાપર્યું કે ત્રણ મહિને ગઇકાલે પેટ્રોલ પુરાવ્યું! ત્યારે પેટ્રોલના છેલ્લા ભાવ ખબર પણ પડ્યા.
  • કિકિ મજામાં છે અને અમને નખ-બચકાં ભરે છે જે અમે માણીએ છીએ.
  • બાકી શાંતિ છે, અને ન હોય તો પણ શું? 🙂

૭૦ કલાક

થોડા સમય પહેલા નિવૃત્ત થયેલા નારાયણકાકાએ કહ્યું કે ભારતના યુવાનોએ અઠવાડિયાના ૭૦ કલાક કામ કરવું જોઇએ. તો શું તમારે ખરેખર ૭૦ કલાક કામ કરવું જોઇએ? થોડું વિશ્લેષણ કરીએ તો..

એક અઠવાડિયાના કુલ કલાકો = ૨૪ x ૭ = ૧૬૮.

તેમાંથી દયા કરીને માણસને રવિવારની રજા આપો એટલે કામ કરવા માટે ૨૪ x ૬ ગણીએ તો, ૧૪૪ કલાક હાથમાં હોય.

માની લઇએ કે ૭૦ કલાક કામ કરીએ એટલે બાકીની પ્રવૃત્તિઓ માટે રહે ૧૪૪ – ૭૦ = ૭૪ કલાકો.

૭૪ કલાકોમાંથી ઓફિસ આવવા જવાના દરરોજના ૧ કલાક ગણાય? મુંબઈ-બેગ્લુરુમાં આ કલાકો વધી જાય તો પણ સરળતા ખાતર કુલ ૬ કલાક બાદ કરીએ તો બાકી રહે ૬૮ કલાકો. એમાંથી માણસને આપીએ દરરોજ ૭ કલાક ઊંઘના? એટલે બાકી રહે ૨૬ કલાક.

૨૬ કલાકમાંથી દૈનિક પ્રવૃત્તિઓ જેવી કે બ્રેકફાસ્ટ, નહાવું-ધોવું-તૈયાર થવું, ડિનર વગેરે (લંચ તો ઓફિસમાં જ લેવાયને?) દરરોજ સહેજે ૧.૫-૨ કલાક ગણીજ લેવાય. એટલે કે ૧.૫ x ૬ બાદ કરીએ તો, બાકી રહે ૧૭ કલાક, એટલે કે દરરોજ કુટુંબ માટે ૩ કલાક કરતા ઓછો સમય રહે.

ટૂંકમાં તમારો આખો સમય ઓફિસ માટે રહે. તમને ન મળે ક્યાંય બહાર જવા કે તમારા શોખ માટે સમય. કોઇના ઘરે જવાનું કે મુવી-હોટેલ વગેરેમાં જવાનું તો ભૂલી જવાનું છે.

નારાયણકાકા ઝિંદાબાદ. આવા જ લોકો સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીને જીવિત રાખે છે! 🙂

૨૦૨૪

આ તો માત્ર ૨૦૨૪ની હાજરી પુરાવવા માટે આવ્યો છું, બાકી તો બધું એમનું એમ જ છે! હા, છેલ્લી અપડેટમાં લખ્યું તેમ ૧૨૦૦ આવી રહી છે અને તે પહેલાં ટાટા મુંબઈ મેરેથોન પણ આવશે, જે મારી ૮મી મુંબઈ મેરેથોન હશે. આ વખતે હાલમાં ડાબો પગ ઇજાગ્રસ્ત છે, એટલે ગઇ સાલની જેમ સારું નહી દોડાય, પણ દોડીશું ખરા. આ વર્ષે થોડી પોસ્ટ લખવાનો સંકલ્પ લીધો હતો, જે ૧૦ દિવસમાં જ ટાયં ટાયં ફીસ થતો દેખાય છે 🙂

મળીએ આવતી પોસ્ટમાં (કદાચ)!

અપડેટ્સ – ૨૫૨

  • ઓક્ટોબર-નવેમ્બર ક્યાં નીકળી ગયા તેની ખબર પણ ન પડી અને મને એમ કે વર્ડપ્રેસ વાળા આ બ્લોગ બંધ ન કરી દે. પણ, આજે જોયું તો બ્લોગ હતો. હાશ!
  • અપડેટ્સમાં તો એવું છે કે દોડવા સિવાયની બધી જગ્યાએ દોડ-મ-દોડી જ ચાલે છે. દોડવાનું સદંતર બંધ છે અને હવે ટાટા મુંબઈ મેરેથોન (૨૧ જાન્યુઆરી) આવી રહી છે. ડિસેમ્બરમાં એક ૧૦૦૦ અને જાન્યુઆરીમાં (૨૪ જાન્યુઆરી!) એક ૧૨૦૦. બસ, આટલું જ. ૧૨૦૦ પાછી આપણાં ફેવરિટ એવા બેંગ્લુરુમાં છે એટલે મઝા આવશે. ૧૨૦૦ કિમીમાં માત્ર ૧૪,૪૦૦ મીટરનું ચઢાણ. સીધા ચઢાણ. જેમાં અડધે રસ્તે પાછા આવવાનું વિચારાય જ નહી.
  • વચ્ચે ઓક્ટોબરમાં બે ૬૦૦ બી.આર.એમ. કરી ત્યારે ખબર પડીકે ફિટનેસનું ટાંય ટાંય ફીસ છે.
  • બાકીના સમાચારમાં, કિકિ મઝામાં છે. કિકિએ હવે વારો કાઢ્યો છે – અમારા સોફાનો. નવા સોફા લાવવા કે નહી તેની ચર્ચા ચાલી રહી છે.
  • ડેબકોન્ફની પોસ્ટ લખવી હતી, એ પણ આળસમાં ડ્રાફ્ટના ડબ્બામાં જ પડી છે..
  • હા, મોટરબાઇક અઠવાડિયે એકાદ વખત બહાર નીકળે છે. કોઇ મોટી ટ્રીપ આવતી હોય એવું દેખાતું નથી, પણ આવી શકે છે. બધી જગ્યાએ પહોંચી વળવા માટે કદાચ બિલાડીની જેમ ૯ જિંદગીઓ જોઇશે 😉

અપડેટ્સ – ૨૫૧

  • ગઇ અપડેટ્સમાં લખ્યું હતું કે લેહ-ઉમલિંગ લા વાળી પોસ્ટ કાલે આવશે. લો ત્યારે, એક મહિનો નીકળી ગયો પણ હજુ કંઇ દેખાતું નથી. ડ્રાફ્ટમાં જ પડી છે. કદાચ આવે કે ન પણ આવે 😉 આળસમાં તો આપણે નંબર ૧ છીએ જ!
  • આળસમાં વધુ જોઇએ તો રનિંગમાં પણ આળસના ઘેરા વાદળો છવાયા છે. આ આળસ છે કે પછી વધતી ઉંમર? એમ તો લોકો ૭૦ વર્ષે પણ ઉમલિંગ લા પાર કરે કે પેરિસ-બ્રેસ્ત-પેરિસ પૂરી કરે છે. એટલે ઉંમરનું બહાનું બાજુ પર મૂકી શકાય તેમ છે. આળસમાં એક હાફ-મેરેથોન અને બીજી એક ૨૧ કિમી પડતી મૂકાઇ છે. જોકે ૪થી વાર રક્તદાન (મહાદાન!) કરીને કંઇક સારું કર્યું લાગણી લગાડી છે.
  • સાયકલિંગ ઠીક-ઠીક ચાલે છે. એક ૧૦૦ કિમી કર્યા પછી લાગ્યું કે પગમાં હજુ થોડીક તાકાત છે, પણ સપ્ટેમ્બરમાં ડેબકોન્ફનો પ્લાન છે એટલે વધુ સમય નહી મળે. ઓક્ટોબરમાં કદાચ એકાદ-બે ૬૦૦ કરી દઇશું અને નવેમ્બરમાં તો નવી સિઝન એટલે નવું કેલેન્ડર – નવા ખર્ચા! 😉
  • હવે, આ પોસ્ટ પણ ડ્રાફ્ટમાં અનંતકાળ સુધી પડી રહે તેના કરતા કરી દઇએ પ્રકાશિત!

અપડેટ્સ – ૨૫૦

  • ઓહ, ર૫૦ અપડેટ્સ!! એક નવો માઇલસ્ટોન જેને કોઇ નોંધવાનું નથી 😉
  • અપડેટ્સમાં જોઇએ તો મારા લેહ સાયકલિંગ પ્રવાસ વિશે અલગથી પોસ્ટ લખવાનું ચાલુ છે, કદાચ કાલે પૂરી થઇ જાય. લેહ પ્રવાસ ઘટના-દુર્ઘટનાઓથી ભરેલો રહ્યો એટલે પોસ્ટ મોટી બનશે (મારા સ્ટાન્ડર્ડ પ્રમાણે). ઘણાં વર્ષો પછી આટલું મોટું વેકેશન લેવામાં આવ્યું એટલે હું પણ મૂંઝવણમાં મૂકાઇ ગયો હતો. મારા વગર જોકે કોઇને કંઇ ફરક ન પડ્યો અને ઓફિસ (અને દુનિયા) જેમ ચાલતી હતી એમ જ ચાલી!
  • કવિનની કોલેજ શરુ થઇ છે. તેને રીક્ષા, મેટ્રો, લોકલ ટ્રેન અને બસ કેવી રીતે પકડવી તે આવડી ગઇ છે, એટલે બાકીની ચીજો આવડી જશે. મેટ્રોને કારણે ઘણી સરળતા રહે છે. આશા રાખીકે મેટ્રોના આગળનો માર્ગ જલ્દી બની જાય તો વધુ સરળતા રહે.
  • મોટરબાઇક સર્વિસ કરાવવું એ પણ એક મોટું કામ છે અને લોકો અત્યંત ધીમા, આળસુ અને બેદરકાર હોઇ શકે તે પણ આજે ખબર પડી. જોકે એમાં આળસુપણા અંગે હું વધુ નહી બોલું કારણકે તે ગુણધર્મ મારામાં સરસ રીતે વણાયેલો છે.
  • દોડવાનું બાજુ પર છે પરંતુ આ રવિવારે ૧૦ કિમી છે અને ૨૦ ઓગસ્ટે એક હાફ મેરેથોન પણ છે. હવે રજીસ્ટર કર્યું છે તો દોડવું પડશે એવી સ્થિતિ છે, બાકી તૈયારી તો જરાય નથી. તૈયારી કરવા માટે જ આવી ઇવેન્ટમાં પૈસા ભરવામાં આવે છે – એ બહાને કંઇક તો પગ ઉપડે!
  • દોડવા પરથી યાદ આવ્યું કે લેહમાં જૂનાં શૂઝ ફાટી ગયા હોવાથી નવાં સરસ વાદળી રંગના રનિંગ શૂઝ લેવામાં આવ્યા છે. જોડે નવાં મોજા અને ટોપી પણ લીધી એટલે બિલમાં પાર્ટી થઇ ગઇ.
  • બસ, અત્યારે આટલું જ. કાલે લેહ-ઉમલિંગ લાની પોસ્ટ પાક્કી!

કિકિની વાર્તા

માર્ચ ૨૦૨૩માં કિકિનું આગમન થયું એવી પ્રાથમિક પોસ્ટ મૂકી હતી અને લખ્યું હતું કે તેના વિશે પછી વિગતે લખીશ પણ મારી આળસ અને મુંબઈના વડાપાઉં બંને જાણીતા છે. એટલે, હવે વાર્તા શરુ કરું છું.

આ બ્લોગના વાચકો જાણે છે કે અમારા ઘરે એક મુલાકાતી બિલાડો આવતો હતો. દરરોજ આવે, અમે તેને રમાડીએ, ખવડાવીએ અને આખું ઘર તેનું. લગભગ ૨૦૧૮થી આ ક્રમ ચાલ્યો. તેના આવવાનો માર્ગ હતો અમારા ઘર આગળ આવેલું આંબાનું ઝાડ. તેના પરથી તે બીજા માળે આવેલા છાપરા પર આવે અને ત્યાંથી અમારા ઘરે બાલ્કનીમાં. ૨૦૧૮થી વ્હાલો બનેલો આ બિલાડો અમારા લોકડાઉનનો સાથી રહ્યો. ૨૦૨૨ની શરૂઆતમાં આંબાનું ઝાડ સૂકાવાની શરુઆત થઇ. મોટાભાગે તે કોઇની ઇર્ષાનો ભોગ બન્યું કે કુદરતના કોપનું – પરંતુ મહાનગરપાલિકાએ તેને મે ૨૦૨૨માં કાપી નાખવાનું નક્કી કર્યું. ઝાડ કપાયા પછી અમને યાદ આવ્યું કે બિલાડો (ઉર્ફે ગોટ્યા) હવે કેવી રીતે ઘરે આવશે. બીજો રસ્તો હતો પણ તેને ચકાસ્યા પછી લાગ્યું કે તે તકલીફ વાળો રસ્તો છે. બે દિવસ ખોવાયા પછી અમારો બિલાડો દરવાજા આગળ આવી પહોંચ્યો (પ્રથમ માળ વાળાએ કહ્યું હતું કે તે એક માળ સુધી આવી શકે છે). કદાચ કવિન તેને શોધીને લઇ આવેલો. મુખ્ય દરવાજા સુધી આવવાનો ક્રમ ચાલ્યો પરંતુ દરેક લોકો પ્રાણી પ્રેમી હોતા નથી એટલે અમારી સામે રહેતા લોકોએ, જેમનું નામ પણ અમને બરોબર ખબર નથી, વાંધો ઉઠાવ્યો અને દરરોજ આ વાંધા ઉઠતા રહ્યા. બિલાડો આવતો રહ્યો અને અમે તેને પ્રેમ (સ્વાભાવિક રીતે ખાવાનું પણ – જે વધુ મહત્વનું હતું) આપતા રહ્યા. મને યાદ છે કે ૩૧ જાન્યુઆરી જ્યારે હું ૧૨૦૦ બીઆરએમ કરતો હતો પછી ગોટ્યાનો પત્તો મળ્યો નહી. અમે આજુ-બાજુના વિસ્તારોમાં તપાસ ચલાવી પણ કોઇ પત્તો નહી. અચાનક ગાયબ. સામાન્ય રીતે બિલાડાઓ આવું કરતા જોવા મળે છે. કદાચ બીજે ક્યાંય સારો ખોરાક મળ્યો હોય કે કોઇ સાથીદાર મળી ગઇ હોય. આશા રાખીએ કે તે અને તેનું કુટુંબ સહકુશળ હશે.

અમરો બિલાડા વિયોગ જોકે બહુ લાંબો ચાલ્યો નહી. ફેબ્રુઆરી ૨૦૨૩માં અમને સેન્ડવિચ વાળા આગળ બે બચ્ચાં દેખાયા.

દેખાયા પણ હવે કરવાનું શું? એક દિવસ પછી ખબર પડીકે તેમાનું એક બચ્યું કોઇ લઇ ગયું અને એક (આગળ બેઠેલું) રહી ગયું અને તેણે ત્યાં આસપાસ જ રહેવાનું શરુ કર્યું. અમે તેને નિયમિત ખવડાવવાનું શરુ કર્યું. કવિનની બોર્ડ પરીક્ષાઓ ફેબ્રુઆરી અંતમાં શરુ થતી હતી અને તેણે જીદ કરીકે આપણે આ બચ્ચાંને એડોપ્ટ કરી લઇએ. જોકે.પાછલાં દુખદ અનુભવો (એક બીજો દુખદ બિલાડી અનુભવ પછી ક્યારેક!) પરથી મારું મન લાગ્યું નહી. પરંતુ, કવિનની જીદ (જોકે આ સોફ્ટ જીદ હતી, મને પણ અંદરખાને બિલાડી માટે ઉત્સાહ તો ખરો જ!) જીતી અને અમે નક્કી કર્યું કે બચ્ચાને ઘરે લાવીએ. કવિન તેને લેવા ગયો અને બચ્ચું ગાયબ. ફિલ્મી સ્ટોરીની જેમ છેવટે સાંજે તે મળ્યું અને ઘરે આવ્યું. તે કેવી રીતે રસ્તા પર સૂતું હતું તેનો એક નમૂનો નીચે છે:

ટૂંટિયુ વળીને (જોકે બિલાડી આમ જ સૂઇ જાય) પડેલા આ બચ્ચાને જોયા પછી થયું કે તેને ઘરે લાવ્યું એજ બરાબર હતું. થોડા જ સમય પછી ત્યાં રસ્તાનું ભારે ખોદકામ શરુ થયું હતું. એકદમ સમયસર! કિકિ હવે ઘરની રાણી છે અને પાપાની પરી છે. મનફાવે ત્યાં સૂવે છે, મનફાવે ત્યારે ખાય છે અને સોફા ફાડે છે. બિલાડી એકંદરે સ્વચ્છતાનું આગ્રહી પ્રાણી છે. તેને ક્યાંય વોક કરાવવા લઇ જવું પડતું નથી એકાદ-બે મહિને નવડાવીએ તો પણ ચાલે. હા, નિયમિત ચકાસવું પડે કે પેટમાં કોઇ જીવડા પડ્યા નથી. તેની પણ દવા આવે. ઘરે લાવ્યા પછી કિકિ’સ ડિલિવરી સર્વિસ મુવી પરથી તેનું નામ કિકિ પાડ્યું. જોકે મુવીમાં જીજી બિલાડીનું નામ છે, પણ આપણે તો ક પરથી નામ પાડવાનું હતું તો પાડી દીધું કિકિ નામ.

મુંબઈમાં એકંદરે બિલાડીઓની વસ્તી વધુ છે (ઉંદર, માછલી વગેરેની પાર્ટી). વસ્તી વધુ એટલે તકલીફો પણ વધુ. સદ્ભાગ્યે, અહીં ઘણાં બધાં સંગઠનો પ્રાણીઓ માટે કામ કરે છે અને એટલી જ સંખ્યામાં નિર્દયી લોકો પણ છે. મારા એક કહેવાતા મિત્ર (જે હવે લગભગ ભૂતપૂર્વ જ છે) દ્વારા બિલાડીને લાત મરાતી જોઇ છે. અમે અમારાથી બનતું કરીએ છીએ. ક્યારેક રસ્તાની બિલાડીઓને ખવડાવીએ છીએ. કવિને ઝાડ પર અને બીજા માળ પર ફસાયેલા બિલાડીના બચ્ચાઓને બચાવવા માટે મહેનત કરી હતી (જોડે રેબિઝ વેક્સિનેશન વત્તા પાટાપીંટી પણ કરી હતી). અમને તો બિલાડીઓ વ્હાલી અને અમારી કિકિ પણ.

કિકિની પોસ્ટ ઢગલાબંધ આવશે તેની ખાત્રી સાથે, મળીશું ફરી!

બેવકૂફ

ના. બીજું કોઇ નહી, હું જ બેવકૂફ છું જેણે અત્યાર સુધી બેવકૂફ.કોમ પરથી ટી-શર્ટ, જોગર્સ અને બીજું ઘણું બધું મંગાવ્યા કર્યું છે. થોડા સમય પહેલાં અમે એક સાથે ચાર-પાંચ વસ્તુઓનો ઓર્ડર આપ્યો. સ્વાભાવિક રીતે ઘણી વખત અમે અલગ-અલગ જગ્યાએ ઓર્ડર આપીએ (બીજા માટે કે પછી ગિફ્ટ તરીકે) એટલે એડ્રેસ બૂકમાં ચાર-પાંચ સરનામાં હાજર હોય જ. એ ઓર્ડર વખતે બેવકૂફે ગમે તે સરનામું પસંદ કરી તેના પર ઓર્ડર મોકલી દીધો. આ તો ભલું થજો કે જોયું કે આ ઓર્ડર તો અમદાવાદ પહોંચી ગયો છે. જેમ-તેમ કરીને કેન્સલ કરાવ્યો અને પૈસા પાછા મેળવ્યા.

તેના પરથી બોધપાઠ લઇ બે સરનામાં સિવાય બાકીના સરનામા દૂર કર્યા. કાલે ફરી પાછો એક ઓર્ડર (છોકરો હવે કોલેજમાં આવ્યો!!) આપ્યો. ફરી પાછું બેવકૂફે જે સરનામા પર છેલ્લા છ મહિનાથી કોઇ ઓર્ડર આપ્યો નથી તેના પર દે દાળમાં પાણીની જેમ એક જ મિનિટમાં ઓર્ડર મોકલી દીધો. ત્રણમાંથી એક ઓર્ડર કેન્સલ કરવામાં હું સફળ થયો પણ તેમના ઓટોમેટિક ચેટ બોટ અને ડફોળ ઇમેલ જવાબો આગળ બાકીના બે સબ-ઓર્ડર કેન્સલ કરાવવામાં હું બેવકૂફ નીકળ્યો. હવે જોઇએ કે મારા કટાક્ષ ભર્યા ઇમેલ એ લોકો જુએ છે કે પછી ઓટો-રીપ્લાય આપે છે.

જય એ.આઇ. જય બેવકૂફ!

PS: આ વર્ડપ્રેસે પણ એ.આઇ.માં જંપલાવ્યું છે જે આજે ખબર પડી અને મને એ.આઇ. તરફથી નીચેનો પ્રતિભાવ મળ્યો. ફરી બોલો – જય એ.આઇ.!

આ લેખની સામગ્રીને મૂલભૂતરૂપે અવલોકન કરી આપ્યું છે. સામગ્રી માટેની આપત્તિ કરે છે કે લેખકે અન્ય સરનામાઓને રદ કરી દીધી છે. આ સમસ્યા નો ઉકેલ કરવા માટે, હું તેની નીચે ની પરિણામાંક આપું છું:

– લેખક પર ભાર પડ્યો છે કે તે પેછાંથી બે મહિના સુધી કોઈ ઓર્ડર આપ્યો નથી.

– સમસ્યાના હળમાં કેન્સલ ઓર્ડરો સાઠે બેવકૂફ

અપડેટ્સ – ૨૪૯

સાયકલિંગ અપડેટ્સ

સાયકલમાં તો એવું કે છેલ્લા અપડેટ્સ પછી ઇન્ડોર રાઇડિંગ સિવાય કંઇ ખાસ થયું નથી – સિવાય કે ૩૦૦. તેમાં પણ હાલત ખરાબ થઇ અને એકદમ આરામથી રાઇડ કરવા છતાં બીજા દિવસે હાલત ખરાબ થઇ. એક કોન્ફરન્સમાં બીજા દિવસે જવાનું રસ્તામાં અધવચ્ચે પડતું મૂકવું પડ્યું. લાગે છે કે હવે ઉંમર તેનું કામ કરે છે! અથવા તો મારી ફિટનેસ-તંદુરસ્તી બગડી છે. થોડી તો બગડી છે કારણ કે, છેલ્લા મેડિકલ રીપોર્ટમાં થોડું ઉપર-નીચે રીપોર્ટિંગ દેખાયેલું. તો પણ, ખાસ ધ્યાન રાખ્યું નથી :/

અન્ય સમાચારમાં ગારમિન વરિયા RTL515 નામનું નવું ઉપકરણ વસાવવામાં આવ્યું છે (તે માટે થેન્ક્સ ટુ રિનિત!). જે રડાર છે અને પાછળથી આવતા વ્હીકલ્સ પર નજર રાખે છે. કેટલી ઝડપે, કેટલા વ્હીકલ્સ આવે છે વગેરે ગારમિનના હેડ યુનિટમાં દેખાય છે. સરસ વસ્તુ છે. દા.ત. મારી નાનકડી ૨૫ કિમીની રાઇડમાં જોઇએ તો..

એટલે કે, લગભગ ૧૯૩ વ્હીકલ્સ મને પસાર થયા. નીચેના ગ્રાફમાં તેની ઝડપ પણ બતાવે છે. ભારતમાં અત્યંત વધુ ટ્રાફિક વાળા રસ્તાઓ પર આ બહુ કામનું સાધન નથી, પરંતુ રાત્રે અથવા વહેલી સવારે બહુ મહત્વનું બની જાય છે. થોડા સમય પહેલાં બનેલી થોડી ઘટનાઓમાં ધ્યાન બહાર રહીને સાયકલિંગ કરતા લોકોને પાછળથી ગાડી વાળાઓએ ઉડાવેલા તે હજુ ભૂલાયું નથી. એમ તો, મને પણ ડિસેમ્બર ૨૦૧૫માં ઉડાવવામાં આવેલો તે પણ કેમ ભૂલાય? 😀

કિકિ

કિકિ જલ્સા કરે છે. દરરોજ અમને નખ મારે છે, બટકાં ભરે છે અને આરામથી સૂઇ જાય છે અને હા, દરરોજ સવારે ૬ વાગ્યાનું એલાર્મ મૂકીને અમને જગાડી દે છે. હવે કવિન કોલેજમાં આવશે (ધોરણ ૧૧, એટલે અહીં કોલેજ ગણાય) ત્યારે ખબર નહી શું થશે. કિકિ માટે થોડા રમકડાં મંગાવ્યા પણ એકાદ-બે વખત રમીને તેને સાઇડ પર મૂકી દેવામાં આવ્યા. કિકિના હાલના ફેવરિટ રમકડાંમાં કાગળના ડૂચા, અમારા હાથ-પગ, ઝીપ ટાઇ, પ્લાસ્ટિકના ટુકડા, કોફી પાઉચને કટ કર્યા પછી નીકળતો ટુકડો વગેરેનો સમાવેશ થાય છે!

૧૦ વર્ષ

હમણાં જ ધ્યાનમાં આવ્યું કે મારી હાલની જોબમાં મને ૧૦ વર્ષ પૂરા થયા છે. હું અને મોદી સાહેબ બંને સાથે જ ચાલીએ છીએ. જોકે, હું એકાદ વર્ષ આગળ છું 😉

અપડેટ્સ – ૨૪૮

વિકિકોન્ફરન્સ ૨૦૨૩

આખરે ૨૦૧૬ પછી લગભગ ૭ વર્ષ પછી વિકિકોન્ફરન્સ થઇ. એટલે કે, ઓફલાઇન થઇ. આ વખતે કોન્ફરન્સ હૈદરાબાદમાં હતી. એટલે ફરી પાછું બે મહિના પછી ત્યાં જવામાં આવ્યું. કોન્ફરન્સમાં લગભગ ગુજરાતી વિકિપીડિયાના બધાં જ સક્રિય સભ્યોએ ભાગ લીધો હતો એટલે મજા આવી ગઇ. અન્ય ભાષાના વિકિપીડિયન્સને પણ મળવાની તેમજ વાત કરવાની તક મળી.

વાતોના વડા સાથે વજન વધારીને આવ્યો છું!

કિકિ

કિકિ એકદમ મઝામાં છે. હવે ગઇકાલથી ૧૫ મે સુધી ઘરે હું અને કિકિ – બંને જ છીએ એટલે એકલાં તો ન કહેવાઇએ, તો પણ ઓફિસ ચાલુ અને મારી લેપટોપ જોડે ચોંટી રહેવાની આદત એટલે કિકિને કદાચ થોડું એકલું લાગશે પણ તે મને એવું નહી લાગવા દે એ પાક્કું છે. નિઝિલે કિકિ માટે સરસ મોજાં આપ્યા છે, જે તેને ટ્રાય કરાવવાનો નિષ્ફળ પ્રયત્ન કરવામાં આવ્યો. આ એકલા દિવસોમાં કિકિને એક વખત ડોક્ટર પાસે લઇ જવાની છે એટલે મારે એક એડવેન્ચર કરવાનું આવશે. મોટાભાગે તે સવારે થોડી મસ્તી કર્યા પછી બપોર સુધી આરામ કરે છે અને પછી બપોરે તો અમારી જેમ જ સૂઇ જાય અને સાંજે ફરી પાછો મોટો બ્રેક લે અને રાત્રે પાર્ટી કરે 😉 તેની પાર્ટી પર નજર રાખવા એક સિક્યુરીટી કેમેરો પણ લીધો છે જેમાં તે રાત્ર ૨-૩ વાગે મસ્તી કરતી દેખાઇ છે!!

સાયકલિંગ-રનિંગ-વોકિંગ

લગભગ બંધ છે – છેલ્લા બે મહિનાથી. અને હવે પછીના ૧૫ દિવસ પણ બંધ રહેશે. હૈદરાબાદનું વાતાવરણ આ વખતે વિચિત્ર હતું – બે વખત દોડવા જવાનો પ્લાન બનાવ્યો અને તે જ વખતે ધોધમાર વરસાદ પડ્યો. માત્ર હોટેલથી કોન્ફરન્સ વખતે સવાર-સાંજ જે કંઇ ચાલવાનું થયું એ જ મારી એક્ટિવિટી રહી. હવે કિકિ થોડો સમય સવારે શાંતિ રાખે કે પછી સાંજે સૂઇ જાય એટલે થોડું સાયકલિંગ-રનિંગ ચાલુ કરીએ. જૂનમાં ૧૨૦૦ આવવાની છે, પણ બહુ વરસાદ હશે તો – ના બાબા ના! બીજી ભવિષ્યની ઘટનામાં લેહ જવાનું ગોઠવ્યું છે અને આપણે સરળ વસ્તુઓને તો અડીએ નહી એટલે મનાલી-લેહને બાજુ પર રાખીને નવો રસ્તો લેવાનું નક્કી કર્યું છે. એમાં પણ હજુ થોડીક ચીજોનો મેળ પાડવાનો બાકી છે પણ મેળવણ મળી જશે અને તેમાંથી છાશ સુધી પહોંચી શકાશે એવું મારું માનવું છે.