મારી ડ્રીમ જોબ – મોજાજોજો!

.. એટલે કે મોજાંની એક મસ્ત દુકાન બનાવવાની.

આ પણ જુઓ: સોકડોપિંગ

ધ હાફ ગર્લફ્રેન્ડ

* મારો નવો મોબાઈલ ફોન ૮ જીબી રેમ અને ૧૨૮ જીબી સંગ્રહ ક્ષમતા ધરાવે છે. મારું લેપટોપ ૧૬ જીબી રેમ અને ૨૫૬ જીબી હાર્ડડિસ્ક ધરાવે છે. એટલે કે મોબાઈલ લેપટોપ કરતાં અડધો છે. એટલે કે તે મારી ગર્લફ્રેન્ડ થયો ને? 😀 જોકે મેકબૂક હવે ગમતું નથી એટલે નવું લેપટોપ ઓફિસમાંથી આવે ત્યારે આ હાફ ગર્લફ્રેન્ડ કદાચ ક્વાર્ટર ગર્લફ્રેન્ડ બને તો નવાઇ નહી.

નવો ફોન

* એમ તો આ વર્ષમાં નવો મોબાઈલ લેવાની જરાય ઇચ્છા (કે બજેટ પણ) નહોતી. પણ, જૂનાં વન પ્લસ વનમાં એક નહી પણ બે તિરાડો પડી ત્યારે થયું કે હવે સમય આવી ગયો છે, નવો મોબાઈલ લેવાનો. અને નવો મોબાઈલ ગઇકાલે આવ્યો. મોટાભાગનું સેટઅપ થયું (સૌ પહેલાં તો જીમેલ અને પછી સ્ટ્રાવા સેટઅપ કર્યું એ કહેવું પડે? :D) અને થોડું બાકી હતું એટલે મને થયું કે રવિવારે સાંજે આરામથી કરીશું. આજે સવારે ૧૦૦ કિમીની રાઇડનો કાર્યક્રમ બનાવેલો તે મુજબ વરઇથી રીટર્ન થવાનું હતું. સૌ પહેલાં તો વરસાદની મઝા માણીને વિરાર ટોલનાકા આગળ પહોંચ્યો ત્યારે ભૂલની બીજી લેનમાં (ટ્રક) જતો રહ્યો અને આગળ ભીડ હતી. હજુ કંઇ સમજું એ પહેલાં તો બ્રેક મારવી પડી હું ઘડામ દઇને પડ્યો (ક્લિટ પેડલ અને શૂઝના પૈસા વસૂલ!). કંઇ વાગ્યુ નહી પણ પેલા બે તિરાડ પડેલા ફોનમાં વધુ તિરાડો પડી અને સ્ક્રિને બાય-બાય કહ્યું. કિરણની રાહ જોઇ અને પછી અમે આગળ વધ્યા. ટર્નિંગ પોઇન્ટ પર કોઇક કલાકારે કરેલા મસ્ત ખાડાથી કિરણની સાયકલમાં પંકચર પડ્યું અને અમે સ્માર્ટ લોકો પંપ નહોતા લઇ ગયેલા. આમ-તેમ થોડીવાર પંકચર વાળાને શોધ્યો અને કિરણ પંકચર રીપેર કરે હું આગળ નીકળું એવું નક્કી કરી હું પાછો વાળ્યો. છેક ઘોડબંદરના પુલ સુધી મસ્ત ચલાવી પણ ત્યાં આપણાં એ માનીતા પુલ પર કાંકરીઓના ઢગલામાં સાયકલ ફસાઇ ગઇ અને ફરી પાછો મસ્ત રીતે પડ્યો. બે-ત્રણ લોકોએ મને મદદ કરી પણ શૂઝ પેડલમાં ભરાઇ ગયા હતા તે નીકળતા નહોતા. હવે આ ક્લિક-અનક્લિટ તરત થાય એવું શીખવું પડશે. ફરી આગળ વધ્યો અને આરામથી અમારા માનીતા ચા વાળાની પાસે આવી ચા પીધી અને ઘર તરફ વળ્યો.

બોધપાઠ:
૧. જોડે પંપ લઇ જવો.
૨. ફોનનું વધુ સારું કવર લેવું.
૩. કાંકરીઓના ઢગલાં અને ટોલ-નાકાના બમ્પથી સંભાળવું.
૪. હવે તો ગારમિન છે એટલે પેલા જીઓના ફોનની તપાસ કરવી.

અને હા, નવો ફોન સરસ છે. મારા ઉપકરણો પાનાંમાં ઉમેરવાની જરૂર છે!

વડાપાઉં ટીવી

* આપણે હજુ જિઓના ગ્રાહક ન બન્યા હોવાથી પેલા વડાપાઉંના જ અમૂલ્ય ગ્રાહક છીએ અને એકંદરે હજુ સુધી કોઇ અડચણ તેની સેવાઓમાં આવી નહોતી. જોકે ત્રણેક દિવસ પહેલાં ૩૪૯ રૂપિયાનું રીચાર્જ કરાવ્યું જેમાં દરરોજ ૧ જીબી ઇન્ટરનેટ અને અનલિમિટેડ કોલ-SMS મળે (તા.ક. શરતો લાગુ!). રીચાર્જ કરાવ્યાના એક દિવસ પછી વડાપાઉંમાંથી SMS આવ્યો કે, તમારું વોડાફોન ટીવી સબસ્ક્રિપ્શન એક્ટિવ થયું છે, તો ૧૪ રૂપિયા કપાઇ ગયા છે. હવે આપણે તો મોબાઇલમાં તારક મહેતાના ઉલ્ટા ચશ્મા(હ)ના પોપટલાલની જેમ મોબાઇલમાં આમેય બેલેન્સ ઓછું રાખીએ એમાં આ વડાપાઉં ૭૫ રૂપિયા કાપી દે તો દર વખતે તમારું બેલેન્સ ઓછું છે એમ સાંભળવું પડે! એટલે એ ન સાંભળવા માટે ૧૦૦ રૂપિયાનું રીચાર્જ કર્યું અને અનસબસ્ક્રાઇબ માટેનો સંદેશો કર્યો. મને એમ કે હવે શાંતિ. પણ ગઇ કાલે ફરી પાછો સંદેશ આવ્યો કે તમારા વડાપાઉં ટીવી માટે ૭૫ રૂપિયા કપાઇ ગયા છે :/ મને થયું કે હવે અનસબસ્ક્રાઇબ માટે SMS કર્યે નહી ચાલે અને આપેલા નંબર પર કોલ કર્યો અને છેવટે આ ટીવી બંધ કરાવ્યું.

વડાપાઉં ટીવીની કમાલ

પ્રશ્નો:
૧. શા માટે વડાપાઉં ટીવી પૂછ્યા વગર ચાલુ થયું?
૨. અમારું એ લઇ જજો જી ટીવી બગડ્યું એટલે અમારે વડપાઉં ટીવી જોવાનું?
૩. આવા ટીવીઓ બંધ કરાવવાની પ્રક્રિયા અઘરી કેમ?

આવાં તો કેટલાય પ્રશ્નો-પ્રતિપ્રશ્નો ઉદ્ભવે છે, પણ અત્યારે હવે વડાપાઉં ખાવાનો બહુ ઇચ્છા નથી 🙂

ભણતર વિનાનો ભાર

એમાં થયું એવું કે ગઇકાલે કવિનને હિંદીમાં હોમવર્ક મળ્યું. હોમવર્ક તો ભલે આપ્યું પણ તે શું હતું? હિંદીની ચોપડીમાંથી ચાર પાનાઓ કોપી કરીને બેઠ્ઠા લખવા. હવે મને યાદ છે ત્યાં સુધી મારી શાળામાં આવું કોપી-પેસ્ટ હોમવર્ક તો નહોતું જ મળતું (અને મળતું હશે તો હું પૂરું નહીં કરતો હોઉં!). પણ, હવે ૨૦૧૭માં ICSE શાળાના શિક્ષકો ૧૯૧૭ પ્રકારનું હોમવર્ક આપે ત્યારે થોડું લાગી આવે અને ભાર વિનાનું ભણતર, ભણતર વિનાનો ભાર બની જાય :/

ફરક

નવી સાયકલ આવ્યા પછી જીવનમાં મોટો ફરક પડ્યો છે. એજ કે પહેલા હું મારા દિવસનો એકાદ કલાક વિકિપીડિયામાં પસાર કરતો હતો, હવે એ કલાક સાયકલ સાફ કરવામાં જાય છે 😉

ડેબકોન્ફ – થોડી ટિટબિટ્સ..

* મોટાભાગે બધી ટોક ટેકનિકલ હતી. સરસ!

* પહેલા બે દિવસ બપોરે ભરપૂર ખાધા પછી બહુ ઉંઘ આવતી હતી એટલે પછી બ્રેકફાસ્ટ પર ધ્યાન આપ્યું અને હળવું લંચ કર્યું.
* બ્રેકફાસ્ટમાં ચીઝ અને બટર ભરપૂર હતા. મોન્ટ્રિઆલના ફેમસ એવા બેંગલ અને કેનેડાનો ફેમસ એવો મેપલ સિરપ પણ! એટલે આપણને મઝા પડી.

* શાવર ઉર્ફે બાથરૂમની જગ્યા ભૂલભલામણી વાળી હતી વત્તા ૫ માળ પર હતી. અને પાછાં યુરોપિયન સ્ટાઇલના ઓપન શાવર. પણ નહાવું તો પડે એટલે શરમ પડતી મૂકીને નહાવું પડ્યું 😉
* સ્લિપિંગ બેગ બહુ કામમાં આવી. હવે, આવતા પ્રવાસમાં પણ તેનો ઉપયોગ થશે.
* કોન્ફરન્સથી નજીકમાં સરસ પાર્ક હતો તો તેનો સદ્ઉપયોગ નિયમિત દોડવા માટે થયો. લગભગ ૫ વખત દોડ્યો અને ૨ વખત મોન્ટ રોયાલમાં હાઇકિંગ કર્યું (એમ તો હાઇકિંગ ન કહેવાય, તો પણ..).

* એક વખત નેધરલેન્ડથી આવેલા એક જણ જોડે દોડવા ગયો. બ્રેકફાસ્ટ પર અમે ત્રણ-ચાર જણાં બેઠા હતા અને વાતવાતમાં મેં કહ્યું કે હું ૧૦ કિમી ૫૪ મિનિટમાં દોડી શકું. નેધરલેન્ડ વાળા મિત્રે કહ્યું મારો શ્રેષ્ઠ સમય ૫૦ મિનિટ છે. ત્યારે મારી સામે બેઠેલા સ્વિડનના ડેવલપરે કહ્યું, હું ૧૦ કિમી ૪૦ મિનિટમાં દોડું છું. પછી મેં બ્રેકફાસ્ટ પર ફોકસ કર્યું.
* સાયકલિંગ કરવાનો પ્લાન ચોપટ થઇ ગયો – કારણ ૧. સાયકલ ભાડા પર ઓછામાં ઓછી ૨૫ ડોલરમાં મળે અને ૨. શનિવારે વરસાદ હતો :/
* છેલ્લા દિવસે મારી ટીમને મળવા અને સામાનને કામચલાઉ રાખવા માટે વિકિમેનિયામાં જઇ આવ્યો અને દસેક મિનિટમાં એકાદ “બગ”ને પણ હાથ લગાવી આવ્યો.
* કેનેડાથી ફ્રીજ મેગ્નેટ, મેપલ સિરપ અને દર વખતની જેમ નવાં રનિંગ શૂઝ લાવવામાં આવ્યા (મારા માપના શૂઝ અહીં મળતા નથી!). બે-ત્રણ સાયકલની દુકાનો પર આંટો મારી આવ્યો અને નાનકડી વસ્તુઓ યાદગીરી રૂપે લઇ આવ્યો.

IMG_20170808_173656
બજેટમાં આવતા માપના શૂઝ!

* પહેલી વખતે મુંબઈ એરપોર્ટ પર ઇમિગ્રેશન ઓફિસરે પૂછ્યું કે કેનેડા શા માટે ગયા હતા અને કઇ કોન્ફરન્સ માટે ગયા હતા. ડેબકોન્ફ કહ્યા પછી તેણે આગળ કોઇ સવાલો ન પૂછ્યા 😉
* ૨૦૧૮માં ડેબકોન્ફ તાઇવાનમાં છે, તો હવે તેનું પ્લાનિંગ થશે!

ડેબકોન્ફ ૧૭ – છેલ્લો દિવસ!

* જોતજોતામાં સમય ક્યારે પસાર થઇ ગયો અને અહીં મોન્ટ્રિયાલમાં આવ્યે અઠવાડિયું પણ થઇ ગયું અને હવે કાલે તો કોન્ફરન્સનો છેલ્લો દિવસ છે. અહીં આવીને દોડવાની, ચીઝ ખાવાની અને ઠંડા વાતાવરણમાં (અહીં ઉનાળો છે!) બધાં લોકોને મળવાની મજા આવી ગઇ છે. ડેબકોન્ફની સાથેસાથે વિકિપીડિયાની વિકિમેનિયા કોન્ફરન્સ પણ છે, એટલે એક ક્લિકે બે કોન્ફરન્સની મઝા માણવાની લાલચ વડે હેકેથોનમાં પણ જઇ આવ્યો.

ડેબકોન્ફ મોટાભાગે લો બજેટ (એટલે કે વિકિમેનિયા જેવી હોટેલ લક્ઝરી ન મળે) કોન્ફરન્સ હોય છે. અત્યારની કોન્ફરન્સનું સ્થળ એક કોલેજ છે, જે સમારકામને કારણે અર્ધબંધ છે એટલે અમને વાપરવા મળી છે. તો પણ, સરસ જગ્યા છે અને સરસ મદદગાર લોકો. એક ક્લાસરૂમમાં ટેબલો ગોઠવીને પડદા બાંધીને ૫ જણાંને રહેવાની સગવડ કરી છે એટલે મારે સ્લિપિંગ બેગ પણ લાવવી પડી (આમેય લેવાની હતી તો લેવાઇ ગઇ!). હા, ઓશિકું અને ખાટલો મળ્યો છે, એટલે એ ન લાવવા પડ્યા 🙂 કોન્ફરન્સમાં રહેવાનું નજીક હોય તો, મઝા ડબલ થઇ જાય. અહીં આવીને ખબર પડીકે મોટાભાગના લોકોએ ઓળખે છે. સરસ. ડેબિયન ઝિંદાબાદ!

શહેરમાં ખાસ ફરવાનું થયું નથી, પણ ઓલ્મપિક પાર્ક અને એક સરસ બીજો ગાર્ડન નજીકમાં છે. ત્યાં સારું એવું દોડ્યો છું. બીજા આકર્ષણોમાં એક મોં રોયાલ છે, જેના પર ચડ્યા પછી આખું ડાઉનટાઉન જોઇ શકાય છે, ત્યાં પણ હાઇક વત્તા વોક કરી આવ્યા. કાલે ત્યાં દોડવા જવાનો પ્લાન છે. હા, સબ-વે ટ્રેન સરસ છે, પણ અઠવાડિયાંનો પાસ ન લઇ લો તો મોંઘી છે. બાકી ક્યાંય પણ જવું હોય તો ઉત્તમ.

તો ચાલો, ડિનર ટાઇમ, અેટલે કે સપર ટાઇમ.