અપડેટ્સ – ૧૪૨

* ફરીથી છેલ્લી અપડેટ્સને ૧૦ દિવસ થઇ ગયા છે. કવિનને નવો પાટો-પટ્ટી આવી ગયા છે અને એ ઘરમાં બે હાથ, એક પગ વડે ફરી રહ્યો છો.

* ગયા રવિવારે ૧૧૪ કિલોમીટરની સાઇકલ રાઇડ હતી. દરેક વખતની જેમ મારે થોડી વધુ મુસાફરી કરવામાં આવી. મુલુંડથી શરુઆત હતી એટલે ૨૪ કિલોમીટર વધુ થયા અને મજા આવી ગઇ. મુલુંડ-આસનગાંવ-મુલુંડ. સરસ આયોજન અને સરસ વાતાવરણ. ઘનું-ઘનું શીખવા મળ્યું. હા, આ વખતે રીટર્ન મુસાફરી સાઇકલને ટેક્સીમાં કરાવવામાં આવી.

* આ રવિવારે (એટલે કે, આજે) આરે કોલોનીમાં આરામથી નાનકડી દોડ કરી. ત્યારબાદ રનર મિત્રો જોડે કોફી વત્તાં ગપ્પાં-ગોસિપ્સ (મહત્વનો ભાગ!). આવતા રવિવારે ફરી આરે-NCPAનો કાર્યક્રમ છે.

* દોડવા-સાયકલ સિવાયના અપડેટ્સમાં કંઇ વધુ નથી. તાજેતરમાં જોયેલી ફિલમો વિશેની પોસ્ટ ક્યારનીય ડ્રાફ્ટમાંથી નીકળતી નથી. રાત્રે સમય મળે તો સારું.

અપડેટ્સ – ૧૪૧

* છેલ્લી અપડેટ્સ પછી ઘણી બધી ઘટનાઓ બની ગઇ. ના, રાજકારણમાં બનેલી ઘટનાઓની વાત નથી.

* સૌથી પહેલી ઘટના. વોટરપાર્કનો પ્લાન કર્યો. પ્લાન કેન્સલ કર્યો પછી છેલ્લી ઘડીએ પ્લાન બનાવ્યો અને મજા આવી ગઇ. કવિનને વધારે મજા આવી અને અમે આરામથી પાણીમાં પલળ્યા. જોકે ભયંકર રીતે થાકી ગયા અને નક્કી કર્યું કે હવે એસ્લેલ વર્લ્ડ જવું, પણ વોટરકિંગડમના નામે ચોકડી.

* બીજી ઘટના. વોટર કિંગડમમાંથી આવ્યા પછી એવો પ્લાન હતો કે રાત્રે શિવાજી પાર્ક દોડવા જવું. પ્રીતિનો આગ્રહ હતો અને પ્રણવભાઇની સાથે દોડવાનો મોકો ગુમાવવો નહોતો એટલે વોટર કિંગડમનો થાક હોવા છતાં છેક દાદર શિવાજી પાર્ક પહોંચી ગયા. ૧૦ કિલોમીટર બાદ થોડો આરામ કર્યો અને પછી થયું કે ચાલો દોડીએ. કુલ ૨૦ કિલોમીટર આરામથી પાંચેક કલાકમાં દોડવામાં આવ્યું. ૪.૩૦ વાગે ટેક્સી પકડી બધાંને રસ્તાં મૂકતો-મૂકતો ઘરે આવ્યો. રસ્તામાં ટેક્સી ડ્રાઇવર સરસ ઝોકું ખાતો જોયો અને જો જરાક મોડી બૂમ પાડી હોત તો આ અપડેટ્સ કદાચ લખાઇ ન હોત. અમે બન્ને જણાંએ સીટ-બેલ્ટ નહોતો પહેર્યો!

* ત્રીજી (દુ)ઘટના. કવિનને શુક્રવારે ઢીંચણમાં બોલ વાગ્યો (કે પછી એવું તે કહે છે). બે દિવસ થોડો સોજો હતો પણ તે ચાલી શકતો હતો એટલે અમે વોટરકિંગડમ ગયા અને બીજા દિવસે સંબંધીઓને મળવા છેક નાલાસોપારા પણ ગયા. ત્યાં સુધીતો એ ઠીક હતો. લોકલ ડોક્ટરને બતાવ્યું તો એકાદ દિવસ રાહ જોવાનું કહ્યું. કાલે સાંજે મારાથી રહેવાયું નહી અને ઓર્થોપેડિક ડોક્ટરને બતાવતા નાનકડું ફ્રેકચર નીકળ્યું. થોડું મોડું ક્યું હોત તો તકલીફ થવાની શક્યતા હતી. હવે અમારે ૨૧ દિવસ આરામ છે.

ફ્રેકચર!

બાકી, શાંતિ છે 🙂

RIP, મૃગેશભાઇ

  • મોડી પોસ્ટ છે. મોટી પણ નથી.

લગભગ નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૨માં એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો, ત્યારે હું રવિવારે સાંજે આરામથી બેંગ્લોરમાં મુવી જોતો હતો. ફોન હતો – રીડગુજરાતી.કોમના મૃગેશભાઇનો. થોડી વાર – કેમ છો? મજામાંથી શરુ કરીને વિવિધ વાતો શરુ થઇ. મૃગેશભાઇ તે પછી રીડગુજરાતી.કોમના કામમાંથી વેકેશન લેવાનો પ્લાન બનાવતા હતા એવું મને યાદ છે અને અમારી મુખ્ય વાતો કામ અને તેનાથી પડતાં સ્ટ્રેસ પર હતી. મેં તેમને સલાહ આપી કે રનિંગએ સ્ટ્રેસ ઓછો કરવાનો સૌથી સરસ, સહેલો અને સસ્તો ઉપાય છે. શરુ કરી દો! આ પછી, તેમનાં જોડે ફોન પર કોઇ દિવસ વાત થઇ નહી. ઇમેલ-ફેસબુકથી અમે સંપર્કમાં હતા અને રીડગુજરાતી.કોમનો ફીડ-રીડર હું ખરો જ.

જ્યારે તેમના હોસ્પિટલાઇઝેશન અને પછી અવસાન વિશે સાંભળ્યું ત્યારે મને ઉપરની વાત યાદ આવી અને દુ:ખ થયું કે મેં તેમની સાથે ઉપરોક્ત વિષયે ફોલો-અપ ન કર્યું.

એક વધુ અફસોસ એ વાતનો કે યે તુમકો ક્યા હુઆ જેવા લેખો દ્વારા મને ઉત્સાહિત કરવા વાળા મૃગેશભાઇ હવે આપણી વચ્ચે રહ્યા નથી.

RIP, મૃગેશભાઇ!!

બ્લડી મન્ડે

* બ્લડી મન્ડે કેમ? કારણ કે, આજે મારું અમૂલ્ય લોહી ટેસ્ટ માટે લેવામાં આવ્યું છે,

… અને આજે સોમવાર પણ છે 🙂