ગુગલ મેપ્સ – ઉપ્સ

* થોડા સમય પહેલાં ગુગલને એવું લાગ્યું કે તેમના મેપ્સમાં સ્થાનિક ભાષા વાપરીએ તો વધુ સારું. સારું જ કહેવાય પણ તેમને તેમાં “ઓટોમેટિક ટ્રાન્સલિટરેશન” – ભાષાંતર નહી, પણ “લિપ્યાંતરણ”ની મદદ લીધી અને પરિણામ કેવું આવ્યું તે તમે જોઇ શકો છો, છતાં પણ બે ઉદાહરણો તેને સમજવા પૂરતા છે. બાકી હસી હસીને પેટ દુખી જાય એવા ઉદાહરણો તો દરરોજ મળે છે.

PS: વિકિપીડિયામાં હવે નકશામાં લેબલનું ભાષાંતર કરી શકો છો, જોકે તે માટે સૌથી સહેલો રસ્તો ઓપનસ્ટ્રીટમેપમાં જઇને સુધારવાનો છે.

 

પુસ્તક: પાના નંબર બસો સત્તાવન

* એપ્રિલમાં ચિરાગભાઇ “ઝાઝી” ઝાએ  જ્યારે તેમની ટૂંકી નવલિકાઓના પુસ્તક પર ફેસબુકમાં પોસ્ટ કરી, ત્યારે તે મને ક્યાંથી મળશે તેની પૃચ્છા કરી. તેમણે મને પુસ્તક ભેટ તરીકે જ મોકલાવી દીધું. ત્યાર પછી, વેકેશન અને પછી સ્કૂલ ઓપનિંગ જેવી સારી-નરસી ઘટનાઓ વચ્ચે બનવાથી પુસ્તક વાંચવાનું રહી ગયું અને છેવટે ધીમે-ધીમે એક-એક વાર્તાઓ રેન્ડમ ક્રમમાં વાંચી. પુસ્તકમાં તેમણે અને તેમના દીકરાઓએ લીધેલા ફોટોગ્રાફ્સ દરેક વાર્તાની જોડે છે. એક સરસ નવો પ્રયોગ આપણને ગમ્યો.

સૌથી પહેલાં તો તેમણે મને સરસ સંદેશ લખ્યો છે:

કાર્તિક મિસ્ત્રીને સંદેશ

૩૭ વાર્તાઓ ધરાવતું પુસ્તક ચિરાગભાઇની લેખન શૈલીનો સચોટ ખ્યાલ આપે છે. એ જે રીતે વિવિધ દેશોમાં રહ્યા છે અને વિશાળ અનુભવ ધરાવે છે, એ રીતે આ વાર્તાઓ વિવિધ વિષયો ધરાવે છે. ટૂંકમાં, સરસ મઝાની વાર્તાઓ છે. પુસ્તક માટે ચિરાગભાઇનો ખૂબ-ખૂબ આભાર.

અને હા, આજ-કાલ પુસ્તકોનું વાચન કોકી અને મારા દ્વારા સહિયારા વાતાવરણમાં થાય છે. હું ચૂપકેથી કામકાજની વચ્ચે વાંચતો રહ્યો છું, તે જ્યારે તેને સમય મળે ત્યારે વાંચે છે.

અપડેટ્સ – ૨૧૭

* ફરી પાછા બે અઠવાડિયા થઇ ગયા અને બ્લોગ ભૂલાઇ ગયો. ફરી યાદ આવ્યો આજે તો થઇ જાય નાનકડી અપડેટ્સ પોસ્ટ. આમાં ફીચર્ડ છબી ફીચરનો ઉપયોગ કર્યો છે. જોઇએ કે કેવું દેખાય છે.

* વરસાદ પડે છે અને નથી પડતો, એટલે આ સીઝનમાં હું સાયકલ પરથી પડ્યો નથી. ટચ વુડ, પીટર સાગાન.

* શનિ-રવિ ૧૨ કલાક સ્ટેડિયમ રન હતું. આ વખતે રાત્રિનો સમય (સાંજે ૫ થી સવારે ૫) પસંદ કરેલો. પહેલી વખત એવું થયું કે રેસ શરૂ થયા પછી હું સ્ટાર્ટ લાઇન પર પહોંચ્યો. ૩૦ સેકન્ડ્સ મોડો! થેન્ક્સ ટુ હાજી અલી આગળની ભીડ. રનિંગ દરમિયાન વચ્ચે પડેલા ધોધમાર વરસાદ અને ત્યાર પછીના ભેજમય વાતાવરણથી પાછલો રેકોર્ડ ન તૂટ્યો, પણ એકંદરે મજા આવી. જોકે શૂઝ કે ટી-શર્ટ-ચડ્ડી ન બદલવાના મારા નિર્ણયે પગની હાલત ખરાબ કરી પણ રીકવરી થઇ ગઇ છે.

* હવે પછીની રનિંગ રેસ ૧૦ કિમી છે, જે રીનીત જોડે ૩૦ સપ્ટેમ્બરે દોડવામાં આવશે. તેનો ટ્રેઇનિંગ પ્લાન ઓગસ્ટમાં શરૂ થશે એટલે ત્યાં સુધી આરામ કરીશું.

* ડેબકોન્ફ ૧૮ આવે છે!

જ્યારે અમે નાના હતાં – embarrassing ક્ષણો – ૨

* છેલ્લી embarrassing ક્ષણો વિશે છેક ૨૦૧૩માં લખી હતી. તે પોસ્ટ ક્યાંકથી નજરે ચડી તો થયું કે ધોરણ ૪ પછી આવી ઘટનાઓ વારંવાર બની છે. તો આ શ્રેણીમાં નવી પોસ્ટ..

ધોરણ ૫

પાંચમું ધોરણ આવ્યું અને અમને પ્રિ-મુગ્ધાવસ્થા ફૂટવાની ચાલુ થઇ. સાયકલ પણ ભાડેથી ચલાવવાની શરૂ કરી અને નવી સાયકલ પણ લીધી. હીરો રેંજર. ૧૦૨૫/- રૂપિયામાં. સરસ લાલ રંગની. હવે એમાં embarrassing એ બન્યું કે મને મોટી સાયકલ બરાબર નહોતી આવડતી એટલે ત્રણ-ચાર વખત મસ્ત રીતે પડ્યો. એકાદ વાર તો ક્લાસની છોકરીની સામે પડ્યો. ના ચાલે. તો પણ ચલાવ્યું.

ધોરણ ૬

છઠ્ઠું ધોરણ આ માટે બહુ જાણીતું નથી, પણ નિરવ પછી મારો બીજો નંબર હતો તે મને નડતો. ખાસ કરીને મૌખિક પરીક્ષાઓમાં. બીજી પરીક્ષા પછી મારો ક્રમાંક જોખમાયો એટલે વાર્ષિકમાં થોડી મહેનત કરીને સાચવી લીધું હતું એવું યાદ છે.

ધોરણ ૭

સાતમા ધોરણમાં આવ્યો ત્યારે કોમ્પ્યુટર વિષય નવો આવ્યો અને બધાં વર્ગોના “હોંશિયાર” વિદ્યાર્થીઓને ભેગા કરીને એક વર્ગ રચવામાં આવ્યો (અમારો હતો ૭ એ). પહેલી ઘટના એ બની કે ક્લાસ પ્રમુખની ચૂંટણીમાં મારો પોતાનો મત મેં બીજાને આપ્યો તોય પ્રમુખ હું બન્યો. છેવટે, આ સ્વીકારવું પડ્યું અને નક્કી કર્યું કે હવે ક્યારેય પ્રમુખ પદની દાવેદારી ન કરવી. થોડાક સમય માટે હું પદભ્રષ્ટ પણ કરવામાં આવ્યો પરંતુ પાછો સ્થાપિત કરાયો. પદભ્રષ્ટ દરમિયાન હું નિરાશ નહોતો થયો પણ ખુશ થયો હતો 😀 જે હોય તે, મજા હતી.

ધોરણ ૮

આઠમા ધોરણમાં સાયકલ પર સ્ટાઇલો મારવામાં ધોરણ ૫ જેવું તો એકાદ-બે વખત થયેલું. તો પણ, એટલું બધું નહી. આઠમા ધોરણમાં આવ્યા પછી ખબર પડીકે અહીં તો ભણવાનું અઘરું છે, ie મહેનત કરવી પડશે. હવે, અહીં સંગીત અને ચિત્ર બેમાંથી એક પસંદગી કરવાની હતી. બાય ડિફોલ્ટ, જે છોકરા-છોકરીઓ સંગીતમાં સારા હોય એને ધરાર સંગીત લેવું પડતું હતું. અમને તો ગીત-સંગીત ગમે નહી અને ચિત્રકામ આવડે નહી એટલે શું કરવું એમાં મૂંઝવણ પણ એટલિસ્ટ સંગીતમાં તો ગાવું પડે એ અમને ન ગમ્યું. સંગીત શિક્ષક પંડ્યા સાહેબ ક્લાસમાં એક એક જણાં પાસે ગીત ગવડાવે અને લોકોએ સરસ ગીતો ગાયા. મારો ક્રમ આવ્યો ત્યારે મેં કહ્યું, સાહેબ મને કોઇ જ ગીત નથી આવડતું. સાહેબે કહ્યું, રાષ્ટ્રગીત તો આવડે ને, એ ગા. અત્યારે કહેતા શરમ આવે કે રાષ્ટ્ગીત પણ મેં સારું નહોતું ગાયું અને છેવટે ચિત્રકામ અમારા ભાગે આવ્યું કે અમે પસંદ કર્યું 🙂

ધોરણ ૯ અને ૧૦ની આવી ક્ષણોની વાતો આવતી પોસ્ટમાં, ક્યારેક!

અપડેટ્સ – ૨૧૬

* છેલ્લે છેક ફેબ્રુઆરીમાં અપડેટ્સ લખ્યા પછી આજે ઘણાં સમયે અપડેટ્સ લખવાનું મન થયું છે. આ સમય ગાળામાં વેકેશન આવ્યું અને ઉપરથી ગયું. ઉત્તરાખંડની મુલાકાત લીધી હતી એની પોસ્ટ ડ્રાફ્ટમાં જ પડી રહી છે :/ આજની અપડેટ્સ મિક્સ-મસાલા છે, પણ સ્વાદિષ્ટ છે એ વાતની ખાતરી!

* turing – https://turingapp.ml/ – પ્રોગ્રામિંગ શીખવા માટેનો એક વધુ પ્રોગ્રામ મળ્યો છે એટલે કવિન માટે તે ફીટ છે કે નહી તે જોવામાં આવશે! કવિને સ્વિમિંગ ચાલુ કર્યું અને સારૂ એવું શીખી પણ લીધું એ વેકેશનની એક સૌથી સારી વાત રહી છે.

* વિકિપીડિયામાં જોઇએ તો થોડા સમયથી ફરી પાછો વધુ પડતો સક્રિય થયો છું. અમદાવાદ યુનિવર્સિટીમાં વર્કશોપ કરી તેમજ પ્રોજેક્ટ ટાઇગર સ્પર્ધામાં ભાગ લીધો તે મજાની ઘટનાઓ રહી.

નવા સરસ લેખોમાં જોઇએ તો, મહારાજ લાયબલ કેસ પરથી સૌરભ શાહે મહારાજ નવલકથા લખી હતી અને તે વિશે હવે મહારાજ લાયબલ કેસ અને કરસનદાસ મૂળજીના લેખો વિકિપીડિયામાં અનુક્રમે અનંત અને મારા દ્વારા બનાવવામાં આવ્યા છે. સુધારા-વધારા કરવા વિનંતી. કરસનદાસ મૂળજીના નામ પર માથેરાનમાં પુસ્તકાલય પણ છે એટલે હવે માથેરાનની મુલાકાત લઇએ ત્યારે ફોટો લેવામાં આવશે!

વ્યોમે પાણીપતની લડાઇઓ તેમજ મરાઠા સામ્રાજ્ય અને પરમવીર ચક્ર સન્માન પામેલા સૌ સૈનિકોના સરસ લેખો ગુજરાતી વિકિપીડિયામાં બનાવ્યા છે. તો બીજી બાજુ સુશાંતભાઇ, નિઝિલે અને અન્ય લોકોએ વિવિધ વિષયોના લેખોનું સરસ ભાષાંતર કર્યું છે.

અનંતની “સ્કેનર ગ્રાંટ”ની અરજી સફળ રહી છે. વધુને વધુ લોકો તેનો લાભ લે તેવી આશા. અમે વિકિમિડિયનને જોઇતા પુસ્તકોની આપ-લે માટે સંદર્ભ વિનિમય યોજના બનાવી છે – તે પણ એક આનંદના સમાચાર છે.

* વરસાદ શરૂ થયો છે, એટલે સાયકલિંગ ઠંડુ છે (જોકે મે અંતમાં ૨૦૦ કિમી બળીને આવ્યો, એ વાત અલગ છે). પણ, આવતા અઠવાડિયે ૧૨ કલાક સ્ટેડિયમ રન છે એટલે રનિંગ ગરમાગરમ છે. વધુમાં અમદાવાદની વર્કશોપ જોડે ૧૨ કલાક ADR રાત્રિ રનનો લાભ લેવામાં આવ્યો. ઓગસ્ટમાં ફરી ૧૨ કલાક મુંબઈ અલ્ટ્રાની યોજના છે, પણ મારી યોજનાઓ છેલ્લી ઘડીએ સફળ નથી થતી તેવી મિ. મોહનની યોજના હોય છે. જોઇએ હવે શું થાય છે 🙂

પર્સેન્ટેજ v/s પર્સેન્ટાઇલ

* છેલ્લાં કેટલાંક વર્ષથી બોર્ડના પરિણામોમાં ટકા (એટલે કે પર્સેન્ટેજ)ની જગ્યાએ પર્સેન્ટાઇલ લખવામાં આવે છે. આ વર્ષે આવાં જ પરિણામો મારા નજરે ચડ્યા અને પછી ખબર પડી કે જે લોકો કહેતા હતાં કે મને ૯૦% આવ્યા, એ તો ખરેખર પર્સેન્ટાઇલ હતા.

.. અને બોર્ડ પર અમારો વિશ્વાસ સુદ્રઢ થયો 🙂