રનિંગ પ્લેલિસ્ટ

* જીજ્ઞેશભાઇએ દોડ દરમ્યાન માણવાના ગીતોનું મારું પ્લેલિસ્ટ પોસ્ટ લખી ત્યારે મને એમ હતું કે હું પણ આવી પોસ્ટ લખીશ, પછી ત્યાં કોમેન્ટ જ કરી દીધી પણ, એક અલગ પોસ્ટ હોવી જોઇએ 🙂

૧. Asche Zu Asche — Rammstein
૨. aXXo — Binaerpilot
૩. Dhakka Laga Bakka — Yuva
૪. Geeks — Binarpilot
૫. Hey Ya! – Karthik Calling Karthik
૬. Lost — Coldplay
૭. Nasha — Shaitan
૮. Pankhida — Kevi Rite Jaish
૯. Shine on You Crazy Diamond – Pink Flyod
૧૦. Would? — Alice In Chains
૧૧. Bhag D.K. Bose :)
૧૨. Comfortably Numb — Pink Floyd
૧૩. Don’t Panic — Coldplay
૧૪. Ekla Cholo Re — Kahaani
૧૫. Fana — Yuva
૧૬. Karma is a bitch — Shor in the city
૧૭. Scar Tissue — Red Hot Chili Peppers
૧૮. The Man who sold the world — David Bowie
૧૯. Under The Bridge — Red Hot Chili Peppers
૨૦. Yello — Coldplay

આમાંથી અમુક ગીતો ખરેખર ધીમા છે. પણ, અમુક બહુ ફાસ્ટ છે. જો કોઇએ ન સાંભળ્યા હોય અને ઇલેકટ્રીક-રોબોટ પ્રકારનું સંગીત ગમતું હોય તો તેમના માટે  Binaerpilot હું સજેસ્ટ કરું છું.  ડાઉનલોડ માટે પ્રાપ્ત છે.

જોકે રસ્તા પર દોડતી વખતે ગીતો સાંભળવામાં ધ્યાન રાખવું. બની શકે તો વોલ્યુમ બહુ ઓછો રાખવો, કારણ કે અમદાવાદમાં લબ્ધિ-લબ્ધાઓની સંખ્યા બહુ છે. રોંગ સાઇડ પર દોડવું હિતાવહ છે અને સામે જોઇને જ દોડવું (જોકે તમે ભૂવા વાળા એરિયામાં હોવ તો, નીચું જોઇને જ દોડવું સલાહભર્યું છે :D).

રનિંગ સોંગલિસ્ટ માટે આ પોસ્ટ પણ જોવા જેવી છે.

ગઇકાલનો વિચાર

* આવી ગયો, યાદ આવી ગયો, કાલનો વિચાર!

I don’t mind losing all senses, but sense of humor.

દુર્ભાગ્યે, આપણે સૌથી પહેલી હ્યુમર (સેન્સ) ખોઇએ છીએ.

આજનો વિચાર

* આજનો વિચાર એ કે આજનો વિચાર મગજમાં આવે ત્યારે તેને તરત ડાયરી અથવા ડ્રાફ્ટમાં લખી દેવો, નહિતર ભૂલી જવાય. ઉંમર થવા આવી છે, હવે 😉

અને, આવું બે-ત્રણ દિવસથી થાય છે. ફેસબુકમાં લખ્યું તેમ એકાદ-બે Poems મગજમાં (મનમાં નહી) આવી પણ, તરત સરકારી યોજનાઓની જેમ ખોવાઇ ગઇ. બ્લોગ વાચકોને સરવાળે તો ફાયદો જ છે. Rants એ પોસ્ટ ન બને તો સારું એવું લાગે છે.

ઓકે. હવે દાડમ પર ફોકસ કરીએ? હૈદરાબાદથી આવ્યા પછી પેટ ‘પાપી’ બની ગયું છે 😦

રેસ રિપોર્ટ: હૈદરાબાદ હાફ-મેરેથોન ૨૦૧૨

* તો, છેવટે અમે અમારો પહેલો મેડલ લઇને આવ્યા (જીતીને આવ્યા એમ નથી લખ્યું ;)). હૈદરાબાદ હાફ-મેરેથોનનો અનુભવ અદ્ભુત રહ્યો અને મજા આવી ગઇ.

૨૫મીએ સવારે વહેલાની ફ્લાઇટ હતી, સમયસર એરપોર્ટ પહોંચી ગયા અને આરામથી હૈદરાબાદ પહોંચ્યા. આરામથી હોટલ પણ પહોંચી ગયા. મસ્ત બ્રેકફાસ્ટ પછી અમારે રેસ-કિટ લેવા માટે કોઇક હોટલમાં જવાનું હતું. હોટલ એવી જગ્યાએ હતી કે (બન્જારા હિલ્સ પર હોવા છતાં) બધાની સર્વાનુમતિ અનુસાર આવી જગ્યાએ અમદાવાદમાં હોય તો કાગડા ય ન આવે. ત્યાં કિટ લીધી અને બધાંએ સરસ ફોટોસ્ લીધા. મુંબઇથી આવેલો મેહુલ પણ મળ્યો. ત્યાં જ અડધી બપોર પૂરી થઇ પછી નક્કી કર્યું કે ક્યાંક જમવા માટે જઇએ. રેસનો આગલો દિવસ હોવાથી કોઇ રીસ્ક ન લીધું અને ઇડલી-ઢોંસા જ ઝાપટવામાં આવ્યા. હજી જમતા હતા ને ત્યાં જોરદાર વરસાદ પડવાની શરુઆત થઇ ગઇ! માર્યા ઠાર. અમને થયું કે કાલે જો આવો જ વરસાદ પડે તો મેરથોન કેન્સલ કરવી પડે. પણ, બહાર જતાં-જતાં તો વરસાદ હળવો થયો ને અમે પાછાં અમારી હોટલે પહોંચીને સરસ બે કલાકની ઉંઘ ખેંચી કાઢી. સાંજ પછી બધાંએ ભેગાં થઇ ગપ્પાં માર્યા. ખાસ કરીને માંકડ અંકલ જેઓ ૬૫ વર્ષે પણ હાફ-મેરેથોન અને રણવીર અંકલ (ઉં.વ. ૬૯) જેઓ ફુલ-મેરેથોન દોડવાના હતા – એમની વાતો સાંભળવાની મજા આવી ગઇ. ઘણાં લોકોએ રેસ પછી એવો આક્ષેપ મુક્યો એ માંકડ અંકલના જોક્સ સાંભળીને હસતા-હસતા પેટમાં એટલું દુખ્યું કે બીજા દિવસના એમના પર્ફોર્મન્સ પર અસર પડી 😉 રાત્રે પાસ્તા. અને, પછી સવાર પડજો વહેલી.

બીજા દિવસે હાફ-મેરેથોન વાળી પબ્લિક સમયસર સ્ટાર્ટિંગ પોઇન્ટ પર પહોંચી ગઇ (નેકલેસ રોડ) અને એરટેલની એડ સાંભળી-સાંભળીને બોર થઇ ગઇ. ફુલ મેરેથોન એક કલાક પહેલા શરુ થઇ હતી એટલે અમુક રનર્સને અમે ચીઅર્સ કરવા ઉભા રહ્યા. ૬ વાગે રેસ ચાલુ થઇને તરત એક ફ્લાયઓવર આવ્યો હજી તો માંડ આગળ ગયા અને એક બીજો ફ્લાયઓવર! ટોટલ પાંચ ફ્લાયઓવર અને જ્યુબિલી-બન્જારા હિલ્સનો ઢોળાવ વાળો રસ્તો. ઓવરઓલ, ભારતમાં આ ટફેસ્ટ રુટ ગણાય છે એમ અમને પાછળથી જાણવા મળ્યું. વાતાવરણ એકદમ સરસ અને શરુઆતની ૧૦-૧૫ મિનિટ બાદ કરતાં મને જરાય પરસેવો થયો નહી. ૨ કલાક પૂરા થયા ત્યારે સરસ ઝરમર વરસાદ પડવાનો શરુ થયો અને મજા આવી ગઇ, જોકે ૧૭ કિમી પછી મારી ઝડપ અડધી થઇ ગઇ અને ૨.૩૦ નું ટાર્ગેટ ૨.૪૦માં આવીને અટક્યું. રેસનો અંત સ્ટેડિયમમાં હતો (જી. એમ. બાલાયોગી સ્ટેડિયમ) એટલે છેલ્લા ૧૦૦ મીટર સારી એવી દોડ લગાવીને પૂરી કરવામાં આવી અને અમને મેડલ આપવામાં આવ્યો 🙂 રેસ પછીનું બ્રન્ચ બોક્સ સરસ હતું. ઢગલાબંધ ફોટાઓ તમને ફેસબુક આલ્બમ પર જોવા મળશે (પબ્લિક છે, એટલે ખાલી તમારે ફેસબુક એકાઉન્ટમાં લોગીન થયેલું જોઇશે).

જ્યાં સુધી બધાં આવી જાય ત્યાં સુધી સ્ટેડિયમમાં જ હતા અને પછી ત્યાંથી પાછા સ્ટાર્ટિંગ પોઇન્ટ સુધીની બસ સેવા ત્યાં પ્રાપ્ત હતી. હોટલ પર આવીને ખબર પડી કે ક્વોલિટી-ઇન હોટલે ઘટિયા ક્વોલિટી સર્વિસ આપીને રુમ બુકિંગમાં ગરબડ કરી છે. પહેલાં રુમ સાંજે છ વાગે ખાલી કરવાનો હતો એની જગ્યાએ ૧૨.૩૦ એ ખાલી કરવાનો કહ્યું. હોટલ મેનેજમેન્ટ, સ્ટાફ અને રીસેપ્શન વચ્ચેનું કોમ્યુનિકેશન – ગુફાયુગની યાદ અપાવે તેવું હતું, ખેર, અમે બે-ત્રણ રુમ રાખ્યા અને ત્યાં પોસ્ટ-રન પાર્ટી શરુ થઇ. જોકે મને ખબર પડી કે મુંગદાળ બહુ સારી નહી અને એના પરિણામે પેરેડાઇઝની બિરયાનીની જગ્યાએ મારી દહીં ખાઇને ચલાવવું પડ્યું 😦

ત્યાંથી સીધા એરપોર્ટ. જે થવાનું હતું તે રીક્ષાવાળાનો ‘સરસ’ અનુભવ થયો. વળતાંની ફ્લાઇટમાં છેલ્લે સીટ આવી એટલે બહુ ટર્બ્યુલેન્શનો અનુભવ થયો એમ લોકો કહેતા હતાં પણ હું તો એવો થાકી ગયો હતો કે વિમાન રન-વેને અડ્યું ત્યારે ઉઠ્યો.

અને, ઘરે આવીને ઘરનું લીંબુ શરબત પીને પથારીમાં પડ્યો ત્યારે થયું કે બીજી મેરેથોન દોડવા જેવી ખરી 😉

આજના અમદાવાદ મિરરમાં દસમાં પાને અમારો ફોટો આવેલો છે!

ઉદાહરણ

* એવું ક્યાંક વાંચ્યું હતું કે ઉદાહરણ બનો, ઉદાહરણ આપો નહી. તેમ છતાંય, બાવા-બાપુઓને ઉદાહરણ આપવાની મજા આવે છે, અને લોકોનેય મજા આવે છે. ગોળ ખાય છે, પણ ગોળ ‘ન’ ખાવાની સલાહ આપવામાં આપણે મોખરે છીએ. તેમ, ઝૂંપડપટ્ટી-રીવરફ્રન્ટ પર અફસોસ આપણે કરીએ છીએ પણ પોશ બંગલામાં રહીએ છીએ. ઝોલાં લઇને ફરવામાં મોખરે છીએ, ઝોલાંમાંથી કંઇક આપવામાં બાય-બાય. “ઘરનું ઘર” ના ફોર્મ છાપવા-આપવામાં મોખરે છીએ, પણ એ માટે પણ રુપિયા વત્તા EMI ભરવા પડશે એવી ફૂંદડીઓનું ઉદાહરણ આપવામાં છેલ્લે છીએ.

અને, અમે પણ આવું બધું લખવામાં પાવરધા છીએ 🙂

હેપ્પી બર્થ ડે, બક્ષીબાબુ

* જુઓ તો ખરા, આજે કોનો-કોનો બર્થ ડે ભેગો થયો છે? એક બાજુ બક્ષી બાબુ અને બીજી બાજુ રાજીવ ગાંધી. એક નામ માત્રથી શરીરમાં રોમાંચ, ઝણઝણાટી થાય. BP ૧૨૦થી ઉપર ચાલ્યું જાય. બીજા નામથી દિલ-દિમાગમાં થાય આ માણસ ન જનમ્યો હોત તો દેશ કેટલો અલગ હોત. ભલે STD-PCO ના આવ્યા હોત પણ દેશને માથે કોલ-ગેટ કે રજી-૩જીના છાણાં તો ન હોત.

ખેર, જવા દો. હેપ્પી બર્થ ડે, બક્ષી બાબુ. આ નિમિત્તે નવા મંગાવેલા પુસ્તકો આવશે એવી આશા રાખી હતી પણ, હે ઇન્ફિબીમ, તમારી ડિલિવરી સિસ્ટમ હજી ૧૯૮૮ જેવી જ છે. કંઇ નહી, મારી જગ્યાએ અત્યારે કોકી ‘એક અને એક’ વાંચી રહી છે.

બક્ષીબાબુ પર એક સરસ પોસ્ટ: Sad Heart, Courageously

ત્રણ ખરાબ અનુભવો

* ઘણાં વખતે ખરાબ અનુભવો થયા, અને થવા જ જોઇએ. જીવવનો એક ભાગ છે, પાછળ પડેલી એક લાત છે (શું વાત છે :D).

૧. સાબરમતી રીવરફ્રન્ટ માટે ઘરેથી વલ્લભસદન રીક્ષામાં ગયો ત્યારે મેં જોયું કે રીક્ષા વાળાએ મીટર ફેરવ્યું હશે, છેલ્લે છ મહિનાઓના સારા અનુભવોના કારણે મને એમ કે તેને ઝીરો કર્યું હશે. ત્યાં જઇને જોયું તો મીટર રીડિંગ ૨૪૫!! ૨૪૫ તો ઘરેથી મણિનગર જઇએ તો પણ ન થાય! તો આશ્રમ રોડ પર આટલું બધું. ઘણી મગજમારી થયા પછી છેવટે અડધા રુપિયા આપી વાત પૂરી કરવામાં આવી.

સાર: મીટર ઝીરો કરીને જ બેસવું. આ સાર કેવી રીતે મને કામ ન લાગ્યા તે હવે આગળના અનુભવમાં.

૨. અમારે ગુરુકુળ આગળથી ઘરે આવવાનું હતું. જતી વખતે ૧૧ રુપિયા (ie મિનિમમ ભાડું) થયા. વળતી વખતે એટલા જ થાય તે સ્વાભાવિક છે. એટલે કે મીટર ૧૮ થી ૧૯ રીડિંગ બતાવે. અને, પાછા આવ્યા ત્યારે મીટર રીડિંગ ૧૯ જ બતાવતું હતું. પણ, રીક્ષાવાળાએ સીધા ૧૪ રુપિયા માંગ્યા. મેં કહ્યું મીટર તો ૧૮ છે, કેમ ૧૪ રુપિયા થાય, તો તેણે મીટર મારી નજર સામે જ ફેરવી દીધું અને કહ્યું કે જુઓ. ઘોર ચીટિંગ. બોલાચાલી થઇ અને વાત મારા-મારી સુધી પહોંચવાની હતી. કોકી જોડે હતી નહિતર મારે અથવા રીક્ષાવાળાએ બે માંથી એકે અથવા બન્નેએ હોસ્પિટલની મુલાકાત લેવાનું નક્કી હતું. વેલ, આટલું ભયંકર ચીટિંગ મારા જીવનમાં ક્યારેય જોયું નથી (કેટલાક અપવાદો છે, જેની વાત જાહેરમાં થાય એમ નથી!).

૩. ત્રીજો અનુભવ ખરાબ ન કહેવાય પણ, સરવાળે “કસ્ટરમર કેમ ગુમાવવા” એ પોસ્ટ હેઠળ આવી શકે. મારે Immortals of Meluha પુસ્તકનો ગુજરાતી અનુવાદનો ઓર્ડર આપવો હતો. ફ્લિપકાર્ટ પર આ પુસ્તક આઉટ-ઓફ-સ્ટોક હતું એટલે booksonclick પર ગયો તો ત્યાં પ્રાપ્ત હતું. પણ, ૧. પુસ્તક પર કોઇ ડિસ્કાઉન્ટ નહી, ૨. ૩૦ રુપિયા શિપિંગ ચાર્જીસ, ૩. કેશ-ઓન-ડિલિવરી ચાર્જ  ૧૦૦ રુપિયા!!! આ ત્રીજી વસ્તુ ભારે પડે 🙂 છેવટે, ફ્લિપકાર્ટ પરથી ‘મેલુહા’ ના બે પુસ્તકોનો સેટ અંગ્રેજીમાં મંગાવ્યો. ગુજરાતી એડિશન જ્યારે સ્ટોકમાં આવે ત્યારે લઇશું.

(અપડેટ: છેલ્લેથી બીજા વાક્યમાં ભૂલ સુધારવા બદલ અનુરાગનો આભાર!)

એક સારી વાત: જય હો અને ભારતનું મહાભારત વિશલિસ્ટમાં છે જ.

સાબરમતી રીવરફ્રન્ટ રન

* સાબરમતી રીવરફ્રન્ટના ઉદ્ઘાટન નિમિત્તે ૧૦ કિ.મી. ડ્રિમ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમય સાંજે (એટલે કે બપોરે) ૪.૩૦ નો હોવાથી મને મારા પોતાના પર શંકા હતી કે બરોબર દોડી શકાશે કે નહી. સમયસર પહોંચી ગયો, ત્યાં ADR ના નિયમિત સભ્યો, સોહમભાઈ, હર્ષ વગેરે મળ્યા. સ્ટાર્ટિંગ પોઇંટ પર પહોંચ્યા પછી ખબર પડીકે આયોજન વ્યવસ્થિત થયું છે અને બધાંએ સરસ મજાના ફોટાઓ પડાવ્યા 🙂 અસિતભાઇ (મેયર) એ ફ્લેગ ફરકાવી રેસની શરુઆત કરી. રીવરફ્રન્ટ પર પહેલીવાર પગ મૂક્યો, ત્યારે તેની બધી કોન્ટ્રોવર્સી ભૂલી જવાઇ અને થયું કે સરસ વોક-વે બનાવવામાં આવ્યો છે, જે એટલિસ્ટ અમને દોડવા માટે તો કામમાં આવશે 😉

શરુઆત અને એકાદ કિ.મી. પછી DJ અને વચ્ચે બે-ત્રણ જગ્યાએ ઠંડા પાણીની વ્યવસ્થા હતી જે સખત ઉકળાટ-બફારા અને ગરમીમાં રાહત પહોંચાડવામાં મદદરુપ થઇ. વાસણા ડેમથી ટોકન લઇને પાછા આવવાનું હતું, રીટર્ન દોડવાનું મુશ્કેલ બન્યું પણ છેવટે, Strong Finish સાથે રેસ પૂરી કરવામાં આવી. સમય: ૧.૦૭.૧૫. હેનરિકે આ માટે ૩૯ મિનિટનો સમય લીધો 😀 (પ્રથમ ક્રમ).

આશા રાખીએ કે વર્ષમાં આવી બે-ત્રણ ૧૦K ની સ્પર્ધાઓ થાય જેથી લોકોને પ્રોત્સાહન મળે. સાબરમતી રીવરફ્રન્ટમાં હજી ઘણું કામ બાકી છે. પ્રગતિની સાથે લોકોના મગજની પ્રગતિ પણ થાય એ જરુરી છે (રીવરફ્રન્ટની બહાર નાનાં-નાનાં છોકરાઓને સ્ટેડિયમ ભાડે અપાયું તેનો વિરોધ કરવા ઉભા રાખેલા, કદાચ ચોકલેટ-બિસ્કિટની લાલચે!).

અને, મારો અત્યાર સુધીનો બેસ્ટ સ્માઇલિંગ પોઝ.

ફોટો: (c) બાર્બરા વેસ્ટરલિન.

Where’s my water?

* નોંધ: આ પોસ્ટ હવામાન ખાતાં, સરકાર સામે પરિવર્તન કે રાજકીય સંબંધ ધરાવતી નથી.

Where's my water?

આ પોસ્ટ છે, Where’s my water? નામની એન્ડ્રોઇડ ગેમની. મને અને કવિન બન્નેને આ ગેમ બહુ ગમી ગઇ અને અમે પર્ચેઝ કર્યા પછી આરામથી રમતા હતા. ગઇકાલે બપોરે હું મારા રુમમાં બેઠો હતો, તો ગુગલમાંથી ઇમેલ આવ્યો કે, થેન્ક યુ ફોર પર્ચેઝિંગ Cranky’s Story. 1.99$. ઓહ. મેં તો કંઇ આ ખરીદ્યું નહોતું. અંદરના રુમમાં જઇને જોયું તો કવિન કંઇક આડા-અવળું કરતો લાગ્યો અને, એણે જ Cranky’s Story ઉપાડી હતી. In-app Purchase ની સિસ્ટમનો ફાયદો ડિઝની વાળા આટલી ખરાબ રીતે, ભૂલથી ક્લિક થઇ જાય એ રીતે ઉઠાવશે, તે મને ખબર નહોતી. ખેર, જે થયું તે, Cranky’s Story લેવલ્સ સારા છે, તો અમે રમીએ છીએ 😀

અપડેટ્સ – ૫૭

* શુક્ર, શનિ અને અડધો રવિવાર – કવિન વગર જરાય ફાવ્યુ નહી. જોકે, કવિનને અમારા વગર ‘આઝાદી’ મળી અને દાદા-દાદી જોડે હોવાનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો, આજે સ્કૂલમાં જવાનો કંટાળો એને અને મને બન્નેને આવ્યો 😦

* વરસાદ સરસ છે. માત્ર બે જ ગેરફાયદા છે – ૧. દોડવાનો કાર્યક્રમ બંધ છે, ૨. લોકો જેમ-તેમ વ્હિકલ ચલાવે છે. (જોકે રસ્તા પર આટલા વરસાદમાં પાણી ભરાયું છે, એ વાત અલગ છે) આજે સવારે પપ્પા બહાર જતા હતા, રાઇટ સાઇડમાં ચાલતા હતા, તો પણ એક બાઇક વાળાએ બાઇક અડાવ્યું, સદ્ભાગ્યે પપ્પા કરતાં બાઇકવાળાને વધુ લાગ્યુ અને કપડાં સિવાય બીજું કોઇ નુકશાન થયું નહી.

Pedestrians, stay safe!

* ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતીલેક્સિકોન.કોમ દ્વારા એક કાર્યશાળા (ie workshop) નું આયોજન કરવામાં આવ્યું છે. વધુ વિગતો માટે, અહીં જુઓ.

સાહિત્ય પરિષદની વેબસાઇટ પર: http://gujaratisahityaparishad.com/prakashan/newsletter/index.html