૧૦૮

* ના, આ પેલી ૧૦૮ કે પ.પૂ.ધ.ધૂ ૧૦૮ ની વાત નથી. આ મારા માર્ચ મહિનાનાં running (૮૭) + walking (૨૧) કિલોમીટરનો કુલ આંકડો છે. સ્વાભાવિક રીતે માર્ચ મહિનો સૌથી વધુ ફળદાયી (અને પરસેવાદાયી) રહ્યો છે (એટલિસ્ટ, દોડવા માટે!). થોડો આત્મવિશ્વાસ આવ્યો છે, હવે વીકએન્ડમાં સવારે વહેલા ઉઠવાની પ્રેક્ટિસ કરવાની જરુર છે, જે મારા માટે સૌથી મોટો પડકાર છે કારણ કે સાથે-સાથે પૂરતી ઉંઘ મળે વત્તા રાતની મિટિંગ્સ કે કામ-કાજ પૂરુ પણ થાય એ પણ જોવાનું છે.

એટલે કે, Life is a race.. If you don’t run fast.. You will be like a broken Anda. 😉

અપડેટ્સ – ૩૮

* કવિને એક સ્લાઈડરને ઘાયલ કરી છે. સ્લાઈડર હજી ત્યાં જ છે.

* કવિન આજ-કાલ પરીક્ષાની તૈયારી કરે છે. થોડા દિવસ પહેલાં અચાનક ઉંઘમાં બોલ્યો ‘grapes are sour’ અને સૂઈ ગયો 😉 જીવનમાં ગોખવાની શરુઆત જુનિયર કે.જી.થી થાય એનાથી દુખદાયક વસ્તુ શું? યાદ રાખવું અને ગોખવું – આ બે વસ્તુ વચ્ચેની પાતળી ભેદરેખા સમજાય ત્યાં સુધી આપણે ગોખણપટ્ટી તરફ વળી જઈએ છીએ. જોકે આ ગોખણપટ્ટી મને ક્યારેય સદી નહી. જે વસ્તુ ન સમજાઈ તે કદી યાદ ન રાખી અને છેવટે પરિણામ ભોગવ્યા એ વાત અલગ છે (પણ, અફસોસ નથી) 🙂

* ગરમી. ઓહ. ગરમી. ગરમીને કારણે હવે સાંજે દોડવું કષ્ટદાયક લાગે છે. સવારે ઉઠવાનો વિચાર આવતા ફફડી જવાય છે. આવતી કાલે ફરી પ્રયત્ન કરવામાં આવશે. જોકે ગરમીમાં દોડવાની પ્રેક્ટિસ લાંબે ગાળે લાભદાયક છે એવું લાગે છે.

* એકાદ-બે દાંતમાં સર્જરી જેવી ઘટનાઓ બનવાની છે. કોલ્ડડ્રીંક, ચોકલેટ ખાસ્સા સમયથી બંધ કર્યા (લગભગ!) છતાં, જૂનો સડો વત્તા આળસે પરિણામ બતાવ્યું છે. પણ, જે થવાનું હતું તે થઈ ગયું છે.

અને તેમ છતાંય, જીવનમાં શાંતિ છે. નો સીલી ક્વેશ્ચન્સ પ્લીઝ. 😉

હેપ્પી બર્થ ડે, ડિઅર બ્લોગ..

.. બ્લોગ બાબો હવે છ વર્ષ પૂરા કરીને સાતમાં વર્ષમાં પ્રવેશ કરે છે. ભેટ-સોગાદ વગેરે મોકલાવી શકો છો. પાર્ટી અમે ઓનલાઈન રાખી છે એટલે ઓનલાઈન ગિફ્ટ મોકલાવવા વિનંતી. ‘ઓફલાઈન પ્રથા’ બંધ છે. તેમ છતાંય મારું વિશલિસ્ટ પૂરી કરવામાં કોઈની મદદ લેવામાં મને જરાય વાંધો નથી 😉 વેલ, સૌ વાચકોનો ખરા દિલથી આભાર જેમણે આ પ્રવાસમાં સાથ આપ્યો, ટોક્યો, રોક્યો અને ભૂલ પડી ત્યાં ધ્યાન દોર્યું.

મળતા રહીશું.

પહેલી રેસ: 7K

* પેલી પહેલી દોડના ફિઆસ્કા પછી, આ વખતે નક્કી કરેલું કે ગમે તે થાય આ વખતે તો સમયસર પહોંચી જવું અને દોડવું. બરોબર એલાર્મ મૂક્યું. શોર્ટ-ટીશર્ટ-બૂટ-મોજાં ગોઠવી રાખ્યા. મોબાઈલ ચાર્જ કરી લીધો હતો. બેલ્ટમાં જરુરી વસ્તુઓ મૂકી દીધી હતી અને ખરેખર લગભગ સમયસર ઉઠ્યો (ચાર મિનિટ મોડો..). તૈયાર થયો ત્યાં સુધીમાં ૬ વાગી ગયા હતા. અને,  જે થવાનું હતું તે થઈ ગયું. રીક્ષા ન મળી. લગભગ અડધો કિમી પછી એક મળી. નક્કી કરેલ સ્થળ PVR પર પહોંચ્યો ત્યારે ત્યાં એક ડોગી સિવાય કોઈ નહોતું. એક દોડ-મિત્રને ફોન કર્યો તો તેણે કહ્યું હું તો દોડી રહ્યો છું. અરરર. પણ, મૂકી નિરાશા એક બાજુ અને શરુ કર્યું દોડવાનું. લગભગ ૬.૨૦ એ શરુઆત કરી. દોઢેક કિમી પછી બે વોલિયન્ટર્સ પાણી વત્તા સંતરા લઈને ઉભા હતા એટલે થયું કે હાશ, માર્ગ સાચો છે 😉 કર્ણાવતી ક્લબ આગળ બધા પાછા આવતા મળ્યા અને ત્યાંથી યુ-ટર્ન. ૪૮ મિનિટમાં ૭ કિમી. મહત્વની વાત એ કે “અમદાવાદ ડિસ્ટન્ટ્સ રનર્સ” (ADR) ના સભ્યો જોડે પરિચય થયો, પહેલી રેસ દોડ્યો અને મજા આવી ગઈ 🙂

રેસ માર્ગ: http://www.dailymile.com/routes/1063815-running-route-in-ahmedabad-in

આવતી વખતથી ધ્યાનમાં રાખવા જેવા મુદ્દા:

૧. સમયસર પહોંચી જવું.
૨. સવારે દોડીએ તો થાક ઓછો લાગે છે. સાંજે તાપમાનની સીધી અસર દેખાય છે. પાણીનો સ્ત્રોત સાથે રાખવો સારો.
૩. લોકો સાથે હોય ત્યારે થાક ઓછો લાગે છે.
૪. અને વાસ્તવમાં, થાક જેવી કોઈ વસ્તુ જ હોતી નથી.

આ વર્ષમાં હાફ-મેરેથોન તો પાક્કી 🙂

બે ચોંકાવનારા ચિત્રો

* Disclaimer: ના. આ પેલા ધારાસભ્યોની ધૂંધળી ક્લિપ નથી (જેઓ દિ.ભા.ની સાઈટ કે ગુ.સ.ની સહિયર પૂર્તિ ઓનલાઈન જોતા હતા). પણ, આ દ્રશ્યો વીક-એન્ડ પર તમારા મગજ પર ગહેરી અસર કરી શકે છે.

૧. ધારાસભ્યો માટે બસમાં એક સીટ રાખેલી હોય છે. ખાજો સોંગદ, કોઈ દી કોઈ કળમુઆ ધારાસભ્યને એસ.ટી.માં મુસાફરી કરતો દેખવામાં આવ્યો છે? એવું હોય તો આ બ્લોગની તમામ પ્રોપર્ટી એમના નામે કરી દેવામાં આવશે.

૨. અરે વાહ, આ લખાણ કનેક્શન લીધા પહેલા કેમ આપણને કહેવામાં નથી આવતું??

દંભ: ગાંધીનું ગુજરાત

* જ્યારે ગુજરાતમાં કંઈ નવા-જૂની થાય ત્યારે બાપુ ગુજરાતના. અને, બાકીના સામાન્ય દિવસોમાં બાપુ આખા વિશ્વના. દંભની પણ એક હદ હોય. ગાંધીજીએ આપેલા બધાં આદર્શોનું પાલન માત્ર ગુજરાતે જ કરવાનું? એમ તો દારુબંધી સિવાય બાપુ બ્રમ્હચર્યમાં માનતા હતા, માંસાહાર, એલોપથી તેમજ બીજી અનેક વસ્તુઓના વિરોધી હતા તો આખા ગુજરાતે નસબંધી કરાવવાની? કે એલોપથીની પ્રેક્ટિસ પર પ્રતિબંધ મૂકવાનો?

અપડેટ: છેલ્લાં વાક્યમાં થોડી ગરબડ સુધારી. થેન્ક્સ ટુ અમર.

પ્રવાસ: પાવાગઢ

* ગુરુ-શુક્ર સદંતર આરામ કર્યો. ગળું પેક અને તાવ. વર્ષો પછી તાવનો અનુભવ લીધો.. 🙂

* ખબર નહી છેલ્લે ક્યારે પાવાગઢ ગયો હતો (કોલેજમાંથી કદાચ?). પણ, પાવાગઢ ક્યારનુંય વિશલિસ્ટમાં હતું. આમેય મહાકાળી માતાજી અમારા કુળદેવી પણ એટલે કવિનને દર્શનનો લાભ આપવાનો જ હતો. એટલે, આગલા દિવસે નક્કી કર્યું કે કાલે પાવાગઢ જઈએ. ગુજરાત એક્સપ્રેસમાં વડોદરા આવ્યા, અને પછી એક જણાંને પૂછ્યું તો ખબર પડીકે બસ સ્ટેન્ડ નિઝામપુરા લઈ ગયા છે (જવાબ મળ્યો: અહીં ઈન્ટરનેશનલ બસ સ્ટેન્ડ બને છે! અને લગાવેલા ફોટા પરથી એવું જ લાગ્યું. હવે એ બને અને લોકો તેને સરખું રાખે ત્યારે ખરું!). કોકીએ કદાચ પહેલી વાર વડોદરા જોયું અને અમદાવાદથી ત્રાસેલા અમે એ વડોદરા રહેવા માટે કેવું એ વિશે એક નાનકડી ચર્ચા પણ કરી. વેલ, અત્યારે તો ખાલી ચર્ચા જ કરી છે! ત્યાંથી હાલોલ, ચાંપાનેર બસ દ્વારા અને ત્યાંથી દબાઈ-દબાઈને ભરેલા જીપડામાં માચી. રોપ-વેમાં જવાનું હતું કારણ કે, ઉપર કવિનને લઈને પગથિયાં ચડવાની મારી હિંમત નહોતી. કવિનને જોકે રોપ-વેમાં બહુ મજા આવી.

રોપ-વે પછી પણ પગથિયાં સારા એવા છે, પણ કવિને કંઈ કકળાટ ન કર્યો એટલે સરળતાથી દર્શન થયા. અને, થોડા સમય પછી નીચે જવા માટે પ્રસ્થાન કરવામાં આવ્યું. કવિન અને અમારા વચ્ચે રોજ થાય છે એમ કંઈ લઈ આપવા બાબતે સારું એવી ચર્ચા થઈ. આ રહી સાબિતી 😉

શું લેવું ન લેવું. એક ગહન ચર્ચા..

હોટલ ચાંપાનેર માં જમવાનું ઠીક-ઠીક હતું. કદાચ જમવા માટેનું એ એકમાત્ર સ્થળ છે. ફરી પાછાં જીપડા વડે ચાંપાનેર અને પછી ત્યાંથી સીધી અમદાવાદની બસ મળી નહીતર વડોદરાની મુલાકાતનો વિચાર હતો. પછી ક્યારેક. વડોદરા બસ સ્ટેન્ડ પર બ્લોગ વાચકે ઓળખી કાઢ્યો (હેલો, અમિત રાજન!) અને પછી અમદાવાદ આવતા પહેલા તેની જોડે થોડી ચર્ચા પણ કરી. કવિને અને મેં બપોરની રોજીંદી ઉંઘ બસમાં કાઢી એટલે અમદાવાદ પહોંચ્યા ત્યારે ફ્રેશ હતા. જોકે ઘરે જઈને થાક તો લાગ્યો જ હતો એટલે રાત પડજો વહેલી!

અપડેટ્સ – ૩૭

* પ્રતિકે ટ્વિટર પર સજેસ્ટ કર્યું કે હવે અપડેટ્સને નંબર આપો તો સારું. લો ત્યારે. માત્ર “અપડેટ્સ” શિર્ષક ધરાવતી પોસ્ટની સંખ્યા ૩૬ થઈ ગઈ છે (કવિન અપડેટ્સ, ટેક અપડેટ્સ વગેરે અલગ). એક રીતે સારું. પોસ્ટ સ્લગ પણ સરળ રહે.

* કવિનની પરીક્ષાનું ‘ટાઈમ-ટેબલ’ આવી ગયું છે. જોકે મને કે કવિનને કોઈ જ ટેન્શન નથી. આમેય હું ટેન્શન-ફ્રી વ્યક્તિ છું. (જરૂર પૂરતું ટેન્શન કરી લઉઁ છું.).

* દોડવાનું મસ્ત ચાલે છે અને મસ્ત પગ દુખી રહ્યા છે. No pain, no gain – એટલે બહુ વાંધો નથી. હવે પાંચેક કિમી સુધી વાંધો નહી આવે તેવું લાગે છે. વીકએન્ડમાં મોટું સાહસ કરવામાં આવશે તો અપડેટ્સ કરવામાં આવશે. PS: લોકમાન્યતાથી વિપરીત વસ્ત્રાપુર લેકનો એક આંટો 0.64 કિમી થાય છે!

* કિન્ડલ અને ફોન અત્યારે સાઈડમાં પડ્યા છે. વધુ છેડખાનીનો સમય મળ્યો નથી 😦

* આજની કહેવત: અબી બોલા, અબી ફોક.

ગુગલ મેપ્સ – ઉપ્સ!

* બહુ ભરોસો ન રાખવો. ગઈકાલે નીચેના નકશામાં બતાવેલી HDFC Bank શોધવા માટે હું બહુ રખડ્યો 😉

ગુગલ મેપ્સનું ઉપ્સ!

ટમી

* એટલે કે (પાપી) પેટ. લાગે છે કે થોડા સમયમાં જ જૂનાં જીન્સ કે નવાં લીધેલાં ફોર્મલ મોટા પડવા લાગશે 😉 થેન્ક્સ ટુ, નિયમિત વોક અને જોગ અને રન કહેવાય તો રન. અત્યાર સુધી કંઈ ડાયેટિંગ કર્યું નથી. જોકે મારી ફોર્મ્યુલા સરળ છે.

નિયમિત દોડવું + નિયમિત ટેન્શન (વત્તા થોડો ગુસ્સો) + નિયમિત જમવાનું = સપાટ પેટ. અજમાવજો, યાદ રાખશો 😉